Ha.. Pastavo in Gujarati Short Stories by Chetan Shukla books and stories PDF | હા..પસ્તાવો

Featured Books
Categories
Share

હા..પસ્તાવો

પસ્તાવો

‘હેમા ..!!! આપણે ચાલવા નીકળ્યા ત્યારે તું પેલા ત્રાજવાને એકીટશે જોઇને શું વિચારતી હતી?’ અમદાવાદથી ચાલીસ કિલોમીટર દુરના એક ફાર્મહાઉસના લીલાછમ ગાર્ડનમાં આરામ ખુરશીમાં બેઠા આધેડ રમણીકલાલે એમની પત્નીને પૂછ્યું.

‘છેલ્લા ચારેક વર્ષોમાં બનેલી ઘટનાઓને હું ત્રાજવે તોળું તો હું મારા નિર્ણયોમાં ક્યાંક ખોટી હોઉં તેમ લાગે છે.’

‘પણ હેમા મેં તને દરેક તબક્કે ચેતવી હતી, તારી જડ માન્યતાઓને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો’તો, પણ તું ત્યારે કોઈપણ હિસાબે માનવા તૈયાર ન હતી. એક ના એક પુત્ર માટેની તારી માલિકી ભાવના અને તારા અભરખાઓ અત્યારે આપણી પાછલી જિંદગીને ભરખી નાખવા તૈયાર બેઠા છે.’

‘તમારી વાત સાચી છે તમારી આટલી ઓળખાણ ન હોત તો આપણે અત્યારે જેલમાં હોત એ હું સમજુ છું. હું ભૂલ સ્વીકારું છું કે મારી મહત્વકાંશાઓએ જ આપણને અહી ત્રિભેટે લાવીને મૂકી દીધા છે.’

‘રીટાયર્ડ થઈને આરામથી કોઈ ફાર્મહાઉસમાં રહેવાની મારી ઈચ્છાઓને ઘસીને નકારી દીધી હતી એ મને યાદ છે અને જો આ વિધિના ખેલ..! નાછૂટકે ધરપકડથી બચવા અહીં જ આવવું પડ્યું. તારા જ ગામની, આપણા નાતમાં જેનું આગવું નામ છે એવા સવજીભાઈ અને સુનંદાની છોકરીને વહુ બનાવીને આપડે શું કાંદા કાઢ્યા ? મને તો એમ થાય છે કે આપણા વિરુદ્ધ દહેજની માંગણીની ખોટી ફરિયાદ કરતા નિશાને કેમ જીવ ચાલ્યો હશે ?’

‘હશે આપડા ભાગ્યમાં આવું જ લખાયું હશે પણ મને તો માલવની ચિંતા થાય છે એની કેવી હાલત હશે? પરમદિવસે તો એ ઇન્ડિયા પાછો આવી જશે પણ ત્યાં સુંધીના ત્રણ દિવસ એ એકલો એકલો કેટલો મૂંઝાશે? મને બેહદ પ્રેમ કરતો મારો દીકરો હવે મારાથી વિમુખ તો નહિ થાય ને?’

‘હેમા એને વિમુખ થવું હોત તો નઝમા સાથેના છૂટાછેડા વખતે જ થઇ ગયો હોત એ છૂટાછેડા કરાવવા માટેની તારી અથાગ મહેનત શું મને ખબર નથી?’

‘એટલે તમે કહેવા શું માંગો છો એ છૂટાછેડા મેં કરાવ્યા છે?’

‘એમાં એટલું તાડુકીને બોલવાની જરૂર નથી એકબીજાના પડખા સેવ્યા છે આપણે, હું તારી રગેરગથી વાકેફ છું.’

નઝમા સાથે માલવે ભાગીને લગ્ન કર્યા હતા. પપ્પાને તો કદાચ મનાવી લેવાશે પણ મમ્મી કોઈ વાતે માનશે નહિ તેવી તેને ખબર હતી. એવું પણ નથી કે એણે જણાવ્યું નહોતું. પોતાના નિર્ણય પર અડગ રહેવાની વાત સાંભળી હેમા બે દિવસ સુંધી માલવ સાથે બોલી નહોતી, ભૂખ્યા રહેવાના નાટક પણ કર્યા હતા. બધું જ માલવ માટે બેઅસર હતું કારણકે કાચની પુતળી જેવી નઝમાને એ બહુ પ્રેમ કરતો હતો. ભાગીને લગ્ન કરી અઠવાડિયે શહેરમાં પાછા આવ્યા ત્યારે નઝ્માના પરિવારે તો રૂઢીચુસ્ત હોવાના કારણે મોઢું ફેરવી લીધું. એક નો એક પુત્ર હોવાના કારણે માલવને નાછૂટકે રમણીકલાલે અને હેમાએ સ્વીકારી લીધા હતા. રમણીકલાલ નઝ્માના મળતાવડા અને સ્નેહભર્યા સ્વભાવને ઓળખી ગયા હતા પરંતુ હેમા માટે એ બધું નાટક હતું.

‘યાદ છે ને તને કે એણે પુરેપુરી રીતે ઘરમાં ભળી જવાની કોશિષ કરી હતી. એણે લગ્ન પછી નોનવેજ ખાવાનુંય છોડી દીધું હતું. નમાઝ-બંદગી છોડીને એ કાયમ માલવ સાથે મંદિરમાં જવાનો આગ્રહ રાખતી. અરે એક વખત એની એક ખાસ કઝીનના લગ્નમાં એના પેરેન્ટ્સ મળ્યા ત્યારે એમણે માલવને છોડી દેવાની અને પોતાનો ધર્મ ન છોડવાની સલાહ આપી ત્યારે એણે બધાની વચ્ચે કહી દીધું હતું કે આજ પછી ક્યારેય મને મળતા નહિ અને મારા દામ્પત્યજીવનમાં દખલ ન કરશો.’

‘હા એ વખતે માલવને નઝમા પર ગર્વ થયેલો અને આ વાત જયારે એણે ઘેર આવીને કહી ત્યારે મેં એવું કહીને એની વાત પર પાણી ફેરવી દીધું હતું કે શરૂઆતમાં બધા આવુંજ કરે એમાં કઈ નવાઈ નથી. અને મેં માલવને ફરી ચેતવણી પણ આપી હતી કે તું નઝમાને વહુ બનાવીને ભલે લાવ્યો પણ એના ઘરના કોઈ સભ્યો મારા ઘેર ન આવવા જોઈએ.’

‘જયારે આવી ચર્ચાઓ થાય ત્યારે માલવ તારા સ્વભાવને જાણતો હોવાથી કંઈ બોલતો નહિ પછી એકલામાં તને થોડા મસ્કા મારી જતો. જોકે આ મસ્કા મારવાનું કામ એને નઝમા જોડે પણ કરવું પડતું હતું . કારણ કે નઝમા આવી ચર્ચાઓમાં માલવની ચુપકીદીનો કાયમ વિરોધ કરતી અને ત્યારે એ નઝમાને એમ જ કહેતો કે સમય જશે એટલે એ તને સંપૂર્ણ રીતે સ્વીકારી જ લેશે તું તારા વર્તનમાં સહેજ પણ ખટાશ ન લાવીશ. હું એનો હું સાક્ષી છું.’

‘ હા પણ ત્યારે એ સંબંધ સ્વીકારી શકું તેવી મારી માનસિક પરિસ્થિતિમાં હતી જ નહિ.’

‘હેમા સાચું કહું તો એ લોકોનું એક વરસનું લગ્નજીવન આમ ને આમ એડજસ્ટમેન્ટ માં જ નીકળી ગયું પણ પરીસ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો ન હતો. એ વખતે જો માલવને ત્રણ મહિના માટે કંપની તરફથી ઓસ્ટ્રેલીયા જવાનું ન થયું હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત.’

‘હમમ… તમારી વાત સાચી છે એ વખતે ત્રણ મહિના માટે મને મોકળું મેદાન મળી ગયું હતું. એમાંય પેલી સુનંદાનો સાથ મળ્યો. મેં ત્યારે માલવના કાન ભરવાની એક પણ તક છોડી ન હતી.’

‘તને હવે સમજાય છે કે સુનંદાનું તને મળવું એ ઘટના નીશાને આપણા ઘરમાં લાવવાનું જે એક કાવતરું હતું તેનો જ ભાગ હતો..!!’

‘હા ધીરે ધીરે મને એજ ગળે ઉતરતું જાય છે કે મેં સુનંદાનો મારી કુટુંબની ભાણી સમજી જે વિશ્વાસ કર્યો એનીજ સજા હું અત્યારે ભોગવું છું.’

‘એ વખતે ત્રણ મહીને માલવ ઇન્ડિયા પાછો આવ્યો ત્યારે એ વાતનો નઝમાનો જે હરખ હતો એમાં તેં જ ફાંસ મારી હતી. મને લાગે છે કે નઝ્માના ઘેરથી આવેલી મીઠાઈ અને ફરસાણમાં સુનંદાએ જ નોનવેજ સમોસા મુક્યા હશે. બસ એ વખતથી જ માલવના સુખી સંસારમાં ભડકા થવાના ચાલુ થયેલા જે આખરે છૂટાછેડા રૂપી આગમાં પરિણમ્યા.’

‘ હા એ વખતે સુનંદાએ મને બળતામાં ઘી હોમવાના કાર્યમાં ડગલે ને પગલે મદદ કરી હતી પણ ત્યારે થોડું એવું જાણતા હતા કે આ બધું એ પોતાની છોકરી નિશાને ઘરમાં ઘાલવા માટે કરે છે.’

‘યાદ છે તને નઝમાએ ઘણી વખત સંધ્યાકાળે મંદિરમાં દીવો કરવા માટે પરવાનગી માંગી હતી પણ તું સતત એને ધિક્કારતી રહી અને પેલી નિશાને અઠવાડિયામાં જ તેં દીવાની વાટ બનાવવાનું કીધું તો એણે તને મોઢે જ કહી દીધું હતું કે આ ડોહીઓના કામ મને નહિ કહેવાના..!!’

‘હા નઝમા તો કાયમ હું પૂજા કરવા બેસું તો પાસે આવીને બેસતી મારી ગેરહાજરીમાં પેલી સાયં-પૂજા વાળી ચોપડી લઈને વાંચવાનો ટ્રાય કરતી, કેટલીય વખતે એણે ધાર્મિક-પૌરાણિક વાતો મારી પાસેથી જાણવા માંગી હતી, પણ મેં ક્યારેય એની લાગણી વિષે સમજવાનો ટ્રાય જ નહોતો કર્યો. અને આ નિશા તો ક્યારેય આપણને તો શું મંદિરના ભગવાનને પણ પગે નથી લાગી.’

‘ઘણી વખતે તમે નઝમાનો પક્ષ લીધો છે અને એટલેજ એ ઘણી વખત મને અવગણતી હતી.’

‘ના હેમા તારો આ તર્ક ખોટો છે. એ ભોળી હતી, હું એની નિસ્વાર્થ ભાવના સમજી શકતો હતો. તને જે અવગણવાની ટેવ હતી એનું એને દુખ ન લાગે એટલા માટે હું એનો પક્ષ લેતો હતો, મારે એ લોકોનું સહજીવન સુધારવું હતું ...અને તારે બગાડવું હતું.’

‘એમ તો મને ઘણી વખત માલવે સમજાવી હતી કે તું નઝમાની આ ઘર પ્રત્યેની નિષ્ઠા દેખ. અને એજ રીતે મારી જીદ ખાતર નિશા જોડે લગ્ન કર્યાના પછી પણ એણે મને ઘણી વખત નિશાને માથા પર ન ચઢાવાની સલાહ આપી હતી પણ હું અક્કલની ઓથમીર ત્યારે મારો કક્કો સાચો પાડવાની ફિરાકમાં મારી જ મનમાની કરતી રહી.’

‘હેમા તને હવે ખ્યાલ આવે છે કે તારા પ્રેમલગ્ન પ્રત્યેના પૂર્વગ્રહને કારણે અત્યારે માલવ બે લગ્ન પછી પણ અધુરો છે.પ્રેમલગ્ન હોય કે એરેન્જ જો પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય તો બધુય નકામું છે. જો તને તારા દીકરા પ્રત્યે સાચો પ્રેમ હોય તો હવે આપણી ફરજ બને છે કે માલવનું અને નઝમાનું મિલન કરાવીએ.’

‘હું જાણું છું કે માલવનો નઝમા પ્રત્યેનો પ્રેમ હજુ અકબંધ છે એના પર્સમાં હજુય એનો ફોટો સંતાડેલો છે પણ નઝમા તો અત્યાર સુંધી બીજે પરણી પણ ગઈ હશે.’

‘ના, હજુ એ અપરણિત છે. એણે હજુય એના પરિવાર સાથે સમાધાન નથી કર્યું. એ પી.જીમાં રહીને એક સારી કંપનીમાં નોકરી કરે છે. મને થોડા સમય પહેલા જ મળી હતી. આ નિશાનું બધું થાળે પડે પછી હું માલવને આ બાબતે સમજાવીશ.’

એટલામાંજ રમણીકલાલની ઓફિસમાં કામ કરતા શર્માજી આવી પહોંચ્યા. એમણે ખુશીના સમાચાર આપ્યા કે સાહેબ નિશાના પપ્પાએ તમારી વિરુદ્ધ અરજી પાછી ખેંચી લીધી છે. ચિંતા ન કરશો તમારા કહેવા મુજબ છુટાછેડાની અરજી પણ કરાવી દીધી છે. લગભગ પાંચેક લાખમાં બધું પતી જશે. વાત સાંભળી રમણીકલાલે હેમાની સામું જોયું અને હેમાએ હાથ જોડીને માથું ઊંચું કરી ઉપરવાળાની સામું જોઈ એનો પાડ માન્યો.

...................................................................(સમાપ્ત )...............................................

ચેતન જે શુક્લ

૧,સાઈનિકેતન રો-હાઉસીસ-૪,

અમી પાર્ક પાસે,વિભૂશા બંગલો રોડ

ઘુમા, અમદાવાદ-૩૮૦૦૫૮

ફોન- ૯૮૨૪૦૪૩૩૧૧