યુવા જોશ-6
ટાઈટલ- કેરિઅર અને ફ્યુચર પ્લાનિંગ તમારા હાથમાં
લેખક- મહર્ષિ દેસાઈ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ
દરેક કાર્ય માટે એક મોસમ હોય છે. જેમ પરીક્ષાઓની મોસમ આવે એ પછી રિઝલ્ટ્સની પણ મોસમ આવતી હોય છે. ત્યાર બાદ કેરિઅર અને ફ્યુચર પ્લાનિંગની તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. કેરિઅર અને બેસ્ટ ફ્યુચર પ્લાન કરવાનું કામ તમારા જ હાથમાં હોય છે. જો એક પગથિયું ચુકી જશો તો આખી જિંદગી ડૂબી જશે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
બ્રિટિશ નોવેલિસ્ટ, પોલિટીકલ રાઈટર અને જર્નાલિસ્ટ જ્યોર્જ ઓરવેલ (1903-1950) હંમેશા કહેતા કે “વ્યક્તિએ દરેક ભુલોમાંથી કંઈકને કંઈક નવું શીખવાનું હોય છે. જ્યારે શીખવાનું સમાપ્ત થઈ જતું હોય છે, ત્યારે તમારો વિકાસ યા પ્રગતિ રુંધાઈ જાય છે. જ્યારે માણસ શીખવાનું બંધ કરે છે ત્યારે તેના માટે બધા જ દરવાજાઓ બંધ થઈ જતા હોય છે.”
જાણીતા અંગ્રેજી લેખક જ્યોર્જ ઓરવેલ 46 વર્ષની વયે મૃત્યુ પામ્યા. જાણીને નવાઈ લાગશે કે સુપ્રસિદ્ધ લેખક જ્યોર્જ ઓરવેલનું જન્મસ્થળ હાલના બિહાર રાજ્યની સરહદે આવેલું મોતીહારી ગામ છે. અત્યારે તો મોતીહારી ગામ કરતા નગર સમાન વિકસી ગયું છે. ભારતમાંથી નેપાળ પ્રવેશ કરવા માટે મોતીહારી ગેટ-વે સમાન છે.
જ્યોર્જ ઓરવેલના પિતા રિચાર્ડ વાલ્મેસ્લી બ્લેર બંગાલ પ્રેસિડેન્સી તરીકે ઓળખતા પ્રદેશ ઉપર રાજ કરતા એક અંગ્રેજ અમલદાર હતા. વીસમી સદીના આરંભે તેઓ હાલના મોતીહારી ખાતે વસવાટ કરતા હતા અને ત્યાં જ જ્યોર્જ ઓરવેલનો જન્મ થયો. જો કે જન્મ બાદ થોડા જ વખતમાં જ્યોર્જ ઓરવેલ માતા-પિતા અને પરિવાર સાથે બ્રિટન ચાલ્યા ગયા હતા.
જ્યોર્જ ઓરવેલનું કહેવું છે કે માણસે શીખવાના દરવાજા ક્યારેય બંધ કરી દેવા જોઈએ નહીં. માણસે સતત સ્ટુડન્ટ બની રહેવું જોઈએ. કશુંકને કશુંક નવું જો શીખવાનું ચાલુ રહે તો માણસનો આંતરિક વિકાસ પણ થતો રહે છે. એટલે જ કહેવામાં આવે છે ને દુનિયામાં કોઈ કાર્ય અશક્ય નથી. માણસ ધારે તો બધું જ કરી શકે છે અને અશક્યને પણ શક્ય બનાવી શકે છે.
દરેક કાર્ય માટે એક મોસમ હોય છે. જેમ પરીક્ષાઓની મોસમ આવે એ પછી રિઝલ્ટ્સની પણ મોસમ આવતી હોય છે. ત્યાર બાદ કેરિઅર અને ફ્યુચર પ્લાનિંગની તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. કેરિઅર અને બેસ્ટ ફ્યુચર પ્લાન કરવાનું કામ તમારા જ હાથમાં હોય છે. જો એક પગથિયું ચુકી જશો તો આખી જિંદગી ડૂબી જશે. દરેક વ્યક્તિના જીવનમાં આનંદની પળો બાળપણ છે, એમ જ યાદગાર પળો દરેક વ્યક્તિ માટે તેનો ટીચિંગ પિરિયડ યા લર્નિંગ પિરિયડ હોય છે. દરેક કાર્ય આનંદસભર અને ઉત્સાહવર્ધક હોય એ પણ જરુરી છે.
હમણા એક શિક્ષક મળ્યા. તેમનું કહેવું હતું કે તેમને સરકારે ફાજલ શિક્ષક બનાવી દીધા છે. સરકારે તેમની સાથે અન્યાય કર્યો છે. હવે દરેક ઘટનાને જોવાનો દૃષ્ટિકોણ જુઓ. તમે જો પોઝિટીવ રહેશો તો જ જીવનને માણી શકશો. હવે આ શિક્ષકને નવી શાળામાં પોસ્ટિંગ ન મળે ત્યાં સુધી સરકાર જ પગાર ચુકવી રહી છે. આ અંગે તેઓનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે અને એવું કહે છે કે “એ તો મારા નસીબ સારા છે એટલે સરકાર ઘર બેઠા પગાર આપે છે.” હવે તમે જોઈ શકો કે સરકારે તેમને ફાજલ શિક્ષક બનાવ્યા તો તેઓ એમ કહે છે કે સરકાર અન્યાય કરી રહી છે અને સરકાર નિયમિત પગાર આપે છે તો આ શિક્ષક એમ કહે છે કે મારા નસીબ સારા છે. આવાં ડબલ સ્ટાન્ડર્ડ માણસને નકારાત્મક બનાવે છે.
સામાન્ય રીતે માણસનો દૃષ્ટિકોણ જ એવો હોય છે કે દરેક સારા કામ માટે ખુદને અને દરેક ખરાબ કામ થાય ત્યારે ભગવાનનો જ વાંક કાઢતો હોય છે. હંમેશા આનંદમાં રહેનારા લોકો જ વધુ સુખી યાને હેપી રહેતા હોય છે. કેમ કે તેમને કોઈ પણ ઘટના ડરાવી શકતી નથી. તેઓ પોતાની જાતને મક્કમ બનાવીને બેઠા હોય છે. જ્યારે તમે કોઈ ટારગેટ નક્કી કરો છો ત્યારે એ ટારગેટ માટે તમારે ભોગ પણ આપવો પડતો હોય છે. ખુબ સમય પણ આપવો પડતો હોય છે. આમ ખરા અર્થમાં બલિદાન આપનાર વ્યક્તિને જ અંતમાં સફળતા સાંપડતી હોય છે.
જો તમને કદાચ એમ પુછવામાં આવે કે “તમારા જીવનની સર્વશ્રેષ્ઠ પળો કઈ છે...” તો તરત જ તમે એમ કહી દેશો કે એવી યાદગાર પળો તો હજુ આવવાની બાકી છે. આવો જવાબ આપવાનું કારણ એમ થયું કે તમે અત્યાર સુધીની જિંદગી આનંદપૂર્વક કે સુખપૂર્વક જીવ્યા જ નથી. માટે અત્યારથી જ સારી જિંદગી, સુખી જિંદગી જીવવાનો આરંભ કરી દો.
જ્યારે તમને કોઈ એક કામ ન ગમતું હોય તો એવું કામ ના જ કરવું જોઈએ. કેમ કે કોઈના પણ માટે એવું કામ ન કરવું જોઈએ કે જે બીજી વ્યક્તિ તમારા માટે કરે ત્યારે તમને દુઃખ થાય. બધી વસ્તુઓ નસીબ ઉપર છોડી દેવાથી તમારું કામ આસાન નહીં, પરંતુ કઠિન અવશ્ય બની જતું હોય છે. જ્યારે તમને કોઈની સલાહ સાંભળવાનું ગમતું ન હોય ત્યારે તમે પણ અન્ય કોઈને સલાહ આપવાનું બંધ કરી દો. કેમ કે શક્ય છે કે તમને જેમ કોઈની સલાહ ગમતી નથી, ત્યારે સમજી લો કે સામેની વ્યક્તિ પણ કોઈને કોઈ પ્રકારે સલાહ આપવા બેસી જશે. આવી સંભાવનાઓને નકારી શકાય નહીં.
તમારી નાની નાની ટેવો યા આદતો તમને એક દિવસ મોટા અવશ્ય બનાવે છે. સાવ સામાન્ય આદતો સમય જતા મોટી સફળતાનો પાયો બની જતો હોય છે. નાની ટેવો જ તમને મોટી સફળતા અપાવતી હોય છે. આ પ્રકારના સંખ્યાબંધ ઉદાહરણો ઈતિહાસમાં બની ગયા છે. મામલો માત્ર “જો” અને “તો”નો હોય છે.
અમેરિકાના બાસ્કેટબોલ ગેમ્સના જાણીતા કોચ ફિલ જેકસન કહે છે કે “ગેમ કોઈ પણ હોય, ગેમ રમતા ખેલાડીઓની ટીમ જ તે ગેમની અને ટીમની અસલી તાકાત હોય છે. એક એક ખેલાડીનું આગવું અને વિશેષ મહત્વ હોય છે. ટીમની સફળતા માટે દરેક ખેલાડીઓ નાનું નાનું કામ કરતા રહેતા હોય છે. કોઈ મોટું કામ એક સાથે પુરું કરી શકાતું નથી. જો મોટામાં મોટા કામને પણ નાના નાના ભાગમાં વહેંચીને કરવામાં આવે તો મોટી સફળતા આપણને અવશ્ય પ્રાપ્ત થતી હોય છે.”
અમેરિકન એક્સપ્રેસ કંપનીના કેનેથ શેનોલ કહે છે કે તેઓ દરેક સાંજે ઓફિસ છોડતા પહેલા આવતી કાલે કરવાના હોય એવા કામોનું લિસ્ટ બનાવી દે છે. બીજા દિવસે સવારે જ્યારે કેનેથ શેનોલ તેમની ઓફિસે આવે ત્યારે અગાઉના દિવસે બનાવેલ વર્ક ટુ ડુ લિસ્ટનો જ અમલ કરે. આમ દરેક વર્કને પ્રાયોરિટી આપી શકાય છે અને પ્રાયોરિટી પ્રમાણે દરેક કામ પુરું પણ કરી શકાય છે.
કેરિઅર અને ફ્યુચર પ્લાનિંગ માટે આવી નાની નાની વાતો ખુબ મોટું મહત્વ ધરાવે છે. જો તમે નાની નાની વાતોનું ધ્યાન નહીં રાખો તો તમને મોટી સફળતા અને ધારેલી સફળતા કદીય મળી શકે નહીં. આ માટે તમારે પ્લાન પણ કરવું પડશે અને દરેક કામ ક્યારે પુરું કરવાનું છે તેની ડેડલાઈન પણ નક્કી કરી રાખવી પડશે. ધારો કે કોઈ કામ તમે નક્કી કરેલી સમય મર્યાદામાં પુરું નથી કરી શકતા તો તેનું ટેન્શન અને કારણ વગરની ચિંતા તમારા માટે માથાનો દુઃખાવો બની જાય છે. પરંતુ જો કામ ક્યારે પુરું કરવાનું છે એ માટે તમે ટાઈમ લિમિટ નક્કી કરીને એ પ્રમાણે વર્ક-આઉટ કરો છો, તો તમારે પાછળથી પસ્તાવાનો વારો આવતો નથી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++