Ajanyu roop in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | અજાણ્યુ રૂપ

Featured Books
Categories
Share

અજાણ્યુ રૂપ

અજાણ્યું રૂપ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અજાણ્યું રૂપ

આજે તો વહેલી સવારથી જ વાતાવરણમાં બાફ હતો. પવનની નાની લહેરખીયે ના મળે. આરતી પાલવથી મોં, ગરદન, હાથ લૂછીલૂછીને કંટાળી હતી. બપોર સુધીમાં તો થાકી હતી. એકવારથયું ય ખરું કે રસ્તા પર પડતી બેય બારી ઉઘાડી નાખે. જરા હળવાશ તો થાય. બહારનાં દૃશ્ય જોવા મળે અને....!

પણ તરત જ એ વિચાર દબાઈ ગયો ના...ના.... બારી તો નથી જ.... ખોલવી ! લગભગ જીદ પર આવી ગઈ હતી. ભલે બફારો થતો.

સુમનભાઈ ગયા પછી ડેલી યે વાસી દીધી હતી, ખાસ કાળજીથી અને બેય બારીઓ ય બંધ. તરત પડી પલંગમાં. આંખો માંચી અને ખોલી. છાતી ધડકી ઊઠી. તે બબડી બળપૂર્વક, બેય હોઠોને બીંસતી ભીંસતી - ‘હા... હતો’તો એ જ !’

જેટલી રેખાઓ જોવા મળી હતી એને ભેગી કરતા એ જ આકૃતિ બનતી હતી. આટલા સમયમાં એ મોટો તો થયો જ હોય ને ? તે સત્તરમાંથી સાડત્રીસની થઈ હતી એમ એ ચાલીસનો....!

‘હા..... એ વિનિયો જ....!’ આરતીને પૂરી પ્રતીતિ થઈ હતી. ફોન પર તો લગભગ ત્રણેક વાર.... આજીજી કરી ચૂકી હતી, રડી ચૂકી હતી. એ ખરાબ જણ સાથે. તે રડતી અને એ ખડખડ હસતો. કહેતી - ‘વિનિયા, આવું શું કરશ ? તને મારી દયા નથી આવતી. મેં તને પ્રેમ કરેલો - સાચા હૃદયથી. મારા પેટમાંકંઈ પાપ નો’તું. શું સમજ્યો ? તારી સાથે ફોટાય...’

તે દ્રવવા લાગતી. અરેરે, કેટલી મૂરખ હતી તે ? વિનાયક નામ એનું. એ સમયે તો સરસ તૈયાર થતો હતો. શાયરી લખતો. આરતી પર પણ કેવી કેવી શાયરીઓ લખી હતી ? રોજ રોજ મલતો હતો શાળાના મકાનની પછીતે. રોજ રોજ ફૂલ લાવતો હતો એ છોકરી માટે. ક્યારેક આરતીને ભાવતી ચૉકલેટ....! સોળ-સત્તર વર્ષની કાચી મુગ્ધ વય ! માતાને ખોટાં બહાનાંઓ કહેતાં પણ શીખી ગઈ હતી - એ દિવસોમાં.

વર્ગ શિક્ષકની પૃચ્છા થતી - ‘ક્યાં હતી પાંચમા પિરીયડમાં ? ને તે કશુંક બહાનું બતાવી દેતી.

એ છોકરીને ત્યારે એ વિનાયક જ દેખાતો હતો. ‘એ તેની સાથે ભાગી જશે, લગ્ન કરી લેશે, પછી સંસાર માંડશે. પેલી ફિલ્મમાં બનતું હતું એમ જ !’

આરતીને કમકમા આવી ગયાં. અરે, તેણે તો એની સાથે વરવા ફોટા યે પડાવ્યા હતા. મહાદેવના મંદિર પાછળના એકાતંમાં દોડી ગઈ હતી વિનિયા સાથે. એક એનો ભેરુ ય આવ્યો હતો કૅમેરો લઈને.

કેટલો રોમાંચ થયેલો હૃદયમાં, રોમેરોમે ? સાતમા આસમાનમાં વિહરતી હતી ત્યારે તો ! મા સમજે કે દીકરી પરીક્ષાની તૈયારી કરે છે, રાતે જાગે છ ેપણ એ તો આવડતા એવાં કાગળો લખતી’તી વિનિયાને - પ્રિય વિનાયકથી તારી વા’લી આતુડી સુધી !

સાડત્રીસ વર્ષની આરતી પસ્તાતી હતી. એ સત્તરની છોકરી કેવું કરી બેઠી હતી ? અરે,જાત સચવાઈ હતી એ એનું નસીબ; બાકી.... એ તો બધું લુટાવા જ બેઠી હતી !

એક સખીએ તેને ચેચવી - ‘આરતી..... એ વિનિયો તો ગામનો ઉતાર છે ઉતાર ! ઝટ નીકળી જા એમાંથી. ક્યાં ચઢી વળી એને રવાડે ? ફોટા.... બોટા તો નથી પડાવ્યા ને ? ચિઠ્ઠી - ચપતરાં.....? એ તો બ્લેકમેઈલર છે ! કેટલીયે એને ઝપટે ચડી છે... ને પસ્તાય છે, પેટ ભરીને !’

ને તે જાગી હતી - મોહતંદ્રામાંથી હા... તે આ બધાં જ પગથિયાં ચડી ગઈ હતી, એ છોકરા સાથે. ફાળ પડી હતી ! એ ફોટા તો કેવા હતા ? અદ્દલ મૂવીના નટ-નટી જેવા જ. અરધાં ઉઘાડાં જ !

આરતી હચમચી ગઈ હતી પલંગમાં. સાવ મૂરખી જ, બીજું શું ? ને પાનાં ભરીભરીને પત્રો લખ્યાં હતાં - એ નપાવટને !

અને પછી તો થવાનું હતું એ થઈને જ રહ્યું હતું. મા બીજું શું કરે ? તમાચો ચોડી દીધો એ છોકરીને, ને ખુદ પોતે રડી પડી હતી. આવાં દિવસો જોવાના આવ્યા - દીકરીને પાપે ?

ઘડિયાં લગન લેવાયાં. પાછી પોતે રૂપાળી યે કેટલી હતી ? અરે, હજીયે સાડત્રીસે યે... સરસ લાગતી હતી. સુમનભાઈ ખુશ હતાં - એને પામીને.

માતાએ માન્યું - ‘ચાલો, પતી ગયું. સરસ છોકરો મળ્યો. ભલે સામાન્ય ઘર પણ....!’

શિખામણ આપી - મૂંગા રહેવાની. આવી વાતો કયો પુરુષ સહી લે ? મા પાસે દુનિયાદારીનો અનુભવ હતો અને પછી તો આરતીયે ઘણાં પાઠો શીખી ચૂકી હતી, શાણી બની ચૂકી હતી.

સુમન તેનાં રૂપની પ્રશંસા કરે ને તે ભીતરથી ભડકી જતી. વિનિયો યાદ આવી જતો. તે ત્યાં જ છેતરાઈ હતી. પેલાના શબ્દોયાદ આવી જતાં. થાવું છે ને તારે ચલચિત્રની નટી ? આરતી, તારી પાસે એવું જ રૂપ છે. એક દિવસ તારો હશે - માત્ર તારો જ !

અને તેણે વિનાયકે કહ્યાં એવાં ફોટાં પડાવ્યા હતા. બેશરમ બનીને ! હવે એ વાક્યો.... તેને દઝાડતાં હતાં.

ને એક દિવસે એ જ વિનિયો ફોન પર કહેતો હતો - ‘બેબી, મને ખબર છે, અત્યારે તું એકલી જ ઘરમાં છે. અને ઘરના હિસાબ - કિતાબ તું જ સંભાળશ. મારું કામ કાચું નો હોય - બેબી ! બસ, ચાર હજારની સગવડ કર. તારા ફોટા કેટલા અમૂલ્ય છે ? તેની સામે તો આ કાંઈ જ નો કે’વાય ! બે દિવસ પછી સવારે દૂધની કૅબિને પહોંચાડી દેજે અને સાંભળ, આવી વાત કોઈને નો કે’વાય ! વરને તો... નહીં જ સમજી ગઈને !’

લખલખું પસાર થઈ ગયું - દેહમાંથી. આણે તો... ભારે કરી. અરે, ફોટા ય કેવા પડાવ્યા’તા ?

તેને બધું જ યાદ આવી ગયું - એ સમયે. વરસેવે રેબઝેબ થઈ ગઈ.

‘આ છેલ્લીવાર, વિનિયા. તને પગે પડું.’ તેણે આજીજી કરી હતી. પમ વિનિયો ક્યાં અટક્યો હતો ? અવારનવાર ફોન પર ત્રાટકતો હતો - લૂંટારાની જેમ. એક ભય સવાર થઈ ગયો - યુવાન આરતી માટે.

થાય - કહી દઉં પતિને, ભલે જે થવું હોય તે થાય. વળી મન કંપવા લાગે. એ ય પુરુષ જ ને ? ભલે ને, જાત બચી શકી હતી પણ એ માને ખરા ? જો ફોટા જુએ તો વિશ્વાસ રહે જ નહીં.

અલી, અળવીતરી.... શું કરી બેઠી ?

આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો. પછી કરજે ફોન તારી માને ? તે રોષે ભરાઈ હતી. બસ, મરી જ જવું ! એ જ ઉપાય !

પણ એ સમયે જ તેને ખ્યાલ આવ્યો હતો કે તે ગર્ભવતી હતી ! ના, બીજા જીવની હત્યા કરવાનો તેને શો અધિકાર હતો ? અને સુમનના હરખનો પાર નહોતો.

તે ખુદ જ લઈ ગયો હતો - લેડી ડૉક્ટરના દવાખાને. કેટલી સૂચનાઓ લઈ આવ્યો હતો. દવાઓની યાદી સાથે ! ‘આરતી.... નવો અધ્યાય થયો - મારી જિંદગીમાં. તને ખબર છે - મેં તો નામે ય વિચારી રાખ્યા છે. જો છોકરી આવે તો સ્વાતિ અને....’

આરતી વિહ્‌વળ થઈ ગઈ. ના, હવે તો.... જીવવું જ પડે. અને જીવીશ પણ ખરી.

વિનિયાની માગણીઓ પૂરી કરતી રહી, લાચારીથી. પેલો પાછો ય ખરો - ‘કેવડી થઈ તારી છોકરી ? મને પરણી હોય તો આપણે ય....!’

તે ગુસ્સો કરતી, ગાળો ભાંડતી, કરગરતી, બસ હવે નહીં જ આપું - એવું જ કહે પણ આપવા તો પડતા જ.

તે વિચારતી - ‘આને મોતેય નહીં હોય !’

પણ તે અમુક સમય પછી હાજર થતો; ફોન પર.

સ્વાતિ સોળની થઈ ને આરતીની ચિંતા ય વધી. બસ આ જ ઉંમરે તે.... વિનિયાની ચુંગાલમાં ફસાઈ હતી !

તે પુત્રીને જાતજાતની સૂચનાઓ આપતી, આમ કરવું - આમ ના કરવું એ વિશે, પૃચ્છાય કરતી - શાળા વિશે, સખીઓ વિશે, ને પેલી ખડખડ હસી પડતી. કહેતી - ‘મમ્મી, તને શું થયું છે ? હું શું દસ-બાર વરસની છોકરી છું ? મને બધું ય ભાન છે... કે મારે...!’

ને આરતી છોભીલી પડી જતી.

‘બેટા.... તને કશી ખબર નથી. આ દુનિયામાં કેવા કેવા લોક વસે ચે, કેવા કેવા પ્રપંચો થાય છે છેતરવાના ?’ તેનાથી બોલાઈ જતું.

આજે સવારે જ તે બારીમાં ઊભી હતી ને તેને ભાસ થયો હતો. હમણાં જ સામેથી સરક્યો એ વિનિયો તો નહીં ? એ જ લાગ્યો તેને. વર્ષો પહેલાં સાવ નિકટ હતી એ વ્યક્તિની. અરે, કેટલીયે વાર સાવ વળગી પડતી હતી એને ! પોતાની વ્યક્તિ હતી ને ! પછી.... એને ભૂલે તો નહીંને - ભલે વરસો ગુજરી ચૂક્યા એ સામીપ્યને !

તેણે તરત જ બેય બારીઓ વાસી દીધી.

‘અરે ! કેટલો કોલાહલ છે સવારથી ? કાન ફૂટી જશે આમ જ.’ તે પતિ સામે જોઈને બોલી. મનમાં ફડફડ થતું હતું.

સ્વામતિને અનેક સૂચનાઓ આપી વિદાય કરી. પતિ ગયા પછી ડેલી યે વાસી દીધી - ભોગળથી. સૂતી પલંગમાં. અતીતના પાના ફડફડવા લાગ્યા - આંખો સમક્ષ.

સ્વાતિને સત્ર ફી ભરવાની ચિંતા તો હતી જ, એમાં આ વિનિયાએ ચિંતા વધારી હતી. એ ફોન તો કરવાનો જ....! તેણે વિચારી લીધું શું કહેવું એને ?

ને ત્યાં જ... ફોનની ઘંટડી વાગી હતી. એ સાથે જ તેને એક ધક્કો વાગ્યો - ભીતરમાંથી. શા માટે ડરવું એનાથી ?

તે ખુન્નસથી ફોન પાસે પહોંચી, રિસીવર કાને માંડ્યું. સંભળાયો એનો જ અવાજ.... ‘આર....તી....’

ને તે રાતીચોળ થઈ ગઈ. શરીરની નસેનસ ખેંચાવા લાગી.

આરતીએ ત્રાડ પાડી - ‘વિનિયા..... તારાથી થાય એ કરી લે. જા પહોંચી જા મારા પતિ પાસે, દરબારગઢમાં સોળમા નંબરના ખંડમાં. દેખાડી દે બધાય ફોટા ને કાગળો. આથી વધુ તું શું કરવાનો હતો ? વિનિયા.... તને સાચા દિલથી ચાહતી હતી - એ સમયે. મેં કુપાત્રે દાન કર્યું હતું. તું તો સાવ નપાવટ નીકળ્યો. નથી માંગતી તારી દયા. જા, વહેલામાં વહેલી તકે પહોંચી જા - મારા પતિ પાસે.

મારી સ્વાતિની ફી ભરવાની છે પચીસ હજારની. મને તો એની ચિંતા છે. તારી પરવા હું શા માટે કરું ? ભલે ને, રોળાય મારો સંસાર, પણ તને તો દાદ નહીં જ આપું... વિનિયા.’ તે પૂરા જોશથી બોલી ગઈ. અનેક વિચારો આવી ગયાં. બેસી ગઈ નીચે ફરસ પર ભીંતને અડેલીને.

અનેક દૃશ્યો ઝબક્યાં - આંખો સામે, એ ફોટાના, એ કાગળોના, એ વિનિયાના, લાગ્યું કે વિનિયો સુમનને ફોટાઓ દેખાડતો હતો : જુઓ, આ તમારી.... આરતી. એક વખત એ મારી હતી, મારી ! આર ફોટા કંઈ અમસ્તા ! ને વાંચો.... આ કાગળો કેવું સરસ લખે છે, બેબી....! હું તેને ‘બેબી’ કે’તો’તો ને તે દોડતી આવીને....’

મગજ ફાટફાટ થતું હતું. ભલે.... મૃત્યુ આવી જાય. તે વિચારતી હતી. સમયનું ભાન જ ક્યાં રહ્યું હતું ? સુમને કહીશ.... સાચેસાચું કહી દઈશ....

અને અચાનક ફરી ટેલિફોન રણક્યો હતો. વિનિયો તો નહીં હોય ને ફરી ? ભીંતને ટેકે ઊભી થઈ તે.

સ્વાતિ હતી ફોન પર, ‘મમ્મી - ઈ કરતી’ નિરાંત થઈ. ‘મમ્મી.... તમે મોકલાવ્યા હતા ને ફીના પૈસા ? મળી ગયા. લીલા ઝભ્ભાવાળા અંકલ આપી ગયા. બહુ ભલા લાગ્યા. અરે, કેટલી જહેમત કરી મને શોધવા ? તું આરતીની સ્વાતિને ? એમ પૂછ્યું ય ખરું. માથે હાથ મૂક્યો પ્રેમથી. મમ્મી.....ઈ.....’

સ્વાતિ તો હજીયે બોલતી હતી, બોલ્યે જતી હતી. આરતી પાલવથી આંસુ લૂછવામાંથી નવરી પડે તો ને ?

વિનાયકનું આ રૂપ સાવ અજાણ્યું હતું તેનાથી !

*