Ketlik kindness kathao in Gujarati Motivational Stories by Murtaza Patel books and stories PDF | કેટલીક કાઈન્ડનેસ કથાઓ...

Featured Books
Categories
Share

કેટલીક કાઈન્ડનેસ કથાઓ...

કેટલીક

કાઈન્ડનેસ કથાઓ

  • લેખક: મુર્તઝા પટેલ -
  • યુઝુઅલી રક્ષાબંધનનાં દિવસે બેન તેના ભાઈ પાસેથી કડકડતી કેશનું કવર, જ્વેલરી, મિઠાઈ-બોક્સ, કપડાં-જોડ જેવી કિંમતી ભેંટો (ઓફકોર્સ જાદુઈ ઝપ્પી) સાથે મેળવતી હોય છે.

    પણ આ વખતે મધ્યપ્રદેશનાં શિવપુરી જીલ્લાના ભાટોઆ ગામની આંઠમાં ધોરણમાં ભણતી રાનીની તેના ભાઈ મહેન્દ્ર રાવતે આપેલી ગિફ્ટ અનોખી તરી આવી છે. ૨૯ વર્ષના આ ખેડૂત જુવાન મહેન્દ્રએ જુલાઈની શરૂઆતમાં જ તેની આ કઝિન બેનને મસ્તીમાં પૂછી લીધું કે "આ વખતે રાખીના તહેવાર નિમિત્તે બોલ તને શું ગિફ્ટ આપું?" –

    ત્યારે ઝંખવાણી પડી ગયેલી રાનીબેને એટલો જ સિરિયસ જવાબ મજાકમાં આપી દીધો કે "ટોઇલેટ".

    વાત પણ સાચી જ હતી. કેમ કે ગામમાં ઘરોની સંખ્યા કરતા સૌચાલયની સંખ્યા અડધા કરતા પણ ઓછી હોવાથી આ નાનકડી રાનીને બીજી લગભગ ૨૨૫ સ્ત્રીઓની જેમ વર્ષોથી હાજત રોકી રાખવાની ટેવ પાડવામાં આવી હતી. (આવાં વિસ્તારોમાં હજુયે છોકરીની જાતને દૂર 'ડબ્બે જવું' એટલે ડૂબી જવા જેવી બાબત છે.)

    મહેન્દ્રએ વધારે 'સોચ-વિચાર' કર્યા વિના બેનની તકલીફને દૂર કરવા તેના ઘરની બાજુમાં બીજે જ દિવસથી સૌચાલય બનાવવાનું મિશન આરંભી દીધું. ગામના છેડેથી ઘર સુધી પાણીની લાઈન લાવવામાં રૂ. ૨૦,૦૦૦/- અને બીજાં રૂ. ૧૫,૦૦૦/- બાથરૂમ કન્સ્ટ્રકશનનો ખર્ચો જાતે ઉઠાવી રક્ષાબંધનનાં એકાદ દિવસ પહેલા આ રેડી-ટુ-યુઝ ટોઇલેટ બનાવી ભાઈએ બેનની આખડી તેની પાસે આ રીતે રાખડી બંધાવી પુરી કરી છે.

    દોસ્તો, ગજબ છે ને નાનકડી રાખીના એક નાનકડા તારની તાકાત ક્યારે કોની, કેવી 'હાજત તમામ' કરાવે છે?!?!?- આ તો મીની-સાઈઝ ઈચ્છા અને મેગા-સાઈઝ મોહબ્બતનો જ કમાલ છે. ખરું ને? તમારામાંથી કોઈકે નોખી ગિફ્ટ આપી/ મેળવી હોય તો જણાવશો? મોહબ્બતી મોરલો: "સંબંધોના તારનો વિસ્તાર અનંત હોય છે."


    ૧૭ વર્ષની ઉંમરે જ્યારે એ પવનકુમારને ભાન થાય કે પોતાની મા ને દરરોજ ૨ ઘડા પાણી ભરવા મિનીમમ ૧૫-૨૦ કી.મી. ચાલીને જવું પડે છે ત્યારે...

    એ કોઈને પણ કહ્યા વગર 'ક્યાંક ચાલ્યો ગયો' છે વાળો બાયલો એટિટ્યુડ બતાવવાને બદલે 'બાય લો'નું ધોરણ અપનાવી પોતાની મા નેત્રવતીની તરસ છીપાવવા (તેની પ્રિ-યુનિવર્સીટીની એક્ઝામની તૈયારીને પણ બાજુએ મૂકી) ૧૦ દિવસમાં સતત એકલે હાથે તેના સાવ કાચા મકાનની બાજુમાં ૫૩ ફૂટ કૂવો ખોદી પાણી કાઢે છે.


    ને પછી કૂવો તાજો ને તાજો રહે એ નિયતથી બીજાં ૨ ફૂટ હજુ વધુ ઊંડો કરી ૫૫ ફૂટે, તેની 'ફૂટતી' યુવાનીનું પાણી બતાવી આપે છે. (બોલો, અસલ ૫૬ ઇંચની છાતી તો અહીં જોવા મળે છે, ખરું ને?)


    હજુ ગયા મહીને જ (એપ્રિલમાં) કર્ણાટકના સેતીસ્સારા ગામે બનેલા સાચે જ નિર્ધન એવા પવનકુમારના આ એકલપંડા કામને મીડિયાએ તો સારો એવો બિરદાવ્યો છે.

    તો આપણે સૌ છુપાયેલા આ યંગ-માઈન્ડ પવનને બંને હાથે સલામી આપી એટલું તો કહી શકીએ ને કે: " 'વેલ' ડન મેન !"


    મુશક્ક્ત મોરલો:

    "ઊંડો કૂવો, ને ભલે હોય કાચી બોક;

    સાચી મહેનતની તો કદર કરે સૌ લોક."

    બળેલી બૂક્સને બચાવવાનો એક અનોખો ઓનલાઈન યજ્ઞ.

    કેટલાંક સમયથી મીડિયામાં 'હોટ' બનેલા કેરળ (કેરાલા) રાજ્યમાં થોડાં જ દિવસો અગાઉ ત્યાંના થલ્લુક્કારા ગામની લાઈબ્રેરીમાં પણ આગ લાગી. જે જગ્યા જ્ઞાનયજ્ઞ સ્થળ તરીકે ઓળખાતી હોય ત્યાં આગમાં ૫૦૦૦થી પણ વધુ પુસ્તકો, મેન્યુસ્ક્રિપ્ટ્સ સાથે ત્યાંના ગામની ઓળખ એવાં ટ્રેડીશનલ મ્યુઝિકલ સાધનો પણ હોમાઈ ગયા.

    બહાર આવ્યું ૪૦ લાખનું નુકશાન.

    લાઈબ્રેરીના પેશનેટ સંચાલકો લૂંગી લપેટીને બેસી રહેવા કરતા સીધો અને સરળ રસ્તો પકડી લાવ્યા. ફેસબૂકમાં ‘બૂક કલેક્શન’ નામનું ઓનલાઈન ગ્રુપ ઉભું કર્યું. અને કેરાલાના લગભગ બધાં જ જીલ્લામાંથી વોલીએન્ટર્સ-સેવકો અને મદદગારોને હાકલ પાડી.

    ને પછી શરુ થયું ‘પુસ્તકવંડી’ નામનું ઓફલાઈન મિશન પણ. ગામેગામથી ફરીને આવેલી એ પુસ્તકવંડી-વાનમાં કેરાલાવાસીઓએ તેમના ઘરમાં રહેલાં ‘આપવાલાયક’ પુસ્તકો-વસ્તુઓનું દાન કરી દીધું. બળી ગયેલાં ૫૦૦૦ પુસ્તકોને બદલે જોતજોતામાં ૧૦,૦૦૦થી પણ વધુ પુસ્તકો ‘ભેંટ રૂપે’ લાઈબ્રેરીમાં પાછા ફર્યા.

    આને ‘વાંચે અને વંચાવે કેરાલા’ મિશન કહી જ શકાય એમાં કોઈ શક ખરો?

    હવે બોલો, કોઈક લાઈબ્રેરી બળે એની રાહ જોવાની આપણે જરૂર ખરી?- આમ તો સૌ ગુજરાતીઓ પણ પુસ્તક-યજ્ઞમાં ફાળો ‘દઈ દેવામાં’ માસ્ટર દાનવીરો છે. પણ દેવું કરીને પુસ્તક આપવામાં કોઈ માસ્ટર હોય તો કે’જો.

    મર્સી મોરલો:

    જૂની કહેવત: આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું. નવી કહેવત: લાઈબ્રેરી બળે ત્યારે પુસ્તક દેવા જવું.

    થોડાં અરસા પહેલા એક સુપર-માર્કેટમાં સુપર્બ ઘટના જોઈ.

    ત્યાંના કેશ-કાઉન્ટર પર મારી આગળ એક જુવાનીયો હાથમાં અડધો લિટર દૂધનું પેકેટ લઈને ઉભો હતો. (પીઠ પર ભરાવાતી હેવસેક બેગમાંથી નીકળતી લાંબી ફૂટપટ્ટીથી કદાચ એમ કહી શકું કે એ સ્ટુડન્ટ આર્કીટેક્ટનો હશે.)

    કેશિયરે ચુપચાપ તેનું પેકેટ સ્કેન કરી બિલનાં સાડા ચાર પાઉન્ડની મૂક માંગણી કરી. જુવાને તેના ખિસ્સામાંથી એક-એક પાઉન્ડનાં ચાર સિક્કા અને અડધા પાઉન્ડનો એક સિક્કો તેના હાથમાં મુક્યા.

    પણ ત્યાં જ... કાઉન્ટરની નજીક સૂટમાં ઉભેલો (મેનેજર લાગતો) એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કેશિયરને બિલ હોલ્ડ કરવા જણાવ્યું. પછી મને કહ્યું કે "માફ કરશો માત્ર ૨-૩ મિનીટ્સ મોડું થશે. તમને વાંધો ન હોય તો........એમ કહી પેલા જુવાનને બાજુ પર લઇ ગયો. બે મિનીટ બાદ, એ મેનેજરનાં હાથમાં દૂધનાં બીજાં ત્રણ પેકેટ્સ, બ્રેડ-બટરનું એક મિડીયમ સાઈઝ પેક, અને અડધો કિલો એપલનું પેક લઈને પાછો એ જુવાન પાસે આવ્યો અને કહ્યું:

    "મને ખબર છે, મહિનાના આખરી દિવસો છે એટલે પૈસાની ખેંચ હોય એ સામાન્ય બાબત છે. પણ ધ્યાન રહે કે પૈસા કરતા પણ તારા જેવા સ્ટુડન્ટની હેલ્થ વધારે મહત્વની છે. આટલું જરૂરી લાગે તો તેનું પેમેન્ટ પછી કરજે. કોઈ ઉતાવળ નથી. અહીં મારા એકાઉન્ટમાં હું 'જમા'રાખું છું. જો હજુયે બીજું કાંઈ જોઈતું હોય તો મને બોલ."

    પેલો સ્ટુડન્ટ શું બોલે?

    જરૂરી થોડું છે કે આવી દરેક નાનકડી ઘટનાઓ 'બ્રેકિંગ ન્યુઝ' તરીકે બહાર આવે? જ્યાં 'ફાઉન્ડેશન' વિશે ભણવાનું હોય ત્યાં આવાં જુવાનીયાઓને તેનો 'પ્રેક્ટિકલ પાઠ' જોવા મળે ત્યારે તેમના દિમાગથી બનતા પ્રોજેક્ટ્સની આવરદા લાંબી તો ખરી, બહુ ઉંચી પણ થવાની, ખરું ને?

    'પૌષ્ટિક પંચ:

    "દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક 'H E L P', જે ક્યારેય પણ...કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગોમાં એનકેશ થઇ શકે છે. હાલોપ !!!!!"

    ન્યુયોર્કની એક ભરચક સબ-વે ટ્રેઈનમાં એક બાઈ (જે મૂળ ફ્રાંસની છે.) રંગબેરંગી ગુલાબો વેચી રહી છે.

    એક ખરીદાર તેની પાસે આવી પૂછે છે કે" આ ટોપલામાં કૂલ કેટલાં ગુલાબ છે, અને તું આ એક ગુલાબ કેટલામાં વેચે છે?" - "૧૪૦ જેટલાં છે. તેને હું એક ૧ ડોલરમાં વેચું છું." - બાઈ જવાબ આપે છે.

    "લે આ મારા ૧૫૦ ડોલર્સ. મને દસના ચેન્જ ન આપીશ. ને હવે આ બધાં જ ગુલાબોને વેચીશ નહિ, પણ ટ્રેઈનમાં રહેલાં ૧૪૦ મુસાફરોને વ્હેંચી દેજે...સાવ મફતમાં !!! એમ સમજજે કે આજે ખુશીનો દિવસ છે. ઓકે? "

    - બોલી પેલો અજાણ્યો મુસાફર ભીડમાં ક્યાંક અલોપ થઇ જાય છે. હવે એક તરફ ગુલાબ વેચતી આ બાઈના હાથમાં ડોલર્સ આવ્યા છે. બીજી તરફ આંખોમાં ખુશીના મૂલ્યવાન આંસુઓ ટપકી રહ્યા છે. ને મોં માંથી નાનકડી બૂમ પડી રહી છે. "લઇ લો આ ગુલાબો હવે.....સાવ મફત !!!" –

    ને ત્રીજી તરફ ત્યાં હાજર રહેલાં મુસાફરોનાં ચહેરાઓ પર હાસ્ય ફરી વળ્યું છે. 'રોઝ' જેવી અનેક વસ્તુઓ દ્વારા ચંદ સેકન્ડ્સમાં આવી 'રોજી' વાળી સેંકડો ઘટનાઓ દુનિયામાં લાખો લોકોની વચ્ચે 'રોજ' ક્યાંકને ક્યાંક બનતી જ રહેતી હશે. કેમ કે 'હેપીનેસ' છે જ એવું સુગંધીદાર કે તેની વાઈરલ અસર ફેલાતી રહે છે ! ખરું ને? - તો

    દોસ્તો, હવે બોલો 'રોઝી'રોટી' યુક્ત આવી કોઈક ઘટના આજે તમને પણ ખુશી નામના વાઈરસ સાથે ફેલાવવી ગમશે?

    સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233