**** જીવનની ત્રણ વાસ્તવિક્તા ****
બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા
( મણકો- ૨ )
“ચૈતર ચંપો મહોર્યો ને મહોરી આંબાડાળ;
મઘમઘ મહોર્યા મોગરા, જૂઈ ઝળૂંબી માંડવે;
કોયલ કૂજે કૂંજમાં ને રેલે પંચમ સૂર......” - બાલમુકુંદ દવે
જીવનનો ખરાં અર્થમાં જીવવા લાયક અને માણવા લાયક તબક્કો એટલે યુવાની.... ડાળી ઉપર કુંપળ ફૂટયાની વેળા એટલે યુવાની. ન કોઈ રોકટોક, ન કોઈ વધારે પડતી સામાજિક જવાબદારી (વડીલો ઘરમાં હોય તો), વધુ મહેનત અને શ્રમ કરવા માટે નિરોગી અને સક્ષમ શરીર, પૈસા-પાવરની ચમક દમક, વધારે પુખ્તતા અને પડકારોને પડકારવા એ જ તો આ યુવાનીની અવસ્થાની મુખ્ય લાક્ષણિક્તાઓ છે. જીવનના આ તબક્કા ઉપર તો આપણાં ઘડપણનો પણ પૂરેપૂરો મદાર રહેલો છે. જો આ પડાવે પોતાની કારકિર્દી ઉપર પૂરતું લક્ષ્ય અપાય, યોગ્ય મિત્રો બનાવાય, યોગ્ય જીવનસાથીની પસંદગી કરાય, પોતાના પરિવારજનો પ્રત્યે પોતાની તમામ ફરજો સુપેરે પૂર્ણ કરાય, કૌટુંબિક, સામાજિક, અંગત અને વ્યવસાયિક જીવનને સુપેરે ગોઠવી શકાય, તો તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. ‘દુ:ખે કમાવો અને સુખે ખાઓ’ ની ઉક્તિ તો આપ સર્વેને યાદ જ હશે ને..?? જે આ યુવાનીની અવસ્થામાં બંધ બેસતી જણાય છે. એટલે જ વધુમાં વધુ તકો ઝડપીને અને એના સુસંચાલન દ્વારા આર્થિક રીતે સધ્ધર બનીને યુવાનીની સાથે સાથે પાછળની અવસ્થાને પણ પૂર બહારમાં ખીલવી શકાય છે.
પરંતુ...... સિક્કાની બે બાજુની જેમ આ તબક્કાની પણ મર્યાદાઓ છે. ‘કલ, આજ ઔર કલ’ ની માફક બાળકો અને વડીલો વચ્ચે જો કોઈ વધારે પિસાતું હોય તો એ છે યુવાન... બંને પેઢીને સતત સાથે રાખીને ચાલવું પડે છે. બંને પેઢીની આશા અને અપેક્ષાઓ પ્રત્યે ધ્યાન અને પૂરેપૂરું સન્માન આપવું પડે છે. બંને પેઢીને સાંભળવી અને સમજવી પડે છે અને જો આ સમતોલન ખોરવાઈ જાય તો સંતાન વંઠી જાય છે અને વૃધ્ધ માં-બાપને વૃધ્ધાશ્રમમાં મૂકવાનું લાંછન આ યુવાનીની અવસ્થાને ફાળે આવી જાય છે. ખાસ કરીને, કિશોરાવસ્થામાં કુતુહલતાને સંતોષવા ખાતર અપનાવાયેલા વ્યસનો આદત બનીને કાયમી વસવાટ ન કરી લે એની તકેદારી પણ યુવાનીમાં રાખવી ખૂબ જ જરૂરી છે. યુવાની પોતે જ એક નશો છે, એને મન ભરીને માણો પણ નશામાં ચકચૂર બનીને પોતાના જીવતરને ચકનાચૂર ન કરવાની જવાબદારી પણ ઉપાડો. આ એ જ ઉંમર છે જ્યાં પોતાના જીવનમાં આવતી તમામ ખુશીઓ, તકો, ઈચ્છાઓ, મહેચ્છાઓ અને મહત્વકાંક્ષાઓને સમેટીને તકલીફો, પરેશાનીઓ અને મુશ્કેલીઓ પાર કરતાં-કરતાં ક્યારે વાળમાં સફેદી આવી જાય છે અને ક્યારે વન પ્રવેશ કરીને યુવાની ઢળી જાય છે એનો અણસાર સુધ્ધાં આપણે નથી આવતો.
“દિવસ તો જિંદગીના આંખ મીંચીને કપાયા, પણ
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે....!!!” -- ગની દહીંવાળા
આપણી ઉંમર હાફ સેંચ્યુરીને પાર કરે એટલે વૃધ્ધાવસ્થાની છડી પોકારતો આધેડાવસ્થાનો તબક્કો આવી પહોંચે છે. આધેડાવસ્થા એટલે વૃધ્ધાવસ્થાની શરૂઆત.... આ તબક્કે યુવાનીનું જોમ ઓસરતું લાગે પણ સાથે સાથે ‘અભી તો મૈ જવાન હું’ ના સૂર પણ રેલાતાં હોય છે. યુવાનીમાં કરેલ દોડધામનો ધીરે ધીરે થાક અનુભવાય છે. યુવાનીના નશામાં શરીર તરફ દાખવેલી બેફિકરાઈનો પ્રભાવ ધીરે ધીરે બ્લડ પ્રેશર, ડાયાબીટીશ, ધૂંટણનો ઘસારો, મેદસ્વીપણું વગેરે વગેરે સ્વરૂપે દેખાવા લાગે છે. સ્ત્રીઓમાં મેનોપોઝને કારણે એમનાં સ્વભાવ અને વર્તનમાં ખાસ્સો એવો ફેરફાર આવી જતો હોય છે. પરિણામે જાતિય સંબંધોમાં ઓટ આવવા લાગે છે. વ્યક્તિનું મન ‘કામ’ કરતાં ‘કિર્તન’ તરફ કેંદ્રિત થવા લાગે છે. સંતાનોના શ્રેષ્ઠ ભવિષ્ય, એમના માટે યોગ્ય જીવનસાથી શોધીને એમને ઠરીઠામ કરાવવાના સોનેરી સ્વપ્નોને હકીકતમાં સુપેરે પલટાવીને ધીરે ધીરે નિવૃતિ તરફ સરકતો જતો આ તબક્કો વૃધ્ધાવસ્થાના દ્વારે હળવેકથી દસ્તક દઈને ઊભો રહી જાય છે.
“આઠ કૉલમના મથાળા જેવડો આ સૂર્ય લઈ,
આજ ઊગેલો દિવસ સાંજે પસ્તી થઈ જશે.” -- રમેશ પારેખ
પોતાની વાણી અને વર્તન ઉપર કાબુ મેળવીને ખરાં અર્થમાં વડીલ બનવાનો સુઅવસર એટલે વૃધ્ધાવસ્થા.... બાળપણમાં મેળવેલા અને યુવાનીમાં જીવનમાં ઉતારેલા સંસ્કારોનો ફાલ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. યુવાનીમાં કરેલા વાવેતરને નિરાંતે લણવાનો સમય જીવનમાં આવી પહોંચે છે. પરંતુ.... અહીં એ યાદ રાખવું ઘટે કે, ‘જેવું વાવો તેવું લણો!!’ છે. પરિવારની આરી વારીમાં મન તરબોળ થઈને પરોવાઈ જાય છે. જીવનસાથીને પૂરતો સમય આપીને એનો સાથ પામવાની, એને સમજવાની અને એને સાંભળવાની આ અવસ્થાની મુખ્ય લાક્ષણિક્તા છે.
પરંતુ.... આ અવસ્થા દરમ્યાન આપણું મન સતત કોઈના સાથ, સહકાર, સન્માન, લાગણી, પ્રેમ, સહ્રદયતા અને સમભાવને ઝંખતું રહે છે. ધીરે ધીરે હ્રદય અને મન કાચ જેવા બરડ બની જતા જરા સરખો ધક્કો લાગતાં તૂટીને ચૂર ચૂર થઈ જતું હોય છે. દવાઓ અને દુવાઓના ટેકે ચાલતાં શરીરના અવયવો શીથિલ થવા લાગે છે, નાની-મોટી બિમારીઓ, આંખમાં ઝાંખપ, દાંતનું પતન અને કાનમાં બહેરાશને કારણે સ્વભાવમાં ચીડીયાપણું આવી જતું હોય છે. “મેં બધા માટે કેટકેટલું કર્યુ, પણ મને કોઈ સમજતું જ નથી....” ની ભાવના અંત સુધી ચગળ્યા કરવી એ જ તો આ અવસ્થાની મર્યાદાઓ છે.
“સંસારને ત્યાગી જવાની જિદ્દ કરે છે તો;
તારો જ પડછાયો પ્રથમ ત્યાગી બનાવ,
દુનિયાને બદલી નાખવાનું શક્ય પણ નથી,
બદલી શકે તો બદલ તારો સ્વભાવ તું....” --સૂરજ પરમાર ‘સૂર’
પરંતુ... આ અવસ્થા દરમ્યાન નવી પેઢી અને એમના ‘પરિવર્તનોને સંસારનો નિયમ’ સમજીને અપનાવી લેવાથી જીવનમાં અસંતોષ અને કડવાશની ભાવનાનું બાષ્પીભવન શક્ય બને છે. બેઠા બેઠા “ભગવાન ક્યારે બોલાવશે..??” એ વિચારવાને બદલે સમય આવે ત્યારે પોતાના અનુભવોનો નિચોડ દાખવીને કોઈકના જીવનમાં ભગવાન સમું બનીને ‘સાઠે બુધ્ધિ નાઠે’ ની ઉક્તિને ‘ઘરડા ગાડા વાળે’ માં અચૂક ફેરવી શકાય છે. જીવનની આ પાનખરમાં પણ પોતાનાથી થઈ શક્તા નાના-મોટા કાર્યો, હળવી કસરત, સારું વાંચન અને સમ વ્યસ્કો સાથે નિરંતર મુલાકાતો કરવામાં આવે તો, પાનખરમાંયે વસંતના વાયરા વાતા, નવી કૂંપળો ફૂટી નીકળવાની શક્યતાને નકારી ન શકાય. કેમ ખરું ને....????
અને છેલ્લે.... આટલું જ કહેવાનું કે, આપણાં જન્મથી લઈને મૃત્યુ સુધીના ત્રણ તબક્કાઓ બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થાની ખામીઓ અને ખૂબીઓને જોઈ, પરંતુ.. ખામીઓને ખૂબીઓમાં પલટાવીને જીવન જીવી જવું એ જ તો કલા છે. આપણે ‘કેટલું જીવી ગયા..??’ એના કરતાં ‘કેવું જીવી ગયા...??’ એ જ મહત્વનું છે. જીવન પર્યત ‘આશા’ઓ અવશ્ય રાખો પણ, એ તમને ક્યાંક ‘નિરાશા’ની ઊંડી ગર્તામાં ધકેલી ન દે એની કાળજી રાખો. ‘ચાલશે’, ‘ફાવશે’ અને ‘ગમશે’ ને જીવનમંત્ર બનાવીને ખરાં અર્થમાં જીવનને જીવી શકાય છે. મનને માલિક બનાવવા કરતા પોતાના મનના માલિક બનીને સુખ દુ:ખની વ્યાખ્યા પણ બદલી શકાય છે. ઈશ્વરે આખી જીવ સૃષ્ટિમાં ફક્ત મનુષ્યને જ વાણી અને વિચાર કરવાની શક્તિ આપી છે તો આ બંનેના સમન્વયનો આપણા જીવનના તમામ તબક્કે સુપેરે અને સયંમિત ઉપયોગ પોતાની સાથે પોતાનાનું જીવતર વધુ બહેતર બનાવી શકાશે.
પ્રભુએ મનુષ્યને સો વર્ષનું આયુષ્ય આપ્યુ છે પરંતુ.... આજના વિદ્યુત વેગે દોડતાં આધુનિક યુગમાં આપણે એસ.એસ.સી/ એચ.એસ.સી. બોર્ડના ભારણ, મેગી અને ફાસ્ટફૂડના મારણ, દોસ્તી-દુશ્મનીના કારણ, કમાણી અને ખર્ચના તારણને કારણે સમયથી પહેલાં જ અંતિમ અવસ્થા ધારણ કરી લેતાં હોઈએ છીએ. એના બદલે જીવનના તમામ તબક્કે સ્નેહ અને સુમેળનો સરવાળો, ભૂલ-ચૂક અને બેઈમાનીની બાદબાકી, ગળથૂંથીમાં મળેલા સંસ્કારોનો ગુણાકાર અને જીવમાત્ર પ્રત્યે વેરઝેરનો ભાગાકાર કરીને બાળપણને ચહેકાવીએ, યુવાનીને મહેકાવીએ અને વૃધ્ધાવસ્થાને દીપાવીએ તો કેવું.......????
“અમે ચાલ્યા જશું પળમાં, પરોઢી પહોર થાવા દો!!
સ્વંય વિખરાશું ઝાકળમાં, પરોઢી પહોર થાવા દો!!!” -- હરિહર જોષી
જીવનના ત્રણે તબક્કા સુખરૂપ પાર કર્યાબાદ સૃષ્ટિના શાશ્વત નિયમ મુજબ પંચમહાભૂતમાં વિલીન થતાં પહેલા કંઈક પામવાના રઘવાટને જ પછડાટ આપતાં જઈએ તો..??, અભાવોથી ઉતપન્ન થતી કચવાટને હસી-ખુશીનો ચળકાટ આપતાં જઈએ તો..??, હર હમેંશ ઉરે ઉઠતાં તલસાટને મુખ પરના મલકાટમાં તબદીલ કરતાં જઈએ તો...??, આપણાં જન્મથી લઈને મૃત્યુ સુધી જીવાયેલા જીવનને વિરાટ હાસ્ય બનાવીને આપણી ગેરહાજરીમાં આપણાં સ્વજનોની સાથે સાથે દૂરીજનોના હ્રદયમાં પણ કાયમી વસવાટ કરીને જીવનને ખરા અર્થમાં સાર્થક કરતાં જઈએ તો.......??????
****************************** અસ્તુ ************************************