ડરના મના હૈ
Darna Mana Hai-25 ભોંયરાનું રહસ્ય
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
ગેસ્ટ હાઉસમાં દહેશતઃ
એ વર્ષ હતું ૧૮૩૭નું. અમેરિકાના ન્યૂ ઓર્લીન્સ શહેરના પૉશ વિસ્તાર ગણાતા રોયલ સ્ટ્રીટ ખાતે આવેલા એક ખાલી મકાનને નવો મકાનમાલિક મળ્યો. સસ્તામાં મળી ગયેલું ‘લલૌરી મેન્શન’ નામનું એ મકાન ત્રણ વર્ષ અગાઉ આગની ભયંકર ચપેટમાં આવી ગયું હતું અને ભારે નુકશાન પામ્યું હતું એની જાણ મકાન ખરીદનારને હતી, પણ સોદો સસ્તામાં પત્યો એટલે તે ખુશ હતો. મકાનમાં રંગરોગાન સહિતનું સમારકામ કરાવ્યા બાદ તેને રહેવાલાયક બનાવાયું. એ જમાનામાં યુરોપથી લોકો મોટી સંખ્યામાં અમેરિકા સ્થળાંતર કરી રહ્યા હતા. આવા લોકોને ઠરીઠામ થવા એ મકાન ભાડે અપાવા લાગ્યું. શરૂઆતમાં તો બધુ ઠીક ચાલ્યું પણ પછી ગડબડ શરૂ થઈ. મકાનના ભોંયતળિયે આવેલા કમરાઓમાંથી રાતે ચીસાચીસ સંભળાતી અને પોઢી ગયેલા મહેમાનોને જગાડી દેતી. તપાસ કરવા માટે કોઈ એ કમરાઓ તરફ જતું તો ભાગ્યે જ કંઈ દેખાતું. આવી રહસ્યમય ચીસાચીસને ભૂતાવળી બનતા વાર ન લાગી.
રાત્રી દરમિયાન મકાનના ભોંયતળિયેથી ઊઠતી કારમી ચીસો અને કલ્પાંતોનું પ્રમાણ વધવા લાગ્યું. એક રાતે એ ચીસોની તપાસ કરવા ઊઠેલા મહાશયને કંઈક એવું જોવા મળ્યું જેની તેણે કદી કલ્પના પણ નહોતી કરી. સાંકળોમાં જકડાયેલો એક હબસી યુવાન ભોંયતળિયે એક દિવાલ સરસો ઊભો હતો. તેના હાથ-પગમાંથી લોહી વહી રહ્યું હતું અને તેનો ઉપલો હોઠ તેના નીચલા હોઠ સાથે દોરી વડે સીવી દેવાયેલો હતો! આંખોમાં આંસુ સાથે તે સાંકળોથી છુટવા મથી રહ્યો હતો. બીજા એક મુસાફરને એક રાતે એક હબસી સ્ત્રી જોવા મળી જે સંપૂર્ણ નગ્નાવસ્થામાં હતી, તેના શરીરે ચાબુકના અગણિત ઉઝરડા પડ્યા હતા અને એ ઘાવમાંથી માંસના લોચેલોચા લબડી રહ્યા હતા. ત્રીજા મહેમાનને મધરાતે એક એવી સ્ત્રીનો ભેટો થયો જે ગર્ભવતી હતી, પણ એનું પેટ ચીરાઈ ગયું હતું. ચીરાયેલા પેટમાંથી બહાર પડું પડું થઈ રહેલા ગર્ભને તે બંને હાથો વડે પોતાના ગર્ભાશયમાંથી બહાર સરી જતો અટકાવવાની કોશિશ કરી રહી હતી!
‘લલૌરી મેન્શન’માં મધરાતે દેખાયેલા એ તમામ લોકો ભૂત હતા..! એકથી વધુ લોકોને દેખાયેલા એ ભૂતોને લીધે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ અને ગેસ્ટ હાઉસને બંધ કરી દેવું પડ્યું. ન્યૂ ઓર્લીન્સના લોકોને બિલકુલ નવાઈ ન લાગી કેમ કે તેઓ જાણતા હતા કે વહેલી મોડી આવી અજાયબ ઘટનાઓ એ મકાનમાં બનવાની જ હતી.
ભયાવહ ભૂતકાળનું સાક્ષી બનેલું ‘લલૌરી મેન્શન’
એ વર્ષ હતું ૧૯૩૧નું. ફિઝીશ્યન અને લેન્ડલોર્ડ ડો. લિયોનાર્ડ લુઈસ લલૌરી પોતાની પત્ની મેરી ડેલ્ફાઈ સાથે ન્યૂ ઓર્લીન્સ ખાતે એક વિશાળ મકાનમાં રહેવા આવ્યો અને એ મકાનને તેમણે ‘લલૌરી મેન્શન’ નામ આપ્યું. લિયોનાર્ડ મેરીનો ત્રીજો પતિ હતો અને તે મેરી કરતાં ઉંમરમાં નાનો હતો, પણ મેરી ડેલ્ફાઈન એટલી સ્વરૂપવાન હતી કે તેને જોઈને કોઈપણ તેની ઉંમરનો સાચો અંદાજ ન લગાવી શકે. થોડા જ વખતમાં મેરી તેના રૂપને કારણે આખા ન્યૂ ઓર્લીન્સમાં પ્રખ્યાત થઈ ગઈ. લલૌરી દંપતિને બે દીકરીઓ હતી અને બંને તેમની માતા મેરી જેટલી જ સુંદર હતી.
એ જમાનામાં ઘરનું વેઠિયું કરવા માટે આફ્રિકાના હબસી ગુલામોનું ખરીદ-વેચ કરવું સામાન્ય હતું. ‘લલૌરી મેન્શન’માં પણ ગુલામો માટે ભોંયરામાં ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા. ડો. લલૌરી અને મેડમ લલૌરી બંને તેમની સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિને લીધે આખા શહેરમાં જાણીતા હતા. તેઓ શહેરના ધનવાન લોકોને વારંવાર પાર્ટી આપવા માટે જાણીતા બની ગયા. ત્રણ માળના આ ભવ્ય મકાનમાં યોજાતી પાર્ટીઓ રાતભર ચાલતી અને એની ચર્ચા આખા શહેરમાં થતી. પરિવારનો બિઝનેસ પણ સંભાળતી હોવાને કારણે મેરી લલૌરી ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી સ્ત્રી તરીકે ઓળખાવા માંડી. મેરી સ્વરૂપવાન તો હતી જ અને એમાં તે કપડાં પણ પાછા એવા પહેરતી કે ઓર છટાદાર લાગતી. કોઈ માણસ તેની આભામાં ન જકડાય તો જ નવાઈ, એવી ચુંબકીય એની પર્સનાલિટી હતી.
જોકે હકીકત જે દેખાતું હતું એનાથી કંઈક વેગળી હતી. સભ્ય અને મળતાવડી લાગતી મેરી લલૌરીના વ્યક્તિત્વનું એક એવું ભયાનક પાસું પણ હતું જેનાથી બીજા બધાં તો ઠીક ખુદ તેનો પતિ લિયોનાર્ડ પણ અજાણ હતો. મેરી સેડિસ્ટિક હતી! બીજાને શારીરિક પીડા આપીને એમાંથી માનસિક સંતોષ મેળવવાની વિકૃતિ મેરીમાં હતી અને એ માટે તે પોતાના હબસી ગુલામોનો ઉપયોગ કરતી.
દિવસે મેરી પોતાના મિત્રો અને મહેમાનો સાથે ખૂબ જ સભ્યતાથી વર્તતી. તેની મહેમાનગતિ માણી તેના મહેમાનો ગદગદિત થઈ જતા. લલૌરી મેન્શનની મહેમાનગતિ માણવા મળે એને સૌ પોતાનું સૌભાગ્ય સમજતા. આવી પ્રેમાળ મેરીનું એક અલગ જ રૂપ રાત પડતા બહાર આવતું. લલૌરી મેન્શનમાં કામ કરતા એક ડઝનથીય વધુ ગુલામો માટે મેરી એક કાળ હતી કાળ! એ જમાનામાં ગુલામોની ગણતરી માણસ તરીકે થતી જ નહોતી. તેમને માત્ર એક પ્રોપર્ટી સમજવામાં આવતા અને કોઈ જનાવર કરતા પણ નીચલી પાયરીના ગણવામાં આવતા. તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવો તો બહુ સામાન્ય હતું પણ મેરી લલૌરી તો તેના ગુલામો પ્રત્યેના બદવર્તનને એક અલગ જ લેવલ પર લઈ ગઈ.
મેરી પોતાના રસોઈયાને રસોડાની ફાયર પ્લેસ પાસે ચેઈનથી બાંધી રાખતી. નાની નાની ભૂલો બદલ પણ તે પોતાના ગુલામોને ચાબુકથી ઢોર માર મારતી. એક દિવસ તેને ત્યાં સફાઈ કામ કરતો છોકરો અચાનક જ ગાયબ થઈ ગયો. મેરીએ તેની સાથે શું કર્યુ, તેને ક્યાં ગાયબ કરી નાખ્યો એની કોઈને ખબર ન પડી. આ રીતે મેરીએ તેના અનેક ગુલામોને ગાયબ કરી દીધા હતા. એક દિવસ મેરીના પડોશણને શક થતાં તે ચકાસણી માટે મેરીના ઘરે જઈ ચઢી. તેણે જોયું કે મેરી એક નાનકડી ગુલામ છોકરીને પકડવા માટે તેની પાછળ દોડી રહી હતી. પડોશણે છુપાઈને જોયું કે મેરીએ તે છોકરીને પકડી, તેને મારી નાખી અને પછી તેનું શરીર પોતાના ઘરની પાછળના હિસ્સામાં ઉગેલી ઝાડીઓમાં ફેંકી દીધું.
પાડોશણે પોલિસમાં ફરિયાદ કરી. પોલિસ મેરીના ઘરે તપાસ કરવા આવી. ‘લલૌરી મેન્શન’માં કામ કરતા ગુલામો રાતોરાત ગાયબ થઈ જતા હોવાની પાડોશણની ફરિયાદને આધારે પોલિસે પૂછપરછ કરી તો મેરીએ કહી દીધું કે, તેણે તેના તમામ નોકરો ઓક્શનમાં વેચી દીધા હતા. મેરી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા ન મળતા પોલિસ તેની સામે કોઈ કાયદાકીય પગલાં ન લઈ શકી. હકીકત એ હતી કે, મેરીની કરતૂતોમાં તેના અમુક ઓળખીતા આડકતરી રીતે તેનો સાથ આપતા હતા. તેઓ લોકોને દેખાડવા ખાતર મેરી પાસે તેના ગુલામ ખરીદી લેતા અને ત્યારબાદ રાતના અંધકારમાં તેમને મેરીની ઘરે જ મોકલી આપતા. મેરી તેમને સાંકળથી બાંધી, ચાબુકથી ફટકારતી, તેમના શરીરે ડામ દેતી અને તેમને ભૂખે-તરસે મારતી. આવા અત્યાચાર કરવામાં તેને વિકૃત આનંદ મળતો.
જોકે મેરી લલૌરીનું પાપ વધુ દિવસ છાનુ ન રહી શક્યું. ધીરે ધીરે સમાજમાં તેની પરપીડન વૃત્તિ વિશે ખબર પડવા માંડી. લોકો તેને ઘરે તપાસ કરવા આવતા, પણ પોતાના ગુલામોને મકાનના છુપા ભોંયરામાં કેદ કરીને રાખતી હોવાથી મેરી આબાદ છટકી જતી. ઘણા હિતેચ્છુઓએ તેને આવી બધી હરકતો બંધ કરવા સમજાવી પણ મેરી કોઈ પણ હાલતમાં તેના ગુલામોને છોડવા તૈયાર નહોતી, કેમકે તે હવે સેડિઝમની વ્યસની થઈ ચૂકી હતી. ગુલામો પર શારીરિક અત્યાચાર કર્યા વિના તેને ચેન નહોતું પડતું. મેરીના પતિ લિયોનાર્ડને મેરીની વિકૃતીની જાણ થઈ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. સરમુખત્યાર જેવી પત્ની તેના કાબૂ બહાર હતી એટલે તેણે પત્નીની વિકૃતિઓ પ્રતિ આંખ આડા કાન કર્યે રાખ્યા.
ધીમે ધીમે લોકોએ મેરીને ઘરે જવાનું બંધ કરી દીધું. મેરી કોઈ પણ બહાને આમંત્રણ આપે તો પણ લોકો તેને ઘરે જતા બંધ થઈ ગયા. સમાજે તેની અવગણના કરવા માંડી. તે એકલી પડી ગઈ.
‘લલૌરી મેન્શન’ની પડતીઃ
૧૮૩૪ના એપ્રિલ મહિનામાં એક દિવસ એક અઘટિત ઘટના બની ગઈ. ‘લલૌરી મેન્શન’માં આગ લાગી ગઈ. આગનું સાચું કારણ તો ક્યારેય બહાર ન આવ્યું પણ એવું કહેવાતું રહ્યું કે પેલા રસોઈયાથી આખરે તેની માલિકણનો જુલમ ન સહેવાતા તેણે જ રસોડાની ફાયરપ્લેસથી ઘરમાં આગ લગાડી દીધી હતી. આગ એટલી જબરદસ્ત હતી કે તે આખાય ઘરમાં કોઈ જીવિત બચી ન શક્યું. મહામહેનતે ફાયર ફાઈટર્સે આગ પર કાબૂ મેળવ્યો. એ લોકો ઘરની અંદર ગયા ત્યારે ત્યાં તેમણે જે જોયું તે અત્યંત ભયાનક હતું. ઘરના ભોંયરામાં મેરી લલૌરીએ એક જેલ જેવી કાળ કોટડી બનાવેલી હતી જ્યાં કેટલાંય ગુલામોને તેણે કેદ કરી રાખ્યા હતા. કેદની કારણે એ તમામ પોતાનો જીવ નહોતા બચાવી શક્યા અને જીવતા જ આગમાં ભૂંજાઈ ગયા હતા. મેરીની જેલમાં સાંકળથી બંધાયેલા એ બદનસીબ ગુલામોમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. ગુલામો પૈકીના ઘણાને તો કૂતરા માટે હોય એટલા નાના પાંજરામાં કેદ કરવામાં આવ્યા હતા! આ પાંજરા એટલા નાના હતા કે કેદ કરાયેલી વ્યક્તિના હાથ-પગ પણ પૂરેપૂરા સીધા ન થઈ શકે. આ પ્રકારની કેદ વેઠવાની કલ્પના જ કેટલી ભયંકર ગણાય! અનેક ગુલામોના નાક-કાન અને આંગળીઓ કાપી નંખાયેલા હતા તો અનેકના નખ ખેંચી કઢાયેલા હતા. ભોંયરામાં ટોર્ચરના અનેક સાધનો મોજૂદ હતા. ચાબૂક, કમરપટા, કાતર, એસિડ... હદ તો એ વાતની હતી કે કાચની મોટી મોટી બાટલીઓમાં રસાયણો ભરીને એમાં માનવઅંગો સચવાયેલા પડ્યા હતા! માણસનું હૃદય, મગજ અને આંતરડા જેવા અંગો જોઈને એ પ્રશ્ન થાય કે ‘લલૌરી મેન્શન’ કોઈ ઘર હતું કે પ્રયોગશાળા..! અકાળે બર્બર મોતને ભેટેલા એ તમામ ગુલામો પાછળથી ભૂત બનીને ‘લલૌરી મેન્શન’માં ભટકતા જોવા મળ્યા હતા. ચિલ્લાતા ભૂતો! આક્રંદ કરતા ભૂતો! લોહિઝાણ ભૂતો! ડરામણા ભૂતો!
પોલિસે ‘લલૌરી મેન્શન’માં વધુ તપાસ કરતા વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી. મેન્શનને પછવાડે લાકડાના પાટિયાનું પેવિંગ કરેલો જે ભાગ હતો એ ખરેખર તો મેરી લલૌરીએ બનાવેલું કબ્રસ્તાન હતું. અમુક પાટિયાને હટાવતા તેની નીચે બનેલો વિશાળ ખાડો નજરે પડતો હતો. એ ખાડામાં અનેક ગુલામોની લાશો દટાયેલી પડી હતી. ભોંયરામાં અત્યાચાર સહન કરી કરીને મોતને ભેટતા ગુલામોને મેરી રાતના અંધકારમાં આ કબ્રસ્તાનમાં દફનાવી દેતી હતી.
પલાયન થઈ ગયેલી મેરી લલૌરીઃ
‘લલૌરી મેન્શન’માં ઘટેલી આગજનીની દુર્ઘટના પછી મેડમ લલૌરી અને તેનું ફેમિલી ક્યાં ગયું તે આજ દિન સુધી કોઈનેય ચોક્ક્સ ખબર નથી. લોકો કહે છે કે, તેઓ અમેરિકા છોડીને ફ્રાન્સ ભાગી ગયા હતા તો ઘણા માને છે કે તેમણે ન્યૂ ઓર્લિન્સથી થોડે જ દૂર એક જંગલમાં ઘર બનાવી લીધું હતું અને આજીવન ત્યાં જ રહ્યા હતા.
ન્યૂ ઓર્લિન્સના લોકો કહે છે કે, આજે પણ કોઈ એ ભૂતિયા ‘લલૌરી મેન્શન’માં જાય તો તેને તે ઘરમાં ભૂતના પરચા મળે છે. કેટલાંક ત્યાં ગૂંગળામણ અનુભવે છે તો કેટલાંકને પાણીની જબરદસ્ત તરસ લાગી હોય એ રીતે ગળું સુકાતું હોવાનો અનુભવ થાય છે. અમુક લોકોનું કહેવું છે કે તે ઘરના રસોડામાં હજી પણ આગ બળતી હોય એવી તીવ્ર ગરમી અનુભવાય છે. ઘણા એ ઘરમાં પડછાયા દેખાતા હોવાની વાતો કરે છે. જોકે, ભૂતકાળમાં ‘લલૌરી મેન્શન’ની ઓળખ બની ગયેલા ડરામણા કલ્પાંતો અને ચીસો હવે ત્યાં સંભળાતી નથી. કાળની ગર્તામાં કદાચ અહીં ભટકતા ભૂતો પણ શાંત થઈ ગયા છે.