Dikari Mari Dost - 5 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5)

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5)

દીકરી મારી દોસ્ત

5 ...પપ્પા, એ અંગ્રેજીમાં છે..!

આંખમાં ઊગતાં, શમણાં સોનેરી, રંગ ભરે રાતા.

મારી ઝિલ, માણસનું મન કયારેક ક્ષિતિજને પાર વિસ્તરે છે. અત્યારે સંધ્યાની સુરખિ આકાશમાં અને મારા મનમાં પણ છવાઇ ગઇ છે. પક્ષીઓ વૃક્ષોની બહુમાળી ઇમારતમાં પોતપોતાના “ ફલેટ “ માં આવીને ડાળીઓ પર ઝૂલી રહ્યા છે. વૃક્ષો ડોલી ડોલીને જાણે વાયરાની વાતમાં ટાપસી પૂરાવી રહ્યા છે. પંખીઓ તારી જેમ કલરવ કરી રહ્યા છે. સાંધ્ય આરતી ગાઇ રહ્યા છે કે શું ? અને હું અહીં મારા મનના માળામાં તારી યાદોના સથવારે ઘૂમી રહી છું. પંખીઓ એટલે પ્રકૃતિનું અણમોલ પુષ્પ..અને તું....? તું અમારી જીવનડાળનું મઘમઘતું પ્રથમ પુષ્પ. ” સ્નેહનો અમને મળ્યો છે સુગંધી દરિયો, વહાલમાં કેવો ભળ્યો છે, મલકતો દરિયો. ” તારી બદલતી જતી દુનિયાનો એહસાસ કાલે તને જોઇને આવ્યો. બદલાવ એ જ જીવનનું પરમ સત્ય છે. અને હું ખુશ છું તારા સ્વાભાવિક બદલાવથી. સાવ સાચું કહું તો કાલે તારું બદલેલ સ્વરૂપ જોઇ હું થોડી ચિંતામુકત થઇ ગઇ. તું કહીશ..શેની ચિંતા ? ઉમરલાયક દીકરીની દરેક મા ને થતી સ્વાભાવિક ચિંતા ’ મમ્મી હું નહીં કરું..તું કરી લે. મારે બહાર જવું છે. મારી ફ્રેન્ડસ મારી રાહ જુએ છે...’ કે પછી એવું કોઇ પણ કારણ આગળ ધરી બહાર ઉપડી જતી દીકરી કયા ઘરમાં નહીં હોય? અને ત્યારે મા ને જરૂર થાય કે સાસરે જશે ત્યારે શું થશે ? અને કયારેક એમ પણ થાય કે અત્યારે આપણે ઘેર છે ત્યારે ભલે ને મુકત રીતે હરી ફરી લે..પછી તો એ બધું કરવાનું જ છે ને ? જવાબદારી આવશે...માથે પડશે એટલે જાતે શીખી જશે...આમ બંને વિચારો મા ના મનમાં રમતા રહે છે. બંને વિચાર પાછળ ભાવના તો એક જ હોય છે..દીકરીના ભવિષ્યની ચિંતા. પણ ના, એમ તો આજની પેઢી જવાબદાર છે. મા પાસે ભલે લાડ કરે. પણ સમય આવ્યે એ બધું કરી શકે છે. એની ખાત્રી કાલે તારી વાતો સાંભળીને થઇ.

કાલે કેવું મીઠું મીઠું બોલતી હતી તું... એ સાંભળીને તું પહેલો શબ્દ મા નહીં પણ ‘પા પા ‘ બોલતા શીખી હતી.. એની યાદ આવી ગઇ. આજ સુધી પપ્પા એ વાતનો રોફ મારી આગળ માર્યા કરે છે. જો દીકરી કોની ? પહેલાં શું બોલતા શીખી ? અને હું કૃત્રિમ ગુસ્સાથી, અને મનમાં હરખાતી બાપ દીકરીને એકબીજાને રમાડતા જોઇ રહેતી. તારા વિકસતા જતા વિશ્વની સાથે તારું ભાષાવિશ્વ પણ ઉઘડતું જતું હતું. આજે કયા શબ્દો શીખી ? એનું લીસ્ટ દરેક મા બાપની જેમ અમે પણ હરખથી બનાવતા રહેતા.

સાથે સાથે આજે તારું શૈશવનું એક નવું રૂપ યાદ આવે છે અને હું એકલી એકલી મલકી રહુ છું. નાની હતી ત્યારે એકવાર કોઇને પગે પાટો બાંધેલ તેં જોયો હતો. અને ત્યારથી તને યે પગમાં સાચા ખોટા પાટા બાંધવાનો કેવો શોખ ઉપડયો હતો.! કેટલાયે રૂમાલ અમારે તારે પગે બાંધીને પગ શણગારી દેવો પડતો. અને ખોટી ફૂંક મારી દેવી પડતી..!.અને કયારેક પાટા બાંધવામાં અમે દાદ ન દઇએ ત્યારે તારી જાતે ગમે તે કાગળ શોધી, ભીના કરી પગ પર ચોંટાડી ફર્યા કરતી !! અને વટ મારતી કે જો જાતે કરી લીધું ને.! પાટા બાંધી ને દુખવાનું નાટક કરી ધીમે ધીમે ફરતી તું આજે યે અમારા મન:ચક્ષુ સમક્ષ દેખાય છે. અને હું ને પપ્પા ખડખડાટ હસી ઉઠીએ છીએ. તને મેડીકલમાં એડમીશન મળ્યું ત્યારે અમે કહેલ, ’ ડોકટર બની ને કોઇને ખોટા પાટા ન બાંધી દેતી હોં...’ અને આપણે બધા સાથે કેટલા હસી પડેલ.!

કેટકેટલી વાતોથી મા દીકરીનું વિશ્વ છલકાય છે ..નહીં ? આજે ઘણું.. હસી લીધુ..અને જે દિવસે તમે મુક્ત, ખડખડાટ હાસ્ય કરો છે..એ દિવસ તમારો બની રહે છે. એ દિવસે, એ ક્ષણમાં જીવન ઉમેરાય છે. બાકી તો જીવનમાં વરસો જ ઉમેરાતા રહે છે. હાસ્ય માનવીને નવા નવા અનંત અવકાશો ઉઘાડી આપે છે. આનંદની અમૂલ્ય સોગાદ આપે છે.

સરકસમાં નાના બાળકોથી માંડી ને બધાને જોકર..કેમ વહાલો લાગે છે ? કેમકે એ રમૂજના ફુવારા ઉડાડે છે. પોતાની જાતના ભોગે બીજાને હસાવે છે. કદાચ એની ભીતરમાં દુ:ખ ભર્યું હોય તો પણ એ દુ:ખને ભીતર શમાવી આપણને તો હાસ્ય જ અર્પે છે. આ કાર્ય કદાચ સૌથી અઘરું નથી લાગતું ? એ જાતે મૂરખ બની ને આપણા સૌના ચહેરા પર સ્મિત ફરકાવે છે. એમ પણ કેમ ન બની શકે કે હાસ્ય દ્વારા એ પોતાના મનની ઉદાસીનો ઇલાજ કરતો હોય..!! હાસ્યમાં દુ:ખને ભૂલવાની અમોઘ શક્તિ છે. આજે હાસ્ય થેરાપી થી આપણે અપરિચિત નથી જ ને ? મારા મતે તો લાફીંગ કલબોનું મૂલ્ય આ જમાનામાં જરાયે ઓછું ન આંકી શકાય. સતત તાણ નીચે જીવતા મનુષ્ય ની આજે કદાચ સૌથી અગત્યની જરૂર છે હળવાશની પળોની .

આજે તો મોટી મોટી કંપનીઓના એકઝીકયુટીવો માટે ખાસ આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે, જેથી એ હળવા થઇ શકે અને તેમની કાર્ય ક્ષમતા વધે. હાસ્ય પારકાને પોતાના બનાવે છે. એનાથી કાર્યક્ષમતા અવશ્ય વધે જ છે.

બેટા, જીવનમાં હમેશાં હસતી રહેજે..સૌને ગમતી રહેજે, સૌના મનમાં વસતી રહેજે. “ જીવો ને જીવવા દો..” ની જેમ “ હસો ને હસાવો..” સૂત્ર પણ એટલું જ ઉપયોગી છે.

યાદ છે આપણે ઘેર અજીત અંકલ આવતા ત્યારે આપણને બધા ને ગમતું..ને આપણે કહેતા...એ આવે છે ત્યારે મજા આવી જાય છે. કેમકે એ સતત પોતે પણ હસતા રહેતા અને સૌને હસાવતા રહેતા. એને આપણે “ લાઇવ ” છે એમ કહેતા..કે કહીએ છીએ. એને બદલે પેલા ભરત અંકલ આવે ત્યારે ..કેવા વિચારતા કે હવે જાય તો સારું. શા માટે ? એમની પાસે પણ વાતો નો ખજાનો રહેતો. અને એમની વાતો કયારેય ખોટી પણ નહોતી. પરંતુ ભારેખમ ચહેરે એ સલાહ સૂચનો આપતા હોય..કે મોટી મોટી જ્ઞાનની ઉપદેશાત્મક વાતો કરતા હોય..જે આપણને “ બોર ” કરતી.બરાબર ને ? અને તમે બંને ભાઇ બહેન તો વાંચવાનું બાકી છે કહી ને અમારી સામે જોતા જોતા છટકી જતા. પણ અમે કયાં છટકીએ ? અને તેઓ જાય પછી તમે અમારી મસ્તી કરતા, ‘ મમ્મી, મજા આવી ગઇ ને ? ’

કદાચ હાસ્ય એ કદાચ આજના યુગની બહુ મોટી અને અગત્યની જરૂરિયાત છે. અરે, આજે કથા શ્રવણમાં પણ જો હાસ્ય ન આવે તો એ કથાકાર ભાગ્યે જ સફળ થાય. હાસ્યનો ઓપ આપી ને તમે ધારો તે કહી શકો. નાના બાળકથી માંડી દરેક માનવ સાથે કામ પાર પાડવા હાસ્ય સૌથી અગત્યની વાત છે. સોગિયુ ડાચુ કરી ને બેસેલ , જાણે આખી દુનિયાનો ભાર પોતા પર હોય તેમ ભારેખમ ચહેરાવાળી વ્યક્તિ કોને પસંદ આવશે ? હું સ્કૂલમાં ભણાવતી ત્યારે અમારા આચાર્ય ડો.નરગીસ બહેન વાંકડિયા એમની પારસી શૈલીમાં હમેશા કહેતા, ’ જે દિવસે તમે હસી શકો તેમ ન હો તો વર્ગમાં ન જશો..તમારા વિષયની થોડી ઓછી તૈયારી હશે તો ચાલશે પણ બાળક્ને હસી ને આવકારી ન શકો કે આખા પિરિયડમાં એકાદ વાર બાળકના ચહેરા પર સ્મિત ન ફરકાવી શકો તો તમારું તે દિવસનું ભણાવેલ બધું નકામું છે. ‘ કેટલી સાચી વાત છે આ. દરેક દિવસને એક સોગાદ તરીકે સ્વીકારવનો છે. અરીસામાં જોઇ સૌ પ્રથમ પોતાની જાતને આવકારી ગૂડ મોર્નીંગ કહીએ. જે પોતાની જાતને આવકારી નથી શકતો તે અન્યને કેમ આવકારી શકે ? હા, એવો દંભ જરૂર કરી શકે. બાકી એક ખુશનુમા વ્યક્તિ જ ખુશનુમા સવાર ને અનુભવી શકે..માણી શકે. હસતા ચહેરાની વેલ્યુ અરીસામાં જોઇ જાતે નક્કી કરી શકાય.. સૂર્ય દરેક સવારે એક ચમત્કાર સર્જે છે..આખી દુનિયાને અજવાળે છે. દિલના ઉંડાણમાંથી આવતા તાજગીભર્યા હાસ્યથી ઉગતા દિવસનું સ્વાગત કરીશું ને ?

હાસ્યની વાત કરતા કરતા એક સરસ મજાનું દ્રશ્ય મનમાં દોડી આવ્યું. જે વાત યાદ કરી ને આજે પણ આપણે બધા ખડખડાટ હસી પડીએ છીએ.

હું સ્કૂલમાં ભણાવતી એટલે ત્યારે તમને બંને ભાઇ બહેનને તો એમ જ થતું કે મમ્મી ટીચર છે. કંઇ પપ્પા થોડા ટીચર છે ? એમને થોડું આવડે ? અને એટલે એકવાર પપ્પાએ તને કહ્યું, ‘ ચાલ, હું તને શીખવું.’ અને મારી દીકરીએ..પપ્પાની ચમચી દીકરી એ તરત જવાબ આપી દીધો,’ પપ્પા, એ તો ઇન્ગલીશમાં છે.!! તમે પેન્સિલ છોલી આપો.! મમ્મી અમને શીખડાવશે.’

હું હસી પડી. તને કંઇ સમજાયું નહીં કે આમાં હસવા જેવું તું શું બોલી હતી ? પપ્પા બિચારા પેન્સિલ છોલવા બેસી ગયા.પરીક્ષા વખતે રોજ તારી ને મીતની આઠ આઠ પેન્સિલ છોલવાનું પપ્પાનું રોજિન્દુ કામ હતું. મોટા થયા પછી ખબર પડી કે આ તો બધુ ઉલટુ છે.! પપ્પાને જ વધારે આવડે છે. નકામી મમ્મી જશ લઇ જતી હતી.!

તારી દુનિયા બદલતી જતી હતી..નાનપણમાં અને અત્યારે પણ...કાલે જમીને બધાની સાથે ડાહી થઇને કેવી ચાલી ગઇ, ’ મમ્મી, ધ્યાન રાખજે હોં.! ’ અને જતા જતાં એકવાર પાછું ફરીને જોયું અને એ એક ક્ષણમાં આપણે એકબીજાને કેટલું કહી દીધું.! કેટલી વાતો કરી લીધી..બોલ્યા સિવાય જ..! મમ્મીને ધ્યાન રાખવાનું કહેતી થઇ ગયેલ પુત્રીને હું સજળ નેત્રે જતી જોઇ રહી.

સમય અને સંજોગો કેટકેટલા પરિવર્તન લાવી દે છે. ...આજે એકવીસમી સદીમાં તમે લોકો બધી વાત જે નિખાલસતાથી કરી શકો છો..તેવી વાતો અમારા સમયમાં અમે કરી હોત તો અમે બેશરમ જ ગણાત. અને કેટલી યે ટીકાઓના ભોગ બનવાનું થાત..આજની નિખાલસતા ત્યારની બેશરમી ગણાત. સમય સમય ને માન છે, બેટા, પણ ઘણીવાર એવું યે બને છે.. કે દીકરી માટે જે વાત નિખાલસતા ગણાય તે જ વાત વહુ કરે તો દ્રષ્ટિ બદલાતા સન્દર્ભો બદલાઇ પણ જાય. પણ હું તો મારી વહુ આવશે ત્યારે એની સાથે યે આ જ નિખાલસતાથી રહીશ હોં ! એ મારી દીકરી જ બની રહેશે સાચા અર્થમાં.

લગ્ન પછી દીકરીની વિદાય સમયે હમેશા બોલાતું રહે છે..સંભળાતું રહે છે..’ તમારી દીકરી અમારી દીકરી જ છે ને ? તમે જરાયે ચિંતા ન કરો ’ અને છતાં.... છતાં અનેક દીકરીઓની શું સ્થિતિ થાય છે તેનાથી આપણે અજાણ નથી જ. અરે, વહુને દીકરી ન ગણો તો વાંધો નહીં..પણ એને સાચા અર્થમાં તમારા દીકરાની વહુ તો ગણૉ. એને એક સ્ત્રી તો ગણો. એક માનવ તો ગણો

એકવીસમી સદીમાં યે દરેક સાસુ વહુ વચ્ચે લાગણીના સંબંધો સ્થપાય એ આશા વધુ પડતી લાગે છે ? સમાજમાં સાસુ વહુના સંબંધો આટલા બધા વગોવાયેલ કેમ છે ? બંને સ્ત્રી હોવા છતાં એમની વચ્ચે સમજણ નો સેતુ કેમ નથી રચાઇ શકતો ? કદાચ જાણ્યે અજાણ્યે દરેક દીકરીના કાનમાં ..મનમાં એક વાત ભરવામાં આવે છે...’સાસરે જશો ત્યારે ખબર પડશે..સાસુ ધોકો લેશે.... મા પાસે બધા નખરા ચાલે છે. ત્યાં સાસુ પાસે નહીં ચાલે.’ આવા કેટલાયે વાક્યો છોકરીના માનસમાં નાનપણથી રેડાતા રહે છે. અને સાસુ નામના પ્રાણીનો એક હાઉ દીકરીના મનમાં ઉછરતો રહે છે. એક પૂર્વગ્રહની ગ્રંથિ છોકરીમા અજ્ઞાત મનમાં રોપાતી રહે છે. અને પરિણામે સાસુ કંઇક પણ કહે ત્યારે તેને સહજતાથી નથી લઇ શકાતું. મા દીકરીને ગમે તે કહી શકે..પણ સાસુ જરા પણ કહે..એટલે સાસુ ખરાબ છે..એ ભાવના દ્રઢ થતી જાય. અને સામે પક્ષે પણ એ જ સ્થિતિ રહે છે. દીકરીના લાખ નખરાં સહન કરતી મા..વહુને કેમ લાડ નથી કરી શકતી ? દીકરીની ભૂલ રાઇ જેવડી લાગે છે. અને વહુની એ જ ભૂલ પર્વત બની જાય છે. વહુ ભૂલ કરે ત્યારે બધાના હાથમાં મેગ્નીફાઇંગ ગ્લાસ આવી જ જાય છે. રાજકારણના આટાપાટા જાણે સાસુ વહુ વચ્ચે ખેલાતા રહે છે. સાસુ , વહુ ના સંબંધો પર તો પી.એચ. ડી. ની કેટલી યે ડીગ્રીઓ મેળવી શકાય. માનવ મન જેવું અટપટું બીજું કશું નથી. કયારેક વજ્જર ના ઘા પણ ખમી જાય અને કયારેક સાવ નાની વાતમાં..પણ એ વંકાઇ જાય.. આમે ય...

” મારું મારું થતું હોય ત્યાં મહાભારત હોય.. તારું તારું થતું હોય ત્યાં રામાયણ હોય. ”

રામાયણ રચવું કે મહાભારત એ સ્ત્રીના હાથમાં જ છે ને ? સાસુ અને વહુ બંને પોતાની જવાબદારી સમજી ને રહે તો સ્નેહની ભાગીરથી જરૂર છલકી રહે. હું તો મારી વહુને પણ તારા જેવા જ લાડ, પ્યારથી સાચવીશ. તે ભૂલ કરશે તો પ્રેમથી સમજાવીશ. પણ તે ભૂલને મનમાં સ્થાન કયારેય નહીં જ આપું. દરેક ક્ષણે તને મનમાં રાખીશ કે ઝિલે આમ કર્યું હોત તો હું શું કરત ? અને એ જ વર્તન મારી વહુ સાથે પણ કરીશ...

આજે એક દીકરીને વહુ તરીકે જતા નિહાળી મારા મનમાં ઉઠતા ભાવો અનાયાસે શબ્દો બની કાગળ પર સરી રહ્યા છે. બેટા, તું જયાં..જે ઘરમાં જાય છે ત્યાં તને પણ એટલો જ ભરપૂર છલકતો સ્નેહ મળી રહે...એ એક જ અરમાન હોય ને કોઇ પણ મા ના હ્રદયમાં ?

વર્તમાન, અતીત અને ભાવિની અટારીએ ઝૂલતી હું તને આંખોથી ઓઝલ થતી ભર્યા હ્રદયે ને નયને નીરખી રહી. ” ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ..”

“ બેટા, સંવાદિતા ઘરની શોભા છે. સમજણ એ ઘરની સલામતી છે. પ્રેમ એ ઘરનો તુલસીકયારો છે. બાળક એ ઘરનું હ્રદય છે, ઘરનો મધુર કલરવ છે, સંતોષ એ ઘરની સુવાસ છે. અને ગૃહિણી એ સાક્ષાત્ ઘર છે. મકાનને ઘર એક સ્ત્રી જ બનાવી શકે છે. પુરૂષથી પડાવ ઉભો થઇ શકે. ઘર માટે તો સ્ત્રી ના હાથ અને હૈયુ જોઇએ. એ હાથ અને હૈયુ તારા સાથીદાર બની રહો..... અને એક વાત યાદ રાખજે. ફકત પતિનો એકનો જ પ્રેમ પર્યાપ્ત નથી. એ તો અનુભવે જ સમજાઇ શકે. અને પતિનો પ્રેમ પણ સાચા અર્થમાં પૂર્ણપણે મેળવવા તેના માતા પિતા કે ભાઇ બહેન માટે પણ લાગણી હોવી..રાખવી એ પણ એટલું જ અગત્યનું છે. શરૂઆતમાં કદાચ આ વાત ન સમજાય...પણ એ સત્ય છે. લગ્ન એટલે ફકત પતિ સાથે નું જોડાણ નહીં જ.... એક ઘર સાથે..એક પૂરા કુટુંબ સાથે નું જોડાણ તારા જીવનમાં બની રહો. આજે જયારે કુટુંબ ભાવના લુપ્ત થતી જાય છે ત્યારે આ વાતનું મહત્વ સમજાય એ આવશ્યક છે જ. અને જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે પોતે કદી તેનાથી વંચિત રહી શકે નહીં. પ્રકાશ પાથરતી રહે અને મેળવતી રહે...બસ..બેટા, એટલું જ.... त्यक्तेन भूंजीथा: આપણી ભારતીય સંસ્કૃતિનો આદર્શ હમેશા રહ્યો છે. અને આ કોઇ મોટા ત્યાગ ની વાતો નથી. જીવનમાં કેટલી યે પળો એવી આવે છે.. જયારે નાની એવી સમજદારી દાખવવાથી કે થોડા પૈસા જતા કરવાની ભાવનાથી કે થોડું વધારે કામ કરી લેવાથી નુકશાન કયારેય થતું નથી. ફાયદો જરૂર થાય છે. ઘણીવાર થોડું છોડવાથી ઘણું અમૂલ્ય મેળવી શકાય છે. તે વાત બેટા, કયારેય ભૂલીશ નહીં. ”