Dhak Dhak Girl - Part - 6 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ભાગ ૬

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ભાગ ૬

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૬]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

ડાઈનીંગ ટેબલ પર રાખેલા કાંદા-પૌંઆ ઠંડા થઇ ગયા હતા. સાચું પૂછો તો મમ્મી ઘણી વારથી મારી તરફ જોઈ રહી હતી. મને ખ્યાલ હતો પણ મને તે કાંદા-પૌઆમાં કાંડીભારનો ય ઇન્ટરેસ્ટ નહતો.
છેવટે મમ્મી ટેબલ પાસે આવી.
"કેમ રે? કંઈ ખાતો કેમ નથી? તબિયત નથી સારી?"

"સારી જ છે. માથું થોડું ભારે લાગે છે."

"રજા લઇ લે તો પછી ઓફિસમાંથી. દિવસ-રાત કોમ્પ્યુટર સામે બેસી રહેવું પડે છે તે."

"અરે એ જ તો મારું કામ છે. શું રે મમ્મી તું પણ..! અને એમ કંઈ મનમાં આવે ત્યારે રજા થોડી જ લઇ શકાય છે?"

"અરે પણ.. તબિયત સારી ન હોય તો..."

"કોઈ ધાડ નથી પડી મારી તબિયત પર. ઠીક છું હું..! આતા ભૂખ નાહીં ફક્ત. ઓફીસમધ્યે ખાઇ લઇશ કંઈ તરી."

"અરે, તો જ્યુસ તો.."

"મમ્મી પ્લીઝ..! ફાલતુમાં માથું નહીં પકાવ. સઘળી બાજુ પોતાનું જ મનમાન્યું કરવાનું કે? અમારો પોતાનો કોઈ મત હોય કે નહીં?" -બોલીને બ્રેક-ફાસ્ટ કર્યા વગર જ ટેબલ પરથી હું ઉઠી ગયો.

પહેલાથી જ સોલ્લીડ માથું સટકેલુ હતું. એવું લાગતું હતું કે જો મમ્મી-પપ્પાએ 'આપણી જ કાસ્ટની છોકરી હોવી જોઈએ'ની રટ ન લગાવે રાખી હોત, તો કદાચિત..કોને ખબર..હું અને તન્વી હજુ પણ એકત્ર જ હોત. કદાચ તેનાં માબાપને સમજાવી પણ શક્યા હોત.

ઓફીસ તો જાણે કે મારી અજાતશત્રુ જ લાગતી હતી પણ બીજો કોઈ પર્યાય જ નહોતો. આ પહેલાનાં અઠવાડિયામાં પહેલથી જ કેટલીયે રજા લઇ લીધી હતી, ને ઉપરથી પેલી 'સીટી-લાયબ્રેરી'ના ચક્કરોની નાદમાં ને નાદમાં ઓફીસ-ટાઈમ દરમ્યાન પણ હું ગાયબ થઇ જતો હતો, તો વર્ક-લોડ પણ ઘણો વધી ગયો હતો.

તન્વીનો પણ કોઈ ફોન નહતો. બધાય સંકટ અચાનક જ આવી પડ્યા હોય તેવું લાગતું હતું. ખુબ જ અસ્વસ્થ જેવું લાગતું હતું. કંઈક તો બી ખોવાઈ ગયું હોય તેવું.. કે પછી જે જોઈએ છે તે મળતું નથી..તેવું. ગુસ્સો, ચીડચીડ, કંટાળો, અને નારાજગી નામની વ્હીસ્કી, બ્રાન્ડી, બીયર અને વોડકાનું કોકટેલ મગજનું કચ્ચરઘાણ કાઢતું હતું.

સાંજે કોઈક અજાણ્યા 'અનનોન' નમ્બર પરથી કોલ આવ્યો. કોઈક ટેલી-માર્કેટિંગવાળીનો હશે તેમ સમજીને ડીસકનેક્ટ જ કરવાનો હતો, પણ પછી કોઈક કારણસર રીસીવ કરી લીધો.

"હાય તન્મય..!"

ફક્ત બે જ શબ્દ.. અને બધું જાણે કે શાંત-શાંત થઇ ગયું હોય તેવું લાગ્યું. જોશમાં છુટેલ પવનને વાવાજોડું સમજીને બાવરાં બનીને ઉડતા કોઈ પક્ષીને વાદળિયામાંથી અચાનક જ કોઈક સ્વચ્છ સૂર્ય-પ્રકાશવાળું નભ મળી જાય, તો કેવી લાગણી થઇ આવે? બસ, એવું જ કંઇક..!

"હાય ધડકન. તને મારો ફોન નમ્બર ક્યાંથી મળ્યો?"

"અં..તન્વીએ આપ્યો."

"તન્વી? તે ક્યાં મળી તને?"

"આજે જ બપોરે આવી તે. પછી મને ફોન કર્યો હતો તેણે.."

"હમ્મ.. બોલ."

"તન્વીએ પૂછાવ્યું છે કે આજે સાંજે ટાઈમ છે કે? તે પોતાની સગાઈની પાર્ટી આપવાની છે, ત્યારે."

"એક મિનીટ..એક મિનીટ..! ‘તન્વીએ પૂછાવ્યું છે’ એટલે? તે પોતે મને ફોન નથી કરી શકતી કે?"

"જો તન્મય..."

"નો..! યુ ગો એન્ડ ટેલ હર, કે.."

"તન્મય, આઈ એમ નોટ યોર મેસેન્જર. હું તો તને ય ફોન કરવાની નહોતી. પણ તન્વીએ બહુ કહ્યું, એટલે.."

થોડી ક્ષણ એકદમ શાંતિમાં જ પસાર થઇ.

.

"ઓલ રાઈટ, ક્યાં? વોટ ટાઈમ?"

"સાડા આઠ વાગે, 'બંજારા-હિલ્સ'માં”

"આય વિલ બી ધેર. આવીશ હું. થેન્ક્સ ફોર..."

આગળ કંઈ જ બોલું, તે પહેલા તો ધડકને ફોન બંધ જ કરી નાખ્યો.

"શીટ્ટ..!" -મેં મનમાં ને મનમાં પોતાને જ ગાળો ભાંડી.

શું ફાલતું જ ટેન્શન નિર્માણ થઇ ગયું હતું ત્રણેયની વચ્ચે. આ ગુંચ જલ્દી જ ઉકેલવી પડશે. પણ તન્વીનું આવું વેગળા જ ટાઈપનું વર્તન અમસ્તું જ માથું ફેરવી ગયું હતું.

.

બંજારા-હિલ્સ..!
અમારી ફેવરેટ રેસ્ટોરાં-કમ-બાર..!
આ પહેલા પણ અનેકવાર અમે બંને, સોફ્ટ એન્ડ હાર્ડ ડ્રીન્કસ માટે વારે-તહેવારે અહિયાં આવતા જ રહ્યા છીએ. દરવખત જેવો જ આજે પણ આ બાર રંગબેરંગી લાઈટોથી ઝાકઝમાળ થઈને દીપી ઉઠેલો હતો, પણ ભીતરમાં તો તે ડાર્ક બ્લુ રંગમાં જ ડૂબેલો દેખાતો હતો.
ડિસ્કોથેક પર નાચી રહેલા કપલ્સના હાથ પર બાંધેલા નિયોન બેન્ડ્સ ચમકી રહ્યા હતા. એ.સી.ની થંડગાર હવા શરીરને થરથરાવી રહી હતી. ઉંચી બ્રાંડનાં દારુની મંદ મંદ ગંધ હવામાં પ્રસરી ગઈ હતી.

અપેક્ષા પ્રમાણે જ ધડકન અને તન્વી..બંનેમાંથી કોઈ હજી આવી નહોતી.
કોપચાનું એક ટેબલ પકડીને હું બેઠો, કે થોડી જ વારમાં ધડકન અંદર આવી.

નીડલેસ ટુ સે..શી વોઝ લુકિંગ રૅવીશિંગ.

તેને જોતા જોતા એક વસ્તુ જે મેં માર્ક કરી..અને તે હતો તેનો નોઝ-સ્ટોન..! તેનાથી આજે મારી આ ધક-
ધક ગર્લનો ટોટલ અંદાઝ જ બદલાઈ ગયો હતો. મારા દિલની ધડકનની ગતિ અનિયમિત કરવાનું એકમાત્ર કારણ...અત્યારે કંઇક વધુ જ ચાર્મિંગ લાગી રહું હતું.

"હાય તન્મય..!" દર વખતની જેમ તેનો અવાજ મસ્ત-ફ્રેન્ડલી હતો.
બપોરની વાતચીત દરમ્યાનનું ટેન્શન અત્યારે તેનાં ટોનમાં બિલકુલ ગેરહાજર હતું.

"વા..ઉ, વોટ અ રોકિંગ મ્યુઝીક..!" -બોલતા બોલતા જ તેનાં તો પગ થીરકવા લાગ્યા- "કંઈ ઓર્ડર કર્યું કે નહીં ?"

પણ મેં મારો મુડ થોડો ભારે જ રાખ્યો, અને ખાસ કંઈ બોલ્યો નહીં.

"લેટ'સ વેઇટ ફોર ધ હોસ્ટ." -એટલું બોલતા બોલતા પણ મારા સ્વરમાં એક કટાક્ષ ભળી ગયો.

"ઓકે. કુ...લ !" –પણ ધડકન તો એકદમ કેઝ્યુલી જ બોલી.

અને પછી અમે ચુપ જ રહ્યા, કે થોડી વારમાં તન્વી પણ આવી.

"હા.....ય !" -તન્વી લગભગ દરવાજામાંથી જ બુમો પાડતી અંદર આવી, જોકે તેનું તે 'હાય' ફક્ત ધડકન માટે જ હતું.

ધડકન ખુરસીમાંથી ઉભી થઇ અને બંને સહેલીઓએ એકમેકને બાથમાં ભરી, પોતપોતાના ગાલ એકબીજાના ગાલને અડાડયા

"સી ધીસ..!" -પોતાની આંગળી આગળ કરી, તેમાં પહેરેલી વીંટી બતાડતા તન્વી બોલી.
"વા...ઉ ! રીયલ ડાઈમન્ડ ?"
"હા તો..! હવે તો હું પાટલીણ [પાટીલની પત્ની] છું, સમજી ?"
અને બંનેએ એકમેકને તાળી આપી.

હું જાણે કે તેમની વાતચીતમાં વર્જિત જ હતો. જાણે કે...જાણે કે હું ત્યાં હતો જ નહીં."
અને પછી અચાનક તન્વી મારી તરફ વળીને બોલી- "હાય તન્મય..! કસા આહેસ..?"
"આય એમ ગુડ.." -મેં ફક્ત ડોકું હલાવતા કહ્યું.

ફરી થોડીવાર કોઈ કંઈ બોલ્યું જ નહીં.

"ઓહ.. બાય ધ વે..કોન્ગ્રેટ્સ ફોર યોર એન્ગેજ્મેન્ટ !" -મેં હાથ આગળ લંબાવતા કહ્યું.

તન્વીએ પણ હાથ લંબાવ્યો અને અમે બંનેએ શેક-હેન્ડ્સ કર્યું. પણ તેમાં પહેલા જેવું પોતીકાપણું સાવ ગાયબ જ હતું. જાણે તેની સાથે પહેલી જ વાર હાથ મિલાવતો હોઉં, તેવો ઉષ્માહીન અહેસાસ થયો.

"સો ? લેટ'સ ઓર્ડર સમથિંગ ?" -તન્વીએ ધડકનને પૂછ્યું.

"શ્યોર..!"
તન્વી સામેની ખુરસી પર બેસી ગઈ.

"આય વીલ હેવ ડ્રાઈ માર્ટિની" -ધડકને તરત જ પોતાની ચોઈસ જાહેર કરી દીધી.
"મારું, દર વખત જેવું જ. એઝ યુઝુઅલ.." -તન્વી પર એક ઉડતી નજર નાખી, તરત નજર ફેરવી લેતા હું બોલ્યો.

[જયારે જયારે હું અને તન્વી એકત્ર બારમધ્યે જઈએ, ત્યારે મારું ડ્રીંક પહેલેથી જ નક્કી જ હોય.
'વોડકા, જીન, વ્હાઈટ રમ, સિલ્વર ટકીલા, કોક, અને બરફ' આ બધાનું મિશ્રણ જેનું નામ એ લોકોએ આપ્યું છે 'લોંગ આઈલેન્ડ આઈસ્ડ ટી.' અને આ જ મારું એઝ યુઝુઅલ.]

તન્વીએ થોડી વાર સુધી મારી સામે જોયે રાખ્યું.
આ અમુક ક્ષણોમાં અમારા કેટલાંયે જુના દિવસો અને તેની આઠવણો સમાયેલી હતી..બારમાં એકમેક સાથે ટકરાવેલા ગ્લાસ હતા..નશામાં હલકાફૂલકા થઈને એકમેકની ઉડાવેલી મજાક હતી..મજાકની સામે બીજી મજાક, કે પછી બનાવટી રોષ હતો..બહેકી જઈને એકમેકને આપેલું સ્પર્શ-સુખ હતું..ચુસ્ત આશ્લેષ અને ગાઢ ચુંબનો હતા..ખુલ્લા મને એકમેક સાથે શેઅર કરેલી લાગણીઓ હતી..લાગણીઓના એટલી જ તીવ્રતા ધરાવતા એવા જ સામા પડઘા હતા. તેની આંખોમાં આ સઘળું જ મને, એક મુવીની જેમ પુરઝડપે પસાર થતું દેખાયું.

"આય મીન.. યાઈ વિલ હેવ લોંગ-આઈલેન્ડ-આઈસ્ડ-ટી." -ફોડ પાડતા મેં કહ્યું.

તન્વીએ ઈશારો કરીને વેઈટરને બોલાવ્યો.

"વન ડ્રાઈ-માર્ટિની, વન લોંગ-આઈલેન્ડ-આઈસ્ડ-ટી, આણી એક માર્ગારિટા."

એક સેકન્ડ માટે મને તન્વીને વચ્ચે જ અટકાવવાની ઈચ્છા થઇ આવી. કારણ..માર્ગારિટા અર્થાત ટકિલા શોટ્સ તન્વીને કાયમ હેવી જ જતા. પણ કોણ જાણે કેમ, મેં મારી જ જાતને અટકાવી દીધી. કદાચ..અમારી વચ્ચે ઉભી થઇ ગયેલી પેલી અદ્રશ્ય ભીંત, મને સ્પષ્ટ દેખાઈ રહી હતી.

.

"સો ? હાઉ વોઝ ઈટ ઓલ ? બધું વ્યસ્થિત પાર પડ્યું ?" -વેઈટર ગયો, એટલે ધડકને વાત શરુ કરી.

"એકદમ ફેન્ટાસ્ટિક રે..! આય રીયલી મિસ્ડ યુ. પણ સઘળું એટલું પટકન નક્કી થયું, કે શું કહું. અમે છોકરો શું જોવા ગયા..એકમેકને પસંદ શું પડ્યા..અને અચાનક આ એન્ગેજમેન્ટ કરીને પરવારીયે ગયા. ઉફ્ફ..!!"

"ફોટા..?" -ધડકને પૂછ્યું.

"છે ને.. કાલે શેઅર કરીશ. અ ગ..શું મસ્ત ઘર છે એ લોકોનું..! ઘર શું, મોટો વાડો જ કહી શકાય. આગળ-પાછળ ગાર્ડન. આજુબાજુમાં સરસ વાડી..." -તન્વીનું સ્તુતિ-પુરાણ અટકવાનું નામ જ નહતું લેતું.
પણ એટલામાં જ વેઈટરે આવીને ઓર્ડર સર્વ કર્યો.

ત્રણેયએ ગ્લાસ ટકરાવીને ચીયર-અપ કર્યું, ને ગ્લાસ મોઢે માંડ્યા.
એક ઘૂંટ લીધા બાદ અમે બંને અમારો ગ્લાસ નીચે મુકીએ, ત્યાં સુધીમાં તો તન્વીએ પોતાનો ગ્લાસ ખાલી જ કરી નાખ્યો ને તે ફરીથી ભરી લાવવા વેઈટરને આપ્યો. અને તરત પોતાના પુરાણ તરફ તે પાછી વળી.
મેં અને ધડકને એકમેક તરફ જોયું.

"ધડકન, અ ગ.., ડુ યુ નો? તેનાં પપ્પાનું ગામમાં એટલું માન છે..અમે તેમની ખેતી જોવા જતા હતા, ત્યારે લોકો ઘરની બહાર આવી આવીને તેમને નમસ્કાર કરતા હતા."

વેઈટર ગ્લાસ ભરીને મૂકી ગયો, ત્યાં સુધી તેનું સસરા-સાહિત્ય ચાલ્યું.

"વા...ઉ, સહી રે..!" -ધડકન પણ બહુતે'ક હવે બોર થવા લાગી હતી.

"અમે બંનેએ એકબીજાને સગાઈની વીંટી પહેરાવી ત્યારે, તેનાં પપ્પાએ પોતાનાં ખીસામાંથી પચીસ હજાર રૂપિયા કાઢીને મને આપ્યા, અને બોલ્યા- તને ખરચવા હોય તેમ ખરચજે. કેન યુ બીલીવ ધીસ ?"

અને તેની એલફેલ વાતો આગળ ચાલી, ત્યાં સુધીમાં તો તેણે પોતાના ત્રણ ગ્લાસ પુરા કરી નાખ્યા.

.

"તો.. ? તન..તન..તન્મય?" -તેની જીભ હવે ગેગેફેફે થવા લાગી હતી- "હાઉ ઈઝ યોર લોં...ગ આઈલેન્ડ આ...ઈસ્ડ ટી..?"

"ઈટ'સ ગુડ..!" -મેં ટૂંકો જવાબ આપ્યો.

"એમ? તો પછી આય વિલ ઓર્ડર વન ફોર મી ઓલ્સો." -વેઈટરને ઈશારો કરીને બોલાવતા તે બોલી. "તન્વી, ઈનફ..! ઓલરેડી તે આટલી ટકીલા લીધી છે. ને હવે, આ લોંગ આયલેન્ડ? અરે, આમાં તો ટકીલાના ડબલ શોટ્સ હોય છે. અને તે સિવાય રમ અને વોડકા પણ." -મેં તેને ટેકનીકલ સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"શટઅપ તન..તન્મય. આય એમ નોટ યર ગર્લ..ગલ..ગર્લફ્રેન્ડ નાઉ..!" -તન્વી અટકી અટકીને બોલી.

મારી સહનશક્તિનો હવે અંત આવી ગયો. એક તો મને અહીં ઇન્વાઇટ કરીને મારી સાથે કોઈ ખાસ વાતચીત પણ નહોતી કરી, ઉલટું મારે તેની સાસર-વાડીની સહેલ સહેવી પડી હતી. એટલે ‘સટાક’ કરતો હું રાગ ખાઈને ઉભો થઇ ગયો.

"સો..સોરી. જા...નુ ! ચીડલાસ કાય..?" -તન્વીની આંખો ભારે થયેલી દેખાતી હતી. ખરેખર, તેને વધુ પડતી જ થઇ ગઈ હતી.

"તન્વી, પ્લીઝ.. બીહેવ યોરસેલ્ફ." –મેં હવે વૈતાગીને કહ્યું.

"હાઉ કેન આઈ બીહેવ જાનુ? હાઉ કેન આય?'

"..."

"તુલા માહિત આહે, ધડકન..? ચોમાસામાં અમે લોનાવલાના 'ભુશી-ડેમ' જતા ને..! ત્યારે આ..આ..તન્મય, ખબર છે શું શું કરતો? તેનો હાથ ક્યાં ક્યાં ફરતો, ખબર છે?" -તન્વી પોતાની છાતી અને પેટ પર હાથ મસળતા બોલી- "અને ત્યારે મારે પણ આમ જ કહેવું પડતું કે તન્મય બીહેવ યોરસેલ્ફ..!" -તન્વી એકલી એકલી પોતાની જાત સાથે જ હસતી હતી. અને ધડકન, એક પળ માટે નીચે જોઈ ગઈ.
"ચલો, મેઈન કોર્સ ઓર્ડર કરી દઈએ.." -અસ્વસ્થ થયેલી ધડકને સામે જ પડેલું મેનુ-કાર્ડ હાથમાં લેતા કહ્યું.

એટલામાં જ, ડીજેએ ધીન-ચાક-ધીન ગીતો બંધ કરીને રોમેન્ટિક-નમ્બર્સ શરુ કર્યા.

"તન્મય.." -તન્વી ખાલી થયેલા ગ્લાસ સામે જોતા બોલી- "ડુ યુ રીમેમ્બર ધીસ સોંગ?”

"યસ. હાઉ-કેન-આય-લીવ-વિધાઉટ-યુ.. આ જ ગીત છે ને..?" -મેં કહ્યું.

"શેલ વી ડાન્સ ફોર ધ લાસ્ટ ટાઈમ?" -તન્વીએ ખુર્સીમાંથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો, પણ ફરી પાછી તેમાં બેસી પડી.

"ધડકન, ડીનર પછી કોઈકવાર.. આજે રહેવા દે. આય થીંક વી મસ્ટ ગો નાઉ" -તન્વી તરફ નજર કરતા હું બોલ્યો.

"હમમ.." -ધડકને પણ તન્વીની સ્થિતિ જોઇને મારી વાત સાથે સહમત થતાં મેનુ-કાર્ડ બંધ કર્યું, અને વેઈટરને બીલ લઇ આવવાનો ઈશારો કર્યો.

"તન્મય, ઈલેવન્થ નેક્સ્ટ મન્થ. આય એમ ગેટીંગ મેરીડ..! ડેઈટ ફાઈનલ ઝાલી આહે." -અચાનક તન્વી બોલી.
મારા માટે આ શોકિંગ-ન્યુઝ હતા..ધડકન માટે પણ, કદાચ.

"આપણને ખબર હતીને તન્મય? કે એક ને એક દિવસ તો આ દિવસ આવવાનો જ છે. તો પછી કેમ આટલું હર્ટ થાય છે, તન્મય..? અહિયાં તન્મય. હિયર..!" -પોતના હ્રદય તરફ આંગળી તાકતા તન્વી બોલી.

"આય થીંક, વી નેવર સો ઈટ કમીંગ. રાઈટ ?" -હું વિશેષ કંઈ જ ન બોલી શક્યો.

પછી કેટલીય વાર સુધી તે પોતાની આંગળીમાંની વીંટી તરફ જોતી રહી, ને બોલી-"આય વિશ આય કુડ થ્રો અવે ધીસ ડેમ થિંગ..! ફગાવી દેવાનું મન થાય છે."
એટલામાં જ વેઈટર બીલ લઈને આવ્યો.

તન્વીએ પોતના વોલેટમાંથી નોટોની થપ્પી કાઢી. પણ તેને ગણવામાં પણ તકલીફ પડતી હતી.
ધડકને તેનાં હાથમાંથી થપ્પી લીધી, અને બીલના પૈસા કાઢી..બાકીના તન્વીના વોલેટમાં પાછા મુક્યા.

"લેટ્સ ગો, તન્વી." -તેને ઉભી કરતા ધડકન બોલી.

"મારા મેરેજ પછી તમે બંને એકલા પડી જશો, નહીં? બંને મને મિસ્સ કરશોને?" -તન્વી મનમાં આવે તેમ બબડતી હતી.

"ઓફકોર્સ તન્વી, વી વિલ મિસ્સ. બટ વી વિલ બી ઇન ટચ. નહીં કે..?" -ધડકન આશ્વાસન આપતી રહી.

"ઓફકોર્સ. વી વીલ બી ઇન ટચ. તન્મયનું..માહિત નાહી. પણ તારા ટચમાં તો ચોક્કસ. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ." –બોલતા તન્વી આખરે ઉભી થઇ.

લોન્જનો દરવાજો ખોલી અમે બહાર પડ્યા.

"માઝ્યાકડે એક બેસ્ટ આઈડિયા આહે. તમે બંને એકબીજા સાથે મેરેજ કરી લો ને.!"
અમે બંનેએ ખચકાઈને તન્વી તરફ જોયું. તે હજુ પણ પોતાની તન્દ્રામાં જ જણાતી હતી.

"ઓ..નો, બટ યુ કાન્ટ !" -તન્વી આગળ બોલી.

"વાય? વાય વી કાન્ટ?" -મેં ફક્ત અને ફક્ત જીજ્ઞાસાપૂર્વક પૂછ્યું.

"ઓ..કમઓન તન્મય..! મરાઠી અને ગુજરાતી તો...ઘણી બધી સામ્યતા હોય એમાં..છતાં ય આપણા ઘરવાળા, આપણા મેરેજ માટે તૈયાર ન જ થયા હોત. જયારે આ ધડકન તો.."

"હું રીક્ષા લઇ આવું." -કહીને ધડકન એક રીક્ષા તરફ દોડી.

"આ ધડકન તો.. શું, તન્વી? -મેં તેને જોરથી હલબલાવીને પૂછ્યું- સાંગ મલા તન્વી, મલા સાંગ. આ ધડકન તો.. શું?"

"સ્ટોપ ઈટ, તન્મય..! યુ આર હર્ટીગ મી." -મારા હાથની પકડમાંથી છૂટવાની બળપૂર્વક કોશિષ કરતા તે ત્રાસિત સ્વર બોલી.

"તન્મય..!" -પાછળથી અવાજ આવ્યો, અને મેં તે તરફ જોયું. ધડકન રીક્ષા રોકીને તન્વીને લેવા આ તરફ આવી રહી હતી.

"તન્વી, ધડકનનું તું શું કહી રહી હતી? -મેં અધીર થઈને મરણીયો પ્રયાસ કર્યો.

"અરે તે શીખ-પંજાબી છે. ધડકન-કૌર. મરાઠી-ગુજરાતી થઈને જો આપણે ન પરણી શક્યા, તર મગ હી તરી...! વિચાર સુદ્ધા કરું નકોસ તુ..!" -તન્વી ગ્લાનીભર્યા અવાજમાં બોલતી રહી.

ત્યારે જ વીજળીનો એક કડાકો થયો, આકાશમાં. કે પછી..મારા દિલમાં. કે જેનો અવાજ, ફક્ત અને ફક્ત મને જ, સહન ન થાય એટલા જોરમાં સંભળાયો.
ને અચાનક ધીમો ધીમો વરસાદ શરુ થયો.

ધડકન દોડતી'ક આવી ને તન્વીને સંભાળતી રીક્ષા તરફ લઇ ગઈ, અને તેમાં બેસાડી.
બીજી જ પળે રીક્ષા ચાલુ થઇ, અને તે બંને મારી નજર સામેથી ઓઝલ થઇ ગઈ.
હું રેસ્ટોરાંના દરવાજામાં જ થીજી ગયો.

કેટલીયે વાર પછી મને ભાન થયું, કે વરસાદનું જોર તો ખુબ જ વધી ગયું હતું.
હું તેમાં બિલકુલ જ ભીંજાઈ ચુક્યો હતો, અને તોયે..મૂરખની જેમ ત્યાં નો ત્યાં જ ઉભો હતો.
સાવ એકલો જ..! [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..