Nirmad Prem in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | નિર્મળ પ્રેમ.

Featured Books
Categories
Share

નિર્મળ પ્રેમ.

નિર્મળ પ્રેમ. પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

સ્નિગ્ધાના હાથ આજે ઘરના કામકાજમાં જલ્દી જલ્દી ચાલતા હતા, એટલું જ નહીં પણ આજે એ એટલી ખુશ હતી કે કામ કરતા કરતા શ્રેયા ગોશાલે ગાયેલું એને ગમતું ગીત ગણગણતી હતી, ’મૈ ચલી તો ઝુમ ઉઠી જિંદગી, મૈ ચલી તો જગ ઊઠી રોશની, મૌસમ નયા, નઈ નઈ હવાયેં, મૈં હું નઈ, નઈ મેરી અદાએં..’

સૌમિલે સ્નિગ્ધાનું આ નવું જ રૂપ જોઈને એને એક આલિંગન આપતા કહ્યું, ‘શી વાત છે, આજે તો મેડમ બહુ ખુશ લાગો છો ને કંઈ?’ સ્નિગ્ધાએ પોતાના બન્ને હાથ સૌમિલને વીંટાળીને આલિંગન ગાઢ કરતાં કહ્યું, ‘હા, હું આજે બહુ જ ખુશ છું. એક તો ઘણા દિવસો પછી પાંચ દિવસની રજા મળી છે. વળી ઘણા સમય પછી મારી ખાસ ફ્રેંડ નૈના મળવા આવવાની છે.’ ‘અને ઘણા વખત પછી મેડમ પિયર જવાના છો.’ સૌમિલે ઉમેર્યું.

સૌમિલની બાંહોમાંથી અળગા થતાં બોલી,’ચાલો જનાબ, તમે હવે જલદી પરવારીને તૈયાર થઈ ઓફિસ જવા રવાના થાઓ’ સૌમિલે બનાવટી ગુસ્સો કરતા કહ્યું, ‘હાસ્તો, , આજે તો હવે ખાસ બહેનપણી આવવાની એટલે પતિદેવના ભાવ ગગડ્યા’ એને કોફીનો મગ પકડાવતાં સ્નિગ્ધા બોલી, ‘બહેનપણી કંઈ કાયમ મારી સાથે રહેવા નથી આવવાની, એ તો મળીને બે કલાકમાં જ નીકળી જવાની છે, બપોરે ત્રણ વાગ્યે તો મારો ભાઈ કાર લઈને મને લેવા આવવાનો છે.’ ‘અચ્છા! તો ચહેરા પરની આ ચમક મેડમ પિયર જવાના છો તેની છે? ચહેરા હૈ યા ચાંદ ખીલા હૈ? ‘ કોફી પીતા પીતા સૌમિલ બોલ્યો. એનો શાયરાના અંદાજ જોઈને સ્નિગ્ધા હસી પડી.

સૌમિલ અને સ્નિગ્ધાના લગ્નને હજી એક વર્ષ જ થયું હતું. સ્નિગ્ધા પુના રહેતી હતી અને સૌમિલ મુંબઈમાં. એક ઓફિસમાં સાથે કામ કરતા હોવાથી બન્નેને પ્રેમ થઈ ગયો હતો. બન્નેના લવ મેરેજ હતા પણ માતા પિતાની સંમતિ લઈને લગ્ન કર્યા હતા. સૌમિલ એકનો એક પુત્ર હોવાને નાતે મુંબઈના એમના ઘરમાં સૌમિલ – સ્નિગ્ધા અને સૌમિલના મમ્મી પપ્પા રહેતા હતા. 2 BHK નો ફ્લેટ ૨ કપલ માટે પૂરતો હતો. ક્યારેક મહેમાનો આવતા તે પણ સમાઈ જતા. સૌમિલ અને એના પપ્પા વિનોદભાઈની જોબ સરસ હતી. સૌમિલના મમ્મી શીલાબહેન સીધા સાદા ગૃહિણી હતા. સ્નિગ્ધા ઓફિસ ગઈ હોય ત્યારે ઘરનું તમામ કામ શીલાબહેન સંભાળતા એટલે એને ઘરની ખાસ ચિંતા નહોતી. સ્નિગ્ધાને બહારનું કામ કરવાનું ગમતું. સાસુ બહુ વચ્ચે સંપ સારો હતો.

આગલે દિવસે જ વિનોદભાઈ અને શીલાબહેન નાસિક દર્શન કરવા ગયા હતા, તેઓ આજે સાંજ સુધીમાં પાછા આવવાના હતા. સૌમિલ ૯ વાગ્યે ટીફિન લઈને ઓફિસ ગયો. દસ વાગ્યે સ્નિગ્ધાની ફ્રેંડ નૈના આવી પહોંચી. બન્ને ફ્રેંડ ઘણા વખત પછી મળી એટલે એક્બીજાને ગળે લગાડતા બોલી, ‘જાદૂની ઝપ્પી દે દે” અને બન્ને હસી પડી. વાતોમાં કલાક તો ક્યાં નીકળી ગયો તે ખબર જ ન પડી. પછી બન્ને બહેનપણીઓ જમી.એ પછી નૈના બોલી, ‘યાર, તારું ઘર તો બતાવ.’

‘ચાલ બતાવું, જો આ આપણે બેસીને વાતો કરી તે ડ્રોઈંગ રુમ – અને જમ્યા તે ડાઇનિંગ રૂમ અને આ બાજુ કીચન. આ તરફ મારો અને સૌમિલનો બેડરૂમ – આ મેં બનાવેલો ટેબલ લેમ્પ અને સૌમિલે બનાવેલું પેઈન્ટીગ અને આ બીજો મારા સાસુ સસરાનો બેડરૂમ –આ તકિયાના કવર મારા સાસુમાએ જાતે એમ્બ્રોડરી કરેલા છે, આ કપડા સીવવાનું મશીન છે. તેઓ જાતે કપડા સીવે પણ છે અને આ બાજુ બે ટોયલેટ-બાથરૂમ’ ઘર સાદાઈથી પણ કલાત્મક રીતે સજાવેલું હતું.

‘કેવું લાગ્યું મારું ઘર?‘ સ્નિગ્ધાએ ઉત્સાહ પૂર્વક પૂછ્યું. નૈના બોલી, ‘ઘર તો સરસ છે, પણ..’ ‘પણ શું? તને ઘર ન ગમ્યું?’ ‘ના, ના. ઘર તો સારું જ છે, મુંબઈમાં તો નાના નાના ઘર હોય તેના પ્રમાણમાં તો તારું ઘર મોટું પણ છે, છતાંય..’ ‘છતાંય શું? જે હોય તે ફ્રેંકલી બોલ ને ’ ‘યાર, તારો અને સૌમિલનો બેડરૂમ નાનો છે, અને તારા સાસુ સસરાનો કેટલો મોટો’ ‘એ તો અમારા લગ્ન પહેલાથી તેઓનો એ જ રૂમ હતો’ ‘તો શું થયું, રૂમનો વળી એવો મોહ શા માટે? લોકો તો છોકરા માટે કેવો કેવો ત્યાગ કરે, તો તારા સાસુ સસરા એક રૂમનો ત્યાગ ન કરી શકે કે? એ લોકોએ આટલા વર્ષો રૂમ વાપર્યો જ ને? હવે તમને લોકોને એ મોટો રૂમ આપવો જોઈએ એવું તને નથી લાગતું?’

સ્નિગ્ધા નૈનાની આ વાત સાંભળીને વિચારમાં પડી ગઈ. પછી આડી અવળી વાત કરીને નૈના ગઇ, પણ પોતાની વાતોની અસર સ્નિગ્ધાના મન પર છોડીને ગઈ. ઓફિસથી સૌમિલનો અને નાસિકથી સાસુનો ફોન પણ આવી ગયો. સ્નિગ્ધા એટલા વિચારમાં હતી કે એમની સાથે શું વાત થઈ એ પણ યાદ ન રહ્યું. થોડીવારમાં સ્નિગ્ધાના ભાઈ આવ્યો એટલે એ ઊભી થઈ અને યંત્રવત એનું સ્વાગત કર્યું. ભાઈને જમાડીને પછી બન્ને જણ કારમાં પૂના જવા નીકળ્યા. બેનને મૂડલેસ જોઈને નાના ભાઈએ કોમેંટ પણ કરી, ‘બેન, જીજાજીથી છૂટા પડવાનું નથી ગમતું એટલે મૂડલેસ છે કે?’ ‘માર ખાઈશ હોં મારા હાથનો’ અને સ્નિગ્ધાએ એને મારવાની એક્શન કરી અને બન્ને હસી પડ્યા.

પછી તો રસ્તામાં બન્ને ભાઈ બહેનોએ ઘણી વાતો કરી. અને એમ વાત વાતમાં પૂના આવી ગયું. મમ્મી પપ્પાને ગળે મળીને સ્નિગ્ધા ભાવ વિભોર થઈ. ખબર અંતર પૂછાઈ ગયા પછી બધા જમ્યા. પોતાના ઘરમાં ગાળેલા વર્ષોની યાદ સ્નિગ્ધાના મનસ પટ પરથી ફિલ્મની રીલની જેમ પસાર થઈ. રાત્રે સૂતા પછી પાછી નૈનાની વાત મન પર હાવી થઈ ગઈ અને સ્નિગ્ધા પાછી ઉદાસ થઈ ગઈ.. એ તો સારું થયું કે સૌમિલનો ફોન આવ્યો અને એની પ્રેમાળ વાતોથી મન શાંત થયું અને ઊંઘ આવી ગઈ. બીજે દિવસે માસીના ઘરે અને કાકાના ઘરે જઈ આવ્યા. ભાઈએ ફિલમની ટીકીટ બુક કરાવી હતી એટલે એ પછીના દિવસે ફિલ્મ જોઈને બહાર જમવા ગયા, સાંજે ક્લબમાં ગયા એટલે એ દિવસ પણ સરસ પસાર થઈ ગયો.

એમ પાછા મુંબઈ જવાનો દિવસ આવી ગયો. મમ્મીએ એની હંમેશની ટેવ મુજબ વાતવાતમાં સ્નિગ્ધાને સૌમિલ સાથે પ્રેમથી રહેવાની અને સાસુ સસરાની કાળજી કરવાની સલાહ આપી. એ સાથે જ સ્નિગ્ધાને પાછી નૈનાની વાત યાદ આવી ગઈ અને એ પાછી ઉદાસ થઈ ગઈ. સૌમિલ લેવા આવ્યો તો એને લાગ્યું કે સ્નિગ્ધા મમ્મી પપ્પાથી છૂટી પડે છે એટલે થોડી ઉદાસ છે. સાસરામાં જમાઈ તરીકેની આગતા સ્વાગતા માણીને સૌમિલ સ્નિગ્ધાને લઈને પાછો મુંબઈ આવવા નીકળ્યો.

રસ્તામાં સૌમિલે ઉત્સાહ પૂર્વક વાતો શરૂ કરી પણ એણે જોયું કે સ્નિગ્ધાનું મન પોતાની વાતમાં ન હોઈને ક્યાંક બીજે જ છે. એણે સ્નિગ્ધાને ઉદાસીનું કારણ પૂછ્યું પણ સ્નિગ્ધાએ વાત ટાળી દીધી. સૌમિલે મુંબઈ પહોંચીને સીધા ઘરે જવાને બદલે એક સરસ મજાની રેસ્ટોરન્ટ પર કાર રોકી. મમ્મીને ફોન કરી દીધો કે ઘરે આવતા થોડું મોડું થશે. અને પછી એક ખૂણાના ટેબલ પર બેસી બે કોફીનો ઑર્ડર આપીને સ્નિગ્ધાનો હાથ હાથમાં લઈ પ્રેમપૂર્વક કહ્યું, ‘જો શીનુ, તારા મનમાં જે કંઈ હોય તે નીખાલસતાથી મને કહે.’ પહેલા તો સ્નિગ્ધા ખંચકાઈ પણ પછી સૌમિલના સહાનૂભૂતિ પૂર્વકના આગ્રહને જોઈને બોલી, ‘સૌમિલ, તને નથી લાગતું કે મમ્મી- પપ્પાએ વર્ષો સુધી વાપર્યા પછી મોટા બેડરૂમનો મોહ છોડીને હવે આપણને એ બેડરુમ વાપરવા આપવો જોઈએ?’

‘બસ, આટલી જ વાત? એમાં મારી રાણી ઉદાસ છે? તો જો સાંભળ, એમણે જાણી જોઈને સમજપૂર્વક, આપણી સગવડ ખાતર જ એ રૂમ આપણને નથી આપ્યો’ સૌમિલ બોલ્યો. ‘એટલે મને કંઈ સમજાયું નહીં’ સ્નિગ્ધાના મોં પર મૂંઝવણના ભાવ તરી આવ્યા. ‘જો હું તને સમજાવું. એક વાત કહે, આપણા ઘરે મહેમાનો આવ્યા હોય તો તેઓ પોતાનો સામાન ક્યાં મૂકે છે? તેઓ રાત્રે ક્યાં સૂએ છે?’ ‘મમ્મી પપ્પાના રુમમાં’ ઓકે, ‘કપડાનું સ્ટેન્ડ ક્યાં હોય છે, કામવાળી કપડા ક્યાં સૂકવે છે?’ ‘મમ્મી પપ્પાના રુમમાં’ ‘વધારાના વાસણો, વસ્તુઓ, સીવવાનું મશીન અને ગાદલા ક્યાં સ્ટોર કર્યા છે?’ ‘મમ્મી પપ્પાના રૂમમાં’

‘બરાબર, તો પછી એમનો રૂમ માત્ર બેડરૂમ જ નથી, પણ ગેસ્ટરૂમ, સ્ટોરરૂમ અને એક્ટીવીટી રુમ પણ છે. જ્યારે આપણો બેડરૂમ માત્ર આપણો રૂમ જ છે.એમાં રજાને દિવસે આપણે મોડે સુધી સૂઈ શકીએ છીએ, આપણા બે સિવાય કોઈ આવીને આપણને ડિસ્ટર્બ કરતું નથી. મહેમાનો આવ્યા હોય તો પણ આપણને તો પૂરે પૂરી પ્રાયવસી જ મળે છે ને? હવે તું જ કહે મમ્મી પપ્પાને એ મોટા રૂમનો મોહ છે કે પછી આ વ્યવસ્થા ગોઠવવા પાછળ આપણા પ્રત્યે નિર્મળ પ્રેમ, આપણા તરફની કાળજી છે? ‘ઓહ ! આ રીતે તો મેં કદી વિચાર્યું જ નહોતું. પણ તારી વાત બિલકુલ સાચી છે. મને આ વાત સમજાવવા બદલ બીગ થેંક્યૂ, સૌમિલ’ ‘તો અબ ઘર ચલેં? ‘ ‘રાત કે હમસફર થક કે ઘર કો ચલે, ઝૂમતી આ રહી હૈ સુબહા પ્યારકી...’ સૌમિલે ગાયું, સ્નિગ્ધા હસી અને બન્નેએ હળવા થઈને ઘર તરફ પ્રયાણ કર્યું.