મતલબી મનવા !!
મતલબી હો જા ઝરા મતલબી ......
આ ગીતની પહેલી લાઈન કાનમાં પડતા જ મનમાં જાત જાતના વિચારો ઉમટ્યા. આ તે કેવા song ના lyrics લખ્યા છે. જે દેશ “ વસુધૈવ કુટુંબકમ ” ની ભાવના હતી અને હજી પણ ક્યાંક છે. તે દેશમાં લોકોને મતલબી થવાનું શીખવવામાં આવે છે. આ તે કેવું song બનાવ્યું છે , કે સ્વાર્થીપણાના પાઠો શીખવે છે આ લોકો ! એક તો સમાજ પેહલા જ ઉંધી દિશા એ ચડી ગયો છે અને એમાં આ વધારો કરવા બેઠા છે. અને આટલા વિચારોનો અંત થયો નહોતો ત્યાતો બીજી લાઈન કાન માં સંભળાય ...
“ દુનિયા કી સુનતા હૈ કયું,
ખુદ કી ભી સુન લે કભી ”....
મતલબી હો જ ઝારા મતલબી ....
જેમ ગાડી પાટા નીચે ઉતરતી હોઈ અને ડ્રાઈવરની સભાનતાથી મારેલી બ્રેકથી ટ્રેક પરથી ઉતરતા પેહલા અટકી જાય અને પછી સીધો રસ્તો પકડે એમ આ લાઈનએ મારા વિચારો ઉપર બ્રેક મારી અને જાણે આ કોક મને કેહ્તું હોઈ કે પેહલા સરખું સાંભળ અને પછી કઈ પણ વિચાર.. અને પેહલા આવેલા બધા વિચારોના વાદળો વિખરાય ગયા અને પછી એક નવા વિચારો તરફ મારા મને ગતિ કરી ....
ભલે ફક્ત બે જ લીટીઓ સાંભળી તોયે કેટલું બધું કહી દીધું ... અને મને લાગ્યું કે મેં કદાચ મારા વિચારોની જ સીમાઓ બાંધી હતી. અહી મતલબી શબ્દ નો કેટલો વ્યાપક અર્થ લેવામાં આવ્યો છે. ભલે આ એક પાર્ટી રોકિંગ સોંગ હોઈ પણ ઘણું બધું કહી દીધું છે. જાણે કોઈ પ્રેરણા આપતું હોઈને આજના દિશા ભટકી ચુકેલા પંચાતમાં વ્યસ્ત મુસાફરોને રાહ ચીંધાડતું હોઈ અને કહેતું હોઈ કે , “ તું ફક્ત તારું કર!”
મતલબી શબ્દનો અર્થ તમે પણ પેહલા મારી જેમ સ્વાર્થી કે તેને પર્યાય વાચી શબ્દોના અર્થમાં લીધો હશે , “ જે પોતાના ભલા માટે ગમે તેને છેતરી શકે છે અને ગમે તેને પોતાના સ્વાર્થના ઉપયોગમાં લઇ ને પછી છોડી છે , એવા લોકો કે ફક્ત પોતાના માટે જ જીવે છે અને પોતાનું જ વિચારે છે. પણ મને અહી આ મતલબી શબ્દનો અર્થ અલગ થતો હોઈ એવું લાગે છે. અને જો આવા મતલબી થવું મને પણ ગમશે. તમને થતું હશે કે આ શું ગોટા વાળે છે?
પણ આ દ્રષ્ટિકોણની વાત છે , આ વાત વિચારોની છે કદાચ તમે મારાથી સંમત થાવ પણ ખરા અને ના પણ થાવ એ વાત તમારા વિચારોની છે.
હા, તો વાત હતી “ મતલબી” શબ્દની . સ્વાર્થી ,પોતાના અર્થ માટે કોઈપણનું કોઇપણ પ્રકારે અનર્થ કરી નાખતા ન અચકાતો વ્યક્તિ .
અને આજકાલ આવી જ વ્યક્તિઓના રાફળા ફાટ્યા છે. અને કોઇપણ સંબંધ હોઈ તેમાં સ્વાર્થનો થોડો ઘણો સ્વાદ તો તમે ચાખ્યો જ હશે. કારણકે આજે માણસ થોડોક વધારે પડતો જ પ્રેક્ટીકલ થઈ ગયો છે તેના માં કદાચ ભાવનાઓની ઉણપ થઇ ગઈ છે ,પણ આ વાતને મૂકી દઈએ કારણકે આ વિષય ઉપર લખીએ એટલુ ઓછું પડશે. અને આજે મારે એવા માણસની વાતો નથી કરવી , પણ આજે મારે એવા માણસના માનસની વાત કરવી છે જે કઈ પણ વિચાર કરતા પહેલા, કઇક નવું કામ કરતા પહેલા અને જો ટુકમાં કહું તો કંઈપણ કરતા પહેલા એવું વિચારે છે કે મારા વિશે લોકો શું વિચારશે? હજી એકપણ પગલું પોતાના લક્ષ્ય તરફ ભર્યું પણ ના હોઈ અને હજી આરંભ નો પણ આરંભ કરવાનો પણ બાકી હોઈ એ પહેલા લોકોના પ્રતિભાવોને પોતાનું દર્પણ માની ને પોતાના “આત્મભાવોને” અજમાવવાનો પ્રયાસ શુદ્ધા કરતા નથી. અને આમ જ તે લોકો આરંભના આરંભમાં અધવચ્ચે જ અટકી પડે છે. આવા લોકોને બસ ડગલે ને પગલે લોકોના અભિપ્રાયોની જ ચિંતા હોઈ છે તેને પોતાના કામની ચિંતા ઓછી હોઈ છે અને જો કદાચ એ જે કામ કરવા જઈ રહ્યો છે તે કામમાં નિષ્ફળ જશે અથવા તો ધાર્યી સફળતા નહિ મળે તો ? ઉલ માંથી ચૂલમાં પડ્યા જેવું થશે તો ? આવા અનેક ડરના છાયા માં કેટલીક પ્રતિભાઓ છુપાઈ જાય છે એનું કારણ ફક્ત સમાજનો ડર હોય છે અને આપણો સમાજ પાછો કુશળ પ્રતિભાઓની શોધમાં ભટકતો હોઈ છે. અરે આજકાલ તો લોકો સવારે પોતાના કપડા પહેરતા પહેલા પણ એજ વિચારે છે કે લોકો પોતાના વસ્ત્રપરિધાન ઉપર શું કોમેન્ટ કરશે. જો આવી નાની નાની બાબતોમાં અભિપ્રાય ઉપર જીવતો માણસ આગળ કેમ વધી શકે?
એટલે જ કદાચ આ ગીતમાં કીધેલા શબ્દો વિષે મને લખવાનું મન થયું થોડાક માં કેટલું બધું કહી દીધું છે
મતલબી હો જા જરા મતલબી
દુનિયા કી સુનતા હૈ કયું ?
ખુદ કી ભી સુનલે કભી .
કુછ બાત ગલત ભી હો જાયે
કુછ દૈર એ દિલ ભી ખો જાયે
બેફીકર ધડકને , ઇસ તરહ સે ચલે ,
શોર ગુંજે યહા સે વહા..
સૂરજ ડૂબા હૈ યારો
દો ઘુટ નશે કે મારો
ગમ તુમ ભૂલા દો સારે સંસાર કે .......
મતલબી એટલે અહી કોઈની ટીકાઓ કે પ્રશંશાઓની પરવાહ કર્યા વિના બસ પોતાની મસ્તીમાં મશગુલ રહીને પોતાનું કામ કર્યે જાય અને સફળ થાય અને જો કદાચ ક્યાંક ઠોકર લાગે અને પડી જાય તો પણ કોઈના ડર વગર પોતાના જ ટેકે ઉભો થાય જાય.
કંઈપણ થઇ જાય તો પણ ડર કોનો ? પરવાહ કોની ? કઈ પણ અકલ્પનીય ઘટનાઓ બને અને પ્રતિકુળ સંજોગો સર્જાય ત્યારે થોડા સમય માટે માણસ નિરાશાના દરીયામાં ડૂબકી લાગે એ સ્વાભાવિક છે અને જો એ ડૂબકી ના લાગે તો પછી આશાનું મોજું પણ ના સર્જાય એટલે ક્ષણીક આ નિરાશાના દરિયામાં ડૂબકી લગાવી પણ જરૂરી છે પણ શું આ ડૂબકી મારી હોઈ , પછી શું તરતા શીખ્યા હોઈ , તરતા આવડતું હોઈ તો પણ ડૂબી જવાનું ? કિનારે મોકલતા આશાઓના મોજાને પણ નહિ જોવાના ?
માણસના જીવનમાં હતાશાની ઓટ નહિ આવે તો આશાઓની ભરતી કેવી રીતે આવશે? એટલે જ તો આ ગીતમાં કેટલું સરસ કીધું છે કે જયારે જીવનમાં એવું લાગે કે હવે સુર્યાસ્ત થવાની તૈયારીમાં છે ત્યારે બસ થોડાક હકારાત્મક વિચારો , થોડી ઉમ્મીદ , થોડો આત્મવિશ્વાસ , જરાક ધીરજ રાખી આ બધાનું સપ્રમાણમાં મિશ્રણ કરીને પોતાની મસ્તીમાં મશગુલ રહીને હિમત સાથે આ કરેલા મિશ્રણને પ્યાલા ભરીને પીવાની જરૂર હોઈ છે અને આ નશામાં ચુર થઇને વીતેલી ક્ષણોને ભૂલીને , આવનારી ક્ષણોની ચિંતા વગર વર્તમાનની મજા માણી સુર્યાસ્ત પછી થયેલા રાતના અંધારામાં પોતાના ઉજળા વિચારોના અને આત્મવિશ્વાસ અને પ્રયત્નોના દીવાના અજવાળે આ રાતને વિતાવી દેવાની હોઈ છે. અને સૂર્યોદયની પ્રતિક્ષા કરવાની હોઈ છે. જો અજવાળામાં જીવવું હોઈ સૂર્યના પ્રકાશની રાહ જોતા જોતા થોડાક ખુદના અજવાળા પણ કરવા પડશે.
નશો ફક્ત કેફી દ્રવ્યના કે નશાયુકત પદાર્થોના સેવનથી જ ચડે એવું જરૂરી નથી .નશો તો પોતાના વિચારોનો હોય છે પોતાની અંદર જાગેલા આત્મવિશ્વાસના જોશનો હોઈ છે અને આ નશો ચડે ત્યારે માણસ હારી ચુકેલો હોઈ છતાં હાર માનતો નથી અને તેના ભગીરથ પ્રયત્નો ની સામે “હારને પણ એકવાર હારવાનું મન થઈ જાય છે.” પણ આ સમય ગાળા દરમ્યાન સલાહ દેવા વાળા ઘણા બાજુમાં આવી ચડશે પણ તમારે શું કરવું એ ફક્ત તમારે નક્કી કરવાનું હોઈ છે કારણકે લોકો ફક્ત સલાહ જ આપશે સહારો આપે એવા લોકો બહુ ઓછા હશે. સમાજના લોકોની વાતો ના ડર થી ડરી જવા કરતા એ લોકોના મોઢા બંધ કરવા માટે આપણે આપણી મસ્તીમાં ચાલ્યા જવાનું. જયારે સફળતા મળશે ત્યારે આ સમાજના લોકો પછી તમારા આ શૂન્યમાંથી કરેલા સર્જનની વાતો કરતા નહિ થાકે. કારણકે લોકોને ફક્ત વાતો કરવા માટે કોઈ વિષય જોતો હોઈ છે.
હવે કદાચ મતલબી શબ્દ નો વ્યાપક શબ્દ સમજાતો હોઈ એવું મને લાગે છે, “ જે પોતાની મસ્તી માં મશગુલ હોઈ એ મતલબી.”
હવે થોડાક આગળ વધીએ તો ,
અતા પતા રહે ના કિસીકા હમે ,
યહી કહે હર પલ ઝીંદગી કા હંમે
કી ખુદ ગર્ઝ સી ખ્વાહીશ લિયે ,
બે ~ સાંસ ભી હુમ તુમ ઝીએ
હૈ ગુલાબી ગુલાબી શમા ...
સૂરજ ડૂબા હૈ..
ચલે નહિ ઉડે અસમાન પે અભી
પતા ના હો , હૈ જાના કહા પે અભી
કી બે મંઝીલે હો સબ રાસ્તે
દુનિયા સે ભી હો ઝારા ફાસેલે
કુછ ખુદ સે ભી હો દુરીયા ...
આહા!!! કેટલું બધું કહી દીધું , કણ માં મણને સમાવી લીધું . હવે આ પંક્તિઓનો વિસ્તાર કરવાની જરૂર લગતી નથી. સાવ સરળ ભાષામાં એક નવો રસ્તો ચીંધાળી દીધો છતાં મારા મનમાં ઉદભવેલા થોડાક વિચારોને હું નીચે મુકું છું. અને આ ફક્ત મારા વિચારો છે જરૂરી નથી કે તમે આ વિચારો તમારા વિચારો પણ બને અથવા તમારા વિચારોથી મળે કારણકે , “ તુંડે તુંડે મતિ ભિન્ન: ” છતાં પણ આ બાબતે થોડો વિચાર કરજો કે મતલબી વિષે તમારા વિચારો શું કહે છે .
જીવનમાં આવતી દરેક ક્ષણ આપણને એક જ વસ્તુ સમજાવે છે કે આ દુનિયા તારી છે, તારા થકી અને તારા માટે જ બનેલી છે, છતાં તું આ તારી આજુબાજુની દુનિયાના લોકોને ભૂલી જા અને ફક્ત તું તારું જીવન જો અને જીવ . તારી ઈચ્છાઓ , તારા સપનાઓ અને તારા લક્ષ્યોએ ફક્ત તારા છે અને આ બધાને પાર ઉતારવા અને સફળ બનાવા એ ફક્ત તારી જવાબદારી છે. ભલે કાફલા સાથે ચાલતા હોઈ, ભલે ભરચક ભીડમાં બેઠા હોઈએ બધાની વાતો સંભાળીને પણ કોઈની વાતોને વશ થયા વગર ફક્ત પોતાના મનની વાતોને પ્રાધાન્ય આપવું. અનેક લોકોની વચ્ચે પણ પોતાની અનન્યતા ને જાજરમાન રાખવી. અહી કોઈને દુખ આપીને કે , સમાજથી અળગા થઇને કે , બીજાઓને પાછળ રાખીને એકલા આગળ નીકળવાની વાત નથી પણ બધાની સાથે રહીને પોતાને માર્ગે ચાલવાની વાત છે. આ વાત એ , “સૌનો સાથ સૌનો વિકાસ” જેવી છે. સમાજ સાથે છતાં સમાજની અસરોથી દુર રેહવું . મને તો એવું લાગે છે કે માણસ પોતે પોતાની હારથી હારી જતો નથી પણ એ હાર માટે થતી લોકોની વાતોથી હારી જાય છે.
જયારે આપણે સમાજ અને દેશને બદલવાની વાત કરતા હોઈ ત્યારે સૌપ્રથમ આપણે પોતે બદલવું પડશે. જો આપણે ઈચ્છતા હોઈ કે આપણા મુશ્કેલીના સમયમાં સલાહો દેવા વાળા કરતા સહારો આપવા વાળા વધારે આવે તો પહેલા આપણે કોકનો સહારો બનવો પડશે. અહી હું અનેકતા માં અનન્યતા ને જાજરમાન રાખવાનું કહું છું એનો મતલબ એવો નથી કે આપણે બધાથી અલગ થઇ જઈએ જરાય નહિ! કારણકે માણસએ સામાજિક પ્રાણી છે અને જયારે તે સમાજ થી દુર જાય છે ત્યારે એ પતનની નજીક જાય છે. પરંતુ બધાની વચ્ચે રહીને કોઈની ટીકાઓની કે પ્રશંશા ઓની પરવાહ કર્યા વગર પોતાના ગોતેલા માર્ગે સતત ગતિમાન રહેવું. બધાજ રસ્તાઓ મંજિલ સુધી પહોચતા જ હોઈ જરૂરી નથી પણ રસ્તાઓની સફર ખુબજ આહ્લાદક હોઈ છે અને ઘણીવાર મંજિલ વગરના અવિરત રસ્તાઓમાં પણ ક્યાંક અધવચ્ચે મંજીલ મળી જતી હોઈ છે.
સિક્કાને બે બાજુ હોઈ તેવી રીતે કોઈપણ વાત , વિચાર કે ઘટનાને ફક્ત બે જ બાજુ હોઈ એવું જરૂરી નથી. ઘણી વાર એક જ દ્રષ્ટિકોણથી જોવાનું હોઈ છે એટલે કે સિક્કાની એક જ બાજુ જોવાની હોઈ છે અને ક્યારેક કોઈક ઘટનાને કે વિચારને ગગન સુધી વિસ્તરતા દ્રષ્ટિકોણથી જોવાની હોઈ છે એટલે કે આ વસ્તુનો વિસ્તાર ફક્ત સિક્કાઓની બે બાજુઓમાં સીમિત હોતો નથી એની સીમાઓ બધી દિશામાં વિસ્તરેલી હોઈ છે .માણસના વિચારોનું પણ કઈક એવું જ છે ક્યારે માણસના મનમાં કયો વિચાર ઉદ્ભવે એનું નક્કી નહિ. કઈ ઘટનાને માણસ ક્યાં દ્રષ્ટિકોણથી જોવે એ માણસોના વિચારો ઉપર આધાર રાખે છે. પણ અહી હું વાત કરૂ છું મતલબી બનવાની, એવા પ્રકારના મતલબી બનવાની કે બીજાના જીવનમાં દખલ નહિ દેવાની, કોઈની પણ પંચાત નહિ કરવાની કોઈ માણસના દુર્ગુણ અને બદલે સદગુણ જોવાના અને બસ પોતાની જ મસ્તીમાં મશગુલ રહેવાનું ! પણ શું આ પ્રકારના મતલબી બનવું એ આ વાત કરવા જેટલું જ સહેલું છે?
માણસ એ સંપૂર્ણપણે સ્વતંત્ર છતાં સંપૂર્ણપણે બંધાયેલો છે. આપણે બધા સમાજના નિયમોના બંધનોથી બંધાયેલ છીએ, આપણે બધા લાગણીઓના તાતણેથી કેટલાય પ્રકારના સંબંધોથી બંધાયેલા છીએ . અને આ સંબંધોના સહારે જ જીવન સુંદરતાને પ્રાપ્ત કરે છે. તો પછી આ બધાનો પ્રભાવ માણસ પર પાડવાનો જ છે પણ શું આપણે આપણી વિચાર પ્રથાને બદલી ન શકીએ ? શું હારી ગયેલા માણસોની હારની વાતો કરીએ તેને બદલે કરેલા પ્રયત્નોની વાતો કરીએ અને જો હારની વાત જ કરવી હોઈ તો ક્યાં ચૂક થઈ અને હાર થઈ એની સો ટકા સાચી વાસ્તવિકતા ફક્ત તે માણસ સાથે વાત ના કરી શકીએ? શું ટીકાઓને જળમૂળ માંથી કાઢી ના શકીએ? અને નિષ્ફળ ગયેલા માણસની નિષ્ફળતાની વાતો કરવા કરતા એ માણસને કેમ સફળતાની દિશામાં આગળ વધારવાની વાતો કરીએ . માણસની માનવતાને થોડીક તો જીવતી રાખીએ. આજે માણસ માણસ વચ્ચેનું અંતર ડગલે ને પગલે વધી રહ્યું છે ત્યારે શું આપણે આ વિસ્તરતા અંતરને મિટાવી ના શકીએ?
નકારાત્મક વિશ્વમાંથી નીકળીને આપણે એક નવા હકારાત્મક વિશ્વ તરફ પ્રવેશ કરીએ , એકબીજાના ટેકે ઉભા થઇ જઈએ અને એકબીજાના હાથ પકડીને દોડવા માંડીએ. એક નવા જ વિશ્વની કલ્પના કરીએ જ્યાં એકબીજા પ્રત્યે ક્રોધ, ઈર્ષા, નફરત, દ્વેષ, નફરત અને દુશ્મનીને સ્થાન જ ન હોઈ, જ્યાં ફક્ત લોકો પ્રેમ, સ્નેહ, કરુણા અને લાગણીના તાતણે બંધાયેલા હોઈ. કોઈ ઉચનીચ નહી, કોઈ જાતિવાદ કે ધર્મવાદ નહિ, કોઈ ભાષાઓની સીમાઓ નહિ બધા ફક્ત પ્રેમની ભાષાઓ જ બોલે. જ્યાં સાચા ખોટાના પારખા ન હોઈ , બધાજ પોતાની જિંદગીને મન મુકીને જીવતા હોઈ અને બધાજ પોતાની મસ્તીમાં મશગુલ હોઈ. માણસને માણસનો ડર ન હોઈ, કોઈ યુદ્ધની વાતો ન હોઈ અને શસ્ત્રના તો ક્યાય સરનામાં ન હોઈ બસ સત્ય, પ્રેમ, કરુણાથી ભરેલો માણસ હોઈ. અને માણસ ખરા અર્થમાં માણસ હોઈ.
What’s app પર થી મળેલા એક મેસેજ મુજબ કહું તો ,
“મુજ વીતી તુજ વીતશે એવું શા માટે કહેવું ?
મેં માણ્યું તું માણશે એમ ન કહી શકાય ?”
મતલબી મનવા એટલે કોઈની પરવાહ કર્યા વગર બધાની પરવાહ કરવી. સમાજના ભયને દુર કરવો. પોતાની નીજ્તાને ઓળખવી કોઈના પણ પ્રતિભાવોમાં આવવું નહિ અને કોઈ વિષે તરતજ અભિપ્રાયો આપવા નહિ. કારણકે ક્ષણે ક્ષણે માણસનો નવો જન્મ થાય છે. અને આ લેખમાં મેં ઘણી વાર કહ્યું તેમ પોતાની જ મસ્તીમાં મશગુલ રહેવું. જો આપણે લોકોને બદલવા હશે તો પહેલા આપણે પણ બદલવું પડશે.
સમય જેમ પોતાની ગતિમાં ગતિમાન છે અમ હવે આપણે પણ ગતિમાન બનીએ અને પરિવર્તનોને અવકારીયે.. બધા જ મતલબી બની જઈએ અનેકતામાં એકતા છતાં પોતાની નિજતા અને અનન્યતાથી જીવીએ..
અરે , ગીતની એક લાઈન તો એમ કહે છે , કે ખુદ સે ભી હો જરા ફાસલે મતલબ કે માણસની અંદર નો ડર , માણસે પોતે બાંધેલી સીમાઓ અને ક્યાંક માણસનું “હું પણું” એટલે કે માણસનો અહંકાર બધાની દુર ચાલ્યા જઈએ અને અને ખરા અર્થમાં માણસ એક માણસ તરીકે જન્મ લઈએ અને આ જિંદગીને પણ જીવતા શીખાડાવીએ....... શું કહેવું છે તમારું ?
અને છેલે છેલે ,
મોજ માં રે`વું, મોજ માં રે`વું, મોજ માં રેવું રે ...
અગમ અગોતર અલખધણીની ખોજ માં રેવું રે ...