Prem-5 in Gujarati Magazine by Dinesh Desai books and stories PDF | Prem-5

Featured Books
Categories
Share

Prem-5

પ્રેમ-5

દિનેશ દેસાઈ

જિંદગીમાં પ્રેમ અને ભક્તિ અહંકારથી મુક્ત હોય

00000000000000000000000000000000000000000000000000000000000000

એબાઉટ ધીસ બૂક

બે વ્યક્તિ વચ્ચે ઈગો ઉભો થાય ત્યારે અહમ અને મમત્વની લડાઈ શરુ થઈ જાય છે. વિકલ્પ બે છેઃ યા તો તમે કોઈ વ્યક્તિ ઉપર શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ રાખો અથવા તમે તેને કાયમ સંશય યા શંકાની નજરે જ જુઓ. જ્યારે સંશય રાખો છો ત્યારે તમે સામી વ્યક્તિને ગુમાવી દો છો. ભરોસો, શ્રદ્ધા યા વિશ્વાસ બે વ્યક્તિને જોડી રાખવાનું કામ કરે છે.

00000000000000000000000000000000000000000000000000000000000000

ઓશોએ કહ્યું છે કે “પ્રેમમાર્ગ તો સાવ સીધો અને સરળ છે. એમાં કોઈ કંટક કે પથરાવ પણ નથી. પ્રેમમાર્ગમાં જો કોઈ મોટી અડચણ યા અવરોધ હોય તો એ પ્રેમસંબંધમાં બે વ્યક્તિનો અહંકાર છે.”

બે વ્યક્તિ વચ્ચે ઈગો ઉભો થાય ત્યારે અહમ અને મમત્વની લડાઈ શરુ થઈ જાય છે. જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય તેની તમે ટીકા કરી શકો? એનું તમે બુરું બોલી શકો? એનું તમે ખરાબ કરી શકો? જેને તમે પ્રેમ કરો છો, એના દુશ્મનોને તમે ગળે લગાવી શકો? જેને તમે ચાહો છો એનું ગમતું કરો કે એને ન ગમતું હોય એ પહેલું કરો? પોતાના પ્રિયજનની ખુશીમાં પોતાની ખુશી સમજવી એને શું શરણાગતિ કહેવાય?

મનમાં કોઈ પણ પ્રકારના સંશય રાખ્યા વિના પ્રિયજનની મરજી મુજબ રહેવું અને એને ગમે એમ કરવું, એ વાત જો શરણાગતિ કહેવાતી હોય તો ભગવાન શ્રીકૃષ્ણે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને સંબોધીને એમ કહ્યું છે કે “સર્વધર્માન પરિત્યજ્યે મામેકમ્ શરણમ્ ભજઃ” અર્થાત્ “બધા ધર્મ (બધા સંશય)નો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ.”

શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકમાં કહ્યું છે કે “સંશયાત્મા વિનિશ્યન્તિઃ” અર્થાત સંશય કરનારનો અવશ્ય નાશ થતો હોય છે. તમે જેના ઉપર વિશ્વાસ રાખો છો, એના ઉપર જ સંશય શા માટે? વિકલ્પ બે છેઃ યા તો તમે કોઈ વ્યક્તિ ઉપર શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ રાખો અથવા તમે તેને કાયમ સંશય યા શંકાની નજરે જ જુઓ. જ્યારે સંશય રાખો છો ત્યારે તમે સામી વ્યક્તિને ગુમાવી દો છો. ભરોસો, શ્રદ્ધા યા વિશ્વાસ બે વ્યક્તિને જોડી રાખવાનું કામ કરે છે.

તમે જેની સાથે રહેવા માગો છો અથવા તમે જેનો સાથ-સંગાથ પસંદ કરો છો, એની ઉપર જ શંકા-સંશય રાખો, તો એ સંબંધ કેવો? એવા સંબંધનું કોઈ મૂલ્ય ન હોઈ શકે. પ્રિયજન પ્રત્યે સમર્પણભાવે પ્રેમ એટલે પરસ્પર આદર અને વિશ્વાસ સાથે શરણાગતિનો ભાવ. આવો ભાવ પવિત્રતાથી છલોછલ હોય છે. આવો ભાવ જ દરેક સંબંધને પવિત્ર અને મહાન બનાવે છે. સંબંધમાં શ્રદ્ધા ઉમેરાય છે ત્યારે એ સંબંધ પૂજા જેટલો પવિત્ર બની જાય છે.

જો સંબંધની આડે તમારો અહંકાર આવશે તો સંબંધની ગરિમા પણ રહેશે નહીં અને સંબંધ પણ અકબંધ રહેવાના બદલે તૂટી જશે. માત્ર પ્રેમસંબંધ જ નહીં, આજના સમયમાં કોઈ પણ સંબંધમાં અથવા તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેની સમસ્યા ઈગો-અહંકાર છે. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેનું નજીકમાં નજીકનું અંતર એટલે પ્રેમ અને આવી બે વ્યક્તિ વચ્ચે અંતરની ખાઈ કે દીવાલ ઉભી કરનાર પરિબળ એટલે ઈગો.

આજના સમયની કમનસીબી એ પણ છે કે માણસ સંબંધ તોડવા અને છોડવા તો તૈયાર થાય છે, પણ પોતાનો ઈગો તોડવા કે છોડવા તૈયાર થતો નથી. માણસ ઈગો સાથે જન્મ પામતો નથી પરંતુ માણસ પોતાના ઈગો સાથે મૃત્યુ અવશ્ય પામે છે. માણસ છેક છેલ્લા શ્વાસ સુધી, મરણ સુધી પોતાનો અહંકાર છોડવા માગતો હોતો નથી.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. અર્જુનના સારથિ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા. અર્જુન જ્યારે કર્ણ ઉપર તીર ચલાવે ત્યારે કર્ણનો રથ બહુ દૂર સુધી પાછળ ખેંચાઈ જતો. બીજી તરફ જ્યારે કર્ણ અર્જુન સામે તીર છોડે ત્યારે અર્જુનનો રથ માત્ર સાત પગલાં જેટલો જ પાછળ ખેંચાઈ જતો.

આ દરેક વખતે સારથિ શ્રીકૃષ્ણ તો અર્જુનની તીરંદાજીની પ્રશંસા કરવાના બદલે બાણાવળી કર્ણની તીરબાજીની પ્રશંસા કરતા કહેતા કે “જુઓ, આ કર્ણ કેટલો વીર યોદ્ધા છે કે જે આપણા રથને સાત પગલાં જેટલો પાછળ પાડી દે એવી તીરંદાજી કરે છે.”

દર વખતે અર્જુનને નવાઈ લાગતી કે ભગવાન પોતાના વખાણ કરવાના બદલે સામેવાળાના વખાણ કેમ કરે છે. એક વાર તો અર્જુને પુછી જ લીધું કે “હે, ભગવન વાસુદેવ, તમે આવો પક્ષપાત કેમ કરો છો, મારા પરાક્રમની અને મારી તીરબાજીના કારણે કર્ણનો રથ કંઈ કેટલોય પાછળ ચાલ્યો જાય છે, એ વાતના વખાણ કરવાના બદલે મારા હરીફ એવા આ કર્ણના તીરથી તો આપણો રથ ફક્ત સાતેક પગલાં જ પાછો ખસી જાય છે, એની તમે તો વાહવાહી કરી રહ્યા છો.”

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જવાબ આપતા કહ્યું કે “હે, પાર્થ, ધનુર્ધર... તને ખબર જ નથી કે તારા રથ ઉપર તો સ્વયં મહાવીર મહાબલિ હનુમાન બિરાજમાન છે. એટલું જ નહીં, સ્વયં વાસુદેવ, ભગવાન વિષ્ણુ એટલે કે હું પોતે જગતનિયંતા પણ બિરાજમાન છું. આમ અમે બેઉ હોવા છતા તારો આ રથ કર્ણના બાણના હુમલાથી કેવળ સાતેક પગલાં જ પાછળ ખસી જાય છે. આથી જ કર્ણની પ્રશંસા કરવાનું મન થાય કે તે કેવો મહાન બાણાવળી છે કે રથ ફક્ત આટલો જ ખસી જાય છે. મહાબલિ અને વાસુદેવ હોવા છતા પણ રથ આટલો પણ ચલિત કરાવી દે એ કર્ણ કેવો મહાન વીર યોદ્ધો છે, એ વાતનો પુરાવો છે. જો અમે બેઉ રથમાં હાજર ન હોત તો તારા આ રથનું તો કોઈ અસ્તિત્વ જ રહ્યું ન હોત અને રથ ભસ્મીભૂત થઈ ગયો હોય.”

આ વાત સાંભળીને અર્જુનને પોતાની નિમ્નતા અને નીચી વિચારધારા ઉપર દુઃખ થયું. આ હકીકત યુદ્ધ સમાપ્ત થયું ત્યારે અર્જુન વધુ સારી રીતે સમજી શક્યો. વાત એમ હતી કે મહાભારતનું યુદ્ધ સવારથી સાંજ સુધી ચાલતું. દરરોજ સાંજે યુદ્ધવિરામ થાય ત્યારે રથના સારથિ શ્રીકૃષ્ણ રથ ઉપરથી પહેલા ઉતરતા અને સારથિધર્મ નિભાવીને અર્જુનને રથ ઉપરથી નીચે ઉતરવામાં સહાય કરતા.

યુદ્ધનો છેલ્લો દિવસ હતો અને યુદ્ધ જીતાઈ ગયું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અત્યાર સુધીની પરંપરા તોડીને અર્જુનને રથ પરથી પહેલા ઉતરીને રથથી દૂર ચાલ્યા જવા માટે આહવાન કર્યું. ત્યાર બાદ ભગવાન જેવા રથ ઉપરથી નીચે ઉતર્યા કે તુરંત અર્જુનનો રથ ભસ્મીભૂત થઈ ગયો. અર્જુન તો દૂર ઉભા રહીને દિગ્મૂઢ બનીને આ જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી રહી હતી.

ભગવાનની નજીક પહોંચીને અર્જુને વાસુદેવને ચરણસ્પર્શ કર્યા. અર્જુનના ચહેરા ઉપરનું આશ્ચર્ય વાંચીને ભગવાને તેના સંશયનું સમાધાન કરતા કહ્યું કે “હે ધનુર્ધર, તારો રથ તો ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા વીર યોદ્ધાઓના દિવ્ય અસ્ત્રોથી ક્યારનોય નષ્ટ અને ભષ્મીભૂત થઈ જ ગયો હતો. આ તો મારા સંકલ્પબળ થકી મેં તારા રથને યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી જીવિત રાખ્યો હતો.”

આ વાત સાંભળીને પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચી રહેલા અર્જુનનું અભિમાન પણ ભાંગીને સાવ ભૂક્કો થઈ ગયું. તેનો અહંકાર ક્યાંય ઓગળી ગયો. તે પોતાનું સાન-ભાન બધું ભુલીને ભગવાનના ચરણમાં નમી પડ્યો. અહંકાર અને અભિમાનનો ત્યાગ કર્યા પછી હવે તે પોતાને બિલકુલ ભારરહીત અનુભવી રહ્યો હતો.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રવણપાઠનો સારાંશ એ જ કે આપણે સૌ નિમિત્તમાત્ર છીએ અને દુનિયાનો દોરીસંચાર ઉપરવાળાના હાથમાં જ હોય છે. આ જ છે ગીતાજ્ઞાન. માણસ પોતાનું અભિમાન અને અહંકાર છોડી શકતો નથી એ પણ જિંદગીની કઠોર સચ્ચાઈ છે.

મીરાંબાઈએ ગાયું છે કે “એ રી, મેં તો પ્રેમદીવાની, મેરો દરદ ન જાને કોઈ...” પ્રેમ દીવાનાપન સિવાય સંભવે નહીં અને પ્રેમનું દર્દ તો પ્રેમ કરનાર સિવાય બીજા કોઈને ક્યાંથી સમજાય. પ્રેમની વાત નિરાળી છે.

“માંહી પડ્યા તે મહાસુખ માણે...” એમ કહેવાય છે. પરંતુ કવયિત્રી અમૃતા પ્રિતમ તો કહે છે કે “પ્રેમ તુમ્હેં દર્દ દેગા, ઔર દર્દ કે સિવા કુછ ન દેગા. અગર દર્દ પાના ચાહતે હો તો પ્રેમ કર કે દેખ લો.”

પ્રેમમાં એકમેકનો સ્વીકાર અગત્યનો છે. માત્ર પ્રેમમાં જ નહીં, કોઈ પણ સંબંધમાં એકબીજાનો સ્વીકાર યાને એકમેકના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર જરુરી છે. કોઈ વ્યક્તિનો સમગ્ર સ્વીકાર અથવા અસ્વીકાર હોય. કોઈ વ્યક્તિ થોડી કે અડધી ગમે એવું ન હોય. સ્વીકાર થયા પછી આત્મીયતા પણ જરુરી છે. એકબીજાની ખામી અને ખુબીઓનો સ્વીકાર આત્મીયતા વિના શક્ય નથી. આત્મીયતા ન હોય ત્યાં અપનાપન ક્યાંથી આવે?

તમને તમારી ગમતી વ્યક્તિ માટે લાગણી છે, એવું માત્ર શબ્દોમાં જ નહીં, વ્યવહારમાં પણ એકબીજાને અનુભવાય તો જ એવી લાગણીની સાર્થકતા. ફક્ત શબ્દોના સાથિયા પુરવાથી સંબંધ ક્યારેક કરમાઈ પણ જાય છે. વાણી, વર્તન અને વ્યવહારમાં એકબીજાને એ વાતનો અહેસાસ થવો જ જોઈએ કે તમે એકબીજાની પરસ્પર કેટલી કાળજી લો છો અને દરકાર યા નિસબત રાખો છો.

કાળજી, દરકાર, નિસબત યાને કેર એન્ડ કન્સર્નનું એક ઉદાહરણ ભગવાન શ્રીરામે પુરું પાડ્યું છે. માત્ર કહેવાથી લાગણી અનુભવાય નહીં. વાણી, વર્તન અને વ્યવહારમાં પણ એવી લાગણી ઉપસી આવવી જોઈએ. ભગવાન શ્રીરામ, સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ વનવાસ દરમિયાન ચિત્રકૂટ પર્વત તરફ ચાલીને જઈ રહ્યા હતા. જંગલનો માર્ગ તો પથરાળ અને કાંટાળો જ હોય. એવામાં એક કાંટો ભગવાનના પગમાં ખુંપી ગયો. ભગવાનને વેદના પણ ખુબ થઈ.

વેદના વિસરીને ભગવાને હાથ જોડીને ધરાને કહ્યું કે “હે ધરતીમા, મારી એક વિનમ્ર પ્રાર્થના છે, એનો સ્વીકાર કરશો?”

ધરતી માતા બોલી ઊઠ્યાં કે હે રાજન, હે પ્રભુ, આપ પ્રાર્થના નહીં પરંતુ આ દાસીને આજ્ઞા કરો.

શ્રીરામે કહ્યું કે “મા, મારી બસ એક જ વિનંતી છે કે જ્યારે મારા લઘુબંધુ ભરતજી જ્યારે મને શોધતા શોધતા આ માર્ગ પરથી પસાર થાય ત્યારે તમે નરમ થઈ જજો, આટલા કઠોર ન રહેશો. થોડી ક્ષણો માટે તમે આ પથરા અને કંટકો તમારા ખોળામાં સમાવી લેજો. મને ભલે કાંટા ભોંકાય, પરંતુ મારા ભરતના પગમાં કશું પણ વાગે નહીં, એનું ધ્યાન રાખજો.”

ભગવાનની આ વિનંતી સાંભળીને ધરતી માતાને ભારે આશ્ચર્ય થયું. તેમણે પોતાનું આશ્ચર્ય રોકી રાખવાના બદલે પુછી જ લીધું કે “હે ભગવન, મને માફ કરજો પણ પુછ્યા વિના હું રહી શકતી નથી કે શું ભરતજી આપના કરતા પણ વધુ કોમળ અને નાજુક છે? કેમ કે આપ જો આવો કઠોર પથ સહજતાથી સહન કરી ગયા તો શું ભરતજી આ પથરાળ અને કાંટાળો પથ પસાર નહીં કરી શકે? એમના માટે આપ આટલા બધા વ્યાકુળ કેમ છો?”

ભગવાન પ્રત્યુત્તર આપતા બોલ્યા કે “નહીં, નહીં, માતા, આપ મારા કહેવાનું હાર્દ કદાચ બરાબર ગ્રહણ કર્યું નથી. ભરતજીને જો કાંટો ભોંકાશે તો એ કાંટો તેના પગના તળિયાને નહીં, તેના હૃદયને વાઢી નાખશે.”

ધરતી માતાએ જિજ્ઞાસાવશ પુછ્યું કે “હે પ્રભુ, હૃદય વાઢી નાખશે, એવું કેવી રીતે?”

ભગવાને ધરાની જિજ્ઞાસા સંતોષતા પ્રત્યુત્તર વાળ્યો કે “ભરતજી પોતાની પીડાથી દુઃખી થઈ જશે, એવું નહીં. તે તો એવા વિચારમાત્રથી જ દુઃખી થઈ જશે કે પોતાના મોટા ભાઈને આવા પથરાળ માર્ગો પરથી પસાર થવાનું આવ્યું અને આ કંટકોની શૂળવેદના પોતાના મોટા ભાઈ રામને પણ અનુભવાઈ હશે. હકીકત તો એ છે કે મારો ભાઈ ભરત કલ્પનામાં પણ મને પીડા થાય તો સહન કરી શકતો નથી. આથી મેં આપને અનુરોધ કર્યો કે જ્યારે મારા ભ્રાતા મારી શોધમાં અહીં-તહીં ફરતા ફરતા અહીં આવી ચઢે ત્યારે તમે કમળની પાંદડીઓ સમાન કોમળ બની જજો અને બધી કઠોરતા એટલા સમય પુરતી પોતાની ભીતર છુપાવી લેજો.”

ભગવાન શ્રીરામનો આ પ્રેરક પ્રસંગ ખરેખર આપણને માનવસંબંધની ઉષ્મા-સુષ્મા અને ગરિમા શીખવી જાય છે. સંબંધ કોઈ પણ હોય, તે ભાઈ-ભાઈ વચ્ચે હોય, ભાઈ-બહેન વચ્ચે હોય કે પતિ-પત્ની યા પ્રિય અને પ્રિયા વચ્ચેનો હોય, એમાં સંબંધની સચોટતા ભીતરનો અહેસાસ અને આત્મીય અનુભૂતિ હોય તે અનિવાર્ય છે. અંતરનો અહેસાસ હોય તો જ કોઈ પણ સંબંધ ટકી જાય છે યા તો પછી તૂટી જાય છે.

સંબંધનું ઊંડાણ યા સર્વોપરિતા ન હોય તો એવા સંબંધ માત્ર વ્યવસાયિક સંબંધ યા લેવડદેવડ પુરતા મર્યાદીત બનીને રહી જાય છે. એમાં બેઉ પક્ષે કોઈ પ્રકારની ઉષ્મા કે સુષ્માનો અનુભવ આવતો નથી. આથી જ તો કહેવાય છે ને કે સંબંધ માત્ર લોહીના સંબંધ નથી હોતા, સંબંધ મૈત્રી કે વ્યવહાર કે સંપર્કથી પણ સ્થપાતા હોતા નથી. સંબંધ માત્ર અહેસાસથી જ બંધાય અને વિકસે છે. સંબંધ ફક્ત અહેસાસના આધારે જ બને અને દીર્ઘકાળ સુધી ટકી રહે છે. આત્મીયતા ન હોય ત્યાં અપનાપન યાને પોતાનાપણું પણ આવતું નથી.

સ્ટોપરઃ-

સંબંધની સંજીવની એટલે અંતિમ શ્વાસ સુધી વિશ્વાસ.