Speechless Words CH - 14 in Gujarati Love Stories by Ravi Rajyaguru books and stories PDF | Speechless Words CH.14

Featured Books
Categories
Share

Speechless Words CH.14

|| 14 ||

પ્રકરણ 13 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય સ્કૂલમાંથી પિકનિકમાં જાય છે. જે એક રાત અને બે દિવસની હોય છે. જ્યાં રાતનો ઉતારો એક હોસ્ટેલમાં હોય છે. બ્લુટૂથનો જમાનો હોય ડેનિશ પોતાને મળેલી પોર્નફિલ્મ બ્લૂટુથ દ્વારા શેર કરવા માટે હોસ્ટેલમાં પ્રશાંતના રૂમે આવે છે અને પ્રશાંતને બ્લુટૂથ દ્વારા વિડિયો શેર કરવા જતાં આ વિડિયો ભૂલથી અમિત સરને શેર થઈ જાય છે પણ સદભાગ્યે ડિવાઇસનું નામ પોતાના નામ પરથી ના હોવાથી ડેનિશ બચી જાય છે. પ્રકરણ 13 માં આપણે છેલ્લે જોયું તેમ આદિત્ય બી ગ્રુપમાં હોવા છતાં સી ગ્રુપના ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસ ભરવા માટે જાય છે. ક્લાસમાં વાતો કરવાની પોતાની આદતના લીધે ક્લાસમાં ગણિત વિષય ભણાવી રહેલા સોરઠિયા સરની નજરે ચડી જાય છે. સોરઠિયા સર તેને ક્લાસમાં આગળ બોલાવે છે. હવે શું સોરઠિયા સર આદિત્ય પર ગુસ્સે થશે ? હવે તો દિયા પણ રિયલ આદિત્યને ઓળખવા લાગી છે તો શું આ પ્રકરણમાં દિયા આદિત્યની મુલાકાત થશે ? તો પછી અમદાવાદવાળા દિયાના ક્રશનું શું થશે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

*****

“સોરી સર, હું જરાક રોમેન્ટીક વાતો કરતો હતો. “, હું આટલું બોલ્યો ત્યાં તો આખો ક્લાસ જોર જોરથી હસવા લાગ્યો.

“ રોમાન્સ. એક છોકરો થઈને બીજા છોકરા સાથે ? ”, ફરીવાર સરનું આવું બોલતા બધા હસવા લાગ્યા. મને સર પર ગુસ્સો આવતો હતો કારણ કે મને ‘ગે’ સમજતા હતા. ઘણી બધી સ્કૂલોમાં આવું બનતું હોય છે અને એમાંથી અમે એક હતા.

“સાઈલેન્સ, કમ હિયર ઓન સ્ટેજ.“, સોરઠિયા સરે ફરીવાર મને સ્ટેજ પર બોલાવ્યો.

હું સર પાસે મારી બૂક લઈને ગયો. સરે મને સ્ટેજ પર ઊભો રાખ્યો અને પોતે સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને મને પૂછ્યું.

“પાયથાગોરસના પ્રમેયનું સ્ટેટમેન્ટ બોલ”, સોરઠિયા સરે મને સ્ટેટમેન્ટ પૂછ્યું.

મને કઇં જ ના આવડતું હોવાથી હું કઈ જ બોલ્યા વગર સ્ટેજ પરથી ઉતરીને ગર્લ્સના વિભાગમાં જઈને પહેલી બેંચ આગળ ઊભો રહી ગયો. સર ફરીવાર સ્ટેજ પર જઈને ઊભા રહ્યા અને બીજી વાર પૂછ્યું.

“આદિત્ય સ્ટેટમેન્ટ ? ”, સરે મારી આંખોમાં આંખ નાખી ગુસ્સાવાળી નજરે બીજી વખત પૂછ્યું.

“હું બોલું છું તું જસ્ટ રિપીટ કરજે“, અચાનક એક મીઠો રેશ્મિ અવાજ મારા કાનના પડદાં સાથે અથડાયો.

“હમ્મ..“, માત્ર ગુંજનથી મેં હોઠ ખોલ્યા વગર તેને હોકાર આપ્યો.

“કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો સમાવતી બન્ને બાજુઓના માપના સરવાળા જેટલો હોય છે.“, પાછળથી પાયથાગોરસના સ્ટેટમેન્ટનો અવાજ આવ્યો.

“કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો સમાવતી બન્ને બાજુઓના માપના સરવાળા જેટલો હોય છે. મીન્સ અહીંયા ત્રિકોણ ABC આપેલ છે તો અહીં AC કર્ણ છે અને AB અને BC બે બાજુઓ છે. જેમાં ખૂણો B કાટખૂણો છે. આથી AC AC square is equals to AB plus BC.“, મેં સ્ટેટમેન્ટના બદલે આખો પાયથાગોરસનો પ્રમેય જ સમજાવી દીધો.

“વાહ ! પરફેક્ટ. આમ આવડતું જ હોય તો પણ શાંતિ રાખો બીજાને તો ભણવા દો. સીટ ડાઉન.“, સર આટલું બોલી બોર્ડ ભૂસવા લાગ્યા.

“થેન્ક યૂ“, પાછળ જોયા વગર ધીમેથી મને જવાબ આપવાવાળી છોકરીનો આભાર માની હું મારી જગ્યા પર બેસી ગયો.

હંમેશા આવું થતું હોય છે. તમને આવડતું હોય છતાં તમે ક્યારેક બરાબર સમયે જ જવાબ ભૂલી જાવ છો. આ સમયે કોઈક માત્ર તમને થોડુક યાદ અપાવે ત્યાં તો બધુ યાદ આપવી જાય. આ ઘટનાને કહેવાય ‘સ્પાર્ક’ એટલે કે એક ઝટકો. સ્કૂટરને જેવી રીતે એક તાકાતવાળી કીક લગાવવાની જરૂર પડે છે. બસ, આ જ રીતે કોઈ પણ વ્યક્તિને કશુક યાદ અપાવવા સ્પાર્કની જરૂર પડે છે. આ યાદ અપાવવાવાળી છોકરી બીજું કોઈ નહીં પણ ‘દિયા’ હતી. મને તો એમ થયું ત્રણ છોકરીઓમાંથી કોઈ બોલ્યું હશે, જેમાંથી એક કાવ્યા પણ હતી અને હું તો તેને જ દિયા સમજતો હતો એટલે મને થયું એ જ બોલી હશે. ધીમે ધીમે મારૂ લેખન કાર્ય જોર પકડી રહ્યું હતું અને હવે

પ્રિલિમિનરી એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું હતું. ફરી એકવાર હું દિયાથી માર્કસમાં આગળ હતો. ગુસ્સો તેના નાક પર ચડી ગયો હતો. મને યાદ છે કોલેજના દિવસોમાં તો જ્યારે તે ગુસ્સે થતી ત્યારે કદાચ એનાથી વધુ સુંદર કોઈ લાગતું જ નહિ. ધીમે ધીમે સ્કૂલ પૂરી થવા આવી હતી. દિયાએ તો મને જોઈ પણ લીધો હતો. હું તો વ્હેમમાં હતો. હવે, દસમા ધોરણની બોર્ડની એક્ઝામ શરૂ થવાની હતી. આ પહેલાનો માહોલ વિધ્યાર્થીઓ માટે કેવો હોય ? એકદમ ગમગીન પ્રકારનું વાતાવરણ. કોઈ કઈ પણ બોલે પરીક્ષાના જ વિચાર આવ્યા કરે. અધુરામાં પૂરું તો સગા સંબંધીઓ પણ ઘરે શુભેચ્છા આપવા આવતા હોય અને આવીને ચિત્ર – વિચિત્ર સલાહ સૂચન કર્યા કરે. અમુક તો કે અમારો દીકરો તો દરરોજ ચાર વાગ્યે ઊઠીને વાંચતો છતાં ‘નાપાસ’ થયો તો પછી તમારા દીકરાનું ધ્યાન રાખજો. આપણને એમ થાય કે આવા લોકો શુભેચ્છા આપવા આવતા જ ના હોય તો વધુ સારું. વિધ્યાર્થીઓ પોતે કનફ્યૂઝ થઈ જાય કે પરીક્ષા આપવી જોઈએ કે નહીં. દરરોજ ન્યૂઝપેપરમાં વિવિધ જાહેરાતો શરૂ થાય કે માત્ર અઠવાડીયામાં ગણિતનો સંપૂર્ણ કોર્ષ પાસ થવાની સો ટકા ગેરેન્ટી સાથે કરાવવામાં આવશે. હવે ભાઈ જે વિધ્યાર્થી આખા વર્ષ દરમિયાન કઈ જ ના કર્યું હોય તે માત્ર અઠવાડિયામાં ગણિત કેવી રીતે શીખવાનો ? મને આ બધુ બહુ જ અજીબ લાગતું. હવે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે દિયા અને હેત્વી મળવાના હતા. આ દિવસ એટલે ફેરવેલ પૂરી થયા બાદ અમારી સ્કૂલનો ‘છેલ્લો દિવસ’.

અમારી સ્કૂલની બીજી બ્રાન્ચ જેવી રીતે આપ જાણો જ છો તેમ અમારી જ સ્કૂલની બીજી બ્રાન્ચ G. J. SCHOOL કે જે રાજકોટના ખ્યાતનામ 150 ફૂટ રિંગરોડ પર આવેલી હતી, ત્યાં આજે સ્કૂલના છેલ્લા દિવસે એક સરસ મજાનાં પ્રોગ્રામનું આયોજન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમારી સ્કૂલની એક બ્રાન્ચ કે જેનું નામ ‘ધૂમકેતુ’ રાખવામા આવ્યું હતું. આ ‘ધૂમકેતુ’ બ્રાન્ચના ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકોને આજે આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ અમારી છઠ્ઠી પ્રિલિમિનરી એક્ઝામ ચાલી રહી હતી આથી આજે તેનું છેલ્લું પેપર હતું આથી બધા દસમા ધોરણના વિધ્યાર્થીઓ માટે છેલ્લું પેપર G. J. SCHOOL માં રાખવામા આવ્યું હતું. પેપર પૂરું થયા પછી અડધી કલાકનો બ્રેક આપવામાં આવ્યો. ત્યારબાદ શરૂ થઈ સ્કૂલની મેનેજમેન્ટ મિટિંગ, જેમાં પેપર કેવી રીતે લખવા અંગે બધુ સમજાવવામાં આવ્યું. આ સિવાય ઘણા શિક્ષકોએ કારણ વગરનું લાંબુ લચક ભાષણ આપ્યું. અમુક તો ગુજરાત બહારના શિક્ષકો પણ હતા તેમણે તો સાવ મગજનું દહીં કરી નાખ્યું હતું.

આ સમય એવો હતો જેમાં માંડ ગુજરાતી મીડિયમમાં ભણતા હોઈએ અને ઇંગ્લિશ માંડ માંડ આવડતું હોય તો કેવી રીતે સમજવી એમની ભાષા ? આથી મોટા મોટા બગાસા આવતા હતા. આ મિટિંગ પૂરી થયા બાદ તમામ શિક્ષકો તેમજ વિધ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અલ્પાહારમાં મારૂ મનપસંદ સાઉથ ઇંડિયન ફૂડ રાખવામા આવ્યું હતું. રાતના અંદાજિત આંઠ વાગ્યે ડિનર શરૂ થયું. મને ખૂબ જ ભૂખ લાગી હતી પણ કરમની કઠણાઇ કહો કે મારા નસીબ કહો પણ થયું એવું કે છોકરીઓને પહેલા ડિનર માટે બોલાવવામાં આવ્યા અને અમને હોલમાં બેસી પોતાનામાં હોય એવો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ બતાવવાનું કહ્યું. મારો જીવ જમવામાં હતો, છોકરીઓને પહેલા કોઈ દિવસ ના બેસાડાય, સ્ત્રી માત્ર જાતિ જ એવી છે કે જમતા જમતા નકરી વાતો જ કર્યા કરશે અને અહીંયા બીજા કોઈનો વારો જ નહીં આવવા દે. આવી બધી ચળવળો મારા મનમાં ચાલવાની શરૂ થઈ હતી. અંતે મેં મારૂ ધ્યાન તેમાથી હટાવી અને કાર્યક્રમમાં મારો ટેલેન્ટ બતાવવાનું શરૂ કર્યું, જેમાં હું એક – બે ગઝલ અને મસ્ત સ્ટોરી બોલ્યો અને પછી બીજા બધા પોત પોતાનો ટેલેન્ટ બતાવવા લાગ્યા. કોઈએ જિમ્નાસ્ટિક્સના દાવ કર્યા તો કોઈ પ્રિયંક જેવા મિત્રોએ પોતાના મનપસંદ ગીતોથી દિલ ગાર્ડન ગાર્ડન કરી નાખ્યું હતું. મેં પહેલા જેમ કહ્યું તેમ હેત્વી અને દિયા આજે અહીંયા મળ્યા.

હેત્વી પોતાની પ્લેટ લઈને ડિનર માટે લાઇનમાં ઊભી હતી. આ સમયે દિયાનું ધ્યાન તેના પર પડ્યું.

“હેય, હેત્વી હાય કેમ છે ? “, દિયાએ હેત્વીને ડિનરની લાઇનમાં જોતાં જ તેની પાસે જઈને કહ્યું.

“અરે, હાય દિયા બસ મજામાં તું કેમ છે ? કેવી ચાલે એક્ઝામની તૈયારી ? “, હેત્વીએ દિયાને વાત વાતમાં એક્ઝામની તૈયારી વિશે પૂછી જ લીધું.

સામાન્ય રીતે કેવું થાય જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે વિધ્યાર્થીને પોતે કેટલું વાંચ્યું ? તેના કરતાં તેના મિત્રએ કેટલું વાંચ્યું ? તેની વધારે ચિંતા રહેતી હોય છે. બસ, આ પરિસ્થિતિ આજે દિયા અને હેત્વીની હતી. હેત્વીનો સ્વભાવ આમ તો બહુ જ આદેખો હતો. હેત્વીથી પોતાનું કોઈ અંગત આગળ નીકળી જાય, તે તેને જરા પણ પસંદ ન હતું. સ્વભાવની દ્રષ્ટિએ તો હેત્વી અમારા બધાથી ઉત્તમ કહી શકાય તેવી હતી.

“બહુ જ મસ્ત. ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, પી. ટી. વંચાઈ ગયા છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી બાકી છે અને આમ પણ વિજ્ઞાન તો આ અઠવાડિયે જ પૂરું થઈ જશે એવું મને લાગી રહ્યું છે.“, દિયાએ પોતાના એક્ઝામ શેડ્યુલ વિશે વાત કરતાં કહ્યું.

“મારે તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી તો ઘણા દિવસો પહેલા જ પૂરા થઈ ગયા છે. પી. ટી. અને સંસ્કૃત મને બહુ સારી રીતે આવડે છે. આથી એક્ઝામના આગલા દિવસે વાંચીશ અને તે પણ નિરાંતે હા.. હા..“, હસતાં હસતાં હેત્વીએ પોતાનું એક્ઝામ શેડ્યુલ જણાવ્યુ.

“અરે વાહ.. વેરી ગુડ“, દિયાએ હસતાં હસતાં કહ્યું.

“બાય ધ વે.. આ વ્હાઇટ ટી – શર્ટ તને મસ્ત લાગે છે હો.“, દિયાએ ફરીવાર હેત્વીને તેના ટી – શર્ટ વિશે વખાણ કરતાં કહ્યું.

છોકરીઓમાં આ ગુણ સામાન્ય હોય છે. કોઈનું કઈક નવું જોવે એટલે તરત જ તેના વખાણ તેની સામે તો કરે જ પરંતુ અંદરથી તેને ગમતું ના હોય. અંદરથી તો વિચાર એવો જ આવતો હોય કે ‘જરા પણ ટી - શર્ટ સારું નથી લાગતું. આવું તમારી સાથે પણ બન્યું હશે. બરાબર ને ? ?

થોડા સમયબાદ ગર્લ્સનો ડિનર ટાઈમ પૂરો થયો અને બોય્સનો ડિનર ટાઇમ શરૂ થયો. હવે, આ વાત તો તમે જાણતા જ હશો કે બોય્સનો ડિનર ટાઇમ શરૂ થાય ત્યારે વાતાવરણ કેવું હોય ? સૌથી પહેલા તો લાંબી લચક લાઇન કરવવામાં આવી. ઘણા દિવસોના ભૂખ્યા હોય અને અચાનક ખોરાક મળ્યો હોય તેમ બધા પ્રોગ્રામ ચાલી રહ્યો હતો તેમાથી સીધા દોડીને કાઉન્ટર પાસે પહોંચી ગયા. કંજૂસ સ્કૂલવાળાઓએ દુર્ભાગ્યે એક જ ફૂડ કાઉન્ટર રાખ્યું હતું. હવે તમે વિચારો એક ડિનર માટેનું કાઉન્ટર હોય અને 175થી વધુ છોકરાઓ એક સાથે પ્લેટ લેવા દોડે એટલે કેવું લાગે ? અમુક પૈસાદાર બાપુજીના દીકરાઓ તો એકદમ દૂધના ધોયેલાં હોય એમ લાઇનમાં ઊભા રહેવાને બદલે એક બાજુ ખૂણામાં ઊભા રહી ગયા જાણે ખૂણામાં કોઈ તેમણે પ્લેટ તૈયાર કરીને જમવાનું આપવા જવાનું હોય. જમતી વખતે બીજી વખત વસ્તુઓ લેવા ઊભું ના થવું પડે તેટલા માટે અમુક છોકરાઓ તો ઘણી બધી આઇટમ્સ એકસાથે લઈ રહ્યા હતા. જમવાનું પીરસનાર સ્ટાફનો પણ ત્રાંસ હતો. પ્લેટમાં એક મેંદુવડાનું વડુ, એક ઇડલી અને હાફ ઢોસા અને ઢોળાય નહીં એટલા માટે થોડોક સંભાર વાટકીમાં આપતા હતા. ટોપરાની ચટણી તો માત્ર સ્વાદ લાગે તેટલી જ. જાણે પોલિયના ટીપાં પીવડાવતા હોય એવી ફિલિંગ આવતી હતી.

ચેન્નાઈ, હૈદરાબાદ કે બેંગલુરુ જેવા સિટીમાં હોઈએ અને જે પ્રકારની સાઉથ ઇંડિયન વાનગીની સુગંધ આવતી હોય તેવી જ સુગંધ ગ્રાઉંડ ફ્લોર પર ચારેકોર પ્રસરી રહી હતી. અધુરામાં પૂરું હું સાઉથ ઇંડિયન ફૂડનો બહુ જ શોખીન છું. મને પહેલેથી જ ઢોસા, ઉત્તપમ, મેંદુવડા બહુ જ ભાવે છે પણ આ લોકોએ મોંઘું પડે એટલા માટે થઈને ઉત્તપમ તો રાખ્યું પણ નહોતું. લાઇન થોડી આગળ ચાલી અને મારો વારો આવ્યો ત્યારે,

“અન્ના, મેંદુવડા થોડા જ્યાદા દેના, મેરા ફેવરિટ હૈ ઔર ભૂખ બહુત હી લગી હૈ“, મેં પીરસવાવાળા ભાઈને કહ્યું.

“મેંદુવડા પૂરા હો ગયા હૈ ઔર મસાલા ભી. ઇડલી ઔર પેપર ઢોસા પ્લેન હી મીલેગા”, ઢોસાવાળા ભાઈએ મેંદુવડા ના હોવાની વાત મને કરતાં જ મારા તો પગ નીચેથી જમીન સરકી ગયા જેવુ વાતાવરણ ઊભું થઈ ગયું. મારા મોઢા પર રાતના સાડા દસ વાગ્યા હોવા છતાં બાર વાગ્યા હોવાનું ચિત્ર સર્જાય ગયું. જમવાનું તો આંઠ વાગ્યાનું શરૂ થઈ ગયું હતું પરંતું તમે સમજી શકો છો કે છોકરીઓ વાતો કરતાં કરતાં જમે એટલે કેટલી બધી વાર લાગે. છોકરાઓમાં પણ 140 થી વધુ જી જે સ્કૂલના અને 175 થી વધુ અમારા છોકરાઓ અને ઇંગ્લિશ મીડિયમ તો અલગ જ, હવે આટલા બધા એક સાથે જમવામાં હોય એટલે જમવાનું આગળ હોય એમના જ હાથમાં આવે એ સ્વાભાવિક છે પરંતુ મને ગુસ્સો સ્કૂલના મેનેજમેન્ટ પર આવી રહ્યો હતો. મનમાં વિચાર આવતો હતો કે, “સાલું તમને લોકોને ખબર જ છે કે આટલા સ્ટુડન્ટ્સ થવાના જ છે તો પછી બધુ વધારે જમવાનું બનાવવાનું ના કહેવાય કેટરસવાળાને ? સ્ટુડન્ટ્સ અને સ્ટાફ મળીને ઘણી બધી સંખ્યા થાય આમ છતાં આવી ગેર વ્યવસ્થા ?

“હા, ભાઈ જે હોય એ આપ બીજું શું થાય હવે પેટનો ખાડો તો પૂરવો પડશે ને ? “, ભૂખ એવી લાગી હતી કે હું હિન્દીમાં બોલવાની જગ્યાએ અસલ કાઠિયાવાડી ભાષામાં આવી ગયો.

 

ડિનર પૂરું કર્યા બાદ વોશબેશીનમાં હાથ ધોઈને જ્યારે હું પાણી પીવા કાઉન્ટર પર ગયો કે અચાનક મારૂ ધ્યાન ફૂડ કાઉન્ટર પર ગયું તો બધી જ ફૂડ આઇટમ્સ ગરમા ગરમ તૈયાર હતી. મારાથી રહેવાયું નહીં અને મેં જઈને ઢોસાવાળા ભાઈને કહ્યું.

“હમણાં તો તમે મને એમ કહેતા હતા કે બધુ જ જમવાનું પૂરું થઈ ગયું છે તો આ બધુ શું છે ? “, મેં ગુસ્સે થઈને કાઉન્ટર પર ફૂડ આઇટમ્સ ગોઠવી રહેલા કૂકિંગ સ્ટાફના એક મેમ્બરને કહ્યું. કૂકિંગ સ્ટાફનો મેમ્બર મને ગુસ્સેથી ભરેલી નજરે જોઈ રહ્યો હતો, કદાચ મારો બોલવાનો ટોન તેને નહીં ગમ્યો હોય.

હવે શું થશે ? શું કૂકિંગ સ્ટાફનો આ મેમ્બર મારા પ્રિન્સિપાલ સરને મારા આવા પૂછવા અંગે કહી દેશે ? જો પ્રિન્સિપાલ સરને મારા આવા બિહેવિયર વિશે ખબર પડી તો મારૂ શું થશે ? ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ હવે જ શરૂ થશે. મિત્રો આ બુકનું આ 14મુ પ્રકરણ આપ વાંચી રહ્યા હતા. આ બુક આપને કેવી લાગી રહી છે? અને આ બૂક અંગેના તમારા અન્ય પ્રતિભાવો અને જરૂરી સૂચનો આપ મને નીચે મુજબ મેસેજમાં આપનું નામ અને શહેરનું નામ લખીને જણાવી શકો છો. તો મળીએ ત્યારે આવતા સોમવારે. આવજો હો.

****