1 Nar - Book Review in Gujarati Book Reviews by Hiren Kavad books and stories PDF | ૧. નર - બુક રિવ્યુ

Featured Books
Categories
Share

૧. નર - બુક રિવ્યુ

‘નર’

The Book of Man

(ઓશો)

બુક રિવ્યુઝ

હિરેન કવાડ


પ્રસ્તાવના

પ્રેમ – મને બહુ મળ્યો છે, છતા હું ભૂખ્યો તરસ્યો જ છું અને પ્રેમમાં તો દરેક વ્યક્તિ તરોતાજા જ હોય ને. આ વખતે થોડુક નવું અને અલગ કરવાનો પ્રયત્ન છે. ખબર નહિં તમને પચશે કે કેમ ?

મોનોટોની સતત ભાંગ્યા જ કરવી એ મારો સ્વભાવ રહ્યો છે. એટલે જ માત્ર લવ સ્ટોરીઝમાંથી બહાર નીકળીને આ એક નવો પ્રયોગ છે. આ રસ્તે થોડાક સમય સુધી મારી સાથે રહેશો તો હું ચોક્કસ પણે માનુ છું તમને મજા આવશે. બટ નેવર માઇન્ડ. તમને કંટાળો આવે તો બિન્દાસ તમે કોઇ વળાંક લઇ લેજો.

તો હવેથી કેટલાક મહિનાઓ સુધી મારી કોઇ વાર્તાઓ નહિં આવે. (અને જ્યારે આવશે ત્યારે તમને મૌજ કરાવી દઇશ. વાર્તાને ખોદી રહ્યો છું. મારી નહિં આવે બટ બીજાના પુસ્તકોની વાત તો અહિં આવશે જ.) તો એ સમય દરમ્યાન હું દર શુક્રવારે હવે બુક રિવ્યુઝ લઇને આવીશ. દર શુક્રવારે એક પુસ્તકને ખોળી ખોળીને એના પર પાગલ અને મૌજીલી ચર્ચાઓ કરીશું. ક્યારેક થોડું ગાંભીર્ય પણ આવી જાય. બટ નો વરી. તમને મજા કરાવીશ. આપણને કંઇક જાણવા તો મળશે જ. રેડી છો ને ? સો લેટ્સ ગેટ સ્ટાર્ટૅડ.


નર

નર – બાળક, યુવાન, પુત્ર, પુરુષ મિત્ર, ભાઇ, પતિ, પિતા. આ માત્ર કેટલાક સ્વરૂપો છે. પરંતુ પુરૂષના અગણીત રૂપો છે. ઓશોની ટોક્સ પરથી બનેલુ એક એવુ પુસ્તક જે પુરૂષ માત્ર એક શરીર સિવાય શું છે એની ઉંડી સફરે લઇ જતી વાઇબ્રન્ટ સફર. એ પુસ્તક એટલે નર. પહેલુ જ પુસ્તક થોડુ અધરૂ છે. મને ખબર છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ છે આગળ કોલેજની મૌજુ છે.

સમાજ પુરૂષને ‘મજબુત’ બનવાનું શીખવે છે, જેનો મતલબ છે કે તેના ઋજુતા અને ગ્રહણશીલતા, પ્રેમ અને કરૂણા જેવા નારીવિષયક ગુણોનું દમન કરવુ. પણ દરેક પુરૂષની ભીતરમાં એક સ્ત્રી રહેલી હોય છે તેનો પોતાનો અભાન કે અચેત મનનો હિસ્સો, જેને હજારો વર્ષોથી નકારવામાં અને દમન કરવામાં આવે છે.

પુસ્તકના પરિચયમાં જ એક બધી દિવાલો તોડતો ફકરો. પુસ્તક જો ખરેખર માત્ર વાંચવાના નહિં અને જીવનમાં ઘોળવાના હેતુથી વાંચવામાં આવે તો માત્ર પુરુષની નહિં પરંતુ સ્ત્રીઓની પણ કેટલીય સમસ્યાઓ હલ થઇ શકે એમ છે. છતા તમને એવુ લાગ્યા કરે કે આ પુસ્તક પુરૂષો કરતા વધારે સ્ત્રીઓનું છે. જ્યાં પુરૂષ આવતો હોય ત્યાં સ્ત્રી આવીને ઉભી જ હોય એવુ તમને હરપણ લાગ્યા જ કરે. એજ ઓશો પણ કહેવા માંગે છે, એજ આપણા દેવોનું સ્વરૂપ પણ રહ્યુ છે, ‘અર્ધનારેશ્વર’. પુસ્તકનું સ્વરૂપ પ્રશ્નાર્થનું છે. કોઇ પ્રશ્ન પુછી રહ્યુ છે અને એના જવાબમાં ઓશો પુરૂષ પર વાતો કરે છે.

પુસ્તકમાં પુરૂષને વિવિધ દ્રષ્ટીથી જોવામાં આવે છે. દા.ત. એક આદમ તરીકે, શિકાર તરીકે, દિકરા તરીકે ઝોરબા તરીકે, બુદ્ધ તરીકે, પતિ તરીકે, સેક્સમેનીયાક તરીકે અને દરેક પાછળની ચૈતસીક અવસ્થા વિશેની ચર્ચાઓ કરવામાં આવી છે.

આમ તો આખુ પુસ્તક જ એક ઉંચાઇ પર ઉડે છે, પરંતુ કેટલાંક અંશ લઇએ તો દિકરા અંતર્ગત ઓશોએ કેટલીક અદભૂત વાતો કરી છે.

‘તમામ મા બાપ અપેક્ષા સેવે છે અને એ અપેક્ષા થકી તેઓ પોતાના બાળકોને ખલાસ કરી દે છે. બાળકોએ માબાપથી છુટકારો મેળવવો જ રહ્યો. જો બાળક સમયસર ગર્ભમાંથી બહાર નહિં નીકળે, નવ મહિનાના બદલે કહેશે કે મને તો અહિં ફાવી ગયુ છે અથવા માતા એમ કહેશે કે મારે તો મારા પુત્રને ગર્ભમાં જ રાખવો છે તો બાળક મરી જશે. એને બહાર આવવુ જ પડશે. મા બાપ સજાગ અને સમજદાર બને તો તેઓ બાળકને શક્ય એટલો વધુ અને બને એટલો ઝડપથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરશે. બાળકોને તેઓ કામના બનવા બાબતે નહીં ઠસાવે. તેઓ બાળકને પ્રેમી બનવામાં મદદરૂપ બનશે.’

‘તદ્દન અલગ પ્રકારનું વિશ્વ જન્મ લેવા જઇ રહ્યુ છે. જેમાં લોકો મનગમતુ કામ કરતા હશે. લાકડાને પ્રેમ કરતો હોવાને કારણે વ્યક્તિ સુથારી કામ કરતો હશે. શીખવવાનું ગમતુ હોવાને કારણે શિક્ષક શાળામાં શીખવતા હશે. જોડા બનાવવાનું પસંદ કરતો હોવાને કારણે મોચી જોડા તૈયાર કરતો હશે. અત્યારે મોટો ગુંચવાડો ઉભો થયો છે. મોચી મોટો ડોક્ટર બની ગયો છે. અને ડોક્ટર બની ગયો છે મોચી બન્ને ગુસ્સે ભરાયેલા છે, સુથાર રાજકારણી બની ગયો છે અને રાજકારણી સુથાર. લોકો તરફ નજર જાય તો બધે ગુસ્સો જ દેખાય છે.’ ઓશોની વર્ષો પહેલા કરેલી વાત આજે પણ એટલી જ પ્રાસંગીક જણાય છે.

ઓશો કહે છે ‘માંબાપ હંમેશા આશા રાખતા હોય છે અને તેમની આશા હાનીકારક બની જાય છે. તમારા બાળક તરફથી આશા છોડીને એને પ્રેમ કરો. એમને લાગવા દો કે એમને એમના પોતના માટે જ પ્રેમ કરવામાં આવે છે નહિં કે એમના કોઇ ઉપયોગ માટે. પ્રેમ બીનશરતી હોવો જોઇએ. બાળક એવી દિશાઓમાં જશે જ્યાં તેનુ સહજપણુ હશે. અત્યારે પરીસ્થિતી એવી થઇ ગઇ છે કે એક યુવાનને ખબર જ નથી કે ક્યાં જવુ. આનાથી મોટી દૂનિયામાં કોઇ જ સમસ્યા નથી.’

આ થઇ માતા પિતા અને બાળક વિશેની વાતો. કેટલીક એવી અદભૂત વાતો ઓશોએ માતા પત્નિ અને પુત્ર વિશેની કહી છે. એવા ક્યાં મૂળના કારણો છે જેનાથી પત્નિ અને માતા વચ્ચે જઘડાઓ થાય છે. શું પુત્રએ હંમેશા માવડીયા જ બન્યા રહેવાનું. માતાએ હંમેશા પોતાના પુત્રને પોતાના ખોળામાં જ સુવાડી રાખવો.

'પિતા આગ્રહ સેવે છે – મને પ્રેમ કર, હું તારો પિતા છું. અને બાળકે પ્રેમ કરવાનો ડોળ કરવો પડે છે. બાળકે માતાને ચાહવાની કશી જરૂર નથી. માતાને પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોવો એ કુદરતના નિયમોમાંનો એક નીયમ છે. પરંતુ એનાથી ઉલટુ નહિં. બાળક માતાને ચાહે છે કારણ કે એને માતા પાસેથી પોતાની જરૂરીયાતો પુરી કરવાની છે. માતા બાળકને પોતાનુ દૂધ પીવરાવે છે, આરામદાયક વાતાવરણ આપે છે. પ્રેમ માતાથી બાળક તરફ વહેતો હોવો જોઇએ, નહિં કે બાળકથી માતા તરફ.'

ઓશો માતા-પત્નિ અને પુત્રને લઇને અસ્તિત્વને પોતાની ધરી બનાવીને વાતો કરે છે. જ્યારે માતા પોતાના બાળક પાસેથી પ્રેમની અપેક્ષા કરવા લાગે છે ત્યારે ઘણીબધી સમસ્યાઓ ઉભી થાય છે. પુત્રની પત્નિ તરફ એને ખારાશ પણ આવશે. એટલે પુત્રની પત્નિ તરફનું વર્તન તોછડુ બનશે કારણ એક વધુ હવે પોતાના પ્રત્યેના પ્રેમમાં ભાગીદારી પડાવી રહી છે. માતાનું કર્તવ્ય પોતાના પુત્રને મુક્ત કરવાનું છે. જા બેટા તારો ઘર સંસાર વસાવ. જો માતા પોતાની મમતા નહિં છોડી શકે તો અસ્તિત્વમાં નવા બાળકો જ નહિં આવે. માતાનું કર્તવ્ય જન્મ આપીને બાળકને મુક્તિ આપવાનુ છે. પોતાના પુત્રને પોતાનાથી દૂર કરીને પત્નિ તરફ મોકલવામાં માતાએ મદદ કરવાની છે. આ ખુબ નાજુક ફરજ છે એમ ઓશોનું કહેવુ છે.

એક એક લીટીંએ આકાશ જેટલી ઉંચાઇની વાતો. વાંચવુ સહેલુ છે કરવુ ખુબ અઘરૂ છે. માત્ર જીવવા ખાતર જીવવા વાળા લોકોનું ગજુ પણ નથી. દરેક વ્યક્તિની દોડ આઝાદી તરફ છે. જે આપવી ખુબ મુશ્કેલ છે. માતાથી પણ એ આપવુ મુશ્કેલ છે.

પુરૂષ આવે એટલે સેક્સની વાત આવવાની જ. પુસ્તકમાં ઘણા બધા પ્રશ્નો જાતીયતાને લગતા છે એમાં જ ઓશોએ એક એવા પુરૂષની ચર્ચા પણ કરી છે. સેક્સમેનીયાક (જાતીય વિકૃત.) પુરૂષ શબ્દ આવે એટલે પહેલી ઇમેજ સેક્સ અથવા જાતીયતાની આવે છે. આપણે સ્ત્રી અને પુરૂષને સીધા જ જાતીયતા સાથે જ જોડી દીધા છે. પરંતુ પુરૂષ અન અને સ્ત્રી આ બધાથી ક્યાંય આગળ છે. આ પુસ્તક વાંચીને હું આવુ બોલુ એ થોડી મોટપ લાગે. કારણ કે આ પુસ્તક વાંચ્યા પછી એવુ લાગે કે હું પુરૂષ વિશે કંઇ પણ કહીશ એ બધુ જ આ પુસ્તકમાં હશે. આપણે સેક્સને એટલુ અપ્રાકૃતિક બનાવી દીધુ છે કે બધા એની પાછળ જ દોડે છે.

ઓશો સેક્સ મેનીયાક અંતર્ગત સેક્સ ઉપર એક ખુબ સરસ વાત કરે છે. ‘તમે જોયુ હશે કે એક સમયે સેક્સ મહત્વનો બની જાય છે. એવુ નથી કે એને તમે મહત્વનો બનાવી દો છો. એ થઇ જાય છે. ચૌદ વર્ષની ઉંમરે ઓચીંતી ઉર્જા ઉભરાય છે. જાણે કે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હોય. અત્યાર સુધી ખુલ્લા નહોતા એવા ઉર્જાના દ્વાર ખુલી જાય છે. અને ઉર્જા સેક્સસંબંધી થઇ જાય છે. તમે સેક્સના વિચારો કરો છો, એ માટે તમે કશું કર્યુ નથી હોતુ આ પ્રાકૃતિક છે. સેક્સને સમગ્રતાપૂર્વક, કશીય નિંદા વિના, તેનાથી છૂટકારો પામવાના વિચાર વિના જીવવામાં આવે, તો બેંતાલીસની ઉંમરે પેલા ફ્લડગેટ્સ બંધ થઇ જાય છે. ચૌદ વર્ષની ઉંમરે ખુલેલા ઉર્જાના દરવાજા બેતાલીસે બંધ થઇ જાય છે. સેક્સના ઉદભવ જેટલુ જ આ પ્રાકૃતિક છે. પરંતુ જો સેક્સનું દમન કરવામાં ના આવે તો. નહિંતર જાતીય વિકૃતિ ઉંમર જતા પણ ટકી જ રહેશે. ઉંમર પ્રમાણે સેક્સ શ્વાસની જેટલો જ જરૂરી છે.’

પુસ્તકમાં આગળ વાંચશો તો એ પણ સમજાવવામાં આવશે કે શામાંટે ધર્મગૂરૂઓ સેક્સનું દમન કરે છે, શામાંટે સેક્સના દમનની વાતો પોતાના સ્વાર્થ ખાતર કરે છે.

પુસ્તક હતાશ વ્યક્તિ માટે પથદર્શી સમાન છે, માત્ર સેક્સ એ જ દૂનિયાનું મૂળ નથી. હા એનો હિસ્સો ઓછો પણ નથી. કેટલાંય એવા સવાલોના જવાબ એક ફકરામાં ઓશો આપી દે છે. ઝોરબા ધ ગ્રીક નામનું એક પુસ્તક છે એના ઉપર ઓશો વાત કરે છે. ઝોરબા એક એવો માણસ છે જેને નરકનો કોઇ ડર નથી, જન્નતની કોઇ લાલસા નથી, ક્ષણેક્ષણ જીવતો, નાની ચીઝોને માણતો, ભોજન, શરાબ, સ્ત્રીઓને ભરપૂર માણતો, દિવસ આખાના કામ પછી કલાકો સુધી પોતાનું સંગીત વાધ્ય લઇને દરિયા કિનારે નાચતો માણસ છે.

ઓશો કહે છે ‘કહેવાતા ધાર્મિક માણસનનો જીવ્યા વિનાનો ભાગ છે ઝોરબા. આપણે કાલની ચિંતામાં આજને જીવી નથી શકતા. બધાને સ્ત્રીઓનો આનંદ લેવો છે પરંતુ ધર્મના પરદાઓ આડે આવે છે એ જ વ્યક્તિ એકાંત મળતા કેવા વિચારો અને કેવી કેવી હરકતો કરતો હોય છે. ઝોરબા પ્રતિનિધિત્વ કરે છે તમામ પુષ્પો અને હરિયાળી, પર્વતો, નદીઓ, સાગરો સહિતની પૃથ્વીનું. બુદ્ધ પ્રતિનિધિત્વ કરે છે તમામ તારાઓ અને વાદળા તેમજ મેઘધનુષી આસમાનનું. પૃથ્વી વિના આકાશ ખાલી રહેશે. આકાશ વિના પૃથ્વી મૃત બની જશે. બન્ને ભેગા હોય તો નૃત્ય અસ્તિત્વમાં આવે. ત્યાં આનંદ હોય ત્યાં ઉજવણી હોય. ઓશો કહે છે ઝોરબા એ બુદ્ધ તરફ જવાનો માર્ગ છે. આ જીવનને માણવુ અનૈતિક નથી. તમામ ધર્મો કહેશે કે એ અનૈતિક છે, પણ તમામ ધર્મો ખોટા છે. તેને અનૈતિક કહેનાર માણસ માનવજાતની, સૃષ્ટીની, આનંદની, સુખની, ઇશ્વરપરાયણતા તરફ દોરી જતી સૌ ચીજોની ખીલાફ છે. હું તેના સંપુર્ણ સમર્થનમાં છું.’

પુસ્તકમાં કેટલીક વાતો એવી પણ છે જે પહેલીવારમાં મને સમજ પણ નહોતી પડી. એક વ્યક્તિ ઓશોને પ્રશ્ન પુછે છે કે મને સ્ત્રીઓથી ડર લાગવા લાગ્યો છે. મને એવુ લાગે છે કે એ મારા જન્મ સાથે જ જોડાયેલો છે.

ઓશોએ આ વિશે પુત્ર ઉપર વાત કરી હતી ત્યારે પણ કહ્યુ હતુ. સ્ત્રીનો ડર મૂળભૂત રીતે માતાનો ડર છે. અને દરેકે માતા સાથે સમાધાન કરવુ પડે છે. તમે માતા સાથે સમાધાન ન કરો તો કોઇ દિવસ પત્નિ સાથે સમાધાન ન કરી શકો. કેટલુ ઉંડાણમાં ઓશો લઇ જાય છે. દરેક બાળકનો પહેલો સંસર્ગ એની માતા સાથે થાય છે, એની સાથેના અનુભવો એ દરેક સ્ત્રીમાં જોશે. એટલે જો કોઇ એવા ખરાબ અનુભવો કોઇ વ્યક્તિના એની માતા સાથે હશે તો એને દરેક સ્ત્રીમાં એ અનુભવોનો ડર રહેવાનો જ એવુ ઓશો કહેવા માંગે છે.

ઓશોના શબ્દોમાં જ ‘સ્ત્રી દુનિયાની સુંદરતમ વસ્તુઓમાની એક છે, બીજી કોઇ વસ્તુ સાથે એને સરખાવી ન શકાય. ઇશ્વરની ઉતમ કૃતી છે સ્ત્રી. આથી તમે તેનાથી ડરતા હો, તો તમે ડરશો ઇશ્વરથી, પ્રેમથી, પ્રાર્થનાથી. જે કંઇ સુંદર વસ્તુ છે એનાથી તમે ડરશો. કારણ કે સ્ત્રી મૂર્તિમંત સ્વરૂપ છે સુંદરતાનું અને મોહકતાનું. તમારે બીજી સ્ત્રીને પ્રેમ કરવા માટે તમારી માતા સાથે સમાધાન કરવુ જ રહ્યુ. એના માટે બાળપણમાં જવુ પડશે અને બાળક બનવુ પડશે.’

મેં કહ્યુ એમ આ પુસ્તકમાં પુરૂષ સાથે સ્ત્રીની પણ એટલી જ ચર્ચા છે. પુરૂષ સ્ત્રીને ખેંચી જ લાવે છે. જ્યારે વાત પિતાની આવે છે ત્યારે એક અદભૂત વાત જાણવા મળે છે. ઓશો કહે છે ‘પિતા નામની સંસ્થા પુરૂષો દ્વારા ઉભી કરવામાં આવી છે. એ કોઇ રીતે કુદરતી નથી. હજારો વર્ષો સુધી માનવજાતિ પિતૃત્વ સંસ્થા વિના જ રહી છે. અંકલ શબ્દ ફાધર કરતા વધારે જુનો છે. માતા હતી પણ પિતા કોણ હતા તેની જાણ નહોતી. કારણ કે માતા ઘણા લોકો સાથે હળતી મળતી. કોઇક તો પિતા હોવો જ જોઇએ, પણ એને જાણવાનો કોઇ રસ્તો નહોતો. તેથી બધા જ અંકલ હતા. પિતા તો પછી આવ્યા. પછી આવ્યુ અંગત મિલકતનું અસ્તિત્વ. અને આ બાળક મારૂ જ છે એવુ નક્કિ થઇ શકે એના માટે લગભગ દૂનિયાના બધા જ સમાજમાં એવો ખયાલ પ્રચલિત થયો કે લગ્ન પહેલા સ્ત્રી સંપુર્ણપણે કુંવારી જ હોવી જોઇએ. નહિંતર નક્કિ કરવુ મુશ્કેલ બની જાય. હિંદુઓ કહેતા આવ્યા છે કોઇ સ્ત્રી માતા ન બને ત્યાં સુધી એ પુર્ણતા પામતી નથી. પરંતુ પુરૂષ માટે આવુ નથી. પુરૂષ કંઇ ગુમાવ્યા વિના પિતા બની શકે છે પરંતુ સ્ત્રીને પોતાની સર્જનાત્મકતા, તેની કાર્યક્ષમતા ત્યારેજ દેખાય જ્યારે તે માતા બને છે. એના સ્તન તેના અસ્તિત્વનું કેન્દ્ર બને ત્યારે તે પૂર્ણ દેખાય છે.’

ઓશોએ સ્ત્રીને એક શરીર ન કહેતા ચેતના કહી છે. સ્ત્રીને એક ઉંચાઇ પર બેસાડી છે. એને એકવાર પૂછવામાં આવે છે કે તમને મેં ક્યારેય પુરૂષના વખાણ કરતા નથી જોયા. તમે હંમેશા સ્ત્રી વિશે જ સારી સારી વાતો કરો છો. ત્યારે ઓશો હસતા હસતા કહે છે. હું રાતોની રાતો જાગ્યો પણ વખાણ કરવા જેવુ કંઇ મળ્યુ જ નહિં. આ દૂનિયામાં દરેક પૂરૂષ પિડીત છે. જ્યારે એ દરેક પિડામાંથી મુક્ત થાય છે ત્યારે એ એક નવી યાત્રાએ ચાલ્યો જાય છે.

માત્ર લીંગ હોવુ એ પુરૂષ નથી. પુરૂષ બનવા માટે એક મનોબળ જોઇએ. જો પોતાના માથા પર માત્ર પુત્ર, પતિ કે ભાઇ જેવા ટેગ ન લગાવવા હોય એક અલગ ચૈતસીક અવસ્થામાં પહોંચવુ હોય તો આ ઓશો બધી જ સમસ્યાઓનું એક સમાધાન આપે છે. ધ્યાન. કોઇ પણ કામ ધ્યાનથી કરવુ. માત્ર મસ્ક્યુલાઇન બાહોં બનાવી લેવી. અહમની વાતો કરી લેવી, બડાઇ મારી લેવી, દાઢી વધારીને સ્ટડ લુક બનાવી લેવો એટલે પુરૂષ બની જવુ નથી. પુરૂષને પુરૂષ બનાવવા પાછળ પુરૂષ કરતા વધારે સ્ત્રી જવાબ દાર છે એટલે જ જ્યાં પણ પુરૂષ હશે ત્યાં સ્ત્રી આવશે જ. એટલે જ આ પુસ્તક દરેક પુરૂષે વાંચવા જેવુ છે. કારણ કે સ્ત્રી સંપુર્ણ થશે જ. પરંતુ એ એક પુરૂષને સંપુર્ણતાનો અનૂભવ કરાવી શકશે.

ઉપનિશદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ર૫૦ પેજનું ૧૫૦ રૂપિયાનું પુસ્તક ‘નર’ પુરૂષને સમજવા તો નહિં પણ સ્ત્રીને સમજીને પૌરૂષત્વ તરફ ગતી કરવામાં મદદ કરશે. એક વાર અચુક વાંચવા જેવુ અને વાંચીને જીવનમાં ઉતારવા જેવુ પુસ્તક. જો માત્ર વાંચવુ જ હોય તો આ પુસ્તક ના ખરીદતા, કોઇ સારી ફિક્શન ખરીદી લેજો. આ પુસ્તક જીવવા માટેનું પુસ્તક છે. કલ્પનાઓ કરવાનું નહિં.

છેલ્લા પ્રકરણમાં ઓશો ઝોરબા અને બુધ્ધની અદભૂત વાત કરે છે. એની સાથે જ આ પુસ્તકનો રીવ્યુ પૂરો કરૂ છું.

ઝોરબા અંધ છે – તે જોઇ શકતો નથી, પણ તે નૃત્ય કરી શકે છે, તે ગાઇ શકે છે, તે આનંદ માણી શકે છે. બુદ્ધ જોઇ શકે છે, પણ કેવળ જોઇ જ શકે છે. તે છે શુદ્ધ દ્રષ્ટિ, કેવળ સ્પષ્ટતા અને ગ્રહણશક્તિ, પણ તે નૃત્ય કરી શકતો નથી; તે વિકલાંગ છે, તે ગાઇ શકતો નથી, તે આનંદ માણી શકતો નથી.

બુદ્ધને હું નૃત્ય કરવાની ઉર્જા આપુ છું, અને ઝોરબાને હું આસમાનની પેલે પાર અસ્તિત્વ અને ઉત્ક્રાંતિની દૂરસુદૂરની નિયતીને જોવાની દ્રષ્ટિ આપું છું. મારો બંડખોર બીજું કોઇ જ નહીં પણ ઝોરબા, ધ બુદ્ધ છે.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com