Rongnumber in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | રોંગનંબર

Featured Books
Categories
Share

રોંગનંબર

રોંગ નંબર

સફેદ ચકચકિત આરસ પહાણમાંથી ઘડેલા ‘સ્વર્ગ’માં આજે લોકોની ખાસ્સી એવી ચહલ પહલ દેખાઈ રહી હતી. અલબત્ત એ પણ એવા જ દૂધિયા રંગમાં સજ્જ. ઊંચા, શરીરે ભરેલા, મોં પર હમેંશા હાસ્ય, હ્રદયમાં કરૂણા અને મગજમાં ગજબની કોઠાસૂઝ ધરાવનાર શેઠ ચંપકલાલનું હાર્ટ અટૅકથી નિધન થયું હતું. એમની સુવાસ જ એવી હતી, સંબંધો જ એવા હતા કે, શહેરભરમાંથી માણસો એમના અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા.

“અરે!! કોઈ રડાવો આમને... આમ જ જો પથ્થર થઈને રહેશે તો એમના મગજ ઉપર અસર થઈ જાશે બાપલા..”

“મગજ તો ઠીક, પણ હાડ ઉપર બોજો પડશે અને ન કરે નારાયણ ને......”

“શ... એવું ન બોલાય..”

“અલી ઈ હાચું જ કે’છે ને વળી. બુનને હંભાળી લે, હમજાવી લે ઈવા ઈમના દીકરાઉં ક્યાં પુગ્યા શે..?? કલજુગ શે ભઈ ઘોર કલજુગ છે.. હં..”

શેઠ ચંપકલાલની આખરી વિદાય વખતે દિલાસો આપવા આવનાર બહોળો મહિલા વર્ગ પોત પોતાના વિચારો રજૂ કરી રહ્યો હતો. સૌને એવું લાગતું હતું કે, નંદાબહેનને જરૂર કંઈ થઈ જશે. પણ ના... ઉપસ્થિત તમામની ગણતરીઓ ખોટી પાડીને તેમણે ગજબની સ્વસ્થતા બતાવી. પોતાના પતિની અંતિમયાત્રામાં દરવાજા સુધી જોડાયા બાદ દિલાસો આપવા આવનાર તમામનો મૂક આભાર માનીને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા.

અંદર જઈને તેઓ ચંપકલાલની આદમકદની છબી સમક્ષ દીવો પ્રગટાવી એમની આંખોમાં આંખો પરોવીને એકીટશે જોઈ રહ્યા. જેમની સાથે જીવનના ૪૦-૪૦ વર્ષ પસાર કર્યા હતા એ પોતાને આમ એકલી-અટૂલી મૂકીને ચાલ્યા જશે એ વાત એમનું હ્રદય હજુ સુધી સ્વીકારી શક્તું નહોતું. નંદાબહેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને એમની દ્રષ્ટિ ધૂંધળી પડી ગઈ અને એ ધૂંધળી દ્રષ્ટિમાં એમને પોતાનો ભૂતકાળ નજર સમક્ષ અભિભૂત થતો દેખાયો.

**********************************

વીસ વર્ષની મુગ્ધાવસ્થાની ઉંમરે લગ્ન, પતિદેવો ભવ: અને પતિ પરાયણતા જેવી સોનેરી શિખામણોની સાથે સાથે ઢગલાબંધ દાયજો લઈને ચંપકના જીવનમાં નંદાએ પ્રવેશ કર્યો. નંદાના પગલે અને નંદાના પિતાની રહેમ નજરે ચંપક જોતજોતામાં તો ચંપકિયામાંથી શેઠ ચંપકલાલ બની ગયો. ૪૦ વર્ષના લગ્નજીવનમાં બે પુત્રો, પતિનો મધુર સહવાસ, ‘સ્વર્ગ’ બંગલો, નોકર-ચાકર, ધન-વૈભવ, ભોગ-વિલાસ... અરે!! શું નહોતું નંદા પાસે..?? પણ જેમ જેમ ધન વધતું ગયું તેમ તેમ પતિના મધુર સહવાસમાં ઓટ આવતી ગઈ. પેઢીના કામે તેમને દિવસોના દિવસો સુધી ઘરની બહાર રહેવું પડતું અને બન્ને પુત્રો પણ ભણી ગણીને પરદેશમાં સેટલ થઈ ગયા હતા. પોતાનો સંસાર વસાવી જાણે માં-બાપને ભૂલી જ ગયા હતા. એટલે જ નંદાબહેન પોતાની જાતને આ ભવ્યાતિભવ્ય બંગલામાં નોકર-ચાકરની ફોજ વચ્ચે પણ એકલી અટૂલી મહેસૂસ કરવા લાગ્યા હતા.

અને ઓચિંતા જ ..... એક દિવસ ..... અનાયાસે નંદાબહેનના ફોનની રીંગ રણકી.

“ટ્રીન.... ટ્રીન....”

“હલ્લો કોણ....?”

“હાં સુધાબેન.... હું મંદિરા બોલું છું... મેં તમને....”

મંદિરા ને અધવચ્ચેથી જ અટકાવતાં નંદાબહેન બોલ્યા, “સોરી.... રોંગનંબર, હું સુધા નહીં નંદા બોલું છું.”

“અં... નં..દા.. તો આ ૪૪૫૫૮૮૭૭૬૬ નંબર નથી....???”

“બેન મારી, આંકડા તો બરાબર છે પણ આ નંબર કોઈ સુધાનો નહિં પણ મારો છે.”

“સોરી નંદાબહેન.... મારી નંબર જોવામાં કાંઈ ભૂલ થઈ ગઈ લાગે છે.” સામે છેડેથી ક્ષોભજનક અવાજે મંદિરા બોલી.

આ પ્રસંગને નંદાબહેન કદાચ ક્યારેય ભૂલી ગયા હોત. પણ ખબર નહીં કેમ એમની અને મંદિરાની આગલા ભવની કોઈ લેણા-દેણી બાકી હશે તેમ એક અઠવાડિયામાં ચાર વખત આવી જ રીતે WRONG નંબર લાગવાથી નંદાબહેન અને મંદિરા વચ્ચે એક ગજબની આત્મીયતા બંધાઈ ગઈ અને હવે એ રોંગનંબર નંદાબહેનની ડાયરીમાં હમેંશાને માટે WRITE થઈ ગયો હતો.

“મંદિરા, તું એકલી જ છો..?? આઈમીન તારા પરિવારમાં..??” પંદરેક દિવસમાં જ બંને જણાં એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. અને એ હક્કે જ નંદાબહેન મંદિરાને આજે અંગત સવાલ પૂછી બેઠા.

“અરે!! એમાં સંકોચ કરવા જેવું કશુંયે નથી દીદી. હું તો જ્ન્મારાની અભાગણી છું. માં-બાપને તો નજરે ભાળ્યા નહોતા. અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ, ભણી-ગણીને આજે એક બેરિસ્ટરને ત્યાં સારામાં સારી નોકરી કરું છું. અને... હાલમાં... અં.. હાલમાં મારા ખૂબ જ અંગત મિત્ર..ત્ર.. સાથે લિવ-ઈનમાં રહું છું.”

બંનેની ઉંમરમાં ખાસ્સો એવો તફાવત હોવા છતાં બંને એકબીજાના સારા મિત્ર બની ચૂક્યા હતા. એકબીજાને સાક્ષાત કદીએ મળ્યા ન હોવા છતાં બંને એકબીજાના શોખ, સ્વભાવ, આદત અને ગમા-અણગમા વિષે બધું જ જાણતાં થઈ ગયા હતા. પરંતુ.... આજે મંદિરા વિષે જાણેલી બાબતથી નંદાબહેન ખાસ્સા એવા ચિડાઈ ગયા હતા પણ બીજી જ મિનિટે સ્વસ્થતા ધારણ કરીને તેઓ બોલ્યા,

“જો મંદિરા, તું જેની સાથે લિવ-ઈનમાં રહે છે એ વ્યક્તિ તારી જવાબદારીમાંથી છટકી જાય એવો તો નથી ને..?”

“તમારી વાત હું સારી પેઠે સમજું છું પણ એ વાત પણ એટલી જ સાચી છે કે, હું એમને ખૂબ ચાહું છું, બલ્કે એમની પૂજા કરું છું. એમનું વ્યક્તિત્વ જ કાંઈ એવું છે. મેં જ્યારે એમને મારી ઑફિસે પહેલી વાર જોયા હતા ત્યારથી જ હું એમની તરફ આકર્ષાઈ હતી પણ... તેઓ પરણિત હોવાને કારણે અમે લિવ-ઈનમાં રહેવાનું પસંદ કર્યુ અને હવે તો લિવ-ઈનના સંબંધોને કાનુની મંજૂરી પણ મળી ગઈ છે તેમ છતાં મેં કદીએ એમના ઉપર કદીએ કોઈ અધિકાર જતાવવાની કોશિશ નથી કરી બસ.. ચિંતા તો મને ફક્ત મારી બુલબુલની છે..”

“તો... કે’ને તારા એ લિવ-ઈન પાર્ટનરને કે, તારી બુલબુલના ભવિષ્ય અંગેની કોઈ બાંહેધરી આપે તને..”

“નંદાબહેન, અમારા મન એક છે, વિચાર એક છે, આ સંબંધ ફક્ત તન અને ધન પૂરતો સીમિત નથી. અમે એકબીજા માટે જ બનેલા છીએ જાણે કે, દો બદન એક જાન... અને સાચું પૂછો તો પ્રેમ કશું માંગવામાં નહિં પણ આપવામાં માને છે. તેઓ પરણેલા છે, સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે તેમ છતાંયે એમણે મને બુલબુલના સુરક્ષિત ભવિષ્યની બાંહેધરી આપી છે. અને હાં..., અમારી ઉંમરમાં ખાસ્સો એવો તફાવત છે એટલે જો મારા પહેલા એમને.... હું લખી દેવા તૈયાર છું કે, એ સમાચાર સાંભળીને હું એક ક્ષણ પણ જીવિત નહિં રહી શકું. એટલે મને ચિંતા એ વાતની છે કે, અમારા પછી અમારી બુલબુલનું શું.....???”

“અરે!! ગાંડી પોતાના પુરૂષને પ્રેમ તો બધા કરે પણ આવો આંધળો પ્રેમ...??”

“તો શું તમે આવું નથી વિચારતા..??”

“ના જરાય નહિં. જો મારી બેન, મરેલા પાછળ મરી જવું એ તો નર્યુ ગાંડપણ કહેવાય. હું તો એવું વિચારું છું કે, પ્રભુ એમના પહેલા મને બોલાવી લે. પરંતુ આપણે વિચારેલું દર વખતે થાય એ જરૂરી તો નથી ને..?? અને ન કરે નારાયણ ને.... તો હું એમના અધૂરા કામ, અધૂરા સ્વપ્નોને પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એમના કહેણને સાર્થક બનાવવા કોશિશ કરીશ અને આજ મારી એમને ‘હ્રદયાંજલિ’ હશે.”

***************

“હ્રદયાંજલિ..... સાચી વાત છે, પ્રભુએ મને એવા રસ્તા ઉપર લાવીને મૂકી દીધી છે જ્યાંથી મારે એમના અધૂરા કાર્યોને પૂરા કરવાના છે.”

સંપૂર્ણ સ્વસ્થ થતાં નંદાબહેનને લગભગ એકાદ મહિના જેટલો સમય નીકળી ગયો અને આ દરમ્યાન ન તો એમને મંદિરાનો ‘રોંગનંબર’ આવ્યો કે, ન તો એમણે એનો ‘નંબર’ ડાયલ કર્યો.

પણ.... આજે શેઠ ચંપકલાલજીની માસિક પુણ્યતિથિ હતી. આજે નંદાબહેન બહુ જ ઉદાસ હતા. એમના પુત્રો અને પુત્રવધુઓ પાસે એટલો પણ સમય નહોતો કે, તેઓ બાપના મરણ પ્રસંગે સહાનુભૂતિ વ્યક્ત કરવા આવી શકે. એટલે જ ભરાઈ આવેલા મનને હળવું કરવા એમણે મંદિરાનો નંબર ડાયલ કર્યો અને જે સમાચાર મળ્યા તે એમને બેવડો આઘાત આપી ગયા.

મંદિરાનું સરનામું મેળવીને નંદાબહેન પોતાના ડ્રાઈવર સાથે શહેરથી બસ્સો કિ.મી દૂર આવેલા મંદિરાના નિવાસસ્થાને પહોંચ્યા. હાલમાં મંદિરાની બહેનપણી સાથે રહેતી પંદર વર્ષીય ભલી, ભોળી, નિર્દોષ અને બેવડા આઘાતમાંથી પસાર થઈ રહેલી બુલબુલને જોતાં એમનું હ્રદય દ્રવી ઉઠ્યું.

મૃદુ આવકાર સાથે બુલબુલ એમને ઘરના ડ્રોઈંગરૂમ તરફ દોરી ગઈ. પણ આ શું....??? સામેની દિવાલ પર લટકતી ગુલાબના તાજા ફૂલોના હાર વડે શોભાયમાન એવી બે છબીઓને જોઈને નંદાબહેનના પગતળેથી માનો કે, જમીન જ સરકી ગઈ. એમનું આંતરમન જાણે બોલી ઉઠયું, “મંદિરાનો નંબર શું સાચે જ ‘રોંગનંબર’ હતો.......???”

“બેટા... આ છ...બી... બી.. કો..ની..???”

“આંટી, આ મારા મમ્મી પપ્પાની છબી છે.”

જે મંદિરાને પોતે ક્યારેય રૂબરૂ મળ્યા જ નહોતા એની છબીને પહેલીવાર જોવાની અહોભાવના એની સાથે લટકી રહેલી પોતાના પતિ ચંપકલાલની છબીને જોતા ક્યાંક લુપ્ત થઈ ગઈ હોય એવું નંદાબહેનને લાગ્યું.

“......જો મારા પહેલા એમને કાંઈ થયું તો એ સમાચાર સાંભળ્યા બાદએક ક્ષણ પણ જીવિત નહિં રહું.....” મંદિરા સાથે થયેલ વાર્તાલાપ એમના કાનોમાં જાણે ગુંજી રહ્યો. મંદિરાએ તો પોતાની જાતને આપેલું વચન પાળી બતાવ્યું. હવે એમનો વારો હતો. ઘણાં વિચારો એમના મનોમસ્તિષ્કમાં આવ્યા અને વહી ગયા. અને અંતે... એમણે એક નિર્ણય લીધો.

શેઠ ચંપકલાલ અને મંદિરાની છબી સમક્ષ ઊભા રહીને તેઓ મનોમન બબડ્યા, “હું મંદિરાને ‘રોંગનંબર’ કેવીરીતે સમજી શકું જ્યારે સિક્કો મારો જ ખોટો હતો... ખેર, રોંગને રાઈટ બનાવીને હું આજથી બુલબુલની તમામ જવાબદારીઓ એને એના બાપની અસલિયતથી વાકેફ કર્યા વગર ઉપાડીને તમારા અધૂરા રહી ગયેલા કાર્યને પૂરું કરીશ... અને આ જ મારી તમને ખરાં અર્થમાં હ્રદયાંજલિ હશે....

******************** અસ્તુ *****************