Charitrya Mahima in Gujarati Short Stories by Mahatma Gandhi books and stories PDF | Charitrya Mahima

Featured Books
Categories
Share

Charitrya Mahima

ચારિત્ર્ય મહિમા

લેખક

જગદીશ ઉ. ઠાકર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

૧. ગંગતરંગ (કાવ્ય સંગ્રહ)

૨. શ્રદ્ધાંજલિ (સ્વ.પૂ.પિતાશ્રીને)

૩. પુષ્પાંજલિ (શ્લોકો, પ્રાર્થનાઓ)

૪. અધ્યાંજલિ (ભક્તિ કાવ્ય ગીતો)

૫. સ્નેહાંજલિ (ચિંતન ભાવનાત્મક લેખો)

૬. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ સંસ્થા પરિચય

૭. ગાયત્રી ગીત સાગર (ભજન કિર્તનો)

૮. સ્મરણાંજલિકા (નિત્યપાઠ)

૯. લઘુકથા સંગ્રહ મૌન

૧૦. વાર્તા સંગ્રહ કલ્પના મૂર્તિ

૧૧. ચારિત્ર્ય મહિમા

બાળકાવ્ય સંગ્રહ

૧. મધનાં ટીપાં

૨. ઉડતા ફુગ્ગા

૩. મોરનાં પીંછાં

૪. વાદલડી સાથે વાતલડી

૫. ગરવાં ગીત

૬. બાળ નાટિકાઓ

૭. બાળ સંવાદ

૮. બાળ વાર્તાલાપ

૯. દેવોની દુનિયા

નિવેદન

આજના મનુષ્યોમાં સદ્‌ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ. સારા ચારિત્ર્યવાળા મનુષ્યો ભાગ્યેજ માલુમ પડે છે. આજના મનુષ્યો સદ્‌વ્યવહારથી વર્તે ખરા? આજના મનુષ્યોમાં દુર્ગુણોની દુર્ગંધ છે. નર્યા ભ્રષ્ટાચારમાં ખદબદતો રહે છે. ત્યાં મનુષ્યને સુચારિત્ર્યની મહત્તા ક્યાંથી સમજાય? ચારિત્ર્યવાળા મનુષ્યો છે ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્યતા રહેલી છે. માનવતા રહેલી છે. ત્યાં તે જ છે, ધન છે. સુચારિત્ર્ય વગરનો મનુષ્ય નિર્બળ છે. તેજહીન છે. ત્યાં અસત્ય છે, સ્વાર્થ છે. દંભ ને અભિમાન છે. અહીં પ્રસ્તુત વાર્તા પરથી સુચારિત્ર્યની મહત્તા માલુમ પડશે.

એક વખત ઇન્દ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઇ, પ્રહ્‌લાદ પાસે જઇ, પ્રણામ કરી કહેવા લાગ્યા. “હે રાજન મને સુખ, શાંતિ ને સંતોષ મેળવવાનો રસ્તો બતાવો” પ્રહ્‌લાદે કહ્યું “હે બ્રહ્મદેવ! સર્વ બ્રાહ્મણ દેવતાની મારી પર અપ્રતિમ કૃપા છે. તેઓ મને જિતેન્દ્રિય અને સદાચારી જાણીને સુંદર વચનો તથા ઉપદેશ આપે છે, સલાહ સૂચન પણ કરે છે, આપ જો સદાચારી બની નીતિ અનુસાર વર્તશો તો સુખ, શાંતિ તમારી પાસે દોડતી આવશે.

રાજા ઇન્દ્રદેવ પ્રહ્‌લાદને ત્યાં રહી, તેમની ભાવપૂર્વક સેવા ચાકરી કરવા લાગ્યા. આથી પ્રહ્‌લાદ પ્રસન્ન થયા. ઇન્દ્રને વરદાન માગવા કહ્યું. ઇન્દ્રએ કહ્યું કે આપ મારા પર પ્રસન્ન થયા હો તો એક ઇચ્છા પૂર્ણ કરો. મને આપનું સુચારિત્ર્ય આપો. ઇન્દ્રની સુંદર પ્રાર્થના સાંભળી પ્રહ્‌લાદ ખુશ થયા. ઇન્દ્રને વરદાન આપ્યું. વરદાન આપતાં જ પ્રહ્‌લાદના શરીરમાંથી એક તેજ નીકળ્યું. પ્રહ્‌લાદે પૂછ્યું આપ કોણ છો? હું સુચારિત્ર્ય છું. તમે દાનમાં દીધું તેથી તેની પાસે જાઉં છું. સુચારિત્ર્ય જવાથી બીજું તેજ પ્રહ્‌લાદના શરીરમાંથી નીકળ્યું. તેને પૂછ્યું તો કહે હું ધર્મ છું, જ્યાં સુચારિત્ર્ય રહે ત્યાં હું રહું છું. તેથી જાઉં છું. આમ ધર્મના ચાલી જવાથી પ્રહ્‌લાદના શરીરમાંથી સત્ય ચાલી ગયું. અને તે જવાથી બળ પણ પ્રહ્‌લાદના શરીરમાંથી ચાલી ગયું. તે જવાથી એક તેજના ઝગારા મારતી દેવી પણ નીકળ્યાં. પ્રહ્‌લાદે પૂછ્યું તમે કોણ છો? હું લક્ષ્મી દેવી છું. આટલા દિવસથી રહેતી પણ હવે છોડી દેવાથી જ્યાં બળ રહે ત્યાં હું રહું છું. તમે તમારા સુચારિત્ર્યથી ત્રણે લોક અને ધર્મને વશ કર્યા હતા. આમ ઇન્દ્રે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, પ્રહ્‌લાદની સેવા ચાકરીની બદલામાં પ્રહ્‌લાદનું સુચારિત્ર્ય હરી ગયા.

આમ સુચારિત્ર્ય જ્યાં નિવાસ કરે છે. ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્ય, બળ અને લક્ષ્મીદેવી અચૂક નિવાસ કરે છે. ત્યાં સુખ, શાંતિ ને સંતોષભર્યું વાતાવરણ હંમેશા મહેકતું રહે છે.

ચારિત્ર્ય મહિમાની આ લેખ માળા વિવિધ સામયિકોમાં વર્ષો પૂર્વે પ્રગટ થઇ હતી. તે આજે પુસ્તક રૂપ પ્રગટ થતાં, અંતરમાં આનંદની હેલી ઉમટી રહી છે. આ લેખ માળા વાંચનથી પ્રેરણા બોધપાઠ મળશે. તે પ્રમાણે મનુષ્ય પોતાના જીવનમાં ઉતારી, અનુસરશે તો જીવન સાર્થક બનાવી ધન્યતા અનુભવશે.

જગદીશ ઉ. ઠાકરની હાર્દિક વંદના

૩૩, કૃષ્ણ હા.સોસાયટી

૨૨ગામ વિદ્યાલય પાછળ

વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦

ફોન.નં. - (૦૨૬૯૨) ૨૩૪૮૩૩

અનુક્રમણિકા

૧. શરીરના અંગોની સંભાળ

૨. તન મનની તંદુરસ્તી

૩. બાળકોનું ઘડતર

૪. ઘરની સભ્યતા

૫. રોજીંદુ ધર્માચરણ

૬. વડીલો સાથેનું વર્તન

૭. શિષ્ટતાને પંથે

૮. સંયુક્ત કુટુંબની ભાવના

૯. સુખી દાંપત્યજીવનનાં સૂત્રો

૧૦. સદ્‌ગુણોનો થતો લોપ

૧૧. ધાર્મિક સદાચાર

૧૨. પાડોશી ધર્મ

૧૩. શાળા અને શિષ્યગણ

૧૪. સદાચારની સાથે સાથે

૧૫. માતૃભૂમિની ગૌરવ ગાથા

૧૬. ઉત્સવોની ઉજવણી

૧૭. સદાચાર ક્યાં નથી?

૧૮. સર્વ ધર્મના સદાચારનો સાર

૧૯. માનવતાને સાદ

૨૦. કેવો મિત્ર બનાવશો?

૨૧. વાણીની મહત્તા

૨૨. ચારિત્ર્યને ચોતરે

૨૩. નોકરી ધંધામાં સદાચાર

૨૪. વ્યાપારિક ધર્મોચાર

૨૫. ખેડૂત ધર્મ

૨૬. નેતાઓ નિયત બદલશે?

૨૭. પ્રવાસને પંથે

૨૮. સર્જકનું સાહિત્ય સર્જન

૨૯. પત્રકારનું કર્તવ્ય

૩૦. દાન પુણ્યને પંથે

૩૧. સદ્‌વાંચન

૩૨. ચારિત્ર્ય પતન

૧ : શરીરના અંગોની સંભાળ

સ્ત્રી અને પુરુષો પોતાના શરીરના અંગોને રૂપાળાં રાખવા જાતજાતના ક્રીમ, પાવડર, લોશન વગેરેનો ઉપયોગ કરે છે. સમાજમાં મેળાવડામાં, લગ્ન પ્રસંગે, પાર્ટીમાં કે ઓફિસમાં પોતે અન્યથી કેમ વધુ રૂપાળા દેખાય તેનો સંભારી તે પ્રયત્ન કરે છે. તેમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કેમ રૂપાળી, દેખાય તે માટે જાતજાતના કીમિયા અજમાવે છે. પણ જ્યારે સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે છે ત્યાં આગળ રૂપ ગૌણ બની જાય છે. શરીરના દરેક અંગોનું જતન કરવાની જવાબદારી સ્વીકારવી જ પડે તો જ શરીર સ્વાસ્થ્ય સારું રહે. શરીરના અંગો જેવા કે આંખ, કાન, નાક, ગળું, હાડકાં, હાથ પગ, દાંત આમ દરેક અંગની સારી રીતે માવજત કરી હોય તો સ્વાસ્થ્ય દીર્ઘાયું બની રહે. ડૉક્ટર પાસે જવાની જરૂર ન રહે

આંખની માવજત :- આંખ ન હોય તો જીવન અંધકારમય બની જાય છે. જીવનમાં અંધારું છવાઇ જાય છે. તેથી જરૂર પડે ત્યારે આળસ રાખ્યા વગર ડૉક્ટર પાસે જવું જ રહ્યું. આંખને સારી રાખવા આરામ વિરામ અને વ્યાયામ જરૂરી છે. વધુ વાંચન પછી વિરામ, અધિક જાગરણ પછી આરામ સાથે તેને ચેતનવંતી રાખવા વ્યાયામ જરૂરી છે. થાકેલી આંખો પર પામિક કરો, આંખ પર ઠંડા પાણીની છાલક મારો, આંખને વારંવાર પટપટાવો. આખમાં ધૂળ, કચરો, પાવડર, કે ક્રીમ ન જાય તેની કાળજી રાખો. આંખોને તડકાથી, ગરમીથી, પવનથી બચાવવી જોઇએ. જો તમે આંખોની બરાબર માવજત કરો નહીં તો તમને વહેલો મોતીયો, ઝામર કે અંધાપો આવવાની શક્યતા રહે છે. નંબર હોય તો ચશ્મા પહેરો. આંખને સ્વસ્થ રાખવા પોષણક્ષમ ખોરાક લો. વિટામિન એ, ડી. ખોરાકમાં વધુ લો.

કાનની માવજત :- સારી રીતે સાંભળવા માટે કાનની માવજત કરવી રહે. કાન ખોતરો નહીં. મેલ કાઢવા હેટપીન, ચાવી, પેન્સીલ કે બોલપેન કે ચૂંકનો ઉપયોગ ન કરો. મેલ કાઢનાર પાસે જ મેલ કઢાવવો. કાનમાં સણકા મારતા હોય તો ડૉક્ટરની સલાહ લઇ દવા કરો. મોટા અવાજો, રેડીઓ, ટી.વી. વોકમેનને મોટા અવાજોથી ન સાંભળો, નહિતર, બહેરાશ આવે. જ્યારે તરવા માટે જાવ ત્યારે કાનમાં પાણી ન પેસી જાય તે માટે એરપ્લગ પહેરવો હિતાવહ છે.

પગની માવજત :- પુરુષો કરતાં સ્ત્રીઓને પગની ખાસ સંભાળ રાખવાની જરૂર છે. ઊંચી એડીના વિવિધ પ્રકારના ચંપલ, સેન્ડલ પહેરતાં જોવા મળે છે. પણ તેનાથી ઘણીવાર કમરમાં, પગમા,ં પાનીનો દુખાવો થઇ રહે છે. બહુ ફીટ પગરખાથી મચકોડ આવી શકે. ઘૂંટી કાળી પડી જાય. ચામડી જાડી ને ચેતનવિહિન થઇ જાય. કાંકરાવાળી જમીન પર ખુલ્લા પગે ચાલવું નહીં. પગ પર વધુ વજન આવવાથી સાંધામાં દુખાવો થઇ રહે છે. બહુ લાંબા સમય ચાલવાથી કે ઊભા રહેવાથી પગમાં દુઃખાવો થઇ રહે છે. તેથી પગને આરામ મળે તેમ કરવું. જ્યારે પગ દુઃખે ત્યારે ગરમ પાણીમાં બોળી રાખવાથી દુઃખાવો કે થાક ઓછો થશે. બેઠાડું ન રહેતાં ચાલવાની આદત પાડવી સારી.

નાકની માવજત :- ઘણા લોકોને અચાનક નસકોરી ફૂંટે છે. ગરમીમાં ફરવાથી, સૂકી હવા લેવાથી કે પોતાનું લોહીનું ઊંચું દબાણ હોય તોય નસકોરી ફૂટે છે. નાકને થોડીવાર દબાવી રાખવાથી વહેતું લોહી અટકી જશે. માથે ઠંડા પાણીની ધાર કરવાથી લોહી બંધ થઇ, રાહત થશે. નાકમાં વાળ હોય તે ખાસ જરૂરી છે. આપણે જે હવા શ્વાસમાં લઇએ છીએ તેમાં ધૂળ, કચરો કે જીવાણું આવતા હોય છે, તેને વાળ અટાકાવે છે. અને સ્વચ્છ હવા ફેંફસાને આપે છે. નાકતી શ્વાસ લેવાની ટેવ પાડવી જોઇએ. નાકમાં ગમે તે નાખી ખોતરવું ન જોઇએ. નહીં તો લોહી નીકળવાની સંભાવના રહે. નાકને ગૂંગાથી કે બીજી કચરાથી જરૂર સ્વચ્છ રાખો. નાકમાં લીટ ભરી ન રાખો.

દાંતની માવજત :- સવારે ઊઠતાં જ વાસી મુખમાં સારી ફ્લોરાઇડવાળી ટૂથ પેસ્ટથી બ્રશ કરવું જરૂરી છે. સાથે કોગળા કરવા અને પેંઢાને મસાજ કરવું જરૂરી છે. દાંતમાં સડો થતો હોય, પરૂ થતું હોય તો તરત જ ડૉક્ટરની સારવાર કરવી જોઇએ. વધુ પડતું ગળપણ ખાવું હિતાવહ નથી. બાંળકોને વારંવાર ચોકલેટ, પીંપરમીટ આપી દાંત ખરાબ ન કરશો. વાંકાચૂંકા દાંત હોય તો ડેન્ટીસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવો. કેટલીક એન્ટીબાયોટીકક્સના વપરાશથી દાંત પીળા કે કાળા પડી જાય છે. દાંત અને ગાલની વચ્ચે તમાકુ પાન મસાલા છીંકણી રાખવાની મોંનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. દાંતનું ચોકઠું પહેરતા હોય તેમણે જરૂર ન હોય ત્યારે ચોકઠું કાઢી પેઢાને આરામ આપવો જોઇએ. દિવસમાં ખાધા પછી પાણીના કોગળા કરી, દાંત સ્વચ્છ રાખી,મોંની દુર્ગંધ દૂર કરવાની ટેવ પાડવી જોઇએ.

પીઠની માવજત :- આપણી ઉઠવા બેસવાની ખરાબ આદતને લઇને ક્યારેક પીઠનો દુઃખાવો થઇ આવે છે. તે દૂર કરવા માટે આપણે અમૂક રીતે જ ઊઠવું બેસવું જોઇએ. ટટ્ટાર બેસવાથી, ઊભવાથી પીઠ કે કમરનો દુઃખાવો થતો નથી. સીધી પીઠવાળી ખુરશી પર બેસવું. શરીરનું વજન જાંઘ પર, ઘૂંટણ પર અનેપગ પર આવે તે રીતે બેસવું. ડનલોપવાળા ગાદલામાં નહિં સૂતાં સાદા ગાદલામાં સૂવું જેથી કમર કે પીઠનો દુઃખાવો થાય નહિં. જો કે કેલશિયમ ઓછું હોય તો પણ કમર દુઃખે છે. એક જ સ્થિતિમાં બેસી રહેવાથી, ઉભા રહેવાથી, હદ વગરનું ચાલવાથી પણ દુઃખાવો થાય છે. જેથી શરીરને આરામ આપવો જોઇએ.

મનની માવજત :- મનુષ્યના મનનો મૂડ, મિજાજ બદલાતો રહે છે. મનને ખુશ મિજાજમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. કોઇ ટેન્શનમાં રહેવું ન જોઇએ. સદા હસતા રહો. મન એક એવું અંગ છે કે તેની અસર સમગ્ર શરીર પર પડી રહે છે. એટલે મનને યોગ્ય દિશામાં વાળી રાખવું જોઇએ. મનને માંદુ ન પડવા દો. મન જેટલું પ્રફુલ્લિત હશે તેટલું માનવ શરીર ઉત્સાહી ઉમંગી અને આશાસ્પદ બની રહેશે. મનમાં ખોટા વિચારો ન લાવવા. લાગણીશીલ મન પણ સારું નથી. મનની ઉદાસીનતાને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. મનને શક્તિ સ્ફૂર્તિમાં રાખો. રસ રુચિવાળી પ્રવૃત્તિમાં જોડી રહો. મનને ખુશ રાખવા વાતાવરણ બદલતા રહેવું. પ્રકૃત્તિથી લહેરાતાં દૃશ્યો કે પ્રકૃતિના ખુશનૂમા સાન્નિધ્યમાં લયલીન બનાવી રાખવું જોઇએ. નદી કિનારે કે પર્વતમાળા, બાગ બગીચામાં લહેરાત ફળ ફૂલ, આચ્છાદિત વનરાજી, હિમાચ્છાદિત બર્ફીલા પર્વતોને નિહાળો. તેનો ભરપૂર આનંદ માણો. છેલ્લે ઇશ્વર સ્મરણ છે જ. તેનાથી જરૂર મન હળવું થશે. મનુષ્યે ખાસ જોવાનું કે શરીરના અંગોને રૂપાળા ભલે બનાવો. પણ સાથે તે નિરોગી રહે તેવી કાળજી દરકાર જરૂર રાખજો.

અનુક્રમણિકા

૨ : તન મનની તંદુરસ્તી

“રાત્રે વહેલા જે સૂઇ વહેલા ઊઠે વીર,

ધન, બુદ્ધિ, બળ બહુ વધે, સુખમાં રહે શરીર;”

અઢળક ધન દૌલત, માલ મિલકત કરતાં સાચું ધન તો આરોગ્ય ધન છે. લાખો કે કરોડોની મિલકતોથી પણ શું? યશ કીર્તિની ધજા પતાકા ફરફરતી હોય તો પણ શું? બહોળા કુટુંબ કબિલાથી પણ શું? જ્યાં શરીર સારું ન હોય, આરોગ્ય સારું ન હોય ત્યાં ધનની કોઇ કિંમત છે ખરી?

“શરીરે સુખી તો સુખી સર્વ વાતે

શરીરમાદ્દં ખલુ ધર્મ સાધનમ્‌”

આ બધાં સૂત્રો મનુષ્યના આરોગ્યની, તંદુરસ્તીની, સુખાકારીની જ વાત કરે છે. એવું આરોગ્ય કાંઇ એમને એમ નથી આવતું. આરોગ્યમાં સર્વપ્રથમ બાબત સદાચારની છે. સદાચાર અને આરોગ્યને ગાઢો સંબંધ છે.

જે મનુષ્ય પોતાનાં સર્વ કામોમાં નિયમિત છે. તેનું જીવન સુખમય રીતે પસાર થાય છે. તેની તંદુરસ્તી સુંદર સચવાઇ, રોગોને જોજનો દૂર ધકેલી રહે છે. તે સર્વપ્રકારે ધન્ય થઇ રહે છે. જીવનમાં નિયમિત કસરત, નિયમિત આહાર વિહાર, ઊંઘ અને નિયમિત જાગરણથી મનુષ્યના શરીરને સર્વ રીતે સારું પોષણ મળી, સ્ફૂર્તિલું બની રહે છે. મનુષ્ય દિવસ દરમિયાન જે પણ કાર્ય કરે છે તેમાં સદાચાર અને ચારિત્ર્યશીલતા હોવી જોઇએ.

મનુષ્યે તાજો, પૌષ્ટિક, સુપાચ્ય અને માફકસરનો ખોરાક લેવો જરૂરી છે. ખોરાકને બરાબર ચાવીને ખાવાથી મોંનો રસ ભળે છે. તેથી તેનું બરાબર પાચન થાય છે અને સર્વ અંગોનું ઘટતું પોષણ મળી, આરોગ્ય સચવાય છે. બહું ઊંઘ કે ઉજાગરા કરવા નુકસાનકારક છે. બહુ રખડવું કે ગમે તેમ મુસાફરી કરવી શરીર માટે હિતાવહ નથી. તંગ કે ચુસ્ત કપડાં પહેરવાથી ચામડીના રોગો ઉદ્‌ભવી શકે છે. સાથે ચારિત્ર્યને પણ એ શોભાસ્પદ નથી. સ્ત્રીઓને, વિદ્યાર્થીનીઓને, યુવતીઓને એવાં તંગ કપડાં કેવાં લાગે? એમાં સંસ્કારનો મલાજો રહેતો નથી. વિનય કે વિવેક કે મર્યાદાનો લોપ થતો નિહાળી શકીએ છીએ. એવા કપડાં પહેરવાથી અંગોનાં આકર્ષણો જ એમાં તરી આવે છે. શૃંગાર ભાવ, કામુક ભાવ, વિલાસિત મનમાં ઉત્પન્ન થઇ અધમ માર્ગે વવી જવાથી, તન મનનું આરોગ્ય બગડે છે. ખૂબ ખાવાથી અપચો કે બંધકોશ થવાથી અનેક દર્દો ઉદ્‌ભવે છે. અઠવાડીએ એકવાર ઉપવાસ કરવો એમ કરવાથી અંગોને આરામ મળશે અને આરોગ્ય સચવાશે.

આંખોને ખૂબ કામ આપવાથી, તાણી તાણીને જોવાથી, વાંચવાથી કે સીનેમા, ટી.વી. આંખો ખેંચીને જોવાથી આંખોનું આરોગ્ય બગડે છે. તેને આરામ આપવો હિતકર છે રોજ નિયમિત ફરવા જવાનું રાખવું, મનને શાંત રાખવું, શરીરના પ્રત્યેક અંગોને કામ કરી રહ્યા પછી આરામ આપવો આરોગ્ય માટે જરૂરી છે. કાર્યોને નિયમિત કરવાં એમાં સદાચાર છે. ચારિત્ર્યશીલતા અને તંદુરસ્તી પણ સમાએલી છે.

સર્વકામમામં કાળજીપૂર્વકનું કામ સદાચારનો સહારો અને ચારિત્ર્યનું રસાયન હશે તો આરોગ્ય શારીરિક તંદુરસ્તી જીવનપર્યંત સાચવી શકાશે અને જીવન જીવવા જેવું લાગશે અને સ્વાર્થ, પરાર્થ કે લોકો પયોગી કાર્યો પણ થઇ શકશે અને જીવન સાર્થક્ય સાધી, સુખ શાંતિભર્યું દીર્ઘ આયુષ્ય ભોગવી શકાશે.

અનુક્રમણિકા

૩ : બાળકોનું ઘડતર

આજે નાના બાળકથી માંડી યુવાનો સ્વચ્છંદે ચઢી, ખરાબ દોસ્તોની સોબત અપનાવી, અનેક કુટેવો સાથે વ્યસનોમાં સપડાઇ, ગેરમાર્ગે વળી, જીવન વિકાસ રૂંધી, વિનાશ નોતરી રહ્યા છે ત્યારે આજના વડીલો અને મા બાપોની જવાબદારી તેમજ ફરજ બની રહે છે કે પોતાના બાળકના ઘડતર અંગે વેળાસર ચિંતિત બની, તેઓનું જીવન બરબાદ થતું અટકાવી, ઉન્નત બનાવી રહેવા કંઇક પ્રયત્નશીલ બની રહેવું જોઇએ.

કહેવત છે કે “જેવી ટેવ પાડીએ એવી પડે” નાનપણથી જ આપણે એવી ટેવ પાડીએ કે જે સર્વને અનુકુળ થઇ રહે. સાથે આપણને તેનાથી સંતોષ અને શાંતિ મળે. સદાચાર અને ચારિત્ર્યને ગાઢો સંબંધ છે. બંન્નેમાં સદ્‌ગુણો રહેલાં છે અને બંન્નેમાં કર્તવ્યપરાયણતા છે. તે જીવન ઘડતરમાં મુખ્ય ભાગ ભજવે છે.

માતા પિતાએ પોતાના બાળકોને બાળપણથી જ નમ્રતા વિવેક, નિયમિતતા, સમયપાલન, ચોક્સાઇપૂર્વકનું કામ, સેવાભાવના વગેરેના પાઠ શિખવવા જોઇએ. બાળકોનું ઘડતર ખોટા લાડ પ્યારથી નહિ, કે ખોટા ખર્ચ કર્યાથી નહિ પણ તેમને ખડતલ બનાવી, પોતાનું કામ જાતે જ કરે. વાણી, વર્તન ને વ્યવહારમાં સત્યનું પાલન કરે તે જોવું.

બાળક તો કુમળો છોડ છે તેને જેમ વાળશો તેમ વળશે. એટલે મોરું તારું, સારું ખોટું, પક્ષાપક્ષીની ભાવનાથી તેને દૂર રાખવું જોઇએ. તેનામાં અનુકરણ કરવાની ગજબની શક્તિ છે. એ શક્તિ નૈસર્ગિક છે તેથી તે પોતાની આસપાસ જેવું જોશે, જણાશે, સાંભળશે તેવું તેનું અનુકરણ કરશે, આથી વડીલો અને મા બાપની જવાબદારી બાળકોના ઘડતરની ખૂબ મહત્વની રહેલી છે. બાળકોના દેખતાં ખોટું કામ, ખરાબ અપશબ્દ બોલશો નહિ. સુંદર અને મૃદુ વાણીથી તેમની સાથે વર્તશો તો તે તેવી રીતનું વર્તન કરશે.

સાચા જૂઠના ભેદથી બાળકોને બચાવશો. બાળકોને સાત્વિક ખોરાક ખવડાવશો, ચોકલેટ, પીંપરમીન્ટ, આઇસક્રીમ ને થમ્પઅપ જેવાં પીણાંથી દૂર રાખશો. તેમનું ખૂબ લાલન પાલન ને જતન કરશો નહિ. તેમને કુદરતી જીવન જીવવા દેશો તો મોટાં થતાં કોઇ પણ મુશ્કેલીભર્યાં માર્ગમાંથી પસાર થઇ શકશે. તેઓમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કરશો કે ધાર્મિકતા સિવાય જીવન ઉન્નત બની શકતાં નથી. સુંદર વાર્તાઓથી સદ્‌ગુણો, સદાચારો અને ચારિત્ર્ય ઘડાશે. મહાપુરુષો, ઋષિ મુનિઓ, સાધુ સંતો, દેશ ભક્તો અને નેતાઓના જીવન ચરિત્રો સંભળાવશો. એવું વાંચન વંચાવવાથી તેઓ ઉન્નતપથગામી બની રહે. માનવજીવન ઘડતરમાં આવાં પુસ્તકો વાંચન પછી એમાંથી સારતત્ત્વ શોધવાને કહેશો જેથી સારાપણું તેઓના ઘડતરમાં સુંદર કામ રહેશે.

પ્રાતઃકાલે ઉઠતાં જ હરિસ્મરણ કરાવશો. થોડાક શ્લોક બોલાવશો, કંઠસ્થ કરાવશો. શાંતિપૂર્વક પ્રાર્થના કરે તેવું વાતાવરણ જમાવશો. બાળકો ઉઠતાંવેંત વડીલોને વંદન કરે તેવી ટેવ પાડશો. કહેવત અનુસાર “નમે તે સૌને ગમે” પ્રેમપંથમાં આ મહત્ત્વનો પાઠ છે. તેની વૃદ્ધિ થતાં સંસારમાં સ્વર્ગને પણ ઉતારી શકાય છે.

ઘરનાં મોટાંઓએ ખોટા વ્યસનોથી દૂર રહેવું અને ખોટી આદત ટેવ ન પાડવી જેથી બાળકો એવાં ખોટા વ્યસનોમાં ન ફસાય. વ્યસનોમાં ફસાયેલાના જીવન બરબાદ થયાના દાખલા સમાજમાં નિહાળી શકીએ છીએ. જેવું મોટા કરશે તેવું જ વર્તન નાના કરતાં શીખશે. વડિલોના સારા આચરણની અસર બાળકો પર સારી થાય છે.

કપડાંની, ખોરાકની, રહેવાની, આવવા જવાની વગેરે બાબતોમાં સાદાઇ રાખવા બાળકોને શીખવશો. આજના મોંઘવારી અને કપરા સમયમાં જીવન કેમ સાદાઇથી જીવાય તેનું શિક્ષણ આપવાથી બાળક આડા અવડા, ખોટા ખર્ચા કરશે નહિં. મોજશોખનો બહોળો ખર્ચ જીવનમાં ઝેર ભેળવે છે. જેટલો એ ખર્ચ ઓછો તેટલી આવક વધારે સમજવી.

બાળકોના દેખતાં કદીય અપશબ્દભરી કે કડવી વાણી કે દુઃખ ભર્યા શબ્દોનું ઉચ્ચારણ ના કરશો. મીઠી વાણીથી બાળકો પાસે ખૂબ સારાં કામો કરાવી શકાય. બાળકોને પ્રેમથી ભાવપૂર્વક કહો તો તેઓ તમારાં કામ કરશે જ. હા ઘરના અન્ય સભ્યોને સોંપાયેલ કામ તેમણે કરવું જોઇએ. તો બાળકો પણ અનુકરણ કરશે. તેમની ફરજ અને કર્તવ્યનું ભાન થશે. બાળકોને ખોટી રીતે જકડશો નહિં. તેને થોડી સ્વતંત્રતા પણ આપજો. તેમના વિચારથી તે કામ કરે તેવી તકો પૂરી પાડશો તો તેઓની બુદ્ધિ વિકસી રહેશે. મોટાં તરફ સહાનુભૂતિની અને ભલી લાગણી તેઓમાં ઉત્પન્ન થશે.

શેરી કે ફળિયાના બાળકોની ચકાસણી કરીને, બાળકોને તેમની સાથે રમવાને જવા દેશો. આમાં સંગ સોબત પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. “સોબત તેવી અસર” કહેવત. બાળકના મિત્ર સખી સહેલીઓના આચરણની અસર એકબીજાના ઉપર અવશ્ય થાય છે. યોગ્ય બાળકની સાથે જ એ હરે ફરે તે ખાસ જોવું.

બાળકોની નાની બાબતો ઉપર પણ વડીલોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બીજમાંથી ફણગો ફૂટી વિશાળ વટવૃક્ષ બને છે. તેવું જ બાળકોના મન ઉપર નાની મોટી બાબતોથી સારી ખોટી અસર થાય છે અને પાછળથી પસ્તાવું પડે છે. એટલે બાળકો ખોટી બાબતોમાં, વ્યસનોમાં કે કુમિત્રોમાં ન ફસાય તેની ખાસ કાળજી લેવી. પછી તેઓને બચાવવા કઠીન થઇ પડે છે. પૈસાના ગુલામ તેઓને ન બનાવશો. જરૂર પૂરતા ખર્ચના પૈસા આપજો અને તે શામાં ખર્ચ કરે છે તેની તપાસ કરજો.

આજે ટીવી જોવાની બદી બાળકોમાં ખૂબ વધી ગઇ છે. ટીવીના કાર્યક્રમોમાં સાત્વિકતાને બદલે અશ્લિલતા વધુ પેશી ગઇ હોઇ બાળકના કુમળા મગજને ગંભીર નુકસાન કરે છે. બાળકોમાં ટીવી જોવાની આદત ઘર કરી ગઇ છે. તેથી મા બાપોએ ટીવીમાં શૈક્ષણિક કાર્યક્રમો અને બીજી સારી સિરીયલ કે જે બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી બની રહે તે ખાસ જોવડાવશો. ટીવી જોવાનો સમય મુકરર કરશો જેથી બાળકોનું લેશન અને ભણતર બગડે નહિ. સારા ઉત્સવોમાં ભાગ લેવા લઇ જજો. નાના પ્રવાસોમાં કુદરતને ખોળે કે નદી કિનારે હરવા ફરવા લઇ જજો. બીજા સારા પ્રદર્શનો ભરાય તે પણ બતાવશો આથી તેમની દૃષ્ટિ વિશાળ બનશે. નવું જોવા, જાણવાની જીજ્ઞાસા સંતોષાશે.

અઠવાડિયામાં મુકરર વારે, ઘરના સર્વે ભેગા મળીને શાંતિથી બેસી, ભજન કિર્તન કરજો કે ઉપયોગી વાંચન કરજો. આમ ન બની શકે તેમ હોય તો પ્રાતઃકાલે પથારીમાં બેઠા બેઠા, પ્રભુનું થોડુંક નામ સ્મરણ કરાવજો. એટલે બાળકના ઉઠતાં જ તેના મન અંતરમાં સાત્વિક ભાવના ખીલી રહી, તેની દિનચર્યા સુધરી જશે. પ્રાર્થના તો સુખી જીવન જીવવાની ચાવી છે. જીવન રસપૂર્ણ બનશે. ઇશ્વર પર શ્રદ્ધા બેસશે અને શ્રદ્ધાથી જીવનમાં અનેક કાર્યો સુલભ બની રહી, જીવન સુખ, શાંતિ ને સંતોષપૂર્વક જીવી શકાશે.

અનુક્રમણિકા

૪ : ઘરની સભ્યતા

આજે ઘરમાંથી શાંતિ ચાલી ગઇ છે. તેની જગ્યાએ કંકાશ કલેશ લડાઇ ઝઘડા ટંટા ફીસાદ સાથે અત્યાચાર અને અનાચાર ફૂલ્યો ફાલ્યો છે. સ્ત્રી, પુરુષ કે બાળકોના અંતર વ્યાકુળ વ્યાકુળ, અજંપો, મૂંઝવણ, દુઃખ, દર્દ, પીડા ને વેદનાથી વલવલી રહ્યા છે. ત્યાં આનંદ સુખની લહર ભાળી શકાય ખરી? ઘરને પ્રસન્નતાના પવનથી લહેરાવ્યું હોય તો ઘરની સભ્યતામાં પરિવર્તનમાં લાવવું પડે.

આજે ઘરની શાંતી ને સરળતા જોખમાતી રહી છે. ઘરના સભ્યોને સભ્યતાપૂર્વક, સંવાદિતાથી વર્તવું નથી. સ્વતંત્ર, સ્વચ્છંદ ને મુક્તપણે વિહરવું છે ત્યાં ભલા શાન્તિનું સામાજ્ય પ્રવર્તે ખરું?

ઘર એક મંદિર છે. મિશન છે. એમાં જો સડો પેશે તો અસંસ્કારિતા છવાઇ, ઘરનું વાતાવરણ ડહોળાઇ જાય. ઘરના સભ્યોને ઘણુ સહન કરવું પડે, ઘરના વડાનું કહેવું, માનવું, એ ઘરના સર્વ સભ્યોની ફરજ છે. સંસ્કારિતા અને ચારિત્ર્ય શીલતાની એ નિશાની છે. વડીલો કહે તે ઘરકામ ચીવટતાથી, ઉત્સાહપૂર્વક અને ફરજ સમજીને મર્યાદિત સમયમાં પૂર્ણ કરવું. શાન્તીપૂર્વક વાતચીત કરો, ઘરના કામમાં કરકસર કરવી એ ઘરને ચલાવવાની આવડત સંસ્કારિતા છે. ઘરની દરેક બાબતમાં નિયમિતતા જાળવો. પોતાની અનિયમિતતાથી, ઘરના સભ્યે ને કશું સહન ન કરવું પડે તેની કાળજી રાખો. જો મોટેરાની સલાહ સૂચન સમજીને કામ કરશો તો સૌને ગમશો. સારી વર્તણૂંક, મીઠી ભાષા સાથે આદર સૂચક વાણી બોલો.

નિત્ય સવારે વહેલા ઊઠી, દાતણ પાણી, શૌચથી પરવારી રહો, ભોજનનો સમય સાચવો કે જેથી તેની વ્યવસ્થા કરનારનો સમય બગડે નહિં. જેને જે કામ સોંપ્યું હોય તે પૂરું કરો. વાસણ બરાબર માંજી, સાફ કરી, વ્યવસ્થિત ગોઠવી દેવા. રાત્રે મોડા સુધી બહાર ફરવું નહીં. સૂવાના સમયે ઘર ભેગા થઇ જવાથી અન્ય સભ્યોને સરળતા રહે અને ઉંઘમાં ખલેલ ન પહોંચે તેની કાળજી રાખો. રાત્રે શાન્તિપૂર્વક વાંચન, લેશન, પાઠ તૈયાર કરવા તે પણ બીજાને અડચણ ના પડે તે ખાસ જોવું. ટીવીની સારી સારી સિરીયલ મુકરર સમયે ઘરના સર્વે સાથે બેસી નીહાળો. પડોશીને ખલેલ ન પડે તેટલો ટીવીનો અવાજ રાખવો. જરૂર મુજબ જ વીજળીના દીવા બાળો. વીજળીનો દુરપયોગ ન કરો, પાણીનાં નળ ખુલ્લો ન મૂકી દેતાં, ઘર વપરાશનું પાણી ભરી નળ બંધ કરવાથી નકામું વહી જતું પાણી વેડફાશે નહીં. દરેક સભ્યોએ પોતાની ચીજ વસ્તુઓને વ્યવસ્થીત મુકવી. પાઠ્યપુસ્તકો, નોંધપોથી તેમજ સમય પત્રક યોગ્ય સ્થાને જરૂર પડે તરત જ હાથવગું થઇ રહે. ઘરની દરેક ચીજ વસ્તુઓનું સ્થાન નક્કી કરી રાખો. ચારિત્ર્ય ઘડતરમાં અને સદાચારમાં આ મહત્વનો ભાગ ભજવે છે. એમ કરવાથી સમય બગડતો નથી વેળાસર કામ પૂરુ થાય છે.

નિત્ય સવારે મા બાપ, વડીલ કે મોટેરાઓને વંદન કરવાની નાનાઓ સાથે પણ સારું અને હાસ્યપૂર્વકનું પ્રેમાળ વર્તન રાખો. હસતુ મુખ ગમે છે. હસતે વદને સૌના આજ્ઞાંકિત બની રહો. જીવનને જીવવાની અને આગળ વધવાની આ ચાવી છે. પ્રત્યેક કામ સરળતા પૂર્વક, વેળાસર પૂર્ણ થઇ શકે તેવું આયોજન કરો, સરળતામાં જ સિદ્ધિ સમાયેલી છે. ઘરના કોઇ પણ કામને ગૂંચવાડામાં નાખશે નહિં. ઘરના એક સાચા અંગ થઇને જ રહો. ઘરમાંનો કકળાટ કે ક્લેશ એ અસંસ્કારીતાની નિશાની છે.

મહેમાનો કે સગાં વહાલાં ઘરે આવે તો તેઓની હસતે વદને આગતા સ્વાગતા કરજો. આત્મીયભાવથી તેમની સાથે વર્તન, વાતચીત અને વ્યવહાર કરજો જેથી તેમને અતડાપણું ન લાગે. ઘરનું કરીયાણું, દૂધ, ઘી, શાકભાજી વગેરે લાવવામાં મદદ કરજો એને માટે ચોક્કસ સમય નક્કી કરી રાખવાથી અગવડ ન પડે. ઘરની છુપી કે ખાનગી વાતને ઘરની બહાર ન જાય તેની ચીવટ રાખજો. કહેવત છે “ઘર ફૂટે ઘર જાય” ઘરના બારી બારણાં, કબાટોને સાચવીને ઉઘાડ વાસ કરો, ઘરના કામની વહેંચણી થાયતેમાં તમારી ફરજ સમજીને અવશ્ય કામ કરજો. ઘરમાંના નાનાને ખિજવશો ને નકામાં ટોળા ટપ્પાં કરશો નહીં.

ચારિત્ર્યશીલતા અને સદાચારમાં જ ઘરની શોભા સમાયેલી છે. ઘરમાં કોઇના મન ઉંચા ના થાય તે ખાસ જોશો. ક્રોધાવેશમાં બોલવાનું થાય તો અન્નને તરછોડશો નહિં. ભૂલ સમજાતાં માફી માંગીને પ્રસંગને બદલવાનું કરશો. ઘરના સર્વે સભ્યોનું સદાય કલ્યાણ થાય તેવા અંતરે ભાવના રાખજો. ઘરનો કંકાશ પડોસી પર પણ અસર કરે છે. અને માટાં પરિણામ ભોગવવા પડે છે. સહનશીલતા હૈયામાં રાખવાથી કેટલાય અનિષ્ટો દૂર થાય છે. ઘરની સંવાદિતા સચવાય છે. ગૃહકાર્ય કે ગૃહઉદ્યોગમાં ઘરનાને સાથ સહકાર આપશો. તો ઘરની તેજસ્વીતા અને ચારિત્ર્યતાની મહેક પ્રસરી રહેશે. જે ઘરમાં શાન્તિપૂર્વક કામકાજ થાય છે, જેમાં સ્ત્રીઓ અને બાળકો પ્રત્યે પ્રેમભાવ અને સમદૃષ્ટિ રહે છે. ત્યાં ઘર સ્વર્ગ સમાન બની રહે છે, લક્ષ્મીનો વાસ થઇ રહે છે. સુખ શાન્તિ ને સંતોષપૂર્વક ઘરના સર્વ સભ્યોનું જીવન પસાર થઇ રહે છે.

અનુક્રમણિકા

૫ : રોજીંદુ ધર્માચરણ

મનુષ્ય પોતાનું રોજીંદુ જીવન ધર્માચરણ પ્રમાણે જીવી રહે તો ઘણા પ્રશ્નો હલ કરી શકે છે. મનુષ્યે સવારે ઉઠતાં વેંત પથારીમાં જ પ્રભુનું નામ સ્મરણ કરીને દૈનિક જીવન શરૂ કરવું. માનસમાં સારા વિચારોનો આવિર્ભાવ થતાં જ મન અંતર પ્રાણ પ્રફુલ્લિત બની રહે જે આખા દિવસની કામ કરવાની તાજગી પ્રદાન કરે છે.

શૌચ કર્મ કર્યા પછી સાબુથી સારી રીતે હાથ પગ ધોઇ, દાતણ કરવું, આધુનિક જમાનામાં બાવળના કે લીમડાના દાતણ જવલ્લે જોવા મળે છે. તે દાતણથી દાંતનું આરોગ્ય સારું રહે છે. પણ તે દાતણ ન મળતાં કોઇ સારી કંપનીની ટુથપેસ્ટ અને બ્રસથી દાંત સારી રીતે સાફ કરી ઉલ ઉતારી કોગળા કરી મુખ સ્વચ્છ બનાવી, સાકર નાંખેલ ગરમ કરેલ દૂધ પીવું તંદુરસ્તી માટે હિતકારી છે. અત્યારે તો ઉઠતાં જ ચા પીવાની ટેવ આદત પ્રથા કે વ્યસન થઇ ગયું છે. તેથી એક જ કપ ચા પીવી. ઘણા તો બે ચાર મોટા ગ્લાસ ગઢગટાવી જાય છે. જે તંદુરસ્તી માટે લાભકારક છે.

શરીરને સ્વચ્છ કરવા સ્નાન કરવું અતી આવશ્યક છે. સ્નાન કરવાની પણ કલા છે. શરીરના પ્રત્યેક અંગ અવયવને સાબુથી ચોખી ઘસીને મેલ કાઢી સ્નાન કરવું જોઇએ. સ્નાન કરતાં ઘણા પાણીનો નળ ખુલ્લો રાખી, બગાડ કરતાં હોય છે તેવા વ્યાજબી નથી. જળ તો જીવન છે. તેથી તેને સાચવી ને વાપરવું જોઇએ. સ્વચ્છ ટુવાલથી શરીરના પ્રત્યેક અંગ સાફ કરવા એકની ચામડીનું દર્દ બીજાને લાગી શકે છે. તેથી દરેકના ટુવાલ અલગ હોય તો સારું. સ્નાનગૃહ પણ સ્વચ્છ રાખવું જોઇએ. પહેરવાના કપડાંની વ્યવસ્થા કરી રાખવી. સ્નાનગૃહમાં વધુ સમય ન લેવો. બીજાનો પણ ખ્યાલ રાખવો જોઇએ. રીવાજ હતો કે સ્નાન કરતાં પહેલાં તલના તેલની માલિસ કરવામાં આવતી. ચણાના લોટથી શરીર ચોળતા આથી ચામડીના છીદ્રા સાફ થઇ તાજગી પ્રદાન થતી શરીર હલકુ ફૂલ બની, શાંતી તેમજ આહ્‌લાદકતાની અનુભૂતિ થાય. માલિસ આરોગ્ય માટે સારી છે...

સ્નાન કર્યા પછી ઘરના દેવમંદિરમાં ઘીનો દીવો અગરબત્તી પ્રગટાવી પ્રભુ પ્રાર્થના કરવી. મંત્ર જાપ કરવા. તેમાં થોડો સમય વ્યતીત કરી, ઘરના વડીલોને વંદન કરી નિત્ય કર્મની શરૂઆત કરવી જોઇએ.

જીવનમાં ભોજનનું ખૂબ મહત્ત્વ છે. ભોજન કરતાં પહેલાં હાથ પગ સારી રીતે સ્વચ્છ કરી, શોક ભયના વિચારો ટાળી, શાંત ચિત્તે સાત્વિક અને સાદું ભોજન કરવું જોઇએ. તળેલી અને મસાલાથી ચમચમાટવાળી ચીજો વધુ પ્રમાણમાં ખાવી સારી નથી. તે શરીરને નુકશાન કરે છે. સર્વ પ્રથમ બ્રહ્માર્પણ કરજો અંજલિ છાંટજો. અંજલિભેર પાણી પીને, ભાતના નાના પાંચ કોળિયા લેજો શરુઆતમાં ઇષ્ટદેવનું નામ લેજો એ અન્નથી સદ્‌બુદ્ધિ મળે, સુજન્નતા મળે, અને ચારિત્ર્યબળ વધે અને સત્કાર્યો કરવામાં અન્ન મદદરૂપ થાય તેવી પ્રાર્થના કરજો.... પાણી અને હવા માટે પા ભાગનું પેટ ખાલી રહે તેમ જમજો. બગાડ કરશો નહીં. છાં’ડવું એ તો અસંસ્કારિતા છે. અકરાંતીયું નહીં પાચન થાય તેટલો જ ખોરાક ખાવો. નહીં તો વધુ પડતું ખાવાથી પેટમાં તકલિફ ઉભી થશે. કોળીએ કોળીએ પાણી પીવું હિતાવહ નથી. જમ્યા પછી સો ડગલાં ચાલજો અને સમય હોય તો ડાબે પડખે જરા આરામ કરજો નિદ્રા ના લેશો નહીતો આળશ અને પ્રમાદ આવશે. દિવસમાં બેવાર ભોજન કરજો ભોજન વચ્ચે છ કલાકનો સમય રાખજો. જેને ખાધા પછી પાન મસાલા ખાવાની ટેવ છે. બીડી પીવાની ટેવ છે તે સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. ભોજન કર્યા પછી મગજ ને તસ્દી પડે તેવું વાંચન લેખન કરશો નહીં.

રોજીંદા જીવનમાં વાતચીત પણ અગત્યનો ભાગ ભજવે છે. સ્પષ્ટ વાત પણ ધીમેથી સામેની વ્યક્તિની સમજમાં આવે તેમ કરવી વાત કરતી વખતે આપવડાઇ કે આત્મશ્લાધા કરવી એ અસંસ્કારિતા છે. સામા માણસને આપણી વાત રુચે તેનો ખ્યાલ રાખશો. પોતે જ બોલ બોલ કરવું એ અસભ્યતા છે. સામી વ્યક્તિને પણ બોલવાની તક આપવી તેને પણ સાંભળવી સત્ય અને મીઠી વાણીનો જ ઉપયોગ કરજો. અન્યની આગળ પોતાના દુઃખના રોદણાં રડશો નહીં. સ્વાર્થભરી વાત કરવી નહીં. બીજાનું હિત સચવાય તેવી વાતચીત થઇ શકે. કોઇની છૂપી વાત કરવી એવું કરવામાં ચારીત્રયહીનતા છે. ક્યારેક લડાઇ ઝઘડાં ઉભા થઇ, દૂશ્મનાવટ બંધાઇ, જાનહાનિ થઇ શકે. સર્વના હિતની, રાષ્ટ્રના હિતની ને તેના ઉત્થાનમાં તમારો કેટલો ફાળો આપો છો તે અગત્યનું છે. દુઃખી અને રોગ પીડીત માણસોને દિલાસો, આશ્વાસન દેવો તેમના દુઃખ દર્દમાં સહાયરૂપ બનો એમાં માનવતા છે. સદાચાર છે. સાત્વિકતાં છે સંસ્કારિતા છે.

ચાલવાની પણ એક કળા છે. અને ચારિત્ર્યનું અંગ પણ છે. જાહેર રસ્તા ઉપર ડાબી બાજુએ ચાલવું એ સામાન્ય નિયમ છે. ગમે તેમ વાંકાં ચૂંકા ચાલવું અસભ્યતા છે. રસ્તો ઓળંગતાં રસ્તાની બંન્ને બાજુ જોઇને કે કોઇ વાહન આવતું તો નથી ને પછી જ સામુ બાજુ રસ્તે ચાલનાર ને અગવડરૂપ ન બનાય તેમ ચાલવું. રસ્તામાં કેળાની છાલ કે એવી કોઇ લપસણી ચીજવસ્તુઓ હોય, ઇટ પથ્થર કે અગવડતી વસ્તુને રસ્તાની એક બાજુ નાંખી દેશો જેથી પોતાને તેમજ બીજાને અકસ્માત થાય નહીં. રસ્તે ચાલતાં ગમે ત્યાં થુંકવું કે લઘુશંકા કરવી એ અસંસ્કારિતા છે. નાગરીકત્વની ઉણપ છે. એવું ચાલો કે બીજા તમારી ચાલ જોઇને ખુશ થાય આનંદીત થાય.

જીવન સંગ્રામમાં વાહન વ્યવહારને અંગે પણ ખાસ નિયમો છે. તેનું આચરણ કરવાથી પોતાને કે બીજાને અકસ્માત કરતાં કે થતાં ઉગરી જવાય તેવી રીતનું પોતાનું વાહન, ગતિની મર્યાદામાં ચલાવવું જોઇએ તે વખતે ખાસ એકાગ્રપૂર્વક વાહન ચલાવવું. જો કે પંચાયત કે મ્યુનિસિપાલિટી એવા સ્થાનો પર નિશાનીવાળા પાટીયા લગાવે છે. તેનો અનાદર કરવો નહીં. ખાસ તો વાહન હંકારતા નશો ન કરવો જોઇએ. એમાં ચારિત્ર્યહીનતા છે. માનવતા નથી.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઇ, રોજીંદા અનુસરી રહેવાથી કોઇ પણ મુશ્કેલી કે અગવડ પડશે નહીં. અને આખો દિવસ સુંદર રીતે પસાર કરી રાત્રે વહેલા નિંદ્રાધીન બની સવારે વહેલા ઉઠવાનું રાખશો તો જીવન સરળતાથી પસાર થશે.

અનુક્રમણિકા

૬ : વડીલો સાથેનું વર્તન

આજના છોકરા છોકરીઓને વડીલો શિખામણ આપે, ઠપકો આપે તો તેઓનું માનવું કે પાળવું તેમના વર્તનમાં રહ્યું નથી. આજે વર્તમાન પત્રોમાં વાંચવા મળે છે કે ફલાણા દીકરાને તેનાં મા બાપે ભણવા માટે કે નકામો રખડતો હોવાથી કંઇ કામ ધંધા અંગે શિખામણ કે સલાહ સૂચન આપી તો ક્યાં તે છોકરાએ આપઘાત કર્યો હોય અથવા તો મા બાપની કરપીણ હત્યા કરી નાખી હોય. નવરાત્રિમાં છોકરા છોકરીઓ નવેનવ દિવસ નવાં વસ્ત્રો પરિધાન કરી, ખાણી પીણી અને મોજમજાને હરવા ફરવાની મહેફિલ માણતાં હોવાથી છોકરીઓને મા બાપે ગરબા ગાવા કે ફરવા જવાનું ના કહેતાં, વડીલો અને દીકરીઓના વિચારમાં ટકરાવ ઉદ્‌ભવી તેમના મધુર સંબંધોમાં કડવશના બીજ વવાઇ જાય છે. આમ મા બાપોની સલાહ સૂચનથી વાજ આવી જતાં અત્યારના સ્વતંત્ર મિજાજી, સ્વચ્છંદીને મુક્ત પંખીની જેમ જ હરતા ફરતા છોકરા છોકરી કર્યાં તો પોતાને જાન ગુમાવે છે. અથવા તો સાથીદાર સાથે નાસી જઇ, કુટુંબને કાળી ટીલી લગાડે છે. નુકશાન તો બંન્નેના થાય છે પણ જો છોકરા છોકરી સમજી વિચારીને વર્તન કરે તો ઘરનું વાતાવરણ આનંદ ગુલાબીથી ખીલી મહેંકી રહે.

ઘરમાં, ગામમાં અને શહેર શાળામાં આપણે ઘણા માણસોના સંબંધમાં આવવું પડે છે. સર્વની સાથે આપણું વર્તન કેવું હોવું જોઇએ એ શું વિચારણીય બાબત નથી?

જે મોટા છે, વડીલો છે. પૂજ્ય છે. એવી ભાવના અંતરે ધરી તે પ્રમાણે વાણી વર્તન ને વ્યવહાર કરવામાં આવે તો જીવન સુખના સાગરથી છલકાઇ જશે.

નમ્રતા, વિનય, વિવેક તો સો કોઇને ગમે છે. કહેવત અનુસાર નમે તે સૌને ગમે કોઇને વંદન કરવાથી આપણે કશું ખોવાનું ખર્ચવાનું કે ગુમાવવાનું છે ખરું? શાસ્ત્ર કથન અનુસાર વિવેકો દશમો નિધિ અમૂલ્ય નવ ભંડારો તો શાસ્ત્રોએ વર્ણવ્યા છે. એમા વિવેકરૂપી આ દશમો ભંડાર મૂલ્યવાન ગણાય છે.

“વનો વેરીને વશ કરે” એ કહેવત અનુભવ યુક્ત ઘણું બધુ કહી જાય છે. વનો એટલે વિનય ને વિવેકપૂર્વકની વાણી વર્તન ને વહેવાર તે વેરીને પણ વિચાર કરતાં કરી દે છે. દુશ્મનાવટના વેર ઝેરનો અગ્નિ સમાન છે બીજોને બાળે છે. અશાંતિના વમળમાં ઘૂમરાવી દે છે. આવા સમયે ધીરજને વિનય પૂર્વકનું વર્તન રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ કેવું સુંદર મજાનું ઉપવન સમુ શોભી રહે તેવું સર્વની સાથેનું નમ્રતાપૂર્વક પૂજ્ય ભાવભર્યું વર્તન કરવાથી અન્યેન્યના વ્યવહારમાં ઉત્તમભાવના સાથે રસભર્યું ને દૈવી વાતાવરણ જરૂર જન્માવી શકાય પ્રેમભાવમાં વૃદ્ધિ થશે. એકબીજાની વધારે નજીકમાં આવી ગાઢ સંબંધ બંધાઇ આત્મીયતા ઉભરાઇ રહી, એકબીજાને અવશ્ય મદદરૂપ થઇ શકાય “ઝાઝા હાથ રળિયામણા”એ કહેવત મુજબ સંયમતા પણ જામશે. સર્વના અંતરમાં આનંદ પ્રસન્નતા છવાઇ સ્નેહના અમી છાંટણા વરસી રહે.

વડીલોને માન આપવું તેમાંય મા બાપને તો ખાસ માન આપવાની નાનેરાની ફરજ છે. મોટાઓને આવકારવા આસન બેસવા આપવું એ વિવેક છે. તેમને વંદન કરવું એ વિનય છે. વયોવૃદ્ધ છે. એટલે જ્ઞાનાનુભવ છે પૂજનીય છે વંદનીય છે.

વડિલોની આજ્ઞા પાળવી એ પણ એક ફરજ છે જ મનથી હસતે વદને અને મીઠી વાણીથી અને ભાવપૂર્વક કામ કરવાથી તેમની સૂચન શિખામણ માન્યાથી અને તે રીતે વર્તવાથી વડીલોના અંતરની ભલી લાગણી આશીર્વાદની નાનેરાઓ ઉપર સારી અસર થાય છે. નાનેરાઓમાં કામ કરવાનો અનુભવ અને સેવાભાવના કેળવાય છે. કામ કરવું એ ઘસારો નથી પણ ઘડતર છે.

મોટેરાની વાણીને કદી ઉથાપવી નહીં. તેઓનું કાર્ય વાણી વગેરે અનુભવ યુક્ત હોય છે. એટલે તેમની વાણીનો તુચ્છકાર કરવો ન જોઇએ. કેટલીવાર એમ કરવાથી આપત્તિમાં આવી પડાય છે. તેમના અંતરને દૂભવવાથી પણ માઠી અસર થાય કદાચ તેમની વાણી વર્તન સાથે સહમત ન થવાય તો સમજને વિચારપૂર્વક તેનો વચલો માર્ગ કાઢવો જોઇએ તો બંન્ને ખુશ થાય. દિવસમાં થોડોક સમય ઘરકામ કરવાને માટે કે અન્ય વડીલોનો સેવાકામ કરવાને માટે ફાળવવો આંધળા કે અશક્તની લાકડી બનજો અને જરૂર પડે ધન પણ ખર્ચી જાણજો.

વડીલોની વાણીને શાંતિથી સાંભળજો. તમારા ભણતરનો કે જ્ઞાનનો ઘમંડ રાખશો નહી. પુસ્તકીય જ્ઞાન અને જીવનનો અનુભવ એ બંન્ને ભિન્ન ભિન્ન બાબતો છે. એમની સાથે જીભા જોડી તો કદીય કરશો નહીં.

શાળામાં કે ઘરમાં કે અન્ય સ્થળે વડીલોનું આગમન થતાં તેમને માન આપી સત્કારજો. વિનયપૂર્વક વંદન કરજો. આમ કરવાથી કંઇ પણ ગુમાવવાનું નથી. ઉલટું તમારા સંસ્કારી વર્તનથી વડીલોને તમારા પ્રત્યે માન ઉપજશે. તમારા વિદ્યાભ્યાસની કે કેળવણીની કીંમત અંકાશે અને વડીલનું મન આનંદિત થતાં તેમની આશિષ મળશે જુદુ. એ આશિષથી તમારું જીવન સરળ બનશે. સુખ શાંતિને આનંદથી જીવન હર્યું ભર્યું બનાવી શકાય.

અનુક્રમણિકા

૭ : શિષ્ટતાને પંથે

ભારતવર્ષની ૫૦મી સ્વાતંત્ર્ય વર્ષની ઉજવણી પ્રસંગે, હિંદની પ્રજા ક્યા માર્ગે જઇ રહી છે તેની તુલના કરવાનું મન સહેજેય થાય. આપણે ઋષિ મુનિઓ, સાધુ સંતો અને બીજા અનેક સદ્‌ગ્રંથો દ્વારા મળેલ ભવ્ય સંસ્કૃતિ વારસાને જાળવી શક્યા છીએ? “ના.” આજે પશ્ચિમી સંસ્કૃતિને રંગે રંગાઇ, સેક્સ, હિંસા ને મારફાડ ભરી ફિલ્મો સાથે ટી.વી.ના માધ્યમ દ્વારા દેશની જનતામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. સ્વાતંત્ર્યને બદલે સ્વચ્છંદતા, છેલબટાઉપણું, સ્વેચ્છાચાર, છળ કપટ, સ્વાર્થ, ભ્રષ્ટાચાર, અત્યાચાર, બળાત્કાર, ચોરી, લૂંટફાટની વૃત્તિ ફૂલી ફાલતી રહી છે. માનવ, માનવતાના મૂલ્યો ભૂલતો જાય છે ત્યારે આજના માનવ જીવનો કેવા થઇ રહ્યા છે તેની પ્રતીતિ શું થતી નથી? પ્રત્યેક માનવ જીવનમાં સુખ, શાંતિ ને આનંદ દેખાય છે ખરો? નર્યા દોઝખમાં શું આજનો માનવી જીવતો લાગતો નથી? માનવમાં વિનય, વિવેક, ચારિત્ર્યશીલતા રહી છે ખરી? જીવનની નાનામાં નાની વાત પણ અતિ ઉપયોગી છે. તેની સમજપૂર્વકની ગણના કરી, વર્તન વ્યવહારમાં વર્તવામાં આવે, જીવનમાં ઉતારવામાં આવે તો તેનો શિષ્ટાચાર થયો ગણાશે. અન્યને ગમશે અને કાર્ય કરનારને લાભ કર્તા થશે.

સર્વ પ્રથમ ધર્મનો આચાર છે. આ આચાર, સદાચાર જીવનમાં વણાઇ જવાં જોઇએ. આપણે અન્ય પાસે પોતાને ગમતું વર્તન રાખવા ઇચ્છતા હોઇએ તો પોતે પણ તેવું વર્તન કરવું આવશ્યક છે. આચારનું પ્રતિબિંબ પડ્યા સિવાય રહેતું નથી. સમાજના અને જીવનના વિધ વિધ ક્ષેત્રોમાં કેમ વર્તવું એ ખૂબ જરૂરી છે. તે પ્રમાણે વર્તન કરાય તો અવશ્ય શાંતિ પમાય, વિકાશશીલ બનીને આબાદીના પંથને હાંસલ કરી શકાય. કર્મનાં મીઠાં ફળ ચાખી શકાય.

ચારિત્ર્યશીલતા, સદાચાર કે શિષ્ટાચારને માનવી જીવનમાં ઉતારે તો વ્યક્તિ અવશ્ય જીવન વિકાસ પ્રગતિ સાધી, સુખ શાંતિ આનંદ પામી શકે. સુવ્યવહાર અને કાર્ય સરળ બને એટલું જ નહીં. પણ માનવ માનવ એક બીજાના નિકટ સહવાસમાં આવી, જીવન જીવવાનું બળ મળે. એકતા સ્થપાય, ભાઇચારાની ભાવના ઉત્કટ બને. સહકારની ભાવના ઉત્પન્ન થશે.

વિદ્યા ક્ષેત્રે, વ્યપાર ક્ષેત્રે, ધંધા ક્ષેત્રે, રાજ્ય વ્યવહાર ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે પરિવર્તન લાવવું પડશે. નીતિમત્તા, ન્યાયપ્રિયતા, પ્રમાણિકતા માનવ જીવનમાં લાવવામાં આવશે તો માનવતા મહેંકતી રહેશે. જીવનબાગ લીલોછમ બની આનંદ પુષ્પો ખીલી રહેશે અને વ્યવહારમાં ધર્મ સુંદર રીતે ચાલતો રહેશે.

સદાચાર અને ચારિત્ર્ય ઘડતરમાં મદદરૂપ બને તેવાં પુસ્તકોનું વાંચન, મનન ને પ્રચાર થાય એ ખૂબ જરૂરી છે. કોઇને કોઇ પણ બાબતનું થોડું જ્ઞાન મળે તેવું કરનારને તેનું સાત્વિક ફળ જરૂર મળે જ. જ્ઞાનદાન સર્વોત્તમ છે. ઘણાને શિષ્ટાચાર શું છે, સદાચાર કેમ આચરવો તેનું સારા નરસાનું ભાન હોતું નથી. તેને જો યોગ્ય માર્ગદર્શન મળે તો તે સુપંથે વળે, ચારિત્ર્યશીલ બની, પોતાની જાતને શોભાવે. દ્રવ્યનો સદ્‌ઉપયોગ કરવાની ઘણાને આવડત હોતી નથી. તેને ગમે તેમ વેડફી, જીવન બરબાદ કરે છે. જો તે જ પૈસો સારા માર્ગે વાપરે તો સમાજોપયોગી ઘણા કાર્યો સરળ થઇ, સારા ફળ માનવ ભોગવી શકે. આપણે સર્વેએ સમાજમાં યોગ્ય પરિવર્તન લાવ્યા સિવાય છૂટકો જ નથી. દોષ કોઇનો નથી, સંજોગોનો છે. દરેક વ્યક્તિ પોત પોતાની બાબતને સમજી, વિચારીને યોગ્ય માર્ગે વળે તો દેશમાં મોટા પાયા પર શુદ્ધિ, ચારિત્ર્ય અને સદાચાર આવતાં, સાચા જીવન જીવવાનું મનુષ્યને ગમશે અને જીવન સાર્થક બનાવી શકશે.

બાળકો સંસ્કારી અને ગુણિયલ બને, યુવાનીમાં નમ્રતા આવે, વડીલો માટે માન વધે, ફૂલીફાલી રહેલ વ્યસનો દૂર થાય, દરેકની કલા અને સૂઝ વિકાસ પામે, દરેકની વિશિષ્ટ આવડતની કદર થાય તો તેનામાં ઉત્સાહ ઉમંગમાં વધારો થાય. કુટુંબીઓમાં આત્મિયતા આવે, સભ્યોમાં એકતા દૃઢ થાય, દરેકના અંતરાયો દૂર થાય, ઘરમાં સંવાદિતા સ્થપાય, નિષ્ઠા, નિયમ ને ધર્મની દૃઢતા થાય, વ્યવહાર સુધરે, જીવન સાદગીભર્યું બને, ખોટા ખર્ચા ઘટે, રંગરાગ ને ભોગ વિલાસભર્યા જીવનમાં પરિવર્તન આવે. આપણા કુટુંબની ફૂલવાડીમાં સંસ્કારના ફૂલો ખીલી રહી તેની સૌરભ પ્રસરતી રહે. જેના સ્વાદિષ્ટ ફળ આપણે ભોગવી શકીએ. અખંડિત શાંતિ બની રહે. ચેતવાનો સમય હવે પાકી ગયો છે, દવા નહિ કરીએ તો પછી રોગ કાબૂ બહાર ગયો હશે ત્યારે મુશ્કેલી પડશે અને ઘણું મોડું થઇ ગયું હશે.

ઘર બળે ત્યારે કૂવો ખોદવાથી શું વળે?

ગજબ હાથે ગુજારીને, પછી નાસી ગયાથી શું?

સૂકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું?

જબ ચિડિંયાં ચૂગ ગઇ ખેત, ફિર પછતાયે ક્યા હોવત હૈ?

અનુક્રમણિકા

૮ : સંયુક્ત કુટુંબની ભાવના

આજે સંયુક્ત કુટુંબો ધીમે ધીમે વિભક્તા થતા જાય છે. તેનો લોપ થતો જાય છે. ત્યારે પ્રાચીનકાળની સંયુક્ત કુટુંબની આદર્શતા અને ચારિત્ર્યશીલતાની ભાવના યાદ આવ્યા સિવાય નથી રહેતી. અત્યારનો સમય અને સંજોગોમાં વિવિધ અને ભિન્ન ભિન્ન ક્ષેત્રે વિષમતા વ્યાપતી જાય છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જતી હોઇ, માણસનું જીવવું ખૂબ જ દોહ્યલું બની ગયું છે. જીવન સલામત નથી. ભૌતિક સાધનો ખૂબ વધી રહ્યાં છે. તેને પામવા માણસ શું નથી કરતો? એવે સમયે એમાંથી કેમ ઉગરવું એ જ મહાવિકટ પ્રશ્ન શું નથી?

સંયુક્ત કુટુંબનાં દૂષણો કરતાં અનેક સુખ સગવડો અને માનવીની સલામતી વધુ પ્રમાણમાં રહેલી છે. સંયુક્ત કુટુંબ એક એવી પ્રથા છે જ્યાં બાળકનું લાલન પોષણ સાથે ખૂબ સુંદર રીતે ઘડતર થતું રહે છે. સંયુક્ત કુટુંબમાં સ્નેહ પ્રેમની ઉમદા ભાવના સાથે વફાદારી અને ફરજ નિભાવવી પડતી હોય છે. સંયુક્ત કુટુંબથી સંપ અને સંઘબળ કેળવાય છે. કુટુંબ સંગઠીત હોય તો કોઇની મજાલ નથી કે તેમની તરફ કોઇ આંખ ઉંચી કરી શકે. ત્યાં નિરંતર સદાચાર અને સેવાકાર્ય જ છે. મારા પણું રહેશે નહિં. જીવનમાં રસાળતા, સરળતા, આનંદતા અને શાંતિની છોળો ઉઠતી રહી જીવન સુંદર રીતે જીવાશે.

આજના કપરા અને દોહ્યલા સમયમાં કુટુંબના સર્વ સભ્યો જો એક રસોડે જમે તો ખર્ચમાં રાહત કે બચત થઇ રહે. આજનો બેકારીનો જટિલ પ્રશ્ન પણ હળવો થઇ રહે છે કેમકે કુટુંબના અન્ય સભ્યોની આવકમાં બેકાર માણસનો, વિધવા બાઇનો કે ઘરડાં મા બાપનો પ્રશ્ન સરળતાથી હલ થઇ શકે છે. કોઇ પણ સભ્યની મુશ્કેલીમાં કે માંદગીમાં તેની યોગ્ય સેવા શૂશ્રુષા સારી રીતે થઇ શકે છે. અન્ય સભ્યોની મદદ મળી રહે છે. પ્રેમભાવનામાં વૃદ્ધિ થાય છે. એકલા કે અટૂલાપણું લાગતું નથી. ઘરના કામકાજની વહેંચણી થઇ જવાથી કામનો બોજ હળવો થશે, ઘટશે. સમૂહબળતી ગૃહકાર્ય અને ગૃહ દીપી ઉઠશે. ચારિત્ર્ય ઘડતરમાં એનો સારો ફાળો રહે છે.

એવા સંયુક્ત કુટુંબ જીવનમાં વડીલો કે મા બાપ તરફનો પૂજ્યભાવ, નાનેરાં તરફનો વાત્સલ્યભાવ, એકબીજા માટે ઉષ્માભર લાગણી, ભાવના અને પોતાપણું સાથે જીવન ભર્યું ભાદર્યું, રસ અને આનંદથી છલકતું લાગશે, જીવન જીવવા જેવું લાગશે.

જે ઘરમાં જન્મ લીધો, માતા પિતાએ અનેક કષ્ટ, દુઃખો વેઠીને તેમનું લાલન પાલન પોષણ કરતાં મોટાં કરી, ભણાવી ગણાવી, કામ ધંધે વળગાડી, પરણાવી, ગૃહસ્થ બનાવ્યાં તેવાં કુટુંબીજનોને કે વડિલોને શેં તરછોડાય? યુવાન દંપત્તિના સંસ્કાર અને કેળવણી શું લજાય નહીં?

“હું અને મારી વહુ, એમાં આવ્યું સહુ” એ કહેવત કેટલી સીમિત, બાલિશતાભરી અને સ્વાર્થપૂર્ણ લાગે છે. હા એ ખરું છે કે સંયુક્ત કુટુંબમાં રહેવાથી એવા દંપત્તિને છૂટછાટ ઓછી મળે, સ્વતંત્રતા ઉપર કાપ કે દાબ આવે પણ એ તો ક્ષુલ્લક વસ્તુ છે. એમાં સ્વાર્થ કે એશ આરામની ગણતરી ના થાય. એમાં તો કર્તવ્યપણું કે સદાચારની જ ગણતરી કરવાની હોય. માતા પિતા કે વડીલોનાં સુખ શાંતિમાં જ બીજાનું સુખ સમાયેલું છે. એવી શુભ ભાવનાથી કાર્ય થવું જોઇએ. હા...એવે સમયે ધૈર્ય અને સહનશીલતાને કેળવવી પડે એ સ્વાભાવિક છે. સહનશીલતા તો ચારિત્ર્ય ઘડતરમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. માનવીને ખડતલ અને સેવાભાવી બનાવે છે. એમાં સ્વાર્થને સ્થાને એકબીજા માટે કંઇક કરી છૂટવાની કે ભોગ આપવાની ભાવના ઉભી થાય છે. કોઇ પણ એવો બનાવ બની ગયો હોય તેને ભૂલી જઇ, ઉદારતા, ધૈર્યતા, શ્રદ્ધા, સ્નેહ પ્રેમ વગેરે સદ્‌ગુણો કેળવાય છે. આ ગુણોથી ચારિત્ર્યગઠન થાય છે. એજ ચારિત્ર્ય માનવીને ઉન્નત પથગામી બનાવી રહી, જીવન ધન્ય બનાવી રહેવાય.

અનુક્રમણિકા

૯ : સુખી દાંપત્યજીવનનાં સૂત્રો

આજે ઘણા સ્ત્રી પુરુષના લગ્નના વિચ્છેદ થયાના દાખલા જોઇ શકીએ છીએ. દહેજ ન મળતાં કે બીજી એવી નજીવી બાબતો કે સાસુ વહુના ઝઘડાને લઇને ઘણા પતિ પત્નીના છૂટાછેડા થતા નિહાળીએ છીએ. અરે પ્રેમલગ્નો સુદ્ધાં તુટતાં જોઇ શકાય છે. માનવ હૃદયોએ કાચનાં રમકડાં થોડાં છે કે પળમાં તૂટી જાય? અગ્નિની સાક્ષીએ બે હૃદયોનું મિલન થાય છે. જે ઉચ્ચ અને આદર્શ લગ્ન જીવવાનું હોય છે. લગ્ન વખતે પ્રતિજ્ઞાઓ પણ લેવડાવે છે, પ્રતિજ્ઞા લેવા છતાં પણ માણસ શ્રદ્ધા વિશ્વાસ રાખી, સુખી દંપતિ જીવન કેમ ગુજારી શકતો નથી?

સપ્તપદી સમક્ષ વર પ્રતિજ્ઞા લે છે કે “હે અર્ધાંગિની હું અપાર સ્નેહથી તને ચાહીશ અને તારી રક્ષા કરીશ, તું મારી સત્વગુણી ગૃહિણી બનજે. તારો માન મરતબો જાળવીશ. મારો જે ધન વૈભવ છે એમાં તારો પણ ભાગ છે. તું ગૃહભાર સંભાળી, મારી મંત્રિણી થજે. આપણે આનંદપૂર્વક ગાર્હસ્થ રહી, ધર્મકાર્ય કરતાં જીવન દીપાવીશું.”

કન્યા પ્રતિજ્ઞા કરે છે કે “હે વ્હાલા પતિ, હું તમારી છાયા બની, સર્વ દુઃખ સુખમાં સહભાગી બનીશ. મારો પ્રેમ ન્યૌચ્છાવર કરીશ. સત્ય અને મીઠી વાણી બોલી, ઘરની સાર સંભાળ રાખીશ. તમારી આજ્ઞા શિરોધાર્ય રાખી, સાત્વિક ભાવે કર્તવ્ય બજાવતાં ગાર્હસ્થને દીપાવીશ.”

ઉપરોક્ત ભાવનાઓ સ્ત્રી પુરુષમાં રહી છે ખરી? સંસાર સાગરમાં જીવન નૈયાને તરતી મૂકવામાં ઘણાં ભયસ્થાનો આવે છે. મનુષ્ય એ એકલો અટૂલો શોભતો નથી. સારસની બેલડી સમાન સ્ત્રી અને પુરુષ છે. સ્ત્રી સિવાય પુરુષ અને પુરુષ સિવાય સ્ત્રી બંન્ને અપૂર્ણ છે. તેઓ બંન્ને ગાડીનાં બે પૈડાં સમાન છે. પતિ પત્નીનાં દિલ એક હોવાં જોઇએ. એમાં શુદ્ધ ચારિત્ર્યની ભાવના હોવી જોઇએ. દગાને સ્થાન નથી. કોઇ પણ સંજોગોમાં એકબીજાને સાથ દઇ રહેવાથી જીવન ઉન્નત બનાવી રહેવાય.

કુટુંબમાં માતા પિતા કે વડીલોની પૂરતી સાર સંભાળ અને કાળજી રાખવી જોઇએ. “ઘર અમારું છે, અમે સર્વનાં છીએ” એ ભાવના હૈયે રાખી, વિશાળ અને ઉદાર હૃદય સાથે ઘરકામ આટોપવું. તેમાં હૂંસા તૂંસી ન હોય. અન્યની કામ ભંભેરણીમાં તણાય ન જતાં, શાંતિપૂર્વક ને મીઠાશથી અન્ય સાથેનું વર્તન હોવું જોઇએ. પતિ પત્નીએ સર્વ બાબતમાં ધીરજ અને સહનશીલતા દાખવવી જોઇએ. સંપ, સંગઠન અને સુખશાંતિ એની મેળે તણાતાં આવશે.

પતિપત્નીમાં ઉડાવપણું ન હોવું જોઇએ. દેખાદેખીનો જમાનો હોઇ, પેલીને ત્યાં ટી.વી., ફ્રીજ, ટેલિફોન, સ્કૂટર, તિજોરી, ઘરઘંટી કે વોશિંગ મશીન આવ્યા તો આપણે ત્યાં કેમ નહિં? બંન્નેએ ખૂબ સમજપૂર્વક વિચારીને પોતાની આવક પ્રમાણે જ ખર્ચ કરવો જોઇએ. નહિ તો દેવાળું નિકળી જાય. એટલે ઘરની આવકના પ્રમાણમાં ખર્ચ કરીને જીવન વ્યવહારમાં સંતોષ માનવો એ બંન્નેની ફરજ સાથે સદાચાર રહેલો છે. કોઇની પણ જાહોજલાલી જોઇ, નિરાશ ન બનવું જોઇએ. પ્રભુએ જે આપ્યું છે તે યોગ્ય છે એમ માની સંસારમાં સ્વર્ગની ખુશી લાવવા બંન્નેએ પ્રયત્ન કરવો જોઇએ.

ઇશ્વર ઉપરની શ્રદ્ધા વિશ્વાસ જરાય ના ડગવા દેવો. હરિસ્મરણને જીવનમાં સદાય સ્થાન આપતાં પોતાનું કર્તવ્ય બજાવવું અને સદાચારે દિવસો વ્યતીત કરવા. પોતાના બાળકો તરફની ફરજ હંમેશ બજાવવી રહી. તેમનો ઉછેર, લાલન પાલન, સુખ, પાન ખાન, રહેણી કરણી, વગેરે માં મા બાપનો સર્વોત્તમ ફાળો રહેવો જોઇએ. એમના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ જ રસપૂર્વક કાર્ય કરવું જોઇએ. જીવનમાં બ્રહ્મચર્યને સ્થાન આપવું. બે બાળકોમાં જ સંતોષ માનવો. પોતાની સ્થિતિ અનુસાર રહેવું. પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવાથી તંદુરસ્તી જળવાઇ રહે છે. બાળકોમાં ધાર્મિકતા આવે તે માટે ધાર્મિક કાર્યો, ભજન કિર્તન સમૂહમાં કરવા. આમ થતાં પરમાત્મા દિલમાં ઉતરશે અને સુખી કુટુંબના લ્હાવા લેવાશે. પાડોશીઓ સાથે અને જે કોઇ સંસર્ગમાં આવે તેની સાથે મેળ બનાવી રાખવો જોઇએ. કોઇને તરછોડવું કે કોઇનું ઘસાતું બોલવું નહિં. ચાડી ચૂગલી કે વૃથા વાતોને જીવનમાં સ્થાન આપવું નહીં.

સારાં ચારિત્ર્યશીલ અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ. કુટુંબના સભ્યો સાથે હળીમળી રહી, એકબીજાને મદદરૂપ બનવું જોઇએ. “સંપ ત્યાં જંપ” એ અનુસાર રસપૂર્વક, આનંદપૂર્વક, સુખ અને શાંતિભર્યું જીવી, જીવન ધન્ય બનાવી રહેવું એ સુખી દંપતિની નિશાની છે.

અનુક્રમણિકા

૧૦ : સદ્‌ગુણોનો થતો લોપ

રોજીંદા જીવનમાં પ્રતિદિન બળ, ધન દૌલત,યૌવન રૂપ અને સુંદરતાનો ગર્વ માણસોમાં આવતો જાય છે. અને તેને લઇને ધૈર્યતા, ગંભીરતા, સમતા, સહનશીલતા, ઉદારતા અને નિર્મળ પ્રેમનો લોપ થતો જાય છે. આ લોપ થવાને કારણે સદ્‌ગુણો હોય તો પણ માણસનું કંઇ પણ મહત્વ રહેતું નથી.

સાધુ સંતો, મહંતોના જીવન ઝરણામાંથી, રામાયણ મહાભારત વગેરે ધાર્મિક ગ્રંથોમાંથી કંઇક બોધ પાઠ મેળવી, જીવનમાં ઉતારી, રોજબરોજનું જીવન ઉન્નત બનાવવા પ્રયત્ન કરવો જોઇએ. પણ અહંકાર એ એવો દુર્ગુણ છે કે જેનાથી મનુષ્યના રોજીંદા સદ્‌ગુણોનો નાશ થતો જાય છે. અને તેની જગ્યાએ વિકારો ઘૂસી રોજીંદા જીવનમાં માત્ર પોતાનો સ્વાર્થ પોષવા પ્રયત્ન થતો રહે છે. આ સૃષ્ટિ ઇશ્વરે રચેલી છે. સૌ પ્રાણીમાત્ર પોતાની જીવન જરૂરિયાતને પ્રાપ્ત કરે છે. સાથે જોઇતું ધન, દૌલત, બળ, સુંદર સ્વાસ્થ્ય પણ મેળવે છે. પણ તેને ખોટી રીતે વેડફી ન દેતાં સદ્‌ઉપયોગમાં લગાવવું જોઇએ. સયમિત રીતે રોજીંદુ જીવન જીવવું જોઇએ. રાગદ્વેષ, ઇર્ષા, વેરઝેર એ બધા ભયાનક દૂષણ છે. જો તેને કેળવવામાં ન આવે તો. જીવન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય અને કંઇકના જીવન દુઃખી થઇ બરબાદ થઇ જાય છે. પોતાની પાસે રહેલી ધન દૌલતનો જો સદુપયોગ ન થાય તો જીવન ક્લેશમય, કંટાળાજનક અને કસ વગરનું બની જાય છે. સમસ્ત દુન્યવી ભૌતિક સુખ ક્ષણિક છે. એમાં નથી સંતોષ, નથી શાંતિ કે નથી કલ્યાણ કે જીવન મુક્તિ. જો કે ભૌતિક સુખને એકદમ દૂર કરી શકવા માનવ શક્તિમાન નથી. પણ મનુષ્ય જીવનને કેળવીને ઓછાં જરૂર કરી શકાય. અને દુઃખની પીડામાંથી પીડાતા બચીએ. મનુષ્યો સાત્વિક બુદ્ધિ ધારણ કરવી જોઇએ. જેથી ભૌતિક સુખ પરની આસક્તિ ધીમે ધીમે દૂર કરી શકાય. રાજા મહારાજાઓ પાસે બળ બુદ્ધિ ધન, દૌલત મહેલ વૈભવ હતા. તેમણે તેનો ત્યાગ કર્યો ન હતો. પણ પ્રેમ. અસંગ, અલિપ્ત ભાવ, સંયમતા, ઉદારતાના સદ્‌ગુણોથી પોતાનું જીવન ઘડી રોજીંદો જીવન વ્યવહાર કરતા. તેઓ એ ભોગ પણ ભોગવ્યા છે. અને યોગમય જીવન પણ ગુજાર્યું છે.

માનવ સંસાર ઘણો લોભામણો અને લપસણો છે એટલે મનુષ્યે ખૂબ જ સાવધાનીથી વર્તી, વિચારી, ચાલવું જોઇએ. દુર્ગુણો કે ખરાબ સંગ ન થાય તે સભાન પણે રહી તેનો નાશ કરવો જોઇએ. પ્રભુમાં આસ્થા રાખીને જીવન કાર્ય કરવું જોઇએ. જે કંઇ કાર્ય થાય છે તે પ્રભુ પ્રેરીત થયા છે પણ તેમાં સાવધતા તો અવશ્ય રાખવી જોઇએ. જે મનુષ્યોના જીવનમાં સમતા, ઉદારતા, ગંભીરતા, ધીરતા હોય છે. ત્યાં અલૌલિક આનંદ જરૂર હોય છે. પણ રાગ દ્વેષાદિ અવગુણો આવવાથી ત્યાં દાનવમય દુઃખમય જીવન જીવવું પડશે. ઇર્ષાનો દુર્ગુણ મનુષ્યમાં આવી ન જાય તે ખાસ જોવું જોઇએ. કારણ કે ઇર્ષાએ કંઇકના જીવન ઝેર બનાવી બરબાદ કર્યા છે. કુસંપ અને ક્લેશમય વાતાવરણ ઉભું કરી અશાંત અને અજંપા ભર્યું જીવન જીવવું પડ્યું છે. સદ્‌ગ્રંથો વાચવાંથી તેનું ફળ મળતું નથી. તેમાંનો સદ્‌ ઉપદેશ તથા બોધનું મનન કરી જીવનમાં ન ઉતારો ત્યાં સુધી કાંઇ ફળતું નથી. વળતું નથી,

આજે મનુષ્યનું ચારિત્ર્ય ખૂબ કથળી ગયું છે. નબળું પડી ગયું છે. મનની પવિત્રતા, શુદ્ધતા, નિર્મળતા ચાલી ગઇ છે. કે કોઇની બહેન દિકરી પર પવિત્ર, નિર્મળ દૃષ્ટિ હોતી નથી. પડતી નથી. વ્યવહારમાં કે વાતચીતમાં પણ શુદ્ધતા નથી. વ્યભિચાર જ નીતરતો નજરે પડે છે. વિલાસિતાના જ દર્શન થાય છે. વિશ્વાસનીયતા ગુમાવી છે.

રોજીંદા જીવનના નિયમ પણ અમર્યાદિત થઇ ગયા છે. મનુષ્યની સ્થિતિ પશુ પંખી કરતાં પણ ક્યાંય બદતર છે. ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં ઓટ આવી છે. બાહ્યડંબરમાં જ ભક્તિને ખપાવવા પ્રયત્ન થાય છે. કુટુંબમાંથી જો સંસ્કારનું સિંચન થાય શાળા મહાશાળામાં તેનું ઘડતર થાય અને સમાજમાં તેનું ચલણ શરૂ થાય, તોજ પૃથ્વી સ્વર્ગ સમાન બને. સંતો મહાત્માઓ ધરા પર વિચરે અને સમાજની ત્રિવિધ વ્યાધિને દૂર કરવા પ્રયત્ન કરે, તો જ જે આજની દરિદ્ર પરિસ્થિતિ દયાજનક સ્થિતિમાં પરિવર્તન આવે. મનુષ્યની સ્થિતિ પશુપંખી કરતાં પણ ઘણી કરુણાજનક છે. તે ધન અને ભોગની પાછળ ગાંડો બન્યો છે. મનુષ્યને સાચી સમજ નથી. કે સાચા સુખ શાંતિ ક્યાં રહેલા છે.

આજનું કલુષિત કૌટુંબિક જીવન દિવસે દિવસે વધુ કરુણાજનક બનતું જાય છે. ઐકત્વની ભાવનામાં ભાગલા પડી નોખા બની રહ્યા છે. કુટુંબ પ્રત્યેની પ્રેમાળ લાગણી તૂટતી જાય છે. પતિ પત્ની અને બાળક એ જ પોતાનું કુટુંબ માની રહે છે. એક જ ઘરમાં બાપ દિકરો નોખા ચૂલે જીવે છે. એકબીજાના મન તંગ કરી અજંપામાં, અશાંતિમાં જીવન જીવે છે કૌટુંબિક જીવનને ઉત્તમ બનાવવા આપણા ઘરેથી જ પહેલ કરવી જોઇએ. માતા પિતાએ પોતાનાં બાળકોને સંસ્કારી બનાવવા સદ્‌ગ્રંથોનો બોધ ઉપદેશ તેમના મગજમાં ઉતારવો જોઇએ. આચારમાં લાવવા પ્રયત્ન કરવો જોઇએ. માતા પિતાએ સંયમિત રહી નિયમસર પવિત્ર જીવન જીવવું જોઇએ. અને બાળકોને જીવતાં શીખવવું જોઇએ. આજકાલના બાળકો માતા પિતાના આદેશનું કેવું પાલન કરે છે તે આપણે નજરે નિહાળીએ છીએ.તેઓનો સદંતર ઉપહાસ થતો રહ્યો છે. ઉપેક્ષા અને પવિત્ર ભાવનો અભાવ જોવામાં આવે છે. ઘરના વડીલો સાથે કેમ બોલવું, ચાલવું વગેરેની શીષ્ટતાનો લોપ થતો જાય છે. ધન દૌલત માટે પિતા પુત્ર, ભાઇ ભાઇમાં મેળ બેસતો નથી. ઇર્ષા, વેર ઝેર ઝઘડાને સ્થાન મળે છે. તેમાંથી અલગતા, અસંગતતા, અલિપ્તતતા અનુભવાય છે.

આજે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું અંતર વધતું જાય છે. શિષ્ટાચાર, સદાચાર અને વિવેક, મર્યાદા ક્યાં ભળાય છે? બંન્ને ને પોતાની રીતે જીવવું છે. બંન્ને પોતાનો માન મોભો રાખવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીને વાંચવું નથી, હડતાલ પાડવી છે. અને પરીક્ષા લીધા સિવાય ઉપલા વર્ગમાં ચઢવું છે તેવું જ શિક્ષકનું છે. તેઓ પણ પોતાના સાચા કર્મ વિશે સભાન નથી. પોતાનું ગુજરાન ચાલે તેવી રીતે સ્વાર્થમાં રાચતા જોવા મળે છે.

આજના વિજ્ઞાનયુગમાં મનુષ્યનું, સ્તર નીચું જતું જાય છે. દેશના ઉદ્યોગો, મિલો, મશીનરીઓમાં, વાહનોમાં વગેરેમાં દિવસે દિવસે ખૂબ જ ઝડપથી પ્રગતિ થતી જાય છે. મનુષ્ય જીવનના ભૌતિક સાધનોથી આધુનિકતામાં ખૂબ જ ઉન્નતિ થતાં મનુષ્ય આળસુ અને આરામદાયી બની ગયો છે. તેથી તેનાં નીતિ નિયમોમાં શિથિલતા આવી છે. સયંમના અને ચારિત્ર્યતા માં ઓટ આવી છે. મનુષ્યને ખ્યાલ આવતો નથી. કે દિવસે દિવસે સમાજનું સ્તર નીચું જતું જાય છે. મનુષ્યે સુધરવાનું તો ક્યાં રહ્યું પણ તેનામાં સુધારકવૃત્તિ આવી છે. સમાજમાં અમીર ગરીબ બે વર્ગ થતા જાય છે. પોતાના આત્માની પ્રગતિ, ઉન્નતિનું કોઇ વિચારતું નથી. પાપમય લીલા વધતી જાય છે. આધ્યાત્મિક પ્રગતિની ક્યાં વાત રહી. જો કે સમાજના મોટા ભાગનો જનસમૂહ તે તરફ વળ્યો છે ખરો. દેખદેખીએ પણ વાત્સવિક્તાએ કાંઇ ઘડતર નથી. ધાર્મિક કાર્યો પૂરા થતાં જ ધર્મજીવનનું ઇતિશ્રી માને છે. અને ફરી પોતાના વ્યાવહારિક જીવનમાં ધર્મ વિરુદ્ધ કાર્યો થતા રહે છે. ધર્મ ભાવના ધર્મ કરવા પૂરતી મર્યાદિત ન રહેતા તે વ્યવહારમાં પણ સાથે રહેવી જોઇએ. પણ તેમ થતું નથી. તેથી જ દુઃખ અને હાડમારી ભોગવે છે.

સમાજના સભ્યો નિસ્પૃહી નિસ્વાર્થી અને પવિત્ર જીવન જીવી જે સમયે જે ફરજ બજાવવી પડે તે બજાવે તો મનુષ્ય જીવનની અનેક મુશ્કેલી ઉકેલી શકાય. આજના સમાજમાં જે સદ્‌ગુણોનો લોપ થતો રહ્યો છે તેને દરેક મનુષ્યે સમજી વિચારી અનુસરી અટકાવવા પ્રયત્ન કરવો જોઇએ. સમાજને સમૃદ્ધ બનાવવા ચારિત્ર્ય શુદ્ધિ એ જ જીવનનો ઉન્નતિનો પાયો છે.

અનુક્રમણિકા

૧૧ : ધાર્મિક સદાચાર

મનુષ્યના જીવનમાં પ્રભુ પૂજા, દેવ દર્શન અને ધાર્મિક ક્રિયાઓ સુંદર રીતે વણાયેલી છે. સમસ્ત વિશ્વનો સંચાલક કોઇ હશે જ. એને દિવ્યશક્તિ માનો કે પરમાત્મા માનો. એ તત્વોએ મનુષ્યોને અઢળક સંપત્તિ આપી છે. મનુષ્યને જન્મ આપી, તેનું પાલન પોષણ પણ તેજ કરે છે. મનુષ્ય પર તેના અસંખ્ય ઉપકારો રહેલા છે. એ જગન્નિયતાને સવારે યાદ કરીને વિનયપૂર્વક તેનો ઉપકારનો બદલો વાળવો એ મનુષ્યની શું ફરજ નથી? પૃથ્વી, પાણી, હવા,પ્રકાશ, ગરમી, ઠંડી, વરસાદ અને અનર્ગત સંપત્તિ, અખૂટ દ્રવ્યો અને વનસ્પતિ વગેરે શું આપી નથી? એ સર્વની કિંમત આંકી શકાય તેમ નથી. દુન્યવી ચીજ વસ્તુઓ મેળવવા મનુષ્ય અથાગ પ્રયત્નો કરી, મેળવી રહી, જે તેનો આભારી બની રહી તેનો ઉપકારનો બદલોવાળી રહેવાનો વિવેકી વ્યક્તિઓ પ્રયત્ન કરી રહે છે. ત્યાં આ તો મહાન ઉપકારનો પ્રશ્ન છે. જ્યાં બધું એ દિવ્ય શક્તિનું છે ત્યાં એનો બદલો વાળી શકાય?

છતાંય સવાર સાંજે ઇષ્ટદેવને ગદગદિત હૈયે પ્રાર્થના કરી, તેનું ઉપકાર નિવેદન કરવું જોઇએ. પ્રાર્થનાથી અંતરમાં પ્રકાશ પથરાય છે. જીવનમાં સુખ શાંતિ ને સંતોષ પમાય છે. અહંનો નાશ થાય છે. દિલમાં નમ્રતા પ્રગટતાં સાચા માનવી બની રહેવાય છે. નિસ્વાર્થ ભાવનાનો ઉદય થાય છે. ।। આત્મવત્‌ સર્વ ભૂતેષા ।। સર્વને પોતાના આત્મ તુલ્ય માનતાં, સ્નેહભાવ જાગ્રત થશે. વેરઝેર, કજિયા કંકાશ દૂર થઇ જીવન જીવવા જેવું લાગશે. સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી, સાચી શાંતિનો અનુભવ કરવો જોઇએ. નિયમિત દેવ મંદિર જવું હિતાવહ છે. સર્વ કાંઇ ભૂલીને એકાગ્રતાપૂર્વક દર્શન કરવું, પોતાની શક્તિ મુજબ અલ્પ સ્વલ્પ, પત્રમ્‌, પુષ્પમ્‌, ફલમ્‌ તોયં અવશ્ય દેવમંદિરે અર્પણ કરજો. ત્યાગ ભાવનાને પોષજો. એ ધાર્મિક ભાવનાને ટકાવવાનું અંગ છે. અનેક દેવ દેવીઓની મૂર્તિઓના સૌંદર્યને નિહાળી, સુંદર બનવાનું ઔદાર્ય, ચપળતા, બાહોશી, માતૃભક્તિ, ઉદારતા, બુદ્ધિ ચાતુર્ય, સૂક્ષ્મતા, બહુશ્રુતપણું, સેવક ભાવના વગેરે યાદ કરીને તે મય થવાની, જીવનમાં ઉતારવાનો દૃઢપણે સંકલ્પ કરશો તો મનુષ્ય પોતાનું જીવન ચારિત્ર્ય ઘડતર ખૂબ સુંદર રીતે કરી શકશે.

મનુષ્ય પોતાનું દૈનિક કાર્ય કરતો રહે છે પણ તેમાં દેવ દર્શન કાર્યમાં જેમ વધુ સમય વ્યતિત થાય તેવી રીતે શાન્ત ચિત્તે, એકાગ્રપૂર્વક, સમય ગાળવાથી, ત્યાંના વાતાવરણની પવિત્રતાની અસર પડી રહેશે. ત્યાં મંત્ર જાપ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં થતાં શાસ્ત્ર વચન કે કથા શ્રવણ કરવું ખૂબ હિતાવહ છે.

ધાર્મિક ઉત્સવો મેળામાં ભક્તિભાવે જવું, સેવાભાવના રાખવી. તીર્થક્ષેત્રમાં જતાં કરેલું પાપ ધોવાઇ જાય છે. ધાર્મિક સ્થાનની પવિત્રતા, સુંદરતા, સાત્વિકતા અને શાન્તિ મનુષ્યને અવશ્ય સ્પર્શી જાયછે. અંતર મન પ્રાણ ધન્ય બની રહે છે. સચ્ચારિત્ર્યપૂર્વક, સેવાભાવનાથી યાત્રા કે દેવદર્શન કરેલાં હસે તો તેનું ફળ સારું મળશે. શ્રદ્ધા ભક્તિ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. દૃષ્ટિની વિશાળતા એમાંથી લાધશે. સૃષ્ટિની વિરાટતાનું પણ એમાં દર્શન થશે. નદી, પર્વતો, સરોવરો કે મહાસાગરને કિનારે આવેલ આવા પવિત્ર તીર્થોથી માનવી તેનું અહમ્‌ અભિમાન ભૂલતો જાય છે. અલૌકિક ભાવ પ્રગટે છે. પોતાની અલ્પતાનું ભાન થઇ માનવ કર્તવ્ય સમજાશે અને વાણી, વર્તનને વ્યવહારમાં તેનું પાલન થશે. તીર્થોમાં દુઃખીઓ કે ગરીબ ગુરબાંઓની સેવા કરવામાં, તેમને ભોજન, વસ્ત્ર આપવાનો સંતોષ આનંદ પામી સાચા ધર્મનું પાલન થઇ રહે છે.

અનુક્રમણિકા

૧૨ : પાડોશી ધર્મ

“પહેલો સગો પાડોશી.” સાચે જ છે કે જ્યારે માણસને કોઇ મુશ્કેલી આવી પડે, અણધારી આફત આવી હોય, કુટુંબમાં કોઇનું મરણ થાય ત્યારે સગા વહાલાં આવતાં વાર લાગે પણ પાડોશી પહેલો દોડતો આવી, કોઇ વાત કે મુશ્કેલીમાં સહાયરૂપ થઇ શકે છે. અને આફત ને ટાળે છે. એટલે ઘરને અને પાડોશને ગાઢો સંબંધ છે. પાડોશવાળાં પણ ઘરના જ છે. એવું માનીને તેમની સાથે કદીય બગાડશો નહીં. કેટલીકવાર સમજફેરથી, ક્રોધાવેશથી કે ઉતાવળથી એકબીજાને બરાબર નહીં સમજવાથી ક્લેશ કંકાશનાં મૂળ નંખાય છે. આવી વખતે કાળજીપૂર્વકના વિચારની અને વર્તનની જરૂર રહે છે.

આજે પાડોશી સાથેના સંબંધો તૂટતા જ લાગે છે. નહિવત્‌ બનતા રહ્યા છે. નજીવી બાબતોમાં પાડોશી સાથે ઝઘડો ઉભો કરી, જીવન જીવવું અકારું બનાવી રહે છે. કહેવત છે કે “જેને પાડોશી સાથે વેર તેને પડે નહિં ચેન” એટલે પાડોશી સાથે દુશ્મનાવટ કે અણબનાવ રાખી, માણસ ચેનથી જીવી શકે નહીં. સમજ અને વ્યવહારું માણસો ક્યારેય પાડોશી સાથે સંબંધ બગાડતા નથી. જો પાડોશી સંબંધો સારા રાખે નહીં તો ક્યારેક ઘણુ સહન કરવાનો વખત આવે છે. એટલે પાડોશી સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખવો ઉચિત છે.

આમ પણ પાડોશી રાત દિવસના સાથી છે. કુટુંબીજનો દૂર હોય કે આઘાં પાછા હોય ત્યારે પાડોશી જ કામમાં આવવાના છે. તેમના સર્વ સામાન્ય કામમાં મદદ કરવી એ એકબીજાની ફરજ છે. કોઇ પાડોશીની માંદગીમાં તેને જરૂરથી મદદરૂપ થવું જોઇએ એ બાબત તો અરસપરની છે. કોઇને સામાન્ય ઉપકાર કરેલો નકામો જતો નથી. કહેવત છે કે “ધૂળનો ય ખપ પડે છે.” આમ નજીવી વસ્તુ કામમાં આવે છે તો માનવ જેવો માવન કેમ કામમાં ન આવે? સારા માઠા પ્રસંગે પાડોશીઓએ એકબીજાને મદદ કરવી એ તો સર્વ સામાન્ય બાબત છે.

પાડોશી અગવડમાં કે મુશ્કેલીમાં હોય તો થોડીક પૈસાની મદદ પણ કરી, પાડોશી ધર્મ બજાવવો જોઇએ. ઉછીના પૈસા આપવાની એ ફરજ પણ બને છે. સંજોગોવસાત્‌ એ પૈસા વહેલા મોડા મળે તો કોઇ ઝઘડો કરી સંબંધો બગાડવા હિતાવહ નથી કે તેની સાથે બોલી બગાડીને ઝઘડો કરીને મન ઉંચા કરવા તે તો ઠીક નથી જ.

કેટલીક સ્ત્રીઓ પડોશણ પાસે ઘણી અપેક્ષા રાખતી હોય છે. પાડોશીએ બધું કરી છૂટવાનું ઘસાવાનું અને પોતે નહિ એવું સમજતી હોય છે. તે બરાબર નથી. પાડોશી જાતજાતના સ્વભાવના હોય છે. સ્વાર્થી, મતલબી, ઇર્ષાળુ અદેખા પ્રપંચી અને ખણખોદીયા, કાન ભંભેરીયા પણ હોય છે જે બીજાને હાનિ પહોંચાડે છે. ને ચેનથી જીવવા દેતા નથી કે પોતે પણ ચેનથી જીવતા નથી. આવા ખરાબ પાડોશીઓ સાથે બીજા સારા પાડોશીઓ પણ રહેતા હોય છે. જેઓ કોઇની પાસે ઉછીના કે ઉધાર વસ્તુ લેતા કે આપતા નથી. કોઇ ને દુભવતા કે દુઃખ પહોંચે તેવું વર્તન કરતા નથી. વ્યવહારમાં ચોખ્ખા હોય છે પડોશમાં રહેતાની ચિંતા કરતા હોય છે.

ઘણા પાડોશીઓમાં ઉછીના વહેવારમાં એવી ઘણી ધરેલું ચીજ વસ્તુઓ જેવી કે સાડી, બ્લાઉઝ, ચોટલા, ચંપલ, સુપડું, ચાળણી સ્ટવ, પીન, બાકસ, સોય દોરો, ખુરશી, ખાટલો, લોટ, ચોખા, દાળ, તેલ અને ચા, મોરસ વગેરે ઉછીની વસ્તુઓની આપલે થતી હોય છે. તે સારી બાબત છે. એક બીજાને મદદરૂપ બની રહેવું એ પાડોશીનો ધર્મ છે.

ઘણા પાડોશીઓ એવા હોય છે કે અન્ય પાડોશીને ઘેર ટેલિફોન હોવાથી, પોતાના સગાંવહાલાંને કહેતા હોય છે કે કામ પડતાં તમારે અમારા પાડોશી માટે સર્વ સામાન્ય થઇ ગઇ છે, અને ટેલિફોન પર વાત કરવાનું કહેતા હોય છે ટેલિફોન હોય તો તેનો સદ્‌ઉપયોગ થવો જ જોઇએ તેવું સમજીને પાડોશીને મદદરૂપ બનવું યથાર્થ છે.

કચરા પૂજાનો કે એંઠવાડના પાણીને પાડોશીના આંગણામાં ફેંકવાથી ઘણીવાર ઝઘડાઓ થતા રહે છે તે યોગ્ય નથી. ગામની પંચાયત કે મ્યુનિસિપાલિટીએ શેરીઓમાં કચરો નાખવા માટે પીપ મૂકતા હોય છે ત્યાં જ નાખવો સારો સંસ્કારિક અને સભ્યતાની નિશાની છે. કેટલીકવાર જાણ્યે અજાણ્યે કે ખરાબ ટેવને લીધે મકાનના ઉપરના માળેથી કચરો અને ગંદુપાણી ફેંકે છે ત્યારે શેરીનો રસ્તો કે પાડોશીનું આંગણું ખરાબ થાય છે તેવું ન બને તેની ખાસ કાળજી રાખવી, ઘરની, પાડોશીની અને રસ્તાની સ્વચ્છતા રાખવી એ પાડોશીની ફરજ છે. તેમ વર્તાય તો ઘણા કજીયા કંકાસ ટાળી શકાય.

કેટલીકવાર આડોશી પાડોશી કે શેરીના અત્રેના સાર્વજનિક કાર્યો પણ થતા હોય છે. ત્યારે તે કાર્યમા યથાશક્તિ ફાળો આપવો જોઇએ. સહયોગ ને સહકારની ભાવના હૈયે રાખવી. પાડોશીનું દુઃખ એ આપણું છે તેમ સમજી તેને દૂર કરવા પ્રયત્ન કરવો.

શેરીના કે પાડોશીના બાળકોમાં કેટલીકવાર ઝઘડા થતા હોય છે તેવા સમયે પાડોશીઓ મોટેરાં, બાળકોની લડાઇમાં લડી પડી, લાકડીઓ ઉછળી રહે છે. તેવા સમયે પણ વિચારપૂર્વક, ક્રોધ દબાવીને વચલો માર્ગ કાઢવો હિતાવહ છે, જેથી ઝઘડો વિકરાળ સ્વરૂપ ન પકડે અને જાનહાનિ ના થાય. કારણ કે બાળકો તો લડવાનાં અને પાછાં ભેગાં રમવાનાં તેથી પાડોશીઓએ એવું વૈમનસ્ય કે વેર ઝેર કે અબોલા રાખવા અસ્થાને ગણાય.

ફળિયામાં, શેરીમાં કે સોસાયટીમાં સુખ શાંતિથી રહેવું હોય તો પાડોશીને દુઃખ પહોંચે મુશ્કેલીમાં મૂકાય તેવું વર્તન વહેવાર કરવો ન જોઇએ. પોતાના પાડોશી સુખી આનંદી બની રહે તેવું કામ કરવું જોઇએ. પાડોશી ઉપાધિમાં મૂકાશે તો તમો પોતે જ ઉપાધિ, દુઃખ, દર્દ ભોગવશે. સારા પાડોશી બની રહેવા માટે પાડોશીની ખરાબ હરકતો, આદતો, દુર્ગુણો કે તેની ખામીઓને વળગી ન રહેતાં ઉદારતાભર્યો વ્યવહાર વર્તન કરજો. પાડોશીના સદ્‌ગુણોનો વિચાર કરી, પાડોશી સંબંધ નિભાવવો જોઇએ. પાડોશી ધર્મ બજાવ્યાનો આનંદ પામવો વધુ યોગ્ય છે. તો જ પોતે અને પાડોશી એકબીજાં સાથે રહી, સુખ, શાંતિ અને ચેનથી જીવન વિતાવી કે જીવી શકશે.

અનુક્રમણિકા

૧૩ : શાળા અને શિષ્યગણ

મનુષ્યનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે. તેના અનેકવિધ પાસાઓ છે. બાળપણનું ભોળું જીવન, યુવાનીની રંગીન જીંદગી અને ઘડપણમાં સુંદર ને સત્કર્મો કરી, માન પ્રતિષ્ઠા પામ્યાના જીંદગીના મીઠા સંસ્મરણો વાગોળવા અથવા કરેલા કુકર્મોનો પશ્ચાતાપભરી પીઠીત જીંદગી.

બાળપણનું શાળાજીવન, એક અનોખી ભાત પાડે છે. તે ચિરકાળનાં સંસ્મરણોથી શોભતું અને રુચિને પ્રેરતું જીવન છે જે સંસ્થાઓ, શાળાએ, વિદ્યાલયે વિદ્યા પ્રદાન કરી, અવનવા જ્ઞાનનો ભંડાર આપ્યો. શિશુમાંથી યુવાન બનાવ્યો, અરે જીવન ઘડતર કર્યું તેને ભલા ભૂલાય ખરું? તેના પ્રત્યેની ભલી લાગણી અંતરમાં રહે જ. તેથી ભારતના આજે અક્ષર વિહીન એવા ઘણા બાળકો શેરીઓમાં અને રસ્તાઓમાં ભટકે છે. ઘણા ગામડાઓ એનાથી ઉભરાયેલ છે. તેમને અક્ષરજ્ઞાન મળી રહે તે માટે પોતાનું કર્તવ્ય અદા કરવું અથવા ઉદારતાથી દાન કરવાની ફરજ શું થતી નથી? શિક્ષણ અંગેનું દાન કે કોઇપણ રીતની મદદ એ ચારિત્ર્યનું એક અંગ ગણાય છે. સ્વાર્થવૃત્તિની થોડીક નિવૃત્તિ અને દાનવૃત્તિની પ્રવૃત્તિના પગરણ મંડાય તો એ ખુબ જ શુભ ચિહ્ન ગણાય. અરે જીવનની પરમ ધન્યતા અનુભવાય.

ધન દોલત, જમીન જાયદાદ માલ મિલકત એકત્ર કરવામાં શું જીવનનું ઇતિશ્રી આવી જાય છે? “ના” સમયે સમયે આવતા યોગ્ય અવસરોએ, યોગ્ય સ્થાનોમાં યોગ્ય એવી નિઃસહાય કે લાચાર વ્યક્તિઓને અર્થે પોતાની જાત અને પોતાનું ધન ઔદાર્યપૂર્વક વપરાય એ સદાચાર અને સચ્ચરિત્ર્યનું અંગ છે અને તેમાંય જ્ઞાનદાનમાં મદદરૂપ થવાય એ તો જીવનનું શ્રેષ્ટત્વ છે.

પોતે જે સંસ્થામાં ભણી, જ્ઞાન પ્રાપ્ત કરી ઉંચી પદવીએ પહોંચ્યા હોય તેનું વગોણું થતું રોકવું શું જે તે વિદ્યાર્થીની ફરજ નથી? સંસ્થાની સુવાસ ચોમેર ફેલાય એવું સંસ્થા મંડળે પણ વિચારવાનો શું સમય પાકી ગયો નથી? ડોનેશનની બદી શિક્ષકોના ટ્યુશનની પ્રથા શું નાબૂદ કરી શકાય તેમ નથી? ધારે તો શાળા અને વિદ્યાર્થી કરી શકે.

પ્રસંગોપાત જૂના નવા વિદ્યાર્થીઓનું મિલન શિક્ષક ગુરુઓનો સંપર્ક, જૂના પ્રસંગોનાં ભાવવાહી સંસ્મરણો તાજા કરી, સંસ્થાને મદદ કે સેવા કરવાનું કામ એ ઉચ્ચ ચારિત્ર્યનું સૂચક ચિહ્ન છે. તે સંસ્થાને વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવું કરવું જ જોઇએ.

શાળા સંસ્થા તો માતૃ સંસ્થા છે. માતૃ છે. માતાનું જતન કરીએ છીએ, તેનું ગૌરવ જાળવીએ છીએ તેટલું તે સંસ્થાનું સચવાય એવી ભાવના અને તમન્ના તેના વિદ્યાર્થીગણમાં હોવી જોઇએ. સંસ્થાને કે શાળાને મુશ્કેલીમાં તેની પડખે ઉભા રહેવું, તન મન ધનથી મદદરૂપ બની રહેવું એ કેળવણીનું એક મધુર અંગ ગણાય છે. મન અંતરનો ભાર હળવો કરવાનું એ અમેલું સ્થાન છે. ગુરુજનો પ્રત્યે ધરતા જતા પૂજ્યભાવમાં વધારો કરવો જોઇએ. આદર સત્કાર કરવાની ભાવના હૈયામાં ઉત્કટતમ હોવી જોઇએ. અને તેવું જ ગુરુજનોએ પણ પોતાના શિષ્ય વિદ્યાર્થી પ્રત્યે પણ હોવું જોઇએ. એ ભાવ, સ્નેહ લાગણીના ફૂલ શું મહેંકી રહે નહીં?

આજના વિદ્યાથીએ ઉચ્છૃં ખલતાને હટાવવી પડશે શાળા પ્રત્યેનો અણગમો હટાવવો પડશે. તો જ શાળા પ્રત્યે માન પ્રગટશે. વિદ્યાર્થી શાળા સંસ્થા માટે ઘણું બધું કરી શકે છે. એનામાં શક્તિનો ભંડાર છે. સામર્થ્ય છે. બુદ્ધિ પ્રતિભા છે. ચેતના છે. આજના જન જીવનના કલુષિત વાતાવરણની અસર તેના માનસ પર થઇ રહી છે. વિદ્યાર્થી આજે સ્વચ્છંદ બનતો જાય છે. પોતાની શાળા પ્રત્યેનો ભાવ લુપ્ત થતો જાય છે. શાળાની અવગણના થતી નિહાળી રહ્યા છીએ.

જો થોડાકેય આદર્શ અને ચારિત્ર્યના વિદ્યાર્થીઓ ધારે તો શાળા સંસ્થાની જ્ઞાન જ્યોત પ્રગટાવી શકે છે. માતા પિતા તુલ્ય શિક્ષ ગુરુઓને ભુલાય ખરા? સારા સંસ્કાર સિંચન કરતી સંસ્થાને ઉચ્ચ સ્થાને લઇ જવી જોઇએ. આજના કથળતા જતા શિક્ષણ માટે બંન્ને જવાબદાર શું નથી? વિદ્યાર્થી અને શીક્ષકે બંન્નેએ વિચારવાનો સમય પાકી ગયો છે. તેઓ જે કંઇ કરે તે વ્યાજબી છે ખરૂ? બંન્નેની શી ફરજો છે? તેનો ખ્યાલ શું કરવો જોઇએ નહીં? પોતાનું ચારિત્ર્ય અને શિષ્ટાચાર શામાં ચે તેનો વિચાર શું કરવો ન જોઇએ? ઉપરના બધા જ પ્રશ્નોના જવાબ અને એનું અંતઃકરણ આપ્યા સિવાય રહેશે જ નહીં. વિદ્યાર્થીને તેમજ શિક્ષકને સાચી પરિસ્થિતિનું અને સાચા કર્તવ્યનું ભાન કરવું જ રહ્યું.

ગદ્ધા પચીસીનો સમય હવે વહેલો શરૂ થવા માંડ્યો છે. એ સમયમાં વિદ્યાર્થીએ પોતાના જીવનનું સાચી રીતે ઘડતર કરી, ચારિત્ર્યવાન બનવું જ રહ્યો. બાવીની આશાન પુર્ત સ્વરૂપ આપવા વિદ્યાર્થી આલમે અત્યારથી તેનું ઘડરત કરવું પડશે. તેવે સમયે વિદ્યાર્થીએ કર્તવ્ય પરાયણની સાચી સમજ કેળવીને વાસ્તવિકરૂપ આપવું પડશે. વિદ્યાર્થીઓએ સાચા વિચારકતાં થવું પડશે. તો જ વિદ્યાર્થીની સ્વચ્છંદતા સ્વૈરવિહારીતા, ગાંડી પ્રેમ ઘેલછા અને અનેક એવી કુટેવો દુર્ગુણો ખરાબ સંગ સોબત જેવી બાબતો તેમના જીવનમાંથી ચાલી જઇ એક આર્દશ વિદ્યાર્થી બની રહેવાની તેનામાં ક્ષમતા છે. બરબાદ થતા જીવનને અટકાવી શકાય છે.

મનુષ્યે મનોમંથન કરવું પડશે. વિદ્યાર્થી માનસનો પલટો કરવો તો જ ભારતનું ભાવી ઉજળું બનાવી શકાય. બાકી શાળાસંસ્થા અને વિદ્યાર્થી ક્યાં જઇને અટકશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.

વિદ્યાર્થી મિત્રો વિચારો, જાગો અને અંતઃકરણ ને પૂછો શાળામાં તમે શા માટે જાઓ છો અને શું કરો છો? શાને માટે એવો નકામો માર્ગ લો છો? જે જીવન ઘડતરનો સમય છે. શાળારૂપી બગીચામાં મધમધતાં ફૂલડાંની સુવાસ બનો. પ્રફુલ્કીત થઇ, વિદ્યામાં રસ રૂચી કેળવી જ્ઞાન પ્રાપ્ત કરી, જીવન ધન્ય અને સફળ બનાવી રહો.

શિક્ષકોએ શિલ્પીની જેમ પથરમાંથી વિદ્યાર્થી રૂપી આદર્શ મૂર્તિને ઘડવાનો સંનીષ્ઠ પ્રયત્ન કરવો જ રહ્યો જેવો શિક્ષકોને ભાવ લાગણી પ્રેમ હશે તેવા વિદ્યાર્થીઓ કેળવાશે. પોતે સાચે માર્ગે વળે વિદ્યાર્થીના કર્તવ્યની ઝાંખી કરાવી, તેને જીવનના સાચા ઉન્નત માર્ગે વાળો. આમ થાય તો ઘણું બધું થયું ગણાશે. ભુલ્યા ત્યાં ફેરી ગણીને અને જોગ્યા ત્યાંથી સવાર ગણીને, એક સંપથી આ કાર્ય થાય તો સાળાનું શિક્ષકોનું અને વિદ્યાર્થીઓનું ભાવી ઉજળું બની રહે. તેમાં શંકાને સ્થાન નથી. વિદ્યાર્થીઓનું જીવન ચારિત્ર્યશીલ અને આદરને પાત્ર બનાવી શકાય. સમાજમાં આજે શાળા સંસ્થા શિક્ષકો કે વિદ્યાર્થીઓની જે વગોવણી, બદનામી થઇ રહી છે. તેને જરૂર અટકાવી શકાશે.

અનુક્રમણિકા

૧૪ : સદાચારની સાથે સાથે

આજે જ્યારે આપણે ભારતની સ્વાતંત્રતાની ૫૦મી વર્ષગાંઠ ઉજવણી કરીએ છીએ ત્યારે પ્રશ્ન થઇ રહે છે કે આપણાં ભવ્યાતીભવ્ય સાંસ્કતૃીક વારસા ને જાળવી શક્યા છીએ ખરા? માનવ જીવનમાં મૂલ્યોનો સરેઆમ હાસ શું થઇ રહ્યો નથી? આજના માનવ જીવનમાં આચાર વિચાર જેવું છે ખરું? શું સ્વચ્છંદતા અને સ્વૈરવિહારીતા નથી? ત્યાં ભલા સદાચારના દર્શન થાય ખરા? જો મનુષ્ય પોતાના જીવનમાં અપનાવે તો ઘણા પ્રશ્નો હલ થઇ શકે જીવન ધન્ય બને. સહકાચાર સારો આચાર તેમાં સર્વ કોઇ સમાયેલું છે. તેના વિવિધ પાસા ઓછે બાળકો સાથે વડીલોએ કેમ વર્તવું? ઘરમાં કે બહાર, શાળામાં કે નોકરીમાં કેમ વર્તવું ધર્મ ક્ષેત્રમાં કેવી રીતે કરવું? બસમાં કે ટ્રેનોમાં પ્રવાસમાં ચઢવા કે ઉતરતા શું કરવું? વગેરેના સદાચારને ચારિત્ર્ય પણ કહેવાય.

મનુષ્યના જીવન સાથે ઘણી બાબતો સંકળાયેલી છે. જીવન કંઇ એકલા જીવવાને માટે નથી. ઘરના, સમાજના શહેરના કે દેશના સમૂહમાં તે દીપી રહે છે. બધી વિચારણાઓ અને તેને અંગે કેવા પગલાં ભરવા તે પ્રશ્ન થઇ રહે.

જે મનુષ્ય જીવનમાં વિચારપૂર્વક કાર્ય કરે છે. પ્રમાણિકતા, ધીરજતા ને નિષ્ઠાથી થએલ કામ સફળ થયા વગર રહેતું નથી. વિચારને અને સદાચારને ગાઢો સંબંધ છે સદાચાર તો સૌને ગમે આપણે અન્ય પાસે સારા આચાર વિચાર વર્તનની અપેક્ષા રાખીએ ત્યારે પોતે પણ તેવો સદ્‌વ્યવહાર કરવો જ રહ્યો. અન્ય વ્યક્તિને આપણું સદ્‌વર્તન ગમતું થાય ત્યારે માનવું કે સદાચાર ના પ્રથમ સોપાને આપણે ડગ મૂક્યો છે. આપણે એક બીજા પ્રત્યે સ્નેહ અને લાગણી રાખીએ, કાર્યની સિદ્ધિ થઇને રહે અને માનવ જીવનમાં શાંતિનો અનુભવ થાય.

સદાચાર તો શાંતિનું અને સફળતાનું પ્રતીક છે તે રાજમાર્ગ છે. અરે આપણી સંસ્કૃતિનો પાયો છે. દુશ્મન ને દોસ્ત બનાવી શકાય અરે અન્યના આશીર્વાદ પામી સુખ મેળવી, જીવન સાર્થક બનાવી રહેવાય.

સદાચાર મનુષ્યનો સાચો સહારો છે તે અમૃતબિંદુ છે, તે ભક્તિમાર્ગનો ભોંમિયો સાથે અજ્ઞાનરૂપી અંધકારમાં દીપક સમાન છે. સદાચાર એ તો અમૃતનો ઝરો છે. દેવી લ્હાવો છે જીવનનો રસ સ્ત્રોત છે. સંસાર સાગરમાં તારનાર તરવૈયો છે. ત્યાં દેવનો વાસ છે. ધર્મ નીખરી રહી જીવન ધન્ય બની જાય. જીવનની ધન્યતા તો આપણું ધ્યેય છે તે પ્રાપ્ત કરવા સદાચારનું સેવન કરવું એ એકમાત્ર કર્તવ્ય થઇ રહે છે. તેમાં કલ્પતરું અને કામધેનું સમાયેલું છે, ચિંતામણી છે, સિદ્ધિની ચાવી છે. શાસ્ત્રોનું દોહન અને સાર છે.

ઋષિ મુનિઓ, તપસ્વીઓ અને સાધુ સંતોનો એ પ્રસાદ છે. તેનાથી સર્વ દુઃખ દૂર થાય. સદાચારની વિવિધતાનો પાર ન આવે તેની ડગલે ને પગલે જરૂર પડે. જેમ ભોજન મીઠા વગર મોળું, પાણી વગર માછલી જીવે નહીં, તેમ જીવનમાં સદાચાર વિના ના ચાલે.

અનુક્રમણિકા

૧૫ : માતૃભૂમિની ગૌરવ ગાથા

ગુલામીની જંજીરોમાં જકડાયેલ દેશને હજારોએ જાન ગુમાવી આઝાદી અપાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો તે રાષ્ટ્રને માટે કેટલા માનવ હૈયામાં પ્રેમ ઉછોળા મારે છે? ક્યાં ગઇ દેશદાઝ? કેટલા માનવ અંતરમાં દેશ ભક્તિના ગીતો ગુંજે છે? આ બધી ભાવનાઓ માનવ હૃદયમાંથી કેમ ચાલી ગઇ, તેનો કોઇ વિચાર કરે છે?

પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ માટે ગૌરવ કેમ ના હોય? જે ભૂમિમાં જન્મ્યા, મોટા થયા, આધણને પાખ્યા, પોષ્યા, તેની સંસ્કારિતાએ આપણું જીવન ઘડતર કરી, જીવન વિકાસ પ્રગતિ સાધી. જીવન જીવવાની સાચી દિશા બતાવી તેના માટે આપણે કાંઇ ન કરી શકીએ? આપણું કોઇ કર્તવ્ય નથી? આપણા ગામ, નગર, જિલ્લા, રાજ્ય કે દેશની આબાદી માટે આપણે બધું જ કરી છૂટવું જોઇએ એ શિષ્ટાચાર છે. સદાચાર છે. અરે ચારીત્ર્યશીલતા છે.

સામાન્ય માનવીના ગજા પ્રમાણે સેવા તો કરી શકાય કે નહીં? ગામના હિતમાં પોતાનો યત્કિંચીત ફાળો તો આપવો એ આપણી શોભા છે. એની ઉન્નતિમાં આપણી ઉન્નતિ સમાયેલી છે. એ નિર્વિવાદ છે. નગર, રાજ્ય કે દેશનું હિત જોવાની પણ આપણી ફરજ છે. આ સર્વને માટે આપણામાં સાત્વિક અભિમાન કે પ્રેમ હોવો જ જોઇએ.

જે માટીમાંથી ઉત્પન્ન થયેલા અન્ન, જળ, હવા, પ્રકાશ વગેરેથી આપણું શરીર રચાયું પોષાયું તેને માટે તો જે કંઇ કરીએ તેટલું ઓછું છે તેનું આટલુ જાળવવા, ગૌરવ રાખવા કે આફતને પ્રસંગે તેને માટે પ્રાણાર્પણ કરવાને માટે તૈયાર રહેવું એમાં જ માનવનો સદાચાર અને ચારિત્ર્ય દર્શન સમાયેલા છે. દેશમાં ભલે ભિન્ન ભિન્ન જાતિ જ્ઞાતીના ભાઇઓ વસે છે તે સર્વે એક જ છીએ. એક જ પરમાત્માના સંતાન છીએ. સર્વમાં એ પરમાત્તવ ચૈતન્ય તત્વ રહેલું છે. પછી જૂઠાપણું પાલવે ખરું? પોતાના અર્થે બલીદાન દેવાને અચકાવવાનું હોય જ નહીં. આ તો ઉત્તમોત્તમ રાષ્ટ્રધર્મ કે સર્વોત્તમ શિષ્ટાચાર છે. રાષ્ટ્રપ્રેમને માટે દેશના ભલા માટે નિઃસ્વાર્થ ભાવે, સત્તા લાલસા છોડીને વિદેશોમાં જઇ નવા નવા ઉદ્યોગ ધંધાનો ફેલાવો થાય તેવા દૃઢતાભર્યાં પગલાં ભરીને સાચી દેશ ભક્તિ કે અંતરનું ખમીર બતાવવામાં પાછી પાની ન કરવી એ સર્વોત્તમ આચાર તેમજ સદચારિત્ર્યનું નિદર્શન છે સેવાકાર્ય કરવામાં કર્તવ્ય પાલન છે.

રાષ્ટ્રતો વિશાળ ગૃહ છે. એની સમૃદ્ધિ આબાદીમાં અડચણરૂપ થનાર તેના શત્રુ છે. કુપુત્ર છે. વેપાર ધંધામાં અવરોધ નાખનાર કે ભાવ વધારો કરનાર કે છેતરનાર પોતાના ભાઇઓનો દોહ કરનાર છે. એવાને દૂર કરવામાં આપણું માણસાઇ પૂર્વકનું કર્તવ્ય કે સદસાચિત્ર્ય વર્તન કહેવાય. એ જ સાચી સંસ્કારીતાની નીશાની છે. દેશ હિતના કાર્યમાં મદદરૂર થવું એમાં જ જીવનનું સાર્થક્ય છે. એ જ સર્વસ્વ છે. સ્વદા અને સ્વાહા છે. જે ભૂમિમાં ઋષિ મુનિઓ સાધુ સંતો, મહંતો અને અનેક વિભૂતિયો થઇ ગઇ એ પાવન ભૂમીને ભુલાય ખરી? સમસ્ત દેશના હીતને, કલ્યાણને, શોભાને, વશ આબરૂને જરાય બટો કે લાંછન ના લાગવા દેશો. આજ જીવન કર્તવ્ય છે. આજ જીવન રસાયણ છે. આજ મોક્ષપદને અપાવનાર મૃતસંજીવની દેવી શક્તિરૂપ તત્ત્વ ચિંતામણી છે. એવી એ ભારતની મહાન ભૂમિને હાજારો વંદન! એની ગૌરવ ગાથા ગાતા જ રહીએ, ગાતા જ રહીએ!!!

અનુક્રમણિકા

૧૬ : ઉત્સવોની ઉજવણી

ઉત્સવો તો માનવ જીવનનો ધબકાર છે. રસ, રંગ, અને આનંદોલ્લાસભર્યા અમોલો લ્હાવો છે. તેમાંથી પ્રેરણા મળે, ભાઇ ચારાની ભાવના પ્રગટે, વિખાનંદ સાથે અંતર મનને શાંતિ મળે છે. ઉત્સવોમાં ચારિત્ર્યગઠન થાય છે. શિષ્ટાચાર સેવાય છે. અને સદાચારનું પણ અનોખુ સ્થાન ઉત્સવમાં રહેલું છે. આજના ઉત્સવોમાં જૂનામાં નવીનતમ સર્જન થતું જોઇ શકીએ છીએ. ભૂલાએલા પ્રસંગે સ્મરણ પર પટ અકિંત થઇ જઇને અનેરો આનંદ તાજગી અને શક્તિ પ્રદાન કરે છે. જીવન નવરંગોની રંગોળીથી રંગાઇ જાય છે. એટલે જ ઉત્સવોમાં પરમાત્માના પરમ દર્શન થાય છે. અને આશીર્વાદ મેળવી હૈયામાં કંઇક નવું જ માધુર્ય રેલાઇ રહે છે.

માનવ જીવનમાં ઉત્સવોનું આયોજન કરવું એ માણસનું કર્તવ્ય થઇ રહે છે. શિષ્ટાચાર બની રહે છે. માનવ માનવના હૃદયનો મેળાપ થતાં સંબંધો વધુ સુદૃઢ બની રહી, વખત આવે અન્યોન્યને મદદરૂપ થઇ માનવતાનો સંદેશ જીવંત રાખી રહે છે. ઉત્સવ તો સેવાનો સહોદર છે. એ તો રસરસિયાનો માધુર્યથી છલકતો રસ ઝરો છે. સાથે ઉન્નત જીવનની પારાશીશી છે. ઉત્સવો ઉજવવાથી માનવ હેત ભાવમાં વધારો થાય છે. કર્તવ્ય પરાયણતાના પાઠ શીખવા મળે છે. સુષ્ક હૈયાઓ રસ માધુર્યથી ઉભરાઇ રહી, અનેરા ભાવની ભરતી ઉછાળા મારી રહે છે.

ઉત્સવમાં તો પરમાત્માનું વિરાટ દર્શન સમાયેલું છે. એમાં સંસ્કાર દર્શન અને ચારીત્ર્યનું આગવું સ્થાન રહેલું છે. સદ્‌ભાવના અને પુણ્યકાર્યનું વિચાર પરિશીલન પણ એ દ્વારા પ્રાપ્ત થાય છે. એ તો અનુપમ આનંદની સરવાણી સાથે નૂતનતાનો સુંદર પ્રસંગ બની રહે છે. જાગ્રતિનો અને શિષ્ટાચારનો અનોખો અવસર છે. સદાચારને દર્શાવવાનો અને આચરવાનો એમાં અમૂલો લ્હાવો છે. ઉત્સવ માનવીના અંતર મન પ્રાણને સ્પર્શી રહે છે. એનાથી ઉત્તમ પ્રકારનું ઘડતર થઇ શકે છે. સેવાભાવના, એકતાની ભાવના અને સ્વજનભાવ ઉત્પન્ન થાય છે.

ઉત્સવ પ્રસંગે નવતર વિચારો ઉદભવે છે. એકાંકીપણાની ઉદાશી હતાશા નિરાશા દૂર ભાગી આનંદની ઓકળીઓ ઉપસી આવે છે. સંકુચિત માનવીનું હૃદય દ્રષ્ટિ વિશાળ બને છે. આત્માના મનોમંથનથી ઉર્ધ્વગામી બની શકાય છે. ઉત્સવ માણસને શેષ અને કલ્યાણ તરફ જવા પ્રેરે છે. મનમાં પ્રસન્નતા છવાઇ જતા પોતાનું કર્તવ્ય ફરજનું ભાન થાય છે.આમ ઉત્સવનો ચારિત્ર્યશીલતાનો પાયો છે. સદાચારનો સાક્ષી છે. શીષ્ટાચારનો સહાયક છે. બીન અનુભવીનો તો ઉત્સવ ભોમીયો બની રહે છે. આદર્શ મિત્રની ગરજ સારે છે જીવન માર્ગદર્શક બની રહે છે. જીવનનો પરમ અને સાચા આનંદનો લ્હાવો એટલે જ ઉત્સવ ઉત્સવ એટલે બધું જ.

અનુક્રમણિકા

૧૭ : સદાચાર ક્યાં નથી?

માણસના રોજીંદા જીવનમાં ડગલેને પગલે સદાચારના દર્શન થાય છે. સદાચારથી તો માણસની કીંમત અંકાય છે. તેની માન પ્રતીષ્ઠા વધે છે. તેનામાં શ્રદ્ધા વિશ્વાસ મૂકે છે. સવાર ના આપણે નાસ્તા પાણી કરતા હોઇએ અને કોઇપણ વ્યક્તિ ઘર આંગણે આવી ચઢે તો આપણે તેને પણ ચા નાસ્તો આપી, આપણી એ પ્રવૃત્તિમાં તેને ભાગ લેવા પ્રેરીએ તો તે સદાચાર ગણાય. હા।, મો, નાક, આંખ, ગુપ્તેન્દ્રિય વગેરે ની સફાઇ એ સદાચારનાં અંગો છે. ગમે તેમ ન ચાલતા રસ્તાની ડાબી બાજુએ ચાલવું એ સદાચાર છે. કોઇ પણ વ્યક્તિને ખૂબ ધીમાં પણ મૃદુ અવાજે બોલાવવું, આવકારવું એ સદાચાર છે. કોઇને નિશ્ચિંત કરેલા સમયે મળવા જવું કે કામનો આરંભ કરવો તે સદાચાર અને સંસ્કાર બળનાં સૂચક ચિહ્નો છે.

જીવનની પ્રત્યેક પળે મુશ્કેલીમાં મુકાએલ, દુઃખી, રોગી, અશક્ત કે અપંભને અને જરૂરિયાતવાળાને તન મન ધનથી મદદરૂપ થઇ આશ્વાસન આપી તેના દર્દ દુઃખમાં સહાયભૂત થવું એ સર્વ સદાચાર છે. કોઇ સ્નેહીજનના કે સાગમાંથી થએલા અવસાનને અંગે સહાનુભૂતિ દર્શાવવી એ પણ સદાચાર જ છે. તેને આશ્વાસન આપવાથી તેને શાન્તિ મળે છે. અને એની ભણી લાગણીના આપણે ભોક્તા બનીએ છીએ. પ્રત્યેક કાર્યમાં સચ્ચાઇ, વિનય, વિવેક, સહન શીલતા, ખંત, વીશ્વાસ, શ્રદ્ધા, ધીરજ, હીંમત દાખવવા એ સર્વ સદાચારના જ સૂચક સ્વરૂપો છે. કોઇને અમસ્તું અમસ્તું હેરાન પરેશાન કે દુઃખ દેવું એ અનાચાર છે. કોઇ ભેટ આપે, કાર્ય થાય કે આપણા માટે સેવા કાર્યો કરે તેનો આભાર અવશ્ય માનવો. કોઇ પણ ધર્મ, પંથ કે સંપ્રદાયની કુથલી ન કરવી એ શિષ્ટાચાર છે સ્ત્રીઓ સાથેનો સંપર્ક ઓછો સાધવો એ સદાચાર છે. કોઇ પણ વાહનમાં ચડઉતર કરતી સમયે સ્ત્રીઓને જગ્યા કરી આપવી જોઇએ. ખાવાની ચીજોને સાથમાંના સર્વેને વહેંચી ખાવી, પાણી પીતાં પહેલાં મોટેરાને તે પહેલું આપવું એમાં સદાચાર છે.

રસ્તામાં પડેલી નકામી ચીજ વસ્તુઓને બીજાને અડચણરૂપ ન બને તેવી રીતે તેને એક બાજુ ખસેડવી. સત્તામાં કોઇ વડીલ સાથે થઇ જાય અને અને તેની પાસે થોડું ઘણું વજન હોય તે ભાર ઉચકવામાં મદદ કરવી રસ્તામાં કોઇ વડીલ, ગુરુ, નેતા કે એવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વંદન કરવું. જાહેર કામમાં મદદ કરવી, ઘસાઇ છૂટવું કે સાથ પણ આપવો જોઇએ, રખડતાં પશું, ઢોર, ગાયો વગેરેને રસ્તામાંથી દૂર ખસેડવા એ સર્વ સદાચાર જ છે.

ધાર્મિક ક્ષેત્રે તન મન ધનથી સેવા કાર્ય કરવું એ શિષ્ટાચાર છે. કુથલી કરવામાં સદાચાર નથી. કોઇના સાચા ગુણની પ્રશંસા કરવામાં સદાચાર છે જ. આપણા મકાનની ભીંતે કાળો રંગ લાગાવી બ્લેકબોર્ડ બનાવી સુવિચારના લખાણ દરરોજ લખાય અને જનતા તેયો લાભ લે તે કાર્ય સદાચારનું લેખાય. કોઇની આદ્યત્તિભરી સ્થિતિનો લાભ લઇને તેની પાસેથી પૈસા કે કોઇ વસ્તુ પડાવી લેવી જોઇએ નહીં. પણ તેયે મદદ રૂપ બની રહેવું એ સદાચારની નિશાની છે.

કોઇ પણ માણસ ઉચ્ચા હોદ્દા પર હોય અને તેની પાસે કોઇ અન્ય વ્યક્તિ કામ માટે આવે તો તેની સાથે વિનય વિવેક પૂર્વક વાત કરી, તેના કામમાં મદદરૂપ બનવામાં ચારિત્ર્ય જણાઇ આવશે. પ્રત્યેક કાર્ય સંપૂર્ણપણે કરવામાં જ શિષ્ટાચાર રહેલો છે. સૌ સૌને સ્થાને સારા કહી એ સ્થાનને દીપાવવું જોઇએ. તમને જેમાં રસ હોય તેવી બાબતોનો રસ બીજાને હોવો જ એવો આગ્રહ રાખવો વ્યર્થ છે. વ્યક્તિ પરત્વે જુદા જુદા વિચાર હોય એ સ્વાભાવિક છે. તેથી મતભેદ થાય તેવું કદી આચરણ કરવું ન જોઇએ. નવા માણસને કે અજાણ્યા માણસને કદીય ઉતારી ના પાડશો. એની વાત શાંતિ પૂર્વક સાંભળ્યા પછી જવાબ આપવો. ઉતાવળે કશું કામ ન કરવું. એમાં ભય રહેલો છે. સદાચારથી એ દૂર છે. ઘરમાં પ્રત્યેક ચીજ વસ્તુઓ માટે સ્થાન નક્કી કરી રાખીને જે તે વસ્તુઓને તેની જગ્યા એ જ મુકવો લેવામાં સદાચાર છે. ગરીબોનો કે શારીરીક ખોડખાંપણવાળાનો કદીય તિરસ્કાર ના કરવો જોઇએ. એ તીરસ્કાર તો ઇશ્વરનો કર્યાં બરોબર છે. સૌની સાથે હસતે વદને વાત કરવી. કોઇની હાંસી ઉડાડવામાં શિષ્ટાચાર નથી. સૌના સુખ શાન્તી અને સ્વાસ્થ્ય માટે પરમાત્માને પ્રાર્થના કરવી એ સદાચાર છે. તમે પોતે પણ દરરોજ સવાર સાંજ પોતાના તેમજ કુટુંબની સુખાકારી માટે પ્રભુ પ્રાર્થના કરવાથી ચારિત્ર્ય ઘડાય છે. સૌનું ભલું ઇચ્છી રહેવું એ જ તો સદાચાર છે. માનવ જીવનમાં સદાચાર ક્યાં નથી? સર્વત્ર છે.

અનુક્રમણિકા

૧૮ : સર્વધર્મના સદાચારનો સાર

સમાજમાં અને કુટુંબમાં રહેવા માટે માટે અને પોતાના અસ્તિત્વને જાળવી રાખવા વાણી વર્તન અને વહેવારમાં ધર્મનું આચરણ કરવું એ મનુષ્યને માટે અત્યંત આવશ્યક છે. સાચું બોલવું એ ચારિત્ર્યઘડતરમાં સર્વ પ્રથમ ધર્મ બને છે. સ્વાધ્યાયનું અધ્યયન ચારિત્ર્યને વધુ પુષ્ટ કરે છે. અન્યથા સદ્‌ગુણોનું અનુકરણ, સદ્‌ગુણ અને સદાચારને પંથે મનુષ્ય ઉર્ધ્વગામી બની રહે છે. સર્વમાંથી સારું સારું શોધવાનો પ્રયત્ન કરી તેને અનુસરી સદાચારી --- રહેવું જોઇએ.

મનુષ્યે હૃદયમાં દયા, કરુણા રાખી પ્રાણી માત્ર પ્રત્યે સદ્‌ભાવના કેળવવી જોઇએ. બીજા શું કરે છે. તેની ભાંડગજમાં ન પડતાં તેમાં સારું છે. તે જૂઓ તો કોઇને કદી ખૂંચશો નહીં, કોઇની લાગણી ન દુભાય એવી વર્તણૂંક સાથે પોતાની ફરજ સમજીને સેવા કે મદદરૂપ બની રહેવું એનું પ્રદર્શન કદીય ન કરવું.

સર્વ પ્રાણીમાત્રમાં આત્મદર્શન કરી વિનમ્ર બની રહેજો આશાનો દીવડો ચારીત્ર્યનો ઉન્નત માર્ગ દર્શાવશે. આશા તો અનંત છે. તેથી તો જીવન જીવવા જેવું લાગે છે. વ્યસનોથી દૂર રહી શિષ્ટાચારી બની શારીરિક તંદૂરસ્તીની કાળજી રાખી, ઇશ્વરમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી, એની ભક્તિ કરવી એ ચારિત્ર્યતાનું અંગ છે.

વિચારબળથી તો માનવી ધારે તે ફળ પ્રાપ્ત કરી શકો, જીવન સાર્થક્ય સાધી શકે છે. તેથી વિચારબળ કેળવવું જોઇએ. સાહિત્ય સંગીત અને કલાને જીવનમાં વણી લેજો. એમાંથી તો ચારિત્ર્યના નવલા સ્ત્રોત વહી, કૃત્ય કૃત્ય થઇ રહેવાશે.

સત્કર્મ કરી, ધન પ્રાપ્તિનું એકમાત્ર ધ્યેય રાખી જરૂર કરતાં, વધુ હોય તો અન્યને આપવું એ ફરજ જ છે. આંખ કાન, અને મોંનેં પવિત્ર રાખવું. પગને પ્રભુ પાસે જવા જ કામમમાં લેજો. કોઇનો દોષ ન જોતાં સેવાપરાયણ રહી અન્યનું ન લેવાનો વિચાર રાખજો. માતા પિતા, વડીલો, સંત સાધુ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી, તેમની સેવામાં રત રહી, તેમના મીઠા આશીર્વાદથી ચારિત્ર્ય સંગઠન કરી રહેવું.

ધર્મના ઝઘડામાં કદીય ન પડવું સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અને ઉદારતાભર્યું વર્તન રાખવું. પરોપકાર કે સારા વસ્તુઓનું દાન કરી તેને ભૂલી જવાથી, અભિમાન ઓગળી જશે. હૃદયને વિશાળ અને પવિત્ર રાખજો. સ્ત્રીને પૂજ્ય ભાવથી નીહાળી તે તેનું સન્માન કરશો તો દેવની કૃપાથી લક્ષ્મી અને સુખ મળી રહેશે. વિશુદ્ધ પ્રેમ એ જ પ્રેમ છે. તેનાથી ઇશ્વર સ્મરણ કરી, મન ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકાશે. દુન્યવી ક્ષણિક સુખો ના વિચારો લાગણીઓને તિલાંજલિ આપજો. સર્વોત્કૃષ્ટ ધાન હોય તો ચારિત્ર્યરૂપી ધન જ છે. ધન ગયું, તંદુરસ્તી ગઇ તે તો કોઇ પણ રીતે મેળવી શકાશે. પણ ચારિત્ર્ય સદ્‌ભાવના સદાચાર ગયા તો સમજ સર્વસ્વ ગયું. પ્રત્યેક વ્યક્તિથી ભૂલ થાય છે. તો તેને ક્ષમા કરવી એ માનવનું કર્તવ્ય છે...

પવિત્રતા, સ્વચ્છતા એ સારા વિચારોની જનની છે. યમ નિયમથી સદાચારી બની, સંત સાધુ સાથે સત્સંગ કરવાથી અન્યને પણ શુદ્ધ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત છે. પરમાત્મા સર્વ શક્તિમાન છે. ગર્વનું ખંડન કરી, ભગવાનની પૂજા પ્રાર્થના કરવી વિનય, દાન નિયમિતતા, સેવા પરાયણતા એ સર્વ સત્ચરીત્રના ઘડતરના મુખ્ય અંગો છે.

આજની ક્ષણનો પૂરેપૂરો ઉપયોગ કરી કાલપર કામને મૂલતવી ન કાઢવું. લોભ ને થોભ નથી. તે સમજીને મળેલી તકનો સદઉપયોગ કરી સુખ, શાંતી પમાશે. વૈરાગ્નિને ક્ષમાના જળથી હોલવી નાખવાથી, ઘોર અનર્થ સરજાતાં બચી જવાય. મૌન ધારણ કરી, બ્રહ્મચર્યનું પાલન કરી, ચારિત્ર્યનું ઘડતર કરી, અધઃપતનમાંથી બચી શકાય. સુખ અને દુઃખ તો ક્રમાનુસાર આપ્યાં જ કરવાનાં તેથી તેનો શોક કરવો અસ્થાને છે.

જૂઠથી ચારિત્ર્યહીન થવાય. આત્મઘાત કે વિશ્વાસઘાત કોઇની સાથે કરવાથી માનવનો શિષ્ટાચાર અને આદર્શ ચાલી જાય છે. કોઇની કુથલી ન કરો કે સાંભળો, સાચે કોઇનું ઘસાતું પણ ન બોલવું. કેમ કે વિચારો સુક્ષ્મતા ઘણું બધું કરી જાય છે. વેદોનું પઠન અને આચરણ માનવમાંથી દેવ બનાવે છે.

દૈનિક જીવનમાં નિયમિતતા લાવી સમય પ્રમાણે કામ કરતાં ફરજ બજાવતાં, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમને હૈયે રાખી પરમાત્માની એકાગ્રતાપૂર્વક ગદગદ હૈયે પ્રાર્થના કરવાથી માગેલ ફળ પ્રાપ્તિ થાય છે. જીવન એવું જીવો કે અન્યને તમારામાં શ્રદ્ધા અને પ્રેમ ઉત્પન્ન થાય આજ સાચું ચારિત્ર્ય સદાચાર અને શિષ્ટચાર છે.

અનુક્રમણિકા

૧૯ : માનવતાને સાદ

આજે સંસારમાં કોઇના સહારા વગર એકાકી જીવન વ્યતિત કરવું એ મનુષ્ય માટે ખૂબ કઠિન વાત છે. સામાન્ય રીતે એકલી વ્યક્તિ કશું જ કરી શકતી નથી. કહેવત છે કે “એકથી બે ભલા, ઝાઝા હાથ રળિયામણાં, એક હાથે તાળી ના પડે, જંગલમાં ઝાડવું ય એકલું ના હજો.” આ બધાં સૂત્રો સંઘબળ, સમૂહબળ, મિત્રબળ વગેરેની સાક્ષી પૂરે છે.

વાત સાચી છે. બાળપણથી લઇને તે વૃદ્ધાવસ્થા સુધીમાં માણસને કેટલાય માણસોની સાથે વિવિધ પ્રકારના કામ અંગે અને અનેક પ્રસંગોમાં એકબીજાની જરૂર પડે છે. અને એકબીજાના સંપર્કમાં પણ આવવું પડે છે. તે સમયે માણસનું વર્તન વ્યવહાર ઉચિત હોય, સુમેળભર્યું હોય તો તેનું કામ, પ્રસંગ, વટ વહેવાર સારી રીતે પાર પડી શકે.

માનવ, માનવને મદદ નહિ કરે તો તે કોને મદદ કરશે? અન્ય વ્યક્તિના કોઇ કામમાં કે મુશ્કેલીમાં કે અગવડમાં કે કોઇ પ્રસંગમાં મદદ કરવી એ માણસની ફરજ બની રહે છે. અને તેમાંય જરાય મોટપ કે અભિમાન લાવ્યા સિવાય હસતે વદને મદદ કરશો તો તે તમારી સંસ્કારિતા, સભ્યતા શોભી ઉઠશે એમ સર્વેએ સમજવું જોઇએ અને તે પ્રમાણેનું આચરણ કરવું વધુ ઉચિત છે. કઠોર કે કર્કશભરી માણસની વાણી, તેનું કામ પાર પાડવામાં અવરોધરૂપ બની રહે છે. તેથી પ્રિય અને મધુર વાણીથી કેટલાય અશક્ય કામો શક્યતામાં પરિણમતાં જોઇ શકીએ છીએ. પોતાની વાતનો કક્કો જ ખરો કરવો બરાબર નથી. પોતે જે વાત કરી તે સાચી છે એવો દુરાગ્રહ પણ ન રાખવો. સામા માણસની વાતને સમજીને જરૂર પડે તેને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કરવો તેમાં જ ડહાપણ અને ચારિત્ર્યશીલતા છે.

કોઇપણ વ્યક્તિના અંતરમન હૃદયને ઠેસ પહોંચાડી, કોઇ પણ કામ, ધન દોલત, માલ મિલકત પડાવી લેવાથી ઇશ્વરના ગુનેગાર બની, કષ્ટ, દુઃખ જરૂર ભોગવવું પડે છે.

એકબીજા સાથે હળી મળી, શુદ્ધ અને સાત્વિક વિચારપૂર્વકનાં કરેલાં કાર્યો સુલભરીતે પરિપૂર્ણ થાય છે અને તે કામ દીપી ઉઠે છે. દરેક નાના મોટા જીવો આ દુનિયાની નાટકશાળામાંના વિવિધપાત્રો છે. સર્વ પાત્રો મળીને જ સારા નાટકનું નિર્માણ થઇ શકે છે. અહંભાવના દેખાડવી એ ઐક્યથી વિરોધી છે. ચારિત્ર્યશીલતાની ક્ષતિ છે. સમૂહબળ જ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મનભેદ, મતભેદ તો એકબીજાની સાથે રહેવાના પણ તેમાંથી સરળતાથી કામ પાર પડે તે ખાસ અગત્યનું છે. જીવન પ્રવાસમાં ક્યારે, કોની જરૂર પડશે તે કહેવું ખૂબ કઠિન છે. તેથી મનુષ્યે જીવન સરળ અને સુલભ રીતે સુખપૂર્વક પસાર થાય તે માટે તેણે પ્રેમ સ્નેહથી, મેળથી, ઐક્યથી, હેતપૂર્વક શા માટે કામ ના લેવું?

મનુષ્ય પાસે જે છે કે જે તેને મળવાનું છે તે બધુંય થોડું જ તેનું પોતાનું હોય છે? એમાં બીજાના ભાગ્યનું કે ભાગનું પણ હોય છે એમ માનીને જેને જરૂર પડે તે વસ્તુ આપવાથી, મદદરૂપ બની રહેવાતી ચારિત્ર્યને ઉન્નત બનાવી શકાય છે. કોઇપણ કામ એકમતથી અને સહકારથી કરો તો સર્વે કામ થઇ શકે છે. સહકારમાં સિદ્ધિ છે. જો મનુષ્ય પોતાના મનમાંથી ઇર્ષા, વેરઝેર, શત્રુતા ત્યાગી ઉદાત્ત અને ઉદાર ભાવના રાખે તો કોઇ પણ મુશ્કેલ કામ સુંદર રીતે પાર પાડી શકે છે.

સૂતરનો એક તાંતણો તૂટી જાય છે. પણ જ્યારે ઘણા તાંતણા ભેગા થઇને દોરી કે દોરડું બને છે ત્યારે તેને ઘોડાબળ કે હાથીબળ પણ તોડી શકતા નથી. તેમ સમજી, હળીમળીને કાર્યો કરવા જોઇએ. ગામના, શહેરના કે દેશના કામો હૂંસા તૂંસીથી થતા નથી પણ એક મતાનુસાર, સંગઠનપૂર્વક કરવામાં આવે તો જ પરિપૂર્ણ બની રહી, સર્વને લાભકર્તા બની રહે છે.

મનુષ્યે ક્રોધને શમાવી, શાંતિપૂર્વક, જૂની અદાવત ભૂલી, એકબીજાને મદદ કરવાની ભાવના કેળવી રહેવાથી સંસારમાં જરૂર સ્વર્ગ લાવી, માનવી સુખ, શાંતિથી અને આનંદ ઉલ્લાસપૂર્વક જીવન પસાર કરી શકે છે.

અનુક્રમણિકા

૨૦ : કેવો મિત્ર બનાવશો

મિત્રો તો ઘણા મળી રહે, થઇ રહે પણ સદ્‌ગુણી, સારા આચાર વિચારવાળાં મિત્રોની સોબત સંગ પામવો મુશ્કેલ છે. આજના પશ્ચિમી પવનમાં ઢસડાતા જતા યુવાનો. ટી.વી., મોબાઇલ, અને ઇન્ટરનેટ જેવા સાધનોએ યુવાન માનસમાં અશ્લિલતા, કામુક્તા, વિલાસિતાનું ઝેર ભેળવ્યું હોઇ એના ચસકે ચઢી, અનેક કુટેવો, વ્યસનોના બંધાણી થઇ જવાથી સારા મિત્રોની પહેચાન થઇ શકતી નથી. કે સાચો મિત્ર બનાવી શકતા નથી.

“જેવો સંગ તેવો રંગ” સારા મિત્રની સોબત હશે તો યુવાન પોતે સદ્‌ગુણી બનશે. માણસ તેની મિત્ર મંડળોથી ઓળખાય છે. જેવા મિત્રો હશે તેવો માનવ બનશે, તેવા જ લોકો તેને ગણશે. મિત્રોએ એકબીજાની કુટેવો, વ્યસનોને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવો જોઇએ. એમાં શિષ્ટાચાર છે. આપત્તિ સમયે મદદ કરે તો સાચો મિત્ર, એ જ સાચો ધર્મ અને સાચો આચાર. મિત્રોએ એકબીજાનું કાર્ય કર્યા પછી, આભાર વ્યક્ત કરવો એ પણ સદાચાર છે. એકબીજાની ફરજ છે. મિત્રને મદદ કરેલી કોઇને કહેવી નહીં. એમાં તો ચોખ્ખી અશિષ્ટતા છે. મિત્રનું ગુણ દર્શન કરવામાં પોતાનું ચારિત્ર્ય દેખાઇ આવે છે. તેના દોષોને ખુલ્લા પાડવા ના જોઇએ. મિત્રોએ એકબીજામાં ભેદભાવ રાખીને વર્તવામાં જ સદાચાર છે. મિત્રની છાની વાતને છાની રાખવામાં જ ડહાપણ ભર્યો શિષ્ટાચાર છે.

મુસાફરી કે પ્રવાસમાં મિત્ર ધર્મ બજાવવો જોઇએ. એકબીજાના સંપર્કમાં અવાય. એકબીજાની ફરજનું ભાન થતાં તેવું આચરણ પણ થાય. અંતઃકરણને પૂછીને કામ કરવાથી, અંતરનો અવાજ માનવનો સાચો મિત્ર છે. હૃદય શુદ્ધિ વિના સાચી મિત્રતા બંધાશે નહીં. મિત્રોના કુટુંબીજનો પ્રત્યે પણ મિત્રોએ સદ્‌વર્તનનું રાખવું એમાં મૈત્રીનું સાફલ્ય સમાએલું છે. મિત્રોએ એકબીજાની ખુશામત ન કરવી. તે અધઃપતનને પંથે લઇ જાય છે. સારા વિચારોની આપ લે કે ચર્ચા કરવી. અને તદ્‌નુસાર વર્તવું એ મિત્ર ધર્મ બની રહે છે. કાયોને સંપૂર્ણ પણે સુંદર બનાવવામાં મિત્રનો ફાળો એ જ ચારિત્ર્યશીલતા, આપત્તિ, ભીડ, શોક, મરણ, ચિંતા, મુશ્કેલી વગેરે પ્રસંગોએ મિત્રોએ એકબીજાની પડખે ઊભા રહી સંકટ દૂર કરી, સાંત્વન દઇ, મિત્રના મનને શાંત પાડવું એ સદાચાર છે. મૈત્રી નિભાવવામાં ચારિત્ર્યની કસોટી રહેલી છે. સારા મિત્રોની સોબત સંગથી પોતાના જીવનનું ઘડતર કરી, કોઇ પણ ક્ષેત્રમાં ઉન્નતિ, વિકાસ સાધી શકી જીવન સુખ શાંતિભર્યું જીવી, ધન્ય બનાવી શકાય.

આજે સ્કૂલ કોલેજમાં કેવા કેવા મિત્ર વર્તુળો ભેગા મળી, ભણવાની વાત બાજુ પર રાખી, ટોળટપ્પાં, છોકરીઓની છેડતી, તે ઓની સાથે મસ્તી કરી, સાથે હોટલમાં બીડી સિગારેટ, હોકો પીતાં કે પાન ગુટખા ખાઇ, આનંદ, મોજમજા માણી રહેતાં, નિહાળીએ છીએ. ત્યાં ભણતર અને ગણતરનું શું? સ્વચ્છંદતા સાથે વ્યભિચાર ત્યાં ચારિત્ર્યશીલતા રહે ખરી? સદ્‌ગુણોનો લોપ થતો જઇ અધઃપતન કરફ યુવાન ધન વળી રહ્યાનું શું લાગતું નથી? ત્યાં સાચી અને સદાચાર ભરી મિત્રતા ઉદ્‌ભવી શકે ખરી?

ઋષિ મુનિઓના આશ્રમમાં ભણતા કૃષ્ણ સુદામાની મિત્રાચારીની વાત જગજાહેર છે. કેવી ઉમદા મિત્રાચારી, સંપ સુલેહ, અને અનોખી સહકારની ભાવનાના દર્શન કરી શકીએ છીએ. જ્યારે તેનાથી ઉલટું થઇ રહ્યું છે તે ક્યાં જઇને અટકશે?

અનુક્રમણિકા

૨૧ : વાણીની મહત્તા

આજના માણસની વાણીમાં કટુતા, કડવાશ, કર્કશતા સાથે ગંદી ગલોચતા આવી ગઇ છે. તોછડાઇ ભરી વાણી ઉચ્ચારવામાં આવે છે. આજની વાણીમાં ગાળોનું સ્થાન વધુ રહ્યું છે. વાણીમાં કોઇ સંયમ જ રહ્યો નથી. એવી અવળવાણી મનુષ્યને માટે શોભાસ્પદ છે ખરી? આજની મનુષ્યની વાણી સત્યથી પર છે. ક્યાં ઋષિ મુનિયો જેવી દેવવાણી અને ક્યાં આજની અધમતા ભરી બરછટ વાણી? તુલના થઇ શકે ખરી? વાણીમાં તો સરસ્વતીનો વાસ છે. હંમેશ મીઠી મધુરીવાણી ઉચ્ચારવી જોઇએ વાણીમાં જ સુખ અને વાણીથી જ દુઃખના ભોક્તા થવાય છે. સર્વની સાથે પ્રેમ ભરી, મધૂરતા સાથે આનંદથી વાત કરવાની રાખવી જોઇએ, મુખમાંથી શબ્દ કાઢતાં પહેલાં તેને વાગોળો, ખુબ જ વિચાર કર્યા પછી, ઘટતા શબ્દોથી મીઠી પ્રિય તેમજ હિતકર વાણી બોલવાની રાખવી જોઇએ.

હંમેશા સત્યવાણી બોલવાનો આગ્રહ રાખવો. વાણીમાં સત્ય હશે તો ઇશ્વર પરમાત્મા, મનુષ્ય સાથે જ રહેશે. પરમાત્મા સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ સ્વરૂપ છે. મનુષ્યની વાણીમાં સત્ય, મનમાં કલ્યાણ ભાવના અને આંખથી સઘળું સુંદર જોવાનું રાખો તો સંસાર સાગરમાં બેડો પાર થાય. દુઃખી માણસને સાત્વનાભર્યાં મીઠા બે બોલ કહેવા એ વાણીનું ચારીત્ર્ય છે. ઓછું બોલો પણ સાચું બોલો, જરૂરી બોલો અન્યમાં સ્નેહનો સંચાર થાય એવી વાણી બોલો સર્વ જનને આને કે આતો અમારા પોતીકા છે એવું સર્વ ગ્રાહી મીઠું મધુરું બોલો, બોલેલું પાળવું એ વાણીનું ચારિત્ર્ય જ છે.

જીભને કર્કશતા કરતાં પ્રેમ અને માધુર્ય આપો. જીભેથી ગાળો કે અપશબ્દ ના બોલો. જીભથી તો હરીનામ સ્મરણ, હરીકથા કે મંત્રના જપ જાપાદી જ થાય. ખરાબ શબ્દોથી મોંને અને જીભને અપવિત્ર ના બનાવસો. ઉમદા શબ્દોથી જ વાતાવરણને ભરી દો. કૃત્યકૃત્ય થઇ જવાશે. તમારી મીઠી વાણી અન્યને આશીર્વાદરૂપ થઇ પડશે. તેમ થતાં તમને પણ તેની દુઆ મળશે. આશિષ મળતાં તમારામાં નવું બળ કે ચેતના આવશે. ક્રોધ કે આવેશના શબ્દો તો કદીય મુખમાંથી નીકળવા ના દેશો. કોય તો અશુદ્ધ ચાંડાળ છે તેનાથી દૂર રહેવામાં જ મનુષ્યનું જીવન સુખ શાન્તિભર્યું બની રહેશે.

નાના નાના ભૂલકાઓને તુચ્છકારશો નહીં. તે ભલાં ભોળાં છે પરમાત્માના અંશરૂપ છે. એમને ધમકાવ્યા વગર હેત પ્રેમભાવથી અને લાડ પ્યારથી બોલાવજો. મધુરતાનું એમને દાન કરજો. એ મધુર્યદાન ભવિષ્યમાં બહુ ઉપયોગી બને આનંદદાયી બની રહેશે.

સ્હેજ કથોલી વાણી સતી દ્રોપદી બોલ્યાં હતાં. “આંધળાના આંધળા જેવા જ હોય” તેથી મહાભારતનું યુદ્ધ ખેલાયું. કૌરવો પાંડવો લઢ્યા અને સર્વનો વિનાશ થઇ રહ્યો. વાણીથી તો રાજ્ય ગયાં છે ને નવા રાજ્યના મંડાણ પણ થયાં છે. ઇતિહાસમાં એવા તો અને દ્રષ્ટાંતો મળી આવશે. જીભના જાદૂનો કંઇ પાર નથી?

વાણીથી માનવી પર અસર થાય છે. સાથે સાથે પશુ અને પ્રાણીઓ પર તેની ખૂબ જ અસર પડે છે. સારી વાણીનો પડઘો સારો પડશે. મીઠી વાણીનો મધુર અને કર્કશવાણી કટુતા અને વેર ઝેર બંધાવશે. એટલે પાડોશી સાથે પણ મીઠી વાણીમાં જ વાતચીત કરવી જોઇએ કે જેથી મુશ્કેલીમાં મદદરૂપ થઇ શકે. કોઇપણની જોડે વાતચીત કરો ત્યારે શાંતીપૂર્વક, પ્રેમપૂર્વક અને આનંદપૂર્વક બોલો, તો તમો સર્વના પ્રિય થઇ રહેશો આતો છે વાણીનો જાદુ! કોયલ અને કાગડાનો દાખલો લો. કોયલનો ટહુંકો સર્વને પ્રિય બની રહે છે જ્યારે કાગડાની કા...કા? વાણીની મીઠાશ મેળવો તો સૌને ગમી રહેશો.

અનુક્રમણિકા

૨૨ : ચારિત્ર્યને ચોતરે

આજના સમાજમાં રહેતા માનવીને ચારિત્ર્ય શું છે? તેની સમજ ખબર જ નથી. માનવજીવનની કોઇ પણ બાબત જોવા જઇએ ત્યાં ઉઘાડી લૂંટ અને દગાબાજીના જ દર્શન થાય છે. સચ્ચાઇને બદલે જૂઠના આશરે જ માનવી આજે પોતાના દરેક કામો કરતો થઇ ગયો છે. નર્યો સ્વાર્થ ત્યાં ભલા અન્ય વ્યક્તિને સહાયરૂપ કે મદદરૂપ થવાની શી વાત? ત્યાં કોઇપણ જાતની સેવાની આશા ખરી? આ તો ચારિત્ર્યશીલતાની નિશાની છે. જવલ્લે જ માણસાઇના દીવા પ્રગટી રહે છે, જોઇ શકીએ છીએ.

કોઇપણ ખોવાયેલ ચીજવસ્તુઓને જેની છે તે વસ્તુઓને તેના માલિકને પહોંચાડવી એ સાચા ચારિત્ર્યનું સાક્ષીરૂપ છે. કોઇએ આપણને મદદ કે સહાય કરી હોય તો તેનો આભાર માનવાનું ચૂકશો નહીં. રસ્તે ચાલતા કોઇ પણ વૃદ્ધ કે અપંગ કે અશક્તને સહાય કરવી એ ચારિત્ર્યનું અંગ છે. મનુષ્યની પ્રિય, મીઠી, મધુર અને સત્યવાણી એ ચારિત્ર્યશીલના શણગાર રૂપ છે.

આજે જાહેર સ્થળે સભા કે પ્રવચન થાય છે. ત્યારે ઘણા મનુષ્યો તે સાંભળતા નથી. અને બીજાને ખલેલ કરે તેવી હરકતો કરે છે. વચમાંથી ઉભા થઇ ચાલતી પકડે છે. ત્યાં તેની ચારિત્ર્યશીથિલતા છે. કોઇ પણ વ્યક્તિએ પ્રવચન પૂરું થાય પછી જ ઉઠવું કે જેથી પ્રવચનકારને માઠું ન લાગે અને શ્રોતાઓને પણ સાંભળવામાં અગવડ ન પડે.

આજના માનવીના હૃદયમાંથી દયા ઝરણું વહી રહે છે. ખરું? કોઇ પણ એવા માનવી પ્રત્યે કરુણા દયા દાખવવી, દુઃખીઓને દિલાસો આપવો કે તેને તન મન ધનથી મદદ કરી, તેના દુઃખને, દર્દને, યાતનાને દૂર કરવી એ પણ ચારિત્ર્યનું અંગ છે.

મહાન પુરુષના સદ્‌ગુણોને આવકારવા અને તેમના દુષણોને ઢાંકી રાખીને અન્ય આગળ તેની સારી કામગીરીની રજુઆત કરવી જોઇએ. નાનામાં નાના માણસ પાસેથી સદ્‌ગુણ ચાતુરી કે જ્ઞાન ગ્રહણ કરવું એ ચારિત્ર્યનું લક્ષણ છે.

જ્યાં સ્ત્રીઓ માટે મુકરર સ્થળ નક્કી કરેલ હોય ત્યાં પુરુષે ન જવું. કોઇ પણ વાહનમાં, ટ્રેનમાં કે બસમાં ભીડ હોય અને કોઇ સ્ત્રી પાસે બાળક હોય અથવા તો વૃદ્ધા હોય તો પોતે ઉભા રહી, તેઓને બેસવાની જગ્યા કરી આપવી એ સાચું ચારિત્ર્યશીલતા છે.

કોઇ પણ ભૂલા પડેલા માનવીને કે અંધ, અપંગને મદદ, સહાય કે માર્ગદર્શક બની રહેવું પ્રાણીમાત્ર માટે કે કોઇના હિત માટે પરમાત્માને પ્રાર્થના કરવી જોઇએ. વગર વિચાર્યે કોઇ પણ જાતનો વાયદો કરશો નહીં. કોઇનું હાથમાં લીધેલું કામ પૂરું કરવું જોઇએ. કોઇ પણ બાબતમાં શાંતિથી વિચારી, તે પૂર્ણ કરવામાં જ સંસ્કારિતા ને શિષ્ટાચાર છે.

આજે ધર્મક્ષેત્રમાં પડેલા સાધુ સંત, મહંત, આચાર્યો ઘણા માનવીને ગેરરસ્તે દોરે છે. એ ચારિત્ર્યશીથિલતા છે. એરણની ચોરી કરીને સોયનું દાન કરવામાં ચારિત્ર્ય ક્યાંથી સંભવે? સ્વાર્થને ખાતર ઘણાને નુકસાન કરવાની કાર્ય પદ્ધતિમાં સંસ્કાર કે ચારિત્ર્ય ભળાય ખરું?

આજે બસમાં, ગાડીમાં ઘણા મનુષ્યો બીડી સિગારેટ પી, ધૂમાડા કાઢીને બીજાને અગવડરૂપ બની રહે છે. તેઓને સ્વાસ્થ્ય હાનિ થાય છે સાથે બીજાના પણ સ્વાસ્થ્યને બગાડે છે. ઘણા લોકો મોટેથી વાતચીત કરી, બીજાની શાંતિનો ભંગ કરે છે. પડોશમાં કોઇને ન રૂચે તેમ મોટા અવાજમાં ટી.વી. રેડીયો અને ટેપરેકોર્ડર બજાવી અન્યને ખલેલ પહોંચાડે છે ત્યાં ચારિત્ર્ય ભળાય ખરું?

ઘણા લોકો અસત્યનો આશરો લઇ જૂઠી જૂઠી વાતો જ કરી, અન્યની સામે પોતાની મોટાઇ બતાવે છે. ત્યાં વાત વાતમાં આત્મશ્લાધા જ હોય છે. પોતાની વડાઇ માન પ્રતિષ્ઠા માટે દાન પુણ્ય કે ધાર્મિક કાર્યમાં પોતાનું યોગદાન આપવામાં ચારિત્ર્યશીલતા નથી. કોઇ પણને પ્રેમથી બોલાવવા, સાંભળવા, કોઇની મુશ્કેલીમાં દુઃખમાં તન મન ધનથી સહાય કરી, ઉચ્ચ ચારિત્ર્યશીલતાના દર્શન કરાવવા જોઇએ. પ્રેમથી સૌ સાથે હળી મળી રહેવાથી પોતાનો સંસ્કાર પરિમલ ચોમેર પ્રસરી પ્રગટી રહેશે તો તમને પ્રભુ દર્શન પણ કરાવી શકે છે.

અનુક્રમણિકા

૨૩ : નોકરી ધંધામાં સદાચાર

માણસને જીવન નિર્વાહ અંગે નોકરી કે ધંધાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. જો કે આજે વધતી જતી વસ્તીની સમસ્યાને લઇને રોજબરોજ બેકારીની સંખ્યા વધતાં, નોકરી મેળવવી કઠીન થઇ પડી છે. અને તેમાંય પસંદગીની નોકરી ભાગ્યે જ મેળવી શકાય છે. ભલેને યુવાને ગમે તેવી મોટી ડીગ્રી મેળવી હોય તો પણ નોકરી મેળવવાનાં ફાંફાં મારવા પડે છે. નોકરી ન મળતાં યુવાન ગેરમાર્ગે વળી ખોટાં કામો કરી, પૈસા કમાવા પ્રયત્ન કરે છે. ક્યારેક તે અનેક વ્યસનોનો બંધાણી બની જઇ તંદુરસ્તીને હાની પહોંચાડી રહે છે.

યુવાન ચાહે સરકારી નોકરીમાં, બેંકમાં, એલ.આઇ.સીમાં કે ગુમાસ્તી કરતો હોય ત્યાં કામચોરી થતી રહે છે. ચોક્સાઇપૂર્વકનું કામ થતું નથી કે કરવામાં આવતું નથી. કામમાં સચ્ચાઇ રહી નથી, જુઠ કપટનો માર્ગ અપનાવાય છે. મહેનતનો પગાર લેવાતો નથી. ત્યાં સંસ્કારિતા કે ચારિત્ર્યના દર્શન થાય ખરા? કુદરતની સચ્ચાઇને અને તેના નિયમો તોડનારને વહેલું યા મોડું દુઃખ કે મુશ્કેલી સહન કરવી જ પડે છે. ગ્રાહકને લૂંટીને કે ભાવ કરતાં વધારે લઇને શેઠને આપવામાં પણ ચારિત્ર્યહીનતા છે. પોતે જાતે તેમાંથી નફો ખોળવો એ તો તેનાથી પણ વધુ ખરાબ છે. અને અસંસ્કારિતા છે. કાળા બજારને પ્રોત્સાહન આપવું તે પાપના ભાગીદાર બને છે. નોકરીમાં સમય પાલન, વફાદારી, મળેલા કામને ચીવટપૂર્વક સમય મર્યાદામાં ઉકેલ લાવવાનો ખાસ આગ્રહ રાખવો એમાં સંસ્કારિતા છે. એથી ઇશ્વર રાજી રહે છે. ખરી મહેનતનું ધન કમાવામાં જ ચારિત્ર્યશિલતા રહેલી છે. પાપના પંથેતી દૂર રહેવું અને સાચને પંથે કામ કરીને પુણ્ય રળવું એ જ સદાચાર અને સત્કાર્ય છે.

ધંધા રોજગારમાં ભેળસેળને જરાય સ્થાન નથી. આજે અનેક ચીજ વસ્તુઓમાં ભેળસેળ થાય છે. એક માલ દેખાડી, બીજો માલ પકડાવી દેવામાં આવે છે. એ તો નર્યો અવિશ્વાસ કર્યો કહેવાય. એવા કાર્યથી દૂર રહેવું નહીં તો ચારિત્ર્યની ક્ષતિ થાય. માનવજીવનની પડતી થાય. ઇશ્વરના ગુનેગાર ગણાઇએ. કચેરીના ઓફિસરને અને શેઠને વફાદાર રહેવું જોઇએ. આપેલ કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવું, નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. ફરજ સમજી કામ કરવું, વિશ્વાસઘાત કદીય ના કરવો. સદાચારમાં ખામી આવે. અપયશ મળે અને ફજેતી થાય તે અલગ કામકાજમાં નિયમિતતા, ચીવટતા, પ્રમાણિકતા રાખવી એ ચારિત્ર્યશીલતાની નિશાની છે. મીઠી વાણીથી કોઇનું કામ કરી આપવું જોઇએ. કર્તવ્યપરાયણના સદાચારના ખાસ લક્ષણો છે. લોભવૃત્તિ છોડીને વ્યાજબી કાર્ય કરવામાં જ સંતોષ અને આનંદ માનવો. તમારું જ છે તે તમને મળવાનું છે. પછી ખોટી ચિંતા કરવી નહિં. ખોટો પૈસો લેવો નહિં, લાંચ રુશ્વતથી દૂર રહેવું જોઇએ. કોઇ પણ કામ કર્તવ્યપરાયણપૂર્વક કરવાથી સુખ અને સંતોષ મળે છે.

ઉદ્યોગ ધંધામાં કે નોકરીના સ્થાનમાં સર્વને સાચી સલાહ આપવી જોઇએ. ખોટી ધાક ધમકી કરવી નહીં. શાન્તિથી વાત કરવી. નોકરી ધંધામાં સોંપેલ કામને મોડું વહેલું થાય તો પણ પૂર્ણ કરવું એ જ સાચી ફરજ છે. સામા માણસનું કામ અગવડ વેઠીને પણ પરિપૂર્ણ કરી આપવામાં જ માણસાઇ છે. સદાચારની સુગંધ છે.

અનુક્રમણિકા

૨૪ : વ્યાપારિક ધર્મોચાર

ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશને અનેક વસ્તુઓની જરૂરિયાત રહેજ. બીજા દેશોમાં આપણે કેટલી ચીજ વસ્તુઓની નિકાસ કરીએ છીએ. અને દેશને જરૂરી વસ્તુઓની આયાત પણ કરીએ છીએ. અદલો બદલો વિનિમય કરીને જીવન વ્યવહારનું કામ ચલાવીએ છીએ. આવા સંજોગોમાં સત્યતા, પ્રમાણિકતા, નિશ્ચલતા, ખંત અને સ્વદેશ પ્રેમ હોવો જરૂરી થઇ પડે છે.

“વ્યાપારે વસતે લક્ષ્મી” એ વાક્ય નોંધપાત્ર છે. પહેલાંના સમયમાં રૂપિયે એક આનો (છ નવા પૈસા) નફો મળે એટલે વેપારીને સંતોષ થતો. છતાં કેટલાક સવાયા લાભની ઇચ્છા રાખતા. હવે તો માનવીના જીવનમાં ડગલે પગલે ચીજ વસ્તુઓની જરૂરિયાતો ઉભી થતી જતી હોઇ સર્વેને ધન દોલત પૈસાની તાતી જરૂર પડે છે. તે મેળવવા આકાશ પાતાળ એક કરતાં ન કરવાનાં કામો કરી, બે નંબરનો પૈસો ભેગો કરી, મોજશોખ, ભોગ વિલાસમાં ડૂબી દારૂનું સેવન કરી, જીવનને અશાંતિમય બનાવી દે છે. માનવજીવન ડહોળાઇ ગયું છે. વ્યાપાર શબ્દ હવે તો વગોવાય છે. પૈસા પામવા ગમે તેવો માલ સામાન, ચોરી છૂપીથી ઘૂસાડી દે છે. માલમાં ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થોને બગાડીને લોકોના જીવન સાથે ચેડાં થતાં રહે છે. તે કેવું અમાનવીય, વિચિત્ર ને ગલીચ લાગે છે. માનવતાને મોભે મૂકી દે છે.

મોંઘવારી વધતી જાય છે. તેવે સમયે દરેકને પૈસાની જરૂર રહેજ. ઘર ખર્ચને પહોંચી વળવું જોઇએ. અને સાથે દેખાદેખીથી ટી.વી. ફ્રીજ, સ્કુટર, ઘરઘંટી, એરકૂલર વગેરે વસ્તુઓ વસાવવા માનવી ન કરવાના કામો કરતો રહે છે. મનુષ્ય સંતુષ્ટ બનતો નથી. ઉલટું વધુ ભ્રષ્ટાચારી, અત્યાચારી બનતો જાય છે. વેપાર ધંધાના નીતિ નિયમો નેવે મૂકી દે છે. જે વેપારમાં પ્રમાણિકતા નથી તે વેપાર કહેવાય ખરો? એક જાતનો માલ બતાવી ભળતો માલ ગ્રાહકને કે બીજા વેપારીને વળગાડી ખોટો પૈસો ઉભો કરી રહે છે.

સૌનો પાલનહાર ને પોષણકર્તા પરમાત્મા છે તે ધરતી પરનો માનવી શું કરે તે નિહાળે છે. માનવી તો ખોટા કામો કરતો રહે છે. જે વ્યાપારમાં નીતિ નિયમો, પ્રમાણિકતા નથી એ વેપાર ધંધા ટકે ખરા? તેમાં તેની અને દેશની આબરૂ શી? વિદેશ સાથેના વેપારમાં આવી બાબત શરમજનક ગણાય. દેશની ગલીચતા ને નીચતા જણાતાં બીજા સાથેના વ્યાપારોમાં ક્ષતિ પહોંચી રહે.

વેપાર ધંધાવાળા માનવીએ સમજવું જોઇએ કે પોતે માણસ છે તેમ બીજા પણ માણસ છે. જેવી પોતાની સુખાકારી ઇચ્છે છે તેમ બીજા પણ માણસની ઇચ્છવી જોઇએ. સારો ચોખ્ખો ખોરાક કે ચીજ વસ્તુઓ આપવાનો આગ્રહ રાખવો જોઇએ. અન્ય માટે વિચાર કરવો તથા પોતાના વ્યવહારમાં આચરવું જોઇએ.

વ્યાપારીઓએ ધંધો વેપાર કરવાની ખાસ આચાર સંહિતા ઘડીને જ વ્યાપાર કરવો હિતાવહ છે. અમુક જ ટફા નફો લેવો, માલમાં બનાવટ કે ભેળસેળ ન કરવી, માલનો સંગ્રહ કરી, તેની તંગી ઉભી કરી, પછી માલના વધુ પૈસા લઇ, લૂંટવાનો વિચાર ત્યાગવો જોઇએ. વિદેશમાં જોઇતા પ્રમાણે માલની આયાત કરી, નફો નક્કી કરી, વેચાણ કરવું જોઇએ. સંગ્રહિત માલ બગડી ન જાય તેની ખાસ તકેદારી રાખવી. દેશમાંથી પરદેશમાં જ માલ મોકલાય તેમાં સચ્ચાઇ, પ્રમાણિકતા હોવી જોઇએ. માલની ફેર બદલીમાં આડા અવળી કરવામાં દેશની આબરૂને ધક્કો ન પહોંચે તે ખાસ ધ્યાન રાખવું જોઇએ. દાણચોરીથી માલ દેશમાં ઘૂસાડવો કે બહાર મોકલવો વ્યાજબી નથી. દેશમાં અછત ઉભી કરી, ભાવનો વધારો લેવાને, કાળાબજાર કરવાને, ગમે તેવે માર્ગે માલની હેરાફેરી કરી, બીજા પ્રદેશમાં કે દુશ્મનના પ્રદેશમાં કરવી એ રાજદ્રોહ કે દેશદ્રોહ છે. આવો દ્રોહ ઇશ્વર પર સાંખી લેશે નહીં. જેવું કર્મ તેવું ફળ જરૂર ઇશ્વર આપે છે. એટલે વ્યાપારીની માનવતામાં જ બરકત હોય છે.

વેપારીઓ તો દેશની શાન છે. ક્યાં ક્યાંથી માલ લાવી, દેશ બંધુઓને આપે છે તે એક સેવાનો જ પ્રકાર થયો ગણાય. ઉમદા વેપારી કદીય ખોટું કામ નહીં કરે. ઘણા એવા વેપારીઓ છે કે માલ આપતાં વજનમાં ફેરફાર કરી, ઓછું જોખી આપે છે અને વધુ નફો કરવી લે છે. તોલમાપમાં જરૂર કરતાં ઓછા વજનીયા રાખી પ્રજાને છેતરે છે તે કેટલું વ્યાજબી છે? ગ્રાહકને છેતરે તે પોતાની જાતને જ છેતરે છે.

વેપારમાં શુદ્ધતા, સચ્ચાઇ, પ્રમાણિકતા હોવી જોઇએ. દેશના માનવો જ કુટુંબીજનો માની વેપારીએ વેપાર કરવો જોઇએ. ઋતુ ઋતુના પાકના માલને સુંદર રીતે બાંધવોને આપવાનો નિર્ધાર કરવો જોઇએ. બગડેલો માલ ગ્રાહકને બતાડવો ન જોઇએ. એવા માલને વેપારીએ જ નાશ કરવો જોઇએ. વેપારમાં ડગલે પગલે જૂઠનો આશ્રય લેવાય છે. એ બરાબર નથી. ગુમાસ્તાઓએ પણ શેઠને તેમજ ગ્રાહકને નિમક હલાલ રહેવું જોઇએ. તેમણે બેવડી ફરજ પૂર્ણ રીતે બજાવવી જ રહી.

વિશ્વમાં વેપાર જ્યાં સુધી ઉજળો હશે, નિષ્કલંક હશે ત્યાં સુધી પ્રજાનું સારું અસ્તિત્વ રહેશે. નવા નવા ઉદ્યોગોથી દેશની સમૃદ્ધિ વધે તેવો વેપાર કરવો જોઇએ. સ્વાર્થ સાથે પરાર્થ કે પરમાર્થને પણ વેપારીએ ભૂલવા ન જોઇએ. સર્વના હિતમાં પોતાનું હિત સચવાયું છે તેમ માની ઉજળો વેપાર કરવો જોઇએ. વેપારમાં હોંશા તુંશી, ચડસા ચડસીને પણ સ્થાન નથી. એમાં પાયમાલી જ છે. વેર ઝેર રાખવામાં ક્યારેક અજુગતું કરી બેસવું ન જોઇએ.

અનુક્રમણિકા

૨૫ : ખેડૂત ધર્મ

સમગ્ર વિશ્વમાં વસ્તીના વધુ આંકડામાં ચીન દેશ પછી ભારતદેશ બીજા નંબરે આવે છે. આજે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ત્યારે અન્નનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે. સમગ્ર સંસારનો આધાર અન્ન પર અવલંબે છે. અન્ન ન હોય, ખોરાક ના હોય, તો જીવનનું અસ્તિત્વ હોય ખરું? શરીર ટકી શકે ખરું? આપણો ભારત દેશ અન્ન પર જ આધારિત છે. આપણો દેશ અન્ન પર લગભગ પગભર થતો જાય છે. અન્ન પર સ્વાવલંબી બનાવી રહેવાનો ખરેખરો યશ ખેડૂતને ફાળે જાય છે. પાક ઉત્પાદન અંગે સરકારે વિવિધ આયોજન કર્યું છે. અને તેનો લાભ ખેડૂતોએ અવશ્ય લેવો હિતાવહ છે.

ખેત ઉત્પાદન અને ખેડૂતોનું મહત્વ મોખરે રહે છે. ખેડૂતમાં દેશભક્તિ પ્રેમ, ત્યાગ, તપસ્યા, ભાઇચારાની ભાવના, સંકટમાં ક્ષમતાનો ગુણ અને ખડતલ જીવન હોવું જરૂરી છે. ખેડૂતે પોતાની ખેતીને પોતાની જીવન આરાધના કે કર્તવ્ય સમજવું અને માનવું જોઇએ અને જીવનમાં અનુસરવું જોઇએ. “ખેડૂત તો જગતનો તાત છે.” એ સૂત્ર અનુસાર મનુષ્યને અન્ન પૂરું પાડવું એ ખેડૂતની જવાબદારી છે. અને સુખી સંસારમાં તેજ અગત્યનો ભાગ ભજવી શકે છે.

પરિવર્તન થતા યુગમાં ખેતીમાં પણ આધુનિકરણ આવી ગયું છે. વધુ અનાજ કેવી રીતે ઉત્પન્ન કરવું તે માટેના જાતજાતના યંત્રો, ખાતરો, સિંચાઇ અને વિશેષ તો ખેડૂતની સૂઝબૂઝ અને તે અંગેનું જ્ઞાન સાથે કડી મહેનત અને માવજત મુખ્ય છે. ખેડૂતની ફરજ થઇ પડે છે કે તેણે એ બધું સમજી વિચારીને મબલખ અન્ન મેળવવા જમીનને કેવી રીતે કસદાર બનાવી શકાય, ક્યાં ખાતરનો ક્યારે ઉપયોગ કરવાથી વધુ અનાજ ઉત્પન્ન કરી શકાય વગેરે ખેતી અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિની જાણકારી ખેડૂતે લઇ લેવી જરૂરી બની રહે છે. “મારે શું? થોડું ખાવા જેટલું પાકશે તો મારે કશો વાંધો નથી. હું શા માટે બીજાને કાજે વૈતરાં કે વેઠ કરું?” એવો ભાવ દિલમાંથી સદાને માટે કાઢી નાખવો જોઇએ.

“મને મારી તપશ્ચર્યાનું ફળ ઇશ્વર આપશે જ” એવી ઉમદા ભાવના રાખી, ખેતી કરવી જોઇએ. જમીન તો મારી માતા છે, એ એના બાળકોને કદીય ભૂખ્યા નહિ રાખે એવો ભાવ વિચાર હૈયે હોવો જોઇએ.

ખેતી અંગેની નવીન પદ્ધતિ માટે સંસ્થાઓ, સહકારી, મંડળીઓ, પંચાયતો પાસેથી જાનકારી મેળવી લાભ લઇ ખેડૂતોએ અવશ્ય વધુ અને ગુણવત્તાભર્યું અન્ન ઉગાડવા પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. વર્ષમાં કેટલા પાક લઇ શકાય? ક્યા પાક પછી ક્યો પાક લેવો તેની રચના કે સંયોજન પણ ખેડૂતે કરવું જોઇએ.

રોકડિયા પાક જરૂરી છે. દેશને એની હુંફ અને ઓથ પણ છે. છતાંય જરૂર પડ્યે, અન્નની તંગીને સમયે ખેડૂતે પોતે ઘસાઇને, નુકસાન સહન કરીને અન્ન ઉત્પન્ન કરવાનો આગ્રહ રાખવો અત્યંત જરૂરી છે. ખેડૂતનું દિલ સાફ હોવું જરૂરી છે. જો કે એને સંજોગો તેમ નથી કરવા દેતા છતાંય સાચી લગનથી, આધુનિક ટેકનીકથી ખેતી કરવી, એ ખેડુતનું ચારિત્ર્ય દર્શાવનાર છે એ ભૂલવું ના જોઇએ. સૌ સૌના સદાચાર ન ભૂલે એ જ અગત્યની બાબત છે. અને તેમાંય ખેડૂતે તો ખેડૂતધર્મ ન જ ભૂલવો જોઇએ.

ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીએ “જય જવાન જય કિસાન”નું સૂત્ર આપ્યું હતું તે ખરે જ યોગ્ય છે. કિસાન વગર અન્ન નથી. અન્ન વગર જીવન શક્ય નથી અને જીવન વગર દુનિયા સંભવી શકે ખરી?

અનુક્રમણિકા

૨૬ : નેતાઓ નિયત બદલશે?

ભારત દેશ ગુંડાઓના હાથમાં જઇ, બરબાદીને પંથે શું વળી રહ્યો નથી? નેતાઓ કે રાજકર્તાઓને પોતાની ખુરશી ટકાવવી રાખવા ગુંડાઓની મદદ લે છે. ચૂંટણીઓ જીતવા પણ તેઓને બોલાવે છે. જ્યાં નેતાઓ જ ભ્રષ્ટ થઇ રહ્યા છે. ત્યાં પ્રજાનાં પ્રશ્નો કેટલે અંશે ઉકલવાના? આ ભ્રષ્ટાચારની બદી શું દેશને ભરખી જશે તો નહિ ને?

રાષ્ટ્રને સમૃદ્ધ કરવા, ઉન્નત બનાવવા સેવાભાવી રાજકર્તાઓ અને નેતાઓની ખાસ જરૂર છે. જેટલાં વધુ ચારિત્ર્યવાન હશે તેટલું રાજ્ય કે દેશ ઉન્નતિ પંથે ધપતો રહેશે. પહેલાંની દેશભક્તિ અને સેવાની ભાવનાની છાંટ આજના નેતાઓમાં ભાળી શકાય છે. ખરી? પૂ. ગાંધીજીના અનુયાયીઓ પણ નામથી જ અનુયાયી કહેવડાવે છે. ગાંધીજીના સિદ્ધાંતોને નેવે મૂકીને રાજ્ય કે દેશનું શાશન ચલાવાય છે. સિદ્ધાંત વિહોણું કામ દીપી ઉઠે ખરું?

નેતા રાજકર્તાઓ ચૂંટણી ટાણે જ પ્રજાનો સંપર્ક સાધે છે. પૈસાને જોરે ચૂંટાઇ આવે છે પછી પોતાના મતવિસ્તારનો પ્રજાના દુઃખો પ્રશ્નો અગવડોનો કોઇ ઉકેલ લાવતા નથી. પ્રજાનો સંપર્ક સાધી, તેઓના પ્રશ્નો હલ કરવામાં જ નેતાઓનું સદ્‌ચારિત્ર્ય છે. પ્રજાની મુશ્કેલીઓને પોતાની ગણી વહેલી તકે દૂર કરી, પ્રજાને સુખ સંતોષ આપીને સાચી ચાહના મેળવવી જોઇએ. પ્રજાની હાડમારી, મોંઘવારી, અનાજ વગેરેની અછતો અને તેલ જેવા ખાદ્ય પદાર્થો ભેળસેળ વીના, સરળપૂર્વક અને સસ્તે બાવે મળે તેવી ખાસ યોજનાઓ કરવી જોઇએ. ત્યાં આજે પ્રજાના પ્રશ્નો પરત્વે દુર્લભ સેવાય છે.

આજના નેતાઓ ઉદ્‌ઘાટનો અને મોટી ઇમારતોનો શિલાન્યાસ નાખવામાં જ વ્યસ્ત રહે છે. તેમને માન મરતબો ને મોભો ખૂબ ગમે છે ઓછી મહેનતે મળતો યશ ગુમાવવો તેમને પોષાતો નથી. તેઓ જ જાણે સર્વગુણ સંપન્ને થઇ ગયો હોય અને સર્વપ્રકારનું જ્ઞાન તેમનામાં હોય એવું નિહાળી શકીએ છીએ. આ રીતે દેશની ઉન્નતિ પ્રગતી કેવી રીતે પૈસા ભેગા કરવા, માલ મિલકત, જમીન જાયદાદ બનાવવામાં જ રચ્યા પચ્યા રહે છે દેશનું સારું માળખું ગૂંચવાઇ ગયું છે. પ્રજાનો પ્રશ્નો સરકાર સમક્ષ લાવવા પ્રયત્ન કરવો જોઇએ, તેઓ પણ ઉદાસીન છે. તેમને પણ પોતાનો મોભો જાળવવો છે.

દેશની શાન, શોભા કે આબરૂ એમ કાંઇ ભાષણો કરવાથી વધતી નથી. એની પાછળ તો નેતાઓના સાચા દિલની ધગશ અને સેવા ભાવના હોય તોજ દીપી ઉઠે. દેશ પ્રજાતંત્ર કહેવાય. પણ પ્રજાને નીતનવીન કાયદાઓથી જકડવામાં આવે એ કેવું કહેવાય? પ્રજાજનોનો અવાજ ન જ સંભળાય અને પક્ષને નામે પ્રજાને ખોટી રીતે સહન કરવું પડે એ કેવી વાત? આને શું શિષ્ટાચાર કહેવાય?

જ્યાં સુધી રાજકીય ચારિત્ર્ય નહીં સુધરે ત્યાં સુધી દેશનો જયવારો નથી થવાનો પ્રજાના દુઃખોને પારખીને તદનુસાર પગલાં લેવાને નેતાઓ પ્રેરાશે તોજ રાજ્યો કે દેશનું હિત સચવાશે. કે આબાદી સમૃદ્ધિ આવશે. દેશમાંના વિવિધ વાદોથી શું દેશ આગળ આવશે? આપણા કેળવાયેલા ગણાતા બુદ્ધિમાન આગેવાનો જ જો સત્તા કે ખુરશી માટે લડતા રહેશે તો પ્રજાની શી દશા થશે? પ્રજા તેઓનું અનુકરણ કરશે તો અંધાધુંધી શું ફેલાશે નહીં?

અત્યારે તો નેતાઓને સત્ચારિત્ર અંગે, સદાચારના અંગે, પ્રજાના ઘડતર અંગે તેમના દુઃખ દર્દો, મુશ્કેલીઓ અડચણો દૂર કરવા અંગે જ ધ્યાન આપવું જોઇએ. સદાચાર માત્ર વાતો કરવાથી આવતો નથી. એ તો આચરણમાં મુકવાથી આવે છે હવે તો પરમાત્મા જ સર્વ કોઇને ચારીત્ર્યને પંથે પ્રેરે અને સદ્‌બુદ્ધિ આપીને એખ બીજાને સહાયરૂપ બને તો જ દેશની બરબાદી થતી અટકશે. અને આબાદીના પંથે પળી શકશે.

અનુક્રમણિકા

૨૭ : પ્રવાસને પંથે

માનવજીવનમાં પ્રવાસનું સ્થાન અનેરૂ અને અગત્યનું રહેલું છે. પ્રવાસથી નવું નવું જાણવાનું, જોવાનું મળે છે. અવનવા અનુભવો પણ થાય છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિ સભ્યતાના દર્શન થાય છે. તે સમયની સ્થાપત્યકલા, વાસ્તુકલા, કાષ્ટકલાની સાથે સંગીતકલાની ભવ્યતાનો સુંદર પરિચય પામી રહેવાય છે. મનુષ્યની દૃષ્ટિ વિશાળ બને છે. બુદ્ધિ ચાતુર્ય પ્રતિભા ખીલી રહે છે. ચારિત્ર્ય બાંધવામાં તે મદદરૂપ થાય છે.

પ્રવાસમાં જતાં અગાઉ જે તે સ્થળ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી રહેવી એ સંસ્કારિતા છે. જ્યારે તેને તાદ્દશ્ય નિહાળીએ ત્યારે તેની ધન્યતાની અનુપમ અનૂભૂતિ થઇ રહે છે.

પ્રવાસમાં એક નોંધપોથી અવશ્ય રાખવી એ સંસ્કારિતા છે. જે તે સ્થળની ઐતિહાસિક નોંધો ભવિષ્યને માટે ચિરસ્મરણીય બની રહે છે. ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ જરૂરી બની રહે છે. પ્રત્યેક સ્થળને રસપૂર્વક પણ ઝીણવટથી નિહાળવું એમાં પ્રવાસીનું અને પ્રવાસનું સાર્થક્ય છે. બાકી ઊભા ઊભા ગયા અને આવ્યા તેમાં શું મળવાનું? શું જાણવાનું? શો આનંદ માણ્યો હોય? ખાલી ખર્ચ થયું કે કર્યું એટલું જ ને?

પ્રવાસમાં અન્ય વ્યક્તિને મદદરૂપ બની રહી, સેવા કાર્ય બજાવી રહેવું એમાં માનવતા અને સંસ્કારિતા છે. પ્રવાસમાં ભાઇચારો પણ જરૂરી બની રહે છે. પ્રવાસમાં જાગૃત રહેવું. સાવચેતી રાખવી એ પણ જરૂરી છે. કોઇના પર એકદમ વિશ્વાસ મૂકી દેવો એ ભોળપણની અને અનઆવડતની નિશાની છે. પ્રવાસમાં જરૂરી સાધનો જેવાં કે પાણીનું સાધન બેટરી, નાસ્તા પાણી, સૂવાનું સાધન, હથિયારમાં લાકડી અને ચપ્પું ક્યારેક ઉપયોગી બની રહે છે.

ટ્રેનમાં કે બસમાં પદ્ધતિસરનું ચઢવું ઉતરવું એમાં સંસ્કારિતા છે. ધક્કા મુક્કી કરી, વગાડી બેસવું. એ માણસાઇ નથી. પ્રવાસમાં ખૂબ ખાવું એ હિતાવહ નથી. એક ટંક ખાવાથી આરોગ્ય સચવાઇ રહે અને પ્રવાસ સારી રીતે માણી શકાય. પ્રવાસમાં વૃદ્ધો કે અશક્તો કે સાથીદારોની જરૂર પડ્યે સેવા બજાવી રહેવી એ સદાચાર જ છે.

પ્રવાસમાંના નયનરમ્ય પ્રાકૃતિક દ્રશ્યો, વાવ, નદી, સરોવરો, કલાત્મક કોતરણીવાળા આરસપહાણના બંધાએલા મંદિરો, સ્થાપત્યો, ગુરુદ્વારો, દેરાસરો અને મસ્જિદો જે તે સમયની ભવ્યતાના દર્શન કરાવી જાય છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં કંઇક નવીનતા પામ્યાનો, સુખ આનંદની અલભ્ય અનુભૂતિ થઇ ચિરસ્મરણીય બની રહે છે. પ્રવાસ ખેડવાનો આનંદ જ અનોખો હોય છે. સમણીય ટેકરીઓ, પહાડો, પર્વતો પરના કુદરતી દ્રશ્યો અરે ત્યાંની આહ્‌લાદક હવાના સ્પર્શ માત્રથી જ અંતર મન પ્રાણ અવર્ણનીય આનંદથી ઝૂમી ઉઠે છે. નાચી રહે છે. જીવન જીવવાનું નવું બળ શક્તિ, તાજગી સ્ફૂર્તિ મળી રહે છે. એટલે મનુષ્યે વર્ષમાં એકાદ વખત એવા પ્રવાસનું આયોજન કરવું ખૂબ જરૂરી બની રહે છે. ભલે દુનિયાની સૈર થઇ ન શકે પણ આપણા ભારત દેશના જોવાલાયક સ્થળોનો અવશ્ય પ્રવાસ ખેડી રહી, દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જોવો, જાણવો અને અનુભવી રહેવો જોઇએ. તો જ મનુષ્યે જીવન જીવ્યું સાર્થક થઇ રહેશે, ધન્ય બની રહેશે.

અનુક્રમણિકા

૨૮ : સર્જકનું સાહિત્ય સર્જન

આજે નવોદિત સર્જકો સાહિત્ય સર્જન ક્ષેત્રે વધતા જાય છે. આનંદખુશીની વાત છે. નવોદિતો લઘુકથા અને ગઝલક્ષેત્રે વધુ ને વધુ સર્જન કરતા જોવાં વાંચવા મળે છે. લઘુકથા કે ગઝલનું સાહિત્ય સ્વરૂપે જેવી રીતે સર્જન થવું જોઇએ તેમ થતું નથી તે દુઃખદ વાત છે. ઉત્કૃ,્‌ટ સાહિત્યની આશા અપેક્ષા રાખી શકાય. જૂની પેઢીના સર્જકોનું સાહિત્ય પ્રેરણાત્મક, બોધાત્મક અને અધ્યાત્મક રીતે ઉત્કૃષ્ટ હોય છે તેવું સાહિત્ય સર્જન નવોદિતો પાસે. આશા રાખવી અસ્થાને ગણાય નહીં. ગમે તેવું કે જે મનુષ્યને ઉપયોગી બની શકે નહીં. તેવા સાહિત્યને સ્થાન નથી.

સાહિત્ય સર્જકો સદાચારી અને ચારિત્ર્યશીલ હોવા જરૂરી છે. તેમના ઉમદા સાહિત્ય દ્વારા પ્રજાનું જીવન ઘડતર સુંદર થઇ શકે છે. જેનું જેવું સાહિત્ય તેવી જ પ્રજા. સાહિત્ય સર્જકોની ફરજ થઇ પડે છે કે સમયને અને સમાજને અનુરૂપ થઇ મદદ કે ઉપયોગી બની રહે તેવું પોષક સાહિત્ય સર્જન કરવું જોઇએ. આજે સાહિત્યમાં વિવિધ પ્રકારના લખાણો જેવા કે લઘુકથા, વાર્તા, નવલકથા, કાવ્ય ગીતો, ગઝલ, નિબંધાત્મક, ઉપદેશાત્મક, વિવેચનાત્મક, બાલસાહિત્ય અને અધ્યાત્મક સાહિત્ય વગેરે ઉત્કૃષ્ટ અને ઉમદા સાહિત્ય હોવું જોઇએ. તો જ પ્રજાના વિચારોમાં પરિવર્તન લાવી, તેમના જીવન ધોરણને ઊંચું લાવવામાં ખૂબ મોટો ફાળો આપી શકાય. સાહિત્ય દ્વારા દેશોન્નતિ થઇ શકે છે.

આદર્શ સાહિત્યકારો, નેતાઓ અને આદર્શ રાજ્યકર્તાઓના ચારિત્ર્યની બાબતોનો સાહિત્યમાં સમાવેશ કરવો યોગ્ય બની રહેશે. લખાણો મૌલિક અને સ્વાભાવિકતાથી ભરપૂર હોવા અતિ આવશ્યક છે. સાચી ઘટનાઓને તેમાં ગૂંથવામાં આવે તો એ સાહિત્ય દેશોન્નતિ કે આબાદીમાં જરૂર મદદરૂપ થઇ પડે.

આપણા દેશની પુરાણ કથાઓ, તેમજ વિદેશની કાથાઓને પણ સાહિત્યમાં સ્થાન આપવું જોઇએ. સ્વાર્પણ અને બલિદાન તેમજ શૌર્ય શૂરાતનને તો અવશ્ય સ્થાન આપવું જોઇએ. જેથી વાચક વાંચતાં જ ચારિત્ર્ય ઘડતર તરફ ડગભરવા પ્રેરાય. સર્વને સાચી સમજનું ભાન થાય. દેશની શાન વધારવામાં પોતે સચ્ચાઇને તેમજ યોગ્યમાર્ગે વાળી શકાય. આદર્શ સાહિત્યનું ગૂંથન કરેલું હોવું આવશ્યક છે.

આદર્શ વાતો વાંચવાથી કે બોલવાથી કશો જ લાભ થતો નથી. પણ ઉમદા સાહિત્યને બને તેટલા આચરણમાં મૂકવાથી વ્યવહારમાં બીજા ઉપર જરૂર પ્રભાવ પાડી શકે. માનવજીવનના ઊંચા પંથે જવા પ્રેરાશે. તો જ જન જીવન આબાદ, અને સમૃદ્ધશાળી બને. શોભા વધારી શકાય. યશસ્વી બની રહેવાય.

મારા સાહિત્યનું લખાણ જ સાચું છે, તેવું જક્કીપણું ખતરનાક સાબિત થઇ શકે છે. પક્ષાપક્ષી અને હૂંસા તૂંસીને સાહિત્યમાં સ્થાન નથી. નામી કે અનાીમી સર્જક હોય અને તેનું સાહિત્ય યથોચિત હોય તો તેનો સ્વીકાર કરવામાં તેનો આવકાર કરવામાં ખચકાટ કરવો ન જોઇએ. આજે નવોદિતોના સર્જનને જૂની પેઢીના સર્જકો આવકારવા ખીચખીચાટ અનુભવતા જોવા મળે છે. તેઓને પ્રોત્સાહિત કરવામાં ઊણા ઉતરતા જોવા મળે છે. સર્વે સાહિત્યકારોએ દેશના હિતને લક્ષ્યમાં રાખવું જોઇએ. ગુંદુ, વ્યભિચારી અને વિલાસી પ્રેરિત સાહિત્ય વર્જિત છે. ટૂંકમાં સાત્વિક, સત્ચારિત્ર્ય, સદબોધાત્મક ઉપદેશાત્મક કે જે મનુષ્યને જીવન જીવવાનું જ્ઞાન મળી રહે. સુંદર ઘડતર કરી. જીવન ઉજ્જવલ બનાવી રહેવાય. તેવા સાહિત્યનું સર્જન યથાયોગ્ય ને ઉચિત ગણાય.

અનુક્રમણિકા

૨૯ : પત્રકારોનું કર્તવ્ય

સારા પત્રકાર બનવા માટે કે પત્રકારના વ્યવસાયમાં જવા માટે પત્રકારનો કોર્ષ ઘણા સ્થળોએ ચાલે છે. તેનો લાભ લેવાથી પત્રકારની ફરજ કર્તવ્યના ભાન સાથે પત્રકાર અંગેની જરૂરી માહીતિ જ્ઞાન મેળવી શકાય છે. પદ્ધતિસરનું જ્ઞાન સારૂ.

દેશની ઉન્નતી પ્રગતિ વિકાસમા ચારિત્ર્ય શીલ પત્રકારોનો ફાળો ખૂબ અગત્યનો રહેલો છે. સાથે ફરજ તો છે જ.પત્રકાર નીડર, હિંમતવાન, કોઇની શે, શરમમાં તણાયા વગર, વાણી સ્વાતંત્ર્યનો એણે વિવેકપૂર્વક નો ઉપયોગ કરીને સમયે સમયે રાજ્યની અને દેશની સાચી પરિસ્થિતિનો, રાજકર્તાઓની ભૂલોનો, પ્રજા સમક્ષ સાચી રીતે રજૂઆત કરવી એ પત્રકારનું ચારિત્ર્ય દર્શાવે છે. વ્યંગ ચિત્રોથી પણ નેતાઓના કર્તવ્યોને સમજાવી શકે છે. ભૂલોને બતાવી શકે છે. અને તેમના કરતૂતોને જાહેર કરી શકે છે.

માથાભારે વ્યક્તિથી કે આગળ પડતી વ્યક્તિથી ડરવું ના જોઇએ. જેટલું તે ડરશે તેટલું પત્રકારીત્વ પાગળું બનશે. પ્રજા ઉપર તેનો સાચો પ્રભાવ પડશે નહીં. અને શહેર કે રાજ્યની વ્યવસ્થામાં ક્ષતિ આવશે. જેટલું પત્રકારીત્વ નીચી કક્ષાનું તેટલા રાજ્ય કે દેશનો વિકાસ ઓછો પ્રજાના અને નેતાઓના કર્તવ્યોનું ભાન પણ પત્રકારો જ કરાવી શકે છે. મીઠી અને અર્થ ગાંભીર્યથી ઓપતી રસ પૂર્ણ ભાષામાં એ પ્રજાજનોને ડોલાવીને તેમની ફરજોનું, ચારિત્ર્યનું સદાચારનું ભાન કરાવી શકે છે. સાથે એવા સન સનાટી ભર્યા સમાચારો આપી ધ્રુજાવી શકે છે. માહિતગાર બનાવી શકે છે. પત્રકારોનું સન્માર્ગગામી સંગઠન પણ ખુબ જ મહત્વનો ભાગભજવી શકે છે. પ્રજાને એનાથી જબરી હૂંફ મળે. પ્રજા સજાગ બને નેતાઓને પણ તેઓનું કહેવું માનવું પડે છે.

આવા સર્વતોમુખી કાર્ય માટે સ્થાપીત હિત કે વ્યક્તિનું હિત ન જોવાય, એમા તો સમગ્ર રાજ્ય, દેશનાં હિતને જ જોવાય અને તદાનુસાર શિષ્ટોચારનો માર્ગ લેવાય. આ તો જનતા જનાર્દનવુ કાર્ય છે. મહાયજ્ઞ છે. એમાં આપણે સર્વે સદાચારને માર્ગે જઇને ચારિત્રય પથી બની શકીએ. સત્યનો આગ્રહ રાખવો જોઇએ. સેવાને તો કેમ જ ભુલાય. સર્વના સુખમાં મારૂ સુખ સમાએલું છે. એમ માનીને પરમાત્મા જે કોઇ સાચો માર્ગ બતાવે તે માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે એવું સમજી કર્તવ્ય પરાયણ થઇ રહેવાય. એટલે પત્રકારોએ હંમેશ હરપળે સાવધાન રહેવું જોઇએ. પ્રજાની, રાજ્યની, દેશની સેવામાં ઉન્નતીમાં જ તેઓનો મહત્વનો ફાળો રહેલો છે. પ્રજા, રાજ્ય અને દેશને સર્વ રીતે સજાગ બનાવી રહે છે.

અનુક્રમણિકા

૩૦ : દાન પુણ્યને પંથે

આજે ઘણા માનવીઓ વિવિધ રીતે ધન દોલત કમાય છે. પણ તેનો સદ્‌ઉપયોગ કેટલા જણ કરે છે? માનવી પાસે બે પૈસા થતાં છકી જાય છે. તેમાં ખોટા ખાણીપીણીમાં, અમન ચમનમાં, ભોગવિલાસમાં ખર્ચ કરી વેડફે છે. અનેક વ્યસનોની કુટેવો ધરાવતા થાય છે. તેથી તંદુરસ્તીને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહે છે. રોગના ભોગ બને છે. અને તેમાંથી સારા થવા એકઠા કરેલ પૈસા ખર્ચી નાખે છે. બરબાદ થઇ દેવાદાર બનતા જોવા મળે છે. પણ દાન પુણ્યમાં પૈસો ખરચતા નથી. “અમારા પૈસાનો અમે ગમે તેમ ઉપયોગ કરીએ એમાં કોઇને શું?” એવું બોલી રહે છે.

આ બાબત શું વિચારણીય નથી? દુઃખી અને ભૂખથી ટળવળતાં માનવો આપણા ભારતદેશમાં વધતા જાય છે. તે આપણા માટે શોભા સ્પદ છે. કોઇ પણ વ્યક્તિની કમાણીમાં દેશ બાંધવોનો પણ ભાગ રહેલો છે. કમાણીનો દશાંસ કે વીશાંશ ભાગ જે તે કમાનારનો હિસ્સો નથી જ. એવો હિસ્સો એમણે પારકાના હિત કાજે, પરાર્થે કે પરમાર્થમાં વાપરવો જોઇએ. એમ કરવાથી ઘણી જાતના લાભ ફાયદા થશે. જેની પાસે નથી, તેમને મળશે. સંતોષ, શાંતિ પામી આશિષ વરસાવશે. ખોટો થતો ખર્ચ અટકશે, અંતરમાં ભાઇચારાની ભાવના રાખી મુશ્કેલીવાળાને મદદ કરી કર્તવ્યપાલન કર્મોનો સંતોષ અનુભવશે. જીવન ધન્ય થશે.

પૈસાનો ઉપયોગ દાન ધર્મમાં કરવાનું શાસ્ત્ર કથન છે. યોગ્ય પાત્રને દાન આપવું અને કમાણીની ઉચ્ચતા છે. અપંગો, આંધળા, અશક્તો, લૂંલા લંગડાઓની સેવા કે પોષણ અર્થે વપરાએલા પૈસાનો સદુપયોગ થયો ગણાય. પણ જો એક સ્થાને તે પૈસો એકત્ર કરી રહેવાનો અર્થ નથી. એ તો કંજૂસના ધનની પેઠે કાંકરા તુલ્ય જ ગણાય ને?

દાનના પણ પ્રકાર છે. અન્નદાન, ક્ષેત્રભૂમિદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન, પાત્રદાન, વાગ્દાન અને મતદાન એ દાનમાં સાત્વિક્તાની જરૂર ખાસ રહે છે. આ બધા દાનોમાં ભૂમિદાન, અન્નદાન અને જ્ઞાનદાન ખૂબ મહત્ત્વનાં તેમજ શ્રેષ્ઠ છે. દાન એવી રીતે આપો કે દાન લેનારને તે સદાને માટે ઉપયોગી થઇ રહે. તેને ફરીથી બીજાના દાનની ઉપર આધાર રાખવો પડે એવું દાન તો સાચું દાન નથી. દાન કરવાથી માણસના અંતરને અને મનને શાંતિ મલે છે. દાનથી ક્ષુધાની તૃપ્તિ થાય પણ જ્ઞાનદાનથી તો તે વ્યક્તિને જીવનભરની શાંતિ, સુખ મળે. એ જ સાચું પુણ્ય વ્યક્તિને જીવનભરની શાંતિ સુખ મળે.

સર્વ ઉપનિષદોનો સાર એક જ વાક્યમાં “પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ્‌” બીજાને ઉપકાર કરવો. તેની સદ્‌વૃત્તિને સંતોષવી અને શાંતિ આપવી તે પરોપકાર જે કાર્યથી અન્યને સાચું સુખ મળે, દુઃખ ટળે ને શાંતિ મળે તો જાણવું કે તે દાનનું પુણ્ય ઘણું રહેલું છે. અ પાત્રે થએલું દાન નુકસાન કર્તા છે. સાત્વિકવ્યક્તિને કરેલું દાન સુખકર્તા થાય. ફળની આશા રાખીને કરાતું દાન, ફરજ સમજીને ફળની ઇચ્છા વિના અપાયેલું દાન તેમ જ મેં કોઇ મહાનકાર્ય કર્યું એવી ઇચ્છાથી, અભિમાનપૂર્વકનું દાન, દાન કરેલું ગણાતું નથી.

ફળની ઇચ્છા વિના અપાયેલું દાન સાત્વિક દાન છે જે દાન ચારિત્ર્યશીલ ગણાય છે. ફળની ઇચ્છા સાથે અપાયેલું દાન રાજસિકદાન ગણાય છે. અહંને પોષવાને માટે અપાયેલું દાન તામસિક દાન, તે કનિષ્ઠ પ્રકારનું છે. છતાં દાન નથી કરતા તેના કરતાં તો તે દાન કંઇક સામાન્ય ગણતરીનું ગણી શકાય.

દાન દેવું એ તો માનવધર્મ છે. કોઇ પણ ધર્મકાર્યમાં એ દાન સાત્વિક દાન છે. ધર્મથી માનવ સંસ્કૃતિ પોષાય છે. અને ચારિત્ર્ય ઘડતરમાં પણ તેનો મોટો ફાલો રહેલો છે. દાન પુણ્યની બાબત સાર્વત્રિક છે. સર્વને તો થોડા યા વધુ પ્રમાણમાં સ્પર્શી રહે છે. દાનના નિર્મળ સ્ત્રોતને વહેવડાવી માનવીએ જીવન ધન્ય બનાવી રહેવું જોઇએ.

અનુક્રમણિકા

૩૧ : સદ્‌વાંચન

શિક્ષણકાર્ય પૂરું થયા પછી યુવાનો ધંધા રોજગારે ચઢી ગયા પછી પણ મનને ખોરાકની જરૂર રહે છે. જેમ તનને પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક આપવાથી માનવ શરીર ટકી રહે છે. રોગ સામે પ્રતિકાર શક્તિ મેળવી રહી, તંદુરસ્તી ટકાવી રાખે છે. તેવું જ મનને પણ ખોરાકની જરૂર પડે છે. કે જેનાથી તેની જીવન નૈયા સરળતાથી કશા પણ ઉચાટ, ઉદ્વેગ, શોક કે મોહ, દુઃખ દર્દ વગર સંસાર તરતો રાખી શકે તે માટે મનનો ખોરાક સદ્‌વાંચન છે.

વાંચવાની પણ કલા છે. કોઇ કહેશે શું અમને વાંચતા નથી આવડતું? હા, કેટલીકવાર એવું કહેવું પડે છે, મનને રસ રુચિ ને રસવંતુ રાખે,શાંતિ, જ્ઞાન આપે અને અંતર-મન-પ્રાણને જાગૃત રાખે તેવું, પોતાને ઉપયોગી થઇ પડે તેવું વાંચન વાંચવું સારું ગણાય.

અત્યારે એટલાં બધાં લખાણો સમાચાર પત્રો, સામયિકો, પુસ્તકો વગેરે પ્રગટ થાય છે. તેની સાથે ઘણું બધું ખરાબ અને ગલિચ સાહિત્ય પણ પ્રકાશિત થતું રહે છે. તે જીવન માર્ગને ખરાબ રસ્તે લઇ જનારું છે. જીવન્નોતિ બની રહે તેવું હોતું નથી. એકમાત્ર સદ્‌સાહિત્ય જ પ્રજાની ઉન્નત્તિકારક છે. ઘણું એવું સાહિત્ય પ્રગટ થતું રહે છે. અને તે વંચાય છે તેનાથી માનવીના મનમાં ઉત્તેજના, વિલાસિતા, લોલુપતા કે જુગુપ્સા, લોભ લાલચ ઉત્પન્ન કરી, માનવીને ઉંધે રસ્તે દોરી જાય છે. જીવન બરબાદ કરી નાખે છે. એવા વાંચનથી ચઢતી તો થવાની નથી જ પણ માનવ ચારિત્ર્ય ઉપર ક્રૂર ફટકો પડે છે. માનવ ચારિત્ર્યની ક્ષતિ થાય છે. તેની અસર સમાજ ઉપર પણ ખરાબ પડે છે. એવા ગંદા વાંચનથી વાંચનારના મનને તો બગાડે છે પણ તેનાથી થતાં વૈચારિક આંદોલનોની અસર બીજાઓ ઉપર પણ ખરાબ થાય છે જે મનુષ્ય માટે હાનિકર્તા બને છે. ઘણા એવા સામયિકો પણ પ્રગટ થાય છે તે મંગાવી તેનું વાંચન કરવું જોઇએ. જે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહે છે.

માનવ ચારિત્ર્ય ઘડતરમાં તો જીવન ચરિત્રોનો ફાળો નોંધપાત્ર ગણાય. ધાર્મિક સાહિત્ય પણ ઉન્નતપથગામી બનાવી રહે છે. એવી સારી નવલકથા કે વાર્તાના વાંચનથી મનુષ્યનું, કુટુંબનું રોજિંદુ સુંદર ઘડતર થઇ શકે છે. સુંદર ભજન કીર્તન વાળું સાહિત્ય વાંચવું જોઇએ. ગાવું જોઇએ. જેનાથી આનંદને શાંતિ સાથે સારા વિચારો ઉત્પન્ન થઇ શકે છે. ભાવપૂર્ણ લેખોના સંગ્રહ કે અનુભવયુક્ત વાણીથી લખાયેલું, ગદ્ય પદ્ય, ગ્રંથોનું વાંચન માનવ અને દેશને માટે હિતકારક નીવડે છે.

છતાં આજે ઉપરોક્ત સાહિત્ય તરફ અણગમો જોવા મલે છે. ચારિત્ર્યને નષ્ટ ભ્રષ્ટ કરનારું નીચ કક્ષાનું સાહિત્ય, વિલાસથી ઉભરતી નવલકથાઓ કે સિને માસિકો વગેરે વધારે વંચાય છે. પોતાના દેશની આબાદી ઉન્નતિમાં સર્વેએ ફાળો આપવો જોઇએ. અને એ ફાળો સદ્‌વાંચનથી આપી શકાય. એવા સારા વાંચનનો પ્રચાર કરવો જોઇએ. ભાઇબંધો કે અન્યને તેવા વાંચન વાંચવાં સૂચન પણ કરી શકાય. પુસ્તક આપી શકાય. જે શ્રેષ્ઠત્તમ જ્ઞાનદાન છે. સારા પુસ્તકો પ્રગટ કરી, સગાં સંબંધી સ્નેહી, મિત્રોને ભેટ આપવા જોઇએ.

દરરોજ થોડુંથોડું વાંચન રાખવાની ટેવ પાડવી જોઇએ. વાંચો થોડું પણ સારું વાંચો. વાંચીને વિચારો અને તદ્‌નુસાર જીવનમાં તેનું આચરણ કરી, જીવન સાર્થક્ય બનાવો. રાત્રે લાંબા સમય સુધી ખોટા ઉજાગરા કરીને ખરાબ યા સારું વાંચવાથી કોઇ ફાયદો નથી. વાંચ્યા પછી તેનો સાર લખી રાખવાની ટેવ કે નોંધ ખૂબ સારી છે. જીવનમાં, ચારિત્ર્ય ઘડતરમાં કે સદાચારમાં એ બધી નોંધ ખૂબ જ ઉપયોગી થઇ પડે છે.

આંખો ઉપર પ્રકાશ પડે તે રીતે કદીય ના વાંચવું. આંખો બગડે, તેજહીન થાય. વાંચવાની વસ્તુ ઉપર પ્રકાશ પડે તે રીતે વાંચન કરવું હિતકર છે. ચાલતાં ચાલતાં કે ટ્રેન બસ જેવા ઝડપી વાહનમાં બેઠાં બેઠાં પણ વાંચવું નહીં. તેનાથી આંખોને નુકસાન થાય છે. પુસ્તકો ખૂબ પાસે રાખીને પણ ન વાંચવા જોઇએ.

આજે એવા ઘણા મનુષ્યો નિવૃત્તિ જીવન ગાળતા વૃદ્ધો, ગામ ગપાટા હાંકી, બીડી, સિગારેટ પી સમય બરબાદ કરી રહે છે. તે ઠીક તો નથી જ. સારું આધ્યાત્મિક, ધાર્મિક વાંચન વાંચી, ભેગા મળી, તેની ચર્ચા વિચારણા કરી, સારત્વ જાણવા પ્રયત્ન કરવો જોઇએ. જે જીવનમાં ઉતારી, જીવન ધન્ય બનાવી, સુખ શાંતિથી જીવન પસાર કરવું જોઇએ. વિદ્યાવ્યાસંગ, ચારિત્ર્યને ઉન્નત પથગામી બનાવવામાં મહત્વનો ફાળો આપે છે.

ફક્ત મનોરંજન માટે કે જુગુપ્સાપ્રેરિત કે સમય પસાર કરવાને માટે નહિં વાંચતાં, જ્ઞાનવૃદ્ધિ કરી, જીવનનને ઉચ્ચતર બનાવી, આનંદમય જીવન જીવવું જોઇએ. જીવનના વિકાસ માટે સારા ઘડતર માટે આધારભૂત સામયિકો, ગ્રંન્થો કે ચારિત્ર્ય શીલતામાં સદાચારમાં મદદરૂપ થાય તેવા પુસ્તકોનું દરરોજ વાંચન કરવું જોઇએ. જે તેને લાભકારી બની રહે. જીવ્યું સાર્થક બનાવી રહે.

અનુક્રમણિકા

૩૨ : ચારિત્ર્ય પતન

કતારમાં ઉભા રહેતાં દરેકને કંટાળો આવે છે. ચાહે પછી તે કતાર ઘાસતેલ માટે, ખાંડ માટે, અનાજ માટે, સ્કૂટર માટે, સિમેન્ટ માટે, ગેસ માટે, કે કોલેજમાં એડમિશન માટે કેમ ન હોય? તે માટે આજનું માનસ શરમ અનુભવતું હોય છે. આ બધામાં જે પૈસાવાળા કે સંબંધ ધરાવતી હોય તે પોતાની ઓળખાણ પીછાણથી ગમે ત્યાં પ્રવેશ મેળવતા હોય છે? લાગવગ હોય તો ચપટી વગાડતામાં કામ બની જાય છે. જો ઘેર ટેલિફોન હોય તો તેના પર જ કામ થઇ શકે છે. લાગવગ કે ઓળખાણ પીછાણ જ આજના માનવજીવનના રોજિંદા કામ માટે એક માધ્યમ બની રહ્યું છે. અને તેના વગર આજના માનવીને ચાલે કે પરવડે તેમ નથી. તેમાં “દામ કરે કામ” એ અનુસાર નોકરી મેળવવા પણ ઘણી જગ્યાએ દામ જ કામ લાગે છે. ભલે નોકરી માટે પોતાનામાં લાયકાત ન હોય. વિદ્યાર્થીના પરીક્ષા પેપરમાં વધારે માર્ક મૂકાવવા દામ જ કામ લાગે છે. સમાજમાં એવા બીજા અનેક કામો માટે જ્યાં માનવી હતાશ થયેલ હોય ત્યાં દામ જ કામ આપે છે. નાના બાળકો પણ પિપરમીન્ટ કે ચોકલેટ મેળવ્યા પછી જ ઘરકામ કરતા હોય છે. અરે! મંદિરના પૂજારીઓ પણ જે માણસ વધારે ભેટદાન કે પૈસા મૂકે તેને જ પ્રસાદ (મિઠાઇ) હોય છે. માણસ ભગવાન પાસે કામ કઢાવવા, ઉકેલવા માનતા બાધા માનતા હોય છે. ભોગ ધરાવતા હોય છે.

આજનો અને આવતો સમય એવો કઠિન થતો જાય છે કે માનવીનું ભૌતિક મૂલ્ય દિવસે દિવસે ઓછું થતું જાય છે. અનેક દુર્ગુણોથી ભરેલા માનવીના ચારિત્ર્યની તો વાત શી કરવી? રોજિંદા જીવનમાં જ્યાં ને ત્યાં ચારિત્ર્યની શિથિલતા જોવા મળે છે. સમાજમાં દુરાચાર, ભ્રષ્ટાચાર, લાંચ રુશ્વત અને લાગવગશાહીના દર્શન થતાં હોય છે. જેથી સમાજ પાંગળો બનતો જાય છે. શ્રીમંતો શ્રીમંતાઇના જોરે, દેશનું સુકાન ચલાવનારા સત્તા સ્થાને બિરાજેલ સત્તાધિશો સત્તાના જોરે, અમલદારો તેમની તાકાત પર, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષણ સંસ્થાઓ સમાજમાં પોતાની મનમાની હકૂમત પર ફાવે તેવા ખરાબ કામો કરતા હોય છે. જે આપણે સાંભળીએ છીએ, જોઇએ છીએ છતાં આંખ આડા કાન કરી તેવા કાર્યો થવા દઇએ છીએ. આપણે પોતે પણ સામેલ થતા હોઇએ છીએ.

આપણે પોતે જ રાષ્ટ્ર નિર્માણના કામમાં માનવીનું ચારિત્ર્ય ભ્રષ્ટ કરતા રહ્યા છીએ, મૂલ્યનો હ્રાાસ જ થતો રહ્યો છે. રાષ્ટ્રનું ઘડતર લોખંડી થવું જોઇએ તેને બદલે માટી કામથી થઇ રહ્યું છે. ચોતરફ ઝેરી પવન વાઇ રહ્યો છે. અને તે જ હવા આજનો માનવી પોતાના ફેંફસામાં ભરી રહ્યો છે. તેથી રોજિંદા જીવનમાં માનવીનું શુદ્ધ આચરણ ક્યાંથી હોય? અને તેથી તેની પ્રવૃત્તિઓ, પણ અશુદ્ધિથી ખદબદતી રહી છે. આજનો માનવી જ્યાં ને ત્યાં લાગવગશાહી, સગાવાદની અનેક, અનિષ્ટ પ્રવૃત્તિ કરતો રહ્યો છે. અને રહેંશાઇ રહ્યો છે. આસ છતાં આ બધુ તેને કોઠે પડતું જણાય છે. આજના માનવીનું જીવન જ શુદ્ધ નથી. ત્યાં સમાજશુદ્ધિ કોણ અને કેવી રીતે કરશે? આજે તો સમગ્ર સમાજ ઉપર ભ્રષ્ટાચારનો ઓળો પથરાઇ ગયો છે. તે ક્યાં જઇને અટકશે તે કોણ વિચારશે?

અનુક્રમણિકા