ભાગ-2
બંધ આંખોએ મદહોશીના સાગરમાં ગોતા લગાવીને સપાટી પર આવવા મથતા મનને પરાણે ધક્કો મારીને પાછુ અંદર ડૂબાડવાના વ્યર્થ પ્રયત્નો કરતી હતી, ત્યાં તો મારા કાને મોરનો મધુરો ટહુકાર કાને પડ્યો. મેઁ ચમકીને આંખો ખોલી.અવાજની દિશામાં કાન સરવા કર્યા તો એ અવાજ બેડરુમની ગેલેરીમા ઝુલતા ‘ટુ સીટર’ સંખેડાના હીઁચકા પરથી આવતો હોવાનો ખ્યાલ આવ્યો.
હીચકાની બરાબર ઉપર ‘વિન્ડ ચાઈમ’ બાંધેલું હતું. મંદ મંદ વહેતી હવાની થપાટોથી એમાં નાજુક રણકાર ઉતપન્ન થઈ રહ્યો હતો જે વાતાવરણમાં હળવું સંગીત રેલાવી રહ્યું હતું. ધીમેથી ‘પર્પલ શાટીન’નો પડદો ખસેડીને બહાર નજર કરી તો સાનંદાશ્રર્યથી આંખો પહોળી થઈ ગઈ. બહાર ત્રણ ઢેલ ગેલેરીની પાળી પર બેઠેલી હતી. આ તો એમના સંવનનકાળની ઋતુ..પોતાના પ્રિયતમને પોકારી પોકારીને ઇજન આપી રહેલી. મારાથી એમની વિરહીણી – બેકરારીની હાલતની અજાણતાં જ મારી હાલત જોડે તુલના થઈ ગઈ. એમની વ્યથા સમદુ:ખિયાભાવે હું પણ અનુભવી શકતી હતી ત્યાં તો એમનો પ્રિયતમ -પૂરા ત્રણ હાથનો રુપાળા પીંછાથી ભરપૂર – વાદળી ગળાવાળો રુપકડો મોર – પોતાની પ્રિયાઓને (!!) મનાવવા આવી પહોંચ્યો. એક સાથે ત્રણ પ્રિયાઓને રીઝવવાની ! પોતાના સુંદર ભૂરા – ભૂરા પીંછા ફેલાવીને જાણે લાંબી આળસ મરડી. એના ફેલાયેલા પીંછામાં સોનેરી કલરના ગોળ ગોળ ચકતા જેવી ડિઝાઈનમાં ‘હ્રદય; જેવો આકાર હતો. પોતાની પ્રિયાને મનાવવા મોરે પીંછાને હળ્વો ઝાટકો આપીને પોતાનો લખલૂટ અસબાબ ખુલ્લો મૂકી દીધો અદભુત કળા કરવા માંડી. માનવીઓમાં પુરુષને રીઝવવા માટે નારીને નૃત્ય કરતી આપણે સૌ જોઇએ છીએ. મોર એક જ એવો નર છે જે પોતાની માદાને રીઝવવા કળા કરીને તનતોડ નૃત્ય કરે છે. આ અવર્ણનીય પ્રેમ – લીલા જોવામાં હું સમયનું ભાન ભૂલી ગઈ. ત્યાં જ વૉલ-ક્લોક્માંથી પેલી અવળચંડી કોયલ બહાર ડોકાઈને 10 વાર ટહુકી ગઇ અને મને સમયનું ભાન કરાવ્યું.
સફાળી’ક બેઠી થઈને મોર-ઢેલની પ્રણય-સૃષ્ટિમાં થી બહાર નીકળી. ફટાફટ મમ્મીનો બેડરુમનો દરવાજો બંધ કર્યો અને ડ્રેસિઁગ ટેબલના ત્રણેય કાચ સેટ કર્યા. મમ્મીનું લોકર ખોલી મને ખૂબ ગમતો મોતી –જડતરનો સેટ કાઢ્યો. આખું ગળું ભરાઈ જાય એવો હાર – કાનમાં ઝુમ્મર –કાનસેર..હાથમાં બે – બે ડઝન બંગડીઓની વચ્ચે થોડા લટકતા ઝુમ્મરવાળા પાટલાં ચડાવ્યાં અને છેક આગળ મસ મોટો રજવાડી ઠ્સ્સાવાળો સેટનો પાટલો..! મારા નાજુક ફ્લોરોસેંટ નેઈલપોલિશ ઉપર કોમ્પ્યુટરાઇઝ્ડ ડિઝાઇન કરાવેલા લાંબા નખ વાળા હાથમાં આટલી બધી બંગડીઓ જીવનમાં પહેલી વાર ચડાવી હતી . હાથને કોણીએથી વાળી 90 અંશની ડીગ્રીએ આંખોની સમક્ષ રાખીને અચરજથી જોઇ રહી. શું આ મારો જ હાથ હતો..આટલો સુંદર ? નાજુકાઇને સુંદરતાનો ઢોળ..અહાહા…આજે હોશની બધી સીમાઓ તોડીને જાણે હું ખુદ મારા પ્રેમમાં પડતી જતી હતી. બહુ જ નવાઈની વાત હતી. છેલ્લે નાજુક ઘૂઘરીઓના રણકારવાળો કંદોરો કમર પર બાંધ્યો અને પગમાં રુમઝુમ- રુમઝુમ સોનેરી નાજુક પાયલ..!
‘ફેસવોશ’થી મોઢું બરાબર ધોઇને મોઢા પર ‘કોમ્પેક્ટ’ પાઉડર લગાવી કપાળની વચ્ચો વચ્ચ ગોળ સુંદર મજાની ડાયમંડ અને સલમાના વર્કવાળી બેબીપીંક –ગ્રીન કલરના મિશ્રણવાળી બીઁદી લગાવી. આઈ-બ્રોના બે ચાર વાળ થોડા ઊઁચા નીચા લાગતા હતા. આજે તો કોઇ જ કમી ચલાવી લેવાનો મૂડ નહતો.જલ્દીથી પ્લકર – કાતર લઈને આઇબ્રો સેટ કરી. જન્મજાત સુંદર કાળી લાઁબી પાંપણ પર મશ્કરાનો હળ્વો લસરકો માર્યો અને આસમાની ઝાંય ધરાવતી લાઈનર…ઉફ્ફ…લાઈન થોડી જાડી પાતળી થઈ ગઈ..પણ ચાલી જશે..બહુ નાની ભૂલ હતી. સરળતાથી નજરે ચડે એમ નહોતું.. પીંક આઇ શેડો – બ્લશર..ગ્રેપવાઈન અને પીંકીશ શેડ્ના મિક્ષ્ર કલરની લિપસ્ટીક… મનોમન નવાઈ લાગતી હતી…હું પ્રોફેશનલ બ્યુટીશિયન નહોતી પણ આજે બધો મેકઅપ એક્દમ ચીવટતાથી થતો હતો.
આજે મને સમજાતું હતું કે મમ્મીને હંમેશા તૈયાર થતાં આટલી વાર કેમ લાગતી હતી ! જ્યારે બહાર જવાનું હોય ત્યારે હું હંમેશા પપ્પાની સાથે મળીને એમની મજાક ઉડાવવામાં સાથ આપતી હતી. પણ જ્યારે મમ્મી તૈયાર થઈને રુમની બહાર આવતાત્યારે પપ્પાની આંખમાં એક છૂપો પ્રશંસાનો ભાવ તરતો ચોક્કસ જોઇ શક્તી હતી અને મનોમન એ બેયના પ્રેમને – આકર્ષણને જોઇને હું અનોખો આનંદ અનુભવતી. અચાનક મારા લગ્નના 18 વર્ષ પછી મારો પરણેતર પણ મને આવા જ અદ્મ્ય આકર્ષણથી જ નિહાળે એવી ઇચ્છા મનના એક ખૂણે બળવત્તર થઇ ગઈ !
છેલ્લે વાળ ભીના કરીને ડ્રાયર મારીને વાળના લેયર્સ સેટ કર્યા. મમ્મીના ડ્રેસિઁગ ટેબલના એક ખૂણે પડી રહેલી કંકુની ડ્બ્બી તરફ આપોઆપ નજર વળી. મનમાં અરમાનોનો સમંદર ઉમટવા લાગ્યો. ના રહેવાતા ડબ્બી ખોલીને અંગૂઠા અને આંગળીની ચપટીમાં કંકુ ભરીને વાળમાં થોડી ડાબી બાજુ પડતી પાંથીમાં એને અડાડ્યું અને મનોમન એ જ્ગ્યાએ એની હાજરીની કલ્પના કરવા લાગી. બે પળનો નશો માણ્યા પછી બધું યથાવત પાછું મૂકી દીધું…લાઈટ રોમાંટીક સ્મેલવાળું બોડી સ્પ્રે લઈ બગલ..કાંડું…કાનની બૂટ..બધે સ્પ્રે કર્યું.
ચંપલમાં પગ નાંખતા ધ્યાન ગયું, ‘અરે, પગમાં નેઈલ પોલિશ બગડી ગયેલી.તરત એને રીમુવરથી સાફ કરીને ફરીથી એક હળ્વો નેઇલ-પોલિશનો કોટ લગાવ્યો.
ડ્રેસિઁગ ટેબલના બધા કાચ સેટ કરી મારી જાતને બે ફૂટ દૂર જઈ દરેક એઁગલથી ચેક કરવા લાગી.
એક છોકરી પ્રેમમાં પડે એટલે કેટલી હદ સુધી બદ્લાઇ શકે એના જીવતા- જાગતા નમૂના જેવી હું આંખો ફાડીને મારી જાતને આઈનામાં નિહાળી રહી. શું આ હું જ છું..જિન્સ – શોર્ટસ માં શોભતી નટખટ ઉછ્ળકૂદ કરતી સુગંધી ! ના…આ તો કોઇ નવપરિણીત સોળ શણગાર સજેલી દુલ્હન હતી. જેને હું મારા જીવનમાં સૌ પ્રથમ વાર જ મળી રહી હતી. જે છું એનાથી વધારે સુંદર દેખાવાના ..ના..ના..કદાચ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી દેખાવાના અભરખાના અંકુર આજે મનના ખૂણે ફૂટતા જતા હતા.
ત્યાં તો નીચેથી કારનું હોર્ન અને બે પળ પછી મમ્મીનો અવાજ આવ્યો…
‘સુગંધી…બેટા તારી બહેનપણીઓ આવી ગઈ…જલ્દી કર હવે.કેટલું તૈયાર થઈશ હજુ !’
‘આવી મમ્મા..એક મિનીટ..’ અને હું ઝડપથી રુમમાંથી બહાર નીકળવા ગઈ. જીન્સમાં દોડવા ટેવાયેલા પગ આજે સાડીના બંધનમાં અટ્વાઈ ગયા અને હુ એક ગડથોલું ખાતા ખાતા માંડ બચી..ઉફ્ફ…આ બધું આગળના ચાર-પાંચ કલાક કેમનું મેનેજ થશે મારાથી ? ત્યાં ‘આશુ’નો પ્રેમાળ ચહેરો નજર સામે તરવર્યો.
‘આના માટે તો બધું કરી શકાય..’
અચાનક યાદ આવ્યું કે દાદર ઉતરતી વેળા મમ્મી કળાત્મક રીતે સાડીની પાટલીને થોડી ઊંચી કરીને ચાલતા હતા . મેં પણ હળ્વેથી મમ્મીની સ્ટાઈલમાં ચપટીમાં પાટલીને પકડીને થોડી ઊઁચી કરી. બે-ચાર વારની નિષ્ફળતા પછી થોડી ફાવટ આવી. મમ્મી જેવી નજાકત તો ના આવી પણ કામ ચાલી ગયું અને ધીમે ધીમે દાદરા ઉતરીને નીચે આવી.
મને જોઇને ડ્રોઇઁગ રુમમાં રહેલ પાંચે પાંચ જીવ..મમ્મી અને મારી ચાર સહેલીઓ…બધાંના મોઢા અચરજથી પહોળા થઈ ગયા ! મમ્મીએ તરત કાજળની ડબ્બી લાવીને મારા કાન પાછ્ળ ટીકું કર્યુ, ને બોલ્યા,
’મારીદીકરી આવડી મોટી ક્યારે થઈ ગઈ..ખબર જ ના પડી !’’
અને એને ગળે લાગીને વ્હાલ કરીને હુ ઉતાવળી ઉતાવળી બહેનપણીઓ સાથે ગાડીમાં ગોઠવાઈ.
‘શું વાત છે ..આજે હવામાં રોમાંસ જ રોમાસ ફેલાઇ રહ્યો છે ને કંઇ ! આટલા બધા સાજ શણગાર-એ પણ નેચરલ બ્યુટીની પ્રખર હિમાયતી સુગંધી…હે ય..કોઇ મને ચૂંટી ખણો તો ‘ બોલીને હળ્વેથી મારી સખી સોનમે મને એક આંખ મારી.
‘બસ કર હવે..’ ખોટાગુસ્સા સાથે મેં સખી સામે ડોળા તગતગાવ્યા..
‘સારું..અમે તો બસ કરી લઈશું પણ રુપના આ સાગરથી બીજું કોઇ બચશે કે નહી એની ચિંતા અમને બહુ સતાવે છે.’ એની વાતનો સઁદર્ભ સમજતા ગુલાબી મેકઅપની નીચેથી કુદરતી રતાશ ગાલ પર છ્લકવા લાગી.આખા શરીરનું લોહી ગરમ થઇ ગયું ને કાનની બૂટ પર ઠોકર મારવા લાગ્યું. એ પણ લાલઘૂમ થઈ ગઈ.
‘ચિબાવલી…હવે સામે જોઇને ગાડી ડ્રાઈવ કરને નહી તો માડ હાથમાં આવેલી ગાડી ક્યાંક અથડાઈ બેસીશ અને પપ્પાની વઢ પડશે નફામાં.’
‘મારા બોલવા પર તો કંટ્રોલ કરી લઈશ પણ આશીર્વાદ આગળ શું કરીશ…’
અને આખી ગાડી જુવાન હાસ્યથી છ્લકાઇ ગઈ.એ પછી આખા રસ્તે શરમના ભારથી લદાયેલી પાંપણો મારાથી ઉંચી જ ના થઈ શકી.
ક્રમશ: