Rahashyjaal - 1 in Gujarati Short Stories by Kanu Bhagdev books and stories PDF | રહસ્યજાળ-(૧) ભ્રમ

Featured Books
Categories
Share

રહસ્યજાળ-(૧) ભ્રમ

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

ભ્રમ ! (-કનુ ભગદેવ)

શિખા ખૂબ જ ઉદાસ અને પરેશાન હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ જે ભ્રમમાં રાચતી હતી તે અચાનક જ તૂટી ગયો હતો. આજકાલ કરતાં ઘણા દિવસથી તે માનસિક પરિતાપ ભોગવતી હતી. એ મનોમન પોતાનાં બોસ અમરને ચાહતી હતી. ઘણી વખત અમરે ખૂબ જ નિખાલસતાથી એની સાથે વાતો કરી હતી, ફિલ્મો જોઈ હતી અને સાથે ફરવા માટે પણ ગયા હતાં. આથી તે મનોમન એમ માની બેઠી હતી કે પોતાની જેમ અમર પણ પોતાને ચાહે છે. જયારે અમરના હ્યદયમાં શિખા પ્રત્યે આવો કોઈ ભાવ નહોતો. તે એને પોતાની પર્સનલ સેક્રેટરી અને સાથે જ પોતાની મિત્ર માનતો હતો. એથી વિશેષ કઈ જ નહી. એ તો શિખાની સાથે જ રહેતી તેની બહેનપણી આરતીને ચાહતો હતો.

આખીયે વાત આ પ્રમાણે હતી.

શિખાના કુટુંબમાં એના સિવાય કોઈ નહોતું. તે મુંબઈમાં એકલી-અટૂલી જ હતી અને કિંગ સર્કલ ખાતે આવેલા મેઘદૂત બિલ્ડીંગમાં ચોથા માળે બાર નંબરના ફ્લેટમાં રહેતી હતી. આ ફ્લેટ તેના વિદેશમાં વસતા કાકાનો હતો. તે ફોર્ટમાં આવેલી અમર એક્ષ્પોર્ટ કંપનીમાં ચારેક વર્ષથી નોકરી કરતી હતી. છએક મહિના પહેલા દેશમાંથી એની બહેનપણી આરતી નોકરીની શોધમાં મુંબઈ આવી હતી. બહેનપણીના નાતે એણે અમરને વિનંતી કરીને આરતીને પોતાની ઓફિસમાં નોકરી અપાવી દીધી હતી. એટલું જ નહી, રહેવા માટે પણ પોતાનાં ફ્લેટમાં જ વ્યવસ્થા કરી આપી હતી. આમ શિખાના ફ્લેટમાં જ બંને સાથે રહેતા ને સાથે જ નોકરી કરવા જતાં હતાં. પછી સમયના વહેણની સાથે આરતી-અમર પરસ્પર આકર્ષાયા અને બંને લગ્નગાંઠથી જોડાઈ જવાનું નક્કી કરી લીધું હતું. લગ્ન આડે માત્ર દસ જ દિવસ બાકી રહ્યા હતાં. પોતે આરતીને આશરો આપ્યો એજ મોટી ભૂલ થઇ ગઈ એવું શિખાને લાગતું હતું. સખીનાં રૂપમાં આવેલી આરતી હવે તેને ચુડેલ જેવી લગતી હતી. એણે અસંખ્ય જાસૂસી પુસ્તકો વાંચ્યા હતાં. જો આરતી મૃત્યુ પામે તો જ પોતાની જિંદગી સુધરે એવો મૂર્ખાઈ ભર્યો વિચાર તેને આવ્યો હતો. સ્વાર્થ અને અમર પ્રત્યેની તેની ચાહનાએ તેને છતી આંખે આંધળી બનાવી દીધી. એણે આરતીનું ખૂન કરવાનું નક્કી કરી લીધું. હવે તે અનુકુળ તકની રાહ જોતી હતી. આરતીના ખૂન પાછળ પોતાનો જ હાથ છે એવી આછી-પાતળી શંકા પણ તે કોઈને આવવા દેવા નહોતી માગતી.

સાંજના છ વાગ્યા હતાં. અમરે તેને પોતાની ચેમ્બરમાં બોલાવી.

‘શિખા...!’ અમર એક ફાઈલમાં નતમસ્તકે ડૂબેલો રહીને બોલ્યો, ‘તું એક કામ કર. ઝવેરી બજારમાં દેસાઈ જ્વેલર્સમાં જઈને એક સરસ મજાનો નેકલેસ લઇ આવ. લગ્નને દિવસે હું એ નેકલેસ આરતીને ભેટ આપવા માગું છું. અને સાંભળ, દેસાઈ જ્વેલર્સમાં મારું ખાતું ચાલે છે પણ એ લોકોના હિસાબના કઈ ઠેકાણા નથી એટલે નેક્લેસના પૈસા રોકડા જ આપી દેજે અને કેશમેમો યાદ કરીને લેતી આવજે. જેથી હિસાબ ક્લિયર રહે.’ કહીને અમરે તેના હાથમાં પાંચસો રૂપિયા વાળી વીસ નોટો મૂકી દીધી.

શિખા પર્સમાં નોટો મુકીને રવાના થઇ ગઈ. આરતીનું ખૂન કરવા માટે તેને સોનેરી તક સામે આવીને ઉભેલી દેખાતી હતી. ખૂન માટેની ફુલપ્રૂફ યોજના પણ એણે વિચારી લીધી હતી.

અર્ધો કલાક પછી તે દેસાઈ જ્વેલર્સમાં મોજુદ હતી. અગાઉ તે કેટલીયે વાર અમર માટે ખરીદીએ આવી ગઇ હોવાને કારણે શોરૂમના લગભગ બધા સેલ્સમેનો અને મેનેજર તેને ઓળખતા હતાં. લગ્નગાળાની સીઝન હોવાને કારણે શોરૂમમાં ચિક્કાર ભીડ હતી. સેલ્સમેનો ગ્રાહકોને તેમની પસંદગીના આભૂષણો બતાવવામાં મશગૂલ હતા. શિખા નેક્લેસના કાઉન્ટર પાસે પહોચી.

‘બોલો મેડમ...?’ કાઉન્ટર પાછળ ઉભેલા સેલ્સમેને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘મને એક સરસ નેકલેસ બતાવો.’ શિખા બોલી.

સેલ્સમેને તેની સામે મખમલના ચાર-પાંચ બોક્સ મૂકી દીધાં. જેમાં જુદી જુદી ડીઝાઈનોના નેકલેસ હતાં.

‘આ નેકલેસની કિંમત શું છે ?’ શિખાએ એક નેકલેસ પસંદ કરી પૂછ્યું.

‘જી, આઠ હજાર સાતસો...’ સેલ્સમેને જવાબ આપ્યો.

‘ઓ.કે...આ નેકલેસ મને પેક કરી આપો.’

‘જરૂર...’ સેલ્સમેને કહ્યું અને પછી મેનેજરને ઉદ્દેશીને પૂછ્યું, ‘સર, શિખા મેડમે એક નેકલેસ પસંદ કર્યો છે. એની રકમ અમર સાહેબ ખાતે...’

‘એક મિનીટ...એક મિનીટ...’ શિખા વચ્ચેથી જ બોલી ઊઠી, ‘આ નેક્લેસના પૈસા રોકડા જ આપવાના છે.’

‘ઓહ...આ નેક્લેસના બીલના પૈસા અમરસાહેબ ના ખાતામાં નથી લખવાનાં ?’ આ વખતે મેનેજરે પૂછ્યું.

‘ના...કેશમેમો જ બનાવાનો છે !’ શિખાએ જવાબ આપ્યો, ‘આપ આ નેકલેસ સરસ રીતે પેક કરાવી આપો...! કેશમેમો તેની સાથે જ મુકવી દેજો.’

‘ભલે મેડમ...!’ મેનેજર બોલ્યો.

‘જુઓ, કેશમેમો મૂકવાનું ભૂલશો નહીં.’ શિખાએ ભારપૂર્વક કહ્યું.

‘નહી ભૂલાય...!’ કહીને મેનેજરે એકાઉન્ટનું કામ સંભાળી રહેલા માણસને કેશમેમો બનાવીને બોક્સની સાથે જ મૂકી દેવાની સુચના આપી દીધી.

શિખા સમય પસાર કરવાના હેતુથી શોરૂમમાં નજર કરવા લાગી.

દસેક મિનિટમાં નેકલેસ પેક થઇ ગયો. શિખા પૈસા ચૂકવી, પેકેટ લઈને બહાર નીકળી અને વીસેક મિનિટમાં જ એક ટેક્સીમાં બેસીને પોતાનાં ફ્લેટ વાળી ઇમારત પાસે પહોચી ગઈ. એના સદ્દનસીબે તેને રસ્તામાં કોઈ મળ્યું નહી. એ નિર્વિધ્ને ચોથા માળ પર પોતાનાં ફ્લેટ સામે પહોચી ગઇ. લગ્નની તૈયારીને કારણે થકી ગઈ હોવાથી આરતી ફ્લેટમાં જ સુઈ ગઈ હશે એ વાત તે જાણતી હતી. બલ્કે આરતીએ જ આજે પોતે આરામ કરવા માગે છે એમ તેને જણાવ્યું હતું.

નેકલેસ વાળું પેકેટ તેના હાથમાં હતું. એણે ચાવી કાઢીને દરવાજો ઉઘાડ્યો અને અંદર પ્રવેશી. ડ્રોઈંગરૂમમાં અંધારું હતું. તે દબાતે પગલે આગળ વધીને શયનખંડમાં પહોચી. શયનખંડમાં ઝીરો વોલ્ટના બલ્બનું અજવાળું પથરાયેલું હતું. એણે જોયું તો આરતી પલંગ પર ગાઢ ઊંઘમાં સૂતી હતી. એની આંખોમાં હિંસક ચમક પથરાઈ ગઈ. પેકેટને ડ્રેસિંગ ટેબલ પર મુકીને એણે બારી પર લટકતા પડદાની સિલ્કની પાતળી પણ મજબૂત દોરી છોડી અને બિલ્લીપગે પલંગ પાસે પહોચી. એણે આરતીની ગરદન ફરતે દોરી વીંટાળી દીધી. ત્યાર બાદ તેના બંને છેડા બેય હાથના પંજા પર વીંટાળ્યા અને પછી હતી એટલી તમામ તાકાત એકઠી કરીને બેન્ને છેડા સામસામે ખેંચ્યા.

આ અણધાર્યા આઘાતથી આરતી સફાળી બેઠી થઇ ગઈ, પરંતુ બચાવ માટેના એના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આંખોના ડોળા ફાટી ગયા અને મોંમાંથી જીભ બહાર નીકળી આવી.એકાદ મિનીટ પછી એનો દેહ શાંત થઇ ગયો. એ મૃત્યુ પામી હતી.

શિખાએ ખૂન કરતાં તો કરી નાખ્યું પણ પછી એ ગભરાઈ. એણે દોરીને પડતી મૂકી દીધી અને ડ્રેસિંગ ટેબલ પરથી પેકેટ ઊંચકીને દરવાજા તરફ આગળ વધી. સહસા તેના પગ થંભી ગયા.

‘ટપ...ટપ...ટપ...’ અચાનક દિલોદિમાગને કોરી ખાતી ભેંકાર ચુપકીદી તોડતો બહારની લોબીમાં કોઇકના વજનદાર બૂટના પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.

શિખા હેબતાઈ ગઈ. ભય અને ગભરાટના અતિરેકને કારણે એના હાથમાંથી પેકેટ છટકી ગયું. ઉપરનો કાગળ ફાટી ગયો. બોક્સ ઉઘડી ગયું અને નેકલેસ એક તરફ ઊડી પડ્યો. ભય અને હેબતથી એ જડવત્ બની ગઈ. એના કાન પગલાંનો અવાજ ઝીલવા માટે બેહદ સરવા થઇ ગયા હતા. એક તો મૃતદેહનો ખોફ અને પકડાઈ જવાનો ભય...! શીખાનો સમગ્ર દેહ કંપવા લાગ્યો. પગલાંનો અવાજ ક્રમશઃ દૂર થતો ગયો અને છેવટે સંભળાતો બંધ થઇ ગયો, પરંતુ શિખા હજુ પણ પૂતળાની જેમ ઉભી હતી. અચાનક તેને પરિસ્થિતિનું ભાન થયું. એની ચેતના જાગૃત બની. એણે ઝડપભેર નેકલેસ ઊંચકીને બોક્સમાં મુક્યો અને ફાટેલો કાગળ જેમતેમ કરીને બોક્સ પર વીંટાળ્યો. ત્યાર બાદ દરવાજો ઉઘાડીને એ બહાર નીકળી ગઈ. સદભાગ્યે લોબીમાં કોઈ નહોતું. ફ્લેટને તાળું મારીને તે નીચે આવી.

થીડી વારમાં જ તે એક ટેક્સીમાં ઓફિસે પહોંચી ગઈ. ઓફિસમાં પ્રવેશતી વખતે જાણે અચનાક જ ઠોકર વાગી હોય એમ તે ગબડી પડી. એના હાથમાંથી પેકેટ છટકી જમીન સાથે અથડાઈને તૂટી ગયું. પેકેટ અહી આવ્યા પછી જ તૂટ્યું છે એવો દેખાવ ઊભો કરવા માટે એણે જાણી જોઇને જ આવું નાટક ભજવ્યું હતું.

અમરે આગળ વધીને તેને ટેકો આપીને ઉભી કરી.

શિખાએ સ્વસ્થ થઈને તેના હાથમાં નેકલેસવાળું બોક્સ મૂકી દીધું. અમરે બોક્સ ઉઘાડીને તેમાંથી નેકલેસ બહાર કાઢ્યો. નેકલેસ જોઇને એના ચહેરા પર પ્રસન્નતાનાં હાવભાવ છવાઈ ગયા.

‘વાહ...તારી પસંદગીને ખરેખર દાદ આપવી પડશે, શિખા !’ તેં બહુ સરસ નેકલેસ પસંદ કર્યો છે. શું કિંમત છે આની...?’

‘આપ પોતે જ જોઈલો સર...! શિખા બોલી, ‘કેશમેમો બોક્સમાં જ મૂક્યો છે.’

‘આમાં તો કેશમેમો નથી.’ અમરે બોક્સમાં નજર કરતાં કહ્યું.

‘શું વાત કરો છો સર...કેશમેમો નથી ?’ શિખાએ ચમકીને પૂછ્યું.

‘ના...તું તારા મોંએથી જ કહી નાંખ...! કેશમેમો જોવાની મારે કઈ જરૂર નથી.’

‘સર, નેકલેસ તો આઠ હજાર સાતસો રૂપિયાનો છે, પણ કેશમેમો...કેશમેમો...’ કહેતા કહેતા અચાનક શિખા ચૂપ થઇ ગઈ. એના હ્યદયના ધબકારા એકદમ વધી ગયા.

એના ચહેરા પર ભયમિશ્રિત ગભરાટના હાવભાવ છવાઈ ગયા. એને ફ્લેટમાં બનેલો બનાવ યાદ આવ્યો. પોતાના હાથમાંથી પેકેટ ત્યાં પણ છટક્યું હતું...તૂટ્યું હતું...! જરૂર કેશમેમો ત્યાં જ પડી ગયો હશે. હવે...? પગલાંના અવાજથી પોતે ગભરાઈ ગઈ હતી. નેકલેસ અને બોક્સ લેવાનું યાદ આવ્યું, પણ કેશમેમો ત્યાં જ ભૂલી ગઈ. હવે જયારે આરતીના ખૂનની વાત જાહેર થશે ત્યારે ફ્લેટમાંથી કેશમેમો પણ મળી આવશે અને પોતે નેકલેસ ખરીદ્યા પછી ફ્લેટ પર ગઈ હતી એ વાત પુરવાર થઇ જશે. એની નજર સામે ફાંસીનો ગાળિયો તરવરી ઊઠ્યો.

અમર બારીકાઈથી તેના ચહેરાનું અવલોકન કરતો હતો. શિખા કેશમેમો પર આટલો ભાર શા માટે મૂકે છે ? આ સવાલ એના મગજમાં ખૂંચ્યો.

‘શી વાત છે શિખા...?’ એણે સહાનુભુતિ ભર્યા અવાજે પૂછ્યું, ‘તું આટલી ભયભીત અને ગભરાયેલી શા માટે લાગે છે ? અને તું આ વારંવાર કેશમેમોનું જ રટણ શા માટે કરે છે ?’

‘સર, કેશમેમો...’ શિખા માત્ર આટલું જ બોલી શકી.

‘હા...હા...બોલ...કેશમેમોનું શું છે...?’ અમરની શંકા વધુ મજબૂત થઈ.

શિખા ભાંગી પડી. એણે રડમસ અવાજે અમરને બધી વિગતો જણાવી દીધી. પછી ઉમેર્યું, ‘સર, મારી યોજના ફુલપ્રૂફ હતી, પરંતુ આ કેશમેમોએ મને ફસાવી દીધી. કેશમેમો જરૂર ફ્લેટમાં જ રહી ગયો છે એટલે હવે મને કોઈ બચાવી શકે તેમ નથી. હું મારો ગુનો કબૂલ કરવા માટે તૈયાર છું !’

અમરે ફોન કરીને પોલીસને બોલાવી લીધી.

શિખાએ ઇન્સ્પેકટર સામે પોતાનો ગુનો કબૂલી લીધો. ઈન્સ્પેક્ટરે તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી.

ત્યાર બાદ તેઓ દરવાજા તરફ આગળ વધ્યા.

સહસા એજ વખતે દરવાજો ઉઘાડીને દેસાઈ જ્વેલર્સનો એક કર્મચારી અંદર પ્રવેશ્યો.

એણે આશ્ચર્યચકિત નજરે હાથકડી પહેરીને ઊભેલી શિખા સામે જોયું અને પછી ગજવામાં ગડી કરેલો એક કાગળ કાઢીને તેની સામે લંબાવતા બોલ્યો, ‘માફ કરજો મેડમ...! આ કેશમેમો નેકલેસ પેક કરતી વખતે બોક્સમાં મૂકવાનું ભુલાઈ ગયું હતું. આપે કેશમેમો મૂકવા માટે સખત તાકીદ કરી હતી, એટલે મેનેજરસાહેબે ખાસ આ કેશમેમો આપવા માટે જ મને અહીં મોકલ્યો છે.’

શિખા શો જવાબ આપે ?

એ ફાટી આંખે ક્યારેક કર્મચારીના હાથમાં જકડાયેલા કેશમેમો તરફ તો ક્યારેક પોતાનાં હાથમાં પહેરાવવામાં આવેલી હાથકડી સામે તાકી રહી.

***

- કનુ ભગદેવ

Facebook Page: Kanu Bhagdev-Fans/Facebook

Feedback: Whatsapp no. 8469141479