Prem - Shayari - Kavita 5 in Gujarati Poems by Archana Bhatt Patel books and stories PDF | પ્રેમ શાયરી કવિતા 5

Featured Books
Categories
Share

પ્રેમ શાયરી કવિતા 5

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : પ્રેમ - શાયરી – કવિતા- 5

શબ્દો : 1576

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

1.

સતત અંધારામાં રહી અજવાળા ભૂલી ગયાં
અજવાળા સામે છતાં અંધારામાં ખૂંપતા ગયા

બોલતાં બોલતાં મૌન થઈ બોલવાનું ભૂલી ગયાં
મૌન કહ્યાં કરે ઘણું ને સાંભળવા તેને સુણતા ગયાં

ભૂલવાનાં પ્રયત્ને યાદ રાખવાનું ભૂલતાં ગયાં
તમે યાદ આવતા ગયાં અમે જાતને ભૂલતા ગયાં

સાજના તાર છેડવાને કાજ દિવસોને ભૂલી ગયાં
શબ્દો બન્યાં પોતાનો જ સાજ ગીતો ગવાતાં ગયાં

પ્રેમની ભક્તિ ને તેનીય પૂજામાં પ્રેમને ભૂલી ગયાં
પ્રેમમાં જ ભૂલ્યાં ભાન ને પ્રેમમાં પૂજાતા ગયાં

જીવન જીવવાની આશમાં મરવાનું ભૂલી ગયાં
મૃત્યુની રાહ જોયાં કરી મરતાં મરતાં જીવતાં ગયાં
2.

વણશોધી વાર્તા કહી જતી તારી આંખો
મારી આંખની કવિતાએ છલકે સખી તારી આંખો

ચકળવકળ થઈ હંમેશ કંઈ શોધતી તારી આંખો
વિહવળ બની મનને વ્યાકુળ કરતી તારી આંખો

ક્યારેક ઐશ્વર્ય તો ક્યારેક આછું સ્મિત ને પછી
કોક કોક વાર મીઠાં ઠપકાં આપી જતી તારી આંખો

સાંભળ્યું છે કે આંખમાં ચરિત્ર છે સમાયું આપનું
વણ ઉકલ્યાં ભેદે મનને વેધી જતી તારી આંખો

વગર કામનાએ પણ સળગતી રહી પ્રેરતી અને
સિધ્ધીને હંમેશ ખેંચતી કલ્પાતી તારી આંખો

પતંગિયાની પાંખે છુપાયું સખી સ્મિત તારું
પતંગિયાની જ પાંખ સમી ચંચળ સખી તારી આંખો

ખુશી તો આવતી હંમેશ ઊંડા અનુભવોથી પણ
નિર્દોષતાથીય મનના ઊંડાણને કોરી ખાતી તારી આંખો

3.

પગથારે ઊભા અમે પ્રેમની ને તોય પાછી
વહેંચણી તો કરીએ અમે વ્હેમની

લાચારી નહીં છતાં અનરાધાર વરસતાં
રાહમાં ને રાહમાં આપનાં ક્હેણની

વિવશતા છલકે આંખમાં, સ્પર્શે ને તોય
ઉત્કંઠા રહી ભોગ આપવા તેમની

પીડતાં હતાં સંજોગો વિશ્વનાં ને તિરસ્કારે
શોભતાં રહ્યાં નફરતે અમે પ્રેમની

શુધ્ધતા મેળવવા પોર્સ્ટમોર્ટમ કરી પાછા
પૂજા તો કરતાં પેલાં મેલની

આરતી ઉતારી માનવ બંધુની પૂજવા છતાંય
પૂજા પામ્યા મિત્રતા આપની મેળવી
4.

માળા તું મોતીની કર વણવણ
કે તેમાં પ્રેમનેય થોડો તું વણ

ઉછીનાં આયખે જીવતું આ જણ
ને તોય દંભ જરી ન છોડે આ જણ

વધતો જતો બોજ રોજ મણમણ
મણનું આ જીવન ને તોય મથામણ

કીડીને કણ ને હાથીને મણ
તો શાથી આપણ વચાળે આ પણ ?

છો માટીનું કહેવાય આ સોનેરી કણ
હો જો આપણ વચાળે તો એ રણ
5.

મૌન તારા હોઢ ને આંખડીઓ બોલે
તોય કેમ કંઈ થાય નહીં મારા તે રુંવે ?

મનમાં સ્મરાય શિવ ભમભમ ભોલે
તોય કૈલાસનું અંતર કેમ આજ ચૂવે ?

છે ઝાંઝવાનાં જળ એમ વીરડીઓ બોલે
તો છળ વચાળે કેમ આંખડીઓ રુવે ?

મિત્રો મળ્યા'તા સહુ ટોળે તે બોલે
કે કેમ પાસ નહીં આજ કોઈ તારી ઢૂંવે ?

ટહુક્યા મોર ને આજ વનરાજી ડોલે
તોય મારી આંખે કેમ અષાઢીઓ રુવે ?

6.

કંઈ કહી એ શકાય નહીં આજ
કે પાંગરી'તી પ્રીત પેલા રાજને કાજ

રાજમાં હું રાચું ને રાજમાં જ વિરમું
પછી વાગ્યા'તા ઢોલને સાજ

મંડપ સંભારણાં ને પ્રીત ડોર પાકી
પછી થઈને રહ્યાં'તા રાજ રાજ રાજ

બદલાયું જીવનને દોડી આ જિંદગી
હવે આવશો ફરી મા આ આજ

7.

કહેવું'તું કેટલુંય ને તોય થઈ ગ્યાં'તાં સુન્ન
હવે બોલો કેમે કહેશું કંઈ આજ ?

બોલવું ન્હોતું ને બોલાયું આજ
કે પોતાનાં મનને કળાયું આજ

હંમેશા રહ્યાં રાજ સાજ ને કાજ
કે મનના મંદિરને હવે તો માંજ

આંખનાં આંસુને હવે આંજણથી આંજ
કે ફરી આવશે નહીં આ આજ

આજ આવી જ ગયો છે જ્યાં માથે આ તાજ
કે શું જતોય રે'શે કાલે પાછો આ તાજ ?

ઢૂંઢવી દિશા હવે મંઝિલને કાજ
કે શાથી રહું વંચિત પોતાને જ કાજ ?
8.

મિત્રતા થઈ છે સસ્તી ઘણી
ને મેળવી દુશ્મની પ્રેમથી ઘણી

લાગ્યાં કરતું નિકટતમ્ સંબંધને આપણાં
દૂરતા પડી ગઈ છે હવે મોંઘી ઘણી

હંમેશ પ્રેમ સ્નેહ સાચવવાનાં ભ્રમ માત્રથી
વધી ગઈ વ્હેમ સંગે શંકાઓ ઘણી

સ્પર્શ રહ્યો પ્રેમનો માત્ર બસ સાથમાં
ને રડવા લાગી છે સુરાહીઓ ઘણી

આજ ભ્રમનાં સહાર તરી જાશું માની
નાવ ડોલી રહી છે ભયંકર મઝધારે ઘણી
9.

મન છે આ તો મન છે
વલોવાય ક્યાંક વલોપાત વગર

અહીં તહીં ને ત્યાંય પણ
નકોઈ દુઃખ કે પછી દર્દ વગર

તોય ન દેખાય એ ક્યાંય પણ
દુઃખ ન રહે ક્યાંય પડદા વગર

બદલે કળાઓ હજારો એ ચંદ્રમા સમ
ને તોય જીવે ક્યારેક સાવ મન વગર

વાદળ અષાઢીને તોય જળ વગર
વરસતાં અનરાધાર એ કારણ વગર
10.

આપણી વચાળે એક દરિયો
એનાં મોજાંની સંગ સખા હું રે કૂદું ને પછી

હું રે નાચું ને તોય
કિનારે પછડાટ ના હું પામું...!

દરિયો દરિયો દરિયો ઓલો દરિયો
એનાં મોજાંની સંગ સખા હું રે લોભાણી

ને હું રે ગઓ ગાતી ને તોય
કિનારે પછડાટ ના હું પામું...!

દરિયો દરિયો હતો વચાળે ઓલો દરિયો
એનાં મોજાંની સંગે ને પવનના તાલે

ક્ષણક્ષણ વિકસતી હું ચાલું ને તોય
કિનારે પછડાટ ના હું પામું...!

લાગણીનાં ઘૂઘવ્યાં તાં ઘોડાપુર મનમાં ને
શમણાં સમેટતી જ્યાં ચાલું

આજ હૈયે આનંદ અનેરો હું ઝાલું ને સખા
તુજ કિનારે પછડાટ ને હું પામું....!!!

11.

આજ હૈયે છે ઠંડક ને કોઈની મીઠી એમાં હરફર...
વાદળ ઘેરાયાં ને તારી હાજરી થઈ ઝરમર...

રાહ જોવાનો ક્રમ ભલે બન્યો હો નિત્યનો
તું આવે નહીં ત્યાં લગ આંખલડી રે'શે ફરફર...

વિરહ વેદના છે કારમી વેઠવી હવે સાજન
ભરી દે જીવન મારું કરી મહીં મીઠી હરફર...

સ્હેજ પણ અંતર નહીં રહે આપણ વચ્ચે જો તું કહે
સમય છે મિલનનો પ્રેમથી બસ એને હવે ભરભર

આવી બહાર મુજ જીવનમાં અને હૈયે છે ટાઠક હવે
હૃદય ગાય ગાણું નિત્ય પ્રેમનું પલ્લું થયું છે સરભર

12.

જીવવાનું જ્યારે મન થાય
વગર સીઝનનું મ્હોરી ઉઠાય

તું પત્ર કોરો મોકલે
એમાં મને સઘળું વંચાઈ જાય

બોલ સખા શું એને જ પ્રેમ કહેવાય ?

તારું કામ જાયે ભાડમાં

એવું મનમાં થાય
જમી લેજે છાનોમાનો એમ કહેતાં

તારી ભૂખ ન મુજથી વેઠાય
બોલ સખા શું એને જ પ્રેમ કહેવાય ?

તારી રાહ જ્યારે ખૂબ હું જોઉં
ને તું ત્યારે જ મોડો થાય

કેમ મોડો આવ્યો પૂછતાં તતડાવી મને તું જાય
ને અવાજ તારો સાંભળી મારી પાંપણ બહુ છલકાય

બોલ સખા શું એને જ પ્રેમ કહેવાય ?

દિવસ આખો આપણી સંતાકુકડી ચાલે

ને થપ્પો કરતાં છેક સાંજ પડી જો જાય
સાંજ પડે ને તોય જો તું સ્હેજે ના સંભારે

મન હીબકાં ભરતું જાય
બોલ સખા સાચું જ કહેજે શું એને પ્રેમ કહેવાય ?
13.

આતુરતાનો આજ અંત કૈંક એ રીતે આવ્યો...
હું તૃષાતુર ને દર્શન દેવા સ્વયં માધવ આવ્યો....

ઝેર જીવનનું પીવાને બસ તૈયાર જ હતી અને..
લઈ અમૃતકટોરી માધવે હાથ મીરાંનો ઝાલ્યો...

ક્યાં કોઈ અપેક્ષા અધૂરી રહી છે હવે તે પૂરી થાયે...
તલસતો હતો જેને મળવા એ જ સામી તલપ લઈ આવ્યો...

ઘડી ભરમાં જ કરી દીધો માલામાલ એણે...
હાથમાં કરતાલ લઈ નરસિંહ મહેતો જ્યાં જાગ્યો...

એમ તો માધવ પણ નથી પાછો પડતો દેવાને ને બદલે.....
પણ સુદામો આવ્યો ને એ તાંદુલ સામા લેવા ભાગ્યો....

દ્રૌપદી જો હોઉં તો તને હું ય પળમાં બોલાવી લઉં ચિત્કાર કરી..
મને રાધાનો જનમ આપી વિરહ કેરો કાં ડંખ તેં આપ્યો ???
14.

ગોકુળિયું ગામ આજ વાતો કરે છે
કે આ કાનો રાધાનો જ કેમ છે ?

કાનાની ચાલે જો આ રાધા ચાલે છે
ને એનું દલડું ન જરી હેમખેમ છે

હવે મીરાંય પાછી એમાં ભેગી ભળી છે
ને પૂછે રાધા એ તારો એકલીનો કેમ છે ?

વાતો બધી સાંભળી કાનો આવ્યો છે તાનમાં
રાધા એનાં જન્મોજનમનો પ્રેમ છે

મીરાં તું યે નથી જરી રાધાથી કમ મારે
ને એટલે જ તુજ પર મારી રે'મ છે

ગોકુળિયું ગામ આજ વાતો કરે છે
કે આ કાનો રાધાનો જ કેમ છે ?
15.

ચાલને ભેરુ આજનો દિવસ ફરી માણસ બની જઈએ
સારા માણસ બની જો શકીએ આઝાદી અનુભવીએ

માણસ માણસ રમતાં રમતાં થાક તને જો લાગે
અંદર અંદર એકબીજાને સાચવી થોડું લઈએ

ફરી પાછાં કોઈ સરનામે ઓચિંતા ભેગાં થઈએ
આશ્વર્યની દુનિયામાં ખોવાઈ ખુશ થોડુંક થઈએ

ચાલ હવે આ વાત મૂક કે માણસ માણસ રમીએ
પરસ્પરનો મેળવી સહારો ફરી નવું નવું ઉછરીએ

એકબીજાની સંગાથે પ્રેમે જીવનસફર ખેડી લઈએ
અંતર અંતર પ્રેમીએ ને પછી અંતર અંતર મ્હોરીએ

16.

એમ ને એમ જ આંખ આડા કાન રાખે છે
ને સંબંધને નામે સાવ જૂઠું ગાન રાખે છે

સ્વપ્નમાં આવે ને તોય હૃદયે સાન રાખે છે
મીઠું મધુરું ને તોય જૂઠ્ઠું સાવ ભાન રાખે છે

સંબંધોનાં સોગઠાં પોતાનો જ દાન રાખે છે
ને સાવ ઉપરછલ્લો ઉજળો નિજ વાન રાખે છે

ઘર આંગણે બાંધી મજાનો શ્વાન રાખે છે
ભરી તિજોરી ઝાકઝમાળનું નોખું તાન રાખે છે

પારકી વાત સાંભળવા દિવાલે ધરી કાન રાખે છે
તોય પોતીકાપણાંનું મુખપર સદા ગાન રાખે છે
17.

હૃદય નામે આજ મેં પાળ્યું છે એક ઉખાણું
જીવનમાં જો ભાવ્યું તો છે મજાનું ભાણું

ખાધે રાખતા હૃદયે મગજ થઈ જાયે જો હાવી
જીવનનું નવલું નજરાણું ન પૂછો ક્યાં ખોવાણું

તારો છે સાથ ને સફર ચટપટો છે સાવાદમાં
તું થા જરા જો દૂર તો ફિક્કું જીવન ચવાણું

આમને આમ ઉછરતાં રહીશું ને કાલ મ્હોરી જાશું
ક્યાં મળ્યું'તું તુજ વિણ પહેલાં મીઠું આવું લ્હાણું ?

ખાઉં ખાઉં ને ખાઉં નો છે જમાનો આવ્યો ભારે
સમજાઈ જાયે તો ભાણું નહીંતર રોજ નવું ઉખાણું..!!!
18.

હાથે ઝાલ્યો એક હાથ ને સમય સરી ગયો
ન પૂછ હતી શું એ વાત કે સમય સરી ગયો

આમ જ સર્યો સરતો રહ્યો ને સમય સરી ગયો
મનેય ફૂટી'તી પાંખ કે સમય સરી ગયો

વાટે માંડી'તી જ્યાં મીટ ને સમય સરી ગયો
આંખે મારી જ્યાં પલક કે સમય સરી ગયો

મળવું'તું સતત મળવું ને સમય સરી ગયો
ને રહ્યાં મળવાથી તોય કે સમય સરી ગયો

હતી વસંત પૂર જોશમાં ને સમય સરી ગયો
ને તરૂનું ખર્યું એક પાન કે સમય સરી ગયો
19.

હૃદયનો તંતુ જો છે અતૂટ છે
તો કંઈ તૂટ્યાં કરે એ શું ?

ૠણાનુબંધ જો છે અકબંધ છે
તો કંઈ ચૂકી ગયાં'તાં એ શું ?

સંભળાય ના જો ધબકારને સ્પંદનો
તો કૈં હૈયે ઝીલાયું'તું એ શું ?

સકળ વિશ્વમાં છે જો પ્રેમ આપણો અકળ
તો પછી કંઈ તૂટ્યાં કરે છે એ શું?

સમજણની પાંખો જો છે કોરી છે
તો કૈં પાંપણને ભીંજવે એ શું ?
20.

આશ હતી ના આવો આપણ સંગાથ નીકળે
કે પછી મોભનાંય નહીં સંબંધ રહેશે

રહી ચાતકની પ્યાસ એ જ નક્ષત્ર તણી
કે ચહ્યાંનાં જ પછી ધારા-ધોરણ નડશે ?

ઉપસ્યાં હતાં કોઈ પર્ણ પર ઝાકળબિંદુઓ
પણ ના કદી ક્ષિતિજે ધરા આકાશ મળશે

દૂર દેખાયું હતું ક્યારેક ઝાંઝવા જેવું
કે પછી શું એય વીરડાનું જ છળ હશે ?

રહ્યાં મઝધારે માની છે કિનારો પાસમાં
ને ફરી પાછાં સઢને પવનો જ નડશે ?

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888