ટોઇલેટનામા!
ટોઇલેટ.
ગુજરાતીમાં સંડાસ.
મારી પ્રિય જગ્યા!
એમાં પણ ઇન્ડિયન બેઠું ટોઇલેટ... અહાહા...ત્યાં જે ફોર્સથી ત્યાગ કરી શકો એ ફોર્સ તમને વેસ્ટર્નની અંદર ક્યારેય ન મળે. :P
અને ઇન્ડિયન બેઠા ટોઇલેટ કરતા પણ પાવરફૂલ છે: કુદરતના સાનિધ્યમાં થતો ત્યાગ! ખમ્મા ખમ્મા...મેં અત્યાર સુધીમાં ત્રણ જગ્યાએ એકએક વાર આ આનંદ માણેલ છે: ૧) ખેતરમાં ૨) ઘરની પાછળ ઉથરેટી હતી ત્યાં અને ૩) નદી કિનારે!
સૌથી શ્રેષ્ઠ નદી કિનારો હોય છે....કારણકે પાણી ત્યાં પુષ્કળ હોય છે. મારે પુષ્કળ પાણી જોઈએ. એ સિવાય મજા ન આવે.!
પણ ટોઇલેટ કોઈની પ્રિય જગ્યા કઈ રીતે હોઈ શકે?!
હા...એક કારણ એ પણ છે કે ટોઇલેટ જઈને જયારે બહાર નીકળું ત્યારે મને જગતનું એક સનાતન સત્ય સમજાય છે કે : " આ જગતમાં ત્યાગમા જેવી મજા છે એવી સંઘરવામાં નથી. "
પણ એ સિવાય ઘણા બધા કારણ છે. સૌથી મોટું: સંડાસમાં મને ક્રિએટીવ વિચારો આવે છે. સાચે. હું એન્જીનીયરીંગ હોસ્ટેલમાં હતો ત્યારે મારી હોસ્ટેલના ટોઇલેટમાં અંતર-સ્ફૂરણા થઇ હતી અને સતત પોણા કલાક સુધી હું બેઠો રહ્યો હતો. આખી નોવેલનો આઈડિયા મને સંડાસમાં આવેલો. એ જ રીતે હાલ જે બીજી નોવેલ લખી રહ્યો છું તેનો આઈડિયા પણ મને વડોદરા મારી રૂમના ટોઇલેટમાં આવેલો. મેં બે વરસમાં ટોટલ બાર નોકરી કરી છે, પણ દરેક નોકરી છોડવાનો વિચાર મને ટોઇલેટમાં આવ્યો છે! નવી નોકરી કેમ શોધવી એ પ્લાનિંગ પણ ત્યાં.
હોસ્ટેલમાં હતો ત્યારે તો વિચારોનો એવો સખત ધોધ આવતો કે હું ટોઇલેટમાં ડાયરી લઈને જ જતો!
થોડી ઉત્ક્રાંતિ થઇ પછી ડાયરી બંધ કરી અને ફોન લેતો જતો. ફોનમાં રેકોર્ડર રાખું અને બહાર કોઈને સંભળાઈ નહી એ રીતે જેટલા પણ વિચારો આવે એને મુદાસર રેકોર્ડ કરી લઉં. મેં ભૂતકાળમાં કરેલા વિચારોના રેકોર્ડીંગના નામ પણ Shitty ideas -1 , Shitty ideas -2 એવા આપેલા!
હા...એ ટોઇલેટ જાણીતું હોવું જોઈએ. અજાણ્યા ટોઇલેટમાં મને કોઈ ક્રિએટીવ વિચાર ન આવે. બસ સ્ટેન્ડ કે રેલ્વે કે મ્યુનિસિપલના ટોઇલેટમાં તો મને પાણી ખતમ થવાનો અને બહાર હાથ ધોવા સાબુ હશે કે નહી એ બે વસ્તુનો ખુબ જ ડર લાગે.
જોકે આજકાલ હું ગમે તે અજાણી જગ્યાએ જાઉં પહેલા ટોઇલેટની ચોખ્ખાઈ જોઈ લઉં અને કોઈને ખબર ન પડે એમ ટોઇલેટમાં જઈને બે-ત્રણ વસ્તુ ચેક કરી લઉં :
૧) પાણી સતત આવવું જોઈએ.
૨) પિચકારી હોય તો એમાં પ્રેશર હોવું જોઈએ
૩) ખૂણામાં ગરોળી ના હોવી જોઈએ.!
જો આ ત્રણ માંથી એક ક્રાઈટેરીયા પૂરો ન થતો હોય તો આપડે ત્યાં વધુ રોકાવાનું નહી, અને રોકાવું પડે તો વધુ ખાવું નહી!
ટોઇલેટના ખૂણામાં રહેલી ગરોળીની મને એટલી બીક લાગે કે મારા ગામડે મારા બા કે બાપુજી જ્યાં સુધી સાવરણી લઈને ગરોળી કાઢી ના આપે ત્યાં સુધી આ બંદો છી રોકી રાખે! અથવા ઇન વર્સ્ટ કેસ...પાડોશીને ત્યાં જઈ આવે!
જોકે ટોઇલેટ સાથેની મારી દોસ્તી એટલી જામી છે કે આવું લખતા પણ શરમાતો નથી. તમને પણ કહી દઉં: જીવનના કોઈ પણ નિર્ણયમાં બધાને પૂછ-પૂછ નહી કરવાનું. સવારમાં સંડાસ જવાનું. કોઠો ખાલી થવા દેવાનો. ઉપર છત તરફ જોવાનું, અને જે કઈ પણ વિચાર આવે એને અમલમાં મૂકી દેવાનો. કારણ? કારણકે કોઠા માંથી જે સુઝે એને 'કોઠાસૂઝ' કહેવાય. ઈંગ્લીશ માં Intuition! માંહલો ખાલી થયા પછી જે વાત નીકળે એ પેટની વાત કહેવાય. અને પેટમાં છુપાયેલી વાત ખોટી ના હોય!
એની વે... સાયંસ એમ કહે છે કે જમવાનું, વાંચવાનું, અને બે નંબર જવાનું... આ ત્રણ એવા અલ્ટીમેટ પ્લેઝર છે કે એ કરતી સમયે તમારે બીજું કશું જ કરવું ના જોઈએ
વેલ..આ સિધ્ધાંતમાં હું ખુબ જ મજબૂતીથી માનું છું!
ટોઇલેટમાં કશું જ નહીં કરવાનું.
કશું જ નહીં.
આ એક એવી આધ્યાત્મિક પ્રક્રિયા છે કે જેમાં જેમ આંતર ખાલી થઇ રહ્યું હોય એમ અંતર પણ ખાલી હોવું જોઈએ. અંતર મીન્સ મન. મનમાં કોઈ બીજા વિચાર નહીં. મોબાઈલ તો જરાકેય નહીં. મોબાઈલના આ જગતમાં જનમ્યા પછી આ જગતની માનવજાત ઘણું બધું મિસ કરી રહી છે. એ બધા માં સૌથી મોટી ભૂલ આપણે કરી રહ્યા હોય તો એ છે ટાઈમપાસ કરવાની!
હા....કોઈને મોબાઈલ વિના ટાઈમ પસાર થતો નથી! દરેકને કશુક જોઈએ છે જેમાં તેમનું મન લાગેલું હોય.
આ આપણી સૌથી મોટી ભૂલ છે.
આ કુદરતમાં જોઇને ટાઈમપાસ જેવો શબ્દ વાપરતા જોયા?
આ દરિયો, નદીઓ, ડુંગરો વર્ષોથી ત્યાં જ બેસીને જીવી રહ્યા છે. એને ટાઈમપાસ ન કહેવાય. બુધ્ધ જો પોતાના ધ્યાનને ટાઈમપાસ કહેતા હોત તો ક્યારેય બુદ્ધ બની જ ન શક્યા હોત.
આજકાલ માણસો ટોઇલેટમાં પણ સમય પસાર કરવા મોબાઈલ લઈને જાય છે.
ફરીથી કહી દઉં...આ મોબાઈલના વધુ પડતા ઉપયોગને લીધે આપણે બધા જ ભૂલી રહ્યા છીએ કે આ જગતમાં એવો સમય પણ હતો જયારે માણસો કોઈ જ કામ વિના બસ એકાંતમાં બેઠા રહેતા.
કશું જ નહીં.
ખોટા વિચાર નહીં, ખોટી વાતો નહીં.
કોઈ પ્રોડક્ટીવ કામ પણ નહીં કરવાનું પછી ક્યાં વાત છે.
મારે માટે ટોઇલેટ એક એવું મંદિર છે જ્યાં જઈને બસ કશું જ કરવાનું નહીં! કોઈ પ્રયત્ન નહીં કરવાનો! જે થાય છે તે થવા દેવાનું! જે અંદરથી ઉદભવે તે પામી લેવાનું!
હા...પછી જુઓ. તમારી અંદરનો માંહલો કેવી સરસ મજાની વાતો કરે છે જાત સાથે.
બીજી એક વાત: ક્યારેક જો શક્ય હોય તો છી કરવા જાઓ ત્યારે મ્યુઝીક ચાલુ રાખવું. એકદમ શાંત અને સ્થિરતા ભરેલું મ્યુઝીક. ખુબ મજા આવશે. એકાંત અને મ્યુઝીકને પણ એક તાંતણે જોડવાથી એક મુક્તિ મળે છે જે શબ્દો વડે સમજાવી ન શકાય.
હા...ટોઇલેટના અમુક નિયમો સમજાવી દઉં:
૧) ક્યારેય સિગારેટ પીઈને ટોઇલેટ જવાની ટેવ ના પાડવી! કારણ? કારણકે એ લત પછી તમારું પેટ સિગારેટનું એવું વ્યસની થઇ જાય કે સિગારેટ વિના સિગ્નલ જ નહીં આપે.
મારે એ અનુભવ થયેલો એટલે સિગારેટ મૂકી દીધી
૨) સવારમાં કોઠાને ખાલી કરી દેવાનો. સવારમાં જે ખાલી પેટ હોય એ પછી કોઈ અગત્યનું કામ કરવાનું. હું રોજે લખવા બેસી જાઉં. એની મજા જ અલગ છે! હાથમાં ચા નો કપ હોય અને ખાલી પેટમાં ગરમ ચા જતી હોય અને મસ્ત એવા મ્યુઝીક સાથે જે લખવાની મજા આવે છે કે હવે એની પણ લત લાગી ગઈ છે!
જે દિવસે આ પ્રક્રિયા ના કરી હોય એ દિવસે ક્યાય મજા ન આવે. મારા પ્રિય લેખક neil gainman નું એક વાક્ય છે: on a good writing day, nothing matters.
હા....અને એક વાત રહી ગઈ:
જમતી વખતે ક્યારેય મોબાઈલ ન વાપરવો. અનુભવ એમ કહે છે કે જમતી સમયે જમવામાં ધ્યાન આપ્યા સિવાય કશું પણ કરો એ પેટને ગેર માર્ગે દોરે છે અને જયારે પેટ ગેરમાર્ગે દોરાય ત્યારે શું નું શું થાય એ પણ અનુભવ કરી લેવો.
પેટનો ગેરમાર્ગ એટલે કબજિયાત.
હા...જી આ મારી થીયરી નથી. જમતી સમયે જો ટીવી કે મોબાઈલ વાપરો તો કબજિયાતના ચાન્સ વધુ છે! અને કબજિયાત ના દિવસોમાં નળ પકડીને પ્રેશર કરતા હોવ ત્યારે ક્રિએટીવીટી મરી જતી હોય છે!
અને છેલ્લીવાત: કાલે સંડાસમાં જઈને તમે પાકું મને યાદ કરશો.