Dhak Dhak Girl - Part - 9 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ભાગ ૯

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ભાગ ૯

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૯]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

ધડકને મોકલાવેલ ફોટો મેં ફક્ત એક નજર નાખીને સાહજિક રીતેજ જોયા.
મને એમાં ખાસ કોઈ ઈંટરેસ્ટ નહોતો. મારું ધ્યાન તો
બસ ખેંચાયુ..અને પછી પોરવાયેલું રહ્યું..ધડકનનાં વોટ્સએપ ડી.પી.માં..!
બહુતે'ક તો તેણે પોતાના ઘરમાં જ ખેંચેલી તે સેલ્ફી હતી.
સાદું યલ્લો કલરનું સ્લીવલેસ ટી-શર્ટ અને બ્લેક કલરનું સ્લેકસ, ડોક થોડી તીરછી કરીને એક હાથેથી પોતાનાં વાળ કાનની પાછળ કરતો તે પોઝ હતો. પણ તોય..
આવી સાવ સાદી અદામાંય તે કેટલી ક્યુટ લાગતી હતી..!
વાઉ.. મસ્ત..!
કેટલીય વાર સુધી હું તેને નીરખતો જ રહ્યો.
ને પછી મેં તેનું વોટ્સએપ-સ્ટેટસ ચેક કર્યું. તે હજીયે ઓનલાઈન જ હતી.
આઈ વોન્ટેડ ટુ સે સમથિંગ..!
પણ શું?
કંઈ સૂઝતું જ નહોતું.

.

પાંચેક મિનીટ બસ એમ જ..શાંતતામાં જ વીતી ગઈ.
"યુ ઓલરાઈટ?" -અચાનક ધડકનનો મેસેજ સ્ક્રીન પર ઝળક્યો.
"હમમ.. હું ઠીક જ છું. આઈ એમ ફાઈન. "
"એક્ચ્યુલી હું તને ફોટા મોકલવાની જ હતી. પણ પછી મને વિચાર આવ્યો કે.. મે બી, તું ઓલરેડી ડીસ્ટર્બ હોઈશ..એમાં આ ફોટા મોકલીને.."
"હ્મ્મમ..એની વે, આજ નહીં તો આવતીકાલે આ થવાનું જ હતું. જસ્ટ ધેટ..અમે તે ઇગ્નોર કરવાનો જ પ્રયત્ન કરતા રહ્યા..એટલું જ.” -વાક્ય પૂરું લખીને મેં એક સેડ સ્માઈલી મોકલી દીધી.
"તું તન્વીને આજે મળ્યો હતો ને?"
"હો..યસ..!"
"ખરું કહેજે.. કેવી લાગી?"
"મસ્ત..! હેપી..!"
હા. તો..! એ જ..! તે સેટ થતી જાય છે તેની જીંદગીમાં હવે. તો ઈટ ઈઝ ટાઈમ ફોર યુ ઓલ્સો, ટુ મૂવ ઓન."
"હમ્મ્મ.."
"સોરી, હું થોડું ફિલોસોફીકલ બોલું છું."
"નો..નો..! ઇટ્સ ઓકે. ઈટ ઈઝ ટાઈમ ટુ મૂવ ઓન..! આઈ નો..!"
"કંઈ લાગ્યું તેનાં તરફ? આય મીન..પહેલાં જેવું જ કંઇક..?"
"હો.. થોડું થોડું..”
"તન્મય..!" -અને તેનો આંખો ફાડતો, ને બરાડતો ચહેરો મારી નજર સામે તરવરી ઉઠ્યો.
"આય મીન..હું કોઈ કોમ્પ્યુટર કે રોબોટ તો નથી ને, કે એક બટન દબાવ્યું એટલે બધો ડેટા ઈરેઝ થઇ જાય."
"એવું નહીં રે..! પણ ભાવનાઓને સંભાળવી તો આપણા જ હાથમાં હોય છે ને..!"
"હોય છે. આય અગ્રી..! પણ બધાને આ નથી આવડતું હોતું. હવે પાછળ ફરીને જોઉં છું તો પસ્તાવો થાય છે, કે અમે જો પહેલા જ અલગ થઇ ગયા હોત, તો આજે આ જુદાઈની..આ વિરહની ક્ષણો આવી જ ન હોત."
"નહીં તન્મય..! તું ચુકે છે. નેવર રિગ્રેટ અનીથીંગ..! બીકોઝ એટ ધેટ ટાઈમ, ધીસ વોઝ એકઝેકટલી વોટ યુ વોન્ટેડ.."
"હો..! આય મીન..મને પસ્તાવો આનો જ થાય છે, કે આમાંથી બહાર આવી શકાતું નથી, અથવા બહાર આવવું મુશ્કેલ છે, તે ખબર હોવા છતાંય અમે.."
"તને એક વાત કહું તન્મય? સાયકોલોજીનાં લેક્ચરમાં અમારા દેસાઈ મેડમ અમને એક દેડકાની વાત કહેતા. તને ખબર છે એ વાર્તા?"
'નો." -ખરું પૂછો તો મને તે વાત ખબર હતી, પણ તોય મેં 'ના' પાડી.
"મતલબ કે, સાચું ખોટું તો ખબર નથી, પણ દુનિયામાં ક્યાંક આ પ્રયોગ થયેલો છે. એક પાણીથી ભરેલા વાસણમાં એક દેડકાને મુકવામાં આવ્યો, અને પછી તે વાસણને ગરમ કરવા માટે ચુલા પર મુકવામાં આવ્યું. જેટલું થઇ શકે તેટલું સહન તે દેડકાએ કર્યું. પણ જયારે પાણી એકદમ પ્રચંડ રીતે ગરમ લાગવા લાગ્યું, ત્યારે તે દેડકાએ તેમાંથી બહાર પાડવા પ્રયત્નો આદર્યા. પણ ત્યાં સુધીમાં તો પાણી એટલું બધું ઉકળી ગયું હતું, કે તે દેડકો બિચારો અંદર જ મરી ગયો."
"..."
"સમજે છે ને હું શું કહું છું તે..? કોઈ પણ વસ્તુની એક લીમીટ હોય છે. તે લીમીટ આવે તે પહેલા જ આપણે તેમાંથી.."
"હો, સમજાય છે મને. તને કહું, ધડકન? મને ને..બહુ ફ્રેન્ડસ પણ નથી. અને લેટ નાઈટ દારુ-પાર્ટી કરવી, ટ્રેકસ કરવું..કલાકો સુધી ક્લબમાં સિગરેટનાં ધુમાડાઓ વચ્ચે ગપ્પા મારતું બેસવું..આવું બધું મને નથી ફાવતું..મારી લાઈફ-સ્ટાઈલ નથી આ."
""
"એનાં કરતાં તન્વી સાથે કેક-શોપમાં જઈને પેસ્ટ્રી ખાવી..રડારડીવાળા ઈમોશનલ મુવીઝ જોવા..તન્વી સાથે શોપિંગ કરવું..આવું બધું મેં વધુ એન્જોય કર્યું છે."
"આઈ નો..! યુ આર વેરી સોફ્ટ-હારટેડ પરસન."
"હાઉ ડુ યુ નો?"
"ભૂલી ગયો કે? સાયકોના અમારા ક્લાસમાં તું આવ્યો હતો..! આ બધું ત્યારે મેં તારા વિશેનું વિશ્લેષણ કર્યું હતું."
"હેહેહેહે...! ભૂલી જ ગયો હતો હું તો. હજુયે કહે ને..! મારા વિષે કઈ કઈ દિવ્ય-શોધ કરી હતી તમે લોકોએ."
"કહીશ ફરી ક્યારેક."
” ? ”
"ઓકે ઓકે..નાઉ ચીયર અપ..! એક જોક મોકલું?"
"શ્યોર..! મોકલ ને. પ્લીઝ..!"

.

તે પછીની દસ-પંદર મિનીટ સુધી તે અમુક ફની-ફની જોક્સ મોકલતી રહી, અને વચ્ચે વચ્ચે હું યે મારી પાસે અમુક ફોરવર્ડસ હતા, તે મોકલતો રહ્યો.

"એય ચલ, આય એમ લોગીંગ આઉટ. પછી ચેટ કરીશું." -આખરે તેણે ચેટ-સમાપન કરતો મેસેજ કર્યો.
"હમ્મ્મ.."
"..."
"ધડકન..! એક વાત કહું?"
"હા, બોલને,”
"થેન્ક્સ.."
"થેન્ક્સ? શેનાં માટે?"
"કંઈ નહીં, એમ જ..!"

""
""
"ઓકે. ચલ આવજે..બાય..!"
"બાય..!"

ધડકન ઓફ-લાઈન થઇ તે પછીયે હું તેની સાથેની ચેટ વારંવાર વાંચતો જ રહ્યો.

ફેસબુક કહો, કે વોટ્સએપ કહો, કે પછી ઇન જનરલ..! આ સોશ્યલ મીડિયા એક ખુબ જ વિચિત્ર વસ્તુ છે. સાવ કેટલી થોડી જ પળોમાં તે લોકોને એકમેકની નજીક લાવી આપે છે, એનો અનુભવ મને સમય-સમયે થતો જ રહ્યો છે. ધડકન હવે મારાથી બસ..એક મેસેજની જ દુરી પર હતી.

ક્યારેક ઓફિસની બોરિંગ મીટીંગ્સની વચ્ચે જ કોઈ મજેદાર કિસ્સો બને, તો તરત જ હું તેને ટેક્સ્ટ કરી નાખતો. તો ક્યારેક સીટી-લાયબ્રેરીમાં તેને મળી ગયેલ કોઈક ચિત્ર-વિચિત્ર વ્યક્તિ બદ્દલનો કિસ્સો તે પણ મને મોકલી દેતી. ક્યારેક અમે એકાદ મિનીટ જ ચેટ કરતા.. તો ક્યારેક દસ-પંદર મિનીટ સુદ્ધા..!

મુદ્દો એ નથી કે કેટલો સમય, કે કયા વિષય પર અમે ચેટ કરતા. મુદ્દો એ છે કે અમે દરરોજ એકબીજા સાથે ચેટ તો કરતા જ. અને ગમ્મત તો એ વાતની હતી, કે અમારી ચેટીંગમાં તન્વી વિષેનો સાદો ઉલ્લેખ સુધ્ધા ન થતો.

તે પછીને એકાદ-બે અઠવાડિયામાં અમે..કે પછી હું તો..તન્વીને ઘણું ખરું ભૂલી જ ગયો.

******

"તને ખબર છે તન્મય?" -એક દિવસ ધડકનનો મેસેજ આવ્યો- “આપણે હાર્ડલી ચાર કે પાંચ વાર જ મળ્યા હોઈશું, ક્યારેક સામસામે આવી ગયા, તો આપણે ધડ દઈને બોલી પણ નહીં શકીએ..આય મીન હું તો નહીં જ..! પણ અહીં આપણે કેવા પાગલની જેમ ગપ્પા મારે રાખીએ છીએ ને..!"

તેની વાત સાચી હતી. અહિયાં બોલવા માટે કોઈ પણ ટોપિકનું બંધન નહોતું. જગતનાં ઇકોનોમિકસથી લઈને ગ્લોબલ વોર્મિંગ..કે પછી કોઈ મુવી, અથવા કોઈ તાજેતરના બનાવ પર એકદમ કમ્ફર્ટેબલી અમારા ગપ્પા ચાલતા. તેની સાથે ચેટીંગ કરતી વખતે જાણે કે, હું જગતથી સાવ અલગ જ પડી જતો.

શું હતું આ?
આ પ્રેમ જ હતો ને?
કે પછી હજુયે કંઇક બીજું?
તેનો પ્રત્યેક મેસેજ મને ગમતો. ભલે પછી તે એક સાદી સ્માઈલી જ હોય, કે પછી તત્વ-જ્ઞાનથી ભરેલો કોઈ મહાભયંકર વિચાર.
તેનો કોઈ પણ રીપ્લાઈ ઓછામાં ઓછું બે વાર વાંચ્યા સિવાય મને ચેન જ ન પડતું.

.

એવામાં એક દિવસ, સવાર સવારમાં તન્વીનો મેસેજ આવ્યો.
"શનિવારે સાંજે અમારે ત્યાં સત્યનારાયણની પૂજા રાખી છે. પ્લીઝ તું નક્કી આવજે. શનીવાર છે. રજા છે તને. એટલે નો એક્સક્યુઝ. હું ધડકનને પણ ઇન્વાઇટ કરું છું. અહીં સાસરામાં મારું તો ખાસ કોઈ ઓળખીતું છે જ નહીં. મમ્મી-પપ્પા આવશે, પણ તેઓ તો મારા સાસુ-સસરા સાથે બીઝી હશે. તમે બંને આવશો, તો મને બહુ સારું પડશે. નક્કી આવજો. હું વાટ જોઇશ. એડ્રેસ મોકલું છું."

અજાણતા જ મારા કપાળ પર કરચલીઓ ઉપસી આવી.
તન્વીના ઘરનું કુતરું ય મને ઓળખતું નથી, અને એમાં તેનાં ઘરે સત્યનારાયણની પૂજામાં જવાનું?
ઓકે, સીટીમાં હોય તો ય ઠીક છે. પણ દોઢ-બે કલાકનું ટ્રાવેલ કરીને રાંજણગાવ જવાનું એટલે મગજને તાપ જ કહેવાય.

.

“એય.. શું કરવું જોઈએ?” -થોડી વારમાં જ ધડકનનો મેસેજ આવ્યો.
"આય ડોન્ટ નો. તું જ કહે."
"ડોન્ટ નો મતલબ? તારી ગર્લ-ફ્રેન્ડ ને, તે? તો તું જ કહે ને."
"જવામાં કંઈ નથી, પણ..રાંજણગાવ દોઢેક કલાક દુર છે."
"હો ના..! થોડીવાર માટે જઈએ તો પણ ચારે’ક કલાક તો થઇ જ જાય. તું બોલ..!"
"સાચું કહું તો મને તો જવાનો કોઈ જ ઉત્સાહ નથી. અને ઉપરથી ત્યાં કોઈને ઓળખતોય નથી. પણ તન્વીને કારણ શું આપવું?"
"હમ્મ્મ..પણ જવું કેવી રીતે? બસ જાય છે કોઈ ત્યાં?"
"બસમાં શું કામ જવાનું? મારી ગાડી છે ને..! દોઢ કલાકની તો જર્ની છે. આય મીન..ઇફ યુ આર ઓકે વીથ ઈટ."
"ઓકે..ચાલશે. પણ થોડા જલ્દી જઈને જલ્દી પાછા આવી જઈશું. મતલબ કે બાર સાડાબારે નીકળીને છ સાડાછ સુધીમાં આવી જવાનું. ફાવશે..?"
"હો.. ફાવશે ને." -મને બિલકુલ નહોતું લાગ્યું, કે ધડકન આટલી જલ્દી હા પડી દેશે.

********

શનિવારની સવાર પડી એટલીવારમાં તો હજાર વખત હું તન્વીને મનોમન થેંક-યુ કહી ચુક્યો હોઈશ. ગાડીની સર્વીસીંગ કરાવી લીધી. ટાંકી ફૂલ કરાવી દીધી. દસ વખત ટાયર્સ ચેક કર્યા, અને નક્કી કરેલી જગ્યા પર ધડકનને પીક-અપ કરવા પહોચી ગયો.

બ્લુ કલરનું લોંગ સ્કર્ટ અને ઉપર સફેદ રંગનું સ્લીવલેસ ટોપ તેણે પહેર્યું હતું. ગળામાં નેવી-બ્લુ કલરનો દુપટ્ટો, સિલ્વર કલરનાં હાઈ-હિલ્સ શુઝ અને પાછળ નાનકડું બૅક-સૅક લટકાવીને ધડકન મારી વાટ જોઇને ઉભી હતી.

"વોટ'સ ધીસ..?" -અમે બંને અચાનક એકસાથે જ બોલી પડ્યા.
"ધીસ મતલબ?" -મેં અચરજમાં આવી પૂછ્યું.
"તારી પાસે તો ગાડી હતી ને?" -ધડકને આંખો પહોળી કરીને પૂછ્યું.
"તો આ શું છે?" -મેં થોડું અચકાઈને સામે પૂછ્યું.
"આય મીન..આય થોટ..ગાડી એટલે..કાર લઈને આવવાનો હોઈશ તું."

ક્ષણાર્ધમાં જ મારો તો મૂડ-ઓફ થઇ ગયો.
"પુનામાં તો ગાડી એટલે આ જ. ટુ-વ્હીલર જ..!" -મેં સફાઈ દેવાનો પ્રયત્ન કર્યો.
"અરે પણ.. હું, સ્કર્ટ પહેરીને બાઈક પર..?"
"એ જ તો હું તને પૂછતો હતો. કે તેં સ્કર્ટ કયા હિસાબે પહેર્યું? આપણે પૂજામાં જઈએ છીએ ને..! મને એમ કે તું સાડી વગેરે.."
"ઓફ કોર્સ..! એટલી સેન્સ તો છે મારામાં. મેં બેગમાં લીધી છે સાડી." -તેણે પાછળ આંગળી બતાવતા કહ્યું- “ત્યાં જઈને ચેન્જ કરી લઈશ. પણ હવે?"
"મારી પાસે કાર નથી. આ એક જ ગાડી છે. તું બોલ. કહેતી હોય તો કેન્સલ કરીએ. યા તો તું ચેન્જ કરીને આવ."
"ના..હી, નકો..! બેઉ ઓપ્શન નકો. ઠીક હે..! જઈએ આપણે. હું એક સાઈડ પર બેસીશ."
"ફાવશે ને, નક્કી?"
"જોઉં છું. ફવાડીશ. હવે તું આવડી ગાડી લઈને આવ્યો છે, તો પછી..."

.

બાઈક પર ચડીને બેસતી વખતે ભલે સાવ એક ક્ષણ માટે..પણ ધડકને મારા ખભા પર અજાણતા જ હાથ મુક્યો.
તે ક્ષણ..તે સ્પર્શ..મારા સંપૂર્ણ શરીરમાં એક રોમાંચ ભરી ગઈ.

.

પુનાની બહાર આવ્યા એટલે ઠંડા પવનને કારણે હજુ ય થોડું સારું લાગવા માંડ્યું. શરૂઆતમાં આલતુફાલતું ગપ્પા માર્યા બાદ હવે શું બોલવું તેવો સવાલ બંનેના મનમાં ઉભો થઇ ગયો હતો.
વોટ્સ'એપ પર બોલવું અને આમ સમોરાસમોર બોલવું..બંને સાવ જ વેગવેગળી વાત હતી.
૧૦-૧૫ મીનીટો આમ જ શાંતતામાં વીતી ગઈ.

"તન્મય..! આટલો શાંત કેમ છે? હમેશ તો કેટલું બોલતો હોય છે તું..!"
"નહીં, વિશેષ એવું કંઈ જ નહીં."
"તો પછી બોલ ને કંઈ તરી.."
"દરેક વાત બોલીને બતાવવી જ જોઈએ કે?"
"મતલબ?"
"મતલબ કંઈ નહીં. જવા દે.."
"શ્શી..બાબા..! બોર કરે છે તું પણ. જવા દે. હું સોન્ગ્સ સાંભળું છું, ચલ..!" -આમ કહીને તેણે પોતાનાં બૅક-સૅકમાંથી હેડ-ફોન્સ કાઢ્યા અને મોબાઈલ પર ગીતો સાંભળવા લાગી.
બાઈકના અરીસામાંથી હું તેને થોડી થોડી વારે જોતો રહ્યો. પણ વચ્ચે જ નજરાનજર થઇ ગઈ, એટલે પછી મેં તે નાદ છોડી જ દીધો.

"વા..ઉ, શું મસ્ત ગીત આવ્યું..! લે, જો..!" -એમ કહીને ધડકને હેડફોન્સની એક સાઈડ મારા કાનમાં લગાવી, તો મર્ડર ફિલ્મનું ગીત સંભળાયુ-

"દિલ... સમ્હલ જ ઝરા..
ફિર મહોબ્બત કરને ચલા હૈ તુ..!
દિલ.. યહીં રુક જા ઝરા..
ફિર મહોબ્બત કરને ચલા હૈ તુ..!"

અને મારું દિલ એક ધબકારો ચુકી ગયું. મેં અરીસામાં જોયું. કોણ જાણે કેમ પણ મને લાગ્યું કે ધડકન ગાલમાં ને ગાલમાં હસતી હતી. આ..? આ યોગાનુયોગ હતો? ધડકન શું કામ હસતી હતી, તે તો તેને આટલી મસ્ત સ્માઈલ ગીફ્ટ કરનારો ભગવાન જ જાણે.

.

તન્વીનું ઘર શોધવામાં કોઈ ખાસ કષ્ટ ન પડ્યું.
પાટીલનું ઘર તેનાં ગામમાં ખુબ પ્રખ્યાત હતું.
તન્વીએ કહ્યું હતું તે પ્રમાણે ગામમાં બધા જ લોકો તેમને ઓળખતા હોવાથી તેમનું ઘર.. ઘર શાનું..મોટ્ટો વાડો જ..તરત જ મળી ગયું

તન્વી તો સોનાના દાગીનાથી લચી પડી હતી.
અમને બંનેને જોઇને તેને સાચેજ આનંદ થયો.
"થેંક યુ સો મચ ફોર કમિંગ, કેવી રીતે આવ્યા?"
"તન્મયની ગાડી પર." -ધડકન 'ગાડી' શબ્દ પર જોર દેતા બોલી.
"ઓ..વાઉ ! બહુ બ્રેક તો નહોતી મારી ને તેણે આવતા આવતા?" -તન્વીએ આંખ મારતા કહ્યું.
"શટ અપ તન્વી, ક્યાં શું બોલવું તેનું જરા ધ્યાન તો રાખ..!"

તન્વીના ચોમ્બડેપણા પર ખરું તો મને ગુસ્સો જ આવ્યો હતો, પણ હું કંઇક કમેન્ટ પાસ કરું, તે પહેલા તો તેનો વર અમને મળવા આવ્યો.

"આ ધડકન. આપણા લગ્નમાં તું મળ્યું હતોને તેને..! અને આ તન્મય..! "-તન્વીએ તેનાં હસબંડ સાથે અમારી ઓળખ કરાવી.
"તન્મય..?"
"અમ્મ..ધડકનનો બોયફ્રેન્ડ..!" -તન્વીએ બહુ બધો વિચાર કર્યા વગર બોલી નાખ્યું.
"ઓ તન્મય..! તું નહોતો આવ્યો ને અમારી વેડિંગમાં..?"
"ના, બેંગ્લોરની અમારી ઓફિસે જવું પડ્યું હતું, એટલે આવવાનું ન જામ્યું."

તન્વીના આવા અનપેક્ષિત ઇન્ટ્રોથી હું અને ધડકન એકદમ શોક્ડ જ હતા.
"તન્મય, આ સમશેરસિંહ, માઝા નવરા..!" -તન્વીએ વળતી ઓળખ કરાવી.

અમે બંનેએ શેક-હેન્ડ કર્યું.

તન્વીની એક આદત હતી, લોકોના પેટ-નેમ રાખવાની. અને આ આદતને લીધે આ 'શમશેરસિંહ'નું બહુ જ જલ્દી 'શેરુ' થઇ જવાનું, તેની મને ખાતરી જ હતી.

“પ્લીઝ બી કમ્ફર્ટેબલ. તન્વી, યુ લુક આફ્ટર ધેમ..!" -કહીને શેરુ બાકીના ગેસ્ટને એટેન્ડ કરવા ચાલ્યો ગયો.

"શું રે તન્વી..? શું નું શું ફેંકાફેંકી કરે છે? તન્મય મારો બોય-ફ્રેન્ડ છે?"
"અ ગ, એમાં શું થઇ ગયું? મને જે સુઝ્યું તે મેં કહી દીધું.. ચીલ્લ માર યાર..!"

તે વિષય ત્યાં જ પૂરો થઇ ગયો. પણ તન્વીના આ પ્રકારનાં ઇન્ટ્રોથી, ક્ષણભર માટે જ ભલે..પણ હું તો સુખી સુખી થઇ ગયો.

.

ધડકન ડ્રેસ-ચેન્જ કરવા અંદર ગઈ અને હું ને તન્વી એકલા જ રહીં ગયા.
"તો? કેવો લાગ્યો મારો નવરો?" -તન્વીએ પૂછ્યું
"બે મીનીટની ઓળખમાં શું કહેવાનો હું? પણ સ્માર્ટ છે..એટ લીસ્ટ દેખાવમાં તો છે..!"
"શટ અપ, સ્માર્ટ તો તે હોવાનો જ ને..! આ જો કેટલી જ્વેલરી લઇ આપી તેણે મને લગ્નનંતર. તું શું લઈ આપી શક્યો હોત કે મને?" -તન્વી સાવ સહજ રીતે જ બોલી ગઈ. પણ તેનું તે સ્ટેટમેન્ટ ખુબ જ હર્ટ કરનારું હતું.

“તારી કરતા તો નક્કી જ સ્માર્ટ છે. બહાર ગેરેજમાં જો. બે BMW ને એક પજેરો છે. અને તું જો..હજુ યે બાઈક પર જ ફરે છે." -તન્વીનું બોલવાનું ચાલુ જ હતું.
"ભલે ભલે બાબા, તારો નવરો ગ્રેટ..! ઓકે?
"બરં, તું બેસ..! હું કોલ્ડ-ડ્રીંક લઈને આવું."
ને તન્વી અંદર ચાલી ગઈ.

તે જે બોલી તે સાચું હોય તો પણ..શેરુએ આ બધું પોતાનાં પૈસાથી તો નહોતું જ ઉભું કર્યું.
પેટ્રોલ-પમ્પસ..ગુલાબની કેટલાય એકરમાં પથરાયેલી નર્સરી..દ્રાક્ષના માંડવા..! બાપદાદાના જીવ જ પર આ બધો ખેલ ચાલુ હતો ને તેનો..!

મને અહીંયા વધુ વાર ખમવું હવે જીવ પર આવતું હતું.
હું તો બસ ધડકનની વાટ જ જોતો હતો.

થોડીવારમાં ધડકન ચેન્જ કરીને આવી.
આ બધામાં હું તો ભૂલી જ ગયો હતો, કે ધડકન પોતાની સાથે સાડી લઈને આવી છે, કારણ આ બધો સમય તો બસ..તન્વીનો પેલો બધો લવારો જ ચાલતો રહ્યો, કે જેનાથી મારું માથું ફરી ગયું.

ને અચાનક મેં ધડકન ને જોઈ, તો જોતો જ રહી ગયો.
શું આલીશાન લાગી રહી હતી તે..!
અરે, તેને સાડીમાં જોઇને કોઈ કહી જ ન શકે, કે તે ગુજરાતી નથી, કારણ તેણે જે પહેરી હતી તે સાડી ઓછી, ને ચણીયા-ચોળી વધુ લાગતી હતી.
કોઈક રેડીમેડ ટાઈપની ડિઝાઈનર સાડી હતી તે, કે જેમાં મોર-પોપટની ટીપીકલ ગુજરાતી-રાજસ્થાની સ્ટાઈલની એમ્બ્રોઈડરી કરેલી હતી.
લાલ અને યલ્લો કલરનું જબરદસ્ત કોમ્બીનેશન એટલું ઈમ્પ્રેસ્સીવ લાગતું હતું, કે એવું જ થઇ આવ્યું કે હમણાં ને હમણાં જ તેને ઉચકીને સીધેસીધી મમ્મીની સામે ઉભી કરી દઉં, અને કહી દઉં, કે આની સાથે જ મારે લગ્ન કરવા છે.

"કેવી લાગુ છું હું?" -આવતાની સાથે જ ધડકને પૂછ્યું.
"મસ્ત..! સરસ લાગે છે સાડી, તને."
"થેન્ક્સ.. પણ તારું મોઢું કેમ ઉતરેલું છે?"
"કંઈ નહીં.. બસ એમ જ..!" -મેં જેમતેમ હસીને જવાબ આપ્યો.
"એમ જ? ન કહેવું હોય તો કંઈ નહીં, પણ ખોટું શું કામ બોલે છે?"
"નહીં એવું કંઈ નથી.."
"તો?"
"એમાં એવું છે ને.." -અને તન્વી શું શું બોલી ગઈ તે બધું જ મેં ધડકનને કહી દીધું.

“મૂરખ છે કે તે, થોડી થોડી? આની પહેલા પણ આપણી કેવી વિચિત્ર ઓળખાણ તેનાં હસબન્ડને કરાવી આપી'તી..!”
અમારી વાત ત્યાં જ અટકી ગઈ, કારણ એટલામાં જ તન્વી અને શેરુ આવી ગયા.

"ઓયે લીલા-મજનું..! આમ કોપચામાં ઉભા ઉભા શું ગુટરગૂ કરો છો? ચાલો જરા અમારામાં મિક્સ તો થાઓ."
મેં અને ધડકને એકમેક સામે જોયું, અને તેમની સાથે તેમનો વાડો અને બીજી દેખણી વસ્તુઓ જોવા ચાલી નીકળ્યા.

સાંજે ફરીને પાછા આવ્યા, કે શેરુ મને એક કોપચામાં લઇ ગયો અને પૂછ્યું-
"મિત્રા, કેટલા વરસ થયા, તમારા એફેરને?"

હું એક ક્ષણ માટે તો ચમકી જ ગયો. તે મારા અને તન્વીનાં એફેર વિષે જાણી તો નહીં ગયો હોય.


"અરે..! હું તારા અને ધડકનનાં એફેરની વાત કરું છું. કેટલા વરસ થયા?"
"બે..બે વરસ થયા. કેમ?" –થોડી હળવાશ અનુભવતો હું બોલ્યો.
"વાહ..લક્કી છો સાહેબ તમે તો.."
"કેમ? કાય ઝાલે?
"એની મા ને..! બે વરસ થઇ ગયા તોયે તારી આ ગર્લ-ફ્રેન્ડ એકદમ નવું નવું હોય એટલો પ્રેમ જતાવે છે તારી ઉપર."

મને હજી યે આનો સંદર્ભ ન કળી શકાયો,
"એટલે? મને કંઈ સમજાયું નહીં..!" -ચહેરા પર અમસ્તું અમસ્તું હસવું લઇ આવી હું બોલ્યો.
"એવું શું કરે છે રાજા..! તારું ધ્યાન ન હોય ત્યારે ચોરી ચોરીને તે તારી સામે જોતી જ રહે છે. નસીબ જાગી ઉઠ્યું છે તારું તો મિત્રા. ઐશ કર બંધુ..! અમારા દિવસો તો હવે પુરા થયા. ભેંસ લાવીને બાંધી દીધી અમે તો ઘરમાં. તમે લોકો ચાલુ રાખો."

મને હજુ ય વિશ્વાસ નહોતો બેસતો તે જે બોલી રહ્યો હતો તેની પર.
સાચે જ એવું હતું કે?
આ વાત મારા ધ્યાનમાં કેમ ન આવી?
કે પછી આ ફક્ત એક યોગાનુંયોગ હતો?

.

વળતી વખતે ગાડી પર બેસતા જ ધડકન બોલી ઉઠી-
"તને ખબર છે તન્મય, તન્વી સ્ટીલ લવ્સ યુ."

હું તો શેરુએ પૂરી પડેલી માહિતીના આધાર પર નીરનિરાળા સપનાઓ જોતો ગાડી ચલાવવામાં મગ્ન હતો.
"વોટ રબીશ..! "શું કઈ પણ બોલે છે? ઉલટાનું તેણે તો મને મારી લાયકાત દેખાડી આપવાની કોશિષ કરી હતી. તું હોવી જોઈતી'તી ત્યારે ત્યાં, તો ખબર પડતે, કે કેવી રીતે બધું બોલતી'તી તે."
"નહીં તન્મય..! એક સ્ત્રી જ બીજી સ્ત્રીની નજરને ઓળખી શકે છે. તે જે રીતે તારી સામે જોતી હતી..આઈ એમ ડેમ શ્યોર અબાઉટ ઈટ."
"અને એક સ્ત્રી, એક પુરુષની નજર..તેનું મન ઓળખી શકે ખરી? -મેં આરીસામાં તેની સામે જોતા જોતા પૂછ્યું.
પણ તે કંઈ જ ન બોલી.

.

તેનું ઘર નજીક આવ્યું એટલે થોડું અંતર રાખીને એક વળાંક પર મેં ગાડી ઉભી રાખી.
"તન્વીએ ત્યાં જે કંઈ કહ્યું, તે બધું તેણે કહેવું નહોતું જોઈતું, તન્મય..!" -ગાડી પરથી નીચે ઉતરતા ધડકન બોલી.
"અરે છોડને હવે. મેં એટલું બધું મન પર નથી લીધું. તેને હશે તેના નવરાનું કૌતુક..ઈમ્પ્રેસ થઇ ગઈ છે તેનાથી."
"નહીં તે વાત નહીં, તેણે જે રીતે આપણા બંનેની તેના નવરાને ઓળખ કરાવી, તે.."
"ઓ..તે..? ડોન્ટ ટેક ઈટ સીરીયસલી. તે તો બસ ખુલ્લા મન સાથે જ બોલી હતી."
"હશે. તે કદાચ નિર્દોષ ભાવે જ બોલી હશે..પણ મારું મન નથી ને એટલું નિર્દોષ..!"
"મ્હણજે? એટલે? શું કહેવા માગે છે તું?"
"તને ખબર છે તન્મય, હું શું કહેવા માગું છું. જો, મારે બીજી તન્વી નથી બનવું, તન્મય..! લેટ'સ સ્ટોપ ઓલ ધીસ. લેટ્સ સ્ટોપ ધીઝ બીફોર ઈટ ગેટ્સ ટૂ લેઇટ. બાય..!"
અને હું કંઈ પણ જવાબ આપું તે પહેલા તો ધડકન ત્યાંથી ચાલી ગઈ.

.

ને હું તે વળાંક પર, મારી જીંદગીમાં આવેલ આ વિચિત્ર વળાંકનો વિચાર કરતો કરતો, ત્યાં જ થીજી ગયો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..