હાસ્ય નિબંધ
ઉલ્ટી ગંગા
હરીશ મહુવાકર
ગંગા પવિત્ર પણ ઉલ્ટી ગંગા અપવિત્ર. ‘ગંગા’ નામ સંજ્ઞા તરીકે નથી રહેતું એ તમે ભૂગોળનો અભ્યાસ કરો અથવા હિમાલયની યાત્રા કરશો કે ખબર પડશે. તે વિશેષણ સ્વરૂપે આવે છે. એટલે પાણીના વિશાળ કે નાનો શો વહાવ ધરાવતી કોઈ નદી ગંગા કહેવાય. અને એ રીતે ઉલ્ટીના વહાવને, ઉલ્ટી થવાની ઘટનાને મારા મતે ‘ઉલ્ટી ગંગા’. ગંગા હિમાલય પરથી ઉતરાણ કરે તે સવળી દિશા. કોઈ નદી ઉપર તરફ ન વહે પણ જે ઘટના ઉલ્ટા ક્રમમાં થાય એટલે ઉલ્ટી ગંગા.
અન્ન પેટમાં જાય તે સવળી દિશા, અને યોગ્ય માર્ગે બહાર આવે તે સવળું. પરંતુ ઉલ્ટી થવી તે અવળું, ઊંધું, ઉલટું, વિરુદ્ધનું ગણાય એટલે આપણે ઉલ્ટી ગંગા કહીશું. અન્ન એવો ઓડકાર એ ખરું તો અન્ન એવી ઉલ્ટી એ પણ એટલું જ ખરું. તમે શું ઝાપટ્યુ તેની ખબર ઉલ્ટી પરથી થઇ જાય. વળી તમારી ખાવાની રીતનીય ઝાંખી મળી જાય.
બાળકો ઉલ્ટી કરે તો દહીં જેવા ફોદા નીકળે કારણ કે દૂધ જ પેટમાં ગયું હોય. થોડાક મોટા બાળકો ભાખરીના ટુકડા ને સબ્જીના કકડા બહાર ફેંકે. અલબત્ત મોટાય એવી જ ઉલ્ટી કરે ત્યારે સમજવું એ મોટો નથી થયો બાળક જ રહ્યો છે! ધગધગતો લાવા બહાર નીકળે એમ પૂરજોશમાં પેટ ધક્કો મારે અન્ન અને બધું બહાર. ક્યારેક તો પાંસળાય બહાર કાઢી નાખે. જેવું જેનું જોશ! ઘણીવાર આપણને સમજાય નહિ કે શાકની ડીશ ઊંધી વળી ગઈ કે કોઈકે ઉલ્ટી કરી નાખી ? થાળીમાં જમતી વખતે જમવાની ચીજ વસ્તુઓનો પથારો કરવાની ટેવ પડી ગઈ હોય છે ને તે ઉલ્ટી વખતે અકબંધ રહે છે !
એક સાંજે અમો સહુ ઘરના સભ્યો જમતા હતા. હોમ મેઇડ પીઝા સહુને ભાવે. બંને ભાઈ બહેન એની મમ્મી પાસે અવારનવાર માંગણી કરે એમાં મારોય સૂર હોય. રિહાને હાફ પીઝા ખાધો. એની કેપેસીટીની મને ખબર. વળી હાફ ખાધો. મતલબ ડબ્બલ હો ગયા. વળી ડિમાંડ કરી. ચોથીયું આપ્યું. મેં લાલબત્તી ધરી. ‘શું તમેય તે, છોકરાઓને ટોકો છો ? ખા બેટા. તારો બાપ ભલે ના પાડે.’ શ્રીમતીજી એ ઉમળકો વહેતો મૂક્યો. ઉત્સાહમાં આવી એણે વધુ ડિમાંડ કરી. તે પૂર્ણ થઇ પણ એ સાથોસાથ તરત જ ઊભો થઇ ભાગ્યો. મેં પૂછ્યું, ‘ક્યાં જાય છે?’ પણ તરત મને ગંધ આવી ગઈ. હું ભાગ્યો એની પાછળ. ટોઇલેટ પાસે બેસી પડ્યો. ટોઇલેટને બધો પીઝા ખવડાવી દીધો. મારી કશી પણ જરૂર પડી નહિ. સ્વસ્થ થઇ મોંઢું સાફ કરી ફરી કિચનમાં ગોઠવાયો. ‘આટલો બધો ન ખાતો હોય તો!’ મેં સમજાવ્યું. એની મમ્મીની સામે જોઇને કહે, ‘પણ એવા મસ્ત બન્યા છે કે કંટ્રોલ ન થઇ શક્યું.’ હવે કહો આ ઉલ્ટી બાબતે આપણે શું સમજવું? એક તરફ મમ્મીની પ્રસંશા ને બીજી તરફ આ ઉલ્ટી. જે રીહાનને થયું તે આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ. અનુભવી ખરાને?
ફન પાર્ક ગયા અમે. રાઇડ-બાઇડ માર્યા ફરે પણ જે રીતે લોકો મનોરંજન લેતા હોય તેમાંથી મને ફન પ્રાપ્ત થાય છે એ ન્યાયે કોઈ મોકો ચૂકતો નથી. બહાર ગામ ગયા ત્યારે આવા એક ફન પાર્કમાં ઘુસ્યા અમારા લોકલ મિત્રના કુટુંબની સાથે. એક રાઇડમાં આપણે પૂરાઈ જવાનું પછી તે આપણને ઉપર-નીચે, ઉંધા-ચત્તા, ગોળ-ગોળ ફેરવે. મારા મિત્ર કહે, ‘હરીશ આમાં ઝંપલાવ.’ મેં ના પડી. મને કહે, ‘મસ્ત રાઇડ છે. ચાલ આપણે બેય ટ્રાય કરીએ.’ એમનું દિલ ક્યાં ભાંગવું એ ન્યાયે છ જણ અમને જોતા ઊભા અને અમે બે એ રાઇડમાં વટભેર, ગૌરવાન્વિત ચહેરે, પ્રસન્નકારક મુદ્રામાં, કશેક લડવા જતા યોધ્ધાની માફક ઘૂસ્યા કે ઘરના સર્વ સભ્યોએ અંગૂઠો બતાવી બેક અપ કર્યું. બેલ્ટ બાંધ્યા, પેક કર્યા અમને ને શરૂ થઇ રાઇડ. બે મીનીટમાં તો અમે દહીંમાંથી છાસ થઇ ગયા. જેવા બહાર નીકળ્યા કે અમારા મિત્રની છશ ઢોળાઈ પડી ભો ઉપર. પેટ પકડીને બેસી ગયા. થોડીવારે રાહત થઇ ત્યારે એટલું જ બોલ્યા, ‘મારા બેટા ગાભા કાઢી નાખ્યા.’ ગાભા તો સ્ત્રીઓ રાખે એમ મારે કહેવું હતું પણ હું એટલું જ કહી શક્યો, ‘હશે અશોકભાઈ, કાંઇ નહિ આપણા આંતરડા તો સાફ કરી નાખ્યા.’ એટલે જ હું કહું છું કે ફન પાર્કમાં રાઇડ કરતાંય જે ગ્લાઇડ મળે તેની વાત ન્યારી જ હોય છે !
ઉલ્ટી ઘણી વખત સુલ્ટી, સવળી સાબિત થાય. પેટમાં ગરબડ હોય, અજંપો થાય, ચેન હણાય જાય, કશું કરવાનું મન ન થાય ત્યારે ઉલ્ટી થઇ જાય એટલે કેવું બધું શાંત પામે! વારંવારે દોડાવ્યા કરતા ઝાડા કરતા ઉલ્ટી એ ન્યાયે સારી. એક વખત થઇ ગઈ કે ખતમ. અલબત્ત એ પણ વારંવાર થાય એ સારું નહિ. એ ન્યાયે ઉલટીને શો દોષ દેવો? કોઈ પણ ખરાબ વસ્તુ વારંવાર બને નહિ એ જ બરાબરને! એમ આ સૂગાળવી ઉલ્ટી ખરી પણ થયા પછી આનંદમયી પરિસ્થિતિ !
અમારા જાણીતા એક ભાઈ છે. બસ, ટ્રેઈન અને વાહનની મુસાફરીના એ વેરી છે, રાધર મુસાફરી એની વેરી થઇ પડી છે. કોઈ વાહનમાં બેઠા નથી કે થોડીવારે ઉલ્ટી ગંગા શરૂ. પછી ‘ઓક... ઓક...’ કરીને ખખડી ગયેલા વાહન ને એમનામાં કોઈ ફેર રહેતો નથી. વાહન હાલતા હાલે પણ આજુબાજુના લોકોને ‘હિલાકે રખ દે.’ બસનો ડ્રાઈવર, કંડકટર અને પડોશી પેસેન્જર આંકા બાંકા થઇ જાય. ડ્રાઈવર રાડ્યું પાડે, ‘કાકા, માથું અંદર રાખો.’ કંડકટર રાડ્યું પાડે, ‘કાકા, જમણી કોર્ય આવી જાવ.’ પેસેન્જર રાડ્યું પાડે, ‘કાકા, હેઠે ઊતરી જાવ.’ સાથે ઘરવાળી હોય તો, ‘ઘડીક જાળવી જાવ.’ પણ પરિસ્થિતિ જાળવતા માણસને આવડી જાય તો તો દુનિયાના ઘણા પ્રશ્નો હલ ન થઇ જાત !
એક વખતે હું બસમાં બેસી ઇન્ટરવ્યુ આપવા જતો હતો. એ વખતે ખાનગી બસ મોંઘી પડતી. સરકારી સિવાય છૂટકો નહિ. બહુ દૂર નહિ માત્ર સો કિલોમીટર જવાનું હતું. એથી બાબલા જેવો બની, સૂટને કેઈસમાં નાખી ઉપડેલો. હકડેઠઠ બસમાં અડધી મુસાફરી ઊભા રહીને કરી. એક સ્ટેશને ઘણું માણસ ઊતર્યું. બસે હોલ્ટ કર્યો. જગ્યા થઇ ને હું ‘રાજા’ બની બેઠો. બસે ચાલતી પકડી કે બાજુવાળા કાકાએ ભરી મૂક્યો મને. એણે ખાધેલા ગાંઠિયા-મરચા-ચટણી મારી ઉપર! એમ દુનિયામાં કાંઇ માનવતા મરી નથી પરવારી. તરત કેટલાયે પાણીની બોટલ ધરી. બસ ઊભી રખાવી ને મારા પવિત્ર થયેલા શરીરને અપવિત્ર કરવામાં સહાય કરી. જેવું તેવું સઘળું સાફ કર્યું. ને એવે કપડે માથે સૂટ ટટકારી ઇન્ટરવ્યુ આપી દીધું. અલબત્ત ઈન્ટરવ્યુ કમિટી ખબર નહિ કેમ પણ વારેવારે નાકના ટીચકા ચડાવ્યા કરતી ને કો’ક નાકે રૂમાલ રાખતું. હશે, કોઈને અચાનક શરદી થઇ જાય એમાં આપણે શું કરીએ ?
અમે નૈનીતાલ ઉપડ્યા. પ્રવાસી બસ વળાંકો લેતી, અંગડાઈ લેતી, નર્તન કરતી પહાડીને લપટાવવાની હોય તેમ ચડ્યે જતી હતી. અમારી બાજુમાં બેઠેલા આંટી સીટની નીચે તરફ માથું ખોસીને બેઠેલા. ઘડીવાર લાગેલું કોઈ શાહુડી દરમાં ઘૂસે છે. પણ એમને માથું ઊંચક્યું. એટલે માથું ઊંચું કર્યું એમ. યાર, આડુ અવળુ ન સમજો. મેં કંઇ મારા મનની વાત એમને કહી નહોતી. પણ પાક્કો દુશ્મન માત્ર સ્મિત કરે ને એની યોજના અંદર રાખે એમ એમણે મારી ‘અંદર કી બાત’ સમજી લીધી હશે કે સ્મિત કર્યું. વળી કાંઈક ખાંખાખોળા સીટ નીચે કરવાના રહી ગયા હશે તે માથું નીચે ભરાવ્યું. ઓચિંતો હુમલો ભલભલાને હલાવી દે, ભારે પાડી દે ભોંને ! તે ફડાક કરતો હુમલો અચાનક જ થયો ને ‘પહાડી વર્ષા’માં અમે સહુ ભીંજાયા. ઘણા લોકોને આવી ‘પહાડી વર્ષા’ની ટેવ હોય છે! મીઠુ વેર કેમ લેવું એ અંગે કોઈ કાર્યશાળા થાય તો આ એક તરકીબ વહેતી મુકવા જેવી છે !
વળી એમાંથી બહાર આવ્યા તો અમારો કંડકટર બાઉલમાં ગોળીઓ લઈને આવ્યો. ‘પણ આ તો દવાની સફેદ ગોળી હોય તેવું લાગે છે.’ ‘હા, તે જ છે ને!’
‘શા સારું?’
‘બધાના સારું.’
‘મતબલ બધાનું સારું થાય એટલા સારું. જેને ઉલ્ટી થતી હોય તે આ ગોળી લઇ લે.’
હવે સમજાયું. મારે એની જરૂર નહોતી તોય મેં બે લઇ લીધી. કોઈકને ‘સારું’ તો કામમાં આવે એ ન્યાયે! મને એની ચેરીટી પર માન થઇ આવ્યું. રાષ્ટ્રપતિ હોત તો ‘સન્માનપત્રક’ આપી નવાજી દેત !
મારી આગળની સીટમાંથી એક કન્યાની ડોક આ કોર્ય લંબાઈ. ‘અંકલ, છાપુ પાથરીને બેઠો. ઉલ્ટી નહિ થાય.’ મેં કહ્યું મને નથી થતી. તારી આવડી આ આંટીને થાય છે એને કહે – એવું કહેવાનું મને મન થઇ આવ્યું પણ હું કંઇ બોલ્યો નહિ. પણ મેં એને પૂછ્યું, ‘તે પાથર્યું છે કે નહિ?’ ‘લે, એ તો આપણે ઢાળ ચડવા માંડ્યા ત્યારથી પાથરી દીધું છે. મનેય ઉલ્ટી થઇ જાય છે. આ છાપાથી હજુ સુધી ઉલ્ટી નથી થઇ.’ મને આ છાપાકીય ઔષધીય દવામાં રસ પડ્યો. ‘આ છાપું વિશિષ્ટ છે? છાપા થેરાપી છે કંઇ?’ એ હસવા માંડી હું બાઘો હોઉં તેમ. ‘ના રે ના. એવું કંઇ નથી.’ તો પછી આમ કેમ થતું હશે ? પોલીસ બનીને મેં તપાસ આદરી. હું ખોવાયેલો રહ્યો ઘણીવાર. એમાં શ્રીમતીજીનું મોઢું મેં એના ઉપર ઉલ્ટી કરી હોય તેવું થઇ ગયું. છેવટે મને એમાં વાંદરા જેવું તારણ મળ્યું. જુઓ તમને કોઈ કહે, ‘આંખો બંધ કરો અને વાંદરાના વિચારો ન કરો.’ તો તમે કહો શું થાય? વાંદરાના જ વિચારો આવે કે નહિ? છાપુ પાથરીને તમને કહેવામાં આવે ઉલ્ટી નહિ થાય ને તમે માની લો છો. માઇન્ડ સેટ એવું બની જાય છે. વાહ રે સ્વદેશી ઈલાજ! આનું નામ મેઇક ઇન ઇન્ડિયા. કૌશલ ભારત કુશળ ભારત. આવી શોધ માટે જે તે વ્યક્તિને કેમ્બ્રીજ, હાવર્ડ, ઓક્સફોર્ડ કે પેન્સીલવેનીયા યૂનીવર્સિટીની ફેલોશીપ પ્રદાન કરવી જોઈએ.
ઘણાના અભિમાન ઉતારી નાખે આ ગંગા-ઉલ્ટી ગંગા. એક વખતે ઔરંગાબાદમાં હું હતો. મારી સાથે બીજા રાજ્યના મિત્રો. એક શરાબી બીજો બિનશરાબી. બીજો બહુ અભિમાની. કહે, ‘હું એટલી સ્ટેમિના ધરાવું છું કે કશું પણ પચાવી જાઉં.’ બંને વચ્ચે ચડભડ થઇ અને શરત ઉપર ઉતરી આવ્યા. સાંજના અમે એક હોટલમાં ગયા. ભોજન લેતા પહેલા બારમાં ઘૂસ્યા. પેલાને શરાબ પીરસાયો. આરામથી ગળી ગયો. બીજાએ પણ અનુસરણ કર્યું. જેવો મોઢામાં ગયો કે મોઢા ઉપર તરતે તરત શાંતિ સિવાયના બાકીના આઠેય રસની ઝાંકી મળી ગઈ. આમ છતાં વટને ખાતર આખો પ્યાલો ગળી ગયો. અમે ઊભા થયા ત્યારે મને એનામાં ‘બ્રહ્માંડને હાલતું ભળાયું.’ મેં એને જાલ્યો. દોરીને ભોજનકક્ષમાં લઇ ગયો. હસતા મોંએ ભોજન લીધું. આરામથી હો! પણ અંદર થતી ઉથલપાથલની મને ખબર હતી. હોટલમાં આબરૂ બચી ગઈ પણ જેવો બહાર પગ મૂક્યો કે સઘળું બહાર. ‘ધક્કે પે ધક્કા’ આવ્યા ને કશુંય રહ્યું ન અંદર! બીજી સવારે અગિયાર વાગ્યે જાગ્યો ત્યાં સુધી બોલો એને કાંઇ ખબર જ નહિ! આખરે એને કબુલ્યું, ‘માન ગયે ઉસ્તાદ.’ આમ ઉલ્ટી અભિમાન દૂર કરનાર તત્વ છે. ઈશ્વરે આપણે સારું એનું નિર્માણ કર્યું છે. ધરતી પરથી માણસના પગ ઊંચકાવા માંડે ત્યારે ઈશ્વર ઉલ્ટી કરાવીને આપણી ‘ઔકાત’ બતાવી દે છે.
ઇદનો તહેવાર રંગે-ચંગે સાંજના સમયે હોય. આપણે રજા એટલે ઉપડ્યા મેળે. ‘મેળે મેળે રે મોરલડી મેળે ચડી’. પણ એક બુરખાધારી મોરલડી ચકડોળે ચડી. અમથી ઓઢી રાખે પણ મજા લેવા સારું બુરખો ખૂલ્લો રાખ્યો. માણસોને લઇ ઉલાળે ચડ્યું ચકડોળ. બે આંટા માર્યા કે ‘ફવ્વ્વ્વારો’. બુરાખાધારીના મોંએ, સોરી, પેટે દગો દઈ દીધો ને ચકડોળના ચક્કર, સાથે ઉલ્ટીનુંય ચક્કર. રાડા-રાડ કરી ઊભું રાખવા, તોય ઉભતા સુધીમાં બે ચક્કર ચાલી ગયું ચકડોળ. વળી પવન નીકળેલો એથી ચોતરફ ઉલ્ટી વર્ષા થઇ રહી. આજુબાજુ ઉપર-નીચે, દૂર-નજીકના સહુ ઝપટે ચડી ગ્યા. ઉતરીને બુરખાવાળીએ ચકડોળવાળાને લઇ નાખ્યો. ‘સમજ નથી પડતી? ઊભું રાખવાનું કીધું તોય સાંભળતો નથી. દેખાતુંય નથી તને?’ પેલાએ પણ નસીહત મૂકી, ‘ફાવતું ન હોય તો બેઠી શીદને ? ઉલ્ટી થાતી હોય તો હવાદ રેવા દેવો જોઈએ ને? હાલી નીકળી તે.’ રોમાંચક દ્રશ્યો બોક્સિંગ રિંગમાં, ક્રિકેટના મેદાનમાં, કોલેજના કેમ્પસમાં, યાત્રાધામના સ્થળોએ થાય એવું થોડું છે હે?!
ફન પાર્ક ગયા અમે. રાઇડ-બાઇડ માર્યા ફરે પણ જે રીતે લોકો મનોરંજન લેતા હોય તેમાંથી મને ફન પ્રાપ્ત થાય છે એ ન્યાયે કોઈ મોકો ચૂકતો નથી. બહાર ગામ ગયા ત્યારે આવા એક ફન પાર્કમાં ઘુસ્યા અમારા લોકલ મિત્રના કુટુંબની સાથે. એક રાઇડમાં આપણે પૂરાઈ જવાનું પછી તે આપણને ઉપર-નીચે, ઉંધા-ચત્તા, ગોળ-ગોળ ફેરવે. મારા મિત્ર કહે, ‘હરીશ આમાં ઝંપલાવ.’ મેં ના પડી. મને કહે, ‘મસ્ત રાઇડ છે. ચાલ આપણે બેય ટ્રાય કરીએ.’ એમનું દિલ ક્યાં ભાંગવું એ ન્યાયે છ જણ અમને જોતા ઊભા અને અમે બે એ રાઇડમાં વટભેર, ગૌરવાન્વિત ચહેરે, પ્રસન્નકારક મુદ્રામાં, કશેક લડવા જતા યોધ્ધાની માફક ઘૂસ્યા કે ઘરના સર્વ સભ્યોએ અંગૂઠો બતાવી બેક અપ કર્યું. બેલ્ટ બાંધ્યા, પેક કર્યા અમને ને શરૂ થઇ રાઇડ. બે મીનીટમાં તો અમે દહીંમાંથી છાસ થઇ ગયા. જેવા બહાર નીકળ્યા કે અમારા મિત્રની છશ ઢોળાઈ પડી ભો ઉપર. પેટ પકડીને બેસી ગયા. થોડીવારે રાહત થઇ ત્યારે એટલું જ બોલ્યા, ‘મારા બેટા ગાભા કાઢી નાખ્યા.’ ગાભા તો સ્ત્રીઓ રાખે એમ મારે કહેવું હતું પણ હું એટલું જ કહી શક્યો, ‘હશે અશોકભાઈ, કાંઇ નહિ આપણા આંતરડા તો સાફ કરી નાખ્યા.’ એટલે જ હું કહું છું કે ફન પાર્કમાં રાઇડ કરતાંય જે ગ્લાઇડ મળે તેની વાત ન્યારી જ હોય છે !
વળી ગમે તેવી એટલે કે પસંદ આવે તેવી પણ ઉલ્ટી હોય હો! નાનો હતો એટલે સમજ નાની હતી. બાજુવાળી એક બાઈ મારા ઘરે બેસવા આવી. ભરતકામના ટાંકા ભરતી અચાનક ઉબકા ભરવા માંડી. હું તો દોડ્યો એના ઘરે ખબર આપવા પણ માએ રોકી દીધો. ‘અલ્યા, છાનોમાનો બેસીને તારું કામ કાર્ય કરને!’ મને કાંઇ માની વાતમાં પત્તો લાગ્યો નહિ પણ મા એ બાઈને કહેતી હતી, ‘થાય માડી અટાણે એવું થાય. મૂંઝાતી નહિ હો. લે તને આંબલ્યો આપું.’ ‘ ના રે ના માડી, મારી કને ભૂતડો છે ને! લઈને જ આવી છું.’ મોટો થયા પછી ઘરવાળી ક્યારે આની ડીમાંડ કરે છે તેની રાહ જોવા લાગેલો. બોલો, ઉલ્ટી ગંગા કાંઇ ઉલ્ટી જ હોય તેવું થોડું છે !
હું ઉપરનો લેખ લખવા બેસતો હતો ત્યાં જ વળી રિહાન મને આવીને કહે છે : ‘પપ્પા, મારા ફ્રેન્ડના પપ્પા મરી ગયા.’
‘કેમ શું થયું ?’
‘મનન કહેતો હતો કે એના પપ્પાને લોહીની ઉલ્ટી થઇ હતી, બોલો.’
બોલો, હવે આમાં હું શું બોલું ? લોહીની ઉલ્ટી થયે કંઇ બોલવા જેવું રહે છે ખરું ?
................................................................................................................