Shabdavkash - Ank - 6 - 9 in Gujarati Magazine by Shabdavkash books and stories PDF | શબ્દાવકાશ અંક-6 લેખ-9

Featured Books
Categories
Share

શબ્દાવકાશ અંક-6 લેખ-9

શબ્દાવકાશ અંક-૬

લેખ ૯ : ધારાવાહિક વાર્તા

માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો નવમો લેખ અમારી ટીમના સક્રિય સભ્ય અને ડોક્ટર ઈરફાન સાથિયાએ લખેલી ધારાવાહિક વાર્તા છે લાગે છે કે આગલા ભાગો તમને શબ્દાવકાશ મેગેઝીનના આગલા અંકોમાં વાંચવા મળશે તો વાંચક મિત્રો, આપનો અભિપ્રાય જરૂર જણાવશો.

તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .















પ્રકરણ ૬ : ઈરફાન સાથિયા

"જી સર", કહી સુનિલ ઉભો થઇ ગયો.
"સુનિલ ફ્રી હોય તો ચાલ ને આ વહેંચણી કરતા આવીયે?". ચાલતા ચાલતા જ સૂનિલે હળવા અવાજમાં પ્રશ્ન કર્યો.
"હું તો ફ્રી જ છું સર. ચાલોને". સુનિલે આદરપૂર્વક જવાબ આપ્યો.

સમીર શેઠ બાઇકની પાછળની હૂક પરથી થેલીયો છોડવા લાગ્યા, એટલે સુનિલે આગળ વધીને એ કામ હાથમાં લઇ લીધું અને જાતે મોટો થેલો છોડવા લાગ્યો. થેલો હાથમાં લીધો અને સમીર શેઠ આગળ ચાલવા લાગ્યા.
"મિત્રો પાંચ મિનિટમાં આવું છું" કહી સુનિલ પાછળ ચાલવા માંડ્યો. અને પંગતમાં બેઠેલા દરેક ભિખારીને એક એક થેલી આપવા માંડ્યો. થોડી જ વારમાં વહેંચણી થઇ ગઇ, પણ આજે અમુક થેલીઓ વધી ગઇ.

"શેઠ આજે કદાચ થોડું મોડું થઇ ગયું છે એટલે ભિખારીઓની સંખ્યા ઓછી લાગે છે", શેઠના સવાલ પહેલા જ સુનિલે જવાબ આપી દીધો.

"ઠીક છે,નો પ્રોબ્લેમ. કોઇ આવી જાય તો આપી દે જે. નહિતર કુતરાઓને પધરાવી દે જે", કહેતો જઇને સમીર ઝડપભેર બાઇક તરફ વધ્યો, અને ઇગ્નીશન આપ્યું. બ્લુ હેલોજન ઝળહળી ઉઠ્યા. અશ્વારની અદામાં સુનિલ ટટ્ટાર થઇને બેઠો અને ડબલ એકઝોસ્સટનો કાનના પરદા હલાવી નાખતો અવાજ ચારેય મિત્રોના કાનથી ધીમે ધીમે દુર જવા લાગ્યો.

વિજેતાની અદામાં દુરથી થેલીઓ હલાવતો હલાવતો સુનિલ બુમો પાડતો આવ્યો.
"લો દેશી કુતરાઓ ટુટી પડો", બાકડાની બરાબર વચ્ચે થેલીઓ ગોઠવીને મોટેથી હસવા લાગ્યો.

"સાલા અમે તને કુતરા લાગીએ છીએ?" સલીમ મસ્તી અને ગુસ્સાના મિશ્રિત અવાજમાં બોલ્યો.

"જો ભાઇઓ, તમને ખાવું હોય તો ખાઓ. શહેરમાં આટલી મોડી જે પણ હોટલ ખુલ્લી મળશે તેમાં આપણે બધાના ખીસ્સા મળીને એક ચ્હા પણ નહિ ખરીદી શકીએ. શેઠે કીધું છે કે કોઇ મળી જાય તો ઠીક છે નહિતર કુતરાને નાંખી દે જે. અમુક સમીર શેઠ જેવા માલેતુજારો માટે આપણા જેવી પ્રજાતિ કુતરાથી વિશેષ કંઇ નથી, એટલે બહુ શેઠાઇ કર્યા વગર ચૂપચાપ ખાવા માંડો. આપણે આઠ કીલોમિટર ચાલવાનું છે હજુ યાદ રાખશો". સુનિલે કોઇના પ્રત્યુતરની રાહ જોયા વગર થેલીઓ છોડવા લાગ્યો.

ભુખ્યા મિત્રો પણ અહંને બાજુ પર મૂકી દલીલો કર્યા વગર પોતપોતાની થેલી લઇને પુરી બટાકાનું શાક આરોગવા લાગ્યા.

"યાર ભુખ્યા કુતરાઓને કંઇક મોઢું મીઠું થાય એવું પણ લઇ આવતો", ભરતે ટીખળ કરી અને ચારેય મિત્રો હસી પડ્યા.

"જે મળે છે એ ભગવાનનો આભાર માનીને ખાય લો યાર. સારું સારું ખાવાનું ભગવાનના નસીબમાં જ હોય યાર. જુઓને અંદર પત્થરની મૂર્તીને છપ્પન ભોગ ધરાય છે અને બહાર ભુખ્યાઓને સુકાય ગયેલી પુરી." સુનિલને વચ્ચેથી બોલતો અટકાવીને સલીમ બોલ્યો.

"સુનિલ બાબા હવે મહેરબાની કરીને નવી કથા ના ચાલુ કરતા. જે મળ્યું છે એ શાંતિથી જમી લેવા દો."
ભુખ્યાને સુકુ શું ને લીલુ શું? જે મળ્યુ એનાથી જઠરાગ્નિ ઠારવાનો જ હોય છે. ચારેય મિત્રોનાં ચહેરા પર ત્તૃપ્તિના ભાવ સ્પષ્ઠ દેખાતા હતાં. ઠંડુ પાણી પીને અગ્નિને બરાબર ઠારતા હોય તેમ એક હાશકારાનાં ભાવ સાથે સુનિલ બોલ્યો.
"હવે આપણે અહીથી પ્રસ્થાન કરવું જોઇએ. નહિતર બે-બે ડંડા ખાવા તૈયારી કરવી પડશે".

ત્વરિત નિર્ણય લેવાયો સ્ટેશન તરફ જવાનો અને ચારે મિત્રો નિજાનંદમાં ચાલવા લાગ્યા. શહેરના ચકાચોંધ કરી મુકતા ઝળહળતા શાઇન બોર્ડ અને મોટા મોટા હોર્ડીંગ્સ જોઇને બાકીને ત્રણેય મિત્રો દિગ્મૂઢ થઇ ગયા અને જાણે જાત પર વિશ્વાસ ન હોય તેમ સ્વર્ગમાં મહાલતા હોય એ રીતે પ એકદમ નાના પગલે ચાલવા લાગ્યા. એ છ આંખો જાણે કેમકોર્ડર બની ગઇ હોય અને એક એક દ્રશ્યનું વિડિયોમાં રૂપાંતર કરી લેવા માંગતા હોય તેમ ચારે દિશાઓમાં એમની ચકળવકળ કરતી આંખો ફરવા લાગી.

"સીધી નજર રાખીને સીધા સીધા ચાલો નહિતર કોક ચોરટા સમજીને ઘાલી દેશે," સુનિલની પજવણી ચાલુ રહી.

"એક તો અંહીના ટ્રાફીકનો કોઇ ભરોસો નહિ. નશામાં ધૂત નબીરાઓ કયારે કુતરાઓ પર ગાડી ચઢાવી દે કંઇ કહેવાય નહિ. મરી જાય તો ઠીક છે. આમ પણ આપણા જેવા કુતરા એમના મતે ધરતી પર ભાર છીએ. મોત મળી જાય એને તો છુટકારો મળી જાય. બાબા કહેતા હોય છે એમ સ્વર્ગ મળી જાય. તકલીફ જે બચી જાય તેણે ભોગવવી પડે. તેને જેલની હવા ખાવી પડે જાણે કે તે શોખથી ગાડીની નીચે જઇને સુઇ ગયો હતો. અને વાહન હાંકનાર તો બિચારો સાવ નિર્દોષ હતો. આ જ સચ્ચાઇ છે મિત્રો. આ આપણી ગરીબ હોવાની સજા છે. જીવવા માટે જીવનમાં દરેક ઠેકાણે આપણે પરીક્ષાઓ આપવી પડતી હોય છે. દુનિયાવાળા તો નિષ્ઠુર હોય જ છે. પણ કુદરત પણ આપણી પરીક્ષા લેવામાં અગ્રેસર જ રહે છે."

"શહેરમાં રહીને કુતરાઓમાં અક્કલ પણ આવી જાય છે", મહેશે સુનિલની વાતોમાં વચ્ચે અતિક્રમણ કર્યુ. સલીમ અને ભરત ખડખડાટ હસવા લાગ્યા અને સુનિલે મહેશની ઝપટવા તરાપ લગાવી. પણ સ્ફુર્તીલો મહેશ એમ હાથમાં આવે ખરો? એ દોડતો જઇને સામે એક મોટા બિલ્ડીંગનાં કંપાઉંડમાં ભરાય ગયો.

મોંઘી મોંઘી કાર અને મદહોશ કરી દેતી રાતરાણીની ખૂશ્બુ. લેમ્પ સ્ટેન્ડમાંથી રેલાતો આછો સોનેરી પ્રકાશ ચહેરાને સોનેરી માસ્ક પહેરાવતો હોય એમ લાગતું હતું. મહેશે અંદર નજર કરી તો એક મોટા ઓરડામાં મોટામોટા ઝુમ્મરો લટકતા હતા. નીચે એકલ દોકલ વ્યક્તિઓ સોફા ઉપર બેઠેલી દેખાતી હતી. એને અચરજ થયું કે આટલી મોડી રાત્રે લોકો કંઇક વાંચવા બેઠેલા હતા. પાછળ તરફથી આવતા જોશભેર વાગતા સંગીતનાં રેલાતા સૂરોએ મહેશની જીજ્ઞાસા વધારી. એ બાળસહજ વૃતિથી પાછળ તરફ ચાલવા માંડ્યો. પાછળ નજર કરીતો વિશાળ બગીચો હતો. કાન સોંસરવું નીકળી જાય એટલુ જોરથી વાગતું સંગીત અને અંધારુ-અજવાળુ કરતી અને વારેઘડીયે રંગ બદલતી રોશનીના પ્રકાશમાં યુવાધન હિલોળે ચઢ્યુ હતું. ગાંડાની જેમ લોકો નાચવામાં મશગુલ હતા. ચારે બાજુ હવા કરતા સિગારેટનાં ધુમાડાઓ વધુ નજરે પડતા હતાં. કોઇકનાં હાથમાં બોટલ તો કોઇકનાં હાથમાં ગ્લાસ હતા. એ દ્રશ્યમાં તલ્લીન થઇ રહ્યો હતો. અચાનક તેને કંઇક સળવળાટ સંભળાયો. તેનો દ્રષ્ટીભંગ થયો. તેને અવાજવાળી દિશામાં નજર કરી તો બે-ત્રણ જણા કંઇક નાક વડે જોરથી સુંઘી રહ્યા હતાં. એકાદનાં હાથમાં ઇન્જેકશન હતું. મહેશને કંઇક સમજાય એના પહેલા એ ત્રણ જણમાંથી ઉઠીને એક યુવાન મહેશની નજદીક આવ્યો.
માંડ સ્થિર રહી શકતા યુવાને મહેશને બે ત્રણ વાર નખશીખ નિહાળ્યો. પછી ધીમા અવાજે પૂછ્યું,
"હુ આર યૂ?"
થોડા ગભરાયેલા મહેશે કદમ પાછળ તરફ લીધાં. મહેશ ત્યાંથી દોટ લગાવે એના પહેલા તે યુવાને તરાપ મારીને મહેશનો કોલર પકડ્યો.
"હુ આર યૂ?, ફરી એજ સવાલ.
મહેશ નિરુત્તર રહ્યો.
"યૂ વોન્ટ ધીસ? યૂ વોન્ના ફીલ એકસટસી?"
યુવાનના અવાજમાં બેફીકરાઇ વધવા લાગી.
"જો ભાઇ હું તો.. હું તો...." મહેશની જીભ લડખડાતી જોઇને પેલા યુવાનમાં જાણે હિમ્મતનો સંચાર થઇ ગયો.
"યુ બાસ્ટર્ડ...આઇ આસ્કડ યૂ હુ આર યૂ? વોટ યૂ વોન્ટ?"
મહેશ આજીજી ભર્યા હાવભાવ સાથે તેના કોલર પરથી યુવાનનો હાથ ખસેડવા લાગ્યો.
"તેરી મા કી...." યૂવાને ગાળો બોલવાની ચાલુ કરી. મહેશે ફરી આજીજી કરી. "દેખ ભાઇ,
મા-બેનને વચ્ચે ના લાવ," અને ફરી કોલર છોડાવવાનો પ્રયત્ન કર્યો. યુવાને મજબુતીથી પકડેલો કોલર થોડો ફાટી ગયો.
શરીર ઢાંકવાના ગણત્રીના આવરણો ધરાવતો મનોમન શર્ટનો કોલર ફાટવાથી દુખી થવો સ્વભાવિક હતું. પણ એ દુખમાં વધુ ગરકાવ થાય તેના પહેલા યુવાને,
"તેરી ભેણ કી...." કહેતા જઇને મહેશના ગાલ પર સટ્ટાક કરાવી દીધી.
અને તંદ્રામાંથી સફાળો જાગીને બેઠો થયો હોય અને અચાનક ભાનમાં આવ્યો હોય તેમ મહેશે મુઠ્ઠી વાળીને એક મુક્કો યુવાનની છાતી પર માર્યો. કસાયેલા ગામઠી હાથ અને હણાયેલા સ્વમાનવાળા વાઘનો પંજો જાણે પેલા યુવાનની છાતી પર ત્રાટક્યો.
એક જ વારમાં યુવાન ભોંયભેગો થઇ ગયો.
"સાલા કયારનો ના પાડું છું મા બહેનને વચ્ચે ન લાવ, અને તારી હિમ્મત કેવી રીતે થઇ મને હાથ લગાવવાની?"
હવે મહેશનો અવાજ ગુસ્સામાં કાંપતો હતો.
યુવાનના નીચે પછડાવવાથી ધડામ દઇને અવાજ થયો. તેને જોઇને બાકીના બે યુવાનો ઉભા થયા. મહેશને લાગ્યુ કે તેના એ બે યુવાનો ઘસી આવશે એટલે તેને ત્યાં પડેલું માટીનું કુંડુ ઉઠાવી લીધું, પણ દેહાતી શરીરને આમ આટલી સહજતાથી વજનદાર કુંડુ ઉઠાવતા જોઇને બન્ને યુવાનોએ મુઠ્ઠી વાળીને બગીચા તરફ દોટ લગાવી. કુંડુ નીચે મુકીને પોતાના હાથની માટી ખંખેરતા જઇને શર્ટ બરાબર કરતો હતો ત્યાં જ બે ઉંચા કદાવર માણસો હાથમાં ગન સાથે આવી ચઢ્યા.
કોઇ મોટી ઉપાધીનાં વમળમાં ફસાય રહ્યો હોવાનો મહેશને વરતારો થઇ ગયો હતો. તેની પાસે ભાગવા ભાટે કોઇ રસ્તો નહોતો. અને ભાગી જાય એવો કાયર કુતરો મહેશ નહોતો..
"હુ આર યૂ?" પડછંદ કાયામાંથી ભારેભરખમ અવાજ પડઘાયો.....

ક્રમશઃ