Lekhakone salaah... in Gujarati Comedy stories by Jasmin Bhimani books and stories PDF | લેખકોને સલાહ.....!

Featured Books
Categories
Share

લેખકોને સલાહ.....!

લેખકો ને સલાહ......!

દુનિયામાં પહેલી વખત કોઈ વાચક લેખ લખતું હશે! વાસ્તવમાં આ વિષય પર લેખ કોઈ વાચક જ લખી શકે. લેખક આ વિષય પર લખી જ નાં શકે. વાચકો જ લેખકો ને સલાહ આપી શકે. લેખકો જ લેખકો ને સલાહ આપશે તો વાચકો શું કરશે? એક લેખક બીજા લેખકને સલાહો આપી શકે એવું વાતાવરણ હજી સર્જાયું નથી.

આ લેખનું ટાઈટલ જ ગોટે ચડાવે એવું છે...પણ હું ક્યાં કોઈ લેખક છું તે આવી પળોજણમાં પડું. બસ મન પડે એવું જીંકે રાખું. ગમે તેવું લખ્યું હોય તમે લોકો મારુ ઘર શોધી બોચી પકડીને રોડ પર ઢસડશો નહિ જ એની મને ખાત્રી છે. કારણ કે હું કઈ અનામત, રાજકારણ કે બીજા સંવેદનશીલ ટૉપિક પર લખવાં માંગતો નથી. મારે તો ફક્ત ગૂગલ દેવની આજીજી ન કરવી પડે એવું લખવું છે. આમ તો મારુ એડ્રેસ ક્યાં તમારી પાસે છે? હાં, મૅસેજ કે મેઈલ કરીને મોટી-મોટી ચોપડાવી શકો, એ કંઈ મને લાગે નહિ. અમારા વિસ્તારનાં એક ધારાસભ્ય ચૂંટણીનાં પ્રચાર દરમિયાન મત માંગવા જતાં કાર્યકરોને એવી સલાહો આપતા કે “જો કોઈ મતદાતા તમને ગાળો ભાંડે તો મોળું પડવાનું નહિ, એમને સામે દેવી નહિ..ખાલી હામ્ભળે રાખવાનું. ....બસ એટલું જ વિચારવાનું કે કોઈ તમને કશું આપી ને ગયું છે ને! આપની પાસેથી લઈ તો નથી ગયું ને?” આવા ટોપાવ જ આ દેશના કહેવાતાં ‘પ્રજા-સેવક’ છે, આઝાદી પછી અવિરત આવા મહાનુભાવો જ દેશની બજાવે છે! પ્રજાને તો હામ્બેલુંય નાં દ્યે હો.

“જેભાઈ તમે ટૉપિક બહારનું ભરડવા માંડ્યાં છો-”

ઉપરનું વાક્ય મને કોઈ કહેવાનું નથી, કારણ કે લેખકો મારા લેખ વાંચતા નથી, વાચકો “જાવા દ્યો આવા સાથે કોણ લમણા લે” આવું જાતે ને જાતે બોલી પાટી-દફતર પેક કરી નાંખે. મારા બચ્યાં-કુચ્યાં મિત્રો રૂબરૂ કે ફોન પર ગાળો ભાંડે એ અલગ વાત છે. ગાળો વિષે બક્ષી સાહેબ કહેતાં કે “ગાળો એ પુરુષોનું માસિક છે” એટલે હું એ મિત્રોને સામે ચોપડાવીને બક્ષી સાહેબનું વિધાન યથાર્થ ઠેરવું.

ખેર...હવે ટૉપિક પર આવીએ, લેખકો ને સલાહ દેવી કે ન દેવી...? આ કોયડો છે જેનાં અનુભવો સુજ્ઞ વાચકોને થયા જ હશે. જો લેખકો એ સલાહ સાંભળી સારો પ્રત્યુત્તર આપ્યો હશે તો વાચક એનો લાઇફ ટાઈમ ફેન થઈ જશે, જો ખરાબ અનુભવ થયો હશે તો જે છાપા-મેગેઝીનોમાં સદર હુ લેખક નો લેખ છપાતો હશે, એને પાથરી એની માથે ગરમાગરમ ભજીયાં તથા ચટાકેદાર લસણની ચટણીનો મોટો બધો ઢગલો કરી, ભરેલ મસાલાવાળું મરચાનું ભજીયું એમાં ઝબોળી મોટું બચકું ભરશે! ખોટી વાત મારી? દરેક વાચક આ પ્રશ્ન બાબતે અવઢવમાં છે. દરેકને છુપો ડર સતાવતો હોય છે. કારણ કે લેખ એક મોટી સેલીબ્રીટી છે તે મારા-તમારા જેવા તુચ્છ વાચકો માટે એમનો સમય બગાડે?- આટલાં બગડતા સમયમાં ‘ઘોસ્ટ રાઈટીંગ’ કરી એકાદ આર્ટિકલ લખી વકરો ન કરી લે? (એના ખુદના લેખ તો ભોજિયો ભાઈ પણ વાંચતા નથી)

....તો ....લેખકને સલાહ દેવી કે ન દેવી??

અમારા ગામમાં એક અમથાશેઠ રહે. એમને એક માંસલ ભગરી ભેંસ જેવી ભૂરી-ભૂરી કદાવર પુત્રી. નામ એનું દેવી! રંગે ગોરી, પૈસાદાર બાપની પુત્રી;સારા મુરતિયાની રાહે લગ્નની ઉમર કુદાવી ગઈ. એટલે અમારા ગામના છોકરાઓ આ દેવીને ભર-બજારમાં દીઠે તો અચૂક બોલે “અમથાશેઠની દેવી ન દેવી તો ય દેવી!”

`હજી પ્રશ્નતો ત્યાંનો ત્યાં જ છે ...લેખકને સલાહ દેવી કે ન દેવી. આ પ્રશ્ન પર મતમતાંતર પ્રવર્તે છે. જો તમને અપમાન નો ડર ન હોય તો સલાહ આપવી જોઈએ; જો અપમાનથી ફાટતી હોય તો માંડીવાળવું જોઈએ. લેખકોના મહદંશે મહાન લેખકો, અનુભવી લેખકો, ઊભરતા લેખકો અને ધરાર લેખકો આવા પ્રકારો પાડી શકાય. આવો લેખકો વિષે થોડો પ્રકાશ પાડીને સમજવાનો પ્રયાસ કરીએ.

** મહાન લેખકો

આવા લેખકો ગમે તે લખે! વાર્તા લખે, કોઈ પણ વિષય પર આર્ટિકલો લખે, હાસ્યલેખ પર હાથ અજમાવે, સસ્પેન્સ કે રોમૅન્ટિક નવલકથા પણ લખે. વાંચી-વાંચીને થાકી જઈએ એવડી મોટી ચોપડિયું પણ આપણને ચોપડાવે! ઇન શૉર્ટ ...ઓલરાઉન્ડર હમજી લો.

આવા લેખકોનું નૉલેજ સારુ હોય, વાચક વર્ગ બહોળા પ્રમાણમાં હોય. કેટલાક લેકચરો અને વર્કશોપ પણ કરતાં હોય. નામી-પ્રખ્યાત લોકો સાથે ઊઠક-બેઠક પણ હોય. આવા લોકો સાથે ઊઠવા-બેસવાને લીધે તેઓશ્રી સુવિખ્યાત થયા કે સુવિખ્યાત થયા એટલે આવા લોકોનાં ટચમાં આવ્યા એ રાધે-માં ને ખબર. આવા મુરબ્બી લેખકોને સલાહો આપી શકાય. માત્ર મેઇલ, મૅસેજ કે ફોન દ્વારા જ હો. રૂબરૂમાં આપતા એનું કઈ નક્કી નહિ. તેની આજુબાજુ ફેન-ફોલોઅર ઘણા વીંટળાયેલ હોવાના...જો એના ફેનોને પણ તમારી સલાહો ન ગમે તો તેઓ જ મૂહર્ત કરે! તમને સાબુ-સોડા વગરના ધોઈ કાઢે. તેથી જ રૂબરૂ તો કઈ સળી-સંચો કરવાનો જ નહિ. બોવ ચૂલ ઊપડી હોય અને સલાહો આપો તો ભારતની ક્રિકેટ ટીમનાં પર્ફૉર્મન્સ જેવું થાય. એનો મૂડ સારો હોય તો આપણી સલાહો માને-અનુસરે ખરા. નહિ તો મણ-મણની આલે ખરા. (હું આવડો મોટો લેખકડો ને મને સલાહો આપે છે વાંદરા/રી આવું બોલીને) મારી સલાહ છે કે આવા મહાન લેખકોને સલાહ આપવાથી દૂર રહેવું-

** અનુભવી લેખકો

આવા લેખકોનું સાહિત્ય એમના અનુભવના જોરે સંપૂર્ણ વિષય-વસ્તું સાથેનું હોય. જોડણી, વિષય, નૉલેજ, ઉદાહરણો બધામાં તમે કોઈ ભૂલ કાઢી ન શકો. ( મેં બી થેન્ક્સ ટુ ગૂગલ, પ્રૂફ-રીડર ;૦) આવા લેખકોને રૂબરૂ કે યેનકેન પ્રકારે સલાહો વળગાડીએ તો અચૂક સાંભળશે. તમને મીઠો જવાબ પણ આલશે, એના હૃદયનાં ભાવો તે હૈયામાં જ દબાવી રાખશે. અંદર મન-મગજમાં ગાળોનાં ફૂવારાં વછુટતા હોય તો ભી શબ્દો દ્વારા એ તમારૂ અપમાન નહિ કરે. અનુભવી ખરાને....! હા રાત્રે આપણને હેડકીઓ આવે, રાત્રી કામકાજમાં વિક્ષેપ પડે તો ચોક્કસ સમજવાનું કે પેલો આપણને જોખી-જોખીને દેતો હશે. તે ફેસ-ટુ-ફેસ આપણું અપમાન કદાપિ નહિ કરે-

** ઊભરતા લેખકો

આવા લેખકો નાં બે પેટા-પ્રકાર પાડી શકાય..

(૧) જેવો ખૂબ ક્રોધિત હોય. પોતાની જાતને દુનિયાના ઉચ્ચ કોટીના લેખક સમજતા હોય. મારા જેવું સર્જન આ સકલ વિશ્વમાં કોઈ કદાપિ કરી જ ન શકે આવું પોતાની નહિ બીજાની કૃતિ ઉપરછલ્લી વાંચતા-વાંચતા સ્વગત બબડતા હોય. એમાં પણ પાછાં અમુક આવા લેખકો મહાન-અનુભવી લેખકોના ચમચા હોય. આવા લેખકોને સલાહો આપો તો એમની ઓળખાણ કોની-કોની સાથે છે એનું લિસ્ટ આપણને રજુ કરે! કેટલાક બહુ હુશિયાર તો આપણને કેમ વાંચવું એની સલાહો પણ આલે. આઇપીએસ ધારા ૩૦૨ અને ૩૦૭ બંધારણમાં ન હોત તો તેઓશ્રી આપણું કૂપનમાંથી નામ થુંકનો લપેડો કરી ભૂંસી પણ નાંખે. ગાળો ભાંડે એ તો લટકાની.... આવા લેખકો પાસે તમારે કઈ કામ કઢાવું હોય તો તેમના વખાણ કરો, વાટો નહિ. નહિ તો આઠ કોલમ દૂર જ રહેવું-

(૨) બીજા પેટા-પ્રકારના આવા અમુક ઊભરતા લેખકો લેખન જગતમાં સૌથી સૌમ્ય અને માયાળું હોય છે. તેઓના મુખારવિંદ પર હંમેશા સ્મિત પ્રગટેલું હોય. તેઓ તમારી સલાહોને અનુસરવા ગમે ત્યારે તત્પર હોય. જાહેરમાં પણ તેઓ તમારી સલાહોનો ઉલ્લેખ વિવેકથી કરવાનું ન ચૂંકે. જે તમારી સલાહો મેળવી તેમાંથી કંઈક શીખતા હોય છે. તમને તેમના સાંનિધ્યમાં ઠંડક મળે. ... હા, અનુભવી કે થોડું ઘણું નામ થયા પછી આવા લેખકોનું નક્કી નહિ.

** ધરાર લેખકો

ભારતની આ ધીંગી ધરા પર આવા લેખકોનાં દરો (રાફડા નહિ) ફાટ્યાં છે. આવા લેખકોને ઓળખી કેમ શકાય? આવો પ્રશ્ન તમને થતો હશે, નહિ? એમને ઓળખવામાં માટે તમારૂ વાંચન-જ્ઞાન જ કાફી છે! (નાં સમજ્યા? મારા કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારા જ્ઞાન કરતા પણ એમનું જ્ઞાન ઓછું હોય છે, જે તેમના લેખકો દ્વારા આપ નિહાળી શકો છો.) કેરોસીનની લાઈનોથી માંડી એરોપ્લેનનાં બાથરૂમમાં મળી જાય. લોકલ ટ્રેનની ભરચક્ક ગિરદીમાં આપણે તેમની સાથે મુસાફરી કરતા હોય અને ભૂલમાં પણ આપણા પગની જગ્યા એ તેમનો પગ ખણી લઈએ તો બીજું કશું અસભ્ય કહેવાની જગ્યાએ, આપણને સંભળાવે “હું લેખક છું” (બકા, આવી પરિસ્થિતિમાં ખણ ગમે તેને આવે!) સુલભ શૌચાલયમાં આપણે લાઈનમાં ઉભા હોય, બરાબરની લાગી હોય, કોઈ મઈ પાયખાનામાં પેહી ગયું હોય, આપણે તેમની બહાર નીકળવાની વાટો જોતા હોય. બેચેની ને લીધે આપણાથી રહેવાતું ન હોય અને દરવાજો ખખડાવીએ તો અંદરથી જવાબ આલે “હું મારી સ્ટોરી ‘કામણગારી કાયા’ નો પ્લૉટ ઘડું છું.” બોતડા બહાર નીકળી શાંતિથી કશીક સારી જગ્યાએ બેસી પ્લોટો ઘડને. સ્ટોરીની વવ થાતો. અહીં અંદર બેઠાં-બેઠાં ઘડીશ તો તારી વાર્તામાં ય વાસ આવશે. સદર હુ વાક્ય કહેવાથી તે જે તે સ્થિતિમાં હોય, બહાર આવી આપણને ડબલું પણ ફટકારી શકે છે. તેની કામણગારી કાયા જોયા પછી કદાચ આપણને જે ક્રિયા કરવા આવ્યા હોય તે કવચિત ક્રિયા એક ધારાવાહિક સુધી ન પણ લાગે! ટૂંકમાં કહું તો આવા ધરાર લેખકોથી રહેવાય એટલું દૂર રહેવું- આવા લેખકોને સલાહ તો શું વાહ-વાહી પણ ન કરાય. જો એક વખત તમે એમના વખાણ કર્યા તો એમને હનર(ટેવ) પડી જશે. જે જોખમી છે. ક્યારેક તેઓશ્રીનાં વખાણ કરવાનું ચૂંકી જશો તો તેઓને ગાળાગાળી પર ઊતરી જતા વાર ન લાગે.

હજી આપ કડે ચડ્યા છો? સલાહ આપવી કે ન આપવી? કાઠિયાવાડ બાજુના એક મહાન લેખક શ્રી જસ્મીન ભીમાણી એ એવું કહ્યું છે કે “ સલાહ એ વખાણની શોતેલી માં સમાન છે” માટે તમે કોઈને સલાહ આપો તો એનો મતલબ આડકતરી રીતે એવો થયો કે તમે એના વખાણ કરો છો. સલાહ આપતા પહેલા કોઈના વખાણ જ કરાય છે ને!? સ્વશ્રી આલ્બર્ટભાઈનાં મારી કને નંબર નહોતા...નહીતો સાપેક્ષવાદ પર મારે એમને સલાહો આપવી હતી.

હું તો ગમે તે લેખક હોય...ચાલુ પડી જાવ...! ખાસ લેડીઝ લેખક હોય તો અવશ્ય જ (સલાહો આપવા એલાવ) મારૂ વાંચન ઉંચ્ચકોટીનું છે. હું સાહિત્ય પ્રેમી છું, સાથે-સાથે બૂક-આર્ટિકલો કેમ લખવા, તેના માટે શું-શું તૈયારીઓ કરવી, શું ધ્યાન રાખવું આવા પુસ્તકો પણ વાંચુ છું!! આવું વાંચન કરવાનું કારણ એક જ છે કે મારે લેખકોને સલાહ આપવી છે. “ભાઈ-બહેન (વાચકોનાં) તમે આ પ્રકારની ભૂલો કરી છે.” આવું તેમને કહેવું છે. આ લેખકોની નજરમાં વસવાનો સૌથી સરળ રસ્તો છે!

એક વખત એક નવા-નવા લેખીકાબેનને મેં એમની એક નવલકથા વાંચી નીચે મુજબ મેઇલ કર્યો.

- આપની નવલકથા અનાયાસ રાત્રિના ૧૦:૨૧ કલાકે મારા હાથમાં આવી. મેં ૧૦:૨૨ એ વાંચવાના નિર્ધાર સાથે ચોંટી પડ્યો. એક પડખે, ઘરવારી ઘઘલાવતી હોવા છતાં આખી બૂક વાંચી નાંખી. મજા પડી. સરસ હતી. મળસ્કે ૪:૪૭ કલાકે એ પૂરી કરીને જ આપને મેઇલ કરૂ છું. (આવું રોમાંચક લખવું પડે, વજન પડે) તેમાં મને ઘણી ત્રુટિઓ જણાઈ, જે નીચે મુજબ છે...આપને જસ્ટ વિદિત કરવા.

- મગને સવિતા સાથે મોડી રાત્રે ‘સિયારામ હોટલ, રાજકોટ’ મુકામે ચા પીધી એવો એક જગ્યાએ ઉલ્લેખ છે. અહીં રાજકોટમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર કડક આવ્યાં હોય હોટલો બંધ કરાવે છે...ટોપાવ વેસ્ટઇન્ડીઝનાં બેટ્સમેનોની જેમ આડેધડ લાકડીઓ વીંઝે છે! હજી મારા બરડામાં કાળીઓ નાગ સૂતો હોય એવો લિસોટો હયાત છે, જોવો હોય તો ફોટો પાડીને મોકલું? આવા સ્થળ-વિગતે લખ્યાં પહેલાં તેમની રેકી કરવી કે નૉલેજ એકઠું કરવું આવશ્યક છે- ખોટી વાત મારી? વળતાં મેઇલ માં જણાવશોજી.

- ઘણી બધી જોડણીઓની ભૂલો નરી આંખે દેખાય આવે છે. પ્રૂફરીડિંગમાં બહુ બધા લચ્છાં માર્યા છે! મને ભૂલો શોધવી ખૂબ પસંદ છે, તમે કહો તો હું માનદ સેવા આપી શકું હો. “મગન બંને હાથ ગાલ પર અડકેલી ગાઢ નિદ્રામાં સૂતી હતી” આવું એક પેઈજ નંબર-૪૭ પર લખેલું છે! મગન પાછો મીરાં ક્યારે થયો? જેનો તમે ક્યાંય ફોડ પાડ્યો નથી....અને હાં, મગન મીરાં થાય અને મીરાં પાછી મગન થાય આવો કેસ છે? જો આમ જ હોય તો મુખ્ય-પેઈજ પર એક અદ્ભુત લવ-સ્ટોરીની જગ્યાએ થ્રિલર-સસ્પેન્સથી ભરપૂર એક પ્રેમકહાણી આવું લખવું જોઈએ. ખોટી વાત મારી? વળતાં મેઇલમાં જણાવશોજી.

- નવલકથાનો અંત મને ન ગમ્યો. મગન- સવિતાને મિલાવી હેપ્પી એન્ડીંગ લાવવું જોઈતું હતું. મગન પુ.લિંગ-સ્ત્રી.લિંગમાં અપ-ડાઉન કરતો હોય એ સવિતાનો પ્રૉબ્લેમ હતો. સરિતા આફેડી ફોડી લેત- મગનને નર્કશદન પહોંચાડી તમે સારૂ કાર્ય નથી કર્યું. પ્રેમીઓનાં દિલ દુખાવ્યાં એ બદલ તમને ખેદ નથી? સવિતાને એકલી દુખી કરી અનાથાશ્રમમાં બુઢીયાઓની સેવા કરવા મોકલી દેવાનો તમને કોઈ હક્ક નથી. પાછી એ હખણી નઈ રહે અને કોઈ બીજો મગન શોધશે તો? સવિતાને પાછી પ્રેમોમાં પાડી આ નવલકથાનો તમારે બીજો ભાગ બહાર પાડવો છે? વળતાં મેઇલ માં જણાવશોજી.

- તમારી નવલકથા સરસ અને રસાળશૈલીમાં આપે પ્રસ્તુત કરી. એ બદલ આપને ખોબલે ખોબલે ધન્યવાદ આપવા ઘટે. કિન્તુ, નવલકથા કેમ લખવી, એ માટે બજારમાં ઉપલબ્ધ સાહિત્ય આપે વાંચવાની તાતી જરૂર છે. તમે સ્ત્રી છો એટલે ૫૦% વધારે લોકો તમારી બૂક્સ વાંચે, વાહવાહી કરે, આ સનાતન સત્ય છે. આમાં ફૂલાઈ જવાની બિલકુલ જરૂર નહિ. સરળ અને સહેલા શબ્દોની જગ્યા એ થોડાં અઘરા-અર્થસભર શબ્દો કે જેનાથી વાચકો ગૂંચવાઈ જાય, એવા શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર હતી. જેમ અઘરા શબ્દો વધુ એમ તમે સુજ્ઞ-લેખક છો એ સાંપ્રત સમયનો વણકહ્યો નિયમ છે. આવા શબ્દો ભગવદ્-ગોમંડલ જેવા ગુજરાતી ભાષાના ગીતા સમાન ગ્રંથમાંથી આસાનીથી મળી જાય- જે આપે વાંચવો જોઈએ-. ખોટી વાત છે મારી? વળતાં મેઇલ માં જણાવશોજી.

- ‘- સંયોગ ચિન્હ‘ , ‘; અર્ધવિરામ ચિન્હ’ આ બંનેનો ઉપયોગ બૂકમાં અવારનવાર કરવો જોઈએ. તમને આની ગતાગમ નહિ હોય. (how to write novel જેવાં વિષયની બૂક કોઈ દિવસ વાંચી નહિ હોય? ખરૂ ને?) સારૂ હું આપના જ્ઞાનમાં વધારો કરી આપું. ‘-‘ અર્થાત સંયોગ ચિન્હ, એ વાર્તાલાપમાં કોઈપણ પાત્ર દ્વારા ઉચ્ચારેલ વાક્યને ભારપૂર્વક દર્શાવવા માટે વપરાઈ છે. દા.ત. “હું પણ તેને પ્રેમ કરતી હતી-“ આવું, હમજ્યાં? ‘;’ અર્થાત અર્ધવિરામ ચિન્હ, આનો ઉપયોગ કોઈપણ વાર્તામાં બનેલી ઘટના, લક્ષણો કે જે એકબીજાથી વિપરીત હોય પણ વાર્તાને આનુસંગિક હોય, મહત્વના હોય, આવી ભિન્ન વસ્તુને એક સાથે સાંકળવા કરાય છે. દા.ત. હું રૂપાળી, દેખાવડી હતી;મગન કાળો અને ભદ્દો હતો. આવું, હમજ્યાં? જો હજી પણ ન સમજાયું હોય તો ગૂગલ કરી તપાસી લેવું. આપનો અભિપ્રાય, મારા નૉલેજ બદલ વખાણ વળતાં મેઇલ માં જણાવશોજી.

- આપની નવલકથા હિટ ગઈ, એ હું માથુંકુટીને કહી શકું. મુખ્ય પાત્રનું નામ મગન-સવિતા મને ખૂંચ્યા. ખેર....આપને આ વાર્તા લખવાની પ્રેરણા કોણે આપી? કેવી રીતે લખી? પાત્રોના નામ ક્યાંથી શોધ્યા? આ કથા તમારા જીવન પર આધારિત હતી? રોજ કેટલી કલાક લખતા? કેટલા સમયગાળામાં આ પરિપૂર્ણ કરી? વળતાં મેઇલ માં જણાવશોજી.

- આખરી સવાલ...આ નવલકથા આપે જાતે પોતે જ લખી કે કોઈ ભૂત-લેખકે? ખોટું ન લગાડતાં, અત્યારે એવો ચિલ્લો છે કે સ્ત્રીનું નામ લેખક તરીકે લખે એટલે નવલકથા-આર્ટિકલ હિટ જાય- આપ ફેક-આઈડી તો નથી ને? હેં? મીરાં હો ગઈ મગન, જેવો કેસ તો નથી ને? વળતાં મેઇલ માં જણાવશોજી.

- મારી ઉપરોક્ત વાતોનું ખોટું ન માનતા....હા આપ મારાથી ઈમ્પ્રેસ થયા હોઈ ને મોબાઈલ નંબર માંગવા હોય તો વળતાં મેઇલ માં જણાવશોજી.

આપ એક સારા લેખિકા છો, આપના લેખનમાં મહાન લેખિકા બનવાની છાંટ હું જોઈ શકું છું. આપ આવી સારી-સારી કૃતિ ડઝનો મોઢે લખો. ખૂબ ખૂબ આગળ વધો. તમારા ઓટોગ્રાફ લેવા સાડાત્રણ કલાક લાઈનમાં ઊભવું પડે! એવી અંત:કરણ પૂર્વકની શુભેચ્છા.

આગામી નવલકથા ક્યારે બહાર પડશે એ વળતાં મેઇલ માં જણાવશોજી. હું આપના સર્જનો વાંચવા આતુર છું...અસ્તુ...જય ભારત કહી હું અહીં પુરુ કરું છું હો.

તમને લોકોને એવું હશે ને આવી બધી હોશિયારી મારી હું મારી જાતને લેખક તરિકે પ્રસ્થાપિત કરવા મથી રહ્યો છું? હેં? જો આવું તમે માનતા હોવ તો તમે સાચા છો. થાય એ તોડીને ભડાકા કરી લેવાનાં. હું તો લખતો જ રહીશ.

તમને એવું પણ લાગ્યું હશે કે પેલી લેખિકાએ, મેં આટલું બધું કહ્યા પછી ગાળોની રમરમાટી બોલાવી હશે? મને ઓનલાઈન ઊંધા હાથની બે અડબોથ લગાવી મારૂ થોબડું છ ને માથે પાંચ મિનિટ જેવું કરી દીધું હશે? તો આપની ઇચ્છાનું આ વખતે પણ વિરેચન થયું હો. એ લેખિકાએ મારો આભાર વ્યક્ત કર્યો, ભવિષ્યમાં પણ સલાહો દેવાની આજીજી કરી! આ રીતે મારી સલાહો દેવાની ચૂલને વેગ મળ્યો.

અરે હાં....લેખકો વિષે આટઆટલું લખ્યું ને કવિઓ તો રહી જ ગયાં! નો ચાલ્બે. કવિઓ માટે પણ થોડું લખી મારા વ્યર્થ લેખને હું પાવન કરું. કવિઓને સલાહો અલાય? ન અલાય...કારણકે સાંપ્રત સમયનાં કવિઓ આધુનિક થઇ ગયા છે. તેના ખભે બગલથેલો ઝૂલતો નથી. લાંબી દાઢી કે લઘરવઘર જટિયાંમાં તેઓશ્રી હવે દૈદિપ્યમાન થતા નથી. સલાહ કે મજાકના બદલામાં પોતાનું મસ્તિષ્ક જુન્કાવી “હું વધુ પ્રયત્ન કરીશ” એવાં જુનવાણી માનસિકતા તેઓ ત્યાગી ચૂક્યા છે. હવેનાં કવિઓ તો ખૂણામાં પડેલ પરોણો ઉઠાવી તમારી પાછળ દોડતા-દોડતા તમને પકડી પાડી બે-ચાર સ્વરચિત કવિતા પરોણો ઉગામી, ડર બતાવી સંભળાવી દે- અફકોર્સ તેઓનું શરીર સૌષ્ઠવ હવે સારૂ હોવાના લીધે જ, તેઓ દોડી શકે છે! આજકાલના કવિઓ દેખાવે સારા હોવાના લીધે કોઈ મુશાયરામાં તમને ધરાર આમંત્રણ હોય તો કવિતા સંભાળવા કરતા આજુબાજુ ડાફોળીયા મારી ત્યાંનો મસ્ત માહોલ જોઇને ટાઈમ પાસ થઇ શકે. એટલો માહોલ હવે બદલાયો છે!

આધુનિક કવિઓને ખોટું જલ્દી લાગી જાય ...એટલે જ સેટિંગ કરેલ એવૉર્ડ પરત કરવો, બીજા કોઈ વિવાદોમાં આવી ટીવીએ ચડતા અવારનવાર જોવા મળે છે! આમનાથી આઘા રહેવાય, ખોટા કોક દિવસ આપણે ગોટે ચડી જાય. એક વાત તમે સમજી શકો તો કહું...પોઝીટીવ વિચારો તો આ સારૂ જ છે કે કવિઓ આવા વિવાદોમાં ઘેરાઈને પોતાનો સમય બગાડે છે- જો સુધરી જશે તો વળી પાછાં આવા બગડેલ સમયનો સદુપયોગ કરી બે-ચાર વધારે કવિતાઓ લખશે! ...અને એ કવિતા આપણે........! (હમજી ગયાં ને?)

એક આડ વાત... આ લેખમાં મેં જેટલી વખત ‘લેખક’ શબ્દ લખ્યો હશે એટલી વખત મેં ભોળાનાથનું નામ ઉચ્ચાર્યું હોત તો એ નીલકંઠ પ્રસન્ન થઈ મારી સમીપે તેનો અલૌકિક દેહ લઈ સ્વયંમ સાક્ષાત્ પ્રગટ થાત! મારી ભક્તિથી ખુશ થઈ એ દેવા-ધિ-દેવ મને એક વચન માંગવાનું કહેત. હું શિવજીનું સોહામણું રૂપ નીરખી તેઓશ્રીનાં ચરણકમલમાં સાષ્ટાંગ પ્રણામ કરી હતરંગ ઊભો થઈ, કર સંપુટ પ્રણામી મુદ્રામાં સહ્સ્મિત ઊવાચ: “હે મહાદેવ, જો આપ મુજ પામર પર સાચે જ પ્રસન્ન થયા હોવ તો મને મહાન લેખક બનાવી દો” આવું હું ...હા એલાવ હું ખુદ જ, માગણી કરત. મારી માગણી સાંભળી ભોળાનાથની મુખ પરની પ્રસન્નતાનાં ભાવ અલોપ થઈ જાત. ટે ફૂન્ગરાઈ ઉઠત! ત્રીજું નેત્ર હાફ ઓપન કરી, મારા માથા પર એનું ડમરુ ફટકારત. કદાચ તેમના નાગને મારા પર છૂટો મૂકે તો કહેવાય નહિ. ત્રિશૂળ મારી ડૂંટીમાં ઘોંચી જમીનથી ૮-૧૦ ફૂટ અધ્ધર કરી, ધમકાવતાં સૂરે બોલત: “ દૃષ્ટ, પ્રપંચી, અધર્મી...ચોર્યાશી લાખ યોનિના પરિભ્રમણ પછી પાછો તું મનુષ્ય દેહે અવતરે તો પણ તું લેખક બની શકે એવા કોઈ લક્ષણ તારામાં દૂર-દૂર સુધી હું નિહાળતો નથી. માટે હેં મૂર્ખા, લેખક બનવાના ધખારા તું ત્યજી દે- એના બદલામાં હું તને ત્રણ વરદાન માંગવાની છૂટ આપું છું. (ડિમાંડ વન, ગેટ થ્રી જેવું)

આટલાં ફાલતું વાંચન પછી તમે શું નિષ્કર્ષ પર પહોચ્યાં?

“ભૂરા, તું રહેવા દે તારાથી લેખ નહિ લખાય” કોઈ ખૂણેથી આવો નાદ સંભળાયો! હું એને ઢીકાવા જાવ છું. તમે તમારૂ કામ કરો. ઘણો ટાઈમ બગાડ્યો આ વાંચીને.