"વાંક કોનો?"
પૂજન ખખ્ખર
વ્હાલા ઈશ્વર,
મેળવેલું બધું પળવારમાં ગુમાવાય જાય છે,
"વાંક કોનો?" એ શોધમાં જ જીંદગી જીવાય જાય છે..
ક્યાંથી વાતની શરૂઆત કરું? શું તને આ વાતની નથી ખબર? આજે છે ને હું તને માંડીને વાત કરીશ. માણસ એકબીજા સાથે ત્યારે જ જોડાયેલો રહે જ્યારે એક પ્રેમરૂપી સંબંધ તેની સાથે હોય,એકબીજા પ્રત્યે શ્રધ્ધા હોય પરંતુ આ આજકાલના યુવાન યુવતીઓ પગાર અને પર્સનાલિટીને પ્રેમ કરે છે. હવે તેને કેમ સમજાવવું કે મૈં ઈશ્વરને જોયો નથી છતા પણ હું તેની સાથે પ્રેમમાં છું. અરે! હું તો પુસ્તકોના પ્રેમમાં છું. તમે જ મને કહો કે આ પુસ્તકો તો મને કંઈ પગાર આપવાના નથી. પગાર અને દેખાવ જેવા અઢળક નાના પાસાઓથી બાંધેલો આ સંબંધ મને તો લોન જેવો લાગે છે. દિકરીનો બાપ દિકરીના લગ્ન માટે લોન લે છે અથવા બે નંબરી આવકનો નાશ કરવા ઠાઠમાઠથી લગન કરે છે. અહિં લગભગ ૭૦% પિતાઓ દિકરીના લગન પછી હફ્તાઓ ભરે છે. અહિં બે-ત્રણ જાતિઓ તો શું એક જ જાતિમાં લગન કરવાની પ્રથા છે. પ્રેમને જાતિ સાથે શું નિસ્બત છે તેમને હજી સમજાણી નથી . આ વાત હું નહિં તમે નહિં આખો સમાજ જાણે છે છતા બધા એકબીજાને એક જ સવાલ પૂછે છે કે "વાંક કોનો?"
હવે આ જ યુગલ લોનમાં આગળ વધે છે. પરિસ્થિતિ એ બને છે કે દિકરીના લગનનું વ્યાજ આગળ વધે કે નો વધે દિકરો કે દિકરી પોતાનું વ્યાજ પરિવારને આપી દે છે. ફરીથી એ જ વ્યવહારો અને સુવાવડની સોગાદો.. બસ, અહિં નામના જ કાયદાકીય શોદાઓ બાકી રહ્યા છે બાકી બધુ એ જ રીતથી ચાલે છે. શું આ બધા આ નથી જાણતા? છતા એકબીજાને પ્રશ્ન કરે છે કે "વાંક કોનો?" ચાલો તમારા થકી મળેલા આ જીવનમાં બાળકને થોડું મોટું કરીએ. અત્યારના જમાનામાં મા-બાપ માટે બાળક કરતા પહેલા તેને કેમ સાચવશું આપણે એ મોટો પ્રશ્ન હોય છે. ફરીથી કન્સેપ્ટ અહિં ભી એ જ છે 'લોન'. લોનનું વ્યાજ જેમ વધતું જાય તેમ લોન ભરવી મુશ્કેલ થતી જાય. અહિં પરિણામો બહુ સામાન્ય છે કાં લોનને પૂરી કરી દો અથવા લોનને ખર્ચા ઓછા કરી ભરો અથવા ટૂંકા મગજના લોકો આપઘાત કરે છે. સંબંધરૂપી આ લોનમાં છોકરાઓ ન સચવાતા કાં છૂટાછેડા પરિણામ આવે છે કાં વહુનો આપધાત અથવા તો છોકરાવ છે તો હવે છૂટું ન થવુ જોઈએ એવી મોટાઓની સલાહ આવે છે. અંતમાં બધા પોતપોતાની સાઈડ ખેંચે છે કે મારા દિકરા કે દિકરીનો કંઈજ વાંક નથી. હવે, અહિં તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે તો પછી "વાંક કોનો?"
આ જ બાળકનો જીવનકાળ આગળ વધારીએ તો તેને કોઈ સારી એવી અંગ્રેજી માધ્યમની શાળામાં બેસાડવામાં આવે છે. છોકરો માત્ર કે.જી. , એચ.કે.જી. અને ધોરણ-૫ સુધી ભણવામાં હોંશિયાર રહે છે. કેપેસીટી બાર જતું ભણતર અથવા પોતાના વજનથી જ્યારે તેના બેગનો વજન વધી જાય છે ત્યારે તે પોતાનો રસ ભણતરમાંથી ઊઠાવી લે છે. આ સમયે મા-બાપ પૈસા કમાવવામાં અને છોકરાઓનું ભવિષ્ય સિક્યોર કરવામાં પડ્યા હોય છે કે જે છોકરાઓનું વર્તમાન સંપૂર્ણ નાશ થઈ રહ્યું છે. છોકરાઓની માનસિકતા પ્રમાણે તે ૭-૮-૧૦ માં ધોરણોમાં કહે છે કે "મમ્મી હું અહિંથી તો બધું યાદ રાખીને જઉં છું પણ ત્યાં પ રિક્ષા ખંડમાં જતા જ બધું ભૂલાય જાય છે. મા-બાપ જમાનાની ઝડપ પ્રમાણે તેને 'યાદશક્તિ વધારો માત્ર ૩૦ દિવસોમાં' એવા વાહિયાત સેમીનારોમાં મોકલે છે. લોકો કહે છે ભણતરની સાથે તેની પર્સનાલિટી ડેવલોપ થવી જોઈએ એટલે તે પોતાના બાળકોને તેના પણ ક્લાસીસ અને સેમિનારોમાં મોકલે છે. આપણને આશ્ચર્ય તો ત્યારે થાય કે જ્યારે આપણને ખબર પડે કે આ સેમિનારોમાં પણ બેસવાની જગા ખાલી હોતી નથી. તમે આ બધાનો સર્વે કરો અને હિસાબ લગાડો તો અત્યારનો એકપણ યુવા સુખી નથી. કોઈને પણ તેને ધારી હતી એવી યુવાની, એવું ભણતર મળ્યું નથી. આવા સમયે છાપાઓમાં મોટા અક્ષરોમાં આવે છે કે "વાંક કોનો?". આ ૧૨ પાસ યુવાનને કૉલેજમાં પ્રવેશવા માત્ર બે જ સ્કોપ છે ૧) એન્જિનિયરીંગ અને ૨) ડૉક્ટર. તે આનાથી અલગ ભણતર અને બીજું કંઈક કરવા માગે તો પણ કરી શકતો નથી. જો એ આના સિવાયનું ભણશે તો તેની હાલત આનાથી પણ બત્તર બનશે એવું તેના ઘરમાં અને ગામ આખામાં મનાય છે. આથી આ અભ્યાસમાં તે અનિચ્છાએ અથવા પરિવારના દબાણથી જોડાય છે. આરીતે તે બે-ચાર વર્ષ ભણતરના કાઢી લે છે અને છેવટે બેરોજગારીનું પરિણામ આપણી સામે છે. અંતમાં ફરીથી પ્રશ્ન એ જ થાય છે કે "વાંક કોનો?"
આમ, બેરોજગાર થયા પછી તે ફરી મોટીવેશનલ સેમિનારમાં જાય છે. ત્યારબાદ "નોકરી તો છોકરી" એવા સૂત્રો સતત તેના કાનમાં પડ્યા રહે છે. હવે આ યુવાનો જ્યારે નાના પગારમાં નોકરી કરે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે શરૂઆત હંમેશા નાના પગારથી જ હોય. ભઈ, જ્યારે તે આ ભણવા જ નહોતો માગતો પરંતુ તેને કંઈક નાની નોકરી જ કરવી હતી ત્યારે શા માટે તમે તેને વાસ્તવિકતાથી દૂર રાખીને અપેક્ષામાં જીવાડ્યો? આવુ કરીને તમે તેનો સમય પણ બગાડ્યો અને તેને સમગ્ર દુનિયાથી પર રાખ્યો. આ ચાર વર્ષમાં તે ભણતર ભલેને ના શીખ્યો પરંતુ એ જરૂર શીખી ગયો કે પૈસાથી ઘણું બધું કરી શકાય અને આટલા ઊંચા ભણતર પછી હવે નાના પગાર વાળી નોકરી કરાય નહિં. તે શ્રધ્ધાથી કામ કરવા માગતો હતો ત્યારે તેને આપણે સરખામણી કરતા શીખવાડી દઈએ છીએ અને જ્યારે તે શીખી જાય એટલે આપણે તેને શ્રધ્ધાથી કામ કરવાનું કહીએ છીએ. આ સમયમાં તે નોકરી કરે છે અને અત્યારે દરેક યુવાન જેની પાછળ પડ્યો છે તે તેને મળતું નથી જે છે 'જોબ સેટિસફેકશન'. ફરીથી સાઈકલ ત્યાં જ આવી ને ઊભી રહે છે આમાં "વાંક કોનો?"
હવે સમય એવો આવે છે કે પેઢી ફરે છે. આ દિકરો પોતાની પત્ની લઈ આવશે. શરૂઆતમાં આખું ઘર એટલું જોશ અને જુસ્સા ભર્યું હશે કે જેમ વહુ કહેશે એમ જ ઘરમાં થશે. માત્ર બે કે ત્રણ મહિનામાં જ વાસ્તવિકતા સામે આવશે. પછી માં અને વહુ દિકરા પર દબાણ નાખશે કે હવે તુ જ કહે સાચું કોણ? દિકરો વિચારયુક્ત બની જાય છે અને લોકો સમક્ષ આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ બે માંથી "વાંક કોનો?" તે વિચારે છે કે એકે જીવન આપ્યુ તો બીજું જીવન આપવાની છે. શું કરવું મારે? આ ચિંતામાં ને ચિંતામાં ફરી એ જ કન્સેપ્ટ લોનનો.. પોતે જેમ પેદા થયો હતો તે જ રીતે તે પોતે એક બાળકને જન્મ આપે છે અને માહોલ શાંત થઈ જાય છે. અહિં પણ એક શરત છે જો દિકરો થયો તો વાંધો આવતો નથી પરંતુ જો દિકરી થઈ તો આખો પરિવાર એકબીજાને પ્રશ્ન પૂછે છે કે "વાંક કોનો?"
આ આખી ચર્ચામાં સમય એક જ એવો પરિમાણ છે કે જે આપણા હાથમાં નથી. બધા મોટા થવા લાગે છે. જેમ બાપ મોટો થયો એમ દિકરો પણ મોટો થવા લાગે છે. દિકરાના દાદા પણ સમય સાથે ઊંમરલાયક થવા લાગે છે. બાળપણમાં રમતો એ પૌત્ર હવે દાદા-દાદીને સમજતો નથી. તેને હવે મુવીઝ,રમકડા અને મિત્રોની સાથે મોબાઈલ જોઈએ છે. તેને દાદા-દાદીની રમતો અને તેની પંપાળવાની પ્રવૃતિ ગમતી નથી. સર્જાતા જનરેશન ગેપથી પિસાતા આ બાળકના માતાપિતા આ બાળકો તો નાના છે તે થોડી સમજે હવે તમે મોટા થયા તેમારે સમજવું જોઈએ એમ કહીને પોતાના માબાપને સમજાવે છે. માતાને એમ લાગે છે કે ૨૫ વર્ષ એને મારું સાંભળ્યુ હવે જરૂર આ વહુ આવીને એને કાન ભંભેરણી કરી હશે નહિં તો મારો છોકરો આવું કશું બોલો નહિં. આવા વખતે દાદા(પિતાના પિતા) સમજાવે છે કે જમાનાની ઝડપને પકડ અને આગળ વધ. આ જ દાદા ઘરે કઠણ કાળજાના હોય એમ વર્તાય તો જાય છે પરંતુ એ પણ ગાર્ડનમાં ક્યાંક છાને છૂપે રડી લે છે. તેને માત્ર છોકરો છૂટો ના થઈ જાય એનો જ ડર હોય છે.
થોડા સમય બાદ પિતાનો ડર સાચો નીકળે છે અને પરિસ્થિતિ તંગ બની જાય છે. ઘરના વડીલ સહિત કોઈને પણ આનું સમાધાન સૂજતું નથી. બીજા કારણ પરથી એ પણ કહી શકો કે દિકરાનો પગાર હવે બાપના પેન્શનથી વધી ગયો છે. છોકરાઓનો અઘરો ઉછેર થઈ ગયો છે એટલે કે છોકરાઓ સમજણા થઈ ગયા છે. વિભક્ત કુટુંબમાં રહેવાનો કુવિચાર આવતા જ આજના છોકરાઓ ઘર છોડવાનો ફેસલો કરી નાખે છે. સ્વમાની પિતા તરત જ હા પાડી અને તુ તારે રસ્તે તને અનુકૂળ લાગે એમ કરી શકે છે એમ કહી દે છે. દિકરાને પણ હવે પગારનો પાવર હોય છે. હવે આખી એક સાયકલ બાદ ફરીથી એ જ લોનના ચક્કર ચાલુ. દિકરા પાછળ જાત ઘસી નાખનારો બાપ પોતાની ઈચ્છા દિકરા પાસે પૂરી કરાવે છે અને તેને ભણવા માટે બાર મોકલે છે. બાર રહેલો દિકરો ઘરે પાછો આવતો નથી. આ બાપ છેવટે ફરી એક દિકરો બની અને તેના પિતા આગળ જાય છે અને તે પિતા કહે છે ફરીથી 'જમાનાની ઝડપને પકડ અને આગળ વધ.' આમ બંને એકબીજાને આવકારતા નથી. સમાજ માટે ફરી એક પ્રશ્ન અહિં ઊભો થાય છે "વાંક કોનો?"
હે ઈશ્વર આ સાયકલ વર્ષોના વર્ષો સુધી ચાલતી જ રહે છે અને લોકોને ખબર જ નથી રહેતી કે વાંક કોનો? હું તને વિનંતી કરું છું કે તુ આ લોકોને કંઈ રસ્તો આપ. આ લોકોને કહે કે “વાંક કોનો?”
આજે આ ૮૦ વર્ષે વૃધ્ધાશ્રમમાં બેઠા-બેઠા તને પત્ર લખું છું. હમણાં અહિં યંગ ઓલ્ડ ગ્રુપના મેમ્બરે જણાવ્યું કે એક નવા બાબા આવ્યા છે જે ઈશ્વર સુધીનો માર્ગ આપે છે તો થયું લાવ પત્રથી જ તને પૂછી લઉં. આમ તો તુ અમને ઉઠાવતો નથી.. આશા રાખું છું કે તને આ પત્ર ઝડપથી મળે અને તુ લોકોને અને મને ઝડપથી કહીશ કે “વાંક કોનો?”
લિ.
તારો શ્રધ્ધાળુ.
(આપના સારા નરસા ફિડબેક આવકાર્ય છે.)