nani nani vartao - 2 in Gujarati Short Stories by Triku Makwana books and stories PDF | નાની નાની વાર્તાઓ ભાગ -૨

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

નાની નાની વાર્તાઓ ભાગ -૨

નાની વાર્તાઓ ભાગ - ૨

બેટી બચાવો :

તે ખ્યાતનામ લેખિકા હતી, એક કોલેજમાં પ્રોફેસર હતી. તે ઘણી સામાજિક સંસ્થામાં જોડાયેલી હતી. તેનો પતિ એક કંપનીમાં ડીરેક્ટર હતો. બેટી ચળવળ બચાવોમાં તે છેલ્લા ૯ વર્ષથી કાર્યરત હતી. સરકારે તેને "બેટી બચાઓ" અભિયાનમાં સર્વોચ્ચ પદ ઓફર કર્યું હતું. તે નાનું ગામડું હોય કે મોટું શહેર બેટી બચાવોની તરફેણમાં આગ ઝરતા ભાષણ આપતી. રેડીઓ અને ટેલીવિઝનમાં તેની જાહેર ખબર આવતી. તેને બે પુત્રીઓ હતી એક ૮ વર્ષની અને બીજી ૧૨ વર્ષની.

સમાચાર પત્રો, અને ટેલીવિઝનમાં તેના ઈન્ટરવ્યું આવતા. તે સેલીબ્રીટી કરતા પણ વધુ મન મેળવતી. ઘણા NGO માં તે પોતાની સેવા નિસ્વાર્થ ભાવે આપતી. શિક્ષિત યુવતીઓની તે લીડર હતી. શિક્ષિત યુવાનો પણ તેને માનની નજરે જોતા.

તેના પ્રભાવી ભાષણથી ગામડાની અને શહેરની સ્ત્રીઓ રડી પડતી, અને બેટી બચાવવાના શપથ લેતી. તેના લખાણોથી યુવતીઓ ઘણી પ્રભાવિત થતી. કેટલીક સ્ત્રીઓએ તો સાસરી પક્ષ તરફથી ખુબ જ દબાણ હોવા છતાં ગર્ભ પરિક્ષણનો ઇનકાર કરી દીધેલ. તેને કારણે જયારે આવી સ્ત્રીઓને જયારે પુત્રીનો જન્મ થયો ત્યારે સાસરી પક્ષ તરફથી તેને પિયર ધકેલી દેવામાં આવી. પણ મેડમનું ભાષણ તેમના જીવનમાં એક નવું એક નવું પ્રેરક બળ પેદા કરતુ. અને તે સ્ત્રીઓ પોતાની દીકરીઓને વ્હાલ કર્યા કરતી.

એક રાતે શયન ખંડમાં તેણે પોતાના પતિને કહ્યું કે તે ફરીથી પ્રેગનન્ટ થઇ છે. સારું પતિએ કહ્યું, આપણે તો હવે એક દીકરો જ જોઈએ છે. થોડા સમય પછી સોનોગ્રાફી કરાવી જોજે. દીકરો હોય તો ઠીક.. ... બાકી ગર્ભપાત કરાવી નાખજે. બાકી દીકરી તો બે છે જ. જેવી તમારી મરજી, આટલું કહીને તે પોતાના પતિને વળગીને સુઈ ગઈ.

પ્રેમ રંગ :

ઘણા વર્ષો પૂર્વે એક પતિ અને પત્ની ઊંટ પર બેસી મજાક મસ્તી કરતા જઈ રહ્યા હતા. બંને યુવાન હતા. પતિના ચહેરા પર લીંબુ લટકાવાય એવી મૂછો છે. પત્નીનો ત્રાંબા વર્ણો ચહેરો સૂર્યના કિરણોથી વધુ આભા આપી રહ્યો છે. જાણે ભગવાને એક બીજા માટે જ સર્જી હોય એવી જોડી છે. પત્ની અમી નજરે પતિ તરફ જોઈ રહી છે. પત્નીએ પતિનો રંગ બેરંગી સાફો જાતે રંગ્યો છે. પતિનો સાફો શોભી રહ્યો છે.

સામેથી હાથીમાં બાદશાહની સવારી આવી, બાદશાહ જુવાનનો સાફો જોઇને આભા બની ગયા. બાદશાહે જુવાનને પૂછ્યું જુવાન આવો સરસ મજાનો સાફો કોણે રંગી આપ્યો?

જુવાને પોતાની પત્ની તરફ નજર નાખી કહ્યું, હજૂર આ મારી પત્નીએ રંગી આપ્યો.

બાદશાહે જુવાનને પોતાને તેના જેવો જ સાફો રંગી દેવા હુકમ કર્યો.

પતિ પત્નીને રાજ દરબારમાં મહેમાનની જેમ લઇ જવામાં આવ્યા. તેમની ખુબ ખાતિરદારી કરવામાં આવી.અને સાફાનું કાપડ મંગાવી મોંઘા મોંઘા રંગ મંગાવી જુવાનની પત્નીને સાફો રંગવા આપ્યો. જુવાનની પત્નીએ ચીવટથી સાફો રંગ્યો, અને સાફો દરબારમાં લઇ જવાયો. બાદશાહે જુવાનનો સાફો પેલા સાફા સાથે સરખાવ્યો તો ફિક્કો લાગ્યો. બાદશાહે સાફો ફરી રંગાવા માટે હુકમ આપ્યો.

જુવાનની પત્નીએ બીજી વખત વધારે ચીવટથી સાફો રંગ્યો, રંગ થોડા બદલાવી જોયા, અને પાછો દરબારમાં સાફો લઇ જવામાં આવ્યો પણ આ વખતે પણ તેના પતિના સાફા જેવો રંગ તો ન જ આવ્યો.

આમ વારંવાર સાફો રંગ્યા પછી પણ તેના પતિના સાફા જેવો રંગ ન આવ્યો એટલે બાદશાહે જુવાનની પત્નીએ દરબારમાં બોલાવી અને કારણ પૂછ્યું કે તેના પતિના સાફા જેવો રંગ કેમ નથી આવતો? શું ખૂટે છે સાફામાં ?

પત્નીએ નીચી નજરે જવાબ આપ્યો, બાદશાહ સલામત રહો,

મારા સાહ્યબાના સાફામાં બીજા રંગો ઉપરાંત મારા પ્રેમનો રંગ પણ ભળ્યો છે.

બાદશાહ, મારા પતિનો સાફો રંગતી વખતે મારી પ્રીતનો રંગ ઉમેરાયો હતો.

તમારો સાફો રંગતી વખતે એ રંગ મારે ક્યાંથી લાવવો? હજૂર..

એટલે બીજા સાફામાં એવો રંગ તો ક્યાંથી આવે?

બાદશાહે યુવતીના જવાબથી ખુશ થઇ, પતિ - પત્નીને ઇનામ અકરામ આપી વિદાય કર્યા.

(સારાંશ પ્રેમ રંગ જગતનો સહુથી ઉંચો રંગ છે.)

બોધ કથા :

એક જંગલમાં એક સિંહ ઘરડો થયો હતો, તે જાતે શિકાર કરી શકે તેમ ન હતો. હવે તેને ભૂખે મરવાનો વારો આવ્યો. એટલે તેણે તેના મિત્ર શિયાળને પોતાની તકલીફની વાત કરી.

શિયાળ પણ ખુશ થયું તેણે વિચાર્યું કે સિંહે કરેલ શિકારમાંથી તેને પણ સારું એવું ખાવાનું મળશે.

એવું વિચારી શિયાળ શિકાર શોધવા નીકળ્યો, તેણે એક ગધેડાને ઘાસ ચરતા જોયો.

શિયાળ ગધેડા પાસે ગયો, અને તેના હાલ ચાલ પૂછ્યા, આમ તેણે ગધેડાનો વિશ્વાસ સંપાદન કર્યો.

પછી ધીરેથી કહ્યું કે તેનો સસરો સિંહ તેની રાહ જુવે છે. તેની દીકરી જુવાન થઇ છે. એટલે સિંહ તેની ચિંતા કરે છે.

ગધેડો વિચારવા લાગ્યો કે તેના તો લગ્ન પણ થયા નથી.

ગધેડો બોલ્યો પણ તેના તો લગ્ન પણ થયા નથી.

ગધેડાને વિચારતો જોઈ શિયાળ બોલ્યું, અરે તમને ક્યાંથી યાદ હોય?

તમે જયારે ઘોડિયામાં હતા ત્યારે તમારા લગ્ન થયેલ છે. પહેલા તો આવા બાળ લગ્નો જ થતા. તમારો સસરો તો તમારી ચિંતામાં અર્ધો અર્ધો થઇ ગયો છે.

તમારા સસરાને તેમની જુવાન દીકરીની ચિંતા થાય છે.

ક્યાં સુધી જુવાન દીકરીને આમ ને આમ ઘરમાં રાખવી?

શિયાળના આવા મધુર વચન સાંભળી ગધેડો શિયાળ જોડે જવા તૈયાર થઇ ગયો.

સિંહ શિયાળને ગધેડાને લઇ આવતો જઈ ખુશ ખુશ થઇ ગયો.

શિકાર કરવા તેનું મન તલ પાપડ થઇ ગયું.

સિંહને પોતાની જુવાની યાદ આવી ગઈ, કેવી રીતે કુદીને તે એક જ પંજાએ શિકાર કરતો.

હજુ માંડ ગધેડો તેની નજીક પંહોચે તે પહેલા તો તેણે ગધેડા ઉપર તરાપ મારી.

ગધેડું ચેતી ગયું. અને દોડતું દોડતું ભાગી ગયું.

ખલાસ. શિકાર જાળમાંથી નીકળી ગયો.

શિયાળ સિંહ પર ગુસ્સે ભરાયું, કહ્યું થોડી ધીરજ રાખી હોત તો શું ખાટું મોળું થઇ જવાનું હતું?

સિંહનું મોઢું પડી ગયું.

તેણે શિયાળને આજીજી કરી જા, ફરી વાર તેને પકડી લાવ, હવે ભૂલ નહિ કરું.

ફરી પાછું શિયાળ ગધેડાને પકડવા ગયું. ગધેડું કુણું કુણું ઘાસ ખાતુ હતું.

શિયાળ ગધેડા પાસે ગયું તો ગધેડાએ લાત મારી, મારા સાળા મને મરાવી નાખવા લઇ ગયો હતો.

શિયાળ બોલ્યું ગધેન્દ્ર મારી વાત સાંભળો, તમારા સસરા તમને મારવા માટે તરાપ નહોતી મારી.

તે તો તમને ભેટવા માંગતા હતા. અને તમે ભાગીને આવતા રહ્યા.

ખરેખર? ગધેડાએ પૂછ્યું..

મારા ગળાના સોગન ખાવું છું, હવે તો સાચું માનશો ને?

ફરી પાછું ગધેડું શિયાળ સાથે સિંહ પાસે જવા નીકળ્યું.

આ વખતે સિંહે ખુબ જ ધીરજ જાળવી, અને જેવું ગધેડું એકદમ નજીક આવ્યું કે બંને પંજા ગધેડાના ગળામાં માર્યા. અને ત્યારબાદ તેને મારી નાખ્યું.

ગધેડાને માર્યા બાદ સિંહ બોલ્યું, મારણનું ધ્યાન રાખજે, હું નજીકના તળાવમાં પાણી પીને આવું છું. અને હું ખાઈ લઉં પછી તું ખાજે.

આમ બોલીને સિંહ નદીએ પાણી પીવા ગયો.

જેવો સિંહ પાણી પીવા ગયો કે તરત શિયાળ ગધેડાના નાક કાન ખાઈ ગયું.

સિંહે આવીને જોયું તો ગધેડાના નાક કાન ગાયબ.

સિંહ શિયાળ પર બરાબર ખિજાયો, આના નાક કાન ક્યાં?

શિયાળ બોલ્યું મહારાજ આને નાક કાન નહોતા.

લુચ્ચા મને બનાવે છે? સિંહે ત્રાડ નાખી.

શિયાળ બોલ્યું મહારાજ જો એને નાક કાન હોત તો તે બીજી વાર મારી સાથે આવત ખરું?

શિયાળની વાત સાંભળી સિંહ ખડ ખડાટ હસી પડયો.

( વાચક મિત્રો આ વાર્તાનો બોધ એવો છે કે એકદમ અજાણ્યા માણસનો જલ્દી વિશ્વાસ કરવો નહિ, અને જો કોઈ તમારા ખોટા વખાણ કરતુ હોય તો તેની પાછળ તેનો સ્વાર્થ રહેલો હોય છે. વખાણ સંભાળવામાં સારા લાગે પણ આપણા વખાણ કરીને કોઈ આપણો દુરોપયોગ કરી ન જાય. અને આપણને તેનાથી નુકસાન ન થાય તે જોવું જોઈએ. વળી માણસ એક વાર છેતરાય પણ જાય પણ બીજી વાર તે જ વ્યક્તિ છેતરી જાય તેનો અર્થ આપણી પાસે નાક કાન નથી, એટલે કે સામાન્ય વિવેક બુદ્ધિ નથી.)

વ્રુક્ષા રોપણ :

છેલ્લા બે વરસથી ભયંકર દુકાળ પડ્યો, પીવાના પાણી વિના લોકો ટળવળવા લાગ્યા. સરકારે આ સમસ્યા સુલઝાવવા એક કમિટીની રચના કરી, કમિટીની મીટીંગ ક્યારેક ઈંગ્લેન્ડમાં ભરાઈ તો ક્યારેક અમેરિકામાં એકાદ વાર તો તે લોકો સાઉદી અરેબિયા પણ જઈ આવ્યા. ફરી પાછા આફ્રિકાના જંગલોમાં પણ જઈ આવ્યા. છેલ્લે ઇથોપિયામાં પણ જઈ આવ્યા.

કમિટીને દુષ્કાળના કારણો સમજવામાં સફળતા મળી. છેલ્લા કેટલાક વરસોથી શહેરી કરણને લીધે આડે ધડ વ્રુક્ષો કપાયા હતા. અને સામે એટલા વ્રુક્ષોનુ વાવેતર થયું નહતું, એટલે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચ્યું હતું.અને દેશમાં દુષ્કાળ પડવાનું આ મુખ્ય કરણ હતું. પ્રધાન મંત્રી વિદેશમાંથી દેશમાં આવ્યા. અને દરેક રાજ્યોના મુખ્ય મંત્રીઓને તાબડતોબ બોલાવવામાં આવ્યા. અને દરેક રાજ્યમાં કેટલા વ્રુક્ષો રોપવા અને કઈ જગ્યાએ રોપવા તેનો માસ્ટર પ્લાન નક્કી કરવામાં આવ્યો.

વ્રુક્ષા રોપણનું કામ સરકારી કચેરી દ્વારા જ કરાવવું એવું નક્કી થયું. એક જગ્યાએ માસ્ટર પ્લાન પ્રમાણે વ્રુક્ષા રોપણનું કામ શરુ કરવાનું છે. એક કર્મચારીનું કામ ખાડો ખોદવાનું છે, બીજા કર્મચારીનું કામ રોપો લગાવવાનું છે. ત્રીજા કર્મચારીનું કામ તેની ઉપર ખોદેલ ખાડામાં રોપો ઉપર રહે તેમ માટી વાળવાની છે. ત્રણેય સરકારી કર્મચારીના કામ વહેંચી દેવામાં આવ્યા છે. અને બીજા દિવસથી કામ શરુ કરવાનું છે.

બીજા દિવસથી વ્રુક્ષા રોપણનું કામ શરુ કરવામાં આવ્યું પણ કમનસીબે રોપા લગાવવા વાળો કર્મચારી બીમાર પડ્યો. અને કામ બંધ રહે તે પોસાય તેમ નથી. એટલે પહેલો કર્મચારી ખાડો ખોદે, રોપા લગાવવા વાળો ગેરહાજર છે એટલે તેનું કામ બાકી રહે, અને ત્રીજો માટી નાખે એક ખાડો ખોદે, ત્રીજો ખાડો પૂરે, આમ કામ ફટાફટ ચાલવા લાગ્યું, કારણે કે રોપા નાખવાવાળો તો ગેરહાજર હતો. તેનું કામ કોણ કરે? આમ ને આમ ખાડો ખોદવાવાળો, અને ખાડો પુરવાવાળો ઝડપથી કામ કરતા રહ્યા. અને આ રીતે ઝડપી કામ કરવા માટે તે ટીમને વ્રુક્ષા રોપણનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.

બોધ કથા : ( દર્પણ )

બહુ વરસો પહેલાની વાત છે, જયારે દર્પણની શોધ થઇ ત્યારે તે સહુથી પહેલા મોટા શહેરમાં આવ્યા અને શહેરના લોકો દર્પણને નવાઈથી જોઈ રહેતા. ત્યારે દર્પણની બોલબાલા થઇ ગઈ. જ્યાં જઈએ ત્યાં તેની જ ચર્ચા ચાલતી. પણ આ બધી ચર્ચાઓ ફક્ત શહેરો પુરતી સીમિત રહેતી, કારણ કે શહેર અને ગામડાઓ વચ્ચે બહુ લાંબુ અંતર રહેતું. અને સંદેશા વ્યવહારના સાધનો ત્યારે બહુ ઓછા હતા.

એવામાં દુરના ગામડેથી એક માણસ રોજી રોટી માટે શહેરમાં આવ્યો. અને એક દુકાનમાં રહીને પોતાની આજીવિકા ચલાવતો હતો. તેનો માલિક બજારમાંથી દર્પણ ખરીદી દુકાને ટીંગાડી દીધું. ત્યાંથી પસાર થનારા દર્પણ પણ જુએ અને ખરીદી પણ કરે. આમ તેની દુકાન પણ ધમધોકાર ચાલવા લાગી. ગામમાંથી આવેલ માણસ તો આશ્ચર્ય ચકિત થઇ ગયો. તેણે તેના માલિકને પોતાના માટે આવું જ બીજું દર્પણ લઇ આવવા કીધું.

માલિકે વાત કરી આ દર્પણની કિંમત એટલી છે કે તારે ૬ મહિના મારે ત્યાં કામ કરવું પડે અને હું જે પગાર આપું તેટલી થાય.

ગામડેથી આવેલ માણસ બોલ્યો કંઈ વાંધો નહિ શેઠ હું એક વરસ તમારી દુકાને કામ કરીશ.

ગામડેથી આવેલ માણસે એક વરસ સુધી દુકાને ખંતથી કામ કર્યું, એટલે તેના શેઠે તેને છ મહિનાનો પગાર અને એક દર્પણ લાવી આપ્યો.

દર્પણ જોઇને ગામડેથી આવેલ માણસ ખુશ ખુશાલ થઇ ગયો. તેણે કહ્યું શેઠ હવે હું થોડો સમય મારે ગામ આંટો મારતો આવું. અને થોડા દિવસો મારે ગામ વિતાવી પાછો નોકરી પર લાગી જઈશ. તેના શેઠે તેને રજા આપી.

થોડા દિવસમાં તે ઘેર પહોંચ્યો અને તેની માં અને પત્નીને કહ્યું કે તે એક જાદુઈ વસ્તુ લાવ્યો છે.

એમ કહી તેની થેલી ખીંટીએ ટીંગાડી તે નહાવા જતો રહ્યો.

સહુથી પહેલા તેની પત્નીએ ખીંટીએથી થેલી ઉતારી દર્પણ જોયું તેમાં તેને તેનો ચહેરો દેખાયો, પણ ક્યારેય દર્પણ જોયેલ નહિ એટલે સમજી કે તે કોઈ બીજી સ્ત્રી છે.

તેની પત્નીએ ઠુઠવો મુક્યો, રડવા લાગી તેની સાસુને કહેવા લાગી તમારો દીકરો તો મારી શોક્ય લાવ્યો.

તેની સાસુ ખુશ થઇ, કે સારું કર્યું

કારણ કે તેનો દીકરો શહેરમાં ગયા બાદ તેની વહુ તેને હેરાન કરતી હતી.

દીકરાની માં જલ્દી જલ્દી દર્પણ જોવા ગઈ કે મારી બીજી વહુ કેવી હશે?

તેણે જોયું તો તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું. એટલે નિરાશ થઈને બોલી બીજી વહુ લાવ્યો તો ભલે લાવ્યો પણ મારા જેવી ઘરડી કેમ લઇ આવ્યો?

( મિત્રો આ બોધ કથાનો સાર એવો છે કે મન જ આપણું દર્પણ છે, દર્પણ તો એક માધ્યમ છે વાત કહેવા માટે એક ચોરની નજરથી તમે દુનિયાને જોશે તો તમને આખી દુનિયા ચોર જ લાગશે. એક સંતની દ્રષ્ટીથી તમે જગતને જુવો તો જગતમાં તમને કરુણા દેખાશે. આપણું મન જેટલું શુદ્ધ, પવિત્ર, રાખીશું તો દુનિયા પણ આપણને તેવી નજરે પડશે.)

બોધ કથા : સુરજ કે ચાંદો?

એક સંત હંમેશા ભ્રમણ કર્યા કરતા. નજીકમાં કોઈ ગામ હોય તો ત્યાં રોકાણ કરતા. રાતે તેઓ સત્સંગ, કથા કરતા. અને ક્યારેક ભજનો પણ લલકારતા, તેમનો કંઠ બહુ મધુર હતો.અને કોઈને વ્યસન હોય તો તે છોડાવવા પ્રયત્ન કરતા. કોઈ પણ ગામમાં ૧૦ દિવસથી વધારે રોકાતા નહિ. પછી ગામ લોકો ભલેને ગમે તેટલો આગ્રહ કરે.

તેમનું ભોજન સાદું રહેતું, તેમણે, મહાભારત, રામાયણ, ભગવત ગીતા, વેદ, ઉપનષિદ વગેરેનો અભ્યાસ કર્યો હતો. એટલે કથા કહેતી વખતે સારા દ્રષ્ટાંતો આપતા. કથા કહેવાની શૈલી બહુ સુંદર હતી. જયારે તેમની કથા ચાલતી હોય ત્યારે વ્રુક્ષો પણ ડોલી ઉઠતા.

એક વાર તેઓ એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા, બીજા ગામના પ્રવેશ દ્વારમાં પહોંચ્યા અને સંધ્યાનો સમય થયો હતો.

ત્યાં બે પાગલ આકાશમાં જોઈ ઝઘડતા હતા. એક પાગલ કહે સુરજ છે, બીજો પાગલ પહેલા પાગલની વાતનું જોર જોરથી ખંડન કરતો કે ના તે ચાંદો છે. આવું લાંબા સમયથી ચાલતું હતું. તેવામાં તેઓને સંતને જોયા. એટલે તેઓ બંને દોડ્યા સંત પાસે.

બોલ્યા અમારા બંનેનો ન્યાય કરો, સંતે બંનેને પગથી માથા સુધી નિહાળ્યા અને બોલ્યા. આમાં મને ખબર ન પડે કારણ કે હું બીજા ગામનો છું.

( મિત્રો આ કથાનો સારાંશ એવો છે કે કોઈ પણ બે વ્યક્તિના ઝઘડામાં પડવું નહિ. અને જે વ્યક્તિ અજાણ્યા હોય કે મુર્ખ હોય તેવી વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ સાબિત થાય છે. મુર્ખ લોકોથી દુરી બનાવી રાખવી)