Panini achhat ane paninu meetar in Gujarati Comedy stories by Jasmin Bhimani books and stories PDF | પાણીની અછત અને પાણીનું મીટર

Featured Books
Categories
Share

પાણીની અછત અને પાણીનું મીટર

પાણીની અછત અને પાણીનું મીટર....

કૈલાશધામની એ વહેલી પરોઢ હતી. દિવસ ઊગવાને હજી વાર હતી, આછેરું અંધારું વ્યાપેલું હતું. શંકર ભગવાન ઊઠીને જોગિંગ કરતા હતા. અચાનક એમને કશુંક યાદ આવ્યું. એ જોગિંગ કરતા-કરતા પોઠિયાના શયનકક્ષ તરફ ચાલતાં...ના ના દોડતા કદમે પહોચ્યાં.સર્વન્ટ ક્વાર્ટરમાં સૂતેલા પોઠિયાને ચાર-પાંચ ત્રિશૂળ ઘોદાવી જગાડયો. આંખો ચોળતા-ચોળતા પોઠિયાએ પ્રભુને પ્રણામ કીધા, ઓશીકું અને ગોદડું સંકેલી ખૂણામાં મૂક્યું. દાતણ લઈ એ નત-મસ્તકે નીલકંઠ સામે હાથ જોડી ઊભો રહ્યો. "હે મહાદેવ, સ્વયંમ આપ...અત્યારે... વહેલા... મારા કક્ષમાં? અહીં આટલાં વહેલા આવવાનું શું પ્રયોજન?" માલિક કરતા મોડા ઉઠવાના ક્ષોભનાં લીધે પોઠિયો ચાય્ગલો થઈ આવું કશુંક બબડ્યો. એક્જેટલી મને બોવ યાદ નથ. "દૃષ્ટ, અત્યાર સુધી ધોયરે રખાય? સૂરજ માથે આવ્યો. તારુ એક કામ પડ્યું છે. દાતણ અને ખરચુપાણી કરીને મારા ઓટલાશને ગુડાજે" ભગવાન શંકર ચહેરા પર થોડો ક્રોધ જતાવી, પોઠિયાને તતડાવીને ઑર્ડર કર્યો.

શંકર ભગવાન ઓટલા પર બેઠાં-બેઠાં ભક્તોને સંબોધતા હતા, ત્યાં જ પોઠિયો તૈયાર થઈ ને પહોંચી ગયો. પોઠિયાને નિહાળી દેવા-ધિ-દેવ બોલ્યાં : "હેં નંદી, પૃથ્વીલોક પર માનવો અવઢવમાં છે. તે લોકોને એ સમજાતું નથી કે કેટલી વખત નહાવું અને કેટલી વખત ખાવું. ઘણા લોકો ખઈ-ખઈને પેટને પર્વત બનાવી રહ્યા છે! નહાવાં પ્રત્યે દુર્લક્ષતા સેવી રહ્યાં છે! ઘણા નવરી-બજારો આખો દિવસ તળાવમાં જ પડી રહ્યાં છે, કશું કામ કરતા નથી. માટે તું અભી હાલ પૃથ્વીલોક પર જઈ મારી આજ્ઞા છે એવું કહી ને તે લોકો ને સૂચના આપ કે 'દિવસમાં ત્રણ વખત નહાવું અને એક વખત ખાવું'. આજથી જ મારી આજ્ઞાનું પાલન થાય એવું કહેજે. સમજ્યો? મારી આજ્ઞા રીપીટ કરી ને દેખાડ એટલે કોઈ લોચ્ચો ન થાય" "‘ત્રણ વાર નહાવું એક વાર ખાવું’. હેપ્પી?" પોઠિયાએ આંખમાંથી ચીપડા કાઢતાં-કાઢતાં મહાદેવનાં હુકમનું પુનરાવર્તન કર્યું. "ગુડ બોય, સિઘ્ર જઈ મારા હુકમનું પાલન થાય...કપડા ભરીને તુરંત જ રવાના થા. કૈલાશધામ-જૂનાગઢ લોકલ બસ આવવાનો ટાઇમ થઈ ગયો છે. તારું કલ્યાણ થાય. પોઠિયાએ ધરતી પર જઈ ભગો કર્યો. ત્રણવાર નહાવું અને એક વાર ખાવું આવું કહેવાને બદલે એણે બાફ્યું! એ બોલ્યો: “ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું.”તો આ બંને માંથી પાણી કેમાં વધુ વપરાય?

સોફા પર આડો પડ્યો-પડ્યો હું શિવમહાપુરાણ વાગોળી રહ્યો હતો, અમારા એપાર્ટ્મેન્ટમાં ઉત્પન્ન થયેલ પાણીની વિકટ સમસ્યા મને સતાવી રહી હતી. ત્યાંજ દરવાજો બાર-સાખથી નોખો કરવાનો હોય એમ અમારા એપાર્ટ્મેન્ટનાં સેક્રેટરીએ ખોલ્યો! હાથમાં પાકા પૂઠાવાળો ચોપડો, અધખુલ્લો સદરો, જુલતી નાળી સાથે પહેરેલ લેંઘો કે જેમાં એ જેવા છે તેવા જ લાગતા હતા. “જસ્મીનભાય, પાણીનાં મીટરની મેં તપાસ કરી લીધી છે. નવું મીટર, તેનું ઇન્સ્ટોલેશન તથા અન્ય ખર્ચા ગણતા પ્રતિ ફ્લેટ પાંચ હજાર રૂપિયા ઉઘરાવા જોશે. આજ રાતે જ મીટિંગ ભરી પૈસા એકત્રીત કરી તાત્કાલિક મીટર નંખાવી લઈએ. પાણીની અછતને લઈને થતો બેફામ પાણી વપરાશ અને બગાડ મીટરથી જ અટકશે.” અછતગ્રસ્ત તેમનાં નાકની દાંડી પર કમને બીરાજેલ ચશ્માં ઠીક કરતા તેમણે મારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી.

“હમ્મ્મ” મેં મુક સંમતિ દર્શાવી. પત્ની રસોડામાંથી પ્રગટ થઈ, ચાનો આગ્રહ કર્યો. પુરબહાર ડાયાબિટીસ અને બીજા બધા ફ્લેટધારકો સાથે માથાકૂટ કરવાની હોય, સેક્રેટરી સાહેબે નનૈયો ભણી, મારતે નાળે વિદાય થયાં.

શિયાળો હજું માંડ આથમતો હોય ત્યાં જ રાજકોટમાં પાણીની અછત ચાલુ થઈ જાય છે. ઓછો વરસાદ, પાણીની અપૂર્તિ સંગ્રહવ્યવસ્થા તથા નપાણિયાં મૅનેજમેન્ટ સિસ્ટમને કારણે શિયાળો પૂરો થતા જ ડેમોનું પાણી મપાય જાય છે! રાજકોટમાં એવી લોકવાયકા છે કે ડેમોમાં પાણીનાં અભાવે પ્રણય-ભંગ કે યેનકેન પ્રકારે આપઘાત કરવા માંગતા શખ્સો પણ રાજકોટથી હિજરત કરી યોગ્ય જગ્યાએ ચાલ્યાં જાય છે. કૉર્પોરેશનનો શાસકપક્ષ આ વાતનું ગર્વ હોતન લે છે! અધિકારીઓ અને પદાધિકારીઓમાં એટલું પાણી નથી કે સમગ્ર રાજકોટને બારેમાસ પૂરતું પાણી પૂરું પાડી શકે. હાં, પાણી એમનામાં છે ...પરંતુ શાસકપક્ષ અને વિરોધપક્ષ એક બીજાને પાણી બતાવવામાં જ પોતાના લોહીનું પાણી કરે છે. સેટિંગ-બેટિંગ કરતા હોય તો રાધેમાં ને ખબર.

“આ પાણીનું મીટર એટલે શું?” મારી વિચારમગ્ન અવસ્થા તોડતા પત્નીએ મને પૂછ્યું. એ આ પ્રશ્નને લીધે મુંજાઈ હતી. હું નેતાઓની ઘોર બેદરકારીએ તથા પાંચ હજાર રૂપિયાનાં નવા અણધાર્યા ખર્ચાનો વેત કરવાની ચિંતામાં હતો. મેં કિંકર્તવ્યમૂઢ અવસ્થામાં તેના તરફ નજર ફેંકી કહ્યું: “આપણાં ફ્લેટના બોરમાં પાણી ખલ્લાસ થઈ ગયું છે. બોરની મોટર બોરના તળિયે સુધી ઉતારી પાણી માપી લીધું, કિન્તું બોરમાં જ પાણી ન હોય તો પાણીનો ટાંકો હામ્બેલાંમાંથી ભરાય! એટલે આપણે હવે વેચાતા પાણીનાં ટાંકા મંગાવા પડશે. વેચાતા પાણીનો તમે લેડીઝલોકો વ્યાજબી ઉપયોગ કરો એ માટે દરેક ઘરમાં પાણીનું મીટર મૂકવાનું બે દિવસ પહેલા યોજાયેલ મીટિંગમાં કાઠલે આવી ગયા છતાં નક્કી કર્યું. (કોણ કાઠલે આવ્યું? જવાબ-ઓબવીયસ, જેની ઘર-સભ્ય સંખ્યા ઓછી અને જેની ઘર-સભ્ય સંખ્યા વધું છે એવા ટોપાવ) પત્નીને મારા જવાબમાં જાજી ગતાગમ ન પડી. અંગ્રેજીમાં દે જ દે કરતાં મોટિવેશન ગુરુને કોઈ બોતડો માણસ તાકી રહે એમ તે મારી સામે તાકી રહી! (હું કઈ આવો ગુરુ નથી હો)

પત્નીને આટલું સમજાવતાં મને આછેરો હાફ ચડ્યો. હું હજું મીટરનાં સિલેબલ્સમાં અડધે જ પહોંચ્યો હતો. મારાં કપાળ પર પ્રસ્વેદબિંદુ ઊપસ્યાં, મેં તેની પાસે પાણી મંગાવ્યું. જો દરેક પત્નીઓ થોડામાં બધું સમજાતી થઈ જાય તો પણ પાણીની ઘણી બચત થાય, એમ હું પોણો લિટર પાણી બોટલમાંથી ગટગટાવતાં સ્વાગત બબડ્યો! મેં આગળ ગગળાવ્યું: “જેમ આપણું ઈલેકટ્રીક વપરાશનું મીટર છે, તેવું જ પાણીનું મિટર હોય. આપણે જેટલી ઈલેકટ્રીક વપરાશ કરીએ તેમ તે મીટરના યુનિટો વધતા જાય, દર બે મહીને જીઈબીવાળા આવી મીટર રીડિંગ કરી યુનિટ મુજબનું આપણને બિલ વળગાડી ચાંદલો ઊઘરાવે, એ રીતે જ પાણીના મીટરમાં પણ યુનિટો બતાવે. આપણે જેટલો વધુ પાણીનો ઉપયોગ કરીશું એટલાં વધારે યુનિટો બતાવશે. જેમ યુનિટ વધારે તેમ આપણી આવા મોંઘવારીના જમાનામાં વધુ ચોટશે! સમજી? પત્નીએ ડોકટરની ચોકડીની જેમ હા-ના માં માથું ધુણાવ્યું. “ટૂંકમાં તું એટલું સમજી લે કે મીટર લાગી ગયા પછી આપણે પાણીનો ઉપયોગ ખપ પૂરતો જ કરવાનો” મેં આજીજી કરી. “હું પાણી બગાડતી જ નથી, જરૂર હોય ત્યાં જ હું વાપરું છું. ઓલી ઉપરવાળી સેજલીની જેમ છલકછલાણું નથી કરતી. ચંદ્રિકા આંટીની જેમ પાણી બગાડતી નથી. પેલી શીતલીની જેમ રોજ ગાડી ધોતી નથી..એના બાપાને ઘરે ભેસુ ધમારતી`તી અહીં આવી ને ગાડી ધમારે છે! હું તો પ્યોરીફાયરનાં બહાર વેસ્ટ નીકળતાં ખરાબ પાણીને પણ ઠામ ઊટકવામાં કામે લઉં છું....મને તમારે શિખામણ દેવાની કઈ જરૂર નથી. સમજ્યાં?”

“હા, હું સમજી ગયો , તું શાંતિ રાખ. એક કપ ચા પિવડાવ એટલે ઓફિસે જાવ” મેં પત્નીનાં ઊથલો મારેલ વર્બલ ડાયેરિયાને શાંત પાડતા કહ્યું.

આ આઈટમેય અજીબ આઈટમ છે! (પાણીનાં મીટરને કહું છું, બારી બહાર જોઇને આવું બોલ્યો નથી, હુહ) લાઈટ મીટર, ડાયાબિટીસ માપવાનું મીટર, તાવ માપવાનું થર્મોમીટર, ટ્રેડમિલ પર જોગીંગ દરમિયાન કેટલી કેલરી બળી એનું પણ મીટર! દરેક વસ્તું માપવાનું મીટર શોધાશે, પરંતુ અક્કલ માપવાનું મીટર શોધાયું નથી. નહિ તો ઘણાની અક્કલો ચેક કરતા મીટરનો કાટો રિસાઈને શૂન્ય સામે શૂન્યમનસ્ક સ્થિતિમાં પડ્યો રહેત!

અમારું રાજકોટ રંગીલું શહેર છે. અહીંનાં લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ ઊંચી છે. સારા વિસ્તારોમાં કરોડાના ફલેટસમાં રહેતા હશે...પરંતુ બારેમાસ વેચાતું પાણી લઈને જ ચલાવવું પડે! પાણીના ટેન્કરના ધંધામાં ફૂલ તેજી છે...ઈનફેક્ટ જેમ મંદી આવે તેમ પાણી વેચનારને તેજી આવે! અમુક ફલેટસમાં વેચાતા પાણીનાં વપરાશનું બિલ જ એટલું આવે કે આટલાં બિલનાં પૈસામાં, લોઅરમધ્યમવર્ગી પરિવાર પોતાનું ગુજરાન દર રવિવારે સપરિવાર રેસકોર્સ જવાનાં ક્લોઝ હોય તો પણ આરામથી ચલાવી શકે! પાણીની આવી વિકટ સમસ્યા છતાં સતાધિશો સામે કોઈ પાણી બતાવતું નથી, ત્યાં તો બધા પાણીમાં બેસી જાય છે. સતાધિશો કેટલા પાણીમાં છે તે બાબતનો કયાસ રાજકોટમાં આવતાં પાણીના બીલ પરથી મેળવી શકાય. આવા અછતગ્રસ્ત રાજકોટમાં બહારથી આવેલ મહેમાનો પણ ક્ષોભીલા પડી જાય. ચોકડીની (અમે લોકો રસોડાની ગેલેરીને ચોકડી કહીએ) એક ચકલીમાં જ પાણી આવે. મહેમાનોએ સવારે ઊઠતા વેત ચોકડીમાંથી ડોલ ભરી બાથરૂમમાં પ્રાત:ક્રિયા માટે લઈ જવી પડે. મહેમાનોને અમે લોકો આ બાબતે હેલ્પ ન કરીએ...અમે આમાં સંપૂર્ણ સ્વાવલંબી! સગ્ગા સસરાને ભી અધખુલ્લે ડિલે ચોકડી ટુ ટોયલેટ ડોલો ઉપડાવી એના ડોલા ચડાવીએ! સસરાના પાણી માપીએ, માટે રાજકોટમાં અમારે અમારી સાસુઓનો ત્રાસ વધારે નડતા નથી.

જે ફ્લેટમાં પાણીનાં મીટર લાગેલ હોય તેઓ રાજકોટમાં બીજા સગા-વહાલાં, મિત્રો કે જેમને ત્યાં પાણીની જાહોજલાલી હોય ત્યાં આવરો-જાવરો વધારી દે છે! મારી પત્ની તો એવી હુશિયાર છે કે બટેટાની વેફર્સ, ગોદડા તથા જાડા કપડા કે જેમાં પાણી વધારે બગડતું હોય તે બધું ગામમાં જ આવેલ સસરાના ઘરે જઈ બરાબરની ધોઈ કાઢે! આમ અમો અઠવાડિયામાં ત્રણ દિવસ સસરાને ત્યાં જ હોય! તેનો ચોકીદાર પણ મનમાં કહેતો હશે કે આ ભાઈ ઘર જમાઈ થયા કે શું! રાજકોટમાં દરેક પહેરણ મિનિમમ બે દિવસ પહેરવાનો રિવાજ છે.

રાજકોટનાં લોકોમાં પાન-મસાલો અને ચાનું વ્યસન ઘણું છે. જ્યારે અહીના બે મિત્રો, બે સ્વજનો મળે ત્યારે ચા નો આગ્રહ થાય જ. આ ચા પીવા માટે દરેક રાજકોટીયન મોઢામાં ડૂચો વાળેલ પાન-મસાલો, તંબાકુ કાઢવાં પાણીથી કોગળા કરે છે ઈ કોગળા થકી એટલો પાણીનો બગાડ થાય કે તેનાથી લાતુર જેવા અછતગ્રસ્ત શહેરને પાણીનો પ્રશ્ન હલ થઈ જાય! વ્યસનથી થતા ગેરફાયદામાં આ પોઇન્ટ કેમ કોઈ ગણતરીમાં નથી લેતા?

હું વાંચન નો શોખીન છું. ઘણી બધી નવલકથાઓ મેં વાંચી છે. નવલકથાનાં લેખકો જે રીતે મુખ્ય નાયક-નાયિકાઓનાં સ્નાન, શાવરનું પેન લડાવીને વર્ણન કરે તેની સામે મને સખ્ત વાંધો છે. “આર્યને ઝડપથી બાથરૂમમાં જઈ શાવર લઈ પોતાની પ્રિયાને મળવા તૈયાર થયો.” “પૂજાએ પોતાનાં અશ્રુ છુપાવવા બાથરૂમમાં જઈ શાવર નીચે ઊભી રહી ગઈ. આ રીતે તેના આંખોમાંથી ટપકતાં ચોધાર આંસુંઓને છુપાવવાની કોશિશ કરી” આવા વર્ણનો હોય? વોટ ધ બ્લડી નોનસેન્સ! આવી રીતે પાણી બગાડ કરવાનો હક્ક લેખકને કોણે આપ્યો? આવા નટી-નટાઓ રાજકોટના કદાપિ હોઈ ન શકે. અહિંયાં હપુચું પાણી જ ન આવતું હોય, સવારે એક ડોલથી જ બધી વિધિ પતાવવાની હોય શાવર હામ્બેલાંમાંથી લે!? જો સદર હુ નટી-નટા કટાઈમે નહાવા બાથરૂમમાં જઈ પાણી બગાડે તો એની મમ્મીઓ જ પહેલા હોલારી નાંખે. ખોટી વાત છે મારી? (રાજકોટીયન જવાબ આપે) એની અંગત પ્રેમ-કહાનીની પીદૂડી નીકળી જાય! આવા પાત્રો અને સ્થળની પસંદગી માટે લેખકો હંમેશા રાજકોટને ઈગ્નોર કરતા હોય ...નહિ તો તેની કથાનો પ્લૉટ પ્રેમકહાનીમાંથી ક્યારે મારધાડથી ભરપૂર થ્રિલર થઈ જાય એ કહેવાય નહીં-

પાણીના પ્રશ્નના ઊકેલ પર કોઈ ધ્યાન આપતું નથી. એવી કોઈ યોજનાઓ દૂર-દૂર સુધી દેખાતી નથી કે જેનાથી પાણીની સમસ્યાનો હંમેશને માટે ઊકેલ આવી જાય. આજ નહીં તો વીસ-પચીસ વર્ષ પછી પાણીની મહામારી પર યુદ્ધનાં ધોરણે કામ ચલાવવું પડશે. આ દેશના દરેક નદી-નાળાં-તળાવ-ડૅમ ને એકબીજા સાથે જોડવા પડશે. કેનાલ તથા પાઈપલાઈનોનું નેટવર્ક દરેક સંગ્રહાલયોને પૂરેપૂરાં ભરવા માટે કરવું પડશે. રીસ્વત આપ્યા વગર તમારાં કામ રોકાઈ જાય એ માટે જેટલી ચીવટ અધિકારીઓ રાખે છે એટલી જ ચીવટ સમુદ્રમાં મઈ પેહી જતું પાણી રોકવા માટે રાખવી પડશે. કૂવા-બોર રિચાર્જ કરી પાણીનાં તળ ઊંચા લાવવા પડશે. ડૅમ-તળાવ-નદીમાંથી માટીનો કાપ કાઢી ઊંડા કરવા પડશે જેથી વધારે માત્રામાં પાણીનો સંગ્રહ કરી શકાય. આવા આયોજનો નજીકનાં ભવિષ્યમાં ગંભીરતાપૂર્વક હાથ ધરવા પડશે. કોઈ પણ ડૅમ કે નદી કોઈ એક રાજ્યની સંપત્તિ ન માનતા સમગ્ર ભારતની સંપત્તિ માનવી જોઈએ. પાણીની સમસ્યા માટે બેડા લઈ જવાબદાર અધિકારીઓની ઓફિસે પહોંચી જતી સન્નારીઓને જવાબ આપતા અધિકારીઓનાં ડાચાં માધીયાની માં જેવા થઈ જાય છે! વાતો કરાવી ખૂબ સહેલી છે પરંતુ લોકઉપયોગી કામ કરવા છપ્પન ઈંચની છાતી જોઈએ-

ભ્રષ્ટાચાર, અણઘડ આવડત અને અક્ષમ્ય બેદરકારીનાં લીધે શાસકો પાણીની સમસ્યા પરત્વે ઘોર બેદરકારી સેવે છે. આગામી સમયમાં પાણીની ક્રાંતિ ન થાય તો જ નવાઈ- ટ્રેનથી પાણી પૂરું પાડવું! પાણીના ટાંકાથી ઘર-ઘર જઈને પાણી વિતરણ કરવું! પાણીના લીધે મારામારી અને આત્મહત્યા થાય! આવું બધું તો ભારત જેવા મહાન દેશમાં જ થઈ શકે. પાણીના ટાંકા કે ટ્રેન પર, જશ ખાટવા તેમનાં પર જે તે શાસક પક્ષનું બૅનર ચોટાડવું..ઇટ્સ એબ્સોલ્યુટલી રબીશ. ડોબાઓ આ તમારી કોઈ એચીવમેન્ટ નથી, શરમ આવવી જોઈએ. ....પણ મારું કોઈ મનાતું નથી. દેશને બૂલેટ ટ્રેનની નહીં પાણીની વિકટ સમસ્યાનો હલ જોઈએ. બૂલેટ ટ્રેન મારફત આમઆદમી ઘરે ઝડપથી પહોંચશે તો ઉલ્ટાની વસ્તી વધારાની સમસ્યા વધુ વિકટ બનશે ( હું આ લીટી બાબતે કોઈ સોખાવટ નય કરું...કય દવ સુ) ઘણી બધી ગ્રાન્ટો વાપર્યા વિનાની પડી રહે છે. લાગવગશાહીથી સત્તાધીશો-પદાધિકારીઓનાં લત્તામાં પુષ્કળ પાણી આવે છે. પાણીના લાઈનમેનોનાં ઓપરેટરો કટકી ખાઈ પાણી વધુ છોડી આપવાનો કીમિયો અજમાવે છે. બધા ને લડી જ લેવું છે. હું વધારે નથી બોલી ગયો ને? એ તો તમે પાણીની ડોલો ઊપાડી હોય તો ખબર પડે ભાય-

“કહું છું...સાંભળો છો? બધાના ઘરે પાણીનું મીટર લાગી ગયું. આપણે એક જ રહી ગયા! સેક્રેટરીને કહો આપણું મીટર નાંખી દે. દર વખતે આપણે જ પાછળ હોઈએ.”મારા અંતરાત્મામાં યોજાયેલ અસ્મિતાપર્વમાં હું લાખો બેકટેરિયા જોડે પાણીની વિકટ સમસ્યા પર આપી રહેલ પ્રવચનમાં પત્નીનાં વાગ્બાણથી વિક્ષેપ પડ્યો. હું એની સામે અનિમેષ નજરે નિહાળી રહ્યો. તેની બુદ્ધિચાતુર્ય અને હું પ્રથમની ગ્રંથિ જોઈ મારા મુખારવિંદ પર સ્મિત રેલાયું

“કાશ...મારું ચાલે તો હું પાણીનું મીટર આજીવન મારા ઘરમાં ન લગાવું. કાશ...મારી ઇચ્છા પરમકૃપાળુ પરમેશ્વર સાંભળે તો મારા ઘરમાં ફિટ થનાર મીટર તરત જ બગડી જાય અને ફરી પાછું ચાલુ જ ન થાય!” મેં પત્નીને કહ્યુ.

“હા...તમને કશી પડી જ નથી. ઘરમાં મીટર ન લાગે તો તમારે શું? હર વખતે આપણને જ સેક્રેટરી કેમ અન્યાય કરે? આપણો વારો જ કેમ છેલ્લે આવે! આપણાથી મીટર ફીટ કરવાની શરૂઆત આ લોકો કેમ ન કરે? તમે મિટીંગોમાં મૂંઢની જેમ બેઠા રહો એટલે જ આ લોકો આપણને દાદ દેતા નથી. હવેની મિટીંગોમાં મારે જ બધાને ધમકાવા જોઇશે.”પત્નીનો અવિરત વર્બલ ડાયેરિયા પાછો ચાલું થયો. એને એ ગતાગમ ન પડી કે વહેલું મીટર લાગે તો વહેલા યુનિટો ફરશે. વધારે બીલ આવશે...પણ મારી આધ્યાત્મિક વાત પત્ની સમજી ન શકી. હું મારી સગ્ગી પત્નીનું જ અજ્ઞાનપ્રદર્શન કરી સમગ્ર પત્નીજગતને સંદેશો પહોંચાડવા માગું છું કે પતિઓનું પણ ક્યારેક સાંભળો, માનો. મારી પત્ની જ નહીં માનતી તો મારું બીજા શું તંબૂરામાંથી માને! બીજીઓને મનાવવા જાઉં તો પત્ની રિસાઈ જાય. એટલે જ લેડીઝવર્લ્ડ મારા જ્ઞાનથી વંચિત રહે છે...શું એનો એને અફસોસ નહીં થતો હોઈ? શી ખબર, હેં વાચકો તમે જ કંઈક ઘટતું કરો.

મારો મીટર ફીટ ન થવાનો આનંદ બે દિવસ જ ટક્યો. આપણે એકલા જ આનંદમાં રાચિયે તેવું પાડોશીઓ કદાપિ સહન ન કરી શકે. હવે પાણીનું મીટર એક ખૂણામાં ફીટ થઈ ગયું. હું એની સામે જ્યારે સમય મળે ત્યારે ઘુરકિયાં કરું છું. કિન્તુ હવે મારા હાથ બંધાઈ ગયા. પાણીનું બીલ ઓછું આવે તે દિશામાં જ કદમ ઊઠાવવા એ એક માત્ર ઉપાય બચ્યો હતો. મેં હવે ફેમિલી મીટિંગ ભરી પુત્ર તથા પત્નીને મારું આખરી ભાષણ આપ્યું, “જુઓ હવે પાણીનું ધ્યાન રાખજો. આપણા ઘરમાં અમુક નળ બગડેલ છે જે ક્યારેય ખોલવા નહીં. અન્યથા તેમાંથી પાણી બગડી આપણને જ નુકશાન થશે. મહેમાનો આવે ત્યારે આ નળ વિષે એમને જ્ઞાત કરવા.” મેં બધા બગડેલ નળની ઊડતી વિઝિટ કરાવી, પુત્રને કહ્યું: “તું તો ધ્યાન જ રાખજે, બ્રશ કરતા-કરતા ગેંડીનો નળ ચાલું ન રાખતો. હાથ-પગ ધોવા ડબલાનો ઉપયોગ કરજે, તારા ટાંગા સીધા નળ હેઠે રાખી જલાભિષેક ના કરાવાતો. સમજ્યો?”

પાણીના મીટરનું ઓલ એન્ડ સોલ નૉલેજ મેં પત્ની અને પુત્ર સામે નિચોવી નાખ્યું. પત્નીને આપણે પાછી વાળી ન શકીએ. તે તો એની મરજીની માલકિન. એને અવારનવાર ટોકીએ તો ઊલટી અસર પડે એવું એક ધરાર બ્રહ્મચારી બાપુએ પત્નીથી થાકીને લીધેલ સંન્યાસ પછી લખેલ એક ગ્રંથમાં વર્ણવેલ છે. હાં... પુત્ર પર મારી સલાહની અસર જરુર થઈ! તે મારો આજ્ઞાકારી છે, નાની ઉમરે એણે હોશિયારીમાં ડબલ ગ્રેજ્યુએટની પદવી પ્રાપ્ત કરેલ છે. કોઈપણ આગંતુક અતિથીને ગૃહપ્રવેશ સાથે તેનાં સ્વાગતમાં માનવાચક શબ્દો પ્રયોજવાની જગ્યાએ, સોફા પર બિરાજવા પહેલા તેઓશ્રી ને એ અમારા નાનકડાં ઘરનું ઓરિએન્ટેશન કરાવી, ક્યાં-ક્યાં નળ બગડેલ છે એની ભ્રાંતિ કરાવે! પાણીનું મીટર બતાવી તેની કાર્યપ્રણાલિનું વિસ્તૃત વર્ણન કરે! થોડીક કડક સૂચનાઓ પણ આલે. એક વાયડાઈ કરતા કોમન ટોઇલેટનાં ફ્લશ વાલ્વ પર “આ નળ કોઈએ ચાલુ કરવો નહીં...પાણીના પૈસા મારા બાપા ભારે છે” આવું પતાકડું પણ ચોટાડી દીધું છે! અમારા મકાનમાલિકને મારી ચોરવૃત્તિની ગાઢશંકાને લીધે હું બગડેલ નળ કદી બદલાવતો નથી...ભલે એમાંથી વ્યય થતા પાણીના લીધે એ નળની કિંમત જેટલું પાણીનું બીલ આવે! કોઈ મને નળ જેવી તુચ્છ વસ્તુ વહેંચી રોકડી કરી લીધી એવો ગંભીર આક્ષેપ કરે એ બિલકુલ પસંદ નથી, (હાં, બીજું કઈ મકાનમાલિકનો કિંમતી સામાન બહાર વહેંચી મારીને પકડાઈ જાવ તો મને એનો રંજ નથી)

“સાંભળ...બધા નળમાં ટીપું-ટીપું પાણી આવે તો મીટર ફરે નહીં. આવું મેં મીટરવિદ્વાન પાસેથી જાણ્યું છે. માટે એક કામ કરજે દરેક નળ પર એક મોટું વાસણ રાખી આખી રાત ધીમેધીમે પાણી ટપકે એવું આયોજન કરી લે. પાણીનું બીલ પણ નહીં આવે અને મફતમાં આપણે ઘણું પાણી મેળવી લઈશું.” મેં તાજી મેળવેલ યુક્તિ પત્નીને કહી. મહાન ભારતનો દરેક નાગરિક કોઈપણ બંધનમાંથી છટકબારી શોધી જ લે-

પત્નીને મારી યુક્તિ કારગત લાગી, તે આખો મહિનો અનુસરી. અમે આનંદથી નાચી ઊઠ્યા. પત્નીને મારી બુદ્ધિ પર માન થયું હોય એમ લાગ્યું. (આઈ રીપીટ લાગ્યું જ)

કહેવાય છે ને મનુષ્યનો આનંદ, ખુશી આ બધું ક્ષણભંગુર હોય છે. એટલે જ ભગવાનોને પલાઠીવાળી મંદિરોમાં બેસાડીને પૂજા કરે છે. જો નિત્ય મનુષ્યને સુખ અને ખુશી જ મળતી હોય તો ભગવાનને પણ ચિટલો ખણી ઉભા કરે. મારી ખુશી પણ વધુ ટકી નહીં,મહિનાના અંતે પાણીનું બીલ આવ્યું. બધા ફલેટધારકોનાં બીલ સાથે મારા બિલની સરખામણી કરી ત્રિરાશી માંડતા હું એ નિષ્કર્ષ પર પહોચ્યો કે બધા ફલેટધારકો મારા જેટલા જ હોશિયાર છે!

...સાલ્લાઓ, બધા રાત્રે ધીમેધીમે નળ ખોલી મોટા-મોટા બેરલું ભરતાં હશે!

અસ્તુ....પ્રૂફરીડર હુશિયારચંદ કે સાથ મેં રાઈટર જસ્મીન ભીમાણી વાંચતક ;)