૧)પુત્રનુ કર્તવ્ય
એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇ કાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...."
હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? "
પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ."
બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. એમણે પતિને પુછ્યુ, " આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? " પતિએ દબાતા અવાજે કહ્યુ, " મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો."
પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી " મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ."
નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, " બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા." પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.
પતિએ પત્નિ કહ્યુ, " તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ? "
દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?
૨) ભિખારીની વાર્તા
એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા
માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ
એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો.બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે !
આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું 'તમારે આ
માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે
છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો"
વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું. થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા
છે.
ચોક્કસ એ હેરાન થઇ ગયો ! બેબાકળો થઇ આજુ બાજુ
જોવા લાગ્યો, પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું 'હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે,મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ
એનો ખુબ ખુબ આભાર'
બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે! જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો.
દરજી અને સુથાર ના નિયમ ની જેમ "માપવું બે વાર, કાપવું
એક જ વાર".
જય શ્રી ક્રિષ્ના
બહેનનો પ્રેમ
ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોનેટીકી ટીકીને જોયા કરતી હતી.
એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો. ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક કરી દોને. ગમે તેકોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવુ છે? "છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે મારે નાનો ભાઇ છે એને આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએત્યાં ઉભેલા દરેક પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.મિત્રો, પોતાના ભાગનું કે પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેનપોતાના ભાઇ માટે કુરબાન કરી દે છેઆવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવી નથી જતાને ? જરા તપાસજો.