Samaypalan in Gujarati Short Stories by Chetan Shukla books and stories PDF | સમયપાલન

Featured Books
Categories
Share

સમયપાલન

શીર્ષક:--સમયપાલન

ન્યુજર્સીથી પ્લેનમાં બેઠો ત્યારથી વરુણ અંકિતાની યાદોમાં જ ખોવાયેલો હતો. ચાર વરસ પછી પહેલીવાર એ ઘેર પાછો આવી રહ્યો હતો. ઘરના બધાજ સભ્યો એને મળવા આતુર હતા. બહેનના લગ્ન લેવાયા હતા એટલે આવવું જરૂરી પણ હતું. ચાર વરસથી અમેરિકા ગયા પછી એ ઘેર આવ્યો નહોતો એનું કારણ પણ પૈસાની બચત જ હતી. પપ્પા સરકારી ક્લાર્ક હતા અને મમ્મી ટ્યુશનો કરાવતી એટલે આ મોઘવારીમાં એમના ઘરનું ગાડું તો આરામથી દોડી શકે,પણ વરુણને અમેરિકા માસ્ટર ડીગ્રી કરવા મોકલ્યો ત્યારે એ માટે કરેલું દેવું ભરપાઈ કરવું અઘરું હતું. ભણતરમાં અવ્વલ રહેતો વરુણ અમેરિકા ગયા પછી બે વરસમાં જ ઘેર પૈસા મોકલવા માંડ્યો હતો. યુનીવર્સીટીમાં પણ એ ટોપ-થ્રીમાં જ આવતો એટલે એને ભણવા સાથે કોલેજમાં જ પાર્ટ ટાઇમ જોબ મળી ગઈ હતી. સાથે સાથે એજ્યુકેશન ફી માફી સાથે સ્કોલરશીપ પણ મળી ગઈ હતી. પ્રોફેસરોમાં પ્રિય થયેલો વરુણ હવે ઘણા ડોલર બચાવી શકતો હતો. ચાર વરસથી ઇન્ડિયા આવવા માટે એને વેકેશન તો મળેલા પણ એ બધાનો ઉપયોગ એણે ડોલર કમાવવામાં જ કર્યો અને ઉપરથી ઘેર આવવાનો ખર્ચો પણ બચાવ્યો હતો.

અમેરિકા પહોંચ્યા બાદ શરૂઆતમાં એકાદ વરસ કોમ્યુનીકેશનમાં બહુ તકલીફ પડી હતી પણ પછી તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ ની કૃપાથી અંકિતા સાથે કોન્ટેક સરળ બન્યો હતો. બહેનના લગ્ન પ્રસંગે તે ઇન્ડિયા આવવાનો છે એવી ખબર પડતા જ અંકિતા ખુબ ખુશ થઈ ગઈ હતી. હવે પહેલા કરતા વધારે કોન્ટેકમાં રહેવા માંડી હતી. વરુણ પણ અંકિતાને બહુ પ્રેમ કરતો હતો. એની ચિંતાનું કારણ એ હતું કે એના પપ્પાએ બે-ત્રણ છોકરી એના માટે જોઈ રાખી હતી અને એમાંથી જ કોઈ એક પસંદ કરવાની હતી અને આ બાજુ અંકિતાએ પણ કહી દીધું તું કે આ વખતે કોર્ટમાં રજીસ્ટર કરાવી અમેરિકા માટેના એના પેપર સબમિટ કરાવીને જ એણે જવાનું છે. એણે મનમાં નક્કી કરી લીધું હતું કે બહેનના લગ્નપ્રસંગ પછી એ કોઈપણ રીતે મમ્મી-પપ્પાને અંકિતા માટે મનાવી લેશે.

કોલેજના પહેલા વરસથી જ એને અંકિતા સાથે દોસ્તી થઇ ગઈ હતી. એકજ બસમાં કોલેજ જવાનું અને આવવાનું એટલે ઓળખાણ થયેલી પણ કોલેજની ઇન્ટરનલ એકઝામમાં વરુણના માર્ક જોઇને એ બહુ પ્રભાવિત થઇ ગઈ હતી. બસ પછી તો શું ??? નોટ અને ચોપડા લેવાના બહાને ક્યારેક એ ઘેર પણ આવતી. એક વરસ મોટી બહેન સ્મિતાની સાથે વાતચીત પણ કરતી હતી. વરુણનું ઘરના ચાર સભ્યો એટલે એકદમ સરળ અને સાદું જીવન જીવતા લોકો. જયારે પોતાના ઘરનું એકમાત્ર સંતાન હોવાથી અંકિતા એકદમ બિન્દાસ અને સ્વછંદી હતી.

કોલેજના બસ-સ્ટેન્ડની પાછળ આવેલા ગાર્ડનમાં ગુલમહોરના નીચે મુકેલો બાંકડો એમનું મિલન સ્થળ થઇ ગયું હતું. ઘણીવાર એ બંનેના કોઈ કોમન ફ્રેન્ડને પણ કઈ કામ હોય તો શોધતા એ બાંકડે જ આવી જાય. બંનેની એકવાત કોમન હતી કે બંને સમયના પાક્કા હતા. નક્કી કરેલા સમયે બંને જણા અચુક પહોંચી જતા. એમના એકાદ બે ક્લોઝ ફ્રેન્ડ તો એ બંનેની ઘણી વખત મશ્કરી પણ કરે કે અલ્યા આટલું બધું ઘેલું થોડું થવાય? પણ એ બાબતે એ બંને કોઈનું સાંભળે નહિ ગમે તેવું કામ પડતું મુકીને પેલા બાંકડે પહોંચી જ જતા.

વરુણનો શાંત સ્વભાવ અને ભણતરમાં અવ્વલતા અંકિતા માટે આકર્ષણ બની ગઈ હતી. વરુણને કારણે જ એ પહેલા વર્ષમાં સેકન્ડક્લાસ લાવી હતી. એક-બે વખત વરુણને એની બહેને ખુબ સમજાવ્યો હતો કે અંકિતા પર ભરોસો મુકાય એવો છે જ નહિ.,એ કેટલાય મિત્રો સાથે ગાડીમાં ફરે છે મેં મારી નજરે જોઈ છે, એ વધારે પડતી બોલ્ડ છે , બહાર એની છાપ સારી નથી એવું બધું ઘણું કીધું પણ વરુણ એ બધી વાત માનવા તૈયાર હતો જ નહિ. કારણકે એ પોતાના ઘરનું વાતાવરણ જાણતો હતો અને એટલે જ એને એવું થતું કે સ્મિતા હજુ જમાના પ્રમાણે વિચારતી નથી એ સાવ જુનવાણી છે.

કોલેજના છેલ્લા વરસમાં વરુણે તનતોડ મહેનત કરી અને યુનિવર્સીટીમાં ફર્સ્ટ આવ્યો કારણકે એનું લક્ષ્ય માસ્ટર કરવા માટે અમેરિકા જવાનું હતું. વરુણના પપ્પાએ એમના ઉપરી અધિકારીની મદદથી બધી કાર્યવાહી કરીને તૈયાર રાખેલી. અમેરિકાનું સપનું એના એકલાનું નહિ પણ આખા ઘરનું સહિયારું સપનું હતું.

આગલી સાંજે ફરી એજ બાંકડે બંને જણા જયારે એકબીજાના હાથ પકડીને બેઠા ત્યારે અંકિતાએ વરુણને જણાવી દીધું હતું કે તારી સાથે અમેરિકા આવવાનું ભલે અત્યારે શક્ય ન હોય પણ હું તો તારી રાહ જોઇને બેસી રહીશ. તારે મને જીવનસાથી તરીકે ત્યાં લઇ જવાની છે. વરુણે એને વચન આપ્યું કે હું પણ તારા વગર રહી શકું તેમ નથી પણ હું અમેરિકામાં સેટ થઈ જઈશ ત્યારે તને વાજતે ગાજતે લઇ જઈશ.

અમદાવાદ એરપોર્ટ પર લગેજના સ્ક્રીનીંગ સમયે પણ એનું દિલ અંકિતાને મળવા આતુર હતું પણ એણે ધીરજ રાખવી પડે એમ હતું. કારણકે અંકિતાએ ખાસ કહ્યું હતું કે અહિયાં ગરમી બહુ પડે છે બેતાલીસ ડીગ્રી ગરમી તને સહન નહિ થાય એટલે ભલે તું સવારે દસ વાગે આવવાનો હોય પણ આપણે સાંજે સાત વાગે શાર્પ...!!! એજ બાંકડે મળીશું. બહાર મમ્મી-પપ્પા અને સ્મિતા આતુરતાથી રાહ જોઈ ઉભા હતા.બધાની આંખમાં હર્ષના આંસુ હતા.બાજુમાં એના જીજાજી ઉભા હતા એ ઓળખી ગયો એટલે એને પણ ખુશીથી ભેટ્યો.

બધો સામાન ભાડે કરેલી ક્વોલીસમાં ગોઠવાયો એણે જીજાજીને કીધું કે આ લોકોને આ ગાડીમાં જવા દો આપણે બંને મારી ફેવરીટ કીટલીએ ચા પીને પછી ઘેર પહોંચીએ વરસો થઇ ગયા એવી છ પીધે. મમ્મી-પપ્પા પણ ખુશ હતા કે ભલે એના જીજાજી જોડે જતો પહેલીવાર મળે છે એટલે એકબીજા સાથે રૂબરૂ વાતચીત કરવાનું બહાનું પણ મળશે.

ચાર વરસમાં શહેર ઘણું બદલાઈ ગયું હોય એમ લાગ્યું. રસ્તામાં નવા બનેલા શોપિંગ મોલ અને એની બહાર લોકોની ભીડ જોઈ એણે નવાઈ લાગી. સવારનો ઓફીસ ટાઇમ હોવાથી રોડ પર ઠેર ઠેર જામ થયેલા ટ્રાફિકને કારણે જીજાજી તો એમાંજ ગૂંચવાયેલા હોવાથી મૌન હતા. ધીરે ધીરે વાગી રહેલી એફએમ ચેનલ પણ વરુણને ઘોંઘાટનો અનુભવ કરાવી રહી હતી. અધીરા થયેલા વરુણે પેલા ગાર્ડન તરફ ગાડી લેવડાવી. એને બસ પેલી જગ્યા જોવાનું મન થઇ ગયું જ્યાં એમનો પ્રેમ પાંગર્યો હતો. ગાર્ડનને દરવાજે ગાડી ઉભી રખાવી એણે જીજાજીને કહ્યું કે પ્લીઝ તમે વેઇટ કરો હું દસ મીનીટમાં પાછો આવ્યો.

એક અજબ સુગંધ જાણે બાગમાંથી આવી રહી હતી. એ ઉતાવળા પગે અંદર ગયો. દુરથી પહેલા ગુલમહોરનું ઝાડ દેખાયું. હારબંધ ગોઠવેલા પત્થર પર ચાલી રહેલા વરુણને હવે ગુલમહોરના છાયડે પેલો બાંકડો દેખાવા માંડ્યો. હવે એની આતુરતા વધી ગઈ હતી, એણે પગલા ઝડપી ઉપાડવા માંડ્યા. હવે એને બાંકડા પર બેઠેલું કોઈ પ્રેમી યુગલ પણ દેખાતું હતું. એને થયું કે એ પ્રેમી યુગલને જઈને હું પહેલું એજ જણાવીશ કે અહિયાં પ્રેમ કરવા વાળા ક્યારેય જુદા થઇ શકતા નથી. અંકિતા સાથે વિતાવેલી કેટલીક યાદગાર પળ એને યાદ આવી ગઈ. માનસિક તંદ્રાવસ્થામાં ચાલતા ચાલતા એ જેવો મહેંદીની વાડ ઓળંગી આગળ વધ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈ સડક થઇ ગયો.

અંકિતા જ કોઈકના ગળામાં હાથ વીંટાળી પ્રેમાલાપ કરતી હતી. કોઈના નજીક આવવાના અણસારાથી જેવી અંકિતાએ મહેંદીની વાડ તરફ નજર ઘુમાવી અને વરુણને ઉભેલો જોઈને એ એકદમ ઉભી થઇ ગઈ. અંકિતાના અસ્તવ્યસ્ત થયેલા કપડા એની આવનારી જીંદગીની રૂપરેખા જાણે બતાવી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. પવન પોતાની ગતિ થંભાવીને ઉભો રહી ગયો. ગુલમહોરની ડાળીએ બેઠેલા થોડા પંખી ફરરર દઈ ઉડી ગયા. પંખીની ફફડાટભરી ઉડાનથી ખરેલા ગુલમ્હોરના થોડા ફૂલ પણ બીજી ડાળીને વળગી પડ્યા. બાંકડાની આજુબાજુ ઉગાડેલી ગરમીથી ત્રસ્ત થઈને ઝુકેલી લોનની હરિયાળી ઘાસ પણ વરુણના શરીર પરના રુંવાડાની જેમ ટટ્ટાર થઇ ગઈ. કોણ પહેલું બોલે અને શું બોલે? તેવી થીજી ગયેલી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. એવામાં અંકિતા એકદમ બરાડી ઉઠી તને મેં સાંજે અહી બોલાવ્યો હતો ને ..???ચાર વરસમાં તું સમય પાલન કરવાનું પણ ભૂલી ગયો કે શું ???