Return of Magar ane Vandaro in Gujarati Comedy stories by Adhir Amdavadi books and stories PDF | રીટર્ન ઑફ મગર અને વાંદરો

Featured Books
Categories
Share

રીટર્ન ઑફ મગર અને વાંદરો

રીટર્ન ઑફ મગર અને વાંદરો

મગર અને વાંદરા વચ્ચે ગાઢ દોસ્તી હતી. વાંદરો જાંબુના ઝાડ પર રહેતો હતો. મગર નીચે નદીમાં. એક દિવસ હંમેશની જેમ મગર વાંદરાને પોતાની પીઠ પર બેસાડી નદીમાં આંટો મરાવવા લઇ નીકળ્યો. વાંદરું ટેસથી કદીક પાણીમાં હાથ બોળતું કે કદીક પૂંછડી ભીની કરતું, નિશ્ચિંત બની વિહરતું. મગરની પીઠને એ કાશ્મીરી શિકારા બોટની જેમ માનતું હતું. પણ કિનારાથી દૂર જઈ મગરે પોત પ્રકાશ્યું. એ પાણીમાં ડૂબકી ખાવા લાગ્યો. વાંદરાએ જોકે ડર્યા વગર કીધું ...

‘મગરભાઈ આ તો કોઈ ડીઝનીની વોટર રાઈડ હોય એવું થ્રિલ થાય છે’

જોકે મગર થોડે વધારે ઊંડે ગયો એટલે વાંદરો થોડો ડરી ગયો. અને પૂછ્યું

‘તમારો ઈરાદો શું છે?’

‘ઈરાદો એકદમ સાફ છે. મારી વાઈફે કીધું કે રોજ જાંબુ ખાઈને કંટાળ્યા, કૈંક નવું લાવો, જેમ કે તમારા દોસ્ત વાંદરાનું કાળજું’.

‘ઓહ, ભાભી જાંબુથી કંટાળી ગયા છે?’

‘શું કરું, તારી સાથે ઓળખાણ થઇ ત્યારના જાંબુ, જાંબુનો જ્યુસ, જાંબુનો હલવો, જાંબુનું શાક, જાંબુનું અથાણું બધું બની ગયું, હવે કશુંક નવું જોઈએ છે.’

‘પણ નદીમાં તમને હું જ મળ્યો, કોઈ માણસ, ઢોર એવું કંઈ નથી મળતું?”

‘આ નદીમાં ઇન્ડસ્ટ્રી કેમિકલ છોડે છે એટલે ઢોર પાણી પીવા અને માણસો નહાવા નથી આવતા. નદીની ઉત્તર દિશામાં આઠ દસ કિમી જઈએ ત્યાં ચોખ્ખું પાણી છે પણ વાઈફને એટલું બધું તરવાનું ફાવે એમ નથી, એને સાંધામાં વા છે’.

વાતમાં ને વાતમાં મગર ડૂબકી ખવડાવવાનું ભૂલી ને સીધો તરતો હતો એટલે વાંદરાને થયું કે આને વાતોમાં વળગાડી રાખવામાં જ માલ છે.

‘પણ ભાભીને કહીએ એકવાર થોડી હિંમત કરીને તરી નાખે, આમ કેમિકલવાળા પાણીમાં સ્કીન ઍલર્જી થશે તો વધારે તકલીફ થશે’.

‘હા હા ...... તને ભાભીની બહુ ચિંતા છે નહિ ? પણ દોસ્ત અમારી ચામડી જાડી છે, એટલે સ્કીન ઍલર્જી ન થાય’.

‘એ તો એવું લાગે, ભાભીને તો પૂછવું જોઈએ ને’

‘એ તો ક્યારેની કહે છે કે આપણે ઉપરવાસ તરફ જઈએ, અને એકવાર અમે મહા મહેનતે દસ કિમી. જતાં પણ રહ્યા પણ પછી સાલું મગ્ગરની જેમ પાણી પર પડ્યા રહ્યા એમાં અહીં પાછા આવી ગયા, ઢસડાઈ ને’

વાંદરા એ કપાળ કૂટ્યું. ત્યાં વાંદરાને એક રસ્તો સૂઝ્યો. વાંદરો કહે,

‘મગરભાઈ તમને ખબર છે મેં એકવાર એક છોકરીના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો?’

‘મોબાઈલ? પેલું રંગીન લાઈટ થાય અને માણસો ચોવીસ કલાક હાથમાં પકડીને ફરે છે એ?’

‘એક્ઝ્ટલી, એ મોબાઈલમાં એક સરસ એપ છે’

‘એપ, એટલે વાંદરા નહિ?’

‘અરે મગ્ગર ભાઈ, એપ એટલે એપ્લીકેશન’

‘અહં તે એ એપનું શું છે?’

‘એને ફેસબુક કહે છે, એમાં લોકો ચેક ઇન કરે’

‘તો એનું શું છે’ મગરને હવે રસ પડતો હતો.

‘બસ તમને અને ભાભીને એક એક મોબાઈલ ગીફ્ટ આપવો છે મારે, પછી તમે સનબાથ કરતાં સેલ્ફી લઇ શકશો, ચેટ કરી શકશો, હેન્ગીંગ આઉટ એટ આલિયા બેટ જેવા સ્ટેટ્સ મૂકી શકશો’

‘એ તો ટાઈમ પાસ થયો, પણ અમારી ફૂડ સમસ્યાનું શું?’ મગરને રસ પડ્યો હતો, પણ એ બતાવવા માંગતો નહોતો.

‘અરે મગરભાઈ, તમારે નજીકના પ્લેસીસ પરના ચેક ઇન જોતા રહેવાનું. કોઈ બેવકૂફ -એન્જોયિંગ રીવરમાં ડૂબકી વિથ સિક્સ અધર્સ- એવું ચેક ઇન કરે એટલે એ લોકેશન પર પહોંચી જવાનું’

‘અરે વાહ, વાંદરાભાઈ તમે તો જોરદાર આઈડિયા આપ્યો. અત્યારે તો કિનારે દસબાર આંટા મારીએ ત્યારે એકાદ વખત કોકનો ટાંગો મ્હોમાં આવે છે’

‘બસ તો દો તાલી’

‘તો લાવ એ મોબાઈલ હમણાં ને હમણાં’

‘મગ્ગરભાઈ, મોબાઈલ તો ઝાડ પર છે, એક્ચ્યુઅલી વાંદરી એને સેલ્ફી મોડ પર મૂકી વાળ ઓળવા ઉપયોગ કરે છે’

‘હાહાહા, શું વાત છે, એવા પણ ઉપયોગ થાય? ચાલ તો લઈ આવીએ’

મગરે જાંબુના ઝાડ તરફ રીટર્ન જર્ની ચાલુ કરી. ઝાડ પાસે આવ્યું એટલે વાંદરો કુદકો મારીને ઝાડ પર ચઢી ગયો. અને ઉપર જઈ વાંદરીને આખી ઘટના કહી, વાંદરી પણ ગભરાઈ ગઈ. વાંદરી પાસે હતો એ મોબાઈલ સોલર ચાર્જર સહિત એણે મગરને આપી દીધો. મગરની આંખમાં સાચે જ હર્ષના આંસુ આવી ગયા. એ વાંદરા જેવો દોસ્ત પામીને ધન્ય થઈ ગયો. આમ વાંદરાની જાન તો બચી જ, પણ મોબાઈલ હાથમાં આવ્યા પછી વાંદરીનો વાંદરામાંથી રસ ઓછો થઈ ગયો હતો એ સમસ્યાનું પણ સમાધાન થઈ ગયું. ●