Samadhan in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | સમાધાન

Featured Books
Categories
Share

સમાધાન

સમાધાન

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સમાધાન

વિભા રાજીની રેડ થઈ ગઈ. સાવ હતાશ થઈને બેઠી હતી. બીંબાઢાળ જિંદગી જીવતી હતી - સોમથી શનિ સુધીની. જાણે કોઈ ચક્ર ચાલી રહ્યું હતું ! તેને તો હવે એ સુખનાં સપનાંય આવતાં નહોતાં. મન જડાઈ ગયું હતું જડ બારસાખની જેમ. સોમથી શુક્ર.... સરોજબહેનનાં નર્સિંગ-હોમમાં શ્વેત યુનિફોર્મ પહેરી, એક પલંગથી બીજા અને બીજાથી ત્રીજા એમ ભટક્યા કરતું.

સિસ્ટમ....! સાદ પડે ને તેના પગ દોડવાલાગે એ ભણી. પલંગમાં બધી સ્ત્રીઓ જ....! ઊપસેલા પેટ લઈને આવે અને ખાલી થઈને જાય. ચીસ, ચીસ ને ચીસ. પીડાની ચીસ, નવસર્જનની ચીસ, ખુશીની ચીસ-વિભાની પ્રતિક્રિયા એક સમાન જ હતી.

આટલાં વર્ષોમાં તે, ગાયનેક સરોજબહેનની ખાસ વ્યક્તિ બની ગઈ હતી. વિમળા હતી, ગાર્ગી હતી, થોડાં સમય માટે સુલોચના ય હતી. એ બધી પરણી પરણીને ચાલી ગઈ. હવે વિભા હતી. વર્ષો ગુજરતાં હતાં, તે યથાવત્‌ હતી.

વિભાને એક ઘર હતું. માતા હતી, એક ભાઈ પણ હતો તેનાથી નવ વર્ષ નાનો. પાર્વતી વિધવા થઈ ત્યારે માંડ છ વર્ષનો.

વિભાની શેરી પૂરી થાય ત્યાં ચોક હતો. દુકાનો હતી, માણસોની ભીડ હતી. બસ ત્યાં જ ગાયનેક સરોજબહેનનું પ્રસૂતિગૃહ હતું. માળવાળું. વિભાને ત્યાંથી પસાર થવું પડે. સ્કૂલે જાય - આવે, પાર્વતી.... કાગળ પર લખી આપે એ વસ્તુઓ સહયોગ ભંડારમાંથી ખરીદી લાવે.... બસ એક જ રસ્તો, પ્રસૂતિગૃહ પાસે.... કાયમ વાહનોની ભીડ હોય. સ્ત્રીઓ આવતી-જતી હોય. અને એમાંની કેટલીકનાં તો પેટો ફૂલેલાં.

પંદર વર્ષની વિભાની સાઈકલ, બે પળ ત્યાં થંભી જતી. તેને રમૂજ થતી આ પેટો જોઈને. કેવી લાગતી હતી આ સ્ત્રીઓ ? હા.... તેને ખબર હતી કે આ પેટમાં.... એક બાળક હોય - પોચું પોચું રૂ જેવું ! તે પણ આમ જ હશે મમ્મીના પેટમાં ! અને પંકજ પણ, તેની સખી સ્વાતિ યે ! અરે, સરોજબહેન ખુદ ! આખી દુનિયાના માણસો - બધાં જ..... આ રીતે !.

આ સ્ત્રીઓ પાછી પેટની જ વાત કરતી હોય, એય વિભા સાંભળતી હતી, અવારનવાર - આવતાં - જતાં !

‘બહેનના હાથમાં જશરેખા છે. લગભગ નોર્મલ જ. કોઈના પેટ કાંઈ કાપે નૈ !’

કમકમાં આવી જતાં વિભાને. આપોઆપ જ તેનો હાથ તેના સપાટ પેટ ભણી લંબાતો. ના, ભૈ ના... મને તો એવું ફૂલેલું પેટ ન ગમે. આ પેટને વળી કાપવાનું ? એ કામ સરોજબહેન કરતાં હશે ? કે પછી નર્સ કરતી હશે ?

સરોજબહેનનું પ્રસૂતિગૃહ તો ક્યારેય ખાલી થતું નહોતું. કેટલી ભીડ, અને પાછી રોજ રોજ....! આ કામ હળવું તો ના જ ગણાય. કેવો વટ પડે છે સરોજબહેનનો ! કેવાં ચપ ચપ બોલે - અંગ્રેજીમાં. પહેલાં તો સ્કૂટર પર આવતાં હતાં પણ હવે તો આવતાં હતાં - મારુતિમાં, સફેદ રંગની ગાડીમાં.

એ જ વર્ષે તેને ચાનક ચડી ગઈ. બસ, સરોજબહેન જેટલું જ ભણીશ, એમના જેવી જ... ડૉક્ટર બનીશ, એમની જેમ જ... ચપ ચપ અંગ્રેજીમાં બોલીશ અને એમની જેમ જ આ ફૂલેલાં પેટોવાળી સ્ત્રીઓની સારવાર કરીશ. એ તો પછી આવડી જ જાયને - નરમ રનમ.... રૂપાળાં બાળકોને આણવાનું કેવાં સરસ લાગે એ બાળકો.... ગુલાબી ગુલાબી, ઊંઆં ઊંઆં કરીને રડતાં !

શાળાના શિક્ષકો પણ અચંબામાં પડી ગયા કે વિભાને ક્યાંથી ચડી આવી ચાનક ? સહકાર પણ મળ્યો જ.

‘સર..... મારે ડૉક્ટર થવું છે !’ તે સહુને ઉમંગથી કહેતી હતી.

અઢારમા વર્ષે...... તેનું આ સ્વપ્ન રોળાયું. બે પેપર સરસ ગયાં હતાં. તે ત્રીજાની તૈયાર કરતી હતી અને અચાનક ફળિયામાં એક ચીસ પડી હતી. ઘણા લોકોના પદરવ સંભળાયા હતા.

‘અમરતલાલ..... ગયા બિચારા. હાર્ટ બેસી ગયું અચાનક !’ કોઈ કહેતું હતું.

‘ભૈ.... બનવાકાળ. લાખ રૂપિયાના માણસ.’ બીજો અવાજ.

‘બધાં એ ત્યાં જ જવાનું છે અંતે તો’ ત્રીજો અવાજ.

અઢારમાં વર્ષે વિભાનું સ્વપ્ન રોળાઈ ગયું. અરે, શાળા જ મુકાઈ ગઈ. જીવ બળીને ખાખ થઈ ગયો કે પપ્પાગયા - કાયમને માટે.

મોટા માસી કહેતા હતા - ‘શું વળે નકરી ભલમનસાઈથી ? બચતે ય નથી, વીમો ય નથી.’

ન ગમ્યું વિભાને, કોઈ તેના મૃત પિતા વિશે ગમે તેમ બોલે એ ! પણ લાચારી હતી. પિતા પાછળ જે ધાર્મિક વિધિઓ સંપન્ન થતી હતી એનો ખર્ચ એ માસીએ જ ઉપાડી લીધો હતો. નવ વર્ષના પંકજે મૂંડન કરાવ્યું હતું, શ્રાદ્ધવિધિ કરી હતી, કશી જ સમજણ વગર.

ઓગણીસમા વર્ષે વિભા નર્સ બની ગઈ, સરોજબહેનના નર્સિંગ હોમમાં. પેલું તૂટેલું સ્વપ્ન દિલમાં હજીય ચરચરતું હતું. બીજો રસ્તો જ નહોતો. કેટલી મદદ કરે ? અને અમરતલાલની નોકરી પણ એવી જ હતી કે કશું મળી ના શકે - પેન્શન જેવું. થોડી રકમ આવી હતી એ કેટલી ચાલે ?

પાર્વતી વિચારતી હતી - ‘પહેલો પંકજ હોત તો..... ારું હતું ક્યાંક કામ તો મેળવી લેત ?

તેણે આ વિચાર પ્રગ કર્યો પણ હતો. કોઈ અન્ય સ્ત્રી પાસે. અને વિભા વળ ખાઈ ગઈ હતી ભીતર ભીતર. આખી રાત મથામણમાં ગઈ હતી. સવારે ઊઠી ત્યારે તાજગી હતી ચહેરા પર.

મળી સીધી જ.... સરોજબહેનને. સાવ અજાણીયે નહોતી. સ્મિતોની આપ-લે થતી હતી - સરોજબહેન સાથે. સરોજબહેને.... એક વાર પૂછ્યું પણ હતું - નામ-ઠામ વગેરે.

સ્ત્રીઓનાં ટોળાને વીંધતી - પહોંચી ગઈ સરોજબહેનની ઑફિસમાં. ડર તો હતો જ છતાંયે હામ ભેગી કરીને રડી પડી સરોજબહેન પાસે.

બસ, આવી જા કાલથી. વિમળાને મળી લેજે. એ તને શીખવશે કે શું કરવાનું. પછી ટ્રેનિંગ પણ લેવી પડશે. હું એ વ્યવસ્થા પણ કરી આપીશ. બસ.... કાલથી જ મળી ગઈ નોકરી.

તેણે ચરણરજ લીધી સરોજબહેનની.

એક નવો અધ્યાય શરૂ થયો. ચાલો..... ડૉક્ટર નહીં તો નર્સ. ચચરતાં મને સમાધાન સાધી લાધું. ફરી સ્મિત આરોપાઈ ગયું હોઠો પર. પાર્વતી ખુશખુશાલ થઈ ગઈ. પોતાના હીન વિચારો પર લજ્જા આવી.

હવે તે પડોશીને કહેતી હતી - ‘બસ, આ પંકજ મોટ થાય ત્યાં સુધી..... પછી તો વિભાને પરણાવવી ય પડશે ને ?’

હરખમાં ને હરખમાં વયનો ગાળો ભુલાઈ જવાતો. પંકજ બાવીસનો થાય ત્યારે.... વિભા તો એકત્રીસની હોય !

ધારી નહોત એટલી લાલ-લીલી નોટો પગારમાં મળી.

‘મમ્મી.... કામ તો કરવું પડે. એમ ને એમ કોઈ આટલો પગાર આપે ? બસ.... પંકજ મોટો થાય ત્યાં સુધી જ ને ?’

તે માતાના શબ્દોનો પડઘો પાડતી અને ખુશ થતી. કેટલું સુખ મળતું હતું સહુને સુખ આપવામાં ?

વિભાને એકવીસમા વર્ષે વિચાર આવ્યો હતો, કેતેનાં લગ્ન ક્યારે થશે, કોની સાથે થશે; ક્યારેય થશે કે નહીં ? પંકજ તો હજી બારનો....! ભીતી પેસી ગઈ હતી છેક ભીતર લગી કે કોઈ પુરુષ નહીં મળે તો ?

મનમાં એક તરસ જાગી હતી પુરુષની. મા કેસ સમજતી નહીં હોય કે વિભા ઉંમરલાયક, ખરેખર તો લગ્નલાયક... થઈ હતી !

તે પરણે તો શું થાય એનું, પંકજનું ? ગડમથલમાં રાતે ઊંઘી શકતી નહોતી. દિવસે તો હતું જ.... એ જ ચક્ર, સિસ્ટમ..... સિસ્ટર..... સિસ્ટર !

સ્ત્રીઓ પેટ ખુલ્લું કરતી, શરીર ખુલ્લું કરતી અને ક્યારેક મન. વ્યથાઓ, થોડી ખુશીઓ અને સંતોષો.

કોઈ પૂછતી વિભાને - ‘બહેન,તમારે છૈયાછોકરાં ? તમારે ય વર તો હશે જ ?’ તે નંદવાઈ જતી અંદરથી.

ભલે પીડા મળે કે ખુશી, એક પુરુષ તો જોઈએ જ. કેમ માન્યું કે પીડા જ મળે ? બધું જ નસીબ પ્રમાણે મળે, ડાબી હથેળીની રેખાઓમાં લખ્યા મુજબ. પણ એમ મળતું કેમ નથી ?

વિમળા પરણી. ગાર્ગી પરણીને ગઈ. એ તો અહીં જ આવી હતી બાળકના જન્મ માટે.

‘તારે ક્યારે પરણવું છે હવે ?’ એવું પૂછતી પણ ગઈ.

પંકજ મોટો તો થતો હતો પણ એમ એકદમ મોટો ક્યાંથી થઈ જાય ? પાર્વતી કહ્યા કરતી - ‘વિભા પછી બે કસૂવાવડ થઈ ગઈ ! એકે ય હોત તો.... વિભાને તો પરણાવી દેત ને ?’

તે પચીસની થઈ ત્યારે તો તેની એ ઇચ્છા જ મરી પરવારી. શું કરવું છે પરણીને ? ખાલી છચોકરાંઓ જ પેદા કરવાનાંને ? મશીન બની જવાય મશીન !

કોઈ સ્ત્રીની વેદના કાને પડતી હતી - ‘શું સવાદ બળ્યો છે આ સંસારમાં ? આ પાંચમી છે... મારે. કદાચ છઠ્ઠીયે... વાર આવવું પડશે ! દીકરો જોઈએ છે ને, એ લોકોને ? નથી પોંચાતું પુરુષની જાતને !’

તે ખળભળી જતી. તેને એક પુરુષ કલ્પનામાં આવતો. તે કહેતો - ‘વિભા..... તારે પુરુષ જોઈએ, મારા જેવો જ. શું સમજી ?’

તે ડરી જતી. પણ શા માટે એ લોકોના પછાયામાં ય જાવું ? શું ખોટું છે આ... સરોજબહેનનું દવાખાનું ?’

પછી તેને લાગતું કે મા પણ તેને સારું લગાડવા જ તેનાં લગ્નની વાતો કાઢતી હતી. બાકી તે પણ નહોતી ઇચ્છતી કે... વિભા પરણે, તેની નોકરી જાય....

પંકજ તો હજી સોળનો જ. આ નવ વર્ષનું અંતર કાંઈ ઓછું તો થવાનું નહોતું - કોઈ પણ ઉપાયે.

તેને થતું હતું કે તેની ઇચ્છાનો કશો અર્થ નહોતો. આમ તો તેની હયાતીનો પણ એક જ અર્થ બચ્યો હતો, જીવ્યે જવું.

પછી તો છવ્વીસની થઈ, સત્તાવીસની થઈ. રાજકુમારી.... રાતે નહોતી વધતી એટલી દિવસે અને દિવસે નહોતી વધતી એટલી રાતે.....! વહેતું લોહી, ચીસ, શરીર પરની કાપાકાપી.... કશુંય બહુ જ સ્પર્શતું નહોતું. તે જ કરતી હતી, લગભગ બધાં જ કાર્યો. સરોજબહેન તો હાજર રહેતાં, અમુક તમુક સમયે.

ભીડ એટલી જ હતી, કદાચ વધી હતી. વિભાનું નામ પણ ગાજતું હતું હવામાં, પટાંગણમાં.

વિભાબહેનેય... હોશિયાર છે, સરોજબહેન જેવાં જ ! થવી જોઈએ છતાં કેમ નહોતી થતી ખુશી ?

‘અલી, તારા તો કેટલાં વખાણ થાય છે, ગામમાં ? વિભા, તું તો કશુંય કહેતી જ નથી ?’ પાર્વતી ફરિયાદ કરતી હતી.

પગારમાં વધારે નોટો આવવા લાગી હતી. સરોજહેનને માણસની કિંમત હતી. ભલાં હતાં એ. ખૂબ જ લાગણી હતી વિભા પર.

‘અરે, શું થાય છે, એલી છોકરી ? કેમ આમ સૂનમૂન, મૂઢ સરખી ?’ માએ પૂછ્યું હતું. ફાળ પડી હતી પાર્વતીને.

‘તારે પરણવું છે, વિભા ?’ પાર્વતીએ આર્દ સ્વરમાં પૂછ્યું હતું.

‘ના, ક્યારેય નહીં ?’ તે ચીડમાં બોલી હતી.

‘બેટા..... પંકજ હવે અરજી કરવા લાગ્યો છે - નોકરી માટે. તેને થતું જ હોય ને કે તે કમાવા માંડે અને....’

પંકજ કૉલેજના છેલ્લા વર્ષમાં હતો. ખાસ્સો પુરુષ બની ગયો હતો - મોટો ભડભાદર ! વિભા એને જોયા કરીત હતી વહાલથી. કદાચ... તેને નોકરી મળી પણ જાય. તે ખુસ વાંચવા લાગી છાપાં, નોકરીની જાહેરાતો.

બસ.... પંકજને તો સમયસર પરણાવી જ દેવો છે. નોકરી મળી જાય ને તરત જ.... તે ખુદ જોશે.... પંકજ માટે છોકરીઓ.

અરીસામાં જોતી ને તરત જ નજર ફેરવી લેતી. તે હવે છોકરી ક્યાં રહી હતી ? છોકરી આવી હોય - કરમાયેલી, રુક્ષ ખખડધજ ડેલી જેવી ? તેને ઘરની જીર્ણ ડેલી યાદ આવી ગઈ.

પંકજનાં લગ્ન વખતે તો રંગરોગાન કરાવવાં જ છે, ડેલીનાં; ઘરનાં, બારીબારણાંનાં, ભીંતોનાં. તાજી..... ઇચ્છાથી મઘમઘ થતી છોકરી ઘરમાં આવશે. શું નામ હશે એનું ?

તે જાતથી અળગી થઈને વિચારવા લાગી. સુખ મળતું હતું આમ વિચારતાં. એવું અનુભવાતું હતું કે જાણે તે ખુદ પરણી રહી હોય કોઈ પુરુષને !

પાર્વીતને ચિંતા થતી હતી કે વિભાને કશું થશે તો નહીં ને, ચિત્તભ્રમ જેવું ? વિચારવાયુ.....? જુવાન છોકરીને પુછાય પણ કેટલું ? સંજોગ, બીજું શું ? નહીં તો સમયસર તેના હાથ પીળા ના કરી નાખત.’

‘ઘણી અરજી કરે છે પંકજ. અરે રાત - દિ એમાં જ રચ્યોપચ્યો રહે છે. પણ ક્યાંય પત્તો લાગે છે ? અરે, જે પગાર મળે એ. પણ મળવી જોવે ને ? બિચારો એય હિજરાયા કરે છે. એય સમજે ને કે મોટીબહેન ક્યાં સુધી ?’

પાર્વતીની પીડા વિસ્તરી હતી. તેને થતું હતું કે તે જ મરી ગઈ હોત તો સારું હતું, પતિને બદલે !

વિભા હવે સર્વેસર્વા હતી. સરોજબહેન કોઈ પણ નિર્ણય લેતી વખતે તેને જ પૂછી લેતા - ‘શું કરશું, વિભા ?’

હવે સરોજબહેને તેને નવી જવાબદારી સોંપી હતી. દર શનિવારે અમદાવાદનો આંટો રહેતો. સવારે જતી ને સાંજે પાછી ફરતી. સરોજબહેનને કેટલાંય કામો રહેતાં જે રૂબરૂમળીને જ પતાવી શકાય. ‘મને લાગે છે કે તારા સિવાય આવાં કામો કોઈને ના સોંપાય ! સરોજબહેને તેની અગત્યતા સ્વીકારી એનો આનંદ થયો વિભાને.

‘હા... બહેન, મને પ્રયત્ન કરવા દો.’ તે આત્મવિશ્વાસથી બોલી હતી.

એક નવું પ્રકરણ શરૂ થયું. નવું શહેર, નવાં લોકો અને નવી હવા. બીજા શનિવારે તો તેણે તેનું કબાટ ફેંદી નાંખ્યું, જૂનાં-તેને ગમતાં બ્લૂ ડ્રેસને શોધી કાઢ્યા. નેવી રંગનો ડ્રેસ, મોરપીચ્છ રંગનો ડ્રેસ...

જૂનાં મનગમતાં પરિવેશમાં એક નવી વિભા સજીવન થઈ. તે અરીસામાં જોતી થઈ, ગીતો ગણગણતી થઈ, ચીવટપૂર્વક કેશલતાને ખભા પર ગોઠવતી થઈ।

પાર્વતી આ પરિવર્તનને ફાટી આંખે જોઈ રહી.

‘ચાલો..... એ બહાને ય ખુશ રહેતી હોય તો !’ મન વાળ્યું. શુક્રવારથી જ, ક્યારેક તો ગુરુવારથી એનો થનગનાટ જોવા મળતો.

હા, એમ જ થયું હતું. વિભા પ્રેમમાં પડી હતી. એક અકલ્પનીય ઘટના તેના એકત્રીસમા વર્ષે ઘટી હતી. સુધીર લગભઘ એવડો જ હતો, વયમાં. ખરી પડેલાં પાંદડાં ફરી ફૂટવા લાગ્યાં - એ ડાળને.

સુધીર પણ કાંઈ ખૂબસૂરત નહોતો પણ પુરુષ તો હતોને ! બત્રીસ કોઠે દીવા થયા વિભાને.

ટ્રેન ચૂકી જવાય તેમ જ હતું. સુધીરે કહ્યું હતું - ‘બેસી જાવ.’ અને તેનું બાઈક - સેકન્ડહેન્ડ બાઈક એ દિવસે બરાબર ચાલ્યું હતું. રસ્તામાં જ સુધીરે અંકે કર્યું હતું.

‘તમે પણ કુંવારાં જ છો, મારી માફક ?’

બીજી સાંજે.... સ્ટેશને પહોંચતાં વેંત જ સુધીરે કહ્યું હતું - ‘વિભા... કદાચ... આપણે એકબીજા માટે સર્જાયાં હોઈશું, નહીં તો બેય... ક્યાંથી રહ્યાં હોઈએ આણ ?’

‘હા...’ વિભા ભાવમય બની ગઈ હતી. તેને હવે ટ્રેન ટૂકી જવાનું ય દુઃખ નહોતું.

પછી તો બપોરે, ઢળતી બપોરે એ બેય પરિમલ બાગમાં જ હોય. દર શનિવારનો એ અતૂટ ક્રમ.

વિભા તો તરબોળ હતી. કેટલા લાંબા સમયથી તરસ સાચવીને બેઠી હતી ? બસ, ઓગળી ગઈ સુધીરમાં.

‘વિભા.... મારે માત્ર મમ્મી-પપ્પાને સમજાવવાં પડશે. એય માની જશે. કોઈ એકના એક પુત્રની ઇચ્છાને આડે આવે ? આ જ્ઞાતિ અલગ છે ને, એ જ બાબત. થોડો સમય લાગશે પણ માની તો જશે જ.’ સુધીર છટાથી કહેતો. ભાવવિભોર બનીને કહેતો.

વિભા માની જતી. બાગના એકાંત કક્ષમાં.... સુધીરને ચીપકીને બેસી જતી, ત્યારે નખશિખ રણઝણી ઊઠતી. વાજિંત્રની માફક. સ્પર્શો ગમતાં, શ્વાસોશ્વાસ ગમતાં. એ સમય રંગીન બની જતો. ‘વિભા.... તને શંકા તો નથી ને મારા પ્રેમ માટે ?’ તે ક્યારેક પૂછી બેસતો.

‘ના.... ક્યારેય નહીં, સુધારી !’ વિભા ઉત્તર વાળતી.

મન ગણતરી મૂકતું. એટલા સમયમાં પંકજને નોકરી પણ મળી જશે. બરાબર.... થશે. એ લોકો મની જશે અને પંકજને.... પછી તેને કશો ભાર પણ નહીં રહે. નચિંત બનીને સુધીર સાથે લગ્ન કરી લેશે. હા.... સરોજબહેનનને ખોટ પડશે. ક્યાંથી મળવાની હતી તેના જેવી ?

‘મને લાગે છે કે તને અમદાવાદની હવા માફક આવી ગઈ ?’ સરોજબહેને હસીને ટકોર કરી હતી.

‘ચાલો.... સારું થયું કે વિભાને ફરવાનું મળ્યું. ભલેને શનિવારે. પણ... સ’ભાવ સરસ થઈ ગયો. ક્યારેય હસતી’તી આટલું ?’ પાર્વતીને શાંતિ લાગતી હતી.

બસ, એક પંકજની જ ચિંતા બચી હતી.

એક શનિવારે.... બન્ને ગોષ્ઠિ કરીને ઊભા થયાં. સુધીર આઘળ ચાલ્યો, પાર્કિંગમાં બાઈક પડ્યું હતું ને, એ લેવા. અને એક પરબીડિયું રહી ગયું. તે બેઠો હતો ત્યાં. નીકળી ગયું હશે ખિસ્સામાંથી અને એ વિભાના હાથમાં આવ્યું. કુતૂહલતા કોઈને છોડે ખરી ? સ્ત્રીના અક્ષરો સ્ત્રી તો ઓળખી જ લેને ?

પત્ર મુકાઈ ગયો ઉરપ્રદેશમાં.એક શંકા વીંટળાઈ વળી સુધીરના સ્પર્શોની માફક જ.

નામ, ઠામ સુધીરના અને અક્ષરો એક સ્ત્રીના !

ચાલુ ટ્રેને.... જ પત્ર વંચાઈ ગયો - બે વાર.

કોરી વાંઝણી છલના, બીજું શું ? વિભા છેદાઈ ગઈ, અંશ અંશમાં. શું કરવું હવે ? વલોપાત ચાલ્યો પૂરા પાંચ દિવસ - રાત.

ના કહી દઉં સરોજબહેનને ? જાવું જ નથી એ શહેરમાં ! છઠ્ઠી રાતે એ પુરુષના સ્પર્શો ફોર્યા - તેના શ્વાસમાં.

કોણે બનાવી તેને અંગેઅંગમાં સ્ત્રી ? કોણે જાગડી તેના ભીતરની સ્ત્રી ? તે તો કશું જ નહોતી. માત્ર હરતોફરતો પડછાયો !

આ સુખ જે વહી રહ્યું છે નસનસમાં એ કોણે ? ભલેને છલના પણ સુખ તો સાચકલું જ હતુંને ? ભલેને તરબોળ ના થઈ, નેવેથી ભીંજાઈ તો ખરીને ?

વિભા.... તું કૃતજ્ઞતા ય વ્યક્ત નહીં કરે ?

અરે, જાળવી રાખને ભ્રમને આખરે બધું ભ્રમમય જ છે ને ?

તે વહેલી ઊઠી. ઝટપટ તૈયારથઈ. નીલા રંગનો માનીતો ડ્રેસ પહેર્યો. સ્પ્રે પણ કર્યો સેન્ટનો.

પાર્વતી પૂછતી હતી - ‘કેમ આટલી વહેલી ?’

*