સુખ !! ત્રીજું પરિમાણ
.............................
- વિપુલ રાઠોડ
થોડામાં ઝાઝું : મોટા ખુલ્લા પટમાં અડબાઉ ઝાડીઝાંખરા વચ્ચે નીચી વંડીથી રક્ષિત કરવામાં આવેલું નળીયાવાળું કાચું મકાન, મકાન નહીં પણ ઝૂંપડું કહેવું પડે તેવા આ ખસ્તાહાલ ઘરને ટાઢક આપતો અડીને જ અડિખમ ઉભેલો લીમડો. ફળીયામાં અર્ધનગ્ન હાલતમાં કલબલાટ કરતાં બે ટાબરીયા, એક ખૂણામાં વાસણ માંજવા અને કપડા ધોવા માટે બનાવવામાં આવલી સિમેન્ટની ચોકડી, પડખે પાણીની બે નાની-નાની ટાંકી, કાચા ફળીયામાં આડેધડ ઉગાડવામાં આવેલા નાના મોટા છોડવા... કોઈ ગામડાનાં લેન્ડસ્કેપ ફોટો જેવું આ દ્રશ્ય જોતા જ એવું લાગે કે જાણે સોળે શણગાર સાથેની દુલ્હન પહેલી રાત્રે તમામ વસ્ત્ર, શણગાર ઉતાર્યા પછી નૈસર્ગિક સુંદરતા ધારણ કરી ચુકી છે. આમ જોઈએ તો એ ઘરમાં કંઈ જ નથી અને કંઈ જ નથી તેમાં જ તેની સુંદરતા છે. આ મકાન જોતા જ પહેલો વિચાર એવો આવી જાય કે કાશ આપણે આવા ઘરની મોજ માણી શકીએ... કાશ કંઈજ ન હોવાની બેપરવાઈથી આપણે પણ જીવી શકીએ... કાશ, તમામ દુનિયાદારી છોડીને આપણે પણ અંદર રહેતા પરિવારની જેમ ખુશી-ખુશી જીવી શકીએ... બસ આવા જ કંઈક વિચારોમાં આભાસ પોતાનાં ઘરમાંથી સામેનાં એ ઝૂંપડાને એકીટસે જોતા-જોતા ખોવાઈ ગયો હતો. ત્યાં સામેના એ ઝૂંપડા જેવા ઘરમાંથી એક દૂબળો પાતળો પીઢ યુવાન ફળીયામાં આવ્યો. દૂરથી પણ તેના કપડા મેલાધૂપ દેખાતા હતાં.ત્યાં દિવાલનાં ટેકે પડેલી સાયકલ તેણે હાથેથી હંકારીને વ્હીલથી જ ઝાપલીને ઠેલો મારી સાયકલ બહાર કાઢી. બહાર આવીને તેણે સાયકલ પોતાની કમરનાં ટેકણે ઉભી રાખી અને ગજવામાંથી બીડી કાઢી જેગવી અને ઉપર નજર કરી. આભાસ અને તેની નજર ક્ષણભર માટે એક થઈ...
...........................................
પુષ્કળમાં પરાકાષ્ઠા : હજી એકાદ વર્ષ પહેલા જ બનેલો આલિશાન બંગલો પોતાની આસપાસનાં ખાલી પ્લોટમાં જાણે રાજાશાહી ભોગવતો હોય તેમ ઉભો છે. તેનો રજવાડી દરવાજો અને એ ગેઈટની ઝાળીમાંથી અંદર ચોગાનમાં પાર્ક કરવામાં આવેલી વૈભવી મોટરકારો આ મકાનનાં માલિકની સમૃદ્ધિમાં જાણે રોનક વધારનારી છે. પ્રમાણમાં નીચી એવી દિવાલો ઉપરથી હવે અંદર બગીચામાં ઉગાડવામાં આવેલા વૃક્ષો ડોકીયા કરવાં લાગ્યા છે. જેમ જેમ આ વૃક્ષો મોટા થશે તેમ અંદરની ઈમારતનો બાહ્ય દેખાવ ઢંકાતો જશે અને ઘૂંગટો તાણીને બેઠેલી પરિણિતાનાં દેખાતા અડધા ચહેરાની જેમ વધુને વધુ સુંદર દેખાશે એ નક્કી છે. અત્યારે સીધી નજર સામે દેખાતી આ ઈમારતનાં ઉપલા મજલે આરસથી મઢેલા સ્તંભ ઉપર લટકતા લાગે તેવા બે ઝરૂખા જાણે એક સુંદર ચહેરા ઉપર અણીયાળી કામણગારી આંખ જેવા લાગે. ઈમારતની વચ્ચોવચ ઉપલા માળથી પણ ઉંચો વિશાળ મુખ્યપ્રવેશ દ્વાર. જાણે સુડોળ અને લાંબુ નાક ! કિંમતી લાકડાથી બનેલો તેનો નક્શીદાર દરવાજો દૂરથી પણ આંખને ચોટડુંક કરી દે તેવો છે. ઉપરનાં માળે જમણી તરફનાં ઝરુખામાં એક માણસ એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં સિગારેટ લઈને આમતેમ આંટાફેરા કરે છે. તેના પગ પાસે એક વિદેશી પાળીતું કૂતરું પણ તેનાથી વિરોધી દિશામાં હરફર કરે છે. એ માણસની આરામભરી ધીમી ચાલ જોઈને લાગે છે કે તેને કોઈપણ પ્રકારનો રઘવાટ કે ઉચાટ નથી. એકદમ શાંતિ હશે તેના જીવનમાં ! તેનો બંગલો તો તેની સમૃદ્ધિની સાક્ષી પુરાવે જ છે. તે પોતાની જીંદગીમાં પોતાનું ધાર્યુ બધું જ કરી શકતો હશે તેવું ધારી શકાય. જો સુખ ક્યાય હોય તો આવી સંપન્ન જીંદગીમાં જ હોય ! ગંગાધર પોતાના ઘરની સામેનાં બંગલો ઉપર નજર કરતાં આવા વિચારોમાં હતો. આ સપના જેવી જીંદગીમાં પોતે કેવો આનંદ ભોગવી શકે તેની કલ્પનાનાં તરંગોમાંથી સ્થિર થાય તે પહેલા જ ઉપરનાં માળે સિગારેટનાં ધૂંમાડા કાઢતા ચાની ચુસ્કીઓ માણી રહેલો માણસ પોતાની કિંમતી કાર હંકારી મેઈનગેટમાંથી બહાર નીકળ્યો. કાર ચલાવતાં તેણે આ તરફ નજર કરી... અને નીકળી ગયો. તેનાં ગયા પછી ચોકીદારે ગેઈટ બંધ કર્યો અને સાથોસાથ જાણે ગંગાધરનાં સપના ઉપર પણ પડદો પડી ગયો !
...................................................
અસહ્ય અભાવ : ગંગુએ પોતાના ઝૂંપડાની બહાર નીકળીને સામેનાં જ પ્લોટમાં બનેલા આલિશાન મહેલ જેવા બંગલો ઉપર નજર કરી. હંમેશની માફક ફરીથી ઉંડે-ઉંડે મનસ્તાપ ભભૂકી ઉઠ્યો. વિચિત્ર પ્રકારની ઈર્ષા થઈ આવી. આવા અને કદાચ આના કરતાં ય ભવ્ય મહેલ જેવું મકાન પોતાની પાસે હોય તો કેવી મોજ હોય જીવનમાં ! પણ ઘરનું બારણું ખુલે કે તરત જ પોતાની પાસે જે નથી તે સામે જ દેખાતું હોવાથી ગંગુ લઘુતામાં મુંજારો અનુભવતો. તેણે નાનકડી વંડીવાળા ફળીયામાંથી પોતાની ખખડધજ સાયકલ હાથેથી હંકારીને ઝાપલીને ઠેલો મારી બહાર કાઢી. સાયકલને પોતાની કમરનાં ટેકે ઉભી રાખી અને પોતાના થીગડાધારી ડગલાનાં ગજવામાંથી છેલ્લી બચેલી બીડી કાઢી સળગાવી અને ફરીથી સામેનાં બંગલો તરફ જોતા જોતા બીડીનાં ઉંડા કશ ખેંચતો રહ્યો. સામે ગેલેરીમાં આટા મારતાં શેઠીયાને જોઈને પોતે વિચારતો હતો કે તે પણ શહેરમાં રૂપિયાવાળો જ બનવા આવ્યો હતો પણ સમય સાથ આપ્યા વગર ક્યારે સરકી ગયો, ગંગાધર ક્યારે ગંગુ બનીને રહી ગયો તેની તેને જાણ જ ન રહી. કાળી મજૂરી કરીને તે જેટલી કમાણી કરે છે એટલો ખર્ચ તો કદાચ સામેવાળો શેઠ પોતાના કૂતરા માટે કરતો હશે. જો આજે પગાર નહીં થાય તો કાલ ખાવાનાં સાંસા પડી જશે તે ચિંતામાં ઉભો હતો. ત્યાં જ સામેનાં બંગલોમાંથી એક મોંઘી કાર બહાર આવી. તેને ચલાવનાર સામેનાં બંગલોનો માલિક જ હતો. ગંગુને પોતાના વિચારમાં ધ્યાન નહોતું રહ્યું કે એ શેઠ ક્યારે ગેલેરીમાંથી નીચે ઉતરીને આવી ગયો હશે! કારમાં જતાં જતાં એ શેઠીયાએ ગંગુ તરફ નજર કરી... અને આગળ નીકળી ગયો. ગંગુએ પણ સાયકલ હંકારી દીધી.
.....................................
તવંગર દીનતા : મોડી રાત સુધી બેચેન રહેલો આભાસ સવારે પણ કોઈ ઉચાટ સાથે વહેલો ઉઠી ગયો હતો. રોજની માફક આજે પણ પત્નીએ આપેલો ચાનો કપ લઈને તે પોતાના ઘરની ગેલેરીમાં આવીને સિગારેટ સાથે ચાનું કોમ્બીનેશન માણવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ આજે પહેલી સિગારેટ અને ચામાં તેને કરન્ટ નહોતો લાગતો. તેને ટેન્શન હતું કે જો તેણે હાલમાં જ લીધેલી એક જમીનનો સોદો આજે પુરો નહીં થાય તો નોટીસો ઉપર નોટીસો ફટકારી ચુકેલી બેન્ક હવે તેને ફાડી ખાવાની છે. આટલું જ નહીં કન્સ્ટ્રકશનની સાઈટનું કામ ચાલુ રાખવા માટે હાથઉછીના અને વ્યાજે લીધેલા પૈસા માગવાવાળા પણ ઉતાવળ કરી રહ્યા છે. ગેલેરીમાં રોજની માફક પોતાના ડોગી સાથે તે હરફર કરી રહ્યો છે અને વિચારે છે કે સાલો આ નવો બંગલો બનાવ્યો ત્યારથી જ માઠી બેઠી છે !! આ વિચાર આવતાં જ તેનું ધ્યાન સામેની ખાલી જમીનમાં ઉભેલા ઝૂપડા ઉપર ગયું. સ્મશાનવૈરાગ આવ્યું હોય એમ તેને લાગ્યું કે આ લોકોને છે કોઈ ચિંતા? કેવી શાંતિની જીંદગી. તે હજી આવા વિચારોમાં પરોવાયેલો હતો ત્યારે જ સામેનાં ઝૂંપડામાંથી એક માણસે સાયકલ બહાર કાઢી અને બહાર આવીને બીડી પીવા લાગ્યો. આભાસનું ધ્યાન તરત જ પોતાની વિદેશીબ્રાન્ડની સિગારેટ ઉપર ગયું અને તેને લાગ્યું કે આનાં કરતાં તે માણસની બીડીમાં નશો વધું હશે ! અચાનક પોતાના રૂમમાંથી મોબાઈલની રીંગ સંભળાતા તે અંદર ગયો અને મોબાઈલ ઉપાડ્યો. તેનાં કોઈ ઉઘરાણીવાળાએ ફોનમાં ભારે ગુસ્સો કર્યો હોવાથી આભાસ તેને રૂબરૂ સમજાવવા માટે ફટાફટ તૈયાર થઈ ગયો. દોડાદોડ તેણે પોતાની કાર બહાર કાઢી અને સેલ્ફ માર્યો. ચોકીદારે ગેઈટ ખોલી આપ્યો અને તેણે કાર બહાર કાઢી. આભાસનું ધ્યાન ફરીથી સામેના ઘર ઉપર ગયું. હજી પેલો માણસ ત્યાં જ ઉભો બીડી ફૂંકતો હતો. આભાસની નજર તેના ઉપર ગઈ. ફરીથી પોતાના વૈભવ કરતાં પેલા માણસની અછતની ઈર્ષા તેને થઈ આવી ! તેને પણ આવી રીતે ક્યાક જઈને શાંતિથી બાકીની જીંદગી કાઢી લેવાનો દંભી ભાવ જાગી ગયો. તે કાર ચલાવતો રહ્યો, થોડો આગળ નીકળ્યો અને સાઈડ મીરરમાં નજર કરી. પેલો માણસ સાયકલ લઈને જતો દેખાયો. તેને ફરીથી લાગ્યું કે આ કાર બેકાર છે. અસલ મજા તો પેલા ગરીબની સાયકલમાં હશે !!!
...................................