Zanza Ane Jivan - 2 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 2

Featured Books
Categories
Share

ઝંઝા અને જીવન - 2

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


બે

રવિવારની રજાનો દિવસ. પસંદ કરીને થોમસ-સુનિતાએ ડિઝનીલેન્ડની બાલનગરી જોવાનું નક્કી કર્યું. અહીં બાળકોને પ્રિય એવાં પશુ-પંખીઓ છે. અહીં અળવીતરા ઉંદરની વિચિત્ર અદાનાં કાર્ટૂન્સ ઠેરઠેર ચિત્રિત છે. એ જોઈને સુનિતાને એનું બાળપણ યાદ આવ્યું. દુનિયાના દેશોની ઝલક જોવાં મળી. જ્યાં જુઓ ત્યાં કુતૂહલથી બાળકો નવી નવી અજાયબી જોતાં હતાં. છેલ્લે તેમણે વિશાળ દરવાજામાં પ્રવેશ કર્યો. ત્યાં દુનિયાભરની ઢીંગલીઓ નાચતી હતી. એ નાચમાં જે તે દેશની આગવી અદા હતી. ગુજરાતની ઢીંગલીઓ સાડીના પરિવેશમાં ગરબે ઘૂમતી હતી.

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા...

કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ...

ગરબા સાથે સુનિતા પણ ગાવા લાગી. એ જોઈને થોમસ હસવા લાગ્યો. કેટલાક લોકો પણ એનો ગરબો જોવા લાગ્યાં. એક ગુજરાતી કુટુંબ એમના બાળકોને લઈને હાજર હતું. સુનિતાને ગાતી જોઈને એ પતિ-પત્ની કહે, ‘‘આ જીવંત ઢીંગલી કમાલની છે.’’

થોમસ અને સુનિતાએ એકબીજાને મળ્યા વિના ચેન પડતું નહોતું. કોલેજ છૂટ્યા પછીથી એ અચૂક મળતાં. એમના પ્રિય રેસ્ટોરાનું નામ લિબર્ટી છે. અહીં બેસીને નાસ્તો થતો. અભ્યાસની ચર્ચા થતી. કયા સરના પિરિયડમાં રસ પડ્યો, કોના પિરિયડમાં મજા ન આવી એની વાત નથી. કેટલીક ગપસપ ચાલતી. કોઈવાર થોમસ સુનિતાને ડેટિંગ પર જવાનું કહેતો ત્યારે સુનિતા સ્પષ્ટ શબ્દોથી એને સંભળાવતી ‘‘મારાથી એ નહીં બને.’’

સુનિતા કહે, ‘‘એ માટે લ્યુસી તને સામેથી કહે છે. તું એને શા માટે ના પાડે છે ?’’

થોમસ કહે, ‘‘એની સાથે જવું મને પસંદ નથી. મારી આગળ લ્યુસીની વાત હવેથી તું કરતી નહીં.’’

પ્રાથમિક શાળામાં ભણતાં હતાં ત્યારથી લ્યુસી થોમસને જાણે છે. એ પણ કોલેજની સહાધ્યાયિની - વિદ્યાર્થિની છે. થોમસ અને સુનિતાની દોસ્તી જોઈને એને ઈર્ષા થાય છે. થોમસને પોતાની સાથે ડેટિંગમાં આવવા માટેનું નિમંત્રણ તેણે ઘણીવાર આપેલું છે. થોમસ એનો સ્વીકાર કરતો નથી, એથી એ થોમસ પ્રત્યે નારાજ છે.

થોમસ કહે, ‘‘સુના, તું ડેટિંગ પર જવા માટે શા માટે ના પાડ્યાં કરે છે ?’’

સુનિતા કહે, ‘‘થોમ, ભારતીય છોકરી ભણેલ હોય કે અભણ. એને મા-બાપ અને સમાજ દ્વારા જે સંસ્કાર મળે છે, એમાંનો એક સંસ્કાર એવો છે કે કુંવારી છોકરી કોઈપણ પુરુષ સાથે સાહચર્ય આચરી શકતી નથી. એટલું જ નહીં અહીં અમેરિકામાં હું તારી સાથે ફરું છું, આ રેસ્ટોરામાં તારી સાથે બેઠી છું, ફોન પર લાંબી વાતો કરું છું, એ પ્રકારનું કોઈ સાહચર્ય ભારતીય સંસ્કારની પરંપરાને માન્ય નથી. હું અમેરિકામાં જન્મી છું. અહીં મારો ઉછેર થયો છે. તારી સાથે જ મારો વિદ્યાભ્યાસ ચાલે છે. મેં માત્ર તારી સાથે જ દોસ્તી રાખી છે. આમ છતાં હું ભારતીય છોકરી છું. હું મારા સંસ્કારથી વિચલિત નહીં બનું. એટલે જ હું ડેટિંગ પર જવાની ના પાડું છું. તારી સાથે મારી દોસ્તી છે. એ વાતની જાણ મારા મમ્મી-પપ્પાને છે જ. એમને મારા પર અટલ વિશ્વાસ છે. કે સુનિતા હિન્દુ સંસ્કારનું ઉલ્લંઘન કદી પણ નહીં કરે. એમના એ વિશ્વાસનો ભંગ મારાથી કઈ રીતે થઈ શકે ?’’

સુનિતાની વાત સાંભળીને થોમસ હતપ્રભ થઈ ગયો. એના મોઢા પર હતાશાનું મોજું ફરી વળ્યું. એને થતું હતું કે આ ઈન્ડિયન છોકરીનો વિશ્વાસ કરી શકાય એમ નથી. મારી સાથે એ લગ્ન કરશે એમ માની લેવું એ ભૂલભરેલું છે. થોમસની હતાશા જોઈને સુનિતા બોલી,

‘‘થોમ, હું તને પ્રેમ કરું છું. મને તારી ઝંખના છે. મારા અંતરાત્માએ તારો સ્વીકાર કરેલો છે. તારી મૈત્રી માટે હું દોરવાયા કરું છું. તારા સિવાય કોઈ પુરુષ સાથે મારે દોસ્તી નથી. આ રીત મારા સંસ્કારની છે. હું તારી સાથે લગ્નગ્રંથિ દ્વારા જોડાવા ઈચ્છું છું. લગ્ન પછીથી તારી તમામ શરતો મે મંજૂર છે. એને હું મારી નૈતિક જવાબદારી સમજીને નિભાવીશ. એ અંગે મારું તને વચન છે.’’

થોમસ કહે, ‘‘સુના, તારાં લગ્ન મારી સાથે થાય એ તારાં મમ્મી-પપ્પાને માન્ય હશે ? એમાં તમારા હિન્દુ સંસ્કારનો બાધ નહીં નડે ?’’

સુનિતા કહે, ‘‘એમને હું મનાવીશ. એ માની જશે, એવો મને વિશ્વાસ છે. કદાપિ એ ન માને તો પણ હું તારી સાથે જ લગ્ન કરીશ. મેં તને આપેલા વચનનો ભંગ મારાથી નહીં થાય. આપણો અભ્યાસ પૂર્ણ થવા દે. ગ્રેજ્યુએશન થયા પછીથી મારાં લગ્ન થાય એવું મારાં મમ્મી-પપ્પા ઈચ્છે છે. તારી સાથે મારાં લગ્ન કરવાની તેઓ ના પાડશે તો આપણે સિવિલ મેરેજ કરી લઈશું. પીએચ.ડી.ના અભ્યાસમાં પ્રવેશ મેળવીને સાથે રહી શકીશું.’’

થોમસ કહે, ‘‘તારો આ વિચાર મને માન્ય છે. હું પણ આગળ અભ્યાસ કરવાનું વિચારું છું. જો એમ થાય તો આપણે બન્ને કોઈ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરીશું અને હંમેશ માટે સ્થિર રહી શકીશું. સુનિતાએ થોમસ સામે એકીટશે જોયા કર્યું.’’