અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.
હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..
બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.
હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.
હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!
fmales.gmail@gmail.com
વર્તાલોકઃ નીતા કોટેચા "નિત્યા"
neetakotecha.1968@gmail.com
સોનુની સમજદારી
"દાદાજી, તમે બાજુવાળા સમીર અંકલને કંઈ કહેતા કેમ નથી ? હંમેશા મને નાનું બચ્ચું નાનું બચ્ચું કહીને ચીવડે છે. તમે એમને કહો કે હું હવે નાનો નથી રહ્યો. હું સાતમાં ધોરણમાં ભણું છું. દાદાજી એ લોકો બધા ટ્રેકિંગ માટે જાય છે પણ મને નાનો છે કહીને લઇ નથી જતા.” રડતા રડતા સોનુ એ દાદાજીને ફરિયાદ કરી.
"સોનુ બેટા સમીર અંકલ કહે છે એ સાચ્ચું છે, ટ્રેકિંગ કરવા માટે તાકાતની અને ઉચાઈની જરૂરત હોય જરા પણ સમતોલ ખોવાય તો ગબડી પડીએ. તું થોડો હજી ઉંચો અને મજબુત થા પછી હું કહીશ સમીર ને, એ તને લઇ જાશે.
સોનુ દાદાજીની વાત સાંભળીને એકલો એકલો બોલતો બોલતો ચાલ્યો ગયો. આ વાતને બે મહિના થયા. સોનુ એ ટ્રેકિંગમાં જવા માટે કેટકેટલી કસરતો કરી પણ ન ઊંચાઈમાં વધારો થયો કે ન શરીર મજબુત થયું. પોતાના જ શરીર પર સોનુંને બહુ ગુસ્સો આવતો હતો.
થોડા દિવસમાં સોસાયટીનાં બોર્ડમાં પાછુ લખાઈ ગયું કે મહિનાના ત્રીજા શનિવારે ટ્રેકિંગથી માથેરાન જવાનું છે. જેમને નામ લખાવવું હોય તે સમીર ભાઈ પાસે વહેલી તકે નામ લખાવી આવે.
સોનુની સોસાયટી ગોકુલધામ કે જે સંપ માટે પ્રખ્યાત હતી. સાથે મળીને તેઓ હંમેશા રાજાના દિવસોમાં પ્રોગ્રામ બનાવતા. સોસાયટીનાં બાળકોને પીકનીક પર લઇ જતા અને તેમાં સોસાયટીનાં બધા માતા પિતા પણ હોશે હોશે ભાગ લેતા અને બાળકો ને આનંદ કરાવતા. આ વખતે પણ બે પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા. એક માથેરાન ટ્રેકિંગ અને બીજું એસેલ વર્લ્ડ.
બધા ખુશ હતા બસ સોનુ દુ:ખી હતો. એની જીદ હતી કે એને ટ્રેકિંગ માટે જવું જ હતું. બધા જલ્દી જલ્દી નામ લખાવવા દોડ્યા પણ સોનુ ગયો જ નહીં. એને ખબર જ હતી કે સમીર અંકલ એનું નામ નહોતું લખવાના.
એક રવિવાર ગયો, એ બે દિવસથી રમવા પણ નહોતો ઉતર્યો. સમીરનાં ધ્યાનમાં આ વાત આવી. એટલે એ સામેથી જ સોનુને મળવા ગયા અને સોનુને આશ્વાશન આપ્યું કે સોનુ એક વર્ષ જવા દે. આવતા વર્ષે હું જ તને મારી જવાબદારીએ લઇ જઈશ.
સોનુ હજી ગુસ્સામાં હતો એટલે એને કોઈ જવાબ ન આપ્યો. સમીરભાઈ એની આ બાળહઠને જોઈ હસીને ત્યાંથી ચાલ્યા ગયા.
બીજો શનિવાર આવી ગયો. આજે સોનુની સવારની સ્કુલ હતી. ઠંડી બહુ જ હતી. એના સોસાયટીના બીજા બે દોસ્તારો શાળા એ જવાના ન હતા. પણ એને ખબર હતી કે સોસાયટીમાં તો ખાલી ટ્રેકિંગ ની જ વાતો થવાની હતી એટલે એને ઘરે રહેવું નહોતું એ સ્કુલમાં જવા નીકળી ગયો. ઘરથી શાળાનો રસ્તો સાતથી દસ મિનીટ નો હતો. રસ્તામાં ચાલતી ઠંડી હવાને લીધે એ થોડી વાર એ ખુશનુમા વાતાવરણમાં ટ્રેકિંગની વાતો ભૂલી ગયો અને ઠંડી માણતા માણતા તે સ્કુલ તરફ ચાલી રહ્યો હતો.
ત્યાં અચાનક પાછળથી એક રીક્ષાનો બ્રેક મારવાનો અવાજ આવ્યો. સાથે એક મોટી ઉમરના માજી નો અવાજ પણ આવ્યો “હે મા" માજીના પગ પરથી રીક્ષા ફરી વળી હતી.
સોનુએ કંઈ પણ વિચાર્યા વગર રીક્ષા તરફ દોટ મૂકી રીક્ષા વાળાનો હાથ પકડ્યો અને એની જ રીક્ષામાં માજીને સુવડાવાની કોશિશ કરી પણ તે ઉપાડી ન શક્યો એટલે તેને બીજા લોકોને મદદ માટે બોલાવ્યા.
બધાએ મળીને માજીને રીક્ષામાં સુવડાવ્યા અને સોનુ એમને લઈને નજીકની હોસ્પીટલમાં લઇ ગયો.હોસ્પિટલ પહોચ્યા પછી પણ રીક્ષા વાળાએ ભાગી જવાની બહુ કોશિશ કરી પણ સોનુએ એને જવા ન દીધો.
માજીને હોસ્પિટલમાં દાખલ કરીને માજી પાસેથી એમના ઘરનું સરનામું લઈને એ જ રીક્ષામાં એમના ઘરે જઈને એમના દીકરાને બધા ખબર આપ્યા. રીક્ષાવાળાને એમને સોપ્યો અને એમની સાથે રીક્ષામા આવીને પોતે સ્કુલમાં ગયો. માજીનાં દીકરાએ સોનુંથી છુટા પડવા પહેલા સોનુનું સરનામું લઇ લીધું.
આ વાતને ત્રણ દિવસ વીતી ગયા. અચાનક એક સાંજે એક સાઈકલવાળો નવી સાઈકલ લઈને સોનુના ઘરે આવ્યો અને કહ્યું કે એક ભાઈ એ આ સાઈકલ સોનુ માટે મોકલાવી છે. ઘરમાં બધાને આશ્ચર્ય થયું કે આ કોણે સાઈકલ મોકલી?
હજી તો એ વાતનો જવાબ મળતો ત્યાં રાતે આઠેક વાગે ઓલા માજીનો દીકરો ઘરે આવ્યો અને એણે બધી વાત સોનુનાં પપ્પાને વાત કરી. બધા સોનુની સમજદારીથી બહુ રાજી થયા. ધીરે ધીરે આ વાત આખી સોસાયટીમાં ફરી વળી.
સમીરભાઈ ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખાસ સોનુને મળવા આવ્યા અને એમને કહ્યું, "સોનું મારી ભૂલ હતી તું હવે ટ્રેકિંગ પર આવી શકે છે."
સોનું જરા પણ ખુશ ન થયો. બધાને આશ્ચર્ય થયું કે સોનુ એ કેમ કઈ જવાબ ન આપ્યો. સમીર ભાઈ એ પાછું કહ્યું, "સોનુ શું વિચારે છે?"
સોનુ એ કહ્યું, "નાં અંકલ હું આવતા વર્ષે આવીશ, હું જ્યારે અકસ્માત થયેલા બાને ઉપાડી ન શક્યો ત્યારે જમને મારી શક્તિ વિષે ખબર પડી ગઈ હતી. હવે હું પોતે જ કહું છું કે હું ફક્ત એસેલ વર્લ્ડ જ આવીશ."
સમીર ભાઈ અને દાદા એ એક બીજા સામે જોયું અને સોનુનાં માથા પર હાથ રાખીને બધા છુટ્ટા પડ્યા.