Tu j mari kavita in Gujarati Love Stories by Neha Raval books and stories PDF | તું જ મારી કવિતા....

Featured Books
Categories
Share

તું જ મારી કવિતા....

આવું તે કઈ ચાલતું હશે..?

હું તો આવો'જ છું..!

મને પ્રેમમાં ..,

practical બનતા નહી આવડે.

મને હૃદયની matter માં ,

દીમાગ ચલાવતા નહી આવડે..

લાગણી ની બાબત માં..,

મને filter લગાવતા નહી આવડે..

લઘર-વઘર દોડી ને આવી જઇશ,

મને makeup લગાવતા નહી આવડે..

હું ખુશ થઇશ તો હજાર વાર કહીશ,

કે હા ..તું જ મારી ખુશી નું reason છો..

અને જો હું તારા થી hurt થઇશ તો,

મને smileનું D.P. મુકતા નહી આવડે..

હા ..મને આંશુ ઓ ને રોકતા નહી ફાવે..

જો તું મને હસાવીશ તો ..

તને એ ખુશી share કરીશ..

જો તું જ મને રડાવીશ તો..,

તારા ટેરવે થી tears લુછાવીશ..

મને ખાલી પ્રેમ કરતા નહી આવડે.,

ગુસ્સે પણ થઇશ નારાજ પણ થઇશ..

જેવો છું એવોજ રજુ થાઇશ ..

મને ચહેરા પર Mask ઓઢતા નહી ફાવે..

જે કહેવુ હશે એ તને કહી ને'જ રહીશ..

મને ગુંગળાઇ ને ચુપ રહેતા નહી આવડે..

Shirt ના બે બટન ખુલ્લા જ રહેશે..

મને વ્હાઇટ-કોલર gentleman બનતા નહી આવડે..

Dinner પર જઇશુ તો તોફાન પણ કરીશ,

રેસ્ટોરન્ટ માં discipline મને નહી ફાવે..

બહાર જઈશું તો હાથ માં હાથ પરોવીશ....

મને બધાની વચ્ચે sophisticated બનતા નહિ આવડે....

જેવો છું એવો તારોજ છુ એ દેખાઇ આવીશ,

મને કોઇ ની હાજરી મા તને ignore કરતા નહી આવડે..

તું જ બધા થી imp n spl છો એ જતાવીશ,

મને તારી ગેરહાજરી માં બીજા નો બનતા નહી આવડે..

ભીડ માં તારી કમી લાગશે તો બોલાવીશ તને,

મને એ ભીડ માં ભળી જતા નહી આવડે..

પ્રેમ કરે છે તો વરસવુ જ પડશે તારે..

Reputationના બહાને મને કોરો રહેતા નહી આવડે .

લડીશ,ઝગડીશ,નારાજ પણ થઇશ..

સળી કરીશ, ધમાલ પણ કરીશ..

મને ખાલી નકરો boring પ્રેમ કરતા નહી આવડે..

જેવો છું એ આવો જ છું..

જેવો છું હું બસ " તારો " જ છું..!!

-----स ह ज

જુના કોલેજ મેગેઝીન માં નિયતિ એ ફરી ફરી ને આ .. એની સૌથી વધારે ગમતી સંજય ની કવિતા એણે વાંચી .અને મનોમન ગુસ્સો કર્યો, મો મચકોડ્યું અને વળી પાછી જાતે જ હસી પડી. પાના ઉથલાવી થાકી ને નિયતિ મેગેઝીન સાઈડપર મુક્યું . કેટલું ગમતું હતું એને પણ આ બધું....કવિતાઓ....લખવી ..વાંચવી ..એ બધુજ....પણ આ જીવતી જાગતી કવિતા સાથે જીવવું.....ઓહ્હ...!ગરમી થી કંટાળી નિયતિ એ એના લાંબા વાળ ઊંચા લઇ અંબોડા જેવું બાંધ્યું ને એમાં પેન ખોસી.કાશ...સંજુ ને પણ આમ બાંધી ને રાખી શકાતે....સંપૂર્ણ કંટ્રોલ માં....!!ઉફ્ફ્ફ આ ગરમી....

એ મનોમન અકળાઈ ને ચા બનવા કીચન માં ગઈ .તપેલી માં પાણી મૂકી ગેસ પર ચઢાવી..ગરમી માં ચા..! પણ શું થાય....? આદત જે પડી ગયી....જેમ કે સંજય ની ! દૂધ. ચા ..ખાંડ...મસાલો ..બધું ભેગું ઉકળી રહ્યું ,,,ને નિયતિના વિચારો પણ....જરાય નથી સુધરતો.! હજુ પણ એજ..એવુજ અલ્લડ પણું જેવી એની કવીતાઓ...આમ તે કઈ ચાલતું હોય?ચા ગાળી...બીજો કપ ઢાંકી ને નિયતિ ચા લઇ બારી ની પહોળી પાળી પર બેઠી..એની ફેવરીટ જગ્યા....ત્રીજા માળ ના ફ્લેટ માં થી બહાર દેખાતા ગુલમહોર...જાણે લાલ જાજમ ..લાલ જાજમ..હા.! પહેલી વાર સંજય ને ત્યાજ તો જોયો હતો. લાલ જાજમ પર...કોલેજ ના યુથ ફેસ્ટીવલ માં પોતાની કવિતા નું પઠન કરતો સંજય..એના શબ્દો..એની શૈલી..એની સહજતા....બધું જ કેવું ગમી ગયેલુ...ત્યાજ મન માં થી કોઈ બોલ્યું..લે, હવે નથી ગમતું..? ગરમ ચા જીભે દાઝી ગયી.એણે ફૂંક મારી પણ...ઠંડક ના થઇ. ઓહ્હ...ફૂંક..કેવી વાતો યાદ આવી રહી છે આજે...

એક વાર એની એની આંગળી એ નાનકડી જ ઈજા થયેલી અને ત્યાં નાનો પાટો બાંધવો પડેલો...એ ખબર પડતાજ સંજય સવાર માં નહાયા ધોયા વગરનો જ મળવા દોડી આવ્યો ....જેવું એની કવિતા માં લખે ..એવોજ એ..લઘર વઘર !અને હજુ તો પોતે કશું પૂછે એ પહેલાજ ફરમાન જારી કરી દીધું “જો,તારી આંગળી ઘવાય તે મને ના પોસાય.પાટા વળી ખરબચડી આંગળી માં મારા મારા વાળ ભરાઈ જાય ...જયારે તું મારામાથે હાથ ફેરવે તો..એટલે જરા ધ્યાન રાખવું.” આમ બધાની વચ્છે..? છેક જ આવું કઈ ચાલે..?આ તે કઈ વાત થઇ..?.

ફરી એને બારીબહાર જોયું...ગરમી પણ કેવી છે...અકળાઈ ને ઉભી થઇ ગયી ! પંખો તો ફરતો જ હતો...ચક્કર ચકકર....એના મગજ ની જેમ...પણ તોએ રાહત ન હતી. અને ઉપર થી ગરમ ચા.ચા સાથે લાવેલો ખાખરો એણે ખાવા લીધો.અજબ છે ...ચા અને ખાખરા ની જોડી ! પ્રવાહી અને કરકરું ! થોડું કકરું લાગે તો જ ચા ની વધારે લિજ્જત આવે. સંજય કહેતો એમ...”થોડું મારું જે આ ખરબચડાપણું છે ને એટલેજ તું વધારે સુંવાળી લાગે છે.” જે પણ હતું..એને ગમતું હતું...પણ નિયતિ એ હવે એને સમજાવવાનો હતો...કે લાઈફ ફક્ત કવિતા નથી.લખવું ..વાંચવું ને તાળીઓ પડે એટલે બધું મસ્ત? થોડા મેચ્યોર થવું જોશે હવે તો....અરે...પેલી પ્રિયા ના લગ્ન માં જવાનું ..ને એની મહેદી ...તો પણ સંજય નો આગ્રહ કે નિયતિ પોતાના હાથ ની મહેંદી માં સંજય નું નામ લખાવે..! આવું તો કઈ હવે શોભે...?અને પાછુ જે હોય તે સૌ ની હાજરીમાજ કહેવાનું...? દુનિયા જાણે છે તો શું થયું...? એની કઈ જાહેરાત કે પ્રદર્શન હોય?

આમ વિચારો માં ચા તો પીવાઈ ગઈ ..પણ વિચારો નો કપ ખાલી ન થયો.અને વળી જયારેપણ એને કઈ કહો....તો એનું ધ્રુવ વાક્ય...”હું તો પહેલેથી આવોજ છું.” લો, બોલો ! આતે કઈ વાત થઇ?અરે હજુ મહિના પહેલાજ....ગોટુ ની બર્થ ડે પાર્ટી માં...કેવું કર્યું સંજુ એ...? એક તરફ બધા હપ્પી બર્થ ડે નું ગીત ગાતા હતા....અને આટલા બધા ની વચ્ચે..એણે કેવું પોતાના કપાળ પર ચુબન કરી દીધું....અને પાછો ફરી ગાવા લાગ્યો..જાણે કશું કર્યું જ નથી ..! ભલે લાઈટ ડીમ હતી ..કે કોઈ એ બહુ જોયું નહિ...પણ આવું તે કઈ ચાલે..?હવે તો કૈક કહેવું જ પડશે...

આમ વિચારો માં અટવાતી નિયતિ ને યાદ આવી ગયું....મમ્મી પપ્પા એ ખુબ સમજાવી હતી....કે આ અલ્લડ મિજાજ ના ...કવિ જીવ સાથે જોડાવું અને એને સંભાળવો અઘરું છે..પણ.....

હવે ગયા અઠવાડિયેજ જુઓ ને , મોટી બેન ની એનીવર્સરી ના અવસરે..!! કેવું કરી નાખ્યું...? બહેન અને જીજાજી માટે મગાવેલી કેક નું બોક્ષ ખોલતા જ ......સંજુ લવ્સ નિયતિ....!....અરે..આવું કઈ તે હોય? આટલા બધા મહેમાનો ની હાજરી માં પોતે કેવી ...લજ્જિત થઇ ગઈ...! કેક સુધી તો ઠીક હતું પણ...એમના માટે ગોઠવેલી રિસેપ્શન ચેર પર પણ સંજુ આમ પોતાનો હાથ પકડી બેસી જાય...એ કેમ ચાલે? જાણે બહેન જીજાજી નું નહિ....ને પોતાનું જ ફંક્શન હોય...! અને વળી ફોટોગ્રાફર ની સામે જ ...પોતાનો પોતાનો હાથ પકડી એના હૃદય પાસે મૂકી આવો પોઝ આપે ફોટા માટે....લો બોલો! શું કરવું હવે આનું? નિયતિ ને લાગ્યું કે હવે મમ્મી પપ્પાએ સમજાવેલી વાત પર વિચાર કરવો જોઈએ. હવે નહિ તો ક્યારે...!અને એને પણ કઈ સમજાવવું પડશે ને..? ક્યાં સુધી આવું બધું..અને કેટલી હદ સુધી..?

હજુ કઈ વધુ વિચારે ત્યાં તો દરવાજા ની ..ઘંટી વાગી. અને એની વિચારધારા અટકી. દરવાજો ખોલતાજ ..”.હેપ્પી એનીવર્સરી ....ટુ માય લવિંગ વાઈફ...”.......સામે પોતાના ૧૫ ૨૦ વિદ્યાર્થીઓ સાથે સંજય....હાથ માં એનું ગીટાર લઇ ને ઉભો હતો...ઓહ્હો...એને નવાઈ લાગી. આજે ક્યાં એનીવર્સરી હતી..એને તારીખો યાદ કરી જોઈ ...પણ ના...આજે ન હતી..ત્યાં તો સંજુ એને વળગી ને એક નવી કવિતા કહી દીધી.

મારી સૌથી સુંદર કવીતા "તુ" છે..

જે હું લખી પણ નહી શકુ..,અને,

જે તું અરીસા માં શોધી નહી શકે,

એ બધુ'જ ...

આવી ને વાંચી જા મારી "આંખો" માં.!

અને અંબોડા ની પેન કાઢી વાળ પણ ખોલી કાઢ્યા...બધા જ વિદ્યાર્થીઓ ની સામે.....નિયતિ અવાક....

ઓહ્હો...આ નહિ જ સુધારે..”આ બધું શું છે?”...હજુ એનું આશ્ચર્ય ઓછુ થતું ના હતું ..ત્યાં તો ગોટુ બોલ્યો .”.મમ્મી ..પપ્પા તો આવતા મહીને આવતી તમારા લગ્ન ની પંદરમી અનીવર્સરી ની પ્રેક્ટીસ કરે છે.” લો બોલો....આવું તે કઈ ચાલતું હશે..?..

(કવિતા સૌજન્ય – સંજય સહજ )