મિર્ચી ક્યારો
યશવંત ઠક્કર
ભાઈશ્રી ભગુભાઈનો ભોજનમંત્ર
‘મને તો સાદું ભોજન જ માફક આવે. જેને પિત્ઝા, બર્ગર, પાઉંભાજી, ઢોસા, ઢોકળાં જેવો કચરો ખાવો હોય એ ભલે ખાય પણ મારા માટે તો ભાખરી અને દૂધ બહુ થઈ ગયું.’ લોકો સમક્ષ અવારનવાર પોતાનો આવો ભોજનમંત્ર રજૂ કરનાર ભાઈ શ્રી ભગુભાઈની સામે જ્યારે જ્યારે પિત્ઝા, બર્ગર, પાઉંભાજી, ઢોસા વગેરે વાનગી હોય છે ત્યારે તેઓ એ વાનગીની લાગણી દુભાઈ ન જાય એ વાતનું પૂરું ધ્યાન રાખે છે.
‘અમે તો આજે પિત્ઝા ખાવાનાં છીએ એટલે તમારે માટે બેચાર ભાખરી બનાવી નાખીશું. દૂધ ને ભાખરી ચાલશેને?’ એમનાં ધર્મપત્ની જયારે જ્યારે એમને આવો સવાલ કરે છે ત્યારે ત્યારે તેઓ ઠાવકો જવાબ આપે છે કે : ‘મારા માટે એવી તકલીફ લેવાની જરૂર નથી. હું જે હશે એનાથી ચલાવી લઈશ.’ પછી જે હોય એનાથી ચલાવી નથી લેતા પણ દોડાવી લે છે! ‘મને તો સાદું ભોજન જ માફક આવે. જેને પિત્ઝા, બર્ગર, પાઉંભાજી, ઢોસા, ઢોકળાં જેવો કચરો ખાવો હોય એ ભલે ખાય પણ મારા માટે તો ભાખરી અને દૂધ બહુ થઈ ગયું.’ એમના એ ભોજનમંત્રનું ખરા સમયે કશું જ મહત્ત્વ રહેતું નથી. મતલબ કે એમનો ભોજનમંત્ર માત્ર ને માત્ર બીજાને સંભળાવવા માટે હોય છે. પોતાને અનુસરવા માટે નહિ.
આજકાલ ઘણા ભોજન સમારંભો વિશાળ જગ્યામાં હોય છે અને એમાં પાર વગરની વાનગીઓ હોય છે. ભાઈશ્રી ભગુભાઈ જયારે જ્યારે આવા કોઈ ભોજન સમારંભમાં જાય છે ત્યારે ત્યારે તેઓ પોતાનો ભોજનમંત્ર ઘરે મૂકીને જાય છે અને સાથે લઈને જાય છે ખાલી પેટ! પેટ બને એટલું ખાલી રહે એ માટેની તકેદારી તેઓ આગલી રાતથી જ રાખે છે. પેટ સાફ કરનારા પદાર્થોનું સેવન આગલી રાતે જ કરી લે છે. સવારમા ખાલી થયેલું પેટ બને એટલું ખલી રહે એ માટે કાળજી રાખે છે. એ દિવસે ઘરે નાસ્તો કરતા નથી. પાણી પણ ઓછું પીવે છે અને ભૂખ ઉઘડે એવા જ પદાર્થોનું સેવન કરે છે.
આવા સમારંભોમાં તેઓ પહોંચે છે ત્યારે તેઓ એકદમ હકારાત્મક વલણ ધરાવતા થઈ જાય છે. કોઈ વાનગી પોતાના આરોગ્યને હાનીકારક થઈ શકે છે એવા નકારત્મક વલણનો તેઓ ત્યાગ કરે છે. આવા સમારંભમાં જમતી કેટલાક લોકો બીજા દિવસે સવારે શું થશે એની ફિકરમાં અને ફિકરમાં મન મૂકીને જમતા નથી હોતા. જ્યારે ભાઈશ્રી ભગુભાઈ, દુઃખ આવતાં પહેલાં દુઃખનો વિચાર કરવામાં માનતા નથી. ‘આજનો લહાવો લીજિયે રે કાલ કોણે દીઠી છે’ એ ગીતને મનમાં ગુંજતું રાખે છે અને પોતાની ભોજન રુચિમાં ભંગ પાડે એવા વિચારો અને એવી વ્યક્તિઓથી તેઓ દૂર રહે છે.
આવા સમારંભમાં ભોજન લેતા પહેલાં તેઓ વિવિધ પ્રકારના સરબત પીવાનું ટાળે છે. તેઓ સરબતને છેલ્લે ન્યાય આપે છે. તેઓનું માનવું છે કે : ‘બહુ સરબત પીવડાવવા પાછળ કેટરિંગવાળાનો ઇરાદો આપણને ઓછું ખવડાવવાનો હોય છે. આવા સરબત પીવાથી આપણી ભૂખ મરી જાય છે અને આપણાથી ઓછું ખવાય છે. જેથી સરવાળે કેટરિંગવાળાને ફાયદો થાય છે.’
સુપથી શરૂ કરીને તે મુખવાસ સુધી પહોંચે ત્યાં સુધીના માર્ગમાં આવતો એકેય પડાવ તેઓ છોડતા નથી. મુખ્ય વાનગી વિભાગમાં જેની ગણતરી થાય એવાં ફરસાણ, મીઠાઈ, રોટલા, રોટલી, શાકભાજી, પુલાવ, કઢી વગેરેની કદર કરવાનું તો નથી ચૂકતા પણ લાઇવ ઢોકળાં, દિલ્લીચાટ, ઢોસા વગેરે દિગ્વિજયસિંહની વાયડી વાણી જેવી વાનગીઓની પણ કદર કરવાનું તેઓ ચૂકતા નથી. એમની નજરમાં કોઈ કહેતાં કોઈ વાનગી ઉચ્ચ કે તુચ્છ રહેતી નથી. તેઓ તમામ વાનગીઓને સમાન ન્યાય આપે છે.
કિંમતી ખજાનાની શોધમાં નીકળેલા સાહસિકની માફક આખા પાર્ટી પ્લોટમાં તેઓ ફરી વળે છે. કોઈ નાનકડા ટાપુ જેવા કાઉન્ટરની પણ ભૂલેચૂકેય અવગણના ન થઈ જાય એ વાતની પૂરતી કાળજી રાખે છે. શિકારી શિકાર વિષે અંદાજ લગાવતો હોય એમ તેઓ અજાણી લાગતી વાનગીનું પહેલાં પૂરતું નિરીક્ષણ કરી લે છે. પછી એના પર ત્રાટકે છે. કેટલીય વાનગીઓ એવી પણ હોય કે જેનાં નામ પણ એમણે ક્યારેય સાંભળ્યા ન હોય. પરંતુ એથી કરીને એમની ભોજન પ્રવૃત્તિમા કોઈ પણ પ્રકારનો ભંગ પડતો નથી. વળી, એ વાનગીઓ શામાંથી બને છે અને એ વાનગીઓ કઈ રીતે ખવાય એ તમામ પ્રશ્નો એમના માટે ગૌણ બની જાય છે. એમની શરત એટલી જ હોય છે કે : ‘એ વાનગી ખાદ્ય હોવી જોઈએ!’ વાનગી આરોગવાની રીત બાબત એમનું માનવું છે કે : ‘આપણા લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાનગી પોતાની મૌલિક રીતે ખાઈ શકે છે. એમાં કોઈ એક જ પદ્ધતિને અનુસરવાની જરૂર નથી.’
કોઈ કાઉન્ટર પર ગરમાગરમ વાનગી મળતી હોય અને એ માટે લાઈનમાં ઊભા રહેવું પડે તો તેઓ ધીરજપૂર્વક ઊભા રહે છે. ઉલટાના રાજી થાય છે કે વાનગી મળવામાં જેટલો વિલંબ થશે એટલી જ ભૂખ વધારે લાગશે. વળી, તેઓ હાથમાં ભોજનની ડિશ લઈને પાર્ટી પ્લોટમાં જમણની સાથે સાથે ભ્રમણ પણ કરી લે છે. આ રીતે ભોજન આરોગવાનું અને ભોજન અને ભોજન પચાવવાનું એ બન્ને કાર્ય તેઓ એક સાથે કરે છે. ભોજન અરોગવાના શુભ કાર્યમાં અરુચિનું વિઘ્ન ન આવે એ માટે તેઓ ભોજન દરમ્યાન પાણી પીવાની ભૂલ કરતા નથી. પાણીના વિકલ્પમાં તેઓ પાણીપૂરીથી ચલાવી લે છે. પેટ મુક્તપણે વાનગીઓનો સમાવેશ કરી શકે એ માટે કમરપટ્ટાને પણ જરૂર મુજબ ઢીલો કરતા રહે છે.
ભોજન દરમ્યાન કોઈ પરિચિત મળી જાય ત્યારે તેઓ પોતાને ભોજનનો જરા પણ મોહ ન હોય એવી વાત કરતાં કહે છે કે : ‘આ તો વહેવાર રાખવા માટે આવવું પડે છે અને થોડું ઘણું ખાવું પડે છે. બાકી, આ બધું મારા કામનું નહિ.’ પરિચિત સાથે આવી થોડીક વાતો કરીને તેઓ ત્યાંથી ‘હમણાં આવું છું’ કહીને છટકી જાય છે. ‘જમતી વખતે જમવું જ જોઈએ. જમવાથી પેટ ભરાય. વાતોના વડાથી નહિ.’ એ વાત તેઓ સારી રીતે સમજે છે એટલે ભોજન દરમ્યાન તેઓ વાતોડિયા લોકોથી અંતર જાળવે છે.
આઇસક્રીમનો કોઠો વીંધતા પહેલાં તેઓ ફરીથી એક ચક્કર મારીને ખાતરી કરી લે છે કે વાનગીનો કોઈ કોઠો પોતાનાથી વિંધાયા વગરનો રહ્યો નથી. જો રહી ગયો હોય તો યોગ્ય કાર્યવાહી કરે છે. ‘આઇસક્રીમ તો ગમે એટલો ખાઈએ તો પણ નડે નહિ’ એવી માન્યતામા પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં હોય એમ તેઓ આઇસક્રીમના એકથી અધિક કપ લેવામાં પણ સંકોચ રાખતા નથી.
છેલ્લે, સરોવરમાં પૂજાપો પધરાવતો હોય એમ મૂઠી ભરીને મુખવાસ મોઢામાં પધરાવે છે. ચાંદલો કે ભેટ સ્વીકાર્ય હોય તો યથાશક્તિ વહેવાર કરે છે અને ન સ્વીકાર્ય હોય તો માથાકૂટ મટી એમ માને છે.
હવે તેઓ ભોજન કરવાની ફરજમાંથી બિલકુલ મુક્ત થઈને માત્ર લટાર મારવા નીકળે છે. જેમ કોઈ રાજા પોતાની પ્રજાનું સુખદુઃખ જોવા નીકળ્યો હોય એમ! કોઈ જાણીતાં દેખાય તો જાણે એ પોતાના જ મહેમાન હોય એમ એમને આગ્રહ કરતાં કહે છે કે : ‘બરાબર જમજો હો. શરમાતાં નહિ.’ જમનારા સામો સવાલ કરે કે: ‘ભગુભાઈ, તમે જમ્યા કે નહિ?’ તો તેઓ જવાબ આપે છે કે : ‘મેં તો ફટાફટ પતાવી દીધું. મારે ખાવાનું કેટલું? પણ તમે બરાબર જમજો હો.’
આવા ભાઈશ્રી ભગુભાઈ, પોતાના પેટ રૂપી પટારામાં અનેક કિંમતી વાનગીઓનો સંગ્રહ કર્યા પછી પાર્ટી પ્લોટની બહાર નીકળીને એવું વિવાદાસ્પદ નિવેદન કરે છે કે : ‘પાર્ટીએ ખર્ચો સારો કર્યો, મજા તો આવી પણ એવી મજા ન આવી કે જેવી મજા અમારા જમાનામાં લાડવા, મોહનથાળ ને ગાંઠિયા ખાવાની આવતી હતી!’