સમર્પણની પ્રેમકથા અમર (૧૯૫૪)
મહેબૂબખાન એક સમયના મોટા ગજાના ફિલ્મ નિર્માતા. એમણે મધર ઇંડિયા જેવી ફિલ્મો બનાવી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂક્યું. અમર પણ પ્રેમના એક અલગ જ પાસાને ઉજાગર કરે છે. ફિલ્મની બેસ્ટ સાઉન્ડ ઇફેક્ટ માટે આર. કૌશીકને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
નિર્માતા : મહેબૂબ પ્રોડકશન્સ લી. - મહેબૂબખાન
કલાકાર : મધુબાલા-નિમ્મી-દિલીપ કુમાર- જયંત-ઉલ્હાસ-મુકરી-આગા અને અન્ય
કથા : એસ. અલીરઝા-મેહરીશ-એસ.કે. કલ્લા- બી.એમ. રમીહ
સંવાદ : આગાજાની કાશ્મીરી - એસ. અલીરઝા
ગીત : શકીલ બદાયુની
સંગીત : નૌશાદ (મહંમદ ઇબ્રાહીમ)
ડૅન્સ ડિરેકટર : સીતારા દેવી
આર્ટ : વી.એચ. પલનીટકર
ફોટોગ્રાફી : ફરેદૂન ઇરાની
ઍડીટીંગ : શમ્સુદીન કાદરી
ડિરેકશન : મહેબૂબખાન
એક શહેરમાં સોનિયા (નિમ્મી) નામની અલ્લડ યુવતી રહે છે. એને બધા અબોલ જીવો સાથે લગાવ છે. ગામનો ગુંડો જુવાન સંકટ એની સાથે એકતરફી પ્રેમમાં છે. સોનિયા એને દાદ નથી આપતી. એ શહેરમાં અમરનાથ (દિલીપ કુમાર) નામનો ખ્યાતનામ વકીલ છે. એ સફળ અને ઇમાનદાર વકીલ છે. એના પિતા એને લગ્ન માટે અંજલી (મધુબાલા)ની તસવીર મોકલે છે. તસવીરની અંજુ એને ગમી જાય છે. અંજુ ગામના રઇશ બાપની લાડકી દિકરી છે. એ માણસાઇના ગુણોથી સભર છે. ગામમાં ભરાતા મેળાના મુદ્દે સંકટ અને અંજુની ટકકર થાય છે. કોર્ટમાં કેસ અમર જીતી આપે છે. ગામમાં આનંદ છવાય છે. મેળાના દિવસે મંદિરમાં અમર અંજુને મંગળસૂત્ર પહેરાવી ગાંધર્વ લગ્ન કરે છે. મેળામાં નાચતી સોનિયા અમરને માળા પહેરાવે છે. અમર એ માળા પાછી સોનિયાને પહેરાવે છે. આ જોઇ સંકટ ધખી જાય છે. એ રાત્રે સોનિયાનો પીછો કરે છે. સોનિયા અમરના બંગલામાં આશરો લે છે. એકાંતની નબળી પળોમાં અમર અને સોનિયાનો શરીર સંબંધ એ રાત્રે બંધાય છે. અમર માનસીક રીતે સોનિયા અને અંજુ વચ્ચે વહેરાય છે. એ અંજુ પાસે ભૂલનો અર્ધ એકરાર કરે છે. અંજુ એને મનાવી લે છે.
આશા-અમરની સગાઇ થાય છે. સંકટ સોનિયા માટે માગુ લઇ આવે છે. સોનિયાની માતા એને જમાઇ તરીકે સ્વીકારી લે છે. લગ્નના દિવસે સોનિયા ચોરીમાં બેસવાનો ઇન્કાર કરે છે. એ જાહેર કરે છે કે એ પરણેલી છે. બધા એના પતિનું નામ પૂછવાનો આગ્રહ રાખે છે પણ સોનિયા નથી જણાવતી. અંજુ સોનિયાના પડખે ઊભી રહે છે. આ બનાવ પછી અમર આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યાં સંકટ પહોંચીને સ્થિતી સમજી જાય છે. એ અમરની માફી માગી ચાલ્યો જાય છે. સોનિયા ત્યાં આવે છે. અમર એનું ગળું ભીંસવાનો પ્રયત્ન કરે છે ત્યાં જ મકાનના ટેકા હટતાં કાટમાળ એના પર પડે છે. સોનિયા એને બચાવે છે. સાજો થતાં અમર-અંજુ મંદિરે જાય છે. અમર ભગવાન પાસે જતાં ખમચાય છે. એ નથી જતો. અંજુ ભીતર જાય છે. ત્યાં સોનિયા પ્રાર્થના કરતી હોય છે. અંજુને સોનિયા અને અમરના સંબંધનો ખ્યાલ આવી જાય છે.
રાત્રે પાટર્ીમાં અમર અંજુને એકરારનો પત્ર આપવાનો હોય છે પણ નથી આપતો. અંજુ એની વેડીંગ રીંગ સોનિયાને આપે છે. સોનિયા જતાં જતાં દાદર પરથી પડી જાય છે. જાહેર થાય છે કે સોનિયા સગર્ભા છે. ગામ આખામાં વાત ફેલાય છે. સંકટ અને અમરને પણ ખબર પડે છે. સોનિયા ભાગી જાય છે. ગામવાળા અને ઘરવાળા એને જાકારો આપે છે. એ મંદિરમાં આશરો લે છે. સંકટ ત્યાં આવીને સોનિયાને નામ જણાવવા કહે છે. સોનિયા નામ જણાવતી નથી. સંકટ અમરની હત્યા કરવા નીકળે છે. અમર અને એ બન્ને લડે છે. લડાઇમાં સંકટનું ખૂન થઇ જાય છે. સોનિયા પર હત્યાનો આરોપ આવે છે.
કોર્ટમાં સોનિયા આરોપ પોતાને માથે ઓઢી લે છે. અમરનું હૃદય ડંખે છે. એ કોર્ટમાં એના ગુનાઓનો એકરાર કરે છે. અંજુ એની વેડીંગ રીંગ અમરને પાછી આપે છે. મંદિરમાં અમર સોનિયાનો સ્વીકાર કરે છે. વાતાવરવરણમાં ગીત ગુંજે છે. ઇન્સાફ કા મંદિર હૈ યે, ભગવાન કા ઘર હૈ....
ગીતો : નૌશાદના સંગીતમાં આ ફિલ્મના એકાદ-બે ગીતો જ લોકપ્રિય થયા હતા. બાકી ગીતો સામાન્ય કક્ષાના હતા. ફિલ્મમાં ઘણી જગ્યાએ ફિલ્મના જ ગીતનો ટ્યુન બેકગ્રાઉન્ડમાં વાગે છે.
* ઊડી ઊડી છાયે ઘટા જીયા લહેરાયે (લતા) : આ સામાન્ય ગીત છે.
* ઉમંગોં કો સખી (લતા-કોરસ) : આ પણ સામાન્ય ગીત છે.
* એક બાત કહ મેરે પિયા (લતા) : મેળામાં ગવાયેલું આ નૃત્ય ગીત છે.
* તેરે સદકે બલમ (લતા) : આ પ્રણય ગીત છે.
* એક બાત કહું મેરે પિયા (આશા) : આ પ્રણયના એકરારનું ગીત છે.
* ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે, અગર દુનિયા ચમન હોતી તો વિરાને કહાં જાતે (લતા) : ફિલ્મનું આ શ્રેષ્ઠ ગીત છે. એની અન્ય પંક્તિ છે : ચલો અચ્છા હુઆ અપનોં મેં કોઇ ગૈર તો નીકલા, અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે. / તુમ્હીને ગમકી દૌલત દી, બડા અહેસાન ફરમાયા, જમાનેભર કે આગે હાથ ફૈલાને કહાં જાતે.
* રાધા કે પ્યારે, કૃષ્ન કન્હાઇ (લતા) : આ સામાન્ય ભજન છે.
* ન શીકવા હૈ ન કોઇ ગીલા હૈ (લતા) : પ્રણયના સ્વાર્પણનું આ ગીત છે. આ ગીતમાં પિયાનો ખુબ જ સુંદર છે. આવો પિયાનો અન્ય કોઇ ફિલ્મોમાં જોયો નથી.
* જાનેવાલે સે મુલાકાત ન હોને પાયી (લતા) : ભગ્ન હૃદયના ભાવ દર્શાવતું આ ગીત છે.
* નૈયા મેરી ડૂબી જાતી હૈ (લતા) : સામાન્ય ગીત છે.
સ્થળ-કાળ : એ સમયે તસવીર જોઇ લગ્ન નક્કી થતા. કન્યાને નૃત્ય કરતાં આવડવું એ ખાસ ગણાતું. અમીરો કન્વટર્ીબલ કાર વાપરતા, ફીશીંગ પર જતા, શૂટીંગ કરતા, ઘોડેસવારી કરતા. એ સમયે દવા છાંટવા ઉમરાવ કંપનીના પંપ હતા. દસ રૂપિયા પગાર વધારો તો અહો થઇ જતો. મેળાનો ફાળો સવા પાંચ આના હતો. માત્ર ૧૯૦૦ રૂપિયામાં બંગલાનું પૂર્ણ રેનોવેશન થતું. મહિલાઓ સારા પ્રસંગે વાળમાં વેણી ગુંથતી. બ્લાઉઝમાં ફૂમતાવાળી દોરી રહેતી.
ડિરેકશન : મહેબૂબના દિગ્દર્શનમાં લાઇટીંગ અને કેમેરા લેગ્વેજનો વધુ ઉપયોગ કરાયો છે. પ્રતિકાત્મક ખાસ કશું નથી. મોટાભાગનું શુટીંગ સ્ટુડિયોમાં થયું હોવાથી લાઇટીંગ પર ખાસ કરીને અગેઇન્સ્ટ લાઇટમાં સારા શોટ્સ લેવાયા છે. કદાચ પ્રથમ વખત અન્ડરવોટર ફોટોગ્રાફી અહીં થઇ છે. શોટ્સમાં બધા જ પ્રકારના શોટ એક સીનમાં સામેલ કરાયા છે. ગામડાના દૃશ્યોમાં ગજબની સાઉન્ડ ઇફેક્ટો અપાઇ છે.
અભિનયમાં ચહેરા અને આંખોના ભાવ પર વધુ ધ્યાન અપાયું છે. નિમ્મીની અધખૂલી નશીલી આંખો એની સ્વાભાવિક અદા છે. મોટાભાગની ફિલ્મોમાં નિમ્મીને સહાભિનેત્રીનો જ રોલ કરવા મળતો હતો. દિલીપ કુમાર અને મધુબાલા એમનો રોલ ભજવી જાય છે. ગુંડા તરીકે અજીત નીખરી આવે છે.
ફિલ્મની વાર્તા એ જમાનામાં કશીક નવીનતા સભર હતી. ફિલ્મનો હીરો નબળી ક્ષણોમાં શરીર સંબંધ બાંધે છે. એ સમયે હીરોઇન સીવાય હીરો અન્ય સંબંધો ન્હોતો રાખતો. બધી ફિલ્મોની જેમ અહીં હિરો અને હિરોઇનનો જ અંતે મેળ થાય એ ગણિત ન્હોતું. ફિલ્મમાં સુંદર વળાંક આવે છે, અને ડંખતા હૃદયનો સાદ પ્રાધાન્ય પામે છે. ફિલ્મમાં સ્વાર્પણની ભાવના મજબૂત હતી. એ ઉપરાંત સ્ટાર કાસ્ટ અને સંગીત પર આ ફિલ્મ ઉંચકાઇ હતી. વધારામાં મહેબૂબ પ્રોડકશન એટલે કશીક નવીનતાની અપેક્ષા તો બધાને હોય જ. ફિલ્મ હીટ થવા કારણ પુરતા હતા.
-કિશોર શાહ kishorshah9999@gmail.com