પ્રસ્તાવના
કાયદાને વાંચવો,સમજવો અને પચાવવો અઘરો છે, વકીલો માટે રોજબરોજ ઉપયોગ માં લેવાયા બાદ કદાચ થોડો સહેલો બને છે પણ સામાન્ય લોકો નું શું? કાયદો દરેક એ સમજવો ખુબ જ જરૂરી છે અને એટલે જ આપણી રોજબરોજની ભાષા,પાત્રો અને પ્રશ્નોનો ઉપયોગ કરીને સાદી છતાં સાચી સમજણ બધાને મળી રહે તે હેતુથી ‘હેલ્લો સખી-રી’ ઈ-મેગેઝીન માં ‘લો પંડિત’ લખવાની શરૂઆત કરી હતી. જેનો પ્રથમ ભાગ ‘લો-પંડિત ભાગ -૧’ આવી ગયેલ છે અને તેનો ‘લો-પંડિત ભાગ-૨ મુકતા આનંદ થાય છે. વાચકમિત્રોનાં અભિપ્રાય આવકાર્ય.
અનુક્રમણિકા
૧. દિકરી નો પિતાની સંપતિમાં હક
૨. હક્ક જતો કર્યા અંગેનો દસ્તાવેજ
૩. જુવેનાઈલ જસ્ટીસ(કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ,૨૦૦૦
૪. લગ્ન નોંધણી અંગે
૫. મિલકત ખરીદતા પહેલા
દિકરી નો પિતાની સંપતિમાં હક
ખળ ખળ વહેતી નદી નાં કિનારે બેઠા બેઠા કુસુમ બેન વિચારતા હતા કે ક્યા જતો રહ્યો તે ભવ્યાતિભવ્ય સમય, માં-બાપ નાં ઘરે તો એક સળી નાં બે કટકા પણ નહોતા કરવા પડ્યા અને લગ્ન થયા પછી સાસરે ઓછી સગવડતાઓ વચ્ચે પણ જીવન ગુજારવું પડ્યુ જોકે તેનું પણ દુખ નહોતું. તેમને આમ વિચારતા જોઈ ને તેમના દિકરા નો મિત્ર રાહુલ કે જે વકીલાત નો વ્યવસાય કરતો હતો તેણે પૂછ્યું કે માસી કેમ આટલા ઉદાસ અને વિચારાધીન છો? એટલે કુસુમ બહેન એ માંડી ને વાત કરી કે મારા બાપુજી પહેલે થી જ ખુબ સુખી. મને અને મારા ભાઈ ને એક સરખા લાડ લડાવ્યા છે, ક્યારેય દિકરી કે દિકરા નો ભેદ નથી રાખ્યો, પણ બાપુજી ગુજરી ગયા પછી જાણે બધું જ બદલાઈ ગયું. ભાઈ ફક્ત રાખડી પુરતો સંબંધ રાખે છે, આજે પણ ત્યાં પૈસા ની કે સંપતિ ની કોઈ જ કમી નથી, મારા બાપુજી ઢગલો મૂકી ને ગયા છે, અને મારી હાલત જો કેટલી ખરાબ છે, ના કોઈ ને કહેવાય કે નાં સહેવાય. મારા ભાઈ ને કોઈ જ વિચાર નથી આવતો મારો.
રાહુલ એ કહ્યું કે માસી જો તમારા ભાઈ તમારી સાથે સંબંધ જ રાખવા નાં માગતા હોય તો પછી તમે પણ કેમ શરમ ભરો છો? તમારા પિતા ની સંપતિ માં તમારો પણ એટલો જ અધિકાર છે જેટલો તમારા ભાઈ નો. હિંદુઓ માટે વારસા બાબતે હિન્દુ વારસા ધારો- ૧૯૫૬ અસ્તિત્વ માં છે તેની કલમ-૬ અન્વયે પરણિત દિકરી પણ પિતાની સંપતી માં સરખે હિસ્સે હક્કદાર છે. આ સુધારો સને-૨૦૦૫ માં આવ્યો. ત્યાં સુધી પરણિત દિકરી નો પિતા ની સંપતિ માં સરખો હિસ્સો ના હતો પરંતુ આ સુધારો બદલાતા સમાજ નો આયનો છે. કુસુમ બહેને પૂછ્યું કે દિકરા આ કાયદા વિષે મને જરા સમજ આપ ને. આમ પણ સંબંધો એ તો દગો દીધો જ છે કદાચ કાયદો સાથ આપે. રાહુલ એ કહ્યું કે માસી હિંદુ વારસા ધારો-૧૯૫૬ ની કલમ-૬ માં સને-૨૦૦૫ નાં સુધારા અન્વયે જો પિતા વસિયતનામું કર્યા વગર ગુજરી ગયા હોય તો તેમની સંપતિ માં પરણીત દિકરી તથા દિકરા નો સરખો હિસ્સો લાગે. અપરણિત દિકરી નો સરખો હિસ્સો તો પહેલા પણ લાગતો હતો પરંતુ આ સુધારા બાદ હવે પરણિત દિકરી ને પણ પોતાનો હિસ્સો પ્રાપ્ત થાય છે. તેના માટે જો બધા વારસદારો સહમત હોય તો વહેચણી નો દસ્તાવેજ કરાવી ને કૌટુંબિક વહેચણી કરી શકાય. અમુક કિસ્સા માં કોઈ એક વારસદાર પોતાની રાજીખુશી થી પોતાનો હક્ક જતો પણ કરે છે. પરંતુ બધા વારસદારો માં કોઈ પણ વારસદાર સંપતિ ની વહેચણી કરવા સહમત નાં હોય તો હુકમનામું મેળવવા દાવો કરી શકાય છે અને કોર્ટ દ્વારા બધા પુરાવાઓ તપાસ્યા બાદ હુકમનામું કરી આપવામાં આવે છે. આમ બદલાતા સમય સાથે કાયદા ઓ પણ બદલાઈ રહ્યા છે અને તેનો લાભ દરેક વ્યક્તિ લઇ રહયા છે. સને-૨૦૧૪ માં જ ગુજરાત હાઈકોર્ટ નાં જમનભાઈ મગનભાઈ માવાણી વી. ભાનુબેન મગનભાઈ માવાણી નાં કેસ માં એવું ઠરાવવામાં આવ્યું કે પિતાની સંપતિ માં પરણિત પુત્રી નો પણ સમાન હક્ક હિસ્સો લાગે છે તેથી નીચલી કોર્ટ નાં હુકમનામા સામે ભાઈ દ્વારા હાઈકોર્ટ માં કરવામાં આવેલી અપીલ હાઈકોર્ટ એ ડીસમીસ કરી અને બહેન તરફે નીચલી કોર્ટ નાં હુકમનામા ને માન્ય રાખવામાં આવ્યું.
આમ, કુસુમ માસી સમાજ માં બદલાવ આવી રહ્યો છે દરેક એ પોતાની માનસિકતા બદલાવી જ રહી. સંબંધો ના નામે લોકો બીજા નાં હક્ક ને નુકશાન કરે તેની સામે કાયદા એ પણ પોતાનો પક્ષ મજબુત કર્યો છે. તમે પણ જાગૃત થાવ , બીજા ને જાગૃત કરો અને પોતાના હક્ક માટે લડો. કુસુમબેન નાં આંખ માં થી આંસુ સરી રહ્યા હતા. રાહુલ ને કહે કે હું મારા પોતાના ભાઈ સામે કેવી રીતે લડુ? એની સાથે મારે લોહી નો સંબંધ છે, હું રાખડી બાંધતી વખતે હંમેશા તેનું સારું ઈચ્છું છું, તેના ઉજ્જવળ ભવિષ્ય નાં આશીર્વાદ આપું છું અને તેની સફળતા ની કામના કરું છું તો હું તેની સામે કોર્ટ માં જાઉં? એટલે રાહુલ એ કહ્યું કે તમે તમારો હક્ક માગો છો તેનો અર્થ એ નથી કે તમે તમારા ભાઈ નું ખરાબ કરો છો કે તેમને નિષ્ફળ બનાવો છો, પણ એમનું કઈ જ ખરાબ કર્યા વગર પણ તમે તમારું સારું કરી શકો છો. આ જ સંબંધ છે અને આ જ દરેક સંબંધ ની મહાનતા છે.
હક્ક જતો કર્યા અંગેનો દસ્તાવેજ
લતાબહેન એટલે ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટા, તેમના પિતાજી વાલજીભાઈના અવસાન પછી પરિણીત હોવા છતાં દરેક મોટા નિર્ણયોમાં તેમના ભાઈઓ દ્વારા તેમની જ સલાહ લેવાતી. તેમના પિતાજીના અવસાન બાદ ઘણી બધી પ્રોપર્ટીનાં ભાગ પાડવાના હતા, તેથી તેમના ભાઈઓ સુરેશભાઈ અને રમેશભાઈ એ લતાબહેનને મળીને બધો નિર્ણય લેવાનું નક્કી કર્યું. લતાબહેન તેમના ઘરે આવ્યા, બંને ભાઈઓએ એવું નક્કી કર્યું કે જે કઈ પ્રોપર્ટી છે તેમાં બહેનનો પણ સરખો હિસ્સો રાખવો છે. આ વાત તેમણે લતાબહેનને કહી કે બહેન આટલા વર્ષોમાં તમે અમારા માટે ઘણું કર્યું છે હવે અમારો સમય છે તો અમારી ઈચ્છા એવી છે કે પિતાજીની મિલકતના એક સરખા ત્રણ ભાગ પડે અને એ રીતે મિલકતની વહેચણી થાય.
આ સાંભળીને લતાબહેનની આંખોમાં આંસુ આવી ગયા કે આ સમયમાં આવા ભાઈઓ ક્યા મળે, જે મળે એ બધું જ પોતાનું કરી લેવાની વૃતિ જ હોય છે લોકો માં, તેમણે મનોમન ભગવાનનો અને માતા-પિતા નો આભાર વ્યક્ત કર્યો. અને પોતાનો નિર્ણય સંભળાવ્યો કે તમે કહ્યું એ તમારી મોટાઈ છે પણ ઈશ્વરની દયાથી મારે કોઈ ખોટ નથી , પૈસે ટકે સુખી છું અને તમારા જેવા ભાઈઓ છે એ પણ એક સુખ જ ને. એટલે મારે પિતાજીની મિલકતોમાંથી કઈ જ ભાગ નથી જોઈતો બસ તમે બંને તમારા કુટુંબ સાથે સુખી રહો એ જ મારા માટે સુખ છે અને એ જ મારો ખુશી નો હિસ્સો છે, અને એટલે જ વહેલાસર આપણે આ મિલકતોની વહેચણી બે સરખે હિસ્સે કરી અને મારા તરફ થી જે કાગળો બનાવવાના હોય અથવા સહીઓ કરવાની હોય ત્યાં કરી લઈયે, અને હા એના માટે કોઈ વકીલનો સંપર્ક કરીને મારે શું કરવાનું છે એ જાણી લઈએ જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી ના થાય.
એ વાત બંને ભાઈઓ ને પણ એટલી જ સાચી લાગી કે વકીલનો સંપર્ક કરી અને તેમની સલાહ અનુસાર જ આગળ વધીએ. એટલે બંને ભાઈઓ એ એક વકીલ નો સંપર્ક કરી અને તેમને મળવા પહોચી ગયા. તેમણે પોતાની હકીકત કહી કે પિતાજીના અવસાન પછી મિલકતની વહેચણી કરવી છે અને બહેન ને એમનો હક્ક નથી જોઈતો તો તેના માટે કઈ સ્પેશિયલ પ્રોસિજર છે કે શું? એટલે વકીલ સાહેબ એ તેમને જણાવ્યું કે જો તમારા ભાઈ બહેનો વચ્ચે કોઈ પણ પ્રકાર નો ખટરાગ નાં હોય તો બહેન દ્વારા હક જતો કર્યા અંગેનો દસ્તાવેજ એટલે કે Deed of relinquishment of right કરાવવાનો હોય છે , જેમાં સૌપ્રથમ હક્ક કોણ જતો કરે છે અને કોની કોની તરફેણમાં જતો કરે છે તેની વિગત, કઈ મિલકત બાબતે હક્ક જતો કરે છે તેની વિગત, જેના નામની મિલકત છે તે વ્યક્તિના દરેક વારસદાર ની વિગત, જે વ્યક્તિ હક્ક જતો કરે છે તેનો કેટલો શેર તે જતો કરે છે તેની વિગત રજુ કરવી ખુબ જ જરૂરી છે અને આ ઉપરાંત જો સૌથી વધુ મહત્વ નું હોય તો એ છે કે તેમાં એ લખવું જરૂરી છે કે હક્ક જતો કરનાર વ્યક્તિ જેની તરફેણમાં હક્ક જતો કરે છે તેના માટે તેમને કુદરતી લાગણી અને પ્રેમ છે તથા કોઈ પણ જાતનાં નાણાકીય વ્યવહાર કર્યા વગર આ હક્ક જતો કરે છે તથા તેમાં એવી બાહેધરી આપવામાં આવે છે કે આ મિલકતોમાં મારા બાદ મારા વંશ,વાલી ,વારસોને પણ આ બંધનકર્તા રહેશે તથા બે સાક્ષીઓની સહી અનિવાર્ય છે. હક્ક જતો કર્યા અંગે નો દસ્તાવેજ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરવો ફરેજીયાત છે અને તૈયાર કર્યા બાદ રજીસ્ટ્રેશન એક્ટ ની કલમ-૧૭ મુજબ તેને રજીસ્ટર કરાવવાનો હોય છે તેના માટે જે તે એરીયાની સબ રજીસ્ટ્રારની ઓફિસમાં જવાનું હોય છે અને જો હક્ક જતો કર્યા અંગે કોઈ નાણાકીય વ્યવહારો થયા હોય તો જે તે રકમ ઉપર સ્ટેમ્પ ડયુટી ભરી ને રજીસ્ટર કરવામાં આવે છે.
આ દસ્તાવેજ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે કારણ કે રજીસ્ટર થયેલ હોવાથી ભવિષ્યની તકલીફો નિવારી શકાય છે. આ વાત સાંભળીને ત્રણેય ભાઈ બહેન ને સમજાયું કે ખરેખર એ લોકો ને શું કરવાનું છે અને તેને તૈયાર કરવાનું કહી, વિગતો આપીને એ લોકો ત્યાંથી ખુશી ખુશી નીકળ્યા.
જુવેનાઈલ જસ્ટીસ(કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ,૨૦૦૦
હાલ માં દિલ્હી નિર્ભયા રેપ કેસનો એક બાળ આરોપી ત્રણ વર્ષની સજા બાળ સુરક્ષા ગૃહ માં ભોગવીને છૂટી ગયો તે ખુબ જ ચર્ચામાં છે, બધા જ જાણે છે કે સૌથી હિન કૃત્ય બાળકે જ કરેલું, તેણે પણ એ વાત સ્વીકારી છે અને તેમ છતાં તેને એડલ્ટને સજા થાય તેવી સજા નાં થઈ, ત્યારે આપણે પણ જાણીએ કે શું છે જુવેનાઈલ જસ્ટીસ(કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ,૨૦૦૦.
જુવેનાઈલ એટલે કે બાળક, આ કાયદાનો હેતુ એવો હતો કે, દરેક બાળકને સમાન ન્યાય મળે, તેમના હક્કોનું રક્ષણ થાય અને બાળકને તેમણે કરેલી ભૂલોનું પુનરાવર્તન ના થાય તે રીતે પોતાની જાતને સુધારવાનો મોકો મળે, તેના માટે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડની રચના કરવામાં આવી જેના અંતર્ગત જુવેનાઈલ દ્વારા થયેલ ગુનાઓ અથવા તેના ઉપર થયેલ ગુનાઓની છણાવટ કરવામાં આવે .
જુવેનાઈલ જસ્ટીસ(કેર એંડ પ્રોટેક્શન એક્ટ ઓફ ચિલ્ડ્રન) એક્ટ,૨૦૦૦ માં કલમ-૨ માં વ્યાખ્યાઓમાં દર્શાવ્યા પ્રમાણે જુવેનાઈલ એટલે કે બાળક એટલે “જે વ્યક્તિને ૧૮ વર્ષ પુરા નાં થયા હોય તે” , ઘણી વખત એવું પણ બને છે કે આ કાયદાનો આધાર લઇ ને અક્ષ્મ્ય ગુનાઓમાં પણ ૧૮ વર્ષ ન થયા હોય તેવી વ્યક્તિ બચી જાય છે. હાલ માં જ નિર્ભયા રેપ કેસનો જુવેનાઈલ આરોપી ગુના સમયે ૧૮ વર્ષ ન થયેલ હોવાથી ફક્ત ૩ વર્ષની સજા બાદ છૂટી ગયો અને તેના પડઘા દેશ આખામાં પડ્યા કે, ખરેખર કાયદાની દેવી આંખે અંધ જ છે, પણ આ કાયદામાં સજાની જોગવાઈ મહતમ ૩ વર્ષ જ છે. ત્યારબાદ દેશ આખામાં વિરોધનો વંટોળ ફૂંકાયો અને તેથી આ કાયદામાં સુધારા માટેનું બીલ પસાર થશે કે અક્ષ્મ્ય ગુનાઓ જેવા કે, રેપ અને મર્ડર માં ૧૬ થી ૧૮ વર્ષ નાં બાળક ને મહતમ ૭ વર્ષની સજા થઇ શકે.
આ કાયદાની બીજી મહત્વની વાત એ છે કે, આ કાયદા અંતર્ગત ઓબ્ઝર્વેશન હોમ, શેલ્ટર હોમ અને સ્પેશીયલ હોમની રચના કરવામાં આવે છે. કોઈપણ બાળકની હિલચાલ શંકાસ્પદ લાગે અથવા તો કોઈનાં દ્વારા ખબર પડે તો તેવા બાળકને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે અને તેના પર દેખરેખ રાખવામાં આવે છે તથા તેની સુધારણા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ કાયદા હેઠળ જુવેનાઈલ સામે કેવા પ્રકારનાં ઓર્ડર થઈ શકે તે કલમ-૧૫ માં અને કેવા ઓર્ડર ન થઇ શકે તે કલમ-૧૬ માં દર્શાવેલું છે. કલમ-૧૫ પ્રમાણે, જુવેનાઈલને અલગ અલગ ગ્રુપ કાઉન્સેલીંગ તથા તેનાં જેવીજ બીજી પ્રવૃતિઓ માટે આદેશ આપી શકાય, સામાજિક કામગીરી કરવા આદેશ આપવો આ ઉપરાંત અમુક ઓર્ગેનાઈઝેશનને તેના ઉપર ધ્યાન રાખવા આદેશ આપી શકાય. કલમ-૧૬ પ્રમાણે, જુવેનાઈલને ફાસીની અથવા તો આજીવન કેદની સજા નાં થઇ શકે. જો તેણે ૧૬ વર્ષ પૂર્ણ કર્યા હોય તો પણ મહત્તમ ૩ વર્ષની સજા થઇ શકે.
જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦ સુધારો ૨૦૦૬ હેઠળ લાંબા સમય તેમજ ટુંકા સમય માટે સંભાળ અને રક્ષણ માટેની જરૂરીયાતવાળા બાળકોને ચીલ્ડ્રન હોમ્સ ખાતે તથા કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકોને ઓબ્ઝર્વેશન હોમ ખાતે ૧૮ વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપવામાં આવે છે. એ જ રીતે કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકો અને બાળાઓને તેઓને માટે સ્થપાયેલ અલગ અલગ સ્પે. હોમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશ દ્વારા મોકલી આપવામાં આવે છે.
આ ઉપરાંત આ કાયદા હેઠળ એવું પણ ઠરાવવામાં આવે છે કે ગુનેગાર જુવેનાઈલ છે કે નહિ, આ કાયદાની કલમ-૪૯ અંતર્ગત એવી તપાસ કરાવી શકાય છે કે જે તે ગુનેગાર જુવેનાઈલ છે કે નહિ અને જો જુવેનાઈલ હોય તો તેની સામેની કાર્યવાહી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. કોઈ એક ગુના માં જુવેનાઈલ તથા બીજાઓ સામે એક સરખી કાર્યાવાહી નાં કરી શકાય, જુવેનાઈલ સામેની કાર્યવાહી અલગ જ ચાલે. બાળક પાસે ભીખ મગાવનાર અથવા તો તેની સાથે ક્રૂર વ્યવહાર કરનાર વ્યક્તિને ૩ વર્ષ સુધીની કેદની સજા તથા દંડ બંને થઇ શકે છે.
આમ, આ કાયદા હેઠળ બાળક નાં સંરક્ષણ માટે અનેક પ્રયાસો થાય છે અને હાલના સંજોગો પ્રમાણે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે જેની પશ્ચાદવર્તી અસર નહિ લાગુ પડે એટલે કે જે દિવસે સુધારા બિલ પાસ થાય ત્યારબાદનાં જ કેસ ને આ સુધારો લાગુ પડશે.
લગ્ન નોંધણી અંગે
શિવમ અને સંધ્યાને આ માસ્ટર્સનું છેલ્લું વર્ષ હતું, લગભગ ૫ વર્ષથીએ બંને સાથે ભણતા હતા અને હવે આ છેલ્લું વર્ષ હતું, ભણવા માટે પણ અને લાઈફ્ના મહત્વના નિર્ણયો લેવા માટે પણ. આટલા વર્ષોમાં એ બંને એકબીજાને ખુબ જ સારી રીતે સમજી ગયા હતા અને બંનેને લાગતું હતુ કે જીવનભર તેઓ એકબીજા સાથે વીતાવી શકશે. શિવમએ નક્કી કરેલું કે આ ૧૪મી ફેબ્રુઆરી એટલેકે વેલેન્ટાઇન ડે ઉપર એ સંધ્યાને લગ્ન માટે પ્રપોઝ કરશે. આમ તો ઘણા સમય થી એકબીજા સાથે ગળાડૂબ પ્રેમમાં હોવા છતાં ક્યારેય લગ્નની વાત નથી કરી એ લોકોએ પણ હવે એ સમય આવી ગયો છે. વેલેન્ટાઇન ડે પર શિવમએ સંધ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને સંધ્યા એ પણ હા પાડી. પછી બંનેએ પોતાના ઘરે વાત કરી અને બંને નાં ઘરેથી પણ હા આવી. લગ્નની તારીખ નક્કી થઇ, ધામધૂમ થી તૈયારી શરુ થઇ ગઈ
આ બધાની વચ્ચે શિવમ અને સંધ્યા બંનેએ નક્કી કર્યું હતુંકે આપણે લગ્ન રજીસ્ટ્રેશન તો ખાસ કરાવવું જ છે, તેથી લગ્નને થોડા સમયની વાર હતી ત્યારે બંને એક એડવોકેટ પાસે ગયા તેની માહિતી મેળવવા. શિવમએ તેમને કહ્યુંકે અમને વિસ્તારથી સમજાવો કે લગ્ન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકાય અને તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ. એડવોકેટ સાહેબએ સમજાવવાનું શરુ કર્યુંકે લગ્ન નોંધણી માટે જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ કાયદાઓ છે અને તેના હેઠળ નોંધણી થાય જેમ કે, હિંદુ મેરીજ એક્ટ-૧૯૫૫ , ઇન્ડિયન ક્રિશ્ચયન મેરિજ એક્ટ- ૧૮૮૯, મુસ્લિમ મેરિજ એક્ટ, પારસી મેરિજ એન્ડ ડિવોર્સ એક્ટ -૧૯૩૬ અને જ્યારે એ લાગુ નાં પડે ત્યારે સ્પેશિઅલ મેરિજ એક્ટ,૧૯૫૪ હેઠળ થાય.
૨૦૦૬ થી સુપ્રિમ કોર્ટએ લગ્ન નોંધણીને ફરજીયાત બનાવી છે, લગ્ન નોંધણી કરવી અનિવાર્ય છે અને તે એક મહત્વનો ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. લગ્ન નોંધણી નો એક અલગ જ ડીપાર્ટમેન્ટ છે, નીચે પ્રમાણે ની પ્રોસીજર થી લગ્ન નોંધણી કરી શકાય છે.
લગ્ન કરવા માટે છોકરીનાં ૧૮ વર્ષ પુરા થવા જોઈએ અને છોકરાના ૨૧ વર્ષ પુરા થવા જોઈએ. લગ્ન નોંધણી કરાવા માટેનું ફોર્મ આવે છે જેમાં બધી વિગતો ભરવાની હોય છે તે વિગતો બે ફોર્મમાં ભરવી, બંને ફોર્મમાં પતિ અને પત્નીની સહી લેવામાં આવે છે, તથા લગ્ન કરાવનારની સહી એક અલગ ફોર્મમાં લેવડાવવામાં આવે છે. નીચે પ્રમાણેનાં ડોક્યુમેન્ટ આ ફોર્મ સાથે મુકવામાં આવે છે.
૧. પતિ તથા પત્ની બંનેના પાસપોર્ટ સાઈઝ નાં ફોટા.
૨. પતિ તથા પત્નીનો જોઈન્ટ ફોટોગ્રાફ
૩. પતિ તથા પત્ની બંને નું રહેઠાણનું ઓળખપત્ર.
૪. પતિ તથા પત્નીનું જન્મનું પ્રમાણપત્ર.
૫. કંકોત્રી
૬. ૨ સાક્ષીઓના ઓળખપત્ર
૭. જો પતિ અથવા પત્ની ડિવોર્સી હોય તો તેનું હુકમનામું
આમ આટલા ડોક્યુમેન્ટ લગ્ન નોંધણી કરાવવા માટે ફરજીયાત છે. બંને ફોર્મ ઉપર ૧૦૦ ૧૦૦ રૂપિયાની મેરેજ રજીસ્ટ્રેશનની ટીકીટ લગાવવી , બધા ડોક્યુમેન્ટ નોટરાઈઝ કરાવવા, પતિ પત્ની બંનેની સહી તથા સાક્ષીઓની સહીઓ લેવી, અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવા માટે રજીસ્ટ્રાર પાસે પતિ તથા પત્ની બંને એ હાજર રહેવું ફરજીયાત છે, ફોર્મ સબમિટ કરતી વખતે તેની ફી ભર્યા બાદ તેઓ ફોર્મ સ્વીકારે અને ત્યારબાદ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવે છે અને આ ખુબ જ અગત્યનું છે. જેમ હિંદુ શાસ્ત્રોક્ત વિધી જેટલી જરૂરી છે તેટલું જ લગ્ન નોંધણીનું પણ મહત્વ છે. મેરિજ સર્ટિફિકેટ ઘણી જગ્યાઓએ કામ આવે છે જેમ કે નવી સરનેમ સાથે બેંક એકાઉન્ટ ખોલાવવું, નવા નામ સાથે પાસપોર્ટ અથવા અન્ય કોઈ પણ પૃફ માટે અને કાયદાકીય રીતે લગ્ન તો જ માન્ય ગણાય જો તેની નોંધણી કરાવેલ હોય.
એડવોકેટ સાહેબની વાત સાંભળીને શિવમ અને સંધ્યા બંનેને કૈક નવી જ જાણકારી મેળવી તેવું લાગ્યું અને તેઓએ કહ્યું કે અમારે લગ્ન નોંધણી કરાવવી જ છે જેથી અમને ભવિષ્યમાં કોઈ તકલીફના પડે, તેઓએ કહ્યું કે અમે બે જ દિવસમાં બધા ડોક્યુમેન્ટ્સ આપી જઈશું અને લગ્નના પછીના દિવસે આપણે રજીસ્ટ્રેશન કરાવવા જઈશું. ત્યાંથી નીકળ્યા બાદ શિવમ અને સંધ્યાને એક ભાર ઉતરી ગયો હોય તેવું લાગતું હતું. શિવમએ સંધ્યાને કહ્યું કે આપણા લગ્ન થશે એટલે તું હિંદુ શાસ્ત્રોક્ત વિધી થી તો મારી પત્ની બનીશ જ પણ તેના ઉપરાંત લગ્ન નોંધણી થશે એટલે કાયદાકીય રીતે પણ તું મારી પત્ની બની જઈશ. એટલે સંધ્યાએ કહ્યું કે હા આપણે કાયદાકીય રીતે આટલા જાગૃત તો હોવા જ જોઈએ અને ભવિષ્યમાં આપણા મિત્રોમાં પણ આપણે આ જાગૃતતા લાવીશું.
મિલકત ખરીદતા પહેલા
અમિત અને તેના પપ્પા હસમુખભાઈ અમારી ઓફિસે આવીને બેસ્યા, બન્ને થોડી મુંજવણમાં હોય તેવું લાગ્યું. તેમનો પ્રોબ્લેમ એવો હતો કે તેમને એક ફ્લેટ ખરીદવો હતો અને એક ખુલ્લી જમીન ખરીદવી હતી પણ અત્યારે મોટા પ્રમાણમાં થતા ફ્રોડના લીધે એ લોકો ડરતા હતા કે આપણે પણ આવા ફ્રોડના ભોગ નાં બનીએ અને મિલકત ખરીદતા પહેલા કોઈ વકીલની સલાહ લઇ લઈએ. હસમુખભાઈ એ કહ્યું કે મેડમ આ વિષય અમારા માટે નવો છે અને હું મારા જીવનમાં પ્રથમ વખત પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરી રહ્યો છું, મેં અત્યાર સુધી પાઈ-પાઈ ભેગી કરી અને હવે અમિતને પણ નોકરી લાગી છે અને એની પણ મહેનતની કમાણી તે આમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે તો અમને સમજણ આપો કે આ બંને પ્રકારની પ્રોપર્ટી ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું જેથી અમે કોઈ ફ્રોડના ભોગ નાં બનીએ.
મેં એમને જણાવ્યું કે, સામાન્ય રીતે પ્રોપર્ટી ખરીદતી વખતે આપણે ફક્ત જે તે બિલ્ડર અથવા જમીન માલિક જે બતાવે તે જ જોઈને તેના ઉપરથી નક્કી કરી લઈયે છીએ કે આ લેવાય કે નાં લેવાય, પણ દરેક વ્યક્તિએ આ બાબતે થોડી અવેરનેસ રાખવી જોઈએ.
જ્યારે તમે ખુલ્લી જમીન ખરીદતા હોય ત્યારે અમુક મુદ્દાઓ નું ધ્યાન ચોક્કસપણે રાખવું જોઈએ. જેમાં સૌ પ્રથમ તેના રેવન્યુ રેકોર્ડ જોવા પડે, ૭/૧૨ નાં ઉતારા જોવા પડે જેનાં માટે જે તે એરિયા ની સબ- રજીસ્ટ્રાર ઓફીસે થી સર્વે/બ્લોક નંબર તથા મોજે ગામ ની માહિતી આપવાથી ૭/૧૨ નાં ઉતારા મળી શકે જેમાં જમીનનો પ્રકાર, જૂની શરત અથવા નવી શરત છે એની માહિતી, ખેડ નો પ્રકાર, જે તે જમીનમાં જેના નામ ચાલતા હોય તેની વિગત તથા તે નામ કેવી રીતે ચડ્યા તેનો એન્ટ્રી નંબર દર્શાવેલ હોય છે તે જાણી શકાય.
આ ઉપરાંત જે તે સ્થળે જાત તપાસ કરીને કોઈના કબ્જા અંગેની માહિતી મેળવવી જોઈએ. ક્યારેક એવું થતું હોય છે કે રેવન્યુ રેકોર્ડમાં બીજાનું નામ હોય અને કબજો કોઈ બીજા પાસે હોય તેથી કબ્જાની જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે. જે તે સ્થળનો નકશો જોવો પણ એટલોજ જરૂરી છે જેથી જમીન ક્યા આવેલી છે તેની જાણ મેળવી શકાય. જો ખુલ્લી જમીન હોય તો તેની માપણી અવશ્ય કરાવવી જોઈએ જેથી તેનું સાચું ક્ષેત્રફળ મેળવી શકાય. જો શક્ય હોય તો ગામતળનાં નકશા મેળવીને એ પણ જોવા જોઈએ. આમ ખુલ્લી જમીન લેતી વખતે આટલી જાણકારી અને તકેદારી અવશ્ય રાખવી જ જોઈએ.
મારી વાત સાંભળીને હસમુખભાઈ અને અમિતને થોડી શાંતિ મળી હોય એવું લાગ્યું. પછી અમિતએ પૂછ્યું કે મેડમ હવે બાંધકામવાળી મકાન-મિલકત વિષે જાણકારી આપો કે શું ધ્યાન રાખવું એટલે મેં કહ્યું કે જુઓ ખુલ્લી જમીન કરતા પણ વધારે તકેદારી બાંધકામવાળી મકાન-મિલકતમાં રાખવી પડશે.તેના માટે સૌ પ્રથમ જે તે એરિયા ની સબ-રજીસ્ટ્રાર ઓફીસ માંથી સર્ચ તથા સર્ચ રિપોર્ટ કઢાવવો જોઈએ,રજીસ્ટ્રેશન એક્ટ-૧૯૦૮ ની જોગવાઈ અનુસાર કોઈપણ વ્યક્તિને કોઈ પણ મકાન-મિલકતના દસ્તાવેજોની સર્ટિફાઇડ કોપી મળી શકે છે. જેથી તે મિલકતનું હાલનું સ્ટેટ્સ ક્લીયર થાય. ત્યારબાદ તે જગ્યાની એન.એ એટલે કે નોન એગ્રીકલ્ચરલ પરમિશન મળેલ છે તે જોવું જોઈએ. બિલ્ડીંગની બી.યુ એટલે કે બિલ્ડીંગ યુઝ પરમિશન મળેલ છે કે નહિ તે જોવું જોઈએ. તે બિલ્ડીંગનાં પ્લાન અપૃવ થયેલ છે કે નહિ તે જાણવું, તે મકાન મિલકતનાં લેટેસ્ટ ટેક્ષબીલ તથા લાઈટબીલ મેળવવા જોઈએ, ત્યારબાદ જો સોસાયટી હોય તો શેર સર્ટીફીકેટ જોવું, સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો બોજો છે કે નહિ તે જાણવું જરૂરી છે જેથી ભવિષ્યમાં ત્તક્લીફનો સામનો નાં કરવો પડે. જે તે મકાન મિલકતનાં રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ ખાસ જોવા અને તેનો અપૃવ્ડ કન્સ્ટ્રકશન પ્લાન જોવો જરૂરી છે. આ ઉપરાંત વેચાણ જો કુલમુખત્યાર દ્વારા થતું હોય તો તે કુલમુખત્યારનું કુલમુખત્યારનામુ જોઈ અને તેમાં આ મકાન મિલકત બાબતે આપેલ ઓથોરીટી ખાસ જોવી. મકાન મિલકત પર અગાઉના માલિક અથવા તો બિલ્ડરએ લોન લીધી હોય તો તેનું લેટેસ્ટ સ્ટેટસ કઢાવવું તથા જો લોન પૂરી થઇ ગઈ હોય તો બેંક પાસેથી NOC મેળવવું ખુબ જરૂરી છે. જે તે મકાન-મિલકત પર કોઈ પણ પ્રકાર નો બોજો નથી તે તથા મોર્ગેજ છે કે નહિ તે જોવું જોઈએ. આમ, કોઈ પણ જમીન, મકાન-મિલકત, ફ્લેટ ખરીદતા પૂર્વે આટલી તકેદારી અવશ્ય રાખવી જેથી ભવિષ્યમાં આવનારી તકલીફોથી છુટકારો મળી શકે.