“તાનિયા..” બાજુમાં ઉભેલી મૈત્રીએ કહ્યું.
“શું?” તાનિયાએ મૈત્રી સામે જોઇને પૂછ્યું.
એક્ઝામ હોલની બહાર તાનિયા અને મૈત્રી ઉભા હતા.વાતાવરણમાં તનાવ હતો.કોલાહલ હતો.ચહેરાઓ પર ડર અને ચિંતા છવાયેલા હતા.
“આજના વિષયની તૈયારી કેવી છે ,તાનિયા?”મૈત્રીએ પૂછ્યું.
“તૈયારી તો કરી છે પણ પછી તો એકઝામના ડીફીકલ્ટી લેવલ પર આધાર છે બધો જ..” તાનિયાએ કહ્યું.
“હા યાર....એ પણ છે...” મૈત્રીએ સહેજ હોઠ અંદર દબાવીને મોઢું હલાવતા કહ્યું.
તાનિયાએ યુનિવર્સીટીના કેમ્પસ પર એક નજર કરી..અમેરિકાની એ ટેક્સાસ યુનિવર્સિટીના કેમ્પસમાં જાણે દરેક વસ્તુ વિચારી વિચારીને મૂકી હોય એવું લાગતું હતું.સ્વચ્છ રસ્તા..રસ્તાની બંને બાજુએ રોપેલા અલગ અલગ રંગના ફૂલોના છોડવા,અલગ અલગ પ્રકારની ડીઝાઇન કરેલી લોન,સ્ટ્રીટ લાઈટના ચોક્કસ અંતરે મુકેલા થાંભલા અને એકદમ આધુનિક આર્કિટેક્ચરની ડીઝાઇન ધરાવતા વિવિધ બિલ્ડીંગ..
આ કેમ્પસમાં બે પુરા બે વર્ષ ક્યારે પુરા થઇ ગયા એ ખબર જ ન પડી.છેલ્લા સેમેસ્ટરની ફાઈનલ એક્ઝામ સામે આવીને ઉભી રહી હતી.પછી ઘરે જવાનું હતું...ઇન્ડિયા ...નહિ ભારત...જેમ ભારત પાછા ફરવાનો દિવસ નજીક આવતો હતો એમ ચહેરા પરનો રોમાંચ વધુ ને વધુ નીખરી રહ્યો હતો.
તાનિયાએ મૈત્રી સામે જોયુ.મૈત્રીએ બ્લુ ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલા હતા.માથા પરની હેર-સ્ટાઇલ પણ કંઇક વિચિત્ર પ્રકારની લાગતી હતી.મૈત્રીએ પર્સમાંથી એક નાનકડો અરીશો કાઢ્યો અને તેના ભરાવદાર હોઠ પર લિપસ્ટિક લગાવવા માંડી.
તાનિયા મૈત્રી વિશે વિચારવા લાગી.હજુ થોડી વાર પહેલા તો એકઝામના ટેન્શનમાં હતી અને અત્યારે બધું ભૂલીને સજવા સવરવામાં વ્યસ્ત થઇ ગઈ.
એક્ઝામ હોલમાં પ્રવેશ માટેનો બેલ સંભળાયો.હોલની બહાર ઉભેલા વિદ્યાર્થીઓમાં કોલાહલ વધતો ગયો અને સૌ કોઈ એક્ઝામ હોલ તરફ પ્રયાણ કરવા માંડ્યા.
“ઓલ ધી બેસ્ટ ,તાનિયા...” મૈત્રીએ હાથ મિલાવતા કહ્યું.
“સેઈમ ટુ યુ...” બંને હેન્ડશેક કરીને પોતપોતાના એક્ઝામ હોલ તરફ રવાના થયા.
ઘડિયાળના કાંટા ફરતા રહ્યા અને એકઝામના એ કલાકો દરમ્યાન સન્નાટો છવાઈ રહ્યો.
એક્ઝામ પૂરી થઇ.વળી પાછી કેમ્પસની શાંતિ ડોહળાઈ ગઈ.એ જ કોલાહલ...થોડો વધુ કોલાહલ...કેમ્પસના કોઈક કોઈક ખૂણામાં હજુ પણ શાંતિ સંતાઈને પડેલી હતી.
“કેવું રહ્યું આજનું પેપર,તાનિયા..?” મૈત્રીએ એ એક્ઝામ હોલની બહાર આવીને પૂછ્યું.
“આશા હતી તેના કરતા ઘણું સારું રહ્યું..અને તારું...??” તાનિયાએ કહ્યું.
“આશા હતી તેના કરતા ઘણું ખરાબ...” મૈત્રીના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.
“ઓહ ....કઈ નહિ....બાકીના વિષયોના પેપર સારા જશે...ડોન્ટ વરી..” તાનિયાએ આશ્વાશન આપતા કહ્યું.
“હા જે ગયું એના વિષે વિચારીને મગજ નથી બગાડવું...તું એ કહે કે ઇન્ડિયા પાછી ક્યારે જવાની છે?”
“એક્ઝામ પૂરી થઇ જાય તેના એક વીક પછી..અને તું ?” તાનિયાએ કહ્યું.
“હું પણ અત્યારે જ નીકળીશ કદાચ...”
“મેં તો ફ્લાઈટ પણ બૂક કરાવી લીધી છે.આ વખતે તો સરપ્રાઈઝ આપવું છે.ખાસ કરીને મમ્મીને ..”
“ધેટ્સ ગ્રેટ...” મૈત્રીએ ખભા પરનું બેગ સરખું કરતા કહ્યું.
“અને કાલે તો એકઝામની તૈયારીમાં એટલી વ્યસ્ત હતી કે ઘરે વાત જ નથી કરી.પરમદિવસે સવારે પપ્પા સાથે વાત થઇ હતી...મમ્મીની તબિયત ખરાબ છે એવું કહેતા હતા.”
“શું થયું એમને...?” મૈત્રીએ પૂછ્યું..
“તાવ આવતો હતો એવું પપ્પા કહેતા હતા...એમનો અવાજ પણ ઘણો શુષ્ક લાગતો હતો.”
“તું ઘરે પહોચીશ એટલે તને જોઇને જ બધો તાવ ઉતારી જશે..”
“હા એ પણ છે...આમ પણ હું એમની સાથે વાત નથી કરવાની...સીધા ઘરે પહોચીને એમને સરપ્રાઈઝ જ આપવું છે....મને અચાનક ઘરે આવેલી જોઇને એમને તો કોઈ સપનું જોતા હોય એવું જ લાગશે.”
“હા યાર...એકદમ સાચું કહ્યું...”
બંને ચાલતા ચાલતા કેમ્પસનાં ગેટ સુધી પહોચ્યા અને પછી પોતપોતાના રૂમ તરફ જતા રસ્તા પર ચાલવા લાગ્યા.
*************
વારાફરતી દ્દરેક વિષયની એક્ઝામ પૂરી થતી ગઈ.એક્ઝામ પૂરી પણ થઇ ગઈ અને ઉપર એક અઠવાડિયું પણ વીતી ગયું.હરેલું-ભરેલું કેમ્પસ વેરાન બની ગયું હતું.નિર્જન અને નિર્જીવ લાગતું હતું.એક્ઝામ પૂરી કરીને સૌ કોઈ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા.તાનિયા પણ...
તાનિયા ટેક્ષીમાં બેસીને એરપોર્ટથી ઘરે જવા નીકળી.રોમાંચ વધતો જતો હતો.મમ્મી પપ્પા સાથે વાત કર્યાને જાણે વર્ષો વીતી ગયા હતા.
ટેક્ષી ઘરની નજીક પહોચી ચુકી હતી.તાનિયા વિચારી રહી હતી કે મમ્મી પપ્પાના ચહેરાના હાવભાવ શું હશે?..એમને તો કદાચ એક સપના જેવું લાગશે.અને મમ્મી તો ખુશીથી બેભાન થઇ જશે.મનોમન તાનિયાને હસવું આવ્યું.
ટેક્ષી ઘરઆંગણે આવીને ઉભી રહી.
“કિતના હુઆ...” તાનિયાએ ટેક્ષી ડ્રાઈવરને પૂછ્યું.
“તીનસો પચાસ રૂપયે...” પાછળ ફરીને ડ્રાઈવરે કહ્યું.
ટેક્ષીના મીટર સામે જોયા વગર જ તાનિયાએ ટેક્ષી ભાડાના રૂપિયા ચૂકવ્યા અને ઝડપભેર સમાન ઉતારવા લાગી.સમાન ઉતારીને ઘરના મુખ્ય દરવાજા પાસે મુક્યો અને પોતે ઘરમાં દોડી ગઈ.દીવાનખંડના દરવાજા પાસે જઈને ઉભી રહી.દિવાનખંડના સોફા પર બેઠેલા તેના પપ્પા,કાકા અને બીજા સગા વહાલાઓ એકસાથે જ તાનિયાને જોઇને ઊભા થઇ ગયા.
તાનિયાએ ઘરમાં નજર ફેરવી..જાણે કોઈક બીજાના ઘરમાં જોતી હોઈ તેવી રીતે...પપ્પા સામે નજર સ્થિર થઇ..થાકેલો ચહેરો...વિખરાયેલા વાળ....મેલા જુના લાગે તેવા કપડા અને ચહેરા પર દિવસોની વધેલી દાઢી..તાનિયાને બધું જ એક ખરાબ સપના જેવું લાગતું હતું...બધું જ.....
દીવાલ પર લટકતી તસ્વીર પર નજર સ્થિર થઇ જેના પર સુખડનો હાર ચડાવેલો હતો.જેમાં તેના મમ્મી જેવી કોઈ સ્ત્રીનો ચહેરો દેખાયો...એક પળ માટે તો કશું જ સમજાયું નહિ...ળળળય,લ
“મમ્મી.........” તાનીયાના મોઢામાંથી એક રાડ નીકળી ગઈ.આંખોમાંથી આંસુ ઉભરાઈ આવ્યા.આંખમાં લગાવેલું કાજળ ડોહળાઈ ગયું..હોઠ પરની લિપસ્ટિક પર નાકમાંથી નીકળતું પાણી ફરી વળ્યું.અને તાનિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
તાનીયાના પપ્પાએ દોડીને તાનિયાને ગળે લગાડી લીધી.તાનિયાએ પપ્પાની છાતીમાં મોઢું સંતાડી દીધું અને ક્યાય સુધી રડતી રહી.તાનીયાના પપ્પા એના માથા પર હાથ સહેલાવતા રહ્યા.
“પપ્પા મને કહ્યું પણ નહિ?” તાનિયાએ એકદમ ધીમા અને દબાયેલા સ્વરે કહ્યું.
“બેટા,,,તારી ફાઈનલ યરની એક્ઝામ અને કોઈ ઇચ્છતું નહોતું કે તારી આટલ વર્ષોની મેહનત....” તાનીયાના પપ્પા એટલું જ બોલી શક્યા અને બાકીના શબ્દો ગળામાં જ દબાઈ ગયા.
“મમ્મી વગર આ બધાનું શું પપ્પા.....” તાનિયાએ કહ્યું.
તાનિયાના ડુસકા એના પપ્પાની છાતીમાં સમાઈ ગયા.તાનિયાને સરપ્રાઈઝ આપવું હતું અને સામે શોક મળ્યો.તાનિયા મોડી રાત સુધી રોતી રહી અને મમ્મી સાથેની યાદો માનસપટલ પર ઉભરાતી રહી.