પરિતાપ
* ગિરીશ ભટ્ટ *
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
પરિતાપ
આમ તો રોજ સવાર-સાંજ ત્યાંથી જ પસાર થવાનું. પણ નજર જાય તો ને ? રોહિણી એની જ ધૂનમાં હોય - બેય વખત, વિવેકની ઇચ્છા નહોતી કે એ નોકરી કરે. આમ તો તે પણ ક્યાં ઇચ્છતી હતી ? બસ, સંજોગવશ.... આવી પડી.
પછી તો આવક થવા લાગી ને એ ગમવા લાગી. પ્રાર્થના શિક્ષણનો ખર્ચ પણ કાંઈ ઓછો નહોતો. બેયની આવક મળતી અને એમાંથી કેટલું સુખ મેળવી શકાતું !
આજે અચાનક જ રોહિણીની દૃષ્ટિ ‘મેલ-હટ’ના શૉકેસમાં પડી, ને તે ઊભી રહી ગઈ. હૅંગરમાં આકાશી રંગનો કોટ હતો. આમ તો ઘણાં વસ્ત્રો દેખાતા હતાં પણ એની નજર એ કોટ પર જ ખોડાઈ ગઈ ! યાદ આવી ગયું કે બસ, અદલ આજ રંગનું વિવેકનું પેન્ટ એના કબાટમાં પડ્યું હતું. નવું નકોર જ. તેણે નોંધ્યું હતું કે પતિ, એ ક્યારેય પહેરતો જ નહોતો. ના, ક્યારેય નહીં. અકબંધ પડ્યું હતું. કબાટના નીચેના ખાનામાં; બિલકુલ રાજાની અણમાનીતી રાણીની જેમ !
રોહિણી કબાટ ગોઠવે ત્યારે... આ વાત મન પર આવી જતી; વિચારતી પણ ખરી કે તે વિવેકને એ વિશે પૂછશે, પણ પછી છટકી જતી એ વાત.
અને એ સાંજે એને ચમકારો થયો હતો. એ કોટ ખરીદી લે તો ? સરસ મજાનો સૂટ થઈ જાય ! નીનીનાં લગ્નમાં પણ પહેરી શકાય. નીની એની બહેન. આ ફાગણમાં તો લગ્ન નક્કી જ હતાં. વટ પડી જાયને વિવેકનો ? વાન ગોરો ને એટલે કેટલો જચે ? નીનકી પૂછે - ‘જીજા.... આ ચીજ ક્યાંથી આણી ? મસ્ત લાગો છો તમે.’
પર્સ ગરમ હતું - બોનસની લીલી નોટોથી. જો આવી જાય તો લઈ જ લેવો. ચકિત થઈ જશે વિવેક. હૃદયમાં આનંદ વ્યાપી ગયો.
તે પહોંચી ગઈ સ્ટૉરનમાં, ઝ.ડપભેર. નિહાળી લીધો એ કોટ, સાવ નજીકથી - સ્પર્શીને. વાહ..... એવો જ હતો જેવો તે ઇચ્છતી હતી. સરસ સૂટ થઈ જશે ! કેટલો આનંદ થશે એને ?
વિવેક તો ક્યાં હાજર હતો ? કોઈ અભ્યાસ શિબિરમાં હતો - વડોદરા પાસેના ગ્રામ્ય પ્રદેશમાં. એ આવશે ત્યારે રોહિણી એને ખુશખુશાલ કરી મૂકશે. એ વળી કહેવાનો - ‘શા માટે ખરીદ્યો ? અરે, તારી સાડી જ લેવી હતીને - નીનીના લગ્નમાં પહેરાય એવી ! રોહિણી પતિનો સ્વભાવ જામતી હતીને ?
પછી તે જૂની વાત ઉખેળશે - આકાશી રગના નવાનકોર પેન્ટની.
વાહ ! તેં તો.... કમાલ કરી નાખી, રોહિણી !’ વિવેક કહેશે અને તેને કેટલું સુખ મળશે ! બે હાથો પહોળા કરે તો પણ ના સમાય એટલું !
તરત જ સેલ્સ ગર્લ દોડી આવી ‘મૅડમ‘ કરતી. ‘તમે સરસ પસંદગી કરી, મૅડમ. કેવો સરસ રંગ છે એનો ? જાણે આકાશ ધરતી પર.....’ તે હસીને બોલી. રોહિણી સેલ્સ-ગર્લ પર ખુશ થઈ ગઈ.
‘કવિતા જેવું બોલો છો, તમે તો !’ હસીને સરપાવ આપ્યો. પછી કિંમતની વાત થઈ. રોહિણી જરા વિચારમાં પડી ગઈ. તેના પર્સમાં જે રકમ હતી એ થોડી ઓછી હતી.
તે વિચારતી હતી કે જો થોડું ઓછું થાય તો....? તે આવી રકઝક કરતી જ હતી - અન્ય સ્થળોએ. અને ચીજો મેળવતી હતી.
પણ ત્યાં જ એક વીસ-એકવીસની છોકરી દોડી આવી. એ મીઠડીનો ચહેરો તણાવગ્રસ્ત હતો.
‘આન્ટી..... પ્લીઝ, એ કોટ મને ખરીદવા દેશો ? કેટલાંય સ્ટૉરમાં ભટકી છું. બસ..... અહીં જ...’ તે શ્વાસભેર બોલી હતી. એની પ્રસન્નતા.... આ પ્રશ્નના જવાબ પર અવલંબતી હતી જાણે ! બસ, એવો જ ભાવ હતો ચેહરા પર. જો રોહિણી ઇનકાર કરે તો તે ત્યાં જ રડી પડશે - એવું લાગ્યું બાકીની બન્ને સ્ત્રીઓને.
‘આન્ટી..... પ્લીઝ....! મારે આ ભેટ આપવી છે...’ તે આજીજી કરતી બોલી હતી.
પાછું ઉમેર્યું પણ ખરું - ‘ગમે એ કિંમત હોય.... મારે જોઈએ જ છે !’
આ આજીજીએ રોહિણીને અસર કરી. આ છોકરી કોને ભેટ આફવા માગતી હશે ? એનાં પ્રિયપાત્રને જ તો ! કદાચ પ્રિયતમ હશે ? પરણેલી તો જણાતી નહોતી પણ ભલું પૂછવું - આ નવા જમાનાની છોકરીઓનું; જેને પ્રેમ કરતી હોય એને ય ભેટ ધરવા માગીત હોય !
‘ભલે.... તારો આટલો આગ્રહ છે તો... તુંજ લઈ જા.’ તે બોલી ગઈ હતી.
અને પેલી અહોભાવપૂર્વક જોઈ રહી. - રોહિણીને. ‘આન્ટી.... ખૂબ ખૂબ આભાર....’ એમ બોલી પણ ખરી. એ વારાફરતી, એ કોટને અને રોહિણીને જોઈ રહી હતી. ‘જા, લઈ જા. કોને ભેટ આપવાની છે - એ તને નહીં જ પૂછું. તારો છલકાતો પ્રેમ જ કહી આપે છે કે....’ રોહિણીએ પૂરું કર્યું. અલબત્ત..... તેનું મન એ ચીજ પર હજી પણ ચોંટેલું જ હતું. એ છોકરી ન આવી હોત તો તે ભાવતાલ કરીને પણ એ કોટ ખરીદી જ લેત !
‘આભાર.... આન્ટી’ કરતી તે એ કોટ લેતી કાઉન્ટર પર ચાલી. જતાં જતા... એક રેશમી, શ્વેત કાર્ડ હાથમાં થમાવતી ગઈ. લખ્યું હતું - હસ્તાક્ષરમાં - કુમરી પૃથા. નીચે માલેતુજાર પિતાનું નામ પણ પોશ વિસ્તારના ફ્લૅટનું સરનામુ ંહતું. ફોન નંબરો, ફૅક્સ નંબરની વિગતો પણ હતી.
એ કોટ પર અછડતી, છેલ્લી દૃષ્ટિ ફેંકીને રોહિણી એ સ્ટૉરનાં પગથિયાં ઊતરી ગઈ હતી.
દુઃખ તો હતું - એ ગમતી ચીજ ગુમાવવાનું. તે થોડી મિનિટો વહેલી પહોંચી હોત તો ? જતાં જતાં મન સાથે સમાધાન પણ થઈ ગયું.
ચાલો, એક છોકરીને, તે ખુશીતો આપી શકી ! કેટલી ભાવવિભોર બની ગઈ હતી. મીઠડી ! મારી નાની બહેન હોત તો મેં એને ખુશ કરી જ હોત ને ? તેણે મન મનાવ્યું હતું.
તેની એક યોજના જમીનદોસ્ત બન ગઈ હતી. રંજ તો થાય જ ને એને ! આ તક કાંઈ એમ વારંવાર ના મળે.
કોટ તો મળે પણ આવો હૂબહૂ આકાશી રંગ ક્યાંથી મળે ? પેલી - સેલ્સગર્લ સાંત્વના તો આપતી હતી કે મૅડમ, આવે જ છે નવી નવી ચીજો - વારંવાર; પણ એ તો લુખ્ખી સાંત્વના જ.
રાતે પથારીમાં પડી. પાર્થને લઈને, એની સાથે થોડી વાતે ય કરી પણ જીવતો એ કોટમાં ટીંગાઈ ગયો હતો.
કશુંક ન પ્રાપ્ત થવાનો વસવસો પણ કેટલો ઘેરો હતો. એનું ભાન થતું હતું.
બીજી સાંજે એ સ્ટૉર પાસેથી જ પસાર થઈ હતી, દૃષ્ટિ પણ પરોવી હતી એ દિશામાં; પણ એ જગ્યા ખાલી હતી. તેણે ઝટ દૃષ્ટિ ફેરવી લીધી. જાણે એની માલિકીનું કશું ગુમાઈ ગયું હતું ! પેલાં સ્ટૉરમાં તો પાર વિનાના ગ્રાહકો હતા. પેલી સેલ્સગર્લ તો એને ભૂલી પણ ગઈ હશે ! એને તો આ કાયમનું થયું. પણ પેલી મીઠડી, શું નામ એનું - પૃથા, કુમારી પૃથા - એ પણ ક્યાં સુધી યાદ રાખવાની હતી ?
બસ.... આમ જ હયાતી પણ....! રોહિણી વિષાદમાં સરી ગઈ હતી. પાછી પતિની અનુપસ્થિતિ. એ હોય તો આટલો વિષાદ ના વળગે. એને અનુભવ હતો, એના પ્રિય પાત્રનો. દશ વરસનો સુખી સંસાર હતો. પ્રશ્નોતો થતાં પરંતુ કેવાં હળવા બની જતા હતાં વિવેકનાં સાંનિધ્યમાં !
આ પ્રેમલગ્ન અથવા કહો કે પરસ્પર પસંદગીનું લગ્ન હતું. જ્ઞાતિઓ અલગ હતી પરંતુ પ્રેમતત્ત્વ ક્યાં અલગ હતું ?
રોહિણી વિચારતી હતી કે પેલી પૃથા પણ પ્રેમમાં જ પડી હશેને ? પ્રિય પાત્રને આવી મૂલ્યવાન ભેટ કાંઈ અમસ્તી થોડી અપાતી હશે ? નહીં તો આમ આજીજી કરે ખરી ? તેને ખ્યાલ હશે જ કે એ કોટ તેના પ્રિય પાત્રને કેટલો પસંદ પડશે ! સુખ આપવાથી કેટલું બધું સુખ મેળવાતું હશે ? બસ... ગમી ગઈ એ મીઠડી પૃથા. જરા પણ... છીખરી નહોતી. પૈસાનું અભિમાન પણ ના લાગ્યું. બાકી... એના કાર્ડમાં લખેલાં સરનામા પર રહેતી વ્યક્તિઓ તો કેવી હોય ?
ત્રીજા દિવસની સવારે અચરજ થયું. આંગડિયા સર્વિસવાળો માણસ... નાનકડું પૅકેટ લઈને આવ્યો. વિવેકના નામનું. તેણે સાવ સહજ રીતે સહી કરી, તારીખ લખી. આવે એ તો. એમાં તો કાંઈઅચરજ નહોતું. પણ ખોલ્યું તો પેલો જ કોટ - આકાશી રંગનો, પૃથા લઈ ગઈ હતી એ ટ!
ઉપર સરનામું પણ વિવેકનું. એના પતિ પર જ આવ્યું હતું એ નિર્વિવાદ વાત હતી ! મોકલનાર પૃથા ગોસ્વામી.
તો પૃથા શું આ માટે....? મસમોટું વિસ્મય જન્મ્યું રોહિણીને. શું વિવેક-પ્રિયજન - પૃથ્વાનો ? કલ્પનાએ ભયજનક વળાંક લીધો. એ આજીજી કરતી હતી. આભાર માનતી હતી, સારાં સારાં શબ્દો પ્રયોજતી હતી - એ વિવેક ખાતર ? ક્યાંથી ઓળખે વિવેકને ? ખાલી ઓળખાણ હોય તો આવી કીમતી ભેટ અપાય ખરી ?
રોહિણી થીજી ગઈ. પુનઃ વાંચી ગઈ નામ, સરનામું - એ પૅકેટ પરનું. અરે, અક્ષરો પણ એનાં જ હતાં. પેલા કાર્ડ પર એણે જ લખ્યું હતું ને - કુમારી પૃથા ? શું એ વિવેકની પૃથા ? ને પૃથાનો અર્થ પણ થાય કુંતી ! શબ્દકોશમાં લખ્યું છે ને, એ શબ્દ સામે ?
તે પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગઈ હતી. આ કેવી આંધી હતી ! સાવ અચાનક જ આવેલી પણ એનો અતીત હશે જ ને, આ સંબંધનો ? આ તો ભેટ હતી - એ છોકરીની.
તેણે એ કોટનાં ખિસ્સાંઓ તપાસ્યાં. અનુમાન સાચું જ હતું. એક પત્ર હતો - એક ખિસ્સામાં. મન એના કાબૂમાં હતું જ નહીં. ખાસ્સો, મોટો પત્ર હતો, આવા જ પત્રો લખાતા હશેને એ બન્ને વચ્ચે !
‘વિવેક..... તમે મને છેતરી રહ્યા તો નહોતાને આ બધો ય સમય ?’ રોહિણીથી બોલાઈ ગયું. શો અર્થ - અવિરત ઢોળતી હતી એ લાગણીનો ? મીઠતી લાગતી પૃથા હવે એને છલના લાગતી હતી.
પત્ર વાંચવો તો પડે જ, ભલેને ગમે તે સ્વરૂપનો હોય. પ્રેમપત્રો તો તે કાંઈ લખી શકી નહોતી. એવા સંજોગો જ નહોતા. સ્વજનોને છોડીને નીકળી પડી હતી. એક સાંજે પ્રવાસનું બહાનું પમ ગોઠવી કાઢ્યું હતું. ત્યારે ક્યાં ખબર હતી કે એ પછી મમ્મી પપ્પા..... તેને..... આ બાલિશતા માટે માફ કરી દેવાનાં હતાં ?
એ લોકો આટલા ઉદાર ના બન્યા હોત તો, તે સ્વજનોથી કપાઈ જ ગઈ હોતને ? હજી વિવેક તરફનો બીજો છેડો, ક્યાં ખૂલ્યો હતો - આજની તારીખમાં પણ ? પાર્થ દાદા-દાદી વિશે પૂછતો ત્યારે તેને એને બીજી દિશામાં દોરી જવો પડતો હતો.
પણ એમાં વળી આ પૃથા ક્યાંથી ટપકી પડી ? અને છેક પ્રેમપત્રો, ભેટ સુધી ઓળખાણી જ નહીં ?
સંબોધન હતું - સરનું. જૂની છાત્રા પણ હોઈ શકે ! પણ આવી ભેટ - જે ખરીદવાનું રોહિણીના બજેટમાં જ નહોતું ?
એ છોકરીના હાવભાવ જ કહી આપતા હતા કે એ ગળાડૂબ પ્રેમમાં હતી - એ પુરુષના.
સર, બે વરસ પહેલાંની એકત્રીસમી ડિસેમ્બર, ન્યૂ યરની રાત યાદ છે ? બારથી એકનો સુમાર. સી. એન. પાસેનું એક વૃક્ષ.
વાહ ! મિલનકથા શરૂ થઈ હતી - બે વરસ પહેલાં ? બાર પછીનો સમય ? સી. એન.....!
તેણે જાતને ઠપકો આપ્યો હતો. વાચ તો ખરી. હજી તો ઘણું હશે ?
સર..... તમે ત્યાંથી પસાર થતા હતા - એ સમયે. લગભગ નિર્જનતા હતી એ સ્થળે, કારણ કે ભીડ બધી જાણીતા વિસ્તારોમાં હતી. તમને ખ્યાલ ક્યાંથી હોય કે એક વૃક્ષ નીચે.... બે-ત્રણ મવાલીઓ એક સત્તર-અઢાર વરસની છોકરીને ઘેરીને બેઠાં હતાં. એ છોકરીને બળજબરીથી માદક પીણું પણ પિવડાવયું હતું. પેલા ત્રણ ને છોકરી. એ લોકો એની સાથે અડપલાં કરતાં હતાં. પેલી પ્રતિકાર કરતી હતી પણ એય લથડતી હતી. અણગમતું બનતું હતું પણ પેલા ત્રણ સામે એનું શું ચાલે ?
હા, એ છોકરી હું હતી - પૃથા ગોસ્વામી. ત્યારે બધી જ રીતે ભાન ભુલેલી હતી. એ લોકો તો એમની નિયત દિશામાં આગળ વધતાં હતાં અને કાંઈ અજાણમ્યા પણ નહોતાં, મારા વર્તુળના જ હતાં. બસ નીકળી પડી હતી !
અને બૂરી રીતે ફસાઈ ગઈ હતી. તમે બેધ્યાન રીતે સરી રહ્યા હતા. તમે તો અજાણ જ હતા, સર.
રોહિણીના જીવમાં જીવ આવ્યો. તે પરિતાપ અનુભવવા લાગી હતી. સર, મને થયું કે આ એક જ વ્યક્તિ, કદાચ તારણહાર બની શકે છે. અને એય ચાલી જશે તો ? અને ચીસ પડાઈ ગઈ મારાથી. ચીસ, અને એય મધરાતની છાની રહે ? દૂર કોલાહલ મચ્યો હતો, એય સંભળાતો હતો.
તે રોકાયા, પાછા ફર્યા. નજર નોંધી મારી દિશામાં. મેં બીજી ચીસ પાડી હતી.
તમે તરત જ પડકાર ફેંક્યો હતો - એ હેવાનોને.
સર, એ રાતે તમે મને બચાવી હતી. મારી કાયા પર ખપ પૂરતાં વસ્ત્રોય ક્યાં હતાં ? એ લોકોએ - કેટલાક મારી મરજીથી તો કેટલાક એમની મરજીથી દૂર કર્યા હતા.
સર, તમે મને બચાવી એ રાતે. તમે મને તમારો આકાશી રંગનો કોટ ઓઢાડ્યો - લાજ ઢાંકવા. રિક્ષામાં ઘર સુધી મૂકી ગયા. બે વાક્યો ઉપપદેશનાં કહ્યાં, ઠપકો ના આપ્યો.
અને ચૂપચાપ ચાલ્યા ગયા, મને નવજીવન આપીને.
બસ.... એ દિવસથી જ. સર, તમને શોધું છું. કોટમાંથી નામ મળ્યું. શિક્ષક હતા એય જાણ્યું.
સર, માંડ બે વરસે.... તમારું ઠામ-ટેકાણું મળ્યું. પેલા કોટ જેવો જ નવો કોટ મળી ગયો. એક સ્ટૉરમાંથી.
એક આન્ટીએ ઉપકાર કર્યો માર પર. એમને એ જોઈતો હતો. અને આ..... નમ્ર ઉપકાર સ્વીકારજો. તમારી એક સમય ભાન ખોયેલી નાની બહેન તરફથી.
હા.... એમ જ હતું, સર. કાદવમાં પડેલાંને તો કાદવમાં જ સુખ લાગે. આ પત્ર લખતા પણ રડી રહી છું, સર. - પૃથા.
રોહિણી પણ રડી પડી. ચોધાર આંસુએ.
*