Ek patangiyane pankho aavi - 15 in Gujarati Short Stories by Vrajesh Shashikant Dave books and stories PDF | એક પતંગિયાને પાંખો આવી-15

Featured Books
Categories
Share

એક પતંગિયાને પાંખો આવી-15

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 15

વ્રજેશ દવે “વેદ”

“મમ્મી, મારે કરાટે અને સ્વિમિંગ ક્લાસ જોઇન કરવા છે.” રસોડામાં કામ કરી રહેલી જયા સામે નીરજાએ પ્રસ્તાવ મૂક્યો ત્યારે, તે ક્ષણભર તો ચકિત થઈ ગઈ હતી.

“શું?” તેણે પ્રશ્ન કર્યો.

“હા મમ્મી, કરાટે અને સ્વિમિંગ શીખવું છે મારે.”

“તો?” જયાએ ફરી પ્રશ્ન કર્યો.

જયાને ખબર હતી કે નીરજાએ આ વાત તેને કરવાનો અર્થ શો છે. જ્યારે જયારે નીરજાને તેની વાત તેના પપ્પા જોડે મનાવવાની હોય, ત્યારે ત્યારે તે વાત તે જયાને કરતી. જયાને મનાવી લેતી. અને જયા દીપેનને મનાવી લેતી. વર્ષોથી આમ બનતું આવ્યું છે.

આજે પણ નીરજાએ કરેલી વાતનો અર્થ છે, કે દીપેન પાસેથી નીરજા માટે કરાટે અને સ્વિમિંગ શીખવા માટેની પરમીશન તેણે લઈ આપવાની છે. તે આ વાત જાણતી હતી છતાં તેણે હોઠ પર સ-હેતુ સ્મિત લાવીને, આંખો નચાવતા નીરજાને પૂછી લીધું,”તો?”

આ ‘તો’ નો મતલબ બન્નેની આંખોમાં થઈને હોઠ પર આવી ગયો. બંને હસી પડ્યા. હસતાં રહ્યા. ભેટી પડ્યા.

જયાનું આમ ભેટી પડવાનો અર્થ છે, કે જયા હવે નીરજાની વાત દીપેન પાસે મનાવી લેશે. બંનેને ખબર હતી, કે હવે શું કરવાનું છે.

રાત પડવાની પ્રતિક્ષા થવા લાગી.

દીપેન ઘેર આવી ગયો. સૌ જમ્યા. બેઠક રૂમમાં ગોઠવાઈ ગયા.

“નીરજા કરાટે અને સ્વિમિંગ શીખવા માંગે છે.” જયાએ વાતની શરૂઆત કરી.

“શું? કરાટે અને સ્વિમિંગ, બંને?” દીપેને ઠંડા અવાજે પૂછ્યું.

તેને જયાની વાતનું જરા પણ આશ્ચર્ય ના થયું. તે જાણતો હતો કે નીરજા ટીન એજમાં છે. યૌવનના પગથિયાં પર છે. તેનામાં યૌવન સહજ ઉત્સાહ અને ઉમળકાઓ હોય જ. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાની તિવ્ર તમન્ના પણ હોય. અનેક યોજનાઓ હોય. અનેક વિચારો હોય. ઘણું બધું કરી નાંખવાની ધગશ હોય. કરાટે અને સ્વિમિંગ શીખવાનું પણ એમાંનું જ કશુંક હોવું જોઈએ. એટલે જ તેણે મનને ઠંડુ રાખી સામો પ્રશ્ન કર્યો.

નીરજા અને જયા બન્ને સ્તબ્ધ થઈ ગયા, દીપેનના ઠંડા પ્રતિસાદથી. તેઓને અપેક્ષા હતી, દીપેનના ઉગ્ર પ્રતિસાદની. બન્નેએ એકબીજા સામે જોયું. શું બોલવું તેની સમજ ના પડી.

દીપેન બન્નેના મુખ પરના હાવભાવ નિહાળી રહ્યો.

“હા, પપ્પા. હું બંને એકસાથે શીખવા માંગુ છું. તમે હા પાડો એટલે...” નીરજાએ સીધી મંજૂરી જ માંગી લીધી.

“સ્વિમિંગ તો ઠીક છે, પણ આ કરાટે શા માટે શીખવું છે? તું અહીં પૂર્ણ રૂપે સલામત છે.”

“એટલે કે સ્વિમિંગ માટે મંજૂરી મળી ગઈ. થેંક્સ ડેડ.” નીરજાએ તક ઝડપીને સ્વિમિંગ પૂરતી મંજૂરી પાકી કરી લીધી.

“પણ કરાટે શા માટે? આપણાં આ શહેરમાં સૌ સલામત છે. તું પણ.” દીપેનને ડર હતો કે આ ઉંમરમાં જો તે કરાટે શિખશે, તો કોઈકના હાડકાં ભાંગી નાંખશે અને રોજ નવી તકરારો ઘર સુધી આવવા લાગશે. સાથે સાથે એ સમજતો પણ હતો, કે સ્વ-રક્ષણ માટે કરાટે જેવી વિદ્યા જાણવી જરૂરી છે. પણ તે માટે નીરજા હજુ અપરિપક્વ છે તેવું તેનું માનવું હતું. એટલે કરાટે શીખવાનું થોડા સમય બાદ થાય તેમ તે ઈચ્છતો હતો.

“પણ આ શહેરની બહાર તો મારે કરાટેની જરૂર પડશે જ ને? નીરજાએ અજાણતા જ કોઈ સંકેત આપી દીધો. દીપેન તે સંકેતને પારખી ગયો.

“શહેરની બહાર? ક્યાં જવાનો ઇરાદો છે, તારો?” દીપેને પૂછી લીધું. જયા પણ આ પ્રશ્નથી ચોંકી ગઈ. તે પણ નીરજા તરફ જોવા લાગી. વેધક નજરને નીરજા જીરવી ના શકી. તેના મનની વાત જીભ પર આવી ગઈ,”ટુર પર જવાનો...”

“ક્યાં ? સ્કૂલમાંથી કોઈ ટુર નું આયોજન છે?

“ક્યારે” કેટલા દિવસ માટે?” જયા પણ અધિરી થઈ.

પરંતુ નીરજાએ કોઈ જવાબ ન આપ્યો. કોઈ જવાબ સૂઝયો જ નહીં. મનમાં મૂંઝવણ ચાલતી રહી.

“એ ય, નીરજા. શું કરે છે?” જીત રૂમમાં દાખલ થઈ ગયો.

નીરજાએ હાશ અનુભવી. તેને થોડી રાહત મળી. વાતને ટાળવાનો સમય મળી ગયો.

“હાય, જીત. વ્યોમા ક્યાં છે?” જીત સામે હળવું સ્મિત કરી નીરજા થોડી રિલેક્ષ થઈ ગઈ.

“મેક? નેતું માક છે? મહણા જ નેતે કોમલૂ છું.”[કેમ? તેનું કામ છે? હમણાં જ તેને મોકલું છું.] જીતે બોલેલા શબ્દો દીપેનને ના સમજયા. જયા હસતી રહી. પણ નીરજાને સમજાઈ ગયા. તેણે જવાબ આપ્યો,” હા, લજદી લજદી કોમલ. ગાલે છે કે ડોથીક ડગબડ યથી છે.” [જલ્દી જલ્દી મોકલ. લાગે છે કે થોડીક ગડબડ થઇ છે.]

“લભે, લભે” જીત જતો રહ્યો.

દીપેન આ શબ્દોને સમજવા મથતો રહ્યો. વ્યોમા આવી ગઈ.

“મેક નીરજા. શું યથુ છે? ઓકી ચોલો રામ્યો?” વ્યોમા નીરજાની બાજુમાં જઇ બેઠી. [કેમ નીરજા, શું થયું છે? કોઈ લોચો માર્યો?]

“વ્યોમા, ક્યાં છે તું? બધું બરાબર તો છે ને?” વ્યોમા પાસેથી કશુંક જાણી લેવાની આશાએ દીપેને પૂછ્યું.

“હા, અંકલ. તમે કેમ છો?” વ્યોમા તદ્દન સ્વસ્થ હતી. તેને જોઈને નીરજા પણ ઝડપથી સ્વસ્થ થવા લાગી.

“તમે ફરીથી પેલી ભાષા બોલવા લાગ્યા? શું કહેતા હતા, તે સીધા સાદા શબ્દોમાં બોલો તો જરા.“ જયાએ કડકાઇ અપનાવી.

“કશું જ નથી. એ તો બસ એમ જ. અમે પૂછતા હતા કે ‘કેમ છો? કયાઁ છો?’ વગેરે વગેરે...” નીરજા વાતને ટાળવા લાગી.

“તો પછી ‘ડોથીક ડગબડ યથી છે’ એ શું છે? શું ગડબડ કરી નાંખી, બોલો? જયાના મોંઢે પોતાની ભાષા સાંભળી નીરજા અને વ્યોમા ચોંકી ગયા. જે ભાષા અત્યાર સુધી ગુપ્ત હતી, એ ભાષા જયાને પણ આવડે છે એ જાણી તે બંને ગભરાઈ ગઇ.

“લજ્દી લજદી લોબો, શું તાવ છે?” જયાના નવા આક્રમણથી તો વધુ ડઘાઈ ગઈ. ગભરાટમાં બોલી ગઈ,”રેચાપૂંજી વજાનો ચીવાર છે.” [ચેરાપૂંજી જવાનો વિહકાર છે.]

“ઓહ, તો ચેરાપૂંજી જવું છે તમારે? કોની જોડે? કેવી રીતે? ક્યારે? “ જયાએ એકસાથે ઘણું બધું પૂછી લીધું.

દીપેનને ખાસ કાંઇ સમજાતું ન હતું પણ જયાએ કહેલાં છેલ્લા શબ્દોથી સમજાઈ ગયું કે બંને છોકરીઓના મનમાં ચેરાપૂંજી જવાનો પ્લાન ઘડાઈ રહ્યો છે. અને એટલે જ કરાટે શીખવા માંગે છે. પણ સ્વિમિંગ શા માટે શીખવા માંગે છે?

તેણે મનમાં જ નક્કી કરી લીધું,’ થોડી ધીરજ રાખવા દે. ધીરે ધીરે બધું જ બહાર આવશે.’ તે મૌન બેસી રહ્યો, જોતો રહ્યો.

“હા, અમે પ્લાન કરીએ છીએ...” વ્યોમાએ હિંમત એકઠી કરીને જવાબ આપવાનો પ્રયાસ કર્યો પણ પૂરો જવાબ ન આપી શકી.

નીરજા હવે થોડી સ્વસ્થ થઈ ગઈ હતી. તેને ખબર હતી, કે જો પોતાના જોયેલા સ્વપ્નને પૂરું કરવું હોય, તો આ પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડશે. હવે ગોળ ગોળ વાતો કરવાનો અર્થ નથી. સીધી અને સ્પષ્ટ વાત કરવી જ પડશે.

‘પણ, જો તે માટે મંજૂરી નહીં મળે તો?’

‘પણ આમ છુપાવવાથી પણ ક્યાં કોઈ રસ્તો મળવાનો છે?’

‘તો તું શું કરીશ?’

‘ખબર નથી, પણ કોઈને કોઈ રસ્તો અવશ્ય મળી જશે. મંજૂરી તો મેળવવી જ પડશે. પાંખોમાં આવી રહેલા નવા જોમને ઉડવા આકાશ જોઈશે જ. જરૂર પડશે તો બળવો પણ કરીશ.’

‘વિદ્રોહ? બળવો? માતા પિતા સામે?’

“હા, કેમ નહીં? આ ઉંમરે ઊગી રહેલી પાંખોને કાંઇ સંકોરીને થોડા બેસી રહેવાય? પાંખો આવવાનો પહેલો અવસર છે, પહેલું પહેલું કેવું સુંદર હોય છે, અદભૂત હોય છે. હું તો પહેલી પાંખોને લઈને ઊડી જઈશ... મુક્ત ગગનમાં ...’

ખુલ્લા આકાશમાં ઉડવાના મક્કમ નિર્ધાર સાથે નીરજાએ જવાબ આપ્યો,”નોર્થ ઈસ્ટ રાજ્ય મેઘાલયની રાજધાની શિલોંગથી 50-60 કિમી દૂર ચેરાપૂંજી છે. જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. ત્યાં જંગલો છે, વરસાદ છે, ઝરણાં છે, પાણી છે, અંદરથી હચમચાવી નાંખે તેવો અવાજ છે. સૌથી ઊંચો અને પ્રચંડ ધોધ નોહ કલિકાઇ છે. એક અદભૂત વિશ્વ છે. તે વિશ્વને જોવું છે, જાણવું છે, અનુભવવું છે, પામવું છે. પાંખો વડે ઉડીને ત્યાં પહોંચી જવું છે. આંખોમાં ભરીને પીવું છે...”

“તેને અને કરાટે શીખવાની વાતને શો સંબંધ છે?” દીપેને શંકા વ્યક્ત કરી.

“સીધો જ સંબંધ છે. આટલે દૂર અજાણ્યા સ્થળે, જંગલમાં, ધોધમાં, વરસાદમાં, સ્વ-રક્ષા કરવી હોય તો કરાટે જ કામ આવે.”

પણ ત્યાં આપણે સૌ સાથે હોઈએ તો પછી શેનો ભય?”

“આપણે સૌ સાથે? ના. ત્યાં સૌએ સાથે નથી જવાનું.”

“મતલબ?”

“એ જ કે ત્યાં હું અને વ્યોમા જ જવાના છીએ. એકલા જ. તમે કોઈ સાથે નથી આવવાના.” નીરજાના શબ્દોમાં હવે પાંખોની સાથે સાથે હિંમત પણ ઊડી રહી હતી. તે હવે નિર્ભીક અને સ્પષ્ટ થવા લાગી.

“શું? તમે બંને એકલી જ ત્યાં જશો? તમારી ઉંમર કેટલી છે, એની ય ખબર છે તમને? મારી સાથે જેટલી હિંમતથી વાત કરે છે, એટલી સરળ વાત નથી આ. કેટલી જોખમી છે આ યાત્રા, એનો કોઈ અંદાજ પણ છે ખરો? આવી બાલિશ અને અપરિપક્વ વાત નહીં ચલાવી લેવાય. કોઈ મંજૂરી નહીં મળે. બધું જ ભૂલી જા. મનમાંથી કાઢી નાંખ આવી વાતો. હજુ તું બાળક છે, બાળક.” ગુસ્સામાં દીપેને પોતાનો નિર્ણય જાહેર કરી દીધો.

વ્યોમા તંગ પરિસ્થિતી જોઈને ત્યાંથી નીકળી ગઈ.

“મારૂ બાળપણ તો હવે છૂટી ગયું છે, પાછળ રહી ગયું છે. હું પરિપક્વ નથી એ વાત સાચી. પણ બાળક પણ નથી. નાદાન પણ નથી. બાલિશતા અને પરિપક્વતાના સંગમ પર આવી ઊભી છું. મારે પણ પરિપક્વ થવું છે.

તે માટે બહાર નીકળવું પડશે. બાળપણના ઘરને છોડીને યુવાનીના વિશ્વમાં જવું પડશે. મારી પાંખોમાં કશુંક નવું વહેવા લાગ્યું છે. તે મને લઈ જઇ રહ્યું છે યૌવનના દેશમાં. મારે ઉડવું છે એ આકાશમાં. મારા આકાશમાં. મારી પાંખો વડે. પાંખો પણ મારી અને આકાશ પણ મારૂ.” નીરજા હવે વધુને વધુ સ્પષ્ટ અને મક્કમ બની રહી હતી.

તેના શબ્દોએ વાતાવરણ તંગ બનાવી દીધું. દીપેન ક્ષોભ અને ગુસ્સો અનુભવી રહ્યો.

પિંજરને તોડીને ઉડવા મથતા પંખિની જેમ નીરજા ઉત્સાહમાં હતી.

જયા સમગ્ર સ્થિતિને ધ્યાનથી સમજી રહી હતી. તેને લાગ્યું કે આ સમય વાતને સાચવી લેવાનો છે, વધુ બગાડવાનો નહીં,“તારે કરાટે શીખવું છે ને? ચાલ અત્યારે બીજી બધી વાતોને છોડ. દીપેન, નીરજા હાલ કરાટે શીખવાનું ભલે ચાલુ કરતી. “

“જયા, કરાટે...’

“હાલ તો કરાટે શીખવું કે નહીં તે મુખ્ય મુદ્દો છે. ખરું ને?” જયાએ નીરજા તરફ પ્રશ્નાર્થ નજર કરી.

“ના. માત્ર એટલું જ નહીં. મારો પ્રવાસ પણ મહત્વનો છે. મૂળ વાત જ પ્રવાસની છે. બાકી બધી વાતો તો પ્રવાસની સજ્જતા માટેની છે.“નીરજા આજે પોતાની વાત સ્પષ્ટ પણે રજૂ કરવાના મૂડમાં હતી. તેના પર ચર્ચા કરવાના મૂડમાં હતી. પોતાની વાત મનાવવાના મૂડમાં હતી.

દીપેન બિલકુલ વિરોધી મૂડમાં હતો, તો જયા હાલ પૂરતી વાતને ટાળીને યોગ્ય સમયની પ્રતિક્ષા કરવાના મૂડમાં.

ત્રણેયમાંથી કોઈ પોતાના મુડને બદલવાના મૂડમાં ન હતા. થોડી વાર માટે ત્રણેય મૌન બની ગયા.

સૌને લાગ્યું કે હવે મૌનને બોલવા દેવું જોઈએ. મૌન બોલતું રહ્યું. તેઓ સાંભળતા રહ્યા. સૌને ગમ્યું. મૌન કેટલું પ્રભાવશાળી છે. શબ્દોના પ્રહારને સિફતપૂર્વક ટાળી શકે છે. શબ્દોને મહાત પણ કરી શકે છે. મૌન ગમવા લાગ્યું.

પણ, ગમતી વાત ક્યારેય લાંબી ટકતી નથી. મૌન પણ.

“દીપેન, શું છે આ બધું?” ભરતે દાખલ થતાં બોલેલા શબ્દો સામે મૌન ટકી ના શક્યું. વ્યોમા પણ સાથે જ આવી.

“જો ને, આ નીરજા. જીદ લઈને બેઠી છે, એકલા પ્રવાસે જવાની. અને તે ય છેક મેઘાલયમાં, કાંઇ સમજતી જ નથી.” દીપેનના મનનો ઊભરો ઠલવાઇ ગયો.

નીરજા કશુંક કહેવા જઇ રહી હતી, પણ જયાએ તેને અટકાવતાં કહ્યું,” આવો ભરતભાઈ. ભાભી અને જીત ક્યાં છે?”

“અમો પણ અહીં જ છીએ.” જીત અને દીપા પણ આવી ગયા.

વાતાવરણ થોડું હળવું થયું. છતાં ય છેડાઈ ચૂકેલા મુદ્દાનો ભાર બધાય ના મનમાં ઘર કરી બેઠો હતો.

ભરત એટલે જ અહીં આવ્યો હતો. વ્યોમાએ તેને બધી જ વાત કરી દીધી હતી. વાતની ગંભીરતા સમજીને તે તરત જ દોડી આવ્યો હતો.

તેણે જોયું કે તંગ વાતાવરણમાં તેના આવવાથી થોડી હળવાશ આવી છે. તેણે હળવાશને વિસ્તરવા દીધી. હળવાશ વિસ્તરી રહી. સૌને ગમ્યું.

થોડી આડી અવળી વાતો થવા લાગી. પણ ફરીને વાત ત્યાં જ આવીને ઊભી.

“તો નીરજા, તારો પ્રવાસ શું છે? ક્યારે છે? કેવી રીતે છે? શા માટે છે? બધું નિરાંતે સમજાવ. જરા માંડીને વાત તો કર.” જયા અને દીપાએ નીરજાના માથે હાથ ફેરવતા વાત આગળ વધારી.

નીરજાના માથે હાથ ફરતો રહ્યો. સારું લાગ્યું. તે પણ હવે નમ્ર બની.

‘જો મારે મારી વાત મનાવવી હશે તો ગુસ્સો કામ નહીં આવે. પ્રેમથી જ કામ કઢાવવું પડશે.’ તેણે હળવું સ્મિત આપ્યું.

સૌના મનનો જવાળામુખી ઠરવા લાગ્યો.

“હું અને વ્યોમા આ યાત્રા કરવા માંગીએ છીએ, ઉનાળાના વેકેશનમાં. અહીંથી દર શુક્રવારે રાત્રે 9 વાગ્યે એક ટ્રેન જાય છે જે સોમવારે સવારે 7 વાગ્યે ગૌહાટી પહોંચે છે. 58 કલાકની મુસાફરી છે. ટ્રેનનું નામ છે- ઓખા ગૌહાટી. ત્યાંથી પછી શિલોંગ, મેઘાલયની રાજધાની, બસ દ્વારા જવાનું છે. ત્યાંથી ચેરાપૂંજી જઈશું. ચેરાપૂંજીના ગાઢ જંગલોમાં ટ્રેકિંગ કરીશું અને તે રીતે નોહ કલિકાઈ ફોલ્સ સુધી પહોંચીશું.

“તો તારી મંઝિલ આ ધોધ છે?”દીપાએ રસ બતાવ્યો.

“હા. શિલોંગ સિટિ, ચેરાપૂંજી ના જંગલો અને નોહ કલિકાઈ ધોધ.”

“કેટલા કિમી દૂર છે?”

“ગૌહાટી 2738 કિમી અને આગળના જે કિમી હોય તે વધારાના. લગભગ 2800 જેટલા કિમી નો અંદાજ કરી શકાય.”

“તો આ ધોધ જોવા માટે છેક આટલે દૂર જવાનું?” ભરત વાતમાં જોડાયો, “ગુજરાત અને નજીકના રાજ્યોમાં પણ અનેક ધોધ આવેલા છે. જંગલો પણ છે. તો તે માટે છેક ત્યાં જવું જરૂરી છે?”

“હા, એ સાચું છે કે સમગ્ર ભારતમાં અનેક ધોધ છે, અને આપણા નજીકના સ્થળોએ પણ અનેક ધોધ છે. ગીરનું જંગલ આપણે જોયું જ છે. બીજા જંગલો પણ નજીકમાં જ છે. પણ મારે તો ચેરાપૂંજીના જંગલો અને નોહ કલિકાઈ ધોધ સુધી જવું છે.” વ્યોમા પહેલીવાર નીરજાના ઈરાદાઓના પક્ષમાં બોલી.

તેના ચહેરા અને શબ્દોમાં દ્રઢતા છલકાવા લાગી. નીરજા અને વ્યોમાએ આંખો વડે વાતો કરી લીધી. નીરજાનો આત્મવિશ્વાસ વધી ગયો.

“કેમ એવું? ખાસ એ જ જંગલ અને એ જ ધોધ?’ જયાએ પૂછ્યું.

“એવું તે શું છે એ જંગલમાં અને એ ધોધમાં?” દીપા પણ જોડાઈ.

“કાંઈક ખાસ લાગે છે એમાં. ખરું ને?” ક્યારનો ય શાંત રહેલો જીત પણ જોડાયો ચર્ચામાં.

“લગભગ બધી જ વસ્તુ બધે ઉપલબ્ધ હોય છે. છતાં તે જ વસ્તુ કે વાત માટે કોઈ સ્થળ ખાસ હોય છે, ખરું ને?” નીરજાએ હવે પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરવાનું પ્લેટફોર્મ તૈયાર કરવા માંડ્યુ, “દરિયો ગુજરાતમાં પણ છે, છતાં ગોવાનો દરિયો ગમે છે. પહાડ અહીં પણ છે, છતાં હિમાલય ગમે છે. નર્મદા નદી આપણી પાસે જ છે, છતાં આપણે ગંગાને મળવા હરિદ્વાર કે ઋષિકેશ કેમ જઈએ છીએ? કૃષ્ણ અહીં દ્વારકા, ડાકોર કે શામળાજીમાં પણ છે, તો ય તિરુપતિ કે બદ્રીનાથ સુધી જઈએ છીએ ને.”

“હા, જઈએ છીએ.”

“કેમ? એ જ દરિયો, એ જ જંગલ, એ જ નદી, એ જ પહાડ અને એ જ ભગવાન ! છતાં ય આપણને અલગ અલગ જગ્યાએ જઈને એ જ બધું જોવાનું મન થાય છે. આપણે જઈએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ. શા માટે?” નીરજાની દલીલો હવે ધારદાર બનવા લાગી.

દીપા-ભરત-દીપેન-જયા, સાવ મૌન બની ગયા. તેઓ પાસે આ શબ્દોનો કોઈ જવાબ ન હતો. શું કહેવું તે સમજાયું નહીં. મનમાં ઘણા જવાબો આવીને જવા લાગ્યા. પણ કોઈમાં જરાય દમ ન હતો. બસ મૌન જ રહ્યા.

“દરેક ઘટનાને, સ્થળને કોઈને કોઇ વિશેષતા હોય છે. અને એટલે તો માણસને એ આકર્ષે છે. માણસને નવું જોવાની, જાણવાની અને માણવાની હંમેશા ઝંખના હોય છે. એક જ વાત કે વસ્તુ કે ઘટનાને અલગ રીતે જોવા, જાણવા કે સમજવાની સૌને સ્વતંત્રતા છે, અને એટલે જ તો આ વિશ્વમાં વૈવિધ્ય છે. આ વૈવિધ્ય જ લઈ જાય છે નવી દુનિયામાં.” નીરજાના શબ્દો મજબૂત બનતા ગયા. બધા પર તેનો જાદુ છવાતો ગયો.

“DIVERSITY IS THE BEAUTY !” વ્યોમાએ પણ તક જોઈ કહ્યું. તેણે LED ટીવી ઓન કર્યું અને પેન ડ્રાઇવમાં સ્ટોર કરી રાખેલ નોહ કલિકાઈ ફોલ્સનો વિડીયો ચાલુ કરી દીધો.

સૌનું ધ્યાન તે તરફ ગયું. જોવા લાગ્યા. 40 ઇંચની સ્ક્રીન પર તે વિડીયો અદભૂત અનુભવ આપતો હતો. આખા રૂમમાં તેના આવજો ગુંજવા લાગ્યા. સૌ મંત્રમુગ્ધ થઈ જોતાં રહ્યા. તેના એક એક દ્રશ્યો અને અવાજો સૌના મનમાં છવાતા ગયા. વિડીયો પૂરો થયો. પણ સૌના મનમાં તો જાણે હવે જ તે શરૂ થયો.

ખરો વિડીયો તો હવે જ ચાલવા લાગ્યો, સૌના મનમાં. બંને માતા પિતા પાસે હવે કહેવા જેવુ કાંઇ જ ન હતું.

તેઓના મૌનમાં જાણે સંમતિ હતી. કોઈ કશું જ ન બોલ્યું. છૂટા પડી ગયા, અદભૂત દ્રશ્યોને, મનમાં સાચવીને. બધાના આ મૌનમાં રમતી હતી પોતપોતાની યોજનાઓ.

નીરજા અને વ્યોમાના મનમાં આકાર લઈ રહી હતી, યાત્રા પર જવાની યોજના. તો વડીલોના મનમાં તે યાત્રા પર તેઓને જતાં રોકવાની યોજના. કોઈ પણ રીતે રોકવા.