Najuk Namni Priytama - 3 in Gujarati Love Stories by Sneha Patel books and stories PDF | નાજુક નમણી પ્રિયતમા - 3

Featured Books
Categories
Share

નાજુક નમણી પ્રિયતમા - 3

નાજુક નમણી પ્રિયતમા

ભાગ -3 અને છેલ્લો.

આખો રસ્તો ક્યાં પતી ગયો ખબર જ ના પડી.સાવ બે ચાર શ્વાસનો જ રસ્તો……! આખા રસ્તે સખીઓએ શું ધમાલ મસ્તી કરી એ કંઇ જ સમજ નહતી…તનની હાજરીને આપણી દુન્યવી દુનિયામાં હાજરી ભલે ગણાતી હોય પણ મનથી તો હુ મારા આશુ જોડે…એમની વચ્ચે રહીને પણ ‘હું- સુગંધી’ ત્યાં ક્યાં હતી ? આ પ્રેમજગતની વાતો જ નિરાળી હોય છે.

ત્યાં તો ચર્રર્રર…બ્રેક સાથે ગાડી ઉભી રહી ગઈ. સામે જ આસોપાલવ અને રંગબિરંગી ફૂલોથી મહેંકતો લગ્નના હોલનો ગેટ દેખાયો. ગેટની ડાબી બાજુ પર ફુલોની સુંદર મજાની ગોઠવણી કરીને વર-વધૂના નામ લખેલા .મનોમન એ જગ્યાએ ‘મારા અને આશુ – સુગંધી અને આશુ’ ના નામની કલ્પના થઈ ગઈ. નજર ગેટ પર ગઈ તો ત્યાં મહેમાનોને આવકારવા માટે આશુ અને એના મમ્મી ઉભેલા હતા.

હૈયું એક ધબકાર ચૂકી ગયું. ..ઓફ્ફવ્હાઈટ કુર્તો, નાજુક રેશમી દોરાનું વર્ક અને ગળામાં મરુન દુપટ્ટો…જાણીને કે અજાણતાં જ ખુલ્લા રખાયેલા કુર્તાના પહેલા બે બટનમાંથી થોડા વાળ એના સ્વભાવની જેમ જ બેપરવાઈથી હવામાં ફરફરતા હતા. છ ફૂટની હાઈટ, રેગ્યુલર કસરતની ચાડી ખાતું આશુનું સપ્રમાણ સ્નાયુબધ્ધ શરીર.. પહોળી છાતી-પતલી કમર ..આશુ ઉપર આ ટ્રેડીશનલ ડ્રેસ ગજબનો ઓપતો હતો.

જે આશુને મારા સૌંદર્યથી અભિભૂત કરવાના સપના સેવતી બેઠેલી એ આશુને જોઇને હું પોતે જ બેહોશ થવાની તૈયારીમાં હતી..

ત્યાં મારી સખીએ મને હાથ પર હળ્વેથી ચૂંટીયો ખણ્યો અને હું ભાનમાં આવી. બધાની હાજરી વિસરીને જે રીતે ‘આશુમય ‘ થઈ ગયેલી એ વિચારીને મનોમન શરમાઈ ગઈ. આશુએ એક ભરપૂર નજર મારી તરફ નાંખી ને તરત ફેરવી કાઢી. એની ઇચછાને માન આપીને મેં આજે સાડી પહેરી..સોળ શણગાર સજયા અને એ સાવ જ અલિપ્ત..મેં એના મોઢા પર જે ‘એક્ષપ્રેશન’ની આશા રાખેલી એમાંથી એક પણ ના દેખાયું. બધી મહેનત પાણીમાં..!! પ્રસંશાનો એક ભાવ પણ પ્રિયાને અર્પણ નહીં..!

પુરુષોની જાત જ આવી હોય..સાવ નિર્મમ..! નજરની આ સંતાકૂકડી કોઇના ધ્યાનમાં ના આવી હોય એવી આશા રાખતી રાખતી ફટાફટ હોલમાં અંદર જતી રહી.

એરકંડીશન હોલ પણ મારા ધખધખતા ગુસ્સાને ઠંડો નહતો કરી શકતો. લગ્નની ચોરી આગળ ગોઢવાયેલી ખુરશીમાં સખીઓ સાથે ગોઠવાઈ ગઈ..

‘એ મારી સામે ના જુવે તો મને પણ એની કંઇ પરવા નથી, હું પણ એની સામે નહી જોઊં..એ સમજે છે શું એના મનમાં..’

ઘૂઘવાટ-અકળામણ-

ત્યાંતો આશુનો અવાજ કાને પડ્યો…

’કોલ્ડડ્રીંક….’

અને એક જ મીનીટ પહેલાં લીધેલો દ્રઢ નિર્ણય પાણી થઈને વહી ગયો. નજર ઉઠાવી તો આશુના ચેહરા પર જઈને જ અટકી ગઈ. આના ઉપર તો ગુસ્સે ય કેમનું થવાય..કેવું નિર્દોષ – નિર્મળ મુખડું છે આનું !’ હું ખોવાયેલી ખોવાયેલી હતી , આશુની આંગળીઓ એ મોબાઈલમાં કંઇક હરકત કરી ..થોડો ગુસ્સો આવ્યો..આવા વખતે પણ મોબાઈલ છૂટતો નથી એનાથી…ત્યાં તો મારા મોબાઈલમાં મેસેજ ટૉન રણકી ઉઠ્યો.

’ઈડીયટ…જલ્દીથી કોલ્ડડ્રીંક લે અને હોલની પાછ્ળ એક રુમ છે..ત્યાં આવ…જલ્દી…હું રાહ જોવુ છું..’

મંત્રમુગ્ધ જેવી અવસ્થામાં જ ગ્લાસ લીધો અને એક જ ઘૂંટ્માં ગટગટાવી ગઈ. બહેનપણીઓને ‘એક મીનીટમાં આવી’ કહીને બને એટલી ત્વરાથી હોલની પાછ્ળ આવેલા રુમ તરફ ભાગી.

જ્યાં આશુ મારી રાહ જોઇને ઉભો હતો નવવધૂને તૈયાર થવા માટેનો રુમ હતો . રુમમાં આશુ એકલો હતો એ જોઇને જેટલી અધીરાઈથી દોડતી- દોડતી રુમમાં ગઈ એનાથી બમણી સ્પીડમાં પગમાં બ્રેક પણ વાગી ગઈ. હૈયું કલ્પનાના આકાશમાંથી વાસ્તવિકતાની ધરતી પર પટકાયું..’વિચાર અને હકીકત’ બેયનો ભેદ પાણી અને દૂધની જેમ અલગ થઈને ઊભો રહ્યો.વિચારોમાં એકદમ ‘બોલ્ડ’ એવી હું હકીકતમાં શરમની મારી કોકડું વળી ગઈ. હોઠ ધ્રુજીને રહી ગયા પણ કોઇ શબ્દો બહાર ના નીકળ્યા..આશુ મારી આ હાલતનો દૂર ઊભો ઊભો મજાથી આનંદ માણી રહેલો.ધીરેથી એણે રુમનો દરવાજો અંદરથી બંધ કર્યો .

‘આશુ…આમ….કોઇ આવશે તો કેવું લાગશે…આ થોડું રીસ્કી નથી કે..?’’

‘ના…મારો એક મિત્ર બહારથી રુમ લોક કરીને ત્યાં જ ઓટલા પર બેઠો છે..હું મોબાઈલથી એને જાણ કરીશ એટલે એ ખોલશે. તું એ બધી ચિંતા ના કર. ‘ઇનફેક્ટ’ તું કશું જ ના કર..બસ ચૂપ ચાપ મારી સામે ઊભી રહે અને એ ધીમેથી મારી નજીક સરકયો…શરમથી મારી નજર ઊંચી જ નહોતી થતી. આશુએ મારી હડપચી પર એની તર્જની ગોઠવી મારું મોઢુ ઊંચુ કર્યુ. પણ મારામાં હિઁમત નહોતી એની આંખોમાં આંખ નાંખીને જોવાની. અમે આમ સાવ જ એકાંતમાં પહેલી વાર મળતા હતા.

આટલી નજીક…! થોડી બીક લાગતી હતી..કોની…આશુ ની…ના ના..એના પર તો પૂરો વિશ્વાસ હતો….તો શું મને મારી બીક લાગતી હતી કે..?

આશુએ ધીરેથી એનો હાથ મારી ખુલ્લી કમર પર મૂક્યો અને હું આખે આખી ધ્રૂજી ઊઠી…

‘સુગંધી..તું અદભુત લાગે છે આજે..મારી સપનાની પરી…રાજકુમારી…કેટલા વખતથી મારે તને આમ સાડીમાં એક ‘ભારતીય નારી’ના રુપમાં જોવી હતી. મારે જોવું હતું કે મારી દુલ્હન બનીશ ત્યારે તું કેવી લાગીશ. સાચું કહું તો તો તું મારી કલ્પનાથી પણ વધુ સુંદર લાગે છે મારા રુપકડા ચાંદ. ’ આટલું બોલતા તો એનો હાથ મારી કમર પરથી મારી પીઠ પર સરક્યો. મારામાંની પેલી બીક વધુ તીવ્ર બનતી જતી હતી.મારો મારા પર કાબૂ નહી રહે તો..? આવું જોખમ મેં કેમ લીધું..મનો મન જાતને થોડી કોસી પણ ખરી..આ સહેજ પણ હિતાવહ ફેંસલો નહતો..પણ હવે શું….?

’સુગંધી.. તારી આ બેદાગ લીસી લીસી ગોરી ત્વચાવાળી પીઠ, બે મુઠ્ઠીમાં સમાઈ જતી કમર…આ બધું મારું છે..મારું પોતાનું..આ વિચારથી જ હું મારી જાતને આખી દુનિયાનો ધનવાન માણસ સમજુ છું અને એનો હાથ ચોલીમાંથી ખુલ્લી પડતી પીઠ પર સરક્યો…

‘આશુ…પ્લીઝ…આમ ના કર..’

આશુ મારી વાત સાંભળવાના મૂડમાં જ ક્યાં હતો. એના બાહુપાશમાં મને ચસોચસ જકડી લીધેલી..જેમાં શ્વાસ લેવા માટેની હવા પણ માંડ આવી શકે.. આટલી અધીરાઈ..

અને મનોમન બોલાઇ ગયું

‘તારા બે હાથની વચ્ચે હું..ફક્ત હું.

આનાથી વધુ ના માંગુ કદી હું..’

‘તારા વાળમાંથી એક અનોખી સુગંધ પ્રસરી રહી છે…મારા બધા દુ:ખ – દર્દ એમાં ઓગળી જાય છે’ અને આશુએ એનું મોઢું મારા રેશમી ખુલ્લા વાળમાં છુપાવી દીધું.

‘આ તારી બિંદી-તારા કાનના ઝુમ્મર..ગળાનો હાર..કમર પર ઝુમતો આ કમરબંધ..તારા પગની પાયલ….જાતને શણગારતી વેળએ મને યાદ કરેલો ને…? સો ટકા કર્યો જ હશે…ખબર છે..પણ બસ..તારા મોઢેથી સાંભળવું છે કે આ બધા શણગાર તેં ફક્ત મારા માટે જ કર્યા છે… તું અદભુત છે..તારી આ માછ્લી જેવી ઊંડી અને પાણીદાર આંખો…તારું નાજુક અને અત્યારે લાલચોળ ટેરવાવાળું નાજુક નાક…એની નીચે બે પરવાળા જેવા હોઠ…તારી લાંબી પતલી ગ્રીવા..સુગંધી તું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છું..અને એ પાગલની જેમ મને ચૂમવા માંડ્યો…હું નખશીખ ભીંજાવા માંડી…તીવ્ર ધડકનો વચ્ચે મારા દિલની ગતિ પર કાબૂ રાખવાના સજાગ પ્રયત્નોની કસરત સતત ચાલતી જ હતી…આખરે હું પણ એક સામાન્ય માણસ જ હતી…ઢગલો એષણાઓથી ભરેલી…

‘તારા હોઠ

મારું કપાળ…ગાલ….હોઠ….ડોક…

પછીની વાત મને ના પૂછ..

નશાની ચરમસીમાએ અમથું ય કોને કંઇ યાદ રહે છે…!!’

વાતાવરણ બરાબર ઘેરાઈ ગયેલું..વરસાદ ગમે ત્યારે પડી શકે એવી સંભાવના હતી..અને ત્યાં જ બારણે ટકોરા પડ્યાં,

’સોરી ટુ ડીસ્ટર્બ યુ..પણ આશુ – સુગંધી ભાભી…થોડા લોકો તૈયાર થવા માટે આ બાજુ આવી રહ્યાં છે…’

અને બધો નશો એક ઝાટકે તૂટી ગયો. પળ ભરમાં જાતને સંભાળી લીધી અને વળતી પળે અમે બહાર. સામે ઉભા રહેલા મિત્રની સામે જોવાની મારી હિઁમત નહોતી..આશુને પણ કશું જ કહ્યાં વગર ત્યાંથી ભાગી અને સીધી બહેનપણીઓની જોડે જઈ પહોંચી.

હવેથી આવા એકાંતના રીસ્ક ક્યારેય નહીં લઊં જેવો મનોમન પાક્કો નિર્ધાર કરી લીધો..ભલું થજો પેલા સમયસર આવી પહોંચનારા આશુના સંબંધીઓ અને એના મિત્રનું.

તે રાતે દિલના એક ખૂણે છાની છ્પની કોઇ ચિનગારી એનો પ્રભાવ બતાવી રહી હતી અને હું એ આગમાં સળગતી જતી હતી..રોમાંચથી ભરપૂર સાંજ હૃદયંગમ હતી..કંઈક અલૌકિક શકયતાના કોમળ ઇશારાઓથી ભરપૂર સાંજ ..એક કાવ્યમય – દિવ્ય ઐક્યનો ગુનો થતાં થતાં રહી ગયો !! આખી રાત એ અતૃપ્તિની જલનમાં પડખાં ઘસી ઘસીને જ વીતી.

-સંપૂર્ણ..

સ્નેહા પટેલ.