Motivationnu Monetaizeshan in Gujarati Short Stories by Vipul Rathod books and stories PDF | મોટીવેશનનું મોનેટાઈઝેશન

Featured Books
Categories
Share

મોટીવેશનનું મોનેટાઈઝેશન

મોટીવેશનનું મોનેટાઈઝેશન

.....................................

-વિપુલ રાઠોડ

ભવ્ય ઓડિટોરીયમ હાઉસફુલ ભરાઈ ગયું છે. સીઝન્સ ક્લબનાં સભ્યો અને આમંત્રિતએ પોતપોતાના સ્થાનગ્રહણ કરી લીધા છે અને હમણાં સુધી ઝાંખો - ઝાંખો પ્રકાશિત હોલ હવે લાઈટ બંધ થવાથી અંધારીયો થઈ ગયો છે. આજે આ બધા લોકો એક જાણીતા મોટીવેશનલ સ્પીકર કુબેર નાણાવટીનું ભાષણ સાંભળવા આવ્યા છે. સામાન્ય રીતે કુબેરને સાંભળવા માટે લોકોએ કમસેકમ એકાદ હજાર રૂપિયાની ટિકીટ ખરીદવી પડે છે પણ આજે ક્લબનાં સભ્યોને તેનો મફત લાભ મળવાનો હતો. આ માણસનો એક એક શબ્દ કિંમતી ગણાતો અને એટલે જ ઉપસ્થિત શ્રોતાગણ તેમનાં શબ્દરત્નોથી પોતાની કાનરૂપી ઝોળી ભરી લેવા માટે આતુરતાપુર્વક સજ્જ થઈ ગયા હતાં. લોકોનાં મંદમંદ ગણગણાટ વચ્ચે હોલ એક ભારેખમ અવાજથી ગુંજી ઉઠ્યો. 'વેલકમ એવરીબડી...'

હોલમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. અંધકાર વચ્ચે સ્ટેજ ઉપર સફેદ પ્રકાશનો એક તીવ્ર શેરડો પડ્યો અને કાળારંગનાં સૂટ-બૂટમાં સજ્જ એક ઉજળો ચહેરો ધરાવતો તેજસ્વી માણસ હાથમાં માઈક લઈને ઉભેલો દેખાયો. સામાન્ય રીતે યોજાતા કાર્યક્રમમાં હોય તેવી કોઈપણ પ્રકારની ઔપચારિકતા વગર સીધું કુબેરે જ સ્ટેજ સંભાળી લીધું હતું. તેણે બોલવાની શરૂઆત કરી. 'અત્યારે પૈસો કમાવાની પ્રેરણા આપતાં પ્રવચનો સાંભળવા માટે લોકો ઘેંટાની જેમ ટોળે વળી જાય છે. જો કે આવી પ્રેરણા મેળવવા જતાં લોકો વાસ્તવમાં કોઈ ઉત્સાહનો સંચાર કરીને આવે છે કે ઘેરી નિરાશામાં ડૂબી જતાં હોય છે એ તપાસનો વિષય છે. ખેર... પૈસો જીવનમાં એટલો મહત્વનો નથી જેટલો આપણે માની બેઠા છીએ. એકબાજુ દુનિયા પૈસા પાછળ પાગલ બની છે અને એ બધા વચ્ચે આપ અહીં મને સાંભળવા આટલા મોટા પ્રમાણમાં એકત્ર થયા છો તે જ દર્શાવે છે કે હજી પણ જીવનને પૈસાથી ઉપરવટ લઈ જવા માટેની આશા મરી પરવારી નથી.'

'નાણા વગરનો નાથીયો અને નાણે નાથાલાલ...

આ કહેવત આપણાં માટે નવી નથી. આપણાં જીવન સાથે અનેક રીતે આ વાત વણાઈ ગઈ છે અને આપણે તેને સાર્થક કરવા માટે કોઈ કસર છોડતા નથી.પણ આ કહેવતમાં એક મૂળભૂત ખામી છે. વાસ્તવમાં આ કહેવત વ્યક્તિનાં પોતાના દ્રષ્ટીકોણથી નહીં પણ સમાજનાં પરિપ્રેક્ષ્ય, પસ્ર્પેક્ટીવમાં બનેલી છે. લોકો કેવી નજરે જોશે તેને આમાં વધુ મહત્વ આપવામાં આવેલું છે. વાસ્તવમાં જીવનને લોકોની નજરે નહીં પણ આપણી પોતાની નજરે જોવાની જરૂર છે, માણવાની જરૂર છે. જો આપણને નાથીયો રહેવામાં ખુશી મળતી હોય તો દુનિયાની નજરનો નાથાલાલ જાય તેલ પીવા...' આખાં હોલમાં હાસ્ય ફરી વળ્યું.

' મહાન ચિંતક રાલ્ફ ઈમર્સને એકવખત કહેલું કે...

પૈસો હંમેશા ખુબ મોંઘો પડતો હોય છે.

તેમની આ વાત સાથે હું સો ટકા સહમત છું અને મને આશા નહીં પણ વિશ્વાસ છે કે મારું આ લેક્ચર પુરું થયા પછી તમે પણ એગ્રી થશો. પૈસો પામવા માટે આપણે ખુશી અને શાંતિની આંતરિક અને નૈસર્ગિક ઝંખનાની કત્લેઆમ કરતાં રહીએ છીએ. સાયકલમાંથી સ્કુટર, સ્કુટરમાંથી કાર, કારમાંથી લક્ઝરી કાર... આપણે પૈસાની પાછળ જેટલાં વધુ દોડીએ, આપણી જરૂરીયાત એટલી જ વધુ વધતી જાય છે. જેટલાં હોય એટલા નાણા આખી જીંદગી ઓછા પડે છે... અને આખરે પૈસો કમાવા માટે જીંદગી ય ઓછી પડી જાય છે...' હોલમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. સ્હેજ અટકીને કુબેરે સ્ટેજમાં ચક્કર લગાવતા આગળ બોલવાનું ચાલુ રાખ્યું...

'મને ખાતરી છે કે તમારામાંથી એકપણ માણસ એવો નહીં હોય જે પોતાની પાસે જેટલું છે તેને પુરેપુરું માણી શકતો હોય. છે કોઈ અહી એવો માણસ જેણે પૈસાની આ જદ્દોજહદ વચ્ચે પોતે ખરીદેલી એક-એક ચીજનો પુરોપુરો ઉપયોગ કયો હોય? જેને પુરેપુરી માણી હોય?' કુબેર આટલું બોલીને અટક્યો... ફરી આગળ બોલ્યો 'જોયું... કોઈ જ નથી. વાસ્તવમાં આપણે જે કંઈપણ પામવા માટેની મથામણ કરીએ છીએ તે આપણા જીવનમાં કેટલું મહત્વનું છે એ જાણવાનો પ્રયાસ જ આપણે કરતાં નથી. બસ... મારે આ જોઈએ... એવી લાલસામાં આપણે દોડ્યા કરીએ છીએ. ક્યારેય વિચાર્યુ કે આપણી ખરેખરી જરૂરીયાત શું છે? કેટલું દોડીશ તો સંતોષ મળશે? મારો કહેવાનો મતલબ એવો હરગીજ નથી કે મની ડઝન્ટ મેટર. નાણાંનું પોતાનું વિશેષ સ્થાન છે આપણી લાઈફમાં પણ... તેનું મહત્વ લાઈફથી વધુ નથી.' ફરી તાળીઓથી હોલ ગુંજ્યો.

'આપણે આપણી જીંદગી જીવી શકીએ, જાણી શકીએ... માણી શકીએ એટલું કમાવા માટે મહેનત કરવી જ જોઈએ. પૈસો આપણાં ઉપર હાવી થઈ જાય એવી આંધળી દોટ આપણને આજે આવા સ્થાને લાવીને ઉભા રાખી ગઈ છે. આંખ ઉઘાડવાની જરૂર છે.'

'જોનેથન સ્વીફ્ટે ખરું જ કહેલું કે પૈસો દિમાગમાં હોય, દિલમાં નહીં. આપણું દિલ કાયમ ખુશી ઝંખતું હોય છે. આ ખુશી કદાચ લારીએ પાણીપુરીમાં હોય અને ફાઈવસ્ટાર હોટલનાં ડીનરમાં ન પણ હોય ! સંતોષ ચાર-પાંચ જૂના મિત્ર સાથે ગપ્પા મારવામાં હોય અને હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ન પણ હોય. સ્પાઈક મીલીગને એકવાર કહેલું... પૈસાથી મિત્ર નથી ખરીદી શકાતા, હા... દુશ્મનો આપોઆપ પેદા કરે છે પૈસો. આ વાતમાં જરાપણ અતિરેક નથી. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ આપણાં લોહીમાં ભળી ગયું છે. અમૂલ્ય જીવનનું એનાલીસીસ કરીને આવા અશુદ્ધ બનેલા લોહીનું ડાયાલીસીસ કરવાની જરૂર છે. પૈસાનો દાસ નથી બનવાનું પણ પૈસાને દાસ બનાવવાનો છે. દાસ આપણે કહીએ એટલું જ કરે. આપણાં ઘરમાં એક કામવાળાની જરૂર હોય તો આપણે દસ નથી રાખતાં. આવી જ રીતે આપણે કેટલાં પૈસાની ખરી જરૂરીયાત છે એ જાણી, સમજીને તેની પાછળ દોડવું જોઈએ.' ફરીથી હોલ તાળીઓ અને વાહવાહીથી ગાજી ગયો.

'આજે પૈસાદાર થવાનાં કીમીયા આપતાં મોટીવેશનલ સ્પીકરોનો રાફડો ફાટ્યો છે. આ બધા વચ્ચે મારા જેવા જીવનનો ખરો મર્મ સમજાવનારાની અછત છે. હું ઈચ્છીશ કે મારા જેવા હજારો પાકે... તમારામાંથી પણ કોઈ મારા સ્થાને આવીને લોકોને સાચો માર્ગ દેખાડવા ઉભા થાય.' ફરીથી હોલમાં તાળીઓ વાગે છે અને પ્રકાશનાં શેરડામાં કુબેર સ્ટેજ ઉપર આંટાફેરા કરતાં કરતાં આગળ બોલવાનું ચાલું રાખે છે.

' મારું માનવું છે કે સિકંદર અસલમાં દુનિયા જીતી ગયો એટલે મહાન નહોતો પણ છેલ્લી ઘડીએ તેને થયેલા પરમજ્ઞાનનાં કારણે તે મહાન છે. દુનિયાભરનો વૈભવ તેનાં પગ નીચે હતો પણ તેને છેલ્લે ખબર પડી કે આમાં તેને મળ્યું શું? શું વળ્યું ? આખરે તો ખાલી હાથે જ જવાનું છે. મર્યા પછી પોતે ખાલી હાથ જાય છે એ દેખાડીને જ સિકંદર મહાન બન્યો છે. આપણે સિકંદરનાં જીવનમાંથી પ્રેરણા લઈએ છીએ અને જીવનરૂપી જંગ જીતવા મારકાટ કરતાં રહીએ છીએ... વાસ્તવમાં સિકંદર પણ ખાલી હાથ ગયો હતો અને જીંદગી માણી નહીં શકવાનો તેનો વસવસો વધુ પ્રેરણારૂપ છે. આપણે સિકંદર બનવાનું છે પણ એવો મુર્ખ સિકંદર નહીં જે જીંદગી જીવ્યા વગર બીજાને મારવામાં પોતાનું જીવન ખલાસ કરી નાખે. આપણે એવો સિકંદર બનવાનું છે જે સંતોષ જીતે. જીવન જીતે. જીંદગી જીતે...' હોલ અસ્ખલિત તાળીઓથી ગુંજતો રહ્યો. પ્રકાશનો શેરડો બંધ થતાં કુબેર અંધારામાં અલોપ થઈ ગયો અને હોલમાં લાઈટ શરૂ થઈ ત્યારે સ્ટેજ ખાલી હતો. લોકો ભાષણ સાંભળીને પરમ સંતોષ સાથે બહાર નીકળવા લાગ્યા.

ઓડીટોરીયની ઓફિસમાં સીઝન્સ ક્લબનાં ચેરમેન અજયભાઈએ કુબેર સાથે લાંબુ હસ્તધૂનન કરતાં મોટા અવાજે કહ્યું... 'વાહ દાદા ! જમાવટ કરી દીધી. આંખો ઉઘાડી દીધી. આ વરસમાં જ અમારી ક્લબ તમારા વધુ લેક્ચર રાખશે. આશા રાખીશ કે આપ સમય આપશો...' આટલું બોલીને અજયભાઈએ કુબેરને પોતાના ખિસ્સામાં રહેલું એક કવર આપ્યું.

હસતા-હસતાં કુબેરે એ કવર સ્વીકારતાં કહ્યું 'અરે ચોકક્સ અજયભાઈ આપ કહો ત્યારે હાજર... હા એક મહિનો એડવાન્સ જાણ કરજો. એટલે મને પ્રોગ્રામ એડજસ્ટ કરવાનો ખ્યાલ રહે.' પોતાના હાથમાં રહેલું કવર ખોલીને કુબેરે અંદર રહેલો ચેક બહાર કાઢ્યો. તેના ઉપર લખાયેલો આંકડો જોઈને તેનાં ચહેરાનાં ભાવ બદલ્યા અને તેણે થોડા કડક અવાજમાં કહ્યું, 'અજયભાઈ મેં તમને પહેલા જ કહેલું કે હું એક બીજું મોટું ફંકશન છોડીને અહીં આવું છું. મારો રેગ્યુલર ચાર્જ પણ પચાસ હજાર રૂપિયા છે અને આ તો ફક્ત પચ્ચીસનો ચેક છે !!'

'કુબેરભાઈ આ વખતે આટલું સ્વીકારી લો... આવતી વખતે હું એડજસ્ટ કરાવી આપીશ...' અજયભાઈએ વિનંતીનાં સૂરમાં કહ્યું.

'નહીં અજયભાઈ, હું મારા ચાર્જમાં કોઈ બાંધછોડ કરતો નથી. આવી રીતે થવાનું હોય તો બીજો કાર્યક્રમ નક્કી કરતાં પહેલા આપણે વિચારવું પડશે..' કુબેરનો આકરો સૂર સાંભળી અજયભાઈ મુંજવણમાં પડી ગયા...

...................................