Ek anokhu vidayman in Gujarati Comedy stories by Yashvant Thakkar books and stories PDF | એક અનોખું વિદાયમાન

Featured Books
Categories
Share

એક અનોખું વિદાયમાન

એકાંકી

‘એક અનોખું વિદાયમાન’

લેખક: યશવંત ઠક્કર

પાત્રો: [૧] હસમુખભાઈ : વિદાઈ લઈ રહેલા કર્મચારી

[૨] ઇલાબહેન: કાર્યક્રમનાં સંચાલક

[૩] ગટુભાઈ: દરેક વાતમાં કમાણીને મહત્ત્વ આપનાર કર્મચારી

[૪] ગોવિંદભાઈ: ગટુભાઈનો વિરોધ કરનાર કર્મચારી

[૫] કાનજી કાઠિયાવાડી: વારંવાર હાકલા ને પડકારા કરનાર કર્મચારી

[૬] કર્મચારી શ્રોતાઓ

‘એક અનોખું વિદાયમાન’ લેખક: યશવંત ઠક્કર

[ એક ઑફિસના નાનકડા સભાખંડનું દૃશ્ય છે. હસમુખભાઈના વિદાયમાનનો કાર્યક્રમ છે. હસમુખભાઈ તથા થોડાં મહાનુભાવો ખુરશી પર બિરાજમાન છે. ઇલાબહેન ભાષણ કરી રહ્યા છે. સામે કર્મચારીઓ બેઠા છે.]

ઈલાબહેન:અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યા પછી આપણે શ્રી હસમુખભાઈના વિદાયમાનનો કાર્યક્રમ આગળ વધારીએ. શ્રી હસમુખભાઈ વિષે આપણા મિત્રોમાંથી જે લોકો બોલવા માંગે છે તેઓ એક પછી એક અહીંથી એમની વાત રજૂ કરશે. હું સહુ પ્રથમ શ્રી ગટુભાઈને વિનંતી કરુ છું કે તેઓ શ્રી હસમુખભાઈ વિષે બે શબ્દો કહે.

[શ્રોતાઓમાંથી ગટુભાઈ ઊભા થાય છે અને થઈને ભાષણ કરે છે. ઇલાબહેન ખુરશી પર બેસી જાય છે.]

ગટુભાઈ :ભાઈઓ અને બહેનો તેમ જ પાંત્રીસ પાંત્રીસ વર્ષોની નોકરી કરીને આજે વિદાય લઈ રહેલા આપણા સાથીદાર શ્રી હસમુખભાઈ. હું હસમુખભાઈ વિષે બે શબ્દો બોલું તો એમાં કશો દહાડો ન વળે. પાંચસો ગ્રામ ભજિયાં કાંઈ ચોથિયા કાગળમાં ન સમાય. એ માટે મોટો કાગળ જોઈએ. માટે હું વધારે પડતું બોલું તો મને માફ કરશો. મિત્રો, આવતી કાલથી હસમુખભાઈ આપણી વચ્ચે નહીં હોય. મારાથી તો હસમુખભાઈ વગરની ઑફિસની કલ્પના પણ નથી થઈ શકતી. પણ કરવી પડે છે. કારણ કે ઈશ્વરને જે ગમ્યું તે ખરું. ઈશ્વર આપણને સહુને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

[શ્રોતાઓમાંથી ગોવિંદભાઈ ઉત્તેજિત થઈને ઊભા થઇ જાય છે.]

ગોવિંદભાઈ:ઓ ભાઈ...ઓ ભાઈ...ઓ ભાઈ ગટુભાઈ. આ તમે શું બોલો છો? બોલવામાં ધ્યાન રાખો. ગાડી દોડાવો નહીં. હસમુખભાઈએ નોકરી પૂરી કરી છે. જિંદગી પૂરી નથી કરી. આ એમનો વિદાયમાનનો કાર્યક્રમ છે. શોકસભા નથી.

[બધાં હસી પડે છે.]

ગટુભાઈ:અલા ગોવિંદભાઈ , મને પૂરું બોલવા તો દો. વચ્ચે લંગર ન નાખો.

ગોવિંદભાઈ:બોલો જેટલું બોલવું હોય એટલું બોલો. પણ પ્રસંગમાં શોભે એવું બોલો. હસમુખભાઈ સાઈઠ વરસના થઈને આપણા ખાતામાંથી વિદાય લે છે. એમાં ઈશ્વરની મરજીની વાત ક્યાંથી આવી? દુઃખની વાત ક્યાંથી આવી?

ગટુભાઈ:તો ગોવિંદભાઈ, તમે મને એ વાતનો જવાબ આપો કે, હસમુખભાઈ સાઈઠ વરસના થયા એ ઈશ્વરની મરજી વગર થયા છે? ને હવે એ આવતી કાલથી ઑફિસમાં નહીં આવે ત્યારે એમના ભાગનું કામ મારે ને તમારે ખેંચવું પડશે એ દુઃખની વાત નથી?

ઇલાબહેન:[ઊભાં થઈને] અરે! તમે લોકો શું કરો છો એનું ભાન છે? આ હસમુખભાઈને વિદાય આપવાનો કાર્યક્રમ છે કે પછી આવા કજિયા કરવાનો કાર્યક્રમ છે?

ગટુભાઈ:ઇલાબહેન, કજિયો શરૂ કોણે કર્યો એ કહોને.

ગોવિંદભાઈ:ગટુભાઈ, લોચા મારવાની શરૂઆત તમે કરી છે. આ હસમુખભાઈને વિદાય આપવાનો કાર્યક્રમ છે. એમની શોકસભા નથી. ન બોલતાં આવડતું હોય તો ચૂપચાપ બેસી રહેવાય.

ગટુભાઈ:મેં તો પહેલાં જ કહ્યું હતું કે, મને ભાષણ કરતાં નહીં આવડે. પણ કોઈ બોલવા તૈયાર નહોતું એટલે આ ઇલાબહેને મને તૈયાર કર્યો’તો. એમાં મારો વાંકગુનો ખરો? આ તો ધર્મ કરતાં ધાડ પડી.

હસમુખભાઈ :ઇલા બહેન, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મારો વિદાયમાન કાર્યક્રમ રહેવા દો. મને ચૂપચાપ ઘરભેગો થવા દો. પણ તમે માન્યાં નહીં. તમે જ કહો કે આવું વિદાયમાન હોય? આ કાંઈ રીત છે?

ઈલા બહેન:તમે જરાય ચિંતા ન કરો હસમુખભાઈ, તમને તો ખબર છે ને કે આપણી ઑફિસમાં તો આવું જ ચાલતું હોય છે. પાંત્રીસ વર્ષો સુધી સહન કર્યું અને હવે અર્ધો કલાક માટે નિરાશ થઈ ગયા?

ગટુભાઈનિરાશ તો એ વર્ષોથી હતા. પણ આજસુધી ખેંચી કાઢ્યું એમ કહો.

ઇલાબહેન:ગટુભાઈ, તમે મહેરબાની કરીને બેસી જાવ. ગોવિંદભાઈને બોલવા દો.

ગટુભાઈ:બેસી જાઉ છું. મને બોલવાનો જરાય શોખ નથી. ભાઈઓ તથા બહેનો, હું બેસી જઉં છું અને આ ગોવિંદભાઈ કે જેને આપણે ખાનગીમાં ગોવિંદભાઈ ગપોડી કહીએ છીએ એ બોલવા ઊભા થાય છે. તાળીઓથી એનું સ્વાગત કરજો.

[તાળીઓ અને હાસ્ય. ઇલાબહેન અને ગટુભાઈ બેસી જાય છે. ગોવિંદભાઈ ભાષણ કરવા માટે ઊભા થાય છે.]

ગોવિંદભાઈ:ભાઈઓ અને બહેનો, હસમુખભાઈ વિષે શું કહું? એમના જેવો ભલો માણસ આ ઑફિસમાં મેં બીજો કોઈ જોયો નથી.

ગટુભાઈ:[ઊભા થઈને] શાનો ભલો માણસ? હું જ્યારે જ્યારે રજા માંગુ ત્યારે ત્યારે આ હસમુખભાઈ પણ રજા માંગીને ઊભા રહેતા હતા. ગયા વરસે એમના લીધે જ મારી ચાર સીએલનો ભોગ લેવાઈ ગયો છે.

કાનજી:[ઊભા થઈને કાઠિયાવાડી લહેકામાં] ગટુભાઈ, ઈ વાત રેવા જ દેજો હો. તમે પણ કાંઈ દૂધે ધોયેલા નથી. પણ આ અવસર હસમુખભાઈને વિદાય આપવાનો છે. જેવો અવસર એવી વાત થાય. સમજ્યા? માણસ કેવો છે ઈ બોલવા ઉપરથી પરખાઈ જાય. કહેનારે કીધું છે ને કે [દુહો લલકારે] હે... કોયલડી ને કાગ ઇનો વાને વરતારો નઇ, પણ હે... જીભલડીમાં જવા..બ સાચું સોરઠિયો ભણે.

ગટુભાઈ:ઓ કાનજી કાઠિયાવાડી, આ ડાયરો નથી. તમારા હાકલા ને પડકારા રહેવા દો.

કાનજી:રહેવા દ્યો એટલે તમે શું કહેવા માંગો છો? ભાયડાના ઝપાટા જોવા છે? હાલો નીકળો ઑફિસની બહાર.

ગટુભાઈ:આમાં ઑફિસની બહાર નીકળવાની વાત ક્યાં આવી? ભલા માણસ, તમે તો ખોટી ગરમી પકડી લો છો.

કાનજી:હજી તમે મારી ગરમી જોઈ નથી. બહાર નીકળો તો ખબર પડે.

ગટુભાઈ:કાનજી કાઠિયાવાડી, હું બહાર નીકળું તો તમે શું કરશો? મને ભડાકે દેશો? તમે મને મારવાની વાત કરો છો એ બરાબર નથી.

કાનજી:મારવાની વાત કોણે કરી?

ગટુભાઈ:તો?

કાનજી: મેં તો હાકલા ને પડકારાની વાત કરી છે. બહાર નીકળો તો ખબર પાડું કે હાકલા ને પડકારા કેવા હોય? આ નાનો ઓરડો મારા હાકલા ને પડકારા નો ખમી હકે.

ગોવિંદભાઈ:કાનજીભાઈ, આ ગટુભાઈની જોડે મગજમારી રહેવા દો. આ ભજિયાંનો ખાનારો. એને શું ખબર પડે કે બાજરાના રોટલામાં કેવી તાકાત હોય!

ગટુભાઈ:ગોવિંદભાઈ, ઑફિસમાં જ્યારે ભજિયાં આવે છે ત્યારે ભજિયાં પર સહુથી વધારે સપાટો તો તમે બોલાવો છો. અમે માંડ બે ભજિયાં ખાધાં હોય ત્યાં તમે ચારચાર દાબી જાવ છો એ વાત કરોને. અને રોટલાની વાત કરતા હો તો અમે પણ કાઠિયાવાડી ધાબામાં રોટલા ખાવા જઈએ છીએ. તમે તમારું ડહાપણ રહેવા દો.

કાનજી:ઈ ગમે એમ તોય ધાબાના રોટલા! ઘરના અસલ રોટલાની સોડમ એમાં નો આવે. કહેનારે કીધું છે ને કે [દુહો] હે...બાકર બચ્ચાં લાખ લાખે બિચારાં પણ હે...સિંહણ બચ્ચું એ...ક એકે હજારા.

ઇલાબહેન:[ઊભાં થઈને] ઓ મારા ભાઈઓ. શાંતિ રાખો. આ તમને શોભતું નથી. આ વિદાયમાનનો કાર્યક્રમ છે. શક્તિમાનનો કાર્યક્રમ નથી. ગોવિંદભાઈ, તમે તમારું ભાષણ ચાલુ કરો. ગટુભાઈ અને કાનજીભાઈ તમે મહેરબાની કરીને બેસી જાવ. વિદાયમાનના કાર્યક્રમમાં આવા તમાશા ન હોય.

[ઇલાબહેન, ગટુભાઈ અને કાનજીભાઈ બેસી જાય છે.]

ગોવિંદભાઈ:હસમુખભાઈ જેવા સાદાસીધા માણસ આવતીકાલથી સાવ નવરા થઈ જવાના છે. પણ મારું તો માનવું છે કે નિવૃત્ત થયા પછી હસમુખભાઈએ પણ કોઈને કોઈ પ્રવૃત્તિ જરૂર કરવી જોઈએ.

ગટુભાઈ:[ઊભા થઈને] મારું માનવું છે કે એમણે સમોસાંનો ધંધો કરવો જોઈએ. આજકાલ સમોસાંનું ચલણ વધ્યું છે.

ગોવિંદભાઈ:[ઊભા થઈને] ગટુભાઈ, તમને ભજિયાં અને સમોસાં સિવાય બીજાં કશામાં રસ પડ્યો છે?

ગટુભાઈ: આ તો બે પૈસા કમાવાની વાત છે. રસ તો ઘણી વાતોમાં પડે પણ પૈસા વગર બધું નકામું.

હસમુખભાઈ:[ઊભા થઈને] ભાઈઓ, તમે મારી ચિંતા ન કરો. મારે કોઈ નોકરીધંધો કરવો નથી. મારે હવે નિરાંતે જીવવું છે.

ગોવિંદભાઈ:હસમુખભાઈ, તમે કશી જ પ્રવૃત્તિ નહીં કરો તો કંટાળી જશો. ગાંડા થઈ જશો.

હસમુખભાઈ:ગાંડો તો તમે મને આજે ને આજે અને અત્યારે જ કરી દેશો એવું લાગે છે.

ઇલાબહેન:[બેઠાં બેઠાં જ] તમે ગમે તે કહો પણ મને ગોવિંદભાઈની વાત સાચી લાગે છે. નિવૃત્ત થયા પછી માણસે કામ તો કરવું જ જોઈએ. મારા પતિદેવ નિવૃત્ત થયા પછી કશું કામ નહોતા કરતા એટલે મેં એમને ધીરે ધીરે કામે લગાડ્યા. આજે અમારા ઘરમાં બધાંનાં કપડાંની ઇસ્ત્રી એ કરે છે. દૂધની થેલીઓ લેવા એ જાય છે. બચતની બચત અને કામનું કામ!

કાનજી:[ઊભા થઈને] અરે બિચારા હસમુખભાઈએ આખી જિંદગી નોકરી કરી હવે એમણે આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. હું એમને મારા ગુરુ તગડાનંદ મહારાજના શરણે લઈ જઈશ. [ભજન ગાય] તગડાજીના નામની હો માળા છે ડોકમાં, તગડાજીના નામની હો માળા છે ડોકમાં.

ગટુભાઈ:હસમુખભાઈ, તમે ભૂલેચૂકેય આ કાનજી કાઠિયાવાડીના રવાડે ન ચડતા. તમે જોયું છે ને કે તગડાનંદ મહારાજની શિબિરમાં જવાના બહાને એમણે કેટલી વખત સાવ અચાનક રજાઓ મૂકી છે!

હસમુખભાઈ:હું તમને બધાંને બે હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને મને સલાહ આપવાનું બંધ કરો. હું કાલથી મારે જે કરવું હશે તે કરીશ. તમે મારી ચિંતા ન કરો અને આ કાર્યક્રમ વહેલી તકે પૂરો કરો જેથી હું ઘરભેગો થઉં.

ઇલાબહેન:[ઊભાં થઈને] તો એક કામ કરો. હસમુખભાઈ, હવે તમે જ બોલવાનું હોય તે બોલી નાખો. ગોવિંદભાઈ, તમે બેસી જાવ.

ગોવિંદભાઈ:આ કેવું? હું તો હજી પૂરું બોલ્યો પણ નથી.

ઇલાબહેન:ગોવિંદભાઈ, વિદાયમાન હસમુખભાઈનું છે. તમારું નહીં. માટે હસમુખભાઈને બોલવાની તક આપો. હસમુખભાઈ તમે શરૂ કરો. કાનજીભાઈ અને ગટુભાઈ, મહેરબાની કરીને તમે પણ બેસી જાવ. આમ વાંરવાર ઊભા ન થાવ.

કાનજી:આ બેઠાં લ્યો. પણ બોલવા જેવું લાગશે ત્યારે બોલ્યા વગર નહિ રહું. હા.

[ઇલાબહેન, કાનજીભાઈ, ગોવિંદભાઈ અને ગટુભાઈ બેસી જાય. હસમુખભાઈ ભાષણ શરૂ કરે.]

હસમુખભાઈ:ભાઈઓ અને બહેનો, પાંત્રીસ વર્ષોની લાંબી નોકરી કર્યા બાદ હું નિવૃત્ત થઈ રહ્યો છું. નિવૃત્ત થયા પછી મારે શું કરવું જોઈએ એ વિષે સલાહો આપનારા મિત્રોનો હું આભાર માનું છું. પણ હું એમની સલાહોનો અમલ નહીં કરી શકું. કારણ કે નિવૃત્ત થયા પછી હું એ જ કામ કરીશ કે જેમાં મને આનંદ આવે. આજસુધી બીજાની મરજી મુજબ જીવ્યો છું હવે હું મારી મરજી મુજબ જીવીશ.

કાનજી:[ઊભા થઈને] વાહ હસમુખભાઈ વાહ! ધન્ય છે તમને. કહેનારે કીધું છે ને કે [દુહો] ચીલે ચીલે ગાડી ચલે. ચીલે ચીલે ચલે કપૂત. પણ એ ચીલે ચીલે નવ ચલે, સિંહ ઘોડા ને સપૂત.

ગટુભાઈ:[ઊભા થઈને] કાનજી કાઠિયાવાડી, તમે તમારા હાકલા ને પડકારા રહેવા દો.

ઇલાબહેન:હવે પછી કોઈ વચ્ચે બોલતાં નહીં. હસમુખભાઈને બોલવા દો. આજે એમની પાસે છેલ્લી તક છે. એમને એમના મનની વાત કહેવા દો.

હસમુખભાઈ:મારા મનની વાત એ છે કે હું કાલથી વાજાપેટી વગાડતાં શીખીશ. મારી એ બહુ જૂની ઇચ્છા છે. આજસુધી સમય નહોતો મળ્યો. હવે સમય મળશે એટલે મારી એ ઇચ્છા પૂરી કરીશ.

ગટુભાઈ:વાજાપેટી વગાડે દહાડો નહીં વળે. ઘરનાં લોકોનાં માથાં ફરી જશે. એના કરતાં સમોસાં વેચજો. અમે રોજ ખાવા આવીશું.

ગોવિંદભાઈ:[ઊભા થઈને] હસમુખભાઈ, સમોસાંનો ધંધો ભૂલેચૂકેય નહીં કરતા. આ ગટુભાઈ રોજ મફતમાં ખાવા આવશે.

ગટુભાઈ:હસમુખભાઈ, તમારે સમોસાં ન વેચવા હોય તો વાંધો નહીં. પણ તમારે કશું વગાડવું જ હોય તો બેન્ડવાજાં વગાડજો. તમારો શોખ પણ પૂરો થશે અને એમાં કમાણી પણ થશે.

કાનજી:હસમુખભાઈ, પાંત્રીસ પાંત્રીસ વરસનાં વાણાં વાઈ ગયાં પછી માંડ માંડ ભક્તિ કરવાનો મોકો મળ્યો છે તો અહીંથી સીધા જ તગડાનંદજી મહારાજના શરણે પહોંચી જજો. હું તમને મૂકવા આવીશ. કહેનારે કીધું છે ને કે [દુહાની જેમ] હે...

હરિનો માર્ગ છે શૂરાનો ને નહીં કાયરનું કામ જોને. હે...પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને.

હસમુખભાઈ:[ગુસ્સે થઈને] મારે કોઈના શરણે નથી જવું. મારે મારા ઘરે જવું છે ને હું આ ચાલ્યો. તમારી ઑફિસ તમને મુબારક. આજ પછી ક્યારેય આ ઑફિસમાં તો પગ નહીં મૂકું પણ આ ઑફિસની આસપાસ પણ નહીં ફરકું.

[હસમુખભાઈ ચાલવા લાગે.]

ઇલાબહેન:[ઊભાં થઈને હસમુખભાઈને રોકે] અરે! અરે! હસમુખભાઈ, આમ જતું ન રહેવાય. તમે શાંત થાવ. હજી કાર્યક્રમ પૂરો નથી થયો. અમારાં બધાં તરફથી તમને એક ભેટ આપવાની છે એનો તો સ્વીકાર કરો. ગટુભાઈ અને ગોવિંદભાઈ, તમે હસમુખભાઈ માટેની ભેટ જલ્દી હાજર કરો અને તમારા બંનેના હસ્તે જ એમને અર્પણ કરો.

[ગટુભાઈ અને ગોવિંદભાઈ ભેટનું બોક્સ લઈને હસમુખભાઈની સામે બોક્સ ખોલીને ઊભા રહે.]

હસમુખભાઈ:[બોક્સમાં નજર નાખીને] અરે! આ શું છે? આ તો વાજાપેટી લાગે છે. નવીનક્કોર!

ઇલાબહેન:હા. હસમુખભાઈ, ગટુભાઈની જ ઇચ્છા હતી કે તમને વાજાપેટીની ભેટ આપવી.

હસમુખભાઈ:પણ ગટુભાઈ તો રોજની જેમ આજે પણ મારી સાથે આડા ચાલતા હતા. ઉપરથી મને સમોસાંનો ધંધો કરવાનું કહેતા હતાં. બેન્ડવાજાં વગાડવાનું કહેતા હતા.

ગટુભાઈ:એ તો રોજની આદત થઈ ગઈ એટલે મજાક કરતો હતો. બાકી તમને શાનો શોખ છે એ મને ખબર જ હતી. મારી જ ઇચ્છા હતી કે તમને વાજાપેટીની ભેટ આપવી. આ ગોવિંદભાઈએ સ્ટાફમાંથી પૈસા ઉઘરાવ્યા. ખૂટતા પૈસા પોતે ઉમેર્યા અને આ વાજાપેટીનો મેળ પાડી દીધો.

હસમુખભાઈ:[ગળગળા થઈને] ગોવિંદભાઈ, તમે તો મને નવરા ન બેસવાની સલાહ આપતા હતા. હું ગાંડો થઈ જઈશ એવી વાત કરતા હતા.

ગોવિંદભાઈ:હું એમ કહેવા માંગતો હતો કે માણસે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. કાંઈ નહીં તો છેવટે સંગીત, સાહિત્ય કે વાંચનમાં રસ લેવો જોઈએ. પણ મારી વાત પૂરી કરવાનો મને મોકો જ ન મળ્યો.

ઇલાબહેન:ચાલો હવે કાર્યક્રમ આગળ વધારો. હસમુખભાઈ, તમે આ વાજાપેટીનો સ્વીકાર કરો. સારેગમના સૂર રેલાવો અને પછી આપણે રોટલાભેગાં થવાનું છે. રોટલાની વ્યવસ્થા કાનજીભાઈ કાઠિયાવાડી તરફથી છે.

કાનજી:એ... આ ડાયરામાં પધારેલાં બધાં ભાયું બેનુંને મારી હાથ જોડીને વિનંતી છે કે કોઈ ભૂખ્યા પેટે નો જાય. બહાર મેદાનમાં બાજરીના રોટલા, અડદની દાળ અને ચૂરમાના લાડવા આપણી વાટ જોવે છે. આ હસમુખભાઈ હવે આપણા મેમાન કહેવાય. એના માનમાં આ રોટલાનો કાર્યક્રમ રાખ્યો છે. કહેનારે કીધું છે ને કે- [દુહો] હે...મેમાનું ને માન દલભર દલ દીધાં નહીં, ઈ માણસ નહીં પણ મસા..ણ હે...સાચુ સોરઠિયો ભણે. બોલો તગડાનંદજી મહારાજની...

બધાં:જય.

[‘સારેગમપધની’ના સૂર સાથે સમાપ્ત]