Coffee House - 2 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - પાર્ટ ૨

Featured Books
Categories
Share

કોફી હાઉસ - પાર્ટ ૨

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 2

વિષય : લવ સ્ટોરી

મારુ મુળ વતન ખેડા જિલ્લાનુ નડિયાદ શહેર. મારા મામાનો પરિવાર રાજકોટ રહે એટલે મે બાર કોમર્સ પુરુ કરી લીધુ એટલે મામાના ઘરે કોલેજ કરવા આવ્યો. ચરોતર અને કાઠિયાવાડમાં ખુબ જ તફાવત. હુ નાનકડો હતો ત્યારે પણ કયારેય રાજકોટ મામાના ઘરે આવ્યો ન હતો કારણ કે મારી મમ્મીના લગ્ન પછી થોડા જ સમયમાં પપ્પા અને મામા વચ્ચે અણબનાવ બની ગયો હતો એથી તેઓ વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન હતો. મારા પિતાજી મોહનબાપા સ્વભાવે ખુબ જ કઠોર હતા. હુ તેમનુ એકનુ એક સંતાન હતો. મારે કોઇ ભાઇ બહેન ન હતા. આથી હુ અને મમ્મી પપ્પાથી ખુબ જ ડરતા હતા. ગુસ્સો હમેંશા તેની સાથે જ રહેતો હતો. તેની પીઠ પાછળ બધા તેને સાક્ષાત હિટલરનો અવતાર કહેતા. અમારે વીસ વિઘાનુ વિશાળ ખેતર હતુ અને મારા પિતાજી ગામના જાગીરદાર પણ ગણાતા હતા. વ્યાજ વટાવમાં તે જરૂરિયાતમંદોને પૈસા ધીરતા હતા. તેનો સ્વભાવ જોઇને મોટે ભાગે બધા પૈસા પાછા આપી જતા હતા. કયારેય તેમના પૈસા ડુબતા નહિ. કોઇ પૈસા સમયસર ન આપી શકે તો પિતાજી સામે તેનુ આવી જ બનતુ.

પપ્પા ઘરે હોય એટલે બધા ફફડતા જ રહેતા નાનકડી અમથી વાત હોય તો પણ તે બધાને ખખડાવી નાખતા. સામે વાળી વ્યકિત સાથે ભલે સાવ સંબંધ વણસી જાય કોઇ પણ જાત નો આગળ પાછળનો વિચાર કર્યા વિના તેઓ બસ પોતાની કટુતા ફેલાવ્યા કરતા હતા. આમ જ મામા સાથે પણ સંબંધ વણસી ગયો હતો. નાની અમથી વાતમાંથી સંબધ સાવ વણસી ગયો હતો.

ઘરમાં મારા દાદા ખુબ જ સારા હતા. સાવ રમુજી કેરેકટર. તેને કોઇ વાતનુ ખોટુ ન લાગે. તે નાના મોટા સૌના મિત્ર હતા. તેનો સ્વભાવ જોઇ કોઇ પણ એમ ના કહે કે મોહનબાપા તેમના સંતાન હશે. પણ મારા દાદા હમેંશા કહેતા કે મોહનો તેની મા પર ગયો છે તેની મા ગાયત્રી એટલે મારા દાદી પણ એવા જ ગુસ્સાવાળા સ્વભાવ ના જ હતા. મારા દાદાએ હસતા હસતા મારી દાદીનો સ્વભાવ સહન કર્યો અને જીંદગી જીવી લીધી. મારી માતાએ પિતાજીના હિસાબે ઘણુ સહન કરવુ પડતુ હતુ. પરંતુ કુટુંબની ઇજ્જત અને દાદાના પિતાતુલ્ય સ્વભાવને કારણે તે બધુ મુંગા મો એ સહન કરી લેતી હતી. પિતાજીનો માર પણ તે બિચારી સહન કરી લેતી. ક્યારેક છાના ખુણે રડીને પણ જીવતી હતી. સાવ સુકાઇને કાંટા જેવી બની ગઇ હતી મારી માતા. અને મારા પિતાજી પાંચ હાથ પુરા અલમસ્ત. દિવસે દિવસે તેની તંદુરસ્તી ખીલતી જતી હતી. અને મારી માતા સુકાઇ જતી હતી.

હુ નાનકડો હતો ત્યારે તો ડરીને ફફડતો રહેતો પરંતુ જેમ મોટો થતો ગયો અને સમજ શક્તિ આવતી ગઇ તેમ પપ્પા સાથે પ્રોબ્લેમ થવા લાગી. હુ તેની સામે બોલવા લાગ્યો અને જેના કારણે તે વધારે ઉશ્કેરાઇ જવા લાગ્યા. વાતે વાતમાં અમારી વચ્ચે અનબન વધવા લાગી. અમને બંન્નેને કોઇ વાતે બનતુ ન હતુ. ગામ આખુ તેનાથી ફફડતુ રહેતુ અને હુ તેની સામે લડતો આખરે તેનુ જ લોહી હતુ. અમારી વચ્ચે વધારે દુરી ના વધે તેથી મારા દાદાએ મને રાજકોટ મારા મામા ના ઘરે કોલેજ કરવા મોકલી દીધો. મારા દાદાના હિસાબે જ મામા સાથે સંબંધ સુધારી શકાયા હતા. કોલેજમાં આવીને હુ મુક્ત બની ગયો હતો. મને મારા પપ્પાથી દુર જવાનો આનંદ હતો. બસ મમ્મી અને દાદાની બહુ યાદ આવતી હતી. ભલે ને પપ્પા સામે થઇ જતો પરંતુ આમ તે મારા પપ્પા જ હતા તેથી ઘરમાં સાવ બંધન જ હતુ. તેની ઇચ્છા વિના પાંદડુ પણ ન હલી શક્તુ. મારી મમ્મી બિચારી તેમાં પીસાતી રહેતી હતી. હવે મે નક્કી કરી લીધુ હતુ કે ગમે તેમ કરીને મમ્મીને મારે તે કારાગારમાંથી બહાર કાઢવી હતી. નડિયાદ હતો ત્યારે વિચાર્યુ હતુ કે પપ્પા સામે લડી લઇશ પરંતુ રાજકોટ આવીને વિચાર બદલી નાખ્યો. હવે મારે એક વ્યવસ્થિત નોકરી શોધીને મમ્મી અને દાદાને લઇ પપ્પાથી દુર રહેવા જતુ રહેવુ હતુ. પરંતુ કિસ્મત આગળ ક્યા આપણુ કાંઇ ચાલે છે.

આથી રાજકોટ આવીને નક્કી જ કર્યુ હતુ કે કોલેજ સાથે જ કોમ્પીટીટીવ એકઝામ માટેના એકસ્ટ્રા કલાસ પણ કરીશ અને ખુબ જ મહેનત કરીશ અને સારી નોકરી મેળવીશ અને મમ્મી ને લઇ પપ્પાથી બહુ દુર જતો રહીશ.

કોલેજની રંગીન લાઇફ વિશે પુસ્તકોમાં ઘણુ વાંચ્યુ હતુ અને ટી.વી. પણ જોયુ હતુ. સ્કુલમાં અમે બધા મિત્રો પણ ઘણ્રીવાર તેના વિશે ચર્ચા કરતા રહેતા હતા. આથી રાજકોટ આવ્યા સાથે મે નક્કી કર્યુ હતુ કે કોલેજની રંગીન લાઇફમાં ફસાવુ નથી અને ગોલ તરફ જ ધ્યાન આપવુ છે. પણ કિસ્મત જેનુ નામ અને ટીનેજર જેવી વય. ગોલ પુરા ન થવા દે.

પહેલા જ દિવસે કોલેજ ગયો ત્યારે તેની રંગીનતાનો પરિચય આવી ગયો. પરંતુ હુ તેમાં ફસાયા વિના માત્ર અભ્યાસ પર જ મારુ પુર્ણ લક્ષ્ય રાખતો હતો. કોલેજના ફ્રી લેકચર કે બોરિંગ લેકચરમાં હુ મારો સમય લાયબ્રેરીમાં પસાર કરતો. સાંજે હુ કોમ્પીટીટીવ એકઝામ માટેના કલાસમાં જતો. કલાસ બાદ એકાદ કલાક પબ્લિક લાયબ્રેરીમાં વાંચવા જતો હતો. રજાના દિવસે પણ પબ્લિક લાયબ્રેરીમાં જતો રહેતો હતો. છ મહિના સુધી કોલેજની એકેય રંગીનીઓ મારા પર આવવા દીધી ન હતી. હુ ભલો અને મારા પુસ્તકો ભલા. સતત અભ્યાસથી મારો આઇ.ક્યુ. લેવલ સારો એવો વધી ગયો હતો. એવુ ન હતુ કે કોલેજમાં મારા કોઇ મિત્રો ન હતા. મારે અઢળક મિત્રો હતા તેમાં ગર્લ્સનો પણ સમાવેશ થતો હતો કારણ કે હુ સ્કોલર વિદ્યાર્થી હતો. બધા વિષયોમાં હુ નિષ્ણાત એટલે કોલેજમાં હુ પ્રચલિત હતો પણ કોઇ આડા અવળા રસ્તાથી દુર જ રહેતો મને હમેંશા મારી માં નો રડમસ ચહેરો યાદ આવી જતો દાળમાં મીઠ્ઠુ ઓછુ પડી જવા જેવી નાનકડી બાબતમાં મારા પિતાજી થાળીનો ઘા કરતા અને મમ્મી ને બધા વચ્ચે ખખડાવી નાખતા અને કયારેક તમાચો મારી દેતા પણ અચકાતા નહિ.

આજે સરકાર સ્ત્રી પર થતા અત્યાચાર રોકવા માટે ખુબ પ્રયત્ન કરે છે. એવો અત્યાચાર મેં રોજ મારી નજર સામે જોયો છે. મારી બિચારી પારેવા જેવી માં એક દિવસ નહિ હોય જયારે તે રડી નહિ હોય અને હવે તે રડી રડીને કઠોર બની ગઇ હતી. પરંતુ તેની અંદરની સંવેદના સુકાઇ નહોતી તેને પણ પ્રેમ જોઇતો હતો. ભરપુર પ્રેમ. પણ તે આપવવા વાળુ કોઇ ન હતુ. મારે હવે તેને સ્વંત્રતતા અને પ્રેમ બધુ આપવુ હતુ. જેના માટે ખુબ જ મહેનત કરતો રહેતો.

આમ ને આમ છ મહિના તો વિતી જ ગયા પછી એક દિવસ હુ કોલેજની લાયબ્રેરીમાં હરકિશન મહેતાનુ મુક્તિ બંધન પુસ્તક વાંચતો હતો. મોટેભાગે કોલેજની લાયબ્રેરીમાં હુ અભ્યાસ વિષયક વાંચતો પરંતુ ત્યારે જરાક માથુ દુ:ખતુ હતુ. તેથી હળવાશ માટે નોવેલ વાંચી રહ્યો હતો. હરકિશન મહેતાની રસમય શૈલીમાં હુ ડુબેલો હતો ત્યારે, “એસક્યુઝ મી પ્લીઝ” એક કોયલ આવીને મારી પાસે ટહુકી. મે મારી નોવેલમાંથી માથુ ઉંચુ કરીને જોયુ તો હુ જોતો જ રહી ગયો.

To be continued…………….