અભિશાપ
(ભાગ–૬)
વિરાજગીરી ગોસાઈ
ઋણ સ્વીકાર...
સૌપ્રથમ આ “ઈ-બૂક” ડાઉનલોડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી પ્રથમ ઈ-બૂક “નાનો અમથો ઈગો” અને “અભિશાપ” વાર્તાને અત્યાર સૂધી ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપવા બદલ પણ આપ સૌનો આભાર. સારા કે ખરાબ, પ્રતિભાવો હમેશા માર્ગદર્શકનું કાર્ય કરતા હોય છે. અત્યાર સૂધીની સફરમાં જે જે લોકોના પ્રતિભાવો મળ્યા છે તેઓનો હું અભાર માનું છું. મારી આગળ આવનારી ઈ-બૂકો પણ આપ અપનાવસો અને અમૂલ્ય પ્રતિભાવો આગળ પણ મળતા રહેશે એવી આશા સાથે...
વિરાજગીરી ગોસાઈ
ઈ-મેઈલ –
WhatsApp - +91 99099 02743
પ્રસ્તાવના
અભિશાપ વાર્તાની શ્રેણીના આ છટ્ઠા ભાગ માં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું કે માહી સાથે થયેલી ઘટના નો મુખ્ય આરોપી એટલે કે સુરેશ ખુદ જ તેના ભાઈના ઘરે હાજર થઇ જાય છે અને વાસ્તવિકતામાં જે થયેલું તેણી માહિતી બધાને આપે છે. અલબત તેને આ સમજાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે કેમ કે તેના મોટાભાઈ અને અને ભત્રીજો તેણી એક વાત માનવા તૈયાર નથી. તેમ છતાં તે તેના ભાભીના ગળામાં ચાકુ રાખીને પોતાની વાત રાખે છે. શ્રુતિ, માધવી અને માહીના પરિવારના તમા સભ્યો સત્ય જાણીને ચોંકી જાય છે. હવે બધાના મનમાં એક જ ખ્યાલ ઘૂમ્યા કરે છે કે જો સુરશે ગુન્હેગાર નથી તો આ બધું કર્યું કોને?...
અભિશાપ ભાગ- ૬
શ્રુતિ અને માધવી મહેશભાઈના ઘરેથી સીધા જ શ્રુતિના ઘરે ગયા. બપોરના લગભગ બે વાગ્યા હતા. શ્રુતિના મમ્મીએ તેઓને જમવા માટે સાદ કર્યો પરંતુ બેમાંથી એકેયને મોં માં કોળિયો સુધ્ધાં મુકવાની ઈચ્છા નહતી. શ્રુતિની સાથે હવે માધવી પણ માહી સાથે ઘટેલી એ ઘટનાના વિચારે ચડી ગઈ હતી પરંતુ સાથે સાથે તે વાસ્તવિકતામાં જ રહેવામાં માનતી હતી. શાંતિથી બેઠેલી શ્રુતિ ને અચાનક કાઈક યાદ આવ્યું અને “ચાલ માધવી” બોલીને ઉભી થઇ ગઈ.
“ચાલ મતલબ? ક્યાં જવું છે અત્યારે? ટાઈમ તો જો” માધવી જબકીને વિચારોમાંથી બહાર આવી અને પૂછ્યું.
“આપણે પેલી ગીફ્ટ આર્ટીકલની દુકાન માં જઈએ” શ્રુતિ બોલી.
“ગાંડી થઇ ગઈ છે? ત્યાં જઈને શું પૂછીશ? એમ કે અહિયાં કોઈ એવું માણસ હતું જે માહી અને તેના કાકાને ઓબ્સર્વ કરી રહ્યું હતું?” માધવીએ ભાર મુકીને કહ્યું, “કોઈ ગાંડા સમજશે આપણને”
“પણ આપણે.....” શ્રુતિ કાઈ બોલે એ પહેલા જ માધવીએ તેને રોકી અને બોલી, “આજે નાઈટ શીફ્ટ કરવાની છે, અત્યારે તું સુઈ જા. હું પણ ઘરે જઈને સુઈ જાઉં છું. રાત્રે મળીયે”
“અરે બેટા તું જમીને જા, પછી ઘરે જઈને સીધી સુઈ જજે” શારદાબેન આવીને બોલ્યા.
“ના આન્ટી, હું નીકળું છું. પછી આવીશ” બોલીને માધવી ઉભી થઇ.
“પણ બેટા, જમવાનું તૈયાર જ.....” શારદાબેન વાક્ય પૂરું કરે એ પહેલા જ માધવી તેમને પગે લાગીને નીકળી ગઈ. શ્રુતિ પણ જમ્યા વગર જ તેના રૂમ માં જતી રહી. તે પોતાના રૂમની બારીમાંથી સામેના ઘરમાં ઝઘડતા એક પતિ પત્ની ને જોઈ રહી અને માનવ સબંધમાં ઉત્પન્ન થતી ગેરસમજ વિશે વિચારવા લાગી. કેવું લાગે જયારે તમારા જ કોઈ અંગત તમારો વિશ્વાસ ના કરે ? કદાચ એ પરિસ્થિતિ સૌથી કઠીન હોય છે જયારે કોઈ ત્રીજું વ્યક્તિ આવીને તમારા અંગત વ્યક્તિના કાન ભરી જાય અને તમારે તેઓને તમે સાચા છો એવું સાબિત કરવું પડે. તેણી વિચારી વિચારીને કંટાળી ગઈ કે આખરે કોણ હશે જેણે આવું કર્યું હતું? શું સુરેશ સાચું બોલતો હતો? કે પછી તે પણ પોતાને બચાવવા માટે કાલ્પનિક વાર્તા ઘડી રહ્યો હતો? તેણીએ જોરથી બારી બંધ કરી અને બધા વિચારોને બાજુમાં ધકેલીને પોતાના બેડ પર ચાદર ઓઢીને સુઈ ગઈ.
*****
“બપોરે ઉંઘી નથી કે શું?” રાત્રે હોસ્પીટલમાં પ્રવેશતી વખતે શ્રુતિની લાલ આંખો જોઇને માધવી બોલી, “યાર શ્રુતિ, થોડું વાસ્તવિકતામાં જીવવાનું શીખ”
“એવું નથી યાર, મને ખબર છે કે આપણા વ્યવસાયમાં આમ ઈમોશનલ થઈને કામ ના થાય પણ ...” શ્રુતિ થોડું અટકી અને બોલી, “પણ તે છોકરીના વિચારો મારા મગજમાંથી જતા જ નથી”
“કઈ નહિ, ટાઈમ જતા બધું ઠીક થઇ જશે પરંતુ હમણાં તું તારી એકાગ્રતા કામ માં લગાવ” માધવીએ હાજરી પત્રકમાં પોતાની સાઈન કરતા કહ્યું.
“હમમ” શ્રુતિએ કહ્યું અને સાઈન કરી અને બંને અંદર જતી રહી.
રોજ પ્રમાણેનો રાઉન્ડ પૂરો કરીને શ્રુતિ રીસેપ્સન પર આવીને બેઠી. થોડીવાર પોતાના મોબાઈલમાં મેસેજ વગેરે ચેક કર્યા અને પછી હોસ્પીટલના દર્દીઓની ફાઈલો કાઢવા લાગી. બધી ફાઈલો ટેબલ પર મૂકી અને તેમાંથી માહીની ફાઈલ તેણીએ ખોલી અને ફરી ફરીને એજ બધી માહિતી વાંચવા લાગી.
“પાછુ શું કાઢીને બેઠી તું?” માધવી પણ તેનો રાઉન્ડ પૂરો કરીને આવી.
“કાઈ નહિ, આ માહીની ફાઈલ જોતી હતી જસ્ટ”
“આમાં શું મળશે તને? આ માહિતી તો એ લોકોએ આપી હશે જેઓ તેણીને અહી લાવ્યા હતા” માધવી બોલી અને શ્રુતિની બાજુમાં બેસી ગઈ, “અને આમ પણ આ કામ પોલીસનું છે, તું શા માટે સીઆઈડી બને છે?”
“પણ સુરેશને તો પોલીસ ખુદ જ શોધી રહી છે. સાચી વાત તો ફક્ત તને, મને અને માહીના પરિવારને જ ખબર છે”
“તો સુરેશ પોલીસ પાસે ખુદ જ હાજર થઇ શકે ને?”
“તું મારા ઘરેથી નીકળી પછી મારી સુરેશ સાથે વાત થઇ હતી આ જ બાબતે પરંતુ તે પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર નથી” શ્રુતિએ ફાઈલ બાજુમાં મૂકી અને બોલી.
“કેમ?” માધવી ચોંકી.
“એ એવું કહે છે કે લોકોનો પોલીસ પ્રત્યે આક્રોશ જોઇને આ કેસમાં હવે પોલીસ પર રાજનેતાઓનું પણ દબાણ વધી ગયું છે એટલે તે હાજર થશે તો પહેલા તો પોલીસ તેને અંદર જ કરી દેશે અને પછી તેને એવું સાબિત કરવામાં વર્ષો લાગી જશે કે તે ગુન્હેગાર નથી”
“હમમ, એ પણ છે. પણ સુરેશ સાચું બોલે છે એની શું ખાતરી?” માધવીએ એ જ પ્રશ્ન કર્યો જેના વિશે શ્રુતિ સતત વિચારી રહી હતી.
“મેં ઘણું વિચાર્યું આ વિશે માધવી, પણ ખબર નહિ કેમ મને સતત એવું લાગ્યા કરે છે કે સુરેશ સાચું જ બોલી રહ્યો છે. અલબત મારી પાસે કોઈ માપદંડ નથી”
“આજકાલ લોકોના દીમાગ માં શું ચાલી રહ્યું છે એ જાણવું ખુબ જ અઘરું છે શ્રુતિ અને એમાં પણ....” માધવી આગળ કાઈ બોલે એ પહેલા એક જોરદાર વીજળી નો કડાકો થયો અને તે બંને ધ્રુજી ગઈ. તે બંનેએ ઉભી થઇ ને બહાર જોયું તો ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હતો અને સતત વીજળી ના કડાકા થઇ રહ્યા હતા. તે બંને પાછી રીસેપ્સન પર જઈને બેસી ગઈ.
“યાર માધવી, ઘણીવાર આપણે શું કરવા માંગતા હોઈએ અને શું થઇ જતું હોય છે નહિ?”
“હા, એ તો છે પણ તને વળી શું યાદ આવ્યું અત્યારે?”
“કાઈ નહિ. આમ જો ને આ માહીના પપ્પા સાથે પણ કેવું થયું? તેમની ઈચ્છા તો ફક્ત માહીને સરપ્રાઈસ આપવાની જ હતી અને તેઓના એ નિર્ણય નું શું પરિણામ આવ્યું? તેઓએ કલ્પના પણ નહિ કરી હોય કે તેઓની કિસ્મત જ તેમને સરપ્રાઈસ આપશે, જે માહીને સરપ્રાઈસ આપવા તેઓએ પ્લાન બનાવ્યો હતો તે માહીનો મૃતદેહ જ તેમને ચોંકાવી દેશે. દિવસ રાત એ બાપ કેટલું પસ્તાતો હશે તેના એ નિર્ણય પર?” શ્રુતિ બોલતા બોલતા નિસાસો નાખી ગઈ.
“જે થવાનું હોય છે તે થઈને જ રહે છે શ્રુતિ, આપણે ફક્ત નિમિત બનીએ છીએ. આ બધું આપણું ભાગ્ય જ હોય છે કે આપણે જે કિસ્સા કે ઘટનાનો અંશ બનવાનું હોય છે તેની સાથે ગમે તેમ કરીને જોડાઈ જ જતા હોઈએ છીએ” માધવી બોલી.
“પણ એવું શા માટે?”
“એવું એ માટે કે જેથી કરીને આપણે જયારે નવરાધૂપ બેઠા હોઈએ ત્યારે વિચારી શકીએ કે મારી સાથે જ આવું શા માટે?” માધવી બોલી અને હસવા લાગી અને તેણીએ શ્રુતિને પણ હસવા માટે મજબુર કરી. માધવી ના મુખેથી વધુ સમય સુધી ગંભીર વાતો નીકળવી શક્ય નહતી અને તેના કાન પણ આવી વાતો માટે ટેવાયેલા નહતા જેથી તે હમેશા જ મજાક કરીને વાત ફેરવી નાખતી.
“વાતો ઘુમાવતા તો કોઈ તારી પાસે શીખે માધવી” શ્રુતિ પણ ચહેરા પર સ્મિત ફરકાવતા બોલી. જવાબ માં માધવીએ ફક્ત આંખ મીચકાવી. અચાનક એમ્બુલેન્સના સાઈરન નો અવાજ તે બંને ના કાને પડતા તે ઉભી થઈને બહાર દોડી ગઈ. બીજી નર્સો પણ ત્યાં આવી પહોચી. એમ્બુલેન્સ સીધી જ હોસ્પીટલના મુખ્ય દરવાજા પાસે આવીને ઉભી રહી. વોર્ડબોય સ્ટ્રેચર લઈને દોડીને આવ્યા અને અમ્બુલેન્સની પાછળ ગોઠવી દીધું. અંદરથી જેને સ્ટ્રેચર પર બહાર ઉતારવામાં આવ્યો તે જોઇને શ્રુતિ બેહોસ થતા થતા બચી. તે સુરેશ હતો. તે આ જોઇને પાગલ જેવી થઇ ગઈ. તે મનોમન વિચારવા લાગી કે આખરે કેમ આ અમુક લોકો અથવા તેઓના વિચારો તેણીની સામે વારંવાર આવ્યા કરતા હતા? જેટલુ તે આ બધું પોતાના વિચારોથી દૂર રાખવા માંગતી હતી તેણી સાથે સતત એવી જ ઘટના ઘટ્યા કરતી હતી અને આ બધું ફરીફરીને તેણીની સમક્ષ હાજર થઇ જતું હતું.
“શ્રુતિ” માધવીએ જોરથી બૂમ પાડી અને શ્રુતિને વિચારોમાંથી બહાર ધકેલવા તેણીનો ખંભો જોરથી હચમચાવ્યો.
“શ...શ...શ...શ...શ ... શું... શું થયું?” શ્રુતિ થોથવાતા અવાજમાં બોલી.
“ઈમરજન્સી કેસ છે શ્રુતિ, વિચારોમાંથી બહાર આવ અને ડોક્ટરને જાણ કર ફટાફટ” માધવીએ ફરી બૂમ પાડી.
“જ..જ..જ..જ...જાઉં છું...હું.....જાઉં છું...” કહીને શ્રુતિ અંદરની તરફ દોડી ગઈ અને ડોક્ટરને જાણ કરી. થોડીવાર જ ડોક્ટર ઓપરેશન થીએટરમાં દોડી આવ્યા અને સુરેશને બચાવવાની મથામણ ચાલુ થઇ ગઈ. ઓપરેશન ચાલુ કરતા પહેલા શ્રુતિને અસ્વસ્થ જોતા ડોકટરે માધવીને શ્રુતિને બહાર લઇ જવા કહ્યું એટલે માધવીએ એવું કર્યું.
“તને થયું શું છે યાર.....? કેમ ગાંડાની જેમ બિહેવ કરે છે?” માધવીએ શ્રુતિને બહાર લોબીમાં લઇ જઈને કહ્યું. શ્રુતિ બેંચ પર બેસી ગઈ. તેના હાથ માથા પર રાખેલા હતા. તેની સાથે જે થઇ રહ્યું હતું તેનાથી તે ખુદ પણ પરેશાન હતી.
“મને કાઈ નથી સમજાતું માધવી હું શું કરી રહી છું” તે ઘણીવાર પછી બોલી શકી.
“હું એ જ કહું છું શ્રુતિ, વિચારોની દુનિયામાંથી બહાર આવ અને જો કે તારે કરવાનું શું છે અને તું કરે છે શું?”
“ચાલ આપણે અંદર જઈએ.... હું પ્રેક્ટીકલ બની જઈશ... આઈ એમ બીઈંગ પ્રેક્ટીકલ....આઈ એમ.....” શ્રુતિ બબડતી બબડતી ઉભી થઇ અને ઓપરેશન થીએટરનો દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં માધવીએ તેને પાછળથી પકડીને જોરથી બેંચ પર બેસાડી દીધી અને બોલી, “શ્રુતિ બિહેવ યોરસેલ્ફ... તું એક નર્સ છે”. શ્રુતિ કાઈ જ બોલ્યા વગર બેંચ પર બેસી રહી.
માધવીને હવે શ્રુતિની માનસિક સ્થિતિ પર શંકા થવા લાગી હતી. તેને એવું લાગી રહ્યું હતું કે માહી સાથે ઘટેલી ઘટના અને એ ઘટના સાથે જોડાયેલા પાત્રો વારંવાર શ્રુતિની સામે આવતા તેની અસર તેના મગજ પર થવા લાગી હતી. તે પોતાના કામ માં પણ ધ્યાન નહતી આપી શકતી. માધવી તેણીની બાજુમાં બેસી ગઈ અને ડોકટરના બહાર આવવાની રાહ જોવા લાગી.
વધુ વાર્તા આવતા ભાગ માં...