Abraham Lincoln in Gujarati Biography by Shailesh Vyas books and stories PDF | અબ્રાહમ લિંકન

Featured Books
Categories
Share

અબ્રાહમ લિંકન

અબ્રાહમ લિંકન

ગુલામોના મુક્તિદાતા

લેખકઃ

શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562


અબ્રાહમ લિંકન

ગુલામો નો મુક્તિદાતા

પૃષ્ઠ ભૂમિ

જગતમાં મનૂષ્યને અગણિત વસ્તુઓ પિડા આપે છે. નિર્ધનતાની પિડા, રોગિષ્ટ શરિરની પીડા, સંતાનોની પીડા, વૈરભાવની પીડા પણ એક વ્યક્તિ માટે સૌથી વધારે કષ્ટદાયક પીડા જો હોય તો તે વ્યક્તિગત ગુલામી છે. મોટા મોટા સામ્રાજ્યોએ અનેક દેશોને પોતાના ગુલામો બનાવ્યા હતા અને જે તે દેશવાસીઓ માટે તે કષ્ટદાયક સમય હતો પણ જયારે આ ગુલામી વ્યક્તિ ગત બની ત્યારે તેની પીડા હજાર ગણી વધી જતી હતી.

ગુલામીની આ અમાનવીય પ્રથા પ્રાચિન કાળથી પ્રચલિત હતી. બળવાન માનવીની નિર્બળ માનવી ઉપર આધિપત્ય સ્થાપવાની ક્રુર મનોચ્છા અને સ્વાર્થી સ્વભાવને કારણે આ પ્રથાનો જન્મ થયો કહેવાય. પ્રાચીન ઈતિહાસોમાં સુમેર સંસ્કૃતીમાં પણ ગુલામોનો ઉલ્લેખ મળે છે. ત્યાર પછી ગ્રીકો અને રોમન સામ્રાજ્યમાં તો આ પ્રથા અતિ બળવત્તર થઈ ગઈ જેમ જેમ રોમન સામ્રાજ્યનો પ્રભાવ વ્યાપક થતો ગયો તેમ તેમ ગુલામીની પ્રથા અને બેડીઓનો ખણખણાટ વધતો ગયો. રોમનોએ તો આખે આખા દેશની પ્રજાઓને ગુલામો તરીકે જોતરી દિધી હતી, જેથી રોમન સામ્રાજ્યના ખેતરોમાં સૈન્યમાં તથા મહાલય નિર્માણોમાં તેમને જોડી દેવાય. આખી ને આખી હિબ્રુ પ્રજા ગુલામ હતી, જેને મોઝીઝે સ્વતંત્રતા અપાવી. મિશ્ર ની સંસ્કૃતીમાં પણ ગુલામોની વણઝારો તેમના પિરામીડ અને અન્ય સ્થાપત્યો માટે દસકાઓ સુધી કાળી મજૂરી કરતા હતા. આવા દ્રશ્યો આપણે હોલીવુડની બેનહર, ધ ટેન કમાંડમેંટ્સ, ગ્લેડીયેટર્સ તથા સ્પાર્ટેકસ નામની ફિલ્મોમાં જોઈ ચૂ્ક્યા છીએ. રોમ સામે સ્પાર્ટેકસે આદરેલો ગુલામો નો બળવો નિષ્ફળ ગયો હતો નહીંતર કદાચ ગુલામોનું ભવિષ્ય જુદુ જ હોત.

ભારતનો ઈતિહાસ પૌરાણિક સમય થી આ બાબતે સ્વચ્છ રહેલો હતો. ભારતના પુરાણોમાં કે પ્રાચિન ઈતિહાસમાં કયાંય ગુલામોનો ઉલ્લેખ નથી. હા, દાસ પ્રથા હતી પણ ગુલામ પ્રથા કયાંય ન હતી. ભારતમાં ગુલામ પ્રથા ઈસ્લામીક આક્રમણ પછી અસ્તિત્વમાં આવી જેમા કુતબુદ્દિન ઐબક નોંધનીય છે જે એક ગુલામ હોવા છતા ધીરે ધીરે કરીને દિલ્હીનો સુલતાન બન્યો હતો. ઈસપ પણ એક ગુલામ જ હતો.

ગુલામી પ્રથા એક શ્રાપરૂપ હતી જેમાં એક માનવીને પશુની જેમ રાખવામાં આવતો હતો. તેની પાસે કાળી મજુરી કરાવવામાં આવતી, ભૂલ થાય તો કોરડા વિંઝાતા કે મોતને ઘાટ ઉતારી દેવાતા. ક્યારેક ભોજન પણ ન અપાય, હાથે પગે સાંકળો થી બંધાયેલા રહેવાથી ચામડીઓમાં છાલા પડી જાય. ગુલામ સ્ત્રીઓને સ્વરૂપવાન હોય તો ભોગીની બનાવી દેવાય અને ગુલામોથી મન ભરાઈ જાય કે તેની ઉપયોગીતા ઓછી થઈ જાય તો તેમને અન્યને વેચી દેવાય. કોઈ ભાગવાનો પ્રયાસ કરે તો તેમને મોતને ઘાટ ઉતારી દેવાય.

યુરોપ અને અમેરીકામાં વસ્તી ઓછી હોવાને કારણે અને મજુરોની વધારે જરૂરીયાત ને કારણે તેઓએ ગુલામોનો પધ્ધતી સર વેપાર શરૂ કરી દીધો હતો. અમેરીકાના શેરડી, કપાસ અને અન્ય વ્યવસાયો માટે ગુલામો ની જબરી માંગ રહેતી હતી એટલે એશિયા અને ખાસ કરીને આફ્રિકામાંથી હજારો વ્યક્તિઓને પકડીને ગુલામો તરીકે વેચાવામાં આવતા હતા. એક વાર ગુલામ બન્યા એટલે તેમનું જીવન અંધકારમય બની જતુ જેમાં ક્યાંય પ્રકાશ કે સ્વતંત્રતા નું કોઈ કિરણ, મરણ પર્યત જોવા જ ન મળે.

ગુલામોના વ્યાપારની બ્રિટિશ ભારત વખતની સંડોવણી વિશે જાણવુ હોય તો ગુજરાતી સાક્ષર શ્રી ગુણવંત રાય આચાર્યની સમુદ્રકથાઓ સક્કરબાર, હરારી, સરફરોશ અને સરગોસ અચુક વાંચવી, જેમાં ગુલામોના વ્યાપારને ટક્કર આપનાર ગુજરાતી વીર નર ‘સકરબાર’ ની વાર્તાઓ છે.

અમેરીકામાં પણ આ દુષણ ઘરેઘરે વ્યાપેલું હતુ. મોટા મોટા શેરડી તથા કપાસ કે અન્ય ખેતરોમાં કાળી મજુરી કરનાર ગુલામોની ખૂબ જ માંગ હતી જેનો પુરવઠો આફ્રિકાના અશ્વેત વ્યક્તિઓ દ્વારા પૂરો થતો હતો. (તાજેતરમાં આવેલી અંગ્રેજી ફિલ્મ ‘‘અનચેઈન્ડ’’ આ વિષય ઉપર વેધક પ્રકાશ પાડે છે.) અમેરીકા નું અર્થતંત્ર જ આ ગુલામોની કાળી મજૂરી ઉપર નિર્ભર હતું. શ્વેત માલીકો આ અશ્વેત પ્રજાની કાળી મજુરી અને પ્રસ્વેદ થી ઉત્પન્ન થતા પાકો કે કાર્યો ને કારણે ધનવાન બનતા જતા હતા. પણ આ મજુરોની સ્થિતીમાં કોઈ સુધાર કરવા ઈચ્છતુ ન હતું.

આવા સમયે એક અદભૂત માનવીના હૈયે આ અશ્વેત ગુલામો માટે કરૂણા જાગી. જાણે ઘોર અંધકારમાં પ્રકાશનું એક કિરણ આવ્યુ તેણે જ્યારે ગુલામોની અમાનુષી દુર્દશા અને પીડા જોઈ ત્યારે તેનું હૈયુ દ્રવી ઉઠયું. અને તેણે મનમાં નિશ્ચય કર્યો કે તે એક દિવસ આ અમાનુષી પ્રથાને બંધ કરાવીને જ રહેશે. આ વ્યક્તિ હતી ‘અબ્રાહમ લિંકન’ ચાલો આપણે આ મહાપુરૂષના જીવન અને તેની ઉપલબ્ધિઓ અને નિષ્ફળતા વિશે જાણીયે. ઘૂઘવતા પૂરમાં સામા પ્રવાહે તરીને બહાર નિકળવું. એવુ કાર્ય અબ્રાહમ લિંકને કરી બતાવ્યુ હતું. અબ્રાહમ લિંકન અમેરીકાના ૧૬માં પ્રમુખ હતા અને તેમણે પોતાના કાર્યકાળમાં ગુલામીની પ્રથા અડધા અમેરીકાના વિરોધ અને વિગ્રહ વચ્ચે સમાપ્ત કરી દીધી અને જેના લીધે તેમણે પોતાનો જીવ એક હત્યારાના હાથે ખોવો પડયો.

પ્રારંભિક જીવન

અબ્રાહમ લિંકન નો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯માં કેંટકી રાજ્યમાં થયો હતો તેઓ નું શિક્ષણ ખૂબ જ ઓછુ હતુ. તેઓ ખૂબજ સાધારણ અને ગરીબ કુટુંબમાં જનમ્યા હતા અને જીવનનિર્વાહ માટે તેમના કુટુંબે આકરી મહેનત કરવી પડતી હતી. તેઓ પોતાને સોંપાયેલા બધા કામો ચિવટથી કરતા હતા પણ તેમને સાથે સાથે વાંચવાનો પણ ખૂબ જ શોખ હતો. તેઓ લાંબા અને ખડતલ હતા. તેઓને કુહાડીથી લાકડા ફાડવાના કામમાં ખૂબજ ફાવટ હતી, તેઓએ જાતજાતના કામો ઉપર હાથ અજમાવ્યો જેમા માલ સામાનની હેરાફેરી તથા અન્ય કાર્યો હતા. આ સમયે જ તેમણે ગુલામી વિષે સાંભળ્યુ અને નજરે જોયુ. તેમણે ૪મી નવેમ્બર ૧૮૪૨ના રોજ મેરી ઓવેન્સ જોડે લગ્ન કર્યા. જો કે તેમણે આ લગ્ન જીવનભર નિભાવ્યા પણ લોકવાયકા એવી છે કે મેરી ખૂબ જ ઉગ્ર અને ઝગડાખોર સ્વભાબની હતી અને લિંકનનું દામ્પત્ય જીવન તેણે ઝેર જેવુ કરી નાખ્યુ હતું. તેના કંકાશખોર સ્વભાવને કારણે કોઈ કામવાળી તેમને ત્યા ટકતી ન હતી. પણ તે અત્યંત મહત્વાકાંક્ષી સ્ત્રી હતી અને તેના પ્રોત્સાહન અને આગ્રહને કારણે જ લિંકને અનેક નિષ્ફળતા છતા પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી હતી. શાંત સ્વભાવના લિંકને રોજના કંકાસ છતા ક્યારેય પોતાની સ્વસ્થતા ગુમાવી ન હતી.

પ્રારંભિક કારકિર્દી

૨૩ વર્ષની ઉંમરે એક ભાગીદાર સાથે તેમણે એક જનરલ સ્ટોર્સ ખરીદ્યો પણ તે ચાલ્યો નહી એટલે લિંકને પોતાનો ભાગ વેચી છુટકારો લીધો. ૧૮૩૨માં તેમણે પહેલીવાર પોતાની રાજકીય કારકીર્દી શરૂ કરવાના શ્રી ગણેશ કર્યા. તેમણે ઈલીનોય જનરલ એસેમ્બલી માટે તેમણે પ્રચાર શરૂ કર્યો. તેઓ આસપાસના ક્ષેત્રમાં લોકપ્રિય હતા અને તેમની અદ્દભૂત વ્યકતવ્ય કળા ને કારણે સારી ભીડ એકઠ્ઠી કરી શકતા હતા. પણ પ્રતિસ્પર્ધી ખૂબ જ શિક્ષિત ધનાઢય અને શક્તિશાળી પીઠબળ વાળા હતા એટલે તેમની હાર થઈ. તેમણે ફરી વાર ૧૮૩૪માં ચૂંટણીમાં ઝંપલાવ્યુ પણ આ વખતે પણ તેમની હાર થઈ. ત્યારપછી તેમણે કાયદાશાસ્ત્રનું જાતે ભણવાનું શરૂ કર્યુ અને ૧૮૩૪માં તેઓ ચુંટણી જીત્યા.

તેમણે વકીલાત શરૂ કરી અને આપણા ગાંધીજીની જેમ સત્ય અને નિર્દોષ માટે જ લડતા હતા અને ઘણીવાર તો તેમના અસિલ જો ગરીબ હોય તો ફી પણ ન હોતા લેતા. તેઓ ઈલીનોઈ જનરલ એસેમ્બલીમાં ચાર વખત ચૂંટાયા. તેઓ ગુલામીને નાબુદ કરવા ની ઈચ્છા રાખનાર તરીકે પ્રખ્યાત થયા. ૧૮૪૬માં તેઓ યુ.એસ હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટીવ માં ચૂંટાયા. તેઓ સદન માં પ્રવચનો મતદાન તથા કાયદા બનાવવામાં ઉલટભેર ભાગ લેતા હતા અને ગુલામી પ્રથા નાબુદ કરવા માટે પણ તેમણે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો પણ પીઠબળ ના અભાવે તેમણે તે પ્રસ્તાવ પાછો ખેચી લીધો.

આ દરમ્યાન તેમણે વિવિધ પ્રકારની સમસ્યા તથા વિરોધનો સામનો કરવો પડયો. તેમણે પ્રમુખપદ માટે ટેયલર ને પોતાનું સમર્થન આપ્યું. પણ પ્રમુખ બન્યા પછી ટેયલરે તેમને ધારેલુ સ્થાન ન આપતા તેમણે અન્ય સ્થાન લેવાની અનિચ્છા દર્શાવી અને પોતાની કાયદાકીય વકિલાત ફરી શરૂ કરી અને આગલા સોળ વર્ષ સુધી નામના મેળવી તેમના જીવન નો એક ખાસ કેસ હતો જેમાં સાક્ષીએ કહ્યુ હતુ કે તેણે ચંદ્રમાં ના પ્રકાશમાં ગુનો બનતા જોયો હતો. લિંકને પંચાગની મદદ થી સાબિત કર્યુ કે તે રાત્રે ચંદ્ર પ્રકાશ નહિવત હતો એટલે ચંદ્ર પ્રકાશમાં ગુનો થતો જોવો અસંભવ હતો. આ કેસથી તેમની નામના ખૂબ જ વધી ગઈ|

ગુલામી - વિભાજીત દેશ અને નામ નિયુક્તી

૧૮૫૦ની આસપાસના દક્ષિણના રાજ્યોમાં હજુ ગુલામીની પ્રથા અકબંધ હતી જો કે ઉત્તરના રાજ્યોએ ધીમે ધીમે ગુલામી પ્રથા છોડવા માંડી હતી. લિંકન ગુલામીના પ્રખર વિરોધી હતા અને તેમણે રાજકીય કારકીર્દી દરમ્યાન આ પ્રથાનો વિવિધ પ્રકારે વિરોધ કર્યો. ૧૮૫૪માં લિંકને ઈલીનોય ની સિનેટ માટે ચૂંટણીમાં ઝંપલાવ્યુ પણ તેમને સમર્થન ન મળ્યુ અને તેઓએ પોતાનું સમર્થન અન્ય ઉમેદવારને આપી દીધું. ૧૮૫૮માં રિપબ્લીક પાર્ટીએ તેમને સીનેટ માટે પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો પણ આ વખતે પણ લિંકનની હાર થઈ, પણ દેશભરમાં તેઓ તેમની વિચારધારાને કારણે જાણીતા બન્યા. ૧૯૬૦માં લિકંનના સમર્થકો અને મિત્રોએ તેમના માટે રિપબ્લીકન પાર્ટીના પ્રમુખપદની નામનિયુક્તી કરાવી તેમની જોડે ઉપ પ્રમુખ તરીકે હેનિબાલ હેમલીનનું નામ સાંકળવામાં આવ્યું. અને તેમના પ્રમુખપદ માટે નું અભિયાન છેડાયુ તેમની પાર્ટીએ તેમના માટે તનતોડ મહેનત કરી અને ખૂબજ પ્રચાર સાહિત્ય છપાવ્યુ અને વહેંચ્યુ જો કે સૌ ને જાણ હતી કે આ ખૂબ જ કઠીન અભિયાન હતુ કારણ કે દક્ષિણના રાજ્યો લિંકનના ગુલામી વિરોધ ના સખત વિરોધી હતા.

રાષ્ટ્રપતિ પદ – વિજય અને વિભાજન

૧૮૬૦ની ૬ નવેમ્બરે અબ્રાહમ લિંકન અમેરીકના ૧૬મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તેમણે ડેમોક્રેટીક પાર્ટી તથા અન્ય પાર્ટીઓના ઉમેદવારોને હરાવ્યા. રિપબ્લીક પાર્ટીના તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમના સમર્થનમાં ઉત્તર અને પશ્ચિમના રાજ્યો હતા જયારે દક્ષિણના ૧૫ રાજ્યોમાંથી ૧૦ રાજ્યોમાં તો તેમને એક પણ મત નહોતો મળ્યો, જયા ગુલામી પ્રથાને સમર્થન હતુ. જ્યારે ખબર પડવા માંડી કે લિંકન જીતી જશે ત્યારે અલગતાવાદીઓએ સંબધ વિચ્છેદ કરવાની તૈયારી કરી લીધી. દક્ષિણ કેરોલીના એ પહેલ કરી અલગતા / સંબંધ વિચ્છેદની ઘોષણા કરી દીધી. તેમની પાછળ પાછળ ફલોરીડા, મિસીસીપી, અલાબામાં, જ્યોર્જીયા, લ્યુસીઆના અને ટેક્ષાસે પણ સંબંધ વિચ્છેદ / અલગાવની ઘોષણા કરી દીધી. તેઓએ પોતાને એક અલગ સાર્વભોમિક દેશ તરીકે ઘોષણા કરી દીધી જેનું નામ કન્ફેડરેટસ સ્ટેટસ ઓફ અમેરિકા એવુ આપ્યું. અન્ય રાજ્યોએ આ નવા દેશના તૂતને બહુ કોઠું ન આપ્યું. લિંકને તે રાજ્યો ને ગેરકાયદેસર ઘોષિત કર્યા. બળવાખોરો એ જેફરસન ડેવિસને પોતાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા ઘણા લોકોએ સમાધાનની પ્રયાસ રૂપે ઉત્તરના રાજ્યો માં ગુલામી પ્રથા નાબુદ અને દક્ષિણના રાજ્યોમાં ચાલુ એવું સુત્ર સૂજવ્યુ પણ લિંકને ‘‘હું મરી જઈશ પણ સંમત નહી થાઉ’’ કહીને તેનો અસ્વિકાર કરી દીધો.

જો કે લિંકને દક્ષિણના રાજ્યો સાથે સમાધાન ના પ્રયાસો કર્યા પણ બધા વ્યર્થ ગયા ૧૮૬૧ના ૧૨મી એપ્રિલે બળવાખોરોએ યુનનિસ્ટ સૈનીકો ઉપર ગોળીબારો કર્યા જેને લઈને યુધ્ધની શરૂઆત થઈ ગઈ. જેને ઈતિહાસમાં અમેરીકાના આંતરવિગ્રહ તરીકે ઓળખે છે. જેમા એક બાજુ ગુલામી પ્રથાની વિરૂધ્ધના યુનીયનીસ્ટ રાજ્યો અને તેની સામે ગુલામી પ્રથા જીવંત રાખવા માંગતા કન્ફેડરેટસ રાજ્યો હતા.

૧૫મી એપ્રિલે લિંકને બધા રાજ્યો ને ભેગા થઈને ૭૫૦૦૦ સૈનિકો મોકલવા તથા કિલ્લાઓ કબજે કરવા થતા વોશિંગ્ટન અને ‘‘સંધ’’ ને બચાવવા માટેના નિર્દેશો આપ્યા. લિંકને સુમટેર કિલ્લાના પતન પછી યુધ્ધ ની સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને સામરીક નીતીઓ ઘડવા માંડી. તેણે સત્તાનો ઉપયોગ કરી આ વિપત્તીના સમયમાં સબળ નેતાગીરી પૂરી પાડી. તેમણે બળવાખોરો ના નાવિક બંદરોની કિલ્લાબંધ કરી, કોગ્રેસની રજામંદિ વગર નાણાની વહેચણી કરી તથા બળવાખોરો પ્રત્યે સહાનુભુતિ ધરાવનારા હજારોની ધરપકડ કરી. તેણે યુધ્ધના વિવિધ પાસાઓના અભ્યાસ કર્યો જરૂર લાગી ત્યાં સેનાપતિઓ બદલ્યા પોતાના વિદેશ મંત્રીને પણ બદલ્યા અને રાતદિવસ યુધ્ધની કામગીરીમાં વ્યસ્ત રહેવા લાગ્યા. તેમણે વિજય જેમ બને તેમ જલ્દી હાંસલ કરવા ઉપર ભાર મૂક્યો અને મુખ્ય મથકોને બચાવવા માટેના પ્રયત્નો કર્યો. યુધ્ધમાં ક્યારેક હાર તો કયારેક જીત થતી હતી. બળવાખોરોનો સેનાપતિ રોબર્ટ લી એક કુશળ સેનાપતિ હતો અને તેની સામે લિંકનના સેનાપતિઓ નબળા સાબિત થઈ રહ્યા હતા. લિંકનના સેનાપતિઓ લિંકનને સામરીક નેતા માનતા ન હતા એટલે ઘણીવાર તેના હુકમોનો અનાદર કરતા હતા. પણ ગેટીસબર્ગ ના વિજય પછી યુધ્ધમાં સંઘરાજ્યોનો હાથ ઉપર રહેવા લાગ્યો. ૧૮૬૨, ૨૬ સપ્ટેમ્બરે લિંકને ‘‘મુક્તિ ઘોષણા’’ કરી જેના થકી ગુલામોને મુક્તિનો અધિકાર આપવામાં આવ્યો અને તેણે પોતાના સૈન્યમાં ગુલામીમાંથી મુક્ત થયેલા અશ્વેતોને ભરતી કરવા માંડયા. ગેટીસબર્ગ ના વિજય પછી આપેલુ તેમનું ભાષણ ઈતિહાસમાં અમર બની ગયુ છે. આ ત્રણ મિનીટના ભાષણમાં ત્રણ યુગ સુધી યાદ રહી જાય તેવુ વ્યક્તવ્ય તેમણે આપ્યું. આ ભાષણમાં તેમણે કહ્યુ કે બધા મનૂષ્યોને ભગવાને સમાન બનાવ્યા છે. આ યુધ્ધ સ્વતંત્રતા અને સમાનતા માટે છે અને ભવિષ્યમાં વિશ્વમાં આ લોકશાહી, પ્રજાની સરકાર, પ્રજા દ્વારા અને પ્રજા માટે છે અને પૃથ્વિ પર અવિચળ રહેશે’’ આ પછી તેમણે જનરલ યુલીસીસ ગ્રાંટ ને સેનાપતિ બનાવ્યો અને તેના નેતૃત્વ નીચે સંઘ રાજ્યોની સેના એક પછી એક વિજય પામવા લાગી જોકે તેના સૈન્યોને પણ ખૂબ જ હાની અને નુકશાન સહન કરવુ પડયુ. ૯ મી એપ્રિલ ૧૯૬૫ના રોજ રોબર્ટ લીએ શરણાગતી સ્વીકારી લીધી અને આંતર વિગ્રહનો અંત આવ્યો. ગુલામોને નવજીવન અને મુક્તિ મળી આ દરમ્યાન ફરી રાષ્ટ્રપતિના પદની ચૂટણી આવી અને લિંકનને ફરી ચુટી લેવામાં આવ્યા.

આંતર વિગ્રહ પછી દેશના ઘા ને રૂઝાવા માટે લિંકને ઘણા પગલા લીધા અને બળવાખોર બનેલા રાજ્યોને પણ રાષ્ટ્રીય ધારામાં લાવવા પગલાઓ લીધા.

રાજકીય હત્યા અને મૃત્યુ

બળવાખોરોના જાસૂસ અને એક્ટર જોહન બુથે જયારે જાણ્યુ કે અબ્રાહમ લિંકન અને યુલીસીસ ગ્રાંટ ફોર્ડ થિયેટરમાં જવાના છે ત્યારે તેણે તેની હત્યા કરવાનો મનસુબો કર્યો જયારે નાટકમાં વિરામ વખતે લિંકન એકલા હતા ત્યારે પાછળ થી તેમને ગોળી મારી દીધી અને તે ભાગી ગયો પણ તે પોલીસના હાથે પાછળથી માર્યો ગયો.

અબ્રાહમ લિંકન ની મહાનતા, સાદગી અને માનવતા

ઇતિહાસકારો અબ્રાહમ લિંકનને અમેરીકાના મહાનતમ રાષ્ટ્રપતિઓમાં પ્રથમ સ્થાન આપે છે. તેઓ સ્વતંત્રતાના મશાલચી અને અશ્વેત ગુલામોના મુક્તિદાતા તરીકે અત્યંત માનભર્યુ સ્થાન ધરાવે છે. પોતાની મુક્તિ વિચાર ધારા માટે તેમણે આંતરવિગ્રહ જેવુ અકલ્પનીય પગલુ પણ ભર્યુ પણ યુધ્ધની વિભીષીકા વચ્ચે પણ તેઓ માનવતાવાદી બની રહ્યા હતા. લોકવાયકા પ્રમાણે થાકેલા, સૂતેલા સૌનિકોને મૃ્ત્યુદંડ આપવાને બદલે તેમને માફ કરી દેતા હતા. પોતાના વિરોધીઓને પણ માન આપતા અને કોઈ કડવા વચનો કહે તો પણ શાંત રહેતા હતા. તેમની પત્ની મેરી કંકશમય હતી છતા તેઓ કયારેય પોતાના પરનો કાબુ ખોતા ન હતા. તેઓએ જેટલી નિષ્ફળતાનો સામનો કર્યો હશે તેટલો ભાગ્યેજ કોઈએ ઈતિહાસમાં કર્યો હશે. છતા નિષ્ફળતામાંથી ઉભા થઈને તેમણે સફળતા મેળવી જે આપણને બોધ પાઠ આપે છે કે નિષ્ફળથા થી ડરી કે હારી ન જવું. તેમણે જેટલી વિપત્તીઓનો સામનો કર્યો તેટલો ભાગ્યેજ કોઈએ કર્યો હશે. તેઓ હંમેશા, ગરીબીમાંપણ, પ્રામાણિક, મહેનતુ અને માનવતાવાદી રહ્યા હતા. ધીરજ, ખંત અને વિશ્વાસ એમના સત્તાના સાથિદાર હતા. આખા દેશ અને વિશ્વની વિરૂધ્ધ જઈ અશ્વેત અને અન્ય ગુલામોને મુક્તિ અપાવવી તે માટે ખરેખર સિંહની છાતી અને વાઘની હિંમત જોઈએ જે તેમની પાસે હતી સાથે સાથે હરણ જેવુ કોમળ અને નિર્મળ હદય અને મન પણ હતું.

તેઓ તેમના પ્રશંસકો અને ચાહકો માટે આદરણીય હતા. રાષ્ટ્રપતિ પદના પ્રચાર અભિયાન વખતે એક મહિલા એ તેમને સલાહ આપી કે તમે દાઢી રાખો તો વધારે સારા લાગશો. તો તરત જ તેમણે દાઢી વધારી અને તેમનો ચહેરો ખરેખર પ્રભાવશાળી બન્યો.

આજે અમેરિકા તથા વિશ્વના નાગરીકો અંગત મુક્તિ અને સ્વતંત્રમાં શ્વાસ લે છે તો તેનો ઘણોખરો યશ અમેરિકાના આ પ્રમુખ અબ્રાહમ લિંકનને જાય છે.

આવા મહાપુરુષને અને ગુલામોની મુક્તિ માટે પ્રાણ આપનાર આ વિરલા ને આપણે વંદન કરીએ.

Ref: www.en.wikipedia.org/wiki/abraham_lincoln