ડરના મના હૈ
Darna Mana Hai-23 નરકનું દ્વાર ‘હૌસકા કેસલ’
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
રહસ્યમય હેતુસર બનાવાયેલો કિલ્લોઃ
યુરોપના રમણીય દેશ ચેકોસ્લોવાકિયાની રાજધાની પ્રાગથી ઉત્તર દિશામાં ૪૭ કિલોમીટરના અંતરે બોહેમિયા પ્રાંત આવેલો છે. ચૂના પથ્થરોનાં પહાડો અને ગાઢ જંગલોથી ભરપૂર આ પ્રાંતની મધ્યમાં ‘હૌસકા’ નામનો એક કિલ્લો બનેલો છે. સામાન્ય રીતે કોઈપણ કિલ્લો એવી જગ્યાએ બનાવવામાં આવે છે કે જ્યાં બીજા દેશ સાથે સરહદ હોય, દુશ્મન દેશના આક્રમણનો ભય હોય અથવા તો પછી જ્યાં રાજાઓ હવાફેર કરવા માટે આવતા હોય. શિકાર પણ ખેલી ન શકાય એવા અત્યંત ગીચ જંગલમાં, નજીકમાં ક્યાંય દુશ્મન દેશની સરહદ કે વ્યાપારી માર્ગ ન હોવા છતાં શા માટે આટલો મોટો કિલ્લો બનાવવામાં આવ્યો હશે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હકીકત એ છે કે હૌસકા કેસલને દુશ્મનને દૂર કે બહાર રાખવા નહીં, પરંતુ દુશ્મન જેવી ‘કોઈક’ બીજી વસ્તુને ‘અંદર’ રાખવા માટે બનાવવામાં આવ્યો હતો અને એ કોઈક બીજી વસ્તુ હતા શેતાન!
નરકનો દરવાજો ગણાતી એ ભૂગર્ભ તિરાડઃ
વાયકા એવી છે કે ‘હૌસકા કેસલ’ નામનો એ કિલ્લો જ્યાં ઊભો છે ત્યાં ચૂના પથ્થરોની ભેખડમાં એક ઊંડી ભૂગર્ભ તિરાડ હતી જે નરકનો દરવાજો ગણાતી હતી. પ્રાચીન સમયમાં રાતના સમયે નરકના એ દ્વારમાંથી અર્ધમાનવી-અર્ધપશુ એવા શેતાનો બહાર નીકળી આવતા અને નજીકમાં વસેલા ગામડાઓમાંથી પાલતુ પશુઓ અને માણસોને ઉઠાવી જઈ તેમને ફાડી ખાતા. શેતાનોનો રંજાડ અટકાવવા બોહેમિયા વંશજોએ નરકના એ દરવાજાને હંમેશ માટે બંધ કરી દેવાનું નક્કી કર્યું, પરંતુ એમ કરતા પહેલા એ પિશાચી તિરાડનું પરીક્ષણ કરવું તેમને જરૂરી લાગ્યું.
એક ખોફનાક ભૂતિયા પ્રયોગઃ
તેરમી સદીના એ જમાનામાં સમાજમાં ચર્ચનું જબરદસ્ત વર્ચસ્વ રહેતું. કોઈ પણ મોટા કામને અંજામ આપતા પહેલા ચર્ચની પરવાનગી લેવી પડતી એટલે બોહેમિયા પ્રાંતને શેતાનની ચુંગાલમાંથી મુક્ત કરવાની કાર્યવાહી કરતા પહેલા પણ ચર્ચના પાદરીઓની સંમતિ લેવામાં આવી. એ પછી જ આ ખૂફિયા અને ભયંકર નીવડનારા પ્રયોગની શરૂઆત કરવામાં આવી. રાજ્યના કારાગૃહમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ પૈકી કેટલાકને એક શરતે સજામાંથી મુક્તિ આપવાની ‘ઓફર’ આપવામાં આવી. ઓફર એ હતી કે કેદીઓ પેલી શેતાની તિરાડમાં ઊંડા ઉતરવા તૈયાર થાય અને બહાર આવીને બધાને એ જણાવે કે તેમને અંદર શું જોવા મળ્યું. જેલની સજામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં કેટલાક કેદીઓ જીવનો જુગાર રમવા તૈયાર થયા.
દોરડા વડે બાંધીને એક કેદીને દિવસના અજવાળામાં એ તિરાડમાં ઉતારવામાં આવ્યો. થોડી જ વારમાં તેની ચીસો સંભળાવા લાગી. ઝડપથી તેને ઉપર ખેંચી લેવામાં આવ્યો. તેનો દેખાવ જોતા જ બહાર ઊભેલા તમામ લોકો ચોંકી ગયા. કમભાગી કેદીના માથાનાં વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. તેની ચામડી કોઈ વૃદ્ધ માણસની જેમ કરચલીઓવાળી થઈ ગઈ હતી. તેના શરીરમાંથી જાણે કે લોહી ચૂસી લેવામાં આવ્યું હોય એમ તે સફેદ પડી ગયો હતો. થોડી મિનિટો અગાઉ યુવાન હતો એ આદમી આશ્ચર્યજનક રીતે વૃદ્ધ થઈ ગયો હતો. તેણે નીચે ભૂગર્ભમાં શું જોયું એ વિશે તેને પૂછવામાં આવ્યું પણ તે ડરનો માર્યો કંઈ બોલી શક્યો નહીં. તે ન તો કંઈ ખાઈ શક્યો કે ન ઊંઘી શક્યો. બે દિવસ પાગલની જેમ બૂમબરાડા પાડ્યા બાદ તે મરી ગયો. પેલી શેતાની તિરાડમાં એણે શું જોયું હતું એ કોઈ જાણી શક્યું નહીં. પણ ચોક્કસપણે ત્યાં કંઈક ખૂબ ભયાનક હોવું જોઈએ એવી ધારણા બાંધવામાં આવી. રાજ્યના શાસકો અને ચર્ચના સંચાલકોની જિજ્ઞાસા હવે વધી ગઈ હતી અને તેનો ભોગ બીજા કેદીઓ બન્યા. પહેલા કેદીની જે હાલત થઈ હતી એ પછી તો કોઈપણ સ્વેચ્છાએ એ નરકના દ્વાર સમી તિરાડમાં ઉતરવા તૈયાર નહીં જ થાય, એટલે બળજબરીપૂર્વક અન્ય કેદીઓની સાથે પેલો ક્રૂર પ્રયોગ દોહરાવવામાં આવ્યો. દરેક વખતે એક સમાન પરિણામ જ મળતું. મોત! ત્યાં નીચે કોઈક એવી ખોફનાક દુનિયા હતી જે જોઈને માણસો ડરીને પાગલ થઈને મરી જતા હતા.
શેતાની તિરાડને પૂરી દેવાની મથામણઃ કેટલી સફળ, કેટલી નિષ્ફળ
શેતાની તિરાડને પૂરી દેવા માટે તેની અંદર પથ્થરો અને રેતી નાખવામાં આવ્યા પણ એ તિરાડ એટલી બધી ઊંડી હતી કે કદી પૂરી જ ન શકાઈ! કદાચ તે અતળ હતી. છેવટે પથ્થરની પહોળી-જાડી પટ્ટીઓ તિરાડ ઉપર મૂકીને તેના ઉપર ચણતર કરી દેવામાં આવ્યું. બરાબર એ જ જગ્યા ઉપર ચર્ચ બનાવીને તેની આસપાસ કિલ્લો ચણી દેવામાં આવ્યો. શેતાનનો રસ્તો હંમેશ માટે બંધ કરી દીધાનો તેમણે સંતોષ લીધો પણ તેમ છતાં શેતાનનો આતંક ઓછો ન જ થયો. કિલ્લાની આસપાસના પ્રદેશમાંથી પાલતુ જાનવરો અને માણસોના અદૃશ્ય થવાની દુર્ઘટનાઓ છાશવારે બનતી જ રહી. એ જમાનો તેરમી સદીનો હતો.
કટ ટુ સત્તરમી સદી. મૂળ સ્વિડનના કાળા જાદુના નિષ્ણાત ઓરોન્ટોએ ઈ.સ. ૧૬૩૯ના અરસામાં આ કિલ્લાને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. ત્યાં રહીને તે કંઈક વિચિત્ર અને ખતરનાક પ્રયોગો અજમાવી રહ્યો હતો. એક સવારે તેની લાશ કિલ્લાના પ્રાંગણમાં પડેલી મળી આવી. તેના શરીર પર સેંકડો ઘા થયેલા હતા અને શરીરમાંથી પુષ્કળ લોહી વહી નીકળ્યું હતું. તેની હત્યા કોણે કરી, શા માટે કરી અને ક્યા સંજોગોમાં કરી એ રહસ્ય કદી ઉકેલી ન શકાયું.
હૌસકા અને હિટલરઃ
હૌસકા કેસલના ઈતિહાસ સાથે એક ઐતિહાસિક વ્યક્તિનું નામ પણ કંઈક વિવાદાસ્પદ રીતે જોડાયેલું છે. એ વ્યક્તિ એટલે એડોલ્ફ હિટલર! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં હિટલરની આણ પ્રવર્તતી હતી અને જર્મનીના દુશ્મન એવા અનેક દેશોને તેણે કચડી નાખ્યા હતા. ચેકોસ્લોવાકિયાનું નામ એવા જ દેશોની યાદીમાં હતું. કહેવાય છે કે આધુનિક વિચારધારા ધરાવતો હિટલર અંધશ્રદ્ધા અને ભૂતપ્રેતમાં પણ માનતો હતો અને તેને દરેક કામમાં સફળતા મળે એ માટે તે કાળી વિદ્યાનો પણ આશરો લેતો હતો. ત્રીસના દાયકામાં હૌસકા કેસલનો કબજો જમાવી તેણે અહીં જ કાળી વિદ્યાની રસમો અજમાવવાનું શરૂ કર્યું હતું. યુદ્ધની દૃષ્ટિએ કોઈ વ્યૂહાત્મક મહત્ત્વ ન હોવા છતાં ખાસ આ કામ માટે જ હિટલરે કિલ્લાને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. કિલ્લામાં તેણે કોની પાસે શું કરાવ્યું એની કોઈ ઐતિહાસિક નોંધ નથી મળતી કેમકે રશિયાના આક્રમણને લીધે પીછેહઠ કરતી વખતે જર્મન પ્રથા અનુસાર તેમણે કિલ્લામાં કરેલી તમામ ગતિવિધિઓની સાબિતીઓ નષ્ટ કરી દીધી હતી. હિટલરના મૃત્યુનાં વર્ષો બાદ સંશોધકોએ હૌસકા કેસલમાં જ્યારે ખોદકામ કરાવ્યું ત્યારે તેમાં કેટલાક નાઝી સૈનિકોનાં શબ મળી આવ્યા હતા. લાશોને જોઈને સાફ ખબર પડી જતી હતી કે તેમની હત્યા કાળી વિદ્યાની સફળતાના હેતુસર કરવામાં આવી હતી. ઐતિહાસિક તવારીખમાં હિટલરના જીવનના આ પ્રકરણને કદાચ ઈરાદાપૂર્વક છુપાવવામાં આવ્યું છે.
હૌસકા કેસલનો વર્તમાનઃ
આજની તારીખે પણ હૌસકા કેસલ પોતાની જગ્યાએ અડીખમ ઊભો છે અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આજે પણ ત્યાં અનેક શેતાની ભૂતાવળો થતી હોવાનું કહેવાય છે. માણસના ધડ, દેડકાના પગ અને કૂતરાના ચહેરો ધરાવતા શેતાનને આ કિલ્લામાં ભટકતો જોવામાં આવ્યો છે. તેની ઊંચાઈ આઠ ફૂટ કરતા વધારે હોવાનો અને તેનો દેખાવ ભયંકર હોવાનો દાવો કરવામાં આવે છે. કિલ્લાના ઉપરના માળની બારીઓમાં એક ખૂબસૂરત સ્ત્રીનું પ્રેત જોવામાં આવ્યું છે, પરંતુ તેણીની કદી ઓળખ થઈ શકી નથી. હૌસકા કેસલમાં જે ભૂતે સૌથી વધુ દેખા દીધી છે તે એક કાળા ઘોડાનું ભૂત છે. એ ઘોડાનું મસ્તક કપાયેલું હોય છે અને કપાયેલી ગરદનમાંથી લોહી વહેતું રહે છે. મસ્તકવિહોણા, લોહી નીંગળતા એ ઘોડાને કિલ્લામાં અહીં-તહીં દોડતા અનેક પ્રવાસીઓએ જોયો છે.
કિલ્લાની વચ્ચેના ખુલ્લા ભાગમાં આજની તારીખમાં પણ ઘણીવાર સેંકડો પંખીઓ મરેલા પડેલા મળી આવે છે. એ પંખીઓ કઈ રીતે, કયા કારણસર મરી જતા હશે એનો ખુલાસો વર્ષો બાદ પણ વૈજ્ઞાનિકો નથી આપી શક્યા. એ કિલ્લા નીચે વસતા શેતાનો, પિશાચો જ કદાચ એ અબોલ જીવોનો ભોગ લેતા હશે. કિલ્લાની અંદર બનેલા ચર્ચની દીવાલો ઉપર એવા અનેક ચિત્રો દોરાયેલા છે કે જેમાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ અને શેતાનોને ઈશ્વરીય હાથો દ્વારા સજા કરવામાં આવી રહી હોય. ચર્ચ જેવી પવિત્ર જગ્યાએ આ પ્રકારના ડરામણા ચિત્રો સામાન્યપણે દોરવામાં નથી આવતા, પણ અહીં એવા ચિત્રો દોરાયેલા છે. એ સાંકેતિક ચિત્રો હૌસકા કેસલમાં ધરબાયેલા રહસ્યો વિશે ઘણું કહી જાય છે.