લવ મેરેજ કે એરેન્જડ? પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
-અચ્છા મી. શાહ હવે એક લાસ્ટ ક્વેશ્ચન – ઓફકોર્સ – ‘લાસ્ટ બટ નોટ લીસ્ટ’ –ઇફ યુ ડોન્ટ માઈન્ડ..
-યેસ, મિસ દિપ્તી, ગો અહેડ.
-સર, સવાલ થોડો પર્સનલ છે.
-યેસ, ડોન્ટ હેસીટેટ. પૂછો.
-સર, તમારા મેરેજ એરેન્જડ છે કે લવ મેરેજ?
૩૬ વર્ષની યંગ એજમાં સફળ બીઝનેસમેન બની ચુકેલા મી. પ્રણવ શાહની ઉજ્જવળ કારકિર્દી ને આવરી લેતા તમામ પ્રશ્નો પૂછીને એમનો ઈન્ટરવ્યૂ લઈ રહેલી એક ફેમસ બીઝનેસ મેગેઝીન ની સ્માર્ટ સીનીયર રિપોર્ટર દિપ્તીએ ઈન્ટરવ્યૂ ના અંતે એના મનમાં ઘૂંટાય રહેલ સવાલ પૂછી જ લીધો
-મારા ‘લવ મેરેજ ‘ અને મારી પત્નીના ‘એરેન્જડ મેરેજ’ પ્રણવે સ્મિત કરતાં કહ્યું.
-આઈ કુડ નોટ ગેટ યુ, સર. તમારા ‘લવ મેરેજ’ અને તમારી પત્નીના ‘એરેન્જડ મેરેજ?’ એ કઈ રીતે? વિગતવાર કહેશો પ્લીઝ?
-સ્યોર. પણ અમારી કહાણી ઘણી લાંબી છે.
-આઈ એમ ઇગર ટુ લિસન, સર. લોકોને પણ એક સફળ ઉધોગપતિ, ‘પતિ’ કેવી રીતે બન્યા તે જાણવામાં જરૂર રસ પડશે. ઇફ યુ હેવ અ લીટલ ટાઇમ, તમારી વાત જણાવો સર.
-ઓકે, તો સાંભળો.
આજથી લગભગ દસેક વર્ષ પહેલા હું વિદેશથી MBA નું ભણીને ભારત માં પાછો આવ્યો હતો. મારી આંખોમાં એક સફળ બીઝનેસમેન બનવાનું સ્વપ્ન રમતું હતું. મારા દિમાગમાં એ માટેની અવનવી યોજનાઓ ફીટ કરીને આવ્યો હતો. પપ્પાનો લાખોનો બીઝનેસ મારે કરોડોનો કરવો હતો. એટલે ઇન્ડીયા આવીને ઈતર પ્રવૃતિમાં સમય બરબાદ કરવાને બદલે મે પપ્પાની ઓફીસ જોઈન કરી દીધી. પપ્પાની આગેવાની હેઠળ મેં બિઝનેસની આંટી ઘૂંટીઓ અને દાવ પેચ શીખવા માંડ્યા. પપ્પાએ પણ મારામાં વિશ્વાસ મૂકી ધીમે ધીમે ઓફિસની બાગડોર મારા હાથમાં મૂકી નિશ્ચિંત થવા માંડ્યું. એ હવે ઓફીસના બદલે ઘરે રહીને પોતાનો વાચનનો શોખ પૂરો કરવા લાગ્યા.
અમારા ગુજરાતી પરિવારમાં યુવાન થયેલો દિકરો, ભણીગણી રહે અને કમાતો થાય એટલે એના લગ્નના માગાં આવવા માંડે. માં બાપ પણ એ માગાંઓ પ્રત્યે સીરીયસલી ધ્યાન આપવા માંડે. મારા માટે પણ ૪-૫ જગ્યાએથી માગાં આવ્યા. અમારી જ્ઞાતિના પ્રમુખ મુકુન્દરાયની દીકરી શેફાલી નું માગું ધ્યાનાકર્ષક હતું, એવું મારા મમ્મી પપ્પાને લાગ્યું. મને તો પરણવા કરતા ઔધોગિક ક્ષેત્રે કેરિયર બનાવવામાં વધુ રસ હતો, એટલે પહેલા તો મેં લગ્ન માટેના માગાં ટાળવાનો પ્રયત્ન કર્યો. મમ્મીએ કહ્યું, ‘બેટા, લગ્ન ભલે એક બે વર્ષ પછી કરજે, પણ છોકરી જોવામાં શું વાંધો છે? છોકરી તને ગમે તો જ સગાઇ કરીશું.’
મમ્મી પ્રત્યે મને પહેલેથી જ વધુ લગાવ. મારી પસંદ નાપસંદ નો ખ્યાલ કરતી, મારી જરૂરીયાતોને વગર કહ્યે સમજી જતી, મારા માટે ભાવતા ભોજન બનાવતી, મારી સાચા દિલથી કાળજી કરતી મમ્મીને હું કોઈ પણ બાબતે નારાજ કરવા નહોતો માંગતો. એટલે મમ્મીનું મન અને પપ્પાનાં સુચન નું માન રાખવા, સામે કોઈ પણ જાતની દલીલ કર્યા વગર મે શેફાલીને જોવા જવાની – મળવાની હા પાડી.
એક દિવસ મમ્મી પપ્પા સાથે શેફાલીના ઘરે જવાનો પ્રોગ્રામ બનાવ્યો. એના ઘરે ચા નાસ્તાનો ઔપચારિક કાર્યક્રમ પત્યો એટલે એના પપ્પાએ કહ્યું, ‘શેફાલી પ્રણવને આપણું ઘર અને તારો રૂમ તો બતાવ.’ ‘સ્યોર, પપ્પા’ એમ કહેતા શેફાલીએ વડીલોની હાજરી છતાં, અને અમે પહેલી જ વાર મળતા હતા છતાં,મારો હાથ નિ:સંકોચ પણે પકડીને મને કહ્યું, ‘ચાલ પ્રણવ, તને મારું ઘર બતાવું.’
હું ઉઠ્યો, અને એની પાછળ દોરવાયો. એણે બધા સાંભળે એમ મોટેથી કહ્યું, ‘ડ્રોઈંગરૂમનું આ કાચનું ઝુમ્મર ખાસ જર્મની થી મંગાવ્યું છે, અને આ કાર્વિંગ વાળો સોફાસેટ ખાસ બર્માથી મંગાવ્યો છે.’ પછી ઘરનાં બીજા રૂમોમાં લઈ જઈ એક પછી એક કીમતી ચીજ વસ્તુઓ બતાવતા એ ક્યાં કયાં થી મંગાવી છે, એની માહિતી શેફાલી મને આપતી ગઈ.
છેલ્લે વારો આવ્યો એના બેડરુમનો. બેડરૂમની વચ્ચોવચ એક ભવ્ય અને કલાત્મક રાઉન્ડ બેડ હતો. એના પર સાટીન ની, સુંવાળી ઝુલવાળી ગુલાબી રંગની ચાદર પાથરેલી હતી. સીસમની પટ્ટી પર સુંદર મચ્છરદાની લટકતી હતી. રૂમના કલરને મેચ થાય એવા આછા ગુલાબી રંગના રેશમી પરદાઓ બારીએ ઝુલતા હતા. એક તરફ ત્રણ અરીસા વાળું સરસ ડ્રેસિંગ ટેબલ હતું. જેના પર જાત જાતના ઈમ્પોર્ટેડ પરફ્યુમ્સ અને વિવિધ કોસ્મેટીક્સ પડ્યા હતા.
ભાતભાતના ભારતીય અને વિદેશી પોશાકો, અને એને મેચિંગ પર્સ, ચપ્પલ, શુઝ, બેલ્ટ્સ ધરાવતો શેફાલીનો વોર્ડરોબ અને શુરેક જોઇને મારી તો આંખો જ ચકરાઈ ગઈ. થીયેટરમાં હોય છે તેવું મોટી સ્ક્રીન વાળું ટીવી, વીસીડી પ્લેયર, મ્યુઝીક સીસ્ટમ, નાનું ફ્રીઝ વગેરે શેફાલીએ અતિ ઉત્સાહથી મને બતાવ્યું. અને શેફાલીનો બાથરૂમ તો કોઈ સામાન્ય જનના ડ્રોઈંગ રૂમ કરતા પણ મોટો અને ભવ્ય હતો. હું આગળ કશું વિચારું એ પહેલા શેફાલી મારો હાથ પકડીને એના રાઉન્ડ બેડ પાસે લઈ ગઈ, મને બેસાડીને બિલકુલ મારી અડોઅડ બેસી જઈને મને પૂછ્યું, ‘પ્રણવ, કેવું લાગ્યું મારું ઘર? મારો બેડરૂમ?’ ‘ખુબ સરસ, ખુબ ભવ્ય.’ મેં કહ્યું. અને પછી મારા મનમાં રમી રહેલો પ્રશ્ન પૂછી લીધો, ‘શેફાલી, ઘરમાં ક્યાંય લાયબ્રેરી નથી? બુક્સ વાંચવાનો કોઈને શોખ નથી ઘરમાં?’
‘યુ નો, પ્રણવ, હું ક્યારેક ફિલ્મી મેગેઝીન કે ફેશન મેગેઝીન જોઈ લઉં. મમ્મીને તો વાંચવાનો બિલકુલ જ શોખ નથી,એ તો એની કીટી પાર્ટીઓ અને સોશીયલ મીટીંગો માં વ્યસ્ત હોય. પપ્પા એમના બિઝનેસને લગતી બુક્સ કદાચ વાંચતા હશે, મને ખબર નથી કેમ કે બુક્સ એમની ઓફિસમાં હોય છે.’ શેફાલીની વાત સાંભળી લીધા પછી મેં પૂછ્યું, ‘ઓકે, શેફાલી. તને કોઈ શોખ ખરો કે? આઈ મીન તારી હોબી શું છે?’ ‘મને ફિલ્મો જોવાનો, પોપ મ્યુઝીક સાંભળવાનો, ડિસ્કો થેકમાં જઈને ડાન્સ કરવાનો, ટ્રાવેલિંગ નો, શોપિંગ નો વગેરે શોખ છે’ શેફાલીએ પોરસાતા કહ્યું. ‘અને કૂકિંગ?’ મેં ખચકાતા ખચકાતા એને પૂછ્યું, કેમ કે મને તો ઘરની બનાવેલી સાદી અને વૈવિધ્ય સભર વાનગીઓ ખાવાનો શોખ છે.
‘ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ ડોન્ટ નો કૂકિંગ. એન્ડ ઇવન આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ લર્ન ઈટ. અમારે ત્યાં ૩– ૪ કુક છે, એ લોકો રાંધે અને એ લોકો જ ફૂડ સર્વ પણ કરે. ઘરમાં અડધો ડઝન તો સર્વન્ટ છે, એટલે મારે કદી ઘરના કામકાજ કરવાની પણ જરૂર નથી પડી.’ શેફાલીએ ગર્વથી કહ્યું. ‘અને સાસરે કુક કે સર્વન્ટ ન હોય તો?’ મારાથી પુછાય ગયું. ‘ડોન્ટ વરી. પપ્પાએ કહ્યું છે કે એ મારા સાસરે ૨ કુક અને ૩ સર્વન્ટ મોકલશે અને એમનો પગાર પણ પપ્પા જ ચૂકવશે.’ શેફાલીએ સ્માઈલ આપતા કહ્યું.
‘બાય ધ વે, પ્રણવ. હું તને ગમું છું કે નહિ? એવો વાહિયાત સવાલ હું તને નહિ પૂછું. આઈ નો ધેટ આઈ એમ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ. પપ્પાની કરોડોની મિલકતની હું એકમાત્ર વારસદાર છું, એટલે લગ્નના બજારમાં મારી કિમત શું છે તે હું સારી રીતે જાણું છું. આઈ થીંક, મારી સાથેના લગ્નની પ્રપોઝલ ન સ્વીકારવાનું તારી પાસે કોઈ રીઝન નથી, એમ આઈ રાઈટ?’ શેફાલીએ મારી વધુ નજીક આવતા મારી આંખોમાં આંખ નાખી કહ્યું.
શેફાલીની વિચારધારા જાણીને હું અવાચક થઈ ગયો. એનો હાથ છોડાવતા હું ઉભો થઇ ગયો અને બોલ્યો, ‘ચાલો, ડ્રોઈંગ રૂમમાં જઈશું?’ એ થોડી નારાજગી સાથે ઉઠી અને અમે બન્ને ડ્રોઈંગ રૂમમાં આવ્યા. થોડી ઔપચારિક વાતો બાદ વિદાય લેતી વખતે પપ્પાએ ‘પછી ફોનથી મળીશું’ કહ્યું. શેફાલીના પપ્પાએ, ‘હવે તો તમારું જ ઘર છે, મન થાય ત્યારે આવી જવું.’ એમ મારી સામે જોઇને કહ્યું.
મમ્મી પપ્પાએ શેફાલી વિશે મારો અભિપ્રાય પૂછ્યો. ‘મને લાગે છે કે મારે હજી એક વર્ષ બીઝનેસ પાછળ ધ્યાન આપવું જોઈએ, લગ્નનું પછી વિચારીશ’ એમ મે કહ્યું. ‘જેવી તારી મરજી,’ કહીને અમે એ વાત પર ચર્ચા બંધ કરી. આ વાતને લગભગ અઠવાડિયું થઈ ગયું હતું. હું તો મારા બીઝનેસ પ્રોજેક્ટમાં એવો ડૂબી ગયો હતો કે શેફાલી મારા મનમાંથી ભૂંસાઈ ગઈ હતી.
એક દિવસ હું ઓફિસમાં હતો અને શેફાલીનો ફોન આવ્યો, ‘પ્રણવ, લાગે છે કે તું તો મને ભૂલી જ ગયો. પણ મે આજે લાસ્ટ શો ની મલ્ટીપ્લેક્સની આપણા બેની ટીકીટ બુક કરાવી છે. બોલ, તને કેટલા પીક કરું?’ હું જરા વિચારમાં પડ્યો અને પછી એને ટાળવા મે કહ્યું, ‘શેફાલી, મને ખબર નથી કે હું કેટલા વાગ્યે કામથી ફ્રી થઈશ.’ પણ એણે પીછો ન છોડ્યો બોલી, ‘ઓકે ડીયર, હું આઠ વાગ્યે ઓફીસ પર આવું છું.’ હું આનાકાની કરું તે પહેલા એણે ફોન મૂકી દીધો.
બરાબર પોણા આઠ વાગ્યે શેફાલી મારી ઓફીસ પર આવી. મારી પીએ પ્રિયા એને ‘એપોઇન્ટમેન્ટ’ માટે કઈ પૂછે તે પહેલા તો એ વાવાઝોડાની જેમ મારી કેબીનમાં ધસી આવી. એને રોકવા પ્રિયા પણ એની પાછળ કેબીનમાં આવી. ‘પ્રણવ, લેટ્સ મુવ ફોર ધ મૂવી’ એ મારો હાથ પકડતા બોલી. ‘પ્લીઝ બી સીટેડ’ મે હાથ છોડાવતા એને બેસવાનો ઈશારો કર્યો. પ્રિયા આશ્ચર્યથી શેફાલીને જોઈ રહી. મે પ્રિયાને, ‘આ શેફાલી, મારી ફ્રેન્ડ છે’ કહીને ઓળખાણ કરાવી. બાકી રહેલા કામ અગે સૂચનાઓ આપી અને શેફાલી સાથે મૂવી જોવા ગયો. શેફાલીનું આવું વર્તન મને ગમ્યું તો નહિ પણ મેં ‘લેટ ગો ‘ કર્યું.
થોડા દિવસો બાદ મારી સિસ્ટર દિવાળીના દિવસોમાં અમારા ઘરે રહેવા આવી હતી. અમે બધા વાતો કરી રહ્યા હતા ત્યારે શેફાલી અને એના પપ્પા અમારા ઘરે આવ્યા. ‘શેફાલી ઘરે બોર થઈ રહી હતી એટલે તમને મળવા આવ્યા’ એનાં પપ્પા મુકુન્દરાય એ કહ્યું. ‘સારું કર્યું, બેસો.’ મારા પપ્પાએ વિવેક કરતા કહ્યું. મુકુન્દરાય તો બેઠા પણ શેફાલી ઉભી જ રહી એટલે મમ્મીએ કહ્યું, ‘બેસ ને બેટા, જો તને ઘરના સભ્યોની ઓળખાણ કરાવું’ શેફાલી બેઠી.
બધાની ઓળખાણ પતી એટલે શેફાલી ઉભી થતા બોલી, ‘ચાલ પ્રણવ, આપણે ક્યાંક ફરવા જઈએ, અહી ભીડમાં મારો જીવ અકળાય છે.’ ‘સોરી શેફાલી, આજે તો મારી સિસ્ટર અને એના બાળકો સાથે જ સમય વીતાવવાનો પ્લાન છે, હું ઘરે જ રહેવાનું પસંદ કરીશ.’ મેં કહ્યું અને એ નારાજ થઇને જતી રહી. એકવાર હું ઓફિસમાં એક અગત્યની મીટીંગમાં બીઝી હતો, ફોન સાયલન્ટ મોડ પર રાખ્યો હતો, એટલે શેફાલીએ ઓફીસના લેન્ડલાઇન પર ફોન કર્યો. પ્રિયાએ ફોન ઉપાડ્યો અને મારી સૂચના હતી એ પ્રમાણે કહ્યું, ‘સોરી મેડમ, સર ઈમ્પોર્ટન્ટ મીટીંગમાં બીઝી છે એટલે ફોન ઉપાડી શકે એમ નથી.’
સામે શેફાલીએ પ્રિયાને કઈ એલફેલ સંભળાવ્યું હશે, કેમ કે મેં પ્રિયાને ખુબ ધીમા, દબાયેલા પણ મક્કમ અવાજે કહેતા સાંભળી, ‘મેડમ, બિહેવ યોરસેલ્ફ, આઈ એમ નોટ યોર સર્વન્ટ, માઈન્ડ યોર લેન્ગેવેજ.’ પ્રિયાએ ફોન મૂકી દીધો અને ફરીથી સ્વસ્થ થઇ અમારી સાથે મીટીંગમાં જોડાઈ ગઈ.
મીટીંગ પૂરી થઈ પછી એકલા પડ્યા ત્યારે મેં પ્રિયાને કહ્યું, ‘લાગે છે કે શેફાલીએ તારું ઈન્સલ્ટ કર્યું, એના વતીથી હું માફી માંગું છું. ‘સર, દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર, સમજ અને ઘડતર પ્રમાણે બોલે કે વર્તે. ઇટ્સ ઓકે સર, ફર્ગેટ ઈટ.’ કહીને એણે મધુરું સ્માઈલ આપ્યું. ‘પ્રિયા, હું કન્ફ્યુઝ્ડ છું. મારે શેફાલી સાથે લગ્ન કરવા જોઈએ કે નહિ? મારી પીએ તરીકે નહિ પણ મારી ફ્રેન્ડ તરીકે તું મને આ બાબતમાં હેલ્પ કરીશ? મને સાચી સલાહ આપીશ?’ મે પ્રિયાને પૂછ્યું.
‘સર, જીવનમાં કેટલાક અગત્યના નિર્ણયો આપણે જાતે જ લેવાના હોય છે, લગ્ન પણ એક એવો જ નિર્ણય છે.’ એણે ડહાપણ ભરી વાત કરી. ‘પ્રિયા, આવા ઉડાઉ જવાબ ન આપ, મને સાફ શબ્દોમાં જે કહેવું હોય તે કહે.’ મે કહ્યું. મારી વાત સાંભળી ને થોડીવાર વિચારીને એ બોલી, ‘સર, સાફ શબ્દોમાં કહું તો એ જ કે તમારે મન જિંદગીમાં પૈસા અગત્યના હોય તો શેફાલી સાથે લગ્ન કરવા જોઈએ અને માનસિક શાંતિ કે પ્રસન્નતા અગત્યના હોય તો તમારા ઘર અને તમારા વિચારોને અનુરૂપ થાય એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ.’ મે કહ્યું, ‘પ્રિયા, થેન્ક્સ. હું તારી વાત ધ્યાનમાં રાખીશ.’
એ રાત્રે મેં મમ્મી પપ્પા સાથે શેફાલીની બાબતમાં બની ગયેલા બનાવો વિશે ચર્ચા કરી અને શેફાલીને ન પરણવાનો મારો વિચાર એમની સામે રજુ કર્યો. એમને તો મારી પસંદગીમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. એમણે મને કહ્યું, ‘પ્રણવ, તું પોતે કાલે જ એમના ઘરે જઈ એના પપ્પાને વિનય પૂર્વક ના પાડી આવજે. હું બીજે દિવસે ફોન કરી શેફાલીના ઘરે ગયો. એના પપ્પા મમ્મીની હાજરીમાં જ એમની માફી માગી લઈને એમને મે શેફાલી સાથે લગ્ન કરવાની મારી નામરજી જણાવી.
એના મમ્મી પપ્પાને મારી ‘ના’ થી ઘણું આશ્ચર્ય થયું. શેફાલીને ખુબ ગુસ્સો આવ્યો. એણે મને આકરા વેણ સંભળાવ્યા. મારા પર ડ્રોઈંગ રૂમની ચીજ વસ્તુઓ ઉઠાવીને ફેંકવા માંડી. એના મમ્મી પપ્પા એને વારવા લાગ્યા અને હું ત્યાંથી ઉઠીને ઘરની બહાર નીકળી ગયો. ત્યાર પછી પપ્પાએ બે ત્રણ છોકરીઓની વાત કરી, ફોટા બતાવ્યા. પણ મારા મનમાં તો સરળ, શાંત, સંસ્કારી અને બુધ્ધિશાળી પ્રિયા વસી ગઈ હતી. મારું મન એની તરફ આકર્ષાતું ગયું અને હું મનોમન એને પ્રેમ કરવા લાગ્યો, એની સાથે વધુ ને વધુ સમય વિતાવવાની તક શોધવા લાગ્યો.
એકવાર અમે આમ જ ફ્રી બેઠા હતા ત્યારે મેં એને લગ્નસંસ્થા અંગેનો એનો મત પુછતા એણે કહ્યું, ‘સર, સ્ત્રી અને પુરુષને એક પવિત્ર સંબન્ધમાં બાંધનાર આ સંસ્થા પ્રત્યે મને માન છે. એનાથી સ્ત્રી સુરક્ષાની અને પુરુષ રાહતના ભાવની લાગણી અનુભવે છે. બાળકોને પણ આનાં લીધે પ્રગતિ કરી શકે એવી હૂંફની લાગણી થાય છે.’ હું અહોભાવ પૂર્વક એને બોલતી સાંભળી રહ્યો અને પછી પૂછ્યું, ‘પ્રિયા, તને કેવો જીવનસાથી ગમે?’
એણે મારી સામે જોઈ રહી અને પછી ખુબ સાહજીકતાથી બોલી, ‘ જે વ્યક્તિ મને મારા ગુણ અને દોષ સહિત પૂરેપૂરી સ્વીકારે, મારી ખૂબીઓને ઓળખી વિકસાવવામાં મારી મદદ કરે, મારી ખામીઓને પ્રેમથી અને સહાનુભૂતિથી દૂર કરવામાં મદદ કરે, જેમ હું એના માતા પિતાને સ્વીકારું- આદર કરુ, તેમ જ એ પણ મારા પેરેન્ટ્સની કાળજી કરે, માન આપે એવી વ્યક્તિ સાથે હું લગ્ન કરીશ.’ પછી બોલી, ‘સર, કેમ મને આ બધું પૂછો છો?’ મે કહ્યું, ‘એમ જ, જાણવાની ઈચ્છા થઇ એટલે.’
પ્રિયાના આવા સરસ વિચારોથી પ્રભાવિત થઈને હું એને વધુ ચાહવા લાગ્યો, એને મારી જીવનસાથીના રૂપમાં કલ્પવા લાગ્યો. પણ સીધે સીધું એને કહેવાની હિંમત ન ચાલી, ‘ક્યાંક મારી વાત સાંભળી એ જોબ છોડીને જતી રહેશે તો?’ એ ડરથી હું ચુપ જ રહ્યો. મેં એને એકવાર પ્રેમપત્ર પણ લખ્યો, પણ એને આપવાની હિંમત ન કરી શક્યો.
-સર, પછી એ હિંમત તમારામાં કઈ રીતે આવી? તમે પ્રિયા મેડમને કેવી રીતે પ્રપોઝ કર્યું? રિપોર્ટર દિપ્તીએ પૂછ્યું.
-એ વાત પર જ આવી રહ્યો છું, સાંભળો આગળ શું બન્યું તે.
એક દિવસ પ્રિયાએ મારી કેબીનમાં આવીને કહ્યું, ‘સર, આજે મારે જરા વહેલા ઘરે જવું છે.’ મે પૂછ્યું, ‘કેમ, વહેલું જવું છે?’ એટલે એ બોલી, ‘મારા મમ્મી પપ્પાએ કોઈ મુરતિયાને મારા ઘરે, મને જોવા બોલાવ્યો છે, સર, હું જાઉં?’ આ સાંભળીને મારુ હૃદય એક ધબકારો ચૂકી ગયું. મેં માંડમાંડ સ્વસ્થતા રાખી કહ્યું, ‘યા સ્યોર’ પ્રિયા ગઈ પછી મારું મન પણ ઓફીસના કામમાં ચોંટ્યું નહિ.
એ રાત્રે જમ્યા પછી મને ડ્રોઈંગ રૂમમાં આંટા મારતો જોઇને પપ્પાએ પુછ્યું, ‘બેટા પ્રણવ, એની પ્રોબ્લેમ?’ ‘નો પપ્પા, નોટ એટ ઓલ’ કહીને હું એમને ‘ગુડનાઇટ’ કહીને મારા બેડરુમમાં ભરાઈ ગયો, પણ મોડી રાત સુધી મને ઊંઘ ન આવી, પ્રિયાના જ વિચારો ચાલતા રહ્યા.ફોન કરીને ‘શું થયું, છોકરો પસંદ આવ્યો?’ પૂછી લેવાનો વિચાર આવ્યો પણ મન પર કાબુ રાખ્યો.
બીજે દિવસે હું સવારે વહેલો ઓફિસે પહોચ્યો. મારી અધીરાઈનો પાર નહોતો. પ્રિયા આવી કે તરત જ પૂછી બેઠો, ‘પ્રિયા કાલે છોકરો જોવા આવ્યો હતો તે પસંદ આવ્યો?’ એ બોલી, ‘હા સર, છોકરો હેન્ડસમ છે, વેલ એજ્યુકેટેડ અને વેલ મેનર્ડ છે’ એ બોલી અને મારા ધબકારા વધી ગયા. ‘તો તે હા પાડી દીધી? નક્કી થઈ ગયું?’ એવા મારા સવાલના જવાબમાં તે બોલી, ‘સર, મને તો છોકરો ગમ્યો છે, પણ મે બધું મમ્મી પપ્પા પર છોડ્યું છે. મમ્મી પપ્પા જે નક્કી કરે તે ખરું,’
‘પ્રિયા, વિલ યુ મેરી મી?’ એવા વારંવાર રટેલા શબ્દો મારા હોઠ સુધી આવીને અટકી ગયા. એક વાત મારા મનમાં નોંધાઈ કે ‘પ્રિયાને પરણવું હશે તો એના મમ્મી પપ્પાને મળીને પ્રિયાનો હાથ એમની પાસે માગવો પડશે અને તે પણ જેમ બને એમ જલદી, બીજા કોઈ સાથે એનું નક્કી થઇ જાય તે પહેલા.’
એ દિવસે સાંજે હું રોજ કરતા વહેલો ઘરે પહોંચી ગયો અને મમ્મીને પૂછ્યું, ‘પપ્પા ક્યાં છે?’ મમ્મીએ કહ્યું, ‘એમની ફેવરીટ પ્લેસ – લાયબ્રેરીમાં, બેટા, વાત શું છે?’ ‘અરજન્ટ કામ છે, મમ્મી. તને પછી કહું છું.’ એમ કહીને હું ઘરની લાયબ્રેરીમાં પહોચી ગયો. પપ્પા બુક વાંચતા હતા, મારી સામે જોઇને કહ્યું, ‘બોલ બેટા, શું કામ પડ્યું મારું?’ મે એમના હાથમાંથી બુક લઈને બાજુ પર મુકતા કહ્યું, ‘પપ્પા, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથીંગ.’
અને મે પપ્પાને પ્રિયા વિશેની મારી લાગણી જણાવી, પછી એમનો અભિપ્રાય પૂછ્યો. એમણે કહ્યું, ‘પ્રિયા ઈઝ અ ગુડ ગર્લ. બટ આર યુ સ્યોર યુ વોન્ટ ટુ મેરી પ્રિયા?’ ‘યેસ, પાપા, આઈ એમ ૧૦૦% સ્યોર. મારે પ્રિયાને જ પરણવું છે, પણ પ્રિયા મને પસંદ કરશે ખરી?’ મે શંકા વ્યક્ત કરતા કહ્યું. ‘એ ઓલરેડી તને પસંદ કરી ચૂકી છે.’ મમ્મીએ પાછળથી રૂમમાં પ્રવેશતા ટહુકો કરીને કહ્યું. ‘વ્હોટ? હાવ ડુ યુ નો એબાઉટ ઇટ?’ મે આશ્ચર્યથી મમ્મી સામે જોઇને પૂછ્યું.
‘તેં એના પર લખેલો પ્રેમપત્ર તું અહી જ ડ્રોઈંગ રૂમમાં ભૂલી ગયો હતો. તે અમે બન્ને એ જોયો, વાંચ્યો એટલે પ્રિયા તરફની તારી લાગણી અમે જાણી અને એ પણ જાણ્યું કે તું પ્રિયાને આ વાત પુછતા ડરે છે. પણ પ્રિયા આ બાબતમાં શું લાગણી કે વિચારો ધરાવે છે તે અમને ખબર નહોતી એટલે એક દિવસ તારા પપ્પા ઓફિસે આવ્યા હતા ત્યારે એમણે પ્રિયાને સીધે સીધું જ પૂછી લીધું. અને પ્રિયાએ પણ પપ્પાને કહ્યું, ‘મોટાસર, પ્રણવ મને પસંદ છે, હું લગ્ન માટે પણ તૈયાર છું, પણ મારા લગ્ન માટેનો આખરી ફેંસલો મેં મારા મમ્મી પપ્પા પર છોડ્યો છે.’ મમ્મીએ હસીને કહ્યું.
‘એટલે હું અને તારી મમ્મી પ્રિયાના ઘરે જઈ એના મમ્મી પપ્પાને મળીને તારું માંગુ કરી આવ્યા અને એમને એ સહર્ષ સ્વીકાર્યું.’ પપ્પાએ મમ્મીની વાત આગળ વધારતા કહ્યું. ‘મને કશું સમજાતું નથી. પ્રિયાને જોવા તો બીજો જ કોઈ છોકરો એના ઘરે આવ્યો હતો ને?’ મેં માથું ખંજવાળતા કહ્યું. ‘તું તારા પ્રેમનો એકરાર કરે એ માટેનો અમારો સહુનો એ પ્લાન હતો, બેટા અને અમે એમાં સફળ થયા.’ પપ્પાએ હસીને કહ્યું. ‘એટલે તમે બધાએ મળીને મને ઉલ્લુ બનાવ્યો એમ ને?’ હું હસી પડ્યો. ‘હવે તું જા અને પ્રિયા પાસે તારા પ્રેમનો એકરાર કરીને એનો હાથ માંગ’ મમ્મીએ કહ્યું.
-અને એમ મારા ‘લવમેરેજ’ અને પ્રિયાના ‘એરેન્જડ મેરેજ’ થયા. પ્રણવ શાહે વાત પૂરી કરતા કહ્યું.
-વન્ડરફુલ સ્ટોરી, થેન્ક્સ ફોર શેરીંગ એન્ડ ગીવીંગ અસ યોર વેલ્યુએબલ ટાઈમ, સર. દિપ્તીએ પેક અપ કરતા કહ્યું.