Internetna Upvas in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | ઈન્ટરનેટનાં ઉપવાસ

Featured Books
Categories
Share

ઈન્ટરનેટનાં ઉપવાસ

ઈન્ટરનેટનાં ઉપવાસ. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

દ્રશ્ય ૧:

-રીમા, એ રીમા, અહીં આવ તો.

-બોલો, શું કામ છે મારું?

-કામ તો કંઈ નથી, બેસ ને બે ઘડી, અહીં મારી પાસે.

-સવાર સવારમાં એમ ખાલી બેસવાનો ટાઈમ નથી, ઘણા કામો બાકી પડ્યાં છે.

-ઈન્ટરનેટ તો ચાલતું નથી, તો પણ તને મારી પાસે બેસવાનો ટાઈમ નથી?

-અરે! ઈન્ટનેટ નથી ચાલતું તો શું થયું? દુનિયા થોડી જ રોકાઈ ગઈ છે?

-ઈન્ટરનેટ વગર સ્ટોક માર્કેટની એક્ટિવીટી રોકાઈ ગઈ,નથી તો માર્કેટ સ્ટડી કરાતો કે નથી તો સોદા કરાતા, એટલે મારે માટે તો આખી દુનિયા રોકાઈ ગયા જેવું જ છે

-તમારી એ વાત સાચી, પણ મારે ઘણા બધાં કામો બાકી પડ્યાં છે. આવતી કાલે રક્ષાબંધન છે, તમારાં બહેન-બનેવી એટલે કે મારાં નણંદ-નણદોઈ સવારે આવવાના છે, એમની ગીફ્ટ તો આવી ગઈ છે, પણ એને ગીફ્ટ પેક કરવાની બાકી છે. સ્વીટ્સ અને શાકભાજી બજારમાંથી લાવવાના છે. કામવાળી આવવાની છે, પણ વધારાનું કામ નથી કરી આપવાની એટલે ઘર સાફસૂફ કરવાનું છે.

-તને આ બધાં જ કામો માટે ટાઈમ છે, અને મારી પાસે બે ઘડી બેસવાનો જ ટાઈમ નથી? જોઈ લીધો મેં તારો પ્રેમ. હવે તું મને પહેલાંના જેવો પ્રેમ નથી કરતી.

-અચ્છા, એમ વાત છે? તો લો ને, હું તમારી પાસે બે ઘડી નહીં, બાવીસ ઘડી સુધી બેસું. પણ પછી તમે મને કામમાં મદદ કરજો. આમ પણ લગ્ન પહેલાં તમે મારા માટે ચાંદ-તારા તોડી લાવવાનું કહેતા હતા, પણ તે તો મારે જોઈતા નથી. એટલે તમે ફક્ત બજારમાંથી સ્વીટ-સબ્જી લાવી આપવાનું અને ગીફ્ટ પેકિંગનું કામ કરી આપજો.

-લાગે છે કે મારાથી, તારી ‘અન-સાઇકીક મોમેન્ટ્સ’ માં વાત થઈ ગઈ. તું તારે જા, તારું કામ કર, વાતો તો પછી પણ, તું ફ્રી હોય ત્યારે કરાશે.

-‘અબ આયા ના ઊંટ પહાડકે નીચે?’

- આ તો શું છે કે- . નથી તો વોટ્સઅપ ચાલતું કે નથી તો ફેસબુક ચાલતું, એટલે નવરો પડી ગયો, તુ જ કહે હું શું કરું?

-કોઈ સારી બુક વાંચો, સારી સીડી સાંભળો, ટી.વી. પર કોઈ સારા પ્રોગ્રામ્સ આવતા હોય તો જુવો.

૨૫ મી ઓગષ્ટ, ૨૦૧૫, અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પર, હાર્દિક પટેલની આગેવાની હેઠળ, આખા ગુજરાતમાંથી લાખો પાટીદારો, ‘અનામત આંદોલન’ માટે ભેગા થયાં. સાંજ સુધી તો સભા, રેલી, આવેદન પત્ર, ભુખ હડતાળ, વગેરે કાર્યક્રમો શાંતિ પૂર્વક થયા. બહારગામના પાટીદારો સાંજે પરત પણ થયા. પણ જેવી સાંજે પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી, અને ગ્રાઉન્ડ પરના પાટીદારો પર ‘લાઠીચાર્જ’ કર્યો કે અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત વગેરે સ્થળે હિંસક આંદોલનો ફાટી નીકળ્યાં. સરકારે આંદોલનને કાબુમાં લેવા માટે જે પગલાંઓ લીધા, એમાંના એક પગલા તરીકે, મોબાઈલ ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું. ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી,’ એમ માનીને સરકારે લોકોને ‘સોશિયલ મીડીયા’થી જ ’કટ ઓફ’ કરી દીધા.

થોડી મિનિટો માટે ઈન્ટરનેટ બંધ થાય તો પણ લોકો અકળાઈ જાય, તો આ તો કલાકો, અને પછી લંબાઈને દિવસો સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું. આમ શ્રાવણ મહિનામાં ખાવાના ઉપવાસની સાથે સાથે ઘણા લોકોને ‘ઈન્ટરનેટના ઉપવાસ’ પણ પરાણે કરવા પડ્યાં, અને ઉપર મુજબનું દ્રશ્ય એક ઘરમાં ભજવાયું. એવાં બીજા પણ કેટલાક દ્રશ્યો ભજવાયા, જે અહી પ્રસ્તુત કરું છું.

દ્રશ્ય ૨:

-કહું છું, હવે બહાર થોડી શાંતિ પ્રસરી લાગે છે, તો આજે જરાવાર કોઈ ‘મોલ’ માં આંટો મારી આવીએ?

-આપણે દૂધ, દહીં, શાક્ભાજી, ફ્રુટ્સ, લોટ, ખાંડ, અનાજ, કઠોળ, ઘી,તેલ, વગેરે ઘરમાં જરૂરી બધી વસ્તુઓનો સ્ટોક તો આગમચેતી વાપરીને ‘અનામત ની મહારેલી’ થાય એ પહેલાં જ ભરી લીધો હતો ને? તો હવે શું ખૂટી પડ્યું તે તારે ‘મોલ’ માં જવું છે?

-ઈન્ટરનેટ. બુધવારથી ઈન્ટરનેટ બંધ છે, બે-ત્રણ દિવસથી શું ચાલી રહ્યું છે તે ખબર નથી, ‘વોટ્સઅપ’ અને ‘ફેસબુક’ વગર મજા નથી આવતી. તેથી મને થયું કે કોઈ મોલમાં ફ્રી વાઈ-ફાઈ હોય તો ઘડીક જઈને ‘સોશીયલી’ કનેક્ટ થઈ આવીએ.

દ્રશ્ય ૩:

-સાંભળ, હું જરા શોપિંગ સેન્ટર સુધી જઈ આવું.

-અત્યારે બહાર નીકળવાનું સલામત નથી, ત્યારે ઘરની બહાર શું કામ જાઓ છો?

-મારા પ્રીપેઈડ મોબાઈલમાં ‘ટોકટાઇમ’ પૂરો થઈ ગયો છે. ઈન્ટરનેટ બંધ છે તેથી ઘરેથી ઓનલાઇન રિચાર્જ કરાવી શકાય એમ નથી. વોટ્સઅપ અને ફેસબુક તો બંધ જ છે. SMS પણ બંધ થઈ ગયાં છે, ત્યારે એટ્લીસ્ટ ફોનથી વાતચીત ચાલુ રહે તે માટે ટોકટાઈમ કરાવવો જરૂરી છે.

દ્રશ્ય ૪:

-હલો શીલા, હવે પરિસ્થિતિ થોડી નોર્મલ થઈ લાગે છે, તો શુક્રવારે આપણી કીટીપાર્ટી રાખી દેવી છે?

-હા રોમા, હું તને એ માટે ફોન કરવાની જ હતી. શનિવારે પાછી બળેવ છે, તો કીટીપાર્ટી શુક્રવારે જ રાખી દઇએ. અને હા, જેના ઘરે વાઈ-ફાઈ ઈન્ટરનેટ બરાબર ચાલુ હોય તેના ઘરે જ પાર્ટી ગોઠવીએ. બે દિવસથી નેટ બંધ છે તે મજા નથી આવતી. તારા ઘરે ઈન્ટરનેટ ચાલે છે?

-ના, મારે પણ વાયરલેસ નેટ જ છે. અલકાને ઘરે કેબલનેટ છે, તો એને જ પૂછી જોઉં કે પાર્ટી રાખવાનું એને અનુકૂળ છે કે કેમ. મેસેજીસ તો ચેક કરી શકીએ, બરાબર ને?

-હા, તું પાર્ટી નક્કી કરીને ફોન કર મને.

-ઓકે.

દ્રશ્ય ૫:

-તમે તૈયાર થઈને ક્યાં ચાલ્યા?

-જરા કોર્પોરેટ રોડ સુધી જતો આવું. ઘરમાં નેટ નથી ચાલતું તો હસિતભાઈની ઓફિસમાં જઈને જરા બે ત્રણ અગત્યના ઈમેલ કરવાના છે તે કરતો આવું.

-બહાર હજી અશાંતિ છે, તમે પડોશમાં નીરજભાઈને ત્યાં કેબલનેટ છે ત્યાં જઈને જ કામ પતાવી આવોને.

દ્રશ્ય ૬:

- ઘરમાં આવું કે, હસુકાકા?

-કોણ મનન? અરે વાહ! આજે કેમનોક ને ભુલો પડ્યો? આ કાકો તને કેવી રીતે યાદ આવ્યો?

-એવું છે ને કાકા, ઘણા વખતથી તમને મળવાનું વિચારતો જ હતો. પણ કામના ભારથી નીકળી શકાતું નહોતું. અને આજે ઈન્ટરનેટ બંધ છે તેથી કંઇ કામકાજ થઈ શકે એમ નથી,તો થયું લાવ કાકાને મળી આવું.

-બહુ જ સારું કર્યું ભાઈ, કે તું મળવા આવ્યો, તારી કાકી તો કાગના ડોળે તારી રાહ જોતી હતી. ભલું થજો સરકારનું કે આજે એણે ઈન્ટરનેટ બંધ રાખ્યું ને અમને તારા દર્શન થયાં.

દ્રશ્ય ૭:

મમ્મી, હું તને કામમાં કંઈ મદદ કરાવું?

-અરે વાહ! આજે સુરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઊગ્યો કે શું?

-એવું કંઈ નથી મમ્મી. ઈન્ટરનેટ બંધ છે, વોટ્સઅપ કે ફેસબુક કંઇ ચાલતું નથી તેથી કંટાળો આવે છે, તો થયું લાવ, તને કામમાં કંઈ મદદ કરાવું.

-મને તો લાગે છે કે સરકારે રોજ બે ચાર કલાક ઈન્ટરનેટ બંધ રાખવું જોઈએ.

દ્ર્શ્ય ૮:

-મીનૂ, શું વાત છે, આજે તો ઘર એકદમ ચકાચક ચોખ્ખું છે ને?

- ઈન્ટરનેટ બંધ છે, WA, Face Book, Twitter , SMS, બધું બંધ છે, કંઈ સુઝતું નહોતું તો મને થયું કે લાવ આજે ઘર સફાઈ કરીને બધું વ્યવસ્થિત ગોઠવી દઉં. કેમ લાગ્યું મારું આયોજન?

-મને લાગે છે કે સરકારે રોજ મીનીમમ બે કલાક નેટ બંધ રાખવું જોઈએ.

લોકોના તોફાનોને કાબૂમાં રાખવા સરકાર પાસે ‘ઈન્ટરનેટ’ નામની ચાવી હાથમાં આવી છે. ‘ભાગતાં ભૂતની ચોટલી ભલી’ જોઈએ આ કીમીયો ક્યાં સુધી કારગત નીવડે છે તે.