ઉનાળોઃ રૂએ રૂએ રોમાંચનો અનુભવાતો ઉકળાટ
ગ્રીષ્મને આતે હી,
ચુરા લીએ
હમારે સારે કવચ...
એક લંબે અંતરાલ તક
હમ ઘીરે રહે ઈક
ગહરી, શ્વેત ખામોશી મે...
આહે ગુંથતી ગઈ
કભી ચોટિયો મેં
કભી જહાજ કે પાલો મેં!
જો સમંદર પર
લાતી હૈ હવાએ
વો જુદા નહીં હોતી હમ સે
એક નિગાહ કે અલાવા
હર કુછ અનંત હરિયાલી મેં
-માર્ગુસ લતિક
ઉત્તર યુરોપમાં પરીઓની કહાનીમાં હોય એવો એક ખૂબસુરત દેશ આવ્યો છે, ઈસ્ટોનિયા. આજ દેશના કવિ માર્ગુસ લતિકની ગ્રીષ્મ પર લખાયેલી કવિતાનો ઉપરોક્ત હિંદી અનુવાદ છે. ગ્રીષ્મ પર લખાયેલી કેટલીક શ્રેષ્ઠ કવિતાઓમાં જેને સ્થાન આપવું ઘટે એવી આ કવિતા સમય, સંજોગ અને સમસ્યા એમ ક્યાંય પણ ભારત સાથે મેળ ના ખાય એવા દેશની ગ્રીષ્મનું ઈસ્ટોનિયન વર્ઝન છે. ઈસ્ટોનિયન બેકગ્રાઉન્ડને લીધે એમા વિષાદ છે, વિલાપ છે. વલવલાટ છે. પણ, એ યુરોપની વાત છે. આપણી વાત અલગ છે. ગ્રીષ્મ ભારતમાં આવતાની સાથે જ રોમાંચક બની જાય છે. રોમેન્ટિક બની જાય છે. રસપ્રદ બને છે રંગદાર બને છે. કોઈ અફઝલ આશિકની જેમ જ. એને અંગ લગાડતા દાઝી જવાય. એની નજીક જતાં ઓળગી જવાય. એની આંખોમાં આંખો મિલાવતા અંજાઈ જવાય ને તોય ખુદની ફનાગીરી વહોરીને પણ એને આંલિગવો લેવો પડે એવો આ ઉનાળો. ગ઼ાલિબને યાદ કરીએ તો આગનો દરિયો એટલે આ ઉનાળો. એને અનુભવવા માટે એમા ડૂબવું પડે. ડૂબીને પાર થવું પડે.
શિયાળો જેટલો સેક્સી, ઉનાળો એટલો જ એક્સાઈટેડ છે. ઉનાળાનો કણ કણ ઉત્તેજક છે, એની ક્ષણ ક્ષણ ઉતેજ્નાત્મક છે. પરસેવે ભીના થયેલા વિજાતિય પાત્રના હાથમાં હાથ નાખીને અનુભવાતો આલ્હાદક અનુભવ એટલે ઉનાળો. લાલ ટમેટા જેવા થઈ ગયેલા ગૌર ચહેરા પર બાઝેલા પરસેવાના બિંદુએ સર્જેલું મેઘધનુષ એટલે ઉનાળો. ભીની ભીની પાંપણોએ વધારી દીધેલી આંખોની 'કુમળાશ' એટલે ઉનાળો. નાક અને ગાલની ગહેરાઈ વચ્ચેની ટપકતી ખારાશને પ્રિયાના હોઠના જામમાં ભરી પીવાનો 'પાવન અવસર' એટલે ઉનાળો. ગૌરવર્ણા ગળેથી દોડીને ને બે સ્તન વચ્ચેની ખીણમાં ખૂદી પડતો શરમનો શેરડો એટલે ઉનાળો. ને એ જ મખમલી છાતી પર અનુભવાતો 'ભીનો ઉકળાટ' એટલે ઉનાળો.
સંસ્કૃત સાહિત્યમાં ઉનાળાનું એવું ઉતેજનાત્મક વર્ણન કરાયું છે કે આજનો સુસંસ્કૃત સમાજનો પરસેવો છૂટી જાય. ભર્તૃહરિ 'શૃંગારશતક'માં ઉનાળાની ગ્રીષ્મનું વર્ણન કરતાં કહે છે કે
अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥
અર્થાત સ્વચ્છ તથા ચંદનના હળવા લેપથી ભીની ભીની થઈ ગયેલી મૃગનયનીઓ, ફૂવારા ધરાવતા ભવનો, ફૂલો અને ચાંદની, મંદ મદ વાતો વાયરો, વેલીઓ અને અગાસી. આ બધું ઉનાળામાં મદને અને મદન એટલે કે કામને ઉદ્દદિપક કરનારું બની રહે છે. ઉનાળાને આટલો એક્સાઈડે ગણાવ્યા બાદ પણ ન અટકતા ભર્તુહરી ઉનાળાના આગોશમાં સમાઈ જતા લખે છે કે
स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्विलसति लभन्ते सुकृतिन: ॥
મતલબ કે મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વિંઝળાથી ફેંકાતો પવન, ચંદ્રના કિરણો, ફૂલોની પરાગરજ, જળાશયો, મદ્ય ને મહેલોનો સ્વચ્છ એકલો ઓરડો, અહીં સાવ ઓછા વસ્ત્રો ધારણ કરીને બેઠેલી કમલનયની સુંદરીઓ, ઉનાળાની ઋતુમાં ભાગ્યશાળી હોય તેમને જ આ સુખ પ્રાપ્ત થાય છે.
***
મારી આ ફેવરિટ ઋતુ સાથે નાઈન્સાફી થઈ છે. બહુત નાઈન્સાફી. આગ ઓકતો સૂર્ય, લુણો લગાડી દે એવી લુ, રૂએ રૂએ દાઝ દેતાં વાયરાઓ ને આવા જ વર્ણનો સાથે ઉનાળાને આપણે ત્યાં વધાવવામાં આવ્યો છે. જાણે ઉનાળાનું નહીં પણ ઈન્ડોનેશિયાના કોઈ જ્વાળામુખીની વાત કરાતી હોય. ગુજરાતી સાહિત્યકારોએ પણ ઉનાળાને અત્યાચારી ગણાવામાં કંઈ બાકી નથી રાખ્યું. અમુક અપવાદો બાદ કરતા 'બળબળતી બપોર' કે 'જોગી જટાળા'માંથી એ ભાગ્યે જ બહાર નીકળી શક્યા છે. બાકી, શિયાળા અને ચોમાસાની જેમ ઉનાળો પણ 'મ્હાણવા'ની ઋતુ છે. અનુભવવાની ઋતુ છે.
ધાબા પરથી ઉતરી આવેલી 'રોમાંચક રાત' સીડી વાટે ઉતરી ક્યારે સવારના શરણે થઈ જાય એનો ઉનાળામાં ખ્યાલ જ ના રહે. સામાન્ય રીતે ઉનાળાને આળસ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પણ આળસુના પીરોય ઉનાળામાં સવાર સવારમાં ન્હાતા જોવા મળે ને એમા કોઈ નવાઈ પણ ના અનુભવાય. 'પિગળાવી' નાખતી બપોર એ ઉનાળાનું સૌથી 'હાર્ડકાર' ફોર્મ છે. પણ એ જ હાર્ડકોર ફોર્મમાં અજાણી હકીકત છુપાયેલી પડી છે. ઉનાળાની બપોરે ઉંચા ચડી ગયેલા નીલા આકાશને જોયું છે ક્યારેય? જાણે જીવ અને શિવનું મિલન થતું હોય એવું કોઈ ગુઢ રહસ્ય આ સમયે જ ઉજાગર થતું અનુભવાય છે. કદાચ આને જ અદ્વૈત કહેવાય છે!
બપોર એ ઉનાળાનું હાર્ડકોર રૂપ છે તો એનું સોફ્ટ સૌંદર્ય ખીલે છે સાંજે. ચોમાસા અને શિયાળા એમ બેયને આંટીને ફુલ માર્ક લઈ જાય એવી સાંજ એટલે ઉનાળાની સાંજ. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાં ઉનાળાની સાંજ સૌથી રોમેન્ટિક. અફકોર્સ, શિયાળામાં તો સાંજ જેવું કશું હોતું જ નથી. કાઠિયાવાડીમાં કહીએ તે રોંઢો થાયને સીધા જ અંધકારના ઓળા ઉતરવા લાગે એટલે શિયાળાની સાંજ પુરી. પણ, ઉનાળાની વાત અલગ. એનો વિલાસ અલગ. આખો દિવસ હિજ્રની હાલાકી ભોગવીને વિસાલ-એ-યારની ઘડી આવી હોય એમ ઉનાળાની 'હુંફાળી સાંજ' તમને આગોશમાં લેવા માટે બાહો પ્રસારતી દૂર ધુંધળી ક્ષિતીજને પાર ઉભી રહે. 'કહી દૂર જબ દિન ઢલ જાય...'
ઉનાળાની સાંજનો 'લુત્ફ' ઉઠાવવો હોય તો દરિયા કિનારે દોડી જવું. 'નર્મલી' રેતી પર બેઠા બેઠા પ્રિયપાત્રના ખોળામાં માથું મુકીને દૂર દરિયાઈ ક્ષિતીજને પાર ડૂબતા સૂર્યને નીહાળ્યા કરવો. કદાચ આને જ સ્વર્ગીય અનુભવ કહેવાતો હશે! 'ગર્મી કી શામ' હોય કે 'એક સાંજની મુલાકાત' ઉનાળાની આ જ સાંજ કવિઓની કલ્પનાઓમાં અને લેખકોની વાર્તાઓમાં ખીલી છે, સર્જી ઉઠી છે. ઉનાળાની તો રાતેય કેવી? ધાબા પર વાતો ઠંડો વાયરો ને ચારેય બાજુ ફેલાયેલી ચાંદની. આંખો સાથે આંખ મિચામણી કરતા તારલાઓ એ ઉનાળાની જ દેન છે ને! ઉનાળાની ચાંદની જોઈને મહેબૂબાને ચાંદનીની ઉપમા અપાઈ હશે! કદાચ એ જ ચાંદનીમાં 'કોઈ'ને 'કોઈ' સૌથી વધુ યાદ આવતું હશે! ઉનાળાની રાતે હાંસલ થતો આ લ્હાવો તો 'એન્ટેલિયા'ના નસીબમાંય નહીં હોય.
ને આ જ ઉનાળાના સૌથી મોટા આશીર્વાદ એટલે...? ઉનાળાની ટૂંકી રાતો... એકલતાનો અભિશાપ ભોગવનારાઓને માટે તો આ એક જ રાહત હોય છે, કે રાત વહેલી પુરી થઈ જાય. ને તોય કાનમાં ગુંજ્યા કરે 'દિન ઢલ જાયે હાયે રાત ન જાય...તું તો ના આયે તેરી યાદ સતાય '
(તસવીર: સાભારઃ ઈન્ટરનેટ, સંસ્કૃત શ્લોક અનુવાદઃ 'વાંચનયાત્રા'માંથી પ્રેરિત)